નયના કથાનક
“નયના..” હું ઘરમાં પ્રવેશી એ સાથે જ મમ્મી દોડીને મારી પાસે આવી. હું ડઘાઈ ગઈ કેમકે મેં મમ્મીને ખબર આપ્યા ન હતા તો મમ્મી ત્યાં કેમ આવી હશે એ મને સમજાયું નહિ. કદાચ બીજી મમ્મીએ (કપિલની મમ્મીએ) એને ફોન કર્યો હશે એમ મને લાગ્યું.
“હું ઠીક છું, મમ્મી.” મેં કહ્યું ત્યાં સુધીમાં પપ્પા પણ મારી પાસે આવીને ઉભા રહી ગયા. એમની આંખોમાં સવાલ હું વાંચી શકતી હતી પણ મેં એ બેધ્યાન કર્યો.
“આટલું બધું થઇ ગયું અને તે અમને ખબર પણ ન કરી?” મેં પપ્પાની આંખોમાં પર્શ્ન અવગણ્યો એનો કોઈ ફાયદો ન થયો કેમકે પપ્પાએ વિઝ્યુઅલ સવાલને શબ્દિક રીતે રજુ કર્યો.
મમ્મી પપ્પા આ બધું થયું ત્યારે માશીને ત્યાં પુના ગયેલા હતા માટે એમને એ બધી ખબર ન હતી અને અમે એમને પરેશાનીથી દુર રાખવાનું નક્કી કર્યું હતું તો એમને એ વાતની ખબર કઈ રીતે થઇ એ નવાઈની વાત હતી.
“તમને બધાને ખોટી તકલીફ આપીને શું કરીએ..” મારા બીજા મમ્મીએ (કપિલના મમ્મીએ) જવાબ આપ્યો.
“ખોટી તકલીફ..?” મમ્મી ઉકળી ગઈ, “કેમ તમે અમને પારકા ગણો છો?”
“મમ્મી, એક અગત્યની ચર્ચા કરવા માટે બધા ભેગા થયા છે.. આપણે આ બધી સ્ત્રીઓની રોજીંદી વાતો પછી કરીએ તો ન ચાલે..?” મેં મમ્મીની એ જ નાનકડી નયના બની જતા કહ્યું. મને ખબર હતી મમ્મી એની વહાલી નયનાની વાત ટાળી ન જ શકે.
“હા, પણ આ તો અમે એકાએક શહેરમાં આવ્યા અને સમાચાર સાંભળ્યા...”
મેં મમ્મી તરફ જોયું પણ એ મમ્મી ન હતી, ઓહ! માય ગોડ! માશી પણ સાથે આવ્યા હતા.
“આંટી..” હું એમને ભેટી પડી કેમકે એમને ચુપ કરવાનો એ એક જ રસ્તો હતો.
“આંટી બધાને ચાની તાત્કાલિક જરૂર છે..” એ વધુ બોલી શકે એ પહેલા જ મેં કહ્યું, “બધા એકદમ થાકીને આવ્યા છે.”
“ને હું તો જાણે પુનાથી નાગપુર આવું તો ફ્રેશ થતી હોઈશ..” માશી ક્યારેય ગંભીર ન થતા. એ એમની સૌથી સારી અને સૌથી ખરાબ આદત હતી.
“કેમ ન થાય, ભાણીને જોઈ તું ફ્રેશ નથી થઇ..?” મેં એમને અંદર મીકલવાનો નવો દાવ અજમાવ્યો.
“તું મને ઈમોશનલ બ્લેકમેઈલ કરી જાય છે છોકરી.” માશી સ્મિત ફરકાવી કિચન તરફ ગયા.
મમ્મી અને પપ્પા પણ સોફા પર ગોઠવાયા. ભલે માશી હસીને રસોડામાં ગયા પણ એમની આંખોમાં ચિંતા અને ઉદાસી તે મારાથી છુપાવી શક્યા નહિ. બધા મને દેખાડવા પૂરતા હિમ્મત બતાવી રહ્યા હતા અને હું એમને દેખાડવા માટે હિમ્મત બતાવી રહી હતી - કદાચ એને જ પરિવાર કહેવાતો હશે - જેમાં એકબીજા માટે હસવું પડે છે.
રસ્તામાં રૂકસાના કોઈ વાતચીત કરવા માંગતી ન હતી માટે જાણી જોઇને જ બોલેરોમાં તેણીએ મને ડ્રાયવર સીટ પર અને અરુણને પાછળની સીટ પર સુવાડ્યો હતો. આમ પણ સોમર અંકલ અને કપિલ કાર લઈને આવ્યા હતા પણ ઘરે આવી ફોયરમાં ગોઠવાતા જ સોમર અંકલે સવાલો શરુ કર્યા. હું એ વાતચીતનો એક શબ્દ પણ મિસ કરવા માંગતી નહોતી માટે તરત એ તરફ સરકી.
“રૂકસાના, એવું તે શું થયું હતું કે તારે આ બધાને લઈને તાત્કાલિક ભૈરવ પહાડી જવું પડ્યું?” સોમર અંકલે કોચ પર ગોઠવાયા.
“હું જાણવા માંગતી હતી કે વિવેકને કોણે મહોરું બનાવ્યો છે.” રૂકસાનાએ કહ્યું.
“મતલબ તને ખબર હતી કે એ ફોન શ્લોકનો નથી છતાં તે ત્યાં જવાનું જોખમ લીધું?” સોમર અંકલના અવાજમાં ગુસ્સાનો ભાવ ભળ્યો.
હું એમનાથી થોડેક દુર ખુરશી પર બેઠી. ફોયરમાં માણસો વધારે હતા માટે એકસ્ટ્રા ખુરશીઓ ગોઠવી હતી.
“હા, હું જાણતી હતી કે એ શ્લોક ન હતો.” રૂકસાનાએ કહ્યું, “વિવેકને જેણે મહોરું બનાવ્યો છે એના સુધી પહોચવા માટે એને એમ લાગે એ જરૂરી હતું કે એ વધુ ચાલક છે અને આપણે ગાફેલ.. જો આજે અમે ત્યાં ન ગયા હોત તો એ સમજી જાત કે આપણે ચાલાક છીએ ગાફેલ નહિ અને એ વધુ સર્તક બની જાત.”
“પણ ત્યાં જવામાં જોખમ હતું...”
“ખબર છે અને અમે એ જોખમથી પાર ઉતર્યા છીએ..”
“પણ..”
“અંકલ તમે મારા માટે મારા પપ્પા સમાન છો. તમે જે સજા આપો એ ભોગવવા હું તૈયાર છું.”
“સજાની વાત નથી..” સોમર અંકલે ખિસ્સામાંથી સીગારેટ નીકાળી અને લાઈટરથી સળગાવી, “પણ તે ત્યાં જઈને આટલું જોખમ ઉઠાવી શું મેળવ્યું...?” અંકલ જે રીતે ઉપરા ઉપર સિગારેટ પીતા હતા તે જોઈ તેમની માનસિક હાલત મને સમજાતી હતી.
“એક સુરાગ.. અને એક પોલીસ ઓફિસર માટે કોઈ પણ અપરાધી સુધી પહોચવા એક સુરાગ કાફી હોય છે.”
“કેવો સુરાગ..” હું વચ્ચે બોલી ઉઠી કેમકે મને ત્યાં કોઈ સુરાગ દેખાયો નહોતો.
કપિલે મારા તરફ જોઈ ચુપ રહેવા ઈશારો કર્યો. તે સોમર અંકલની બાજુમાં બેઠો હતો.
“જયારે હું પહેલીવાર શોમાંથી વૈશાલી અને વિવેક ગાયબ થયા ત્યાં આવી હતી મને એક અલગ જ શક્તિ ત્યાં હાજર દેખાઈ હતી. માટે મેં ત્યાં એક સામાન્ય પોલીસની જેમ છાનબીન કરીને નીકળી જવાનું પસંદ કર્યું હતું.”
“તું પહેલેથી આ કેસની ઊંડાઈ સમજી ગઈ હતી..?” સોમર અંકલે સિગારેટ ખંખેરી.
“હા. કેમકે આવી બાબતોને હળવી લેવાની ભૂલ ભારી પડે એ બાબત મારાથી સારી રીતે કોણ જાણી શકે?”
“તને ત્યાં કેવી શક્તિ ધ્યાનમાં આવી હતી..?”
“તાંત્રિક શક્તિઓ..” રૂકસાનાએ કહ્યું, “એ કોઈ સામાન્ય શક્તિ જ હતી બસ વિવેકને જાળમાં ફસાવી એ એને બનાવી ગઈ હતી બાકી એનામાં વિવેક સામે લડી શકવાની પણ ઉર્જા નહોતી.”
“વિવેકને એ કાપડનો ટુકડો બાબુ જાદુગરે આપ્યો હતો એણે કબુલ્યું છે કે એને એ કામ કોઈ તાંત્રિકે સોપ્યું હતું.” સોમર અંકલે કહ્યું ત્યારે જ માશી ચાની ટ્રે લઇ ફોયરમાં દાખલ થયા. માંશીએ બંને ટીપોય પર વહેચીને કપ મુક્યા.
પહેલો કપ સોમર અંકલે ઉઠાવ્યો અને બીજો રૂકસાનાએ ત્યારબાદ અરુણ અને કપિલે તથા પપ્પાએ પણ ચા લીધી. કપિલના પપ્પા પણ ફોયરમાં હાજર હતા પણ એ કઈ બોલતા ન હતા.
હું આવી ત્યારથી મેં એમને ખાસ ક્યારેય બોલતા જોયા જ નહોતા. મમ્મીને એક બે વાર પૂછ્યું ત્યારે એમણે કહ્યું હતું કે કૃણાલ અને એની પત્નીની હત્યા જોયા બાદ તેઓ એકદમ સુન્ન બની ગયા છે.
એમણે પણ કપ હાથમાં લીધો.
“એ માત્ર ભ્રમણા ઉત્પન્ન કરવા માટે છે.” રૂકસાના ગરમ ચા એ રીતે લઇ રહી હતી જાણે કોઈ કોલડ્રીન્કસ પીતું હોય. બે ત્રણ મોટા ઘૂંટડા લઇ રૂકસાનાએ કપ ટીપોય પર મુક્યો ત્યારે એ ખાલી હતો.
“ભ્રમણા, કોણ ભ્રમણા ઉત્પન્ન કરવા માંગતું હોય?”
“એ જ જેણે વિવેકને ફસાવ્યો છે.”
“એ બાબુ ન હોઈ શકે..”
“ચોક્કસ બાબુ તો નથી પણ બાબુ જે ધારે છે એમાનું પણ નથી જ...” બધી વાતચિત સોમર અંકલ અને રૂકસાના વચ્ચે જ થઇ રહી હતી, “બાબુને પણ છેતરવામાં આવ્યો છે. જે કોઈ પણ આની પાછળ છે એ એમ દેખાડો કરવા માંગે છે કે આ બધું કોઈ તાંત્રિક કરી રહ્યો છે.”
“ખરેખર કોઈ તાંત્રિક ન હોય તો વિવેક પર કાબુ કઈ રીતે શકય છે?”
“એ જ નથી સમજાતું..” રૂકસાના ઉભી થઇ અને એક હાથની મુઠ્ઠી બીજા હાથની હથેળીમાં પછાડી.
“તો તું કઈ રીતે કહી શકે કે ખરેખર કોઈ તાંત્રિક નથી.. કદાચ કોઈ અઘોરી કે કાપાલિકે જાળ પાથરી હશે તો..?”
અ સવાલો જવાબો થતા હતા ત્યારે અમે બધા ચુપચાપ એક બીજાના મોઢા જોતા રહ્યા અને સવાલે જવાબે રૂકસાના અને સોમર અંકલના ચહેરાની રેખાઓ જોતા રહ્યા એ સિવાય અમે કશું કરી શકીએ તેમ ન હતા કારણ એ બાબતો વિષે અમે અજાણ હતા.
“એ શકય નથી, આ દુનિયામાં કોઈ એવી ઉર્જા નથી જે કોઈ જગ્યાએથી જતી રહે એ પછી પણ હું એની હાજરી જાણી ન શકું..” રૂકસાના ચીલ્લો કરેલો હતો. એવી તાકાતોને ઓળખવામાં એ થાપ ન ખાઈ શકે. એ ચાળીસ રાતો એવી ભયાનક શક્તિઓની હાજરીમાં વિતાવી ચુકી હતી.
“મને તારી શક્તિઓ પર વિશ્વાસ છે. તે કોની સામે જંગ જીત્યો છે એ પણ હું જાણું છું પણ તું વિશ્વાસ સાથે કઈ રીતે કહી શકે કે કોઈ તાંત્રિક નથી?”
“કેમકે આજે ભૈરવ ગુફામાં બોલાવી એ વ્યક્તિ આપણી સામે સાબિત કરવા માંગતી હતી કે કોઈ તાંત્રિક છે.”
“એ કઈ રીતે?”
“ત્યાં એ શબ સાધના થતી હોય એવો દેખાડો કરી રહ્યો હતો. ત્યાંથી મળેલી મહિલાની બોડી તપાસતા જ મને સમજાઈ ગયું કે એ બધું બનાવટી હતું. હું ચોક્કસ કહી શકું કે એ શબ બાર કલાક પહેલાનું હતું અને કોઈ તાંત્રિક એટલો મુર્ખ ન હોય કે એને શબ સાધનાની વિધિ ખબર ન હોય. કોઈ અઘોરી કે કાપાલિક એ વાતથી અજાણ ન હોઈ શકે..”
“જો કોઈ સામાન્ય માણસ એ બધું કરીં રહ્યો છે તો વિવેક પાસે વ્યોમને કઈ રીતે મરાવી શકે..?” સોમર અંકલે કપ હવે ખાલી કર્યો. અરુણ પણ એમની જેમજ ચા પીવામાં ધીમો હતો કે કદાચ મારી જેમ એ ચર્ચા સાંભળવામાં વ્યસ્ત હતો.
“વિવેકે વ્યોમની હત્યા કરી જ નથી..”
“તો શું એ સામાન્ય માણસે કરી?” સોમર અંકલના શબ્દોમાં અવિશ્વાસ હતો.
“એ માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ જાદુગર છે, તમારા જેટલી ક્ષમતા ધરાવતો જાદુગર પણ એ પોતાની ઓળખ છુપાવી બધું કરવા માંગે છે.” રૂકસાના આંટા મારતી રહી.
“તું કઈ રીતે કહી શકે કે એ કોઈ જાદુગર છે.” સોમર અંકલ પણ ગૂંચવણમાં હતા, “અને વિવેક એવા એક સામાન્ય જાદુગરના કહેવાથી કેમ સેજલ અને શ્લોક તથા બાકીના બધાને કિડનેપ કરે...?”
“કેમકે વિવેક એની સામે લડવા કોઈ અલગ જ પ્લાન બનાવી રહ્યો છે. એ જાદુગરને એની જ ચાલમાં માત કરવા માંગે છે.” રૂકસાનાએ કહ્યું, “જો એ કોઈ તાંત્રિક હોત તો ગુફામાં એટલી આસાનીથી હાર સ્વીકારી ચાલ્યો ન જાત.”
“કદાચ આજની હાર આવતી સવારની જીત માટે રમાયેલો એક દાવ પણ હોઈ શકે..”
“આવતી કાલની જીત?” રૂકસાનાએ પૂછ્યું.
“આવતી કાલે અન્યાને એક વર્ષ થાય છે. એની પહેલી વર્ષ ગાંઠ પર એને નાગ મંદિર લઇ જવી પડશે અને મને શક છે કે એ જે કોઈ હશે એ વિવેક સાથે ત્યાં આવશે. આપણે વિવેક સામે લડવા તૈયારી કરવી પડશે.”
સોમર અંકલ વાર વાર વિવેક સામે લડવાની વાત કરતા હતા એ મને જરાય પસંદ ન હતું. કપિલે વચ્ચે બોલવાની ના કહી હતી છતાં હું ખુદને રોકી ન શકી, “તમને કેમ તમારા જ દીકરા સામે લડવાની આટલી ઉતાવળ છે..?”
મારો પર્શ્ન સાંભળી ત્યાં બેઠેલા દરેકની નજર મારા તરફ ફરી. સૌથી વધુ શોક રૂકસાનાને લાગ્યો.
“કેમકે એ તને નુકશાન પહોચાડી શકે છે. એ અન્યાને નુકશાન પહોચાડી શકે છે અને એમના આજના દાવને જોતા મને એમ જ લાગે છે કે એ આપણને છેતરી આવતીકાલે હુમલો કરવા માંગે છે.”
“હું આવતી કાલે એકલી જ નાગ મંદિરે ચાલી જઈશ.. એ મને કઈ નહિ કરે.. અને જો મારા મરી જવાથી એને કશુય મળતું હોય તો હું એ માટે તૈયાર છું પણ કોઈ વિવેકને કઈ નહિ કરે.” મેં મોટેથી કહ્યું. વિવેકને કઈ થાય એ વિચારથી જ હું ધ્રુજી ઉઠી હતી.
“હું તારી લાગણી સમજી શકું છું નયના પણ બીજો કોઈ રસ્તો નથી.”
“મતલબ તમે એને..” હું વાક્ય પુરુ ન કરી શકી. વિવેક વિશે એ વાક્ય ઉચ્ચારતા મારી હિમ્મત ન ચાલી.
“હા, નયના...” ત્યારના ચુપ ઉભેલા કપીલમાં પણ હિમ્મત આવી હોય એમ બોલ્યો, “બાબુને મળીને વળતા સોમર અંકલે ચેમ્બર ઓફ સિક્રેટથી એક હોલી શોટગન પણ લાવી છે. એ વિવેકને...”
“આપણે અન્યાને નાગ મંદિર નહિ લઇ જઈએ.. જે થશે એ જોયું જશે..” મેં કહ્યું.
“પાગલ ન બનો તમે બંને..” સોમર અંકલ બરાડ્યા, “આકાશમાં સ્વસ્તિક મુહુર્ત રચાયું છે જે તમને આવા પાગલ ફેસલા લેવા મજબુર કરી રહ્યું છે. જો અન્યા આવતી કાલનો સુરજ આથમે ત્યાં સુધી નાગ મંદિરે નહિ જાય તો એ હમેશા માટે નાગિન બની જશે. એ માનવ રૂપ ધારણ નહિ કરી શકે. નાગ લોકો વર્ષોથી એ રીતે એમના બાળકોને નાગ બનતા અટકાવી રહ્યા છે.”
મારી પાસે દલીલ કરવા માટે કઈ ન રહ્યું એક તરફ અન્યા કાયમ માટે નાગિન બની જાય એમ હતી તો બીજી તરફ વિવેકના જીવનો સવાલ હતો - બંને તરફ અમારે ગુમાવવાનું જ હતું. કદાચ એ જ સ્વસ્તિક મુહુર્ત હતું. જેમાંથી આબાદ બની નીકળવું અશકય હતું - અમે કોઈ એકને ગુમાવ્યા વિના ત્યાંથી નીકળી શકીએ એમ નહોતા.
“હોલી શોટ-ગન દુશ્મન સામે નકામી છે એના પર એની કોઈ અસર નથી થતી એ હું હમણા જ ગુફામાં ચકાસીને આવી છું.” રૂકસાનાએ કહ્યું, “એના પર હોલી બુલેટની કોઈ અસર નથી થતી.”
“એ અશકય છે, કોઈ તાંત્રિક કે કાળો જાદુ કરનાર વ્યક્તિ આ ગન સામે ન ટકી શકે.”
“હા, અંકલ અમે એ પડછાયા પર ચાર ચાર ગોળીઓ ચલાવી હતી પણ એના પર કોઈ અસર નથી થઇ.” અરુણે પણ કહ્યું.
“મતલબ એ કોઈ મદારી જ છે કેમકે માત્ર મદારી પર જ આ હોલી બુલેટ અસર નથી કરતી.”
“કેમ?” રૂકસાનાએ પૂછ્યું. તે ફરી બેઠી.
“કુદરતી વરદાન સમજી લે. જેમ સાપનું ઝેર અમને અસર નથી કરી શકતું એ જ રીતે મીસાચી ભાષાના શ્લોકો લેખેલી આ શોટ ગનની ગોળી પણ અમારા પર કોઈ અસર નથી કરી શકતી.”
“પણ એવો કોણ મદારી હોઈ શકે?”
“જે હશે તે પણ આવતી કાલે એનો સામનો તો કરવો જ પડશે.”
“પણ કઈ રીતે?” રૂકસાનાએ પૂછ્યું, “એના પર હોલી શોટગનની તો અસર થતી નથી અને એના સાથીઓ માત્ર ભ્રમણા છે. મેં એમના પર ગોળી ચલાવતા એ બધા જાણે એ માયાજાળના બનેલા હોય એમ અદ્રશ્ય થઇ ગયા હતા. તેઓ રેતની જેમ વિખેરાઈ જતા પડછાયાથી વધુ કઈ ન હતા.”
“એ હાફ-બ્રીડ હશે. માત્ર જાદુના બનેલા - તેમના પર હોલી શોટ ગનની અસર થઈ મતલબ એ હાફ બ્રીડ હશે પણ એવો જાદુ નાગપુરનો કોઈ જાદુગર રચી શકે નહી. કોઈ બહારનો માણસ લાગે છે.”
“એ માણસ કયાંનો છે એ અંદાજ એક રીતે આવી શકે એમ છે.” રૂકસાનાએ પોતાનો ફોન નીકાળ્યો અને કોઈ એક નંબર મેળવ્યો.
“સરલકર. રીપોર્ટ?”
“ફોરેન્સિક રીપોર્ટ નથી આવ્યો પણ પોલીસ સર્જનના મત મુજબ ત્યાં મળેલા ઓર્ગન માનવના ન હતા. એ કોઈ અલગ અલગ પાંચ પ્રાણીઓના હતા, અને ગુફાના સ્ટોન ટેબલ પરનું લોહી કોઈ પક્ષીનું હતું.”
“સ્ટોન ટેબલ પર સુવાડેલી એ લાશ કોની હતી..”
“એ મહિલાનું નામ કલ્પના છે. એ અનાથ છે અને નાચ ગાન કરીને જીવન ગુજારતી હતી. એ બે દિવસ પહેલા નાગપુર જૂની હવેલી પાસે હૃદયના હુમલામાં ગુજરી ગઈ હતી. લોકોએ નગરપાલિકાને ફોન કરતા એને નાગપુર શબઘર લઇ જવામાં આવી હતી. ત્યાં કોઈ એના પરિવારનું એના શબ માટે આવે એની ચોવીસ કલાક રાહ જોવાઈ હતી અને એ પહેલા એ શબ ત્યાંથી ચોરી થઇ ગયું હતું.”
“કયા વિસ્તારના શબ ઘરથી?”
“સેન્ટ પીટર રોડ...”
“એ સિવાય કોઈ ખબર...?”
“હા, મેડમ, જે ગુફામાંથી એ બધું મળ્યું ત્યાં અમે છાનબીન કરતા એક ગુપ્ત દરવાજો મળ્યો છે અને ત્યાં પહાડમાં એક ગુપ્ત ભોયરામાંથી એક જુનું કંકાલ મળ્યું છે, વર્ષો જુનું કંકાલ...”
“ઓકે, સરલકર. કોઈ બીજો રીપોર્ટ આવે તો મને જાણ કરજો..” રૂકસાનાએ ફોન ડીસકનેકટ કર્યો.
ફોન પર શું વાત થઇ એ ચર્ચાની જરૂર નહોતી કેમકે સામે છેડેથી બોલાયેલા ધીમા શબ્દો હું, કપિલ, અરુણ, અને સોમર અંકલ બધા સાંભળી શકતા હતા.
“ભૈરવ ગુફા આવવા માટે ફોન દુશ્મને નથી કરેલો..” રૂકસાનાએ ફોન ટીપોય પર જ મૂકી દીધો, “એ ફોન કોઈ બીજાનો હતો.”
“મતલબ..?” સોમર અંકલ પણ કઈ સમજ્યા નહિ, “મને કઈ ખબર ન પડી કે ફોન પર સરલકર સાથે વાત કરીને તારો મત કેમ બદલી ગયો.”
“કેમકે ત્યાં તેઓ કોઈ મહત્વનું કામ કરી રહ્યા હતા. એ મેસોપોટેમીયન મેજિક હતો. એ લોકો શવ સાધના કરતા એક સ્ટેપ ઉપરનો જાદુ ચાહતા હતા. તેઓ વર્ષો પહેલા મરી ગયેલા કોઈ વ્યક્તિને જીવિત કરી રહ્યા હતા.”
“કદાચ ભૈરવ ગુફાના અઘોરીને..?”
“હોઈ શકે ત્યાં મળેલી ચીજો મુજબ ત્યાં કોઈ ભયાનક કાળો જાદુ ચાલી રહ્યો હતો જે અમારા જવાથી ખલેલ થયો અને અધુરો રહી ગયો હતો.”
“એમના સિવાય ફોન પર કોણ હોઈ શકે..?”
“વિવેક..” રૂકસાનાએ કહ્યું, “કદાચ વિવેક બે તરફ રમત રમી રહ્યો હોય...”
“વિવેક ન હોઈ શકે, એનો પડછાયો બંધ થયાને ચોવીસ કલાક કરતા વધુ સમય થઇ ગયો છે. હમણાં સુધીમાં તો એ સંપૂર્ણ પણે ડાર્ક એનર્જીના વશમાં આવી ગયો હશે. એ કઈ વિચારે શકે એવી હાલતમાં પણ નહિ હોય.”
લેખાને અશ્વાર્થે પોતાના હાથે જ કેમ મારી નાખી હતી એ હું સમજી ગઈ. લેખાનો પણ પડછાયો બંધ થઇ ગયો હતો અને અમુક અંશે એ ડાર્ક એનર્જીના કાબુમાં આવી ગઈ હતી. એ પોતાના પરનો સંપૂર્ણ કાબુ ગુમાવી બેસે અને અંધકારને વશ થઇ જાય એ પહેલા અશ્વાર્થે એ કદમ ઉઠાવ્યું હતું તો શું સોમર અંકલ પણ...? હું વધુ વિચારી ન શકી.
“તો કોઈ બીજો જાદુગર...?” રૂકસાનાએ પૂછ્યું, “કોઈ તમારો હિતેચ્છુ?”
“વ્યોમ નથી રહ્યો નહિતર એ શક્ય બની શકે... બીજો કોઈ મારા ધ્યાનમાં નથી.” સોમર અંકલ થોડોક સમય કઈક વિચારતા હોય એમ બેસી રહ્યા અને એકાએક ઉભા થઇ ગયા.
“શું થયું અંકલ...?” રૂકસાના પણ ઉભી થઇ ગઈ.
“કદાચ વેદ હોઈ શકે...” સોમર અંકલે કહ્યું, “જયારે વિવેકે ચેમ્બર ઓફ સિક્રેટ પર હુમલો કરી વિલ ઓફ વિશનો ઉપયોગ કરી એને નષ્ટ કરી નાખ્યું ત્યારની મને નવાઈ લાગી હતી કે વિવેક જેવો સામાન્ય છોકરો વેદ જેવા બ્લડ લાઈન જાદુગરને કઈ રીતે જીતી શકે?”
“એ જુઠ્ઠું બોલ્યો હશે..?”
“હા, વિવેક અને વેદ બંનેએ ભેગા મળીને જાદુગર મંડળીને બેવકૂફ બનાવી છે. વેદે જ એને વિલ ઓફ વિશનો ઉપયોગ કરવાની ઈજાજત આપી હોય. હકીકત જાણવા મારે ચેમ્બર ઓફ સિક્રેટ જવું પડશે... મારે એ વેદને મળવું પડશે...”
“અત્યારે..?”
“હા, અત્યારે જ...”
“હું આવતી કાલે ભેડા પર બંદોબસ્ત માટે પોલીસ ફોર્સ તૈયાર કરું..”
“હા, ચુનંદા પોલીસોને ભેડા પર ખડકી દે રૂકસાના કેમકે આવતી કાલે ભેડો ફરી એક જંગ નિહાળવાનો છે.” સોમર અંકલે દરવાજા તરફ જતા કહ્યું. એમની પાછળ રૂકસાના અને અરુણે પણ આવતી કાલે ભેડા પરનો જંગ આબાદ રીતે જીતી લેવાની તૈયારીઓ કરવા નીકળી પડ્યા.
હું ખુરશી પર નિસ્તેજ બેસી રહી કેમકે આવતી કાલના જંગમાં બંને તરફ ગુમાવવાનું જ હતું. એ જંગ શરુ થયા પહેલા જ હું હારી ચુકી હતી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky