Swastik - 49 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 49)

કપિલ કથાનક

એ વિશાળ કદના ખંડમાં બાબુ ચાંદીના પલંગ પર આઠ દસ તકીયા સાથે આરામ ફરમાવી રહ્યો હતો. એ પોતાની સામેની દીવાલ પરના મોટા કદના આયનામાં જોઈ મૂછોને તાવ આપી રહ્યો હતો. એના આસપાસ એક બે નોકરડીઓ જમીન પર બેઠી હતી અને બાબુ એમના માટે ભગવાન હોય એમ પગ ચંપી કરી રહી હતી.

બાબુને જોતા જ મને એમ લાગ્યું કે એ એક પ્રભાવશાળી વ્યક્તિ હશે. જોકે એ માણસ કરપ્ટ હશે એવો અંદાજ એને જોઈ કોઈ બાંધી શકે એમ ન હતો. એનું વ્યક્તિત્વ પણ સોમર અંકલ જેવું જ દેખાતું હતું. બસ એના કપડા જરા વધુ આધુનિક ઢબના હતા. એણે બ્લુ જીન્સ અને બ્લેક સ્લીવલેસ જેકેટ પહેરેલું હતું જેથી એના બાવડામાં કેટલું બળ છે એ સામેના વ્યક્તિને એકી નજરે જ દેખાઈ જાય. અત્યારે પણ એ મુછ પર વળ ચડાવતો સામેના પુરા કદના આયનામાં પોતાના વેલ બીલ્ડ શારીરિક બાંધાને જોઈ રહ્યો હતો.

એકાએક એને આયનામાં પોતાનું પ્રતિબિંબ ઝાંખું લાગવા માંડ્યું.

પ્રતિબિંબ ખરેખર વિચલિત થયું હતું કે કેમ એ જોવા બાબુ ઉભો થયો અને આયના તરફ જવા લાગ્યો. એ આયના સામે આવીને ઉભો રહ્યો, હવે મને એનો ચહેરો એકદમ સાફ દેખાયો. જાણે દુરથી એ ચહેરો કોઈ માસ્કમાં છુપાયેલો હોય એમ મને એની મલિનતા ધ્યાનમાં આવી નહોતી પણ એ નજીક આવ્યો ત્યારે જાણે હું એના મનને સમજી શકતો હોઉં એમ મને લાગ્યું કે એ વ્યક્તિએ સારા જાદુગરને બદલે ખરાબ જાદુગર બનવાનું વધુ પસંદ કર્યું છે કેમકે એ માનતો હતો કે દુનિયામાંથી સારી ચીજો બહુ જલ્દી ખતમ થઇ જાવાની હતી અને માત્ર બાકી રહેવાની હતી ખરાબ ચીજો - એના અને એના માલિક જેવા ખરાબ માણસો, બસ બીજું કઈ નહિ.

એ થોડીક વાર આયનામાં જોઈ રહ્યો. એનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. એની આખો નવાઈથી પહોળી થઇ ગઈ. જાણે એ આંખો ફાટી ગઈ હોય એટલી હદે પહોળી થઇ ગઈ અને એ સાથે જ એ આયનો પણ જાણે ફાટી ગયો. ના એ તુટ્યો કે ચિરાયો નહિ પણ જાણે એ પાણીમાંથી બનેલો હોય એમ બે ભાગમાં વહેચાઈ ગયો.

“કોણ છે? બાબુ બરાડ્યો, “મારા ઘરમાં બળ પૂર્વક દાખલ થવાની હિમ્મત કોણ કરી શકે?”

સોમર અંકલે એને કોઈ જવાબ ન આપ્યો અને આયનામાંથી બહાર આવતા એ વિશાળ ખંડમાં પગ મુક્યો. એમને અનુશરતો હું પણ આયનામાંથી ખંડમાં આવ્યો. મને સમજાઈ ગયું કે એ પુતળું અનઓફિસિયલ એન્ટ્રી માટે હતું. અમે બાબુના ઘરમાં હોમ બ્રેક કર્યું હતું.

“કેમ છે, બાબુ?” સોમર અંકલે ડઘાઈ ગયેલા બાબુ તરફ જોયું.

“સોમર જાદુગર હું કેમ છું એ જાણવા તું મારા ઘરે નહિ આવ્યો હોય..?”

“સાચો અંદાજ લાગાવ્યો.” કહીને સોમર અંકલે સિગારેટ કાઢી અને સળગાવી.

“તું આ રીતે મારી પરવાનગી વગર મારા ઘરમાં કઈ રીતે આવી શકે?” બાબુ બરાડ્યો, “એ જાદુગરોના નિયમો વિરુદ્ધ છે.”

“ઓહ! ઈઝ ઈટ.....?” સોમર અંકલે આંખો પહોળી કરીને એને પૂછ્યું, “અને તું મારું રૂપ લઇ નાગપુરની સડકો પર ફરે એ નિયમ મુજબ છે?”

“તારું રૂપ..” બાબુ ઝાંખો પડી ગયો એ છતાં કાઈ જાણતો ન હોય એમ દેખાવ કરવા લાગ્યો, “તું શું કહે છે મને કઈ સમજાઈ નથી રહ્યું.”

“વિવેકને એ કાપડનો ટુકડો આપવા તને કોણે મોકલ્યો હતો?” સોમર અંકલે એના સવાલનો જવાબ આપવાને બદલે નવો સવાલ આગળ ધર્યો.

બાબુએ જવાબમાં સોમર અંકલ તરફ કુદકો લાગાવ્યો પણ એમને એ અંદાજ પહેલેથી હોય એમ એ ખસી ગયા અને બાબુ જાદુગર દીવાલ પરના આયના સાથે અથડાયો. એ આયનો હવે પાણીનો બનેલો ન હતો. અમારા બહાર આવતા જ એ ફરી ઘન સ્વરૂપ ધારણ કરી ચુક્યો હતો.

બાબુ અમારી તરફ ફર્યો. એના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. એ પૂરી તાકાતથી સોમર અંકલ તરફ કુદ્યો હતો અને આયના સાથે જોરદાર અથડાયો હતો, એનું નાક એના ચહેરામાં જરાક ઊંડું ઉતરી ગયું હોય એમ મને લાગ્યું. એનો લોહી નીતરતો ચહેરો જોતા જ ખંડમાં એની પગ ચંપી બંને છોકરીઓ કકળાટ કરવા લાગી.

હવે કુદકો લાગવાવનો વારો સોમર અંકલનો હતો. તેઓ જંગલી ચિત્તા જેમ બાબુ પર ઝાપટ્યા. બાબુ સાથે અથડાતા જ બાબુ દીવાલ સાથે અથડાયો. સોમર અંકલે એના ચહેરાને દીવાલ સાથે જ ભીંસી રાખ્યો. એ દર્દથી કણસવા લાગ્યો.

બાબુ એકદમ વિક પડી ગયો. એ હાર માની લેવા તૈયાર થઇ જશે એની ખાતરી થતા સોમર અંકલે એના ચહેરા પરની ભીંસ ઢીલી કરી.

“બાબુ, હું આજે જાદુ દેખાડવાના મૂડમાં નથી આવ્યો કે નથી મને તારા કોઈ જાદુના પેતરામાં રસ.. કોઈ પણ ચાલાકી કર્યા વગર મારા સવાલોના જવાબ આપવા તૈયાર થઇ જા નહિતર જીવ ગુમાવવા વારો આવશે..” સોમર અંકલે એને છોડતા પહેલા સુચના આપી.

સોમર અંકલે એને છોડ્યો એવો જ એ જમીન પર બેસી પડ્યો.

“બહુ જલ્દી નાગપુરમાં એક પણ મદારી નહિ બચે...” બાબુએ જમણા હાથની હથેળી વડે તેના ચહેરા પરથી લોહી લુછ્યું, “આપણો સમાજ બહુ જલ્દી ખતમ થવા જઈ રહ્યો છે.”

સોમર અંકલે પોતાના ખિસ્સામાંથી એક કેશરી રંગનો કાપડનો ટુકડો નીકાળી પોતાની હથેળી આસપાસ વિટ્યો, બાબુ એમની તરફ જોઈ રહ્યો હતો.

“તને બહુ શોખ છે ને કાપડના ટુકડાનો?” સોમર અંકલની મુઠ્ઠી બંધ થઇ અને મને એમની મુઠ્ઠી પર બોક્સિંગ ગ્લોવ્સની જેમ વીંટળાયેલ એ કાપડના ટુકડા પર અજીબ અક્ષરો દેખાયા, લગભગ એ મીસાચી ભાષાના શબ્દો હતા એમ મેં અંદાજ લાગાવ્યો.

બાબુ ચુપ ચાપ અમને તાકી રહ્યો. હું પણ ચુપ રહ્યો. ત્યાં મારે કશું બોલવાનું કે કશું કરવાનું હતું જ નહી. સોમર અંકલે બાબુને કોલરથી પકડી ઉભો કર્યો. એ હજુ હસતો હતો.

“તે કોની સાથે સોદો કર્યો છે?” સોમર અંકલે પ્રશ્ન કર્યો અને બાબુના જવાબ માટે એક મિનીટ રાહ જોઈ, કોઈ જવાબ ન મળતા સોમારે અંકલે એ કાપડ વીંટેલી મુઠ્ઠી એના ચહેરા પર ઝીંકી.

“તે વિવેકને કોની ચાલમાં ફસાવ્યો છે?” બાબુ પહેલા પંચના દર્દમાંથી બહાર આવી શકે એ પહેલા જ બીજો અને ત્રીજો પંચ એના ચહેરા પર ઝીંકાયા. બાબુની ચીસો બંને છોકરીઓના કકળાટમાં ભળી ગઈ.

સોમર અંકલ પાગલ થઇ ગયા હોય એમ એના ચહેરા પર પંચ ઝીંકવા લાગ્યા પણ બાબુએ કોઈ પાગલ માણસ હોય એમ બે પંચ વચ્ચેની ગેપમાં એને જે સમય મળે એ દરમિયાન એના લોહી નીતરતા ચિરાયેલા હોઠથી હસતો રહ્યો.

“અંકલ એ મરી જશે.” મેં સોમર અંકલને રોકવા બુમ પાડી.

“યાદ કરાવવા બદલ આભાર પણ આપણે એને મારવા જ આવ્યા છીએ.” સોમર અંકલે બાબુના ચહેરાને જરાક આરામ કરવાનો મોકો આપ્યો. અને ફરી એક પંચ બાબુના પેટમાં ઝીંક્યો.

બાબુ ગૂંચળું વળી જમીન પર ફસડાઈ પડ્યો. હું જાણતો હતો એના પર પંચની અસર કરતા સોમર અંકલના હાથ પર વીંટેલા કપડા પરના અક્ષરોની અસર વધુ થઇ રહી હતી.

“બસ કર સોમર, મારી બધી જાદુઈ શક્તિઓ ચાલી જશે...” બાબુ જમીન પર ગૂંચળાની જેમ પડ્યો પડ્યો જ બબડ્યો. હવે એ અર્ધ હોશમાં જ હતો, દર્દે એને પાગલ બનાવી નાખ્યો હોય એમ લાગતું હતું.

સોમર અંકલ પણ પોતાના પરનો કાબુ ગુમાવી બેઠા હતા કેમકે વિવેક સાથે બાબુએ છળ કર્યું હતું.

“તે કોની સાથે સોદો કર્યો છે?” સોમર અંકલને બદલે મેં જ સવાલ કર્યો, “તું જાતે રહીને કેમ મરવા માંગે છે?”

“મરી જવાનો મને અફસોસ નથી કેમકે એ સોદો ન કર્યો હોત તો પણ મારે મરવું જ પડોત.” બાબુએ કહ્યું.

“તે કોની સાથે સોદો કર્યો છે એ કહીશ તો તારી સુરક્ષાની જવાબદારી અમે લઈશું.” મેં કહ્યું.

“સાચું, પણ એ તમે નહિ કરી શકો.” બાબુએ ઉભા થવાનો પ્રયાસ કર્યો, મેં એને ઉભા થવામાં મદદ કરી. એ દીવાલનો ટેકો લઈ ઉભો રહ્યો. તેના ચહેરા પરથી ઠેક ઠેકાણે લોહી નીકળતું હતું. તેણે રૂમાલ કાઢીને હોઠ પરથી લોહી લુછ્યું.

“એ કોણ છે?” મેં પૂછ્યું, “અને અમે તને કેમ નહિ બચાવી શકીએ?”

“કારણ કે એની પાસે વિવેક છે...” બાબુએ કહ્યું, “એ હમણાં સુધીમાં નાગપુર જાદુગરોના જાદુનો અંત કરી ચુક્યો હશે.”

“એ મતલબ કોણ?” સોમર અંકલે ઉતાવળા થઇ પૂછ્યું.

“કોણ વિવેક..?” મેં પૂછ્યું.

“હા, એ કાળો પડછાયો હમણાં સુધીમાં ઇન્વેન્ટરને ગળી ગયો હશે.” બાબુ ગંભીર થઇ ગયો, “ઇન્વેન્ટર વ્યોમ ખતમ તો નાગપુરના મદારીઓનો જાદુ ખતમ.”

“એ શકય નથી...” સોમર અંકલે એને ફરી કોલરથી પકડયો, “વ્યોમને કોઈ ન મારી શકે...”

“પણ વિવેક હવે માણસ નથી...” બાબુ બબડ્યો, “એ શું બની ગયો એ તું જાણે છે સોમર.. અજાણ બનવાનો કોઈ અર્થ નથી, નર્ક એની રાહ જોઈ રહ્યું છે.”

“અને તારી પણ..”

બાબુની આંખો પહોળી થઇ. સોમર અંકલના કહેવાનો અર્થ એ સમજી ગયો હતો. સોમર અંકલે ખિસ્સામાંથી મેચ બોક્ષ નીકાળ્યું અને એમના હાથ પર બાંધેલા કપડાને છોડવા લાગ્યા. એ ખાસ કાપડ હતું સોમર અંકલે એના દરેક વાર વડે બાબુ જાદુગરની શક્તિઓ એમાં શોષી લીધી હતી.

બાબુ સોમર અંકલને જોઈ રહ્યો. એ સમજી ગયો કે સોમર અંકલ શું કરવા જઈ રહ્યા છે. સોમર અંકલે કાપડ છોડ્યું એ બાબુએ ધ્યાનમાં ન લેવાનો પ્રયાસ કર્યો પણ એના ચહેરાના ભાવ ચાડી ખાઈ ગયા કે એ ડરવા લાગ્યો હતો. એનો ડર એની આંખોમાં દેખાવા લાગ્યો.

સોમર અંકલે ભાગ્યે જ કોઈ જાદુગર જે તરિકો અપનાવતો હશે એ રીત અજમાવી હતી. બાબુની બધી જ જાદુઈ શક્તિઓ એક કાપડમાં સમાવી લઇ હવે તેઓ એ કાપડને સળગાવવા જઈ રહ્યા હતા.

“તું શું કરે છે સોમર?” બાબુ માંડ પોતાની જાતને ઉભી રાખી શકતો હતો, “એ કાપડ સળગાવી દીધું તો મારી બધી શક્તિઓ હમેશા માટે ખલાશ..”

“એ જ તો મેં કહ્યું કે તારા માટે પણ નર્ક રાહ જોઈ રહ્યું છે,” સોમર અંકલે એની તરફ જોયું, “એક જાદુગર માટે એના જાદુ વિના જીવવું એ નર્ક કરતા પણ બદતર છે.”

બાબુએ ડઘાઈ ગયો, “તું એવું ન કરી શકે...”

“કેમ નહિ જો મારો વિવેક એ કામ કરી શકતો હોય તો હું કેમ નહિ?”

બાબુ અચ્છી તરહ સમજી ગયો હતો કે સોમર અંકલ પાગલ થઇ ગયા છે.

“જો બાબુ...” સોમર અંકલ કોઈ બાળકને સમજાવે એમ એને સમજાવવા લાગ્યા, “આ જાદુ ચાલ્યું જતા જ એ બધા પોતાની દુશ્મની નીકાળવા આવશે જેમને તે જાદુના બળના અભિમાને દુશ્મન બનાવ્યા છે. તારા માટે નાગપુર નર્ક બની જશે.”

બાબુએ એના મોમાં આવેલું થુંક માંડ ગળા નીચે ઉતાર્યું. સોમર અંકલ એને એ વાત કહી રહ્યા હતા જે સાંભળવી એક જાદુગર માટે ભયાવહ હતી. એ કલ્પના એક જાદુગર માટે એક ખરાબ સપના જેટલી ડરાવણી હતી.

“હું તને કહીશ તો એ મને મારી નાખશે...”

“અને નહિ કહે તો હું તને જીવતે નરકમાં મોકલી આપીશ.”

બાબુના ચહેરા પર એણે કઈક નક્કી કરી લીધું હોય એવી મક્કમતા દેખાઈ. સોમર અંકલે મેચ બોક્ષમાંથી એક દીવાસળી નીકાળી.

“કપિલ..” એમણે મારા હાથમાં એ કેશરી કાપડ આપ્યું, એ કાપડ જાણે એક માણસ જેટલા વજનનું હોય એટલું ભારે હતું, કેમ ન હોય? એ હાથ રૂમાલના કદના કાપડના ટુકડામાં નાગપુરમાં વખણાતા એક જાદુગરની બધી શક્તિઓ કેદ હતી.

સોમર અંકલે મેચ બોક્ષની સ્પાઈન પર દીવાસળી ઘસી, એ રબ થયાનો હળવો અવાજ સંભળાયો અને સ્ટીકનો છેડો પ્રજવલિત થયો.

“તે આજ સુધી જે જાદુ શીખ્યા હતા એ બધા જાદુથી હું તને મુક્તિ આપું છું. હું તારા જાદુને એ કાપડ સાથે આ દુનિયાથી વિદાય..”

બાબુને એના શરીરમાંથી એની એક પારદર્શક આકૃતિ બહાર નીકળતી દેખાઈ. તેની જાદુઈ શક્તિઓ એને છોડીને જવા તૈયાર હતી કેમકે એ શક્તિઓ માત્ર કેટલાક મંત્રોથી એના શરીરમાં રહેવા બંધાયેલી હતી બાકી આઝાદી કોને નથી ગમતી?

બાબુના ચહેરા પર દુ:ખ અને ઉદાસી હતી પણ એના શરીરમાંથી નીકળેલી એ પારદર્શક આકૃતિના ચહેરા પર ખુશી હતી. બાબુના પારદર્શક પ્રતિબિંબે બાબુ તરફ જોઈ એક સ્મિત કર્યું. બાબુ સમજી ગયો કે સમય થઇ ગયો છે. જો પોતે એક પળ વધુ બગાડશે પોતાની બધી જાદુઈ તાકતો કાયમને માટે ખોઈ બેશશે. જાદુ વગરના પોતાના જીવનની કલ્પના કરતા જ એ ધ્રુજી ઉઠ્યો.

બાબુની પારદર્શક પ્રતિકૃતિ મારા હાથમાંના કેશરી કાપડના ટુકડામાં સમાઈ જવા લાગી. એ કાપડ એકદમ પ્રકાશિત બની ચમકવા લાગ્યું. બાબુ જાદુગરની તમામ શક્તિઓ કાપડમાં ઉતરી ગઈ.

“તાંત્રિક...” બાબુ બબડ્યો.

સોમર અંકલે પોતાના હાથમાંની સળીને ફૂંક મારી ઓલવી નાખી, “તાંત્રિક..?”

“મેં તને રહસ્ય કહ્યું એ ખબર પડશે એટલે એ મને મારી નાખશે પણ પૃથ્વી પર નર્ક ભોગવવા કરતા હું ઈશ્વરના દરબારમાં જવાનું વધુ પસંદ કરીશ.” બાબુ ફસડાઈ પડ્યો.

“કોણ તાંત્રિક..?” સોમર અંકલ તેની તરફ ફર્યા.

“ભૈરવ ગુફાનો અઘોરી તાંત્રિક...”

હું ધ્રુજી ઉઠ્યો. ભૈરવ ગુફાથી હું અજાણ ન હતો. અમે સત્યજીતને એ ગુફાના અઘોરીને લીધે જ ગુમાવ્યો હતો.

“એવો કોઈ તાંત્રિક નથી. તું અમને બનાવી રહ્યો છે.”

“એ નરકથી પાછો આવ્યો છે. કેમકે નરકમાં એવા અઘોરીઓ માટે જગ્યા નથી, એની ઘીનોની આત્મા વાર વાર પોતાના કર્મની સજા ભોગવવા પૃથ્વી પર આવતી રહે છે. નર્ક કોઈના માટે કાયમી નથી. જાદુગર તું સમજદાર છે તને ક્યા આ બધા નિયમો ખબર નથી?”

હું પણ એ જાણતો હતો કે સ્વર્ગ અને નર્ક માત્ર અમુક સમય માટે આત્માને મળે છે. એના કર્મો મુજબ એને ફરી જન્મ લેવો જ પડે છે. જ્યાં સુધી કોઈ આત્મા દેવતા જેટલી પવિત્રતા ધારણ કરી મોક્ષ ન મેળવી લે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે. મારા પોતાના ત્રણ જન્મ વિષે હું જાણતો હતો તો એ અઘોરી કેમ ફરી જન્મ ન લઇ શકે.

“પણ કેમ?” સોમર અંકલે પૂછ્યું, “વિવેક જ કેમ?”

“કેમકે એની સાથે તાંત્રિકને કોઈ જુનો સબંધ છે.”

“કેવો સબંધ?” હું જાણતો હતો છતાં મેં પૂછ્યું.

“એ મને ખબર નથી, બસ એ વિવેક પાસે કોઈ કામ કરાવવા માંગે છે.”

“કેવું કામ?”

“મને ખબર નથી.”

સોમર અંકલે ફરી મેચબોક્ષમાંથી એક સળી નીકાળી.

“મને ખરેખર ખબર નથી, હવે તારે એ કાપડ સળગાવવું હોય તો સળગાવી નાખ, હવે મારા ઉપર કોઈ બોજ નથી રહ્યો, તું મને ચાહે એ સજા કરી શકે છે.”

“તારી સજા ચેમ્બર ઓફ સિક્રેટ નક્કી કરશે.” સોમર અંકલે સળી તોડીને ફેકી દીધી.

“તું મારી આ જાદુઈ શક્તિનું શું કરીશ..” બાબુએ પૂછ્યું.

“એ તાંત્રિક ક્યા મળશે એ કહી શકે તો આ કાપડનો ટુકડો હું તને ભેટમાં ધરી દઈશ.”

“એને કોઈ ન મળી શકે..”

“કેમ?”

“કેમકે એ પણ વિવેક જેમ પડછાયો છે જેને વજ્ર ખંજર સિવાય કોઈ ચીજથી ખતમ ન કરી શકાય...” બાબુએ કહ્યું, “અને દુખની વાત એ છે કે હવે દુનિયામાં કોઈ વજ્ર ખંજર નથી. એ અફવાઓ તો તે પણ સાંભળી હશે કે વર્ષો પહેલા આપણા કબીલાના કેટલાક માણસો એ બનાવી જાણતા હતા.”

અમે જાણતા હતા કે એ અફવાઓ ન હતી. એ હકીકત હતી અને એને હું મારી સગી આંખે જોઈ ચુક્યો હતો પણ બાબુને એ બધું કહેવાનો કોઈ અર્થ ન હતો. સોમર અંકલે મારો હાથ પકડ્યો અને અમે અરીસા તરફ જવા લાગ્યા.

“એ કાપડનો ટુકડો..?” બાબુએ કહ્યું.

“કપિલ..” સોમર અંકલે મારા તરફ ઈશારો કર્યો, મેં કાપડનો ટુકડો જમીન પર ફેક્યો. આમ પણ હું એના વજનથી થાકી ગયો હતો. મારો હાથ ખભા પાસેથી કળવા લાગ્યો હતો.

“મને વિશ્વાસ ન હતો કે તું મને એ પાછો આપીશ..” બાબુએ અમે અરીસાની નજીક પહોચ્યા એ સમયે કહ્યું.

“કેમકે મને વિશ્વાસ છે કે તાંત્રિક સામે આ કાપડના ટુકડાની જાદુઈ તાકતો કોઈ કામ નહિ આવે,” સોમર અંકલે આયનાને હાથ લગાવતા ફરી એ જાણે પાણીનો બનેલો હોય એમ બે ભાગમાં વહેચાઈ ગયો. એના વચ્ચે બનેલી ટનલમાં સોમર અંકલે પગ મુક્યો, “તારા કર્મની સજા તને તારો માલિક જ આપશે.”

સોમર અંકલ આયનામાં દાખલ થયા અને મારો હાથ એમના હાથમાં હતો એટલે હું પણ એમને અનુસરતો આયનામાં ચાલ્યો ગયો પણ એ પહેલા મેં પેલી બે સ્ત્રીઓના કકળાટમાં બાબુના રડવા અને ચીખવાનો કકળાટ ભળી જતો સાંભળ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED