Swastik - 48 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 48)

નયના કથાનક

કપિલ અને સોમર અંકલ કોઈ બાબુ નામના જાદુગરને મળવા ગયા હતા. હું મમ્મી અને શ્લોક ઘરના ફોયરમાં બેઠા હતા. અડધો કલાક કરતા પણ વધુ સમય અમે એમ જ મૂંગા બની બેઠા વિતાવ્યો હતો. અન્યા પણ હવે તો મારા ખોળામાં જ સુઈ ગઈ હતી. હું કઈ બોલ્યા વિના કંટાળી ગઈ હતી અને વાતચીત કરવા માટે કઈ હતું નહિ છતાં મેં મમ્મીને પૂછ્યું, “એ બાબુ પાસેથી કોઈ કામની માહિતી મળી હશે?”

મારું મન અજીબ હતું. કપિલની વાત સાચી જ હતી મને વધારે પડતા પ્રશ્નો કરવાની આદત હતી. હું જાણતી હતી કે મારા સવાલનો જવાબ મમ્મીને ખબર નહિ હોય છતાં મારા ઓવર એક્ટીવ માઈન્ડે મારી ઈચ્છા વિરુદ્ધ પણ મમ્મીને એ સવાલ પૂછી જ લીધો. આઈ હેટ માય ઓવર રીએક્ટીવ માઈન્ડ.

“જો એણે જ વિવેકને એ કાપડનો ટુકડો આપ્યો હશે તો એની પાસે દરેક સવાલના જવાબ હશે.” મમ્મીએ શરતી વિધાનમાં કહ્યું.

શું એણે જ કાપડનો ટુકડો આપ્યો હશે એવો બાલીશ સવાલ કરવાનો કોઈ અર્થ ન હતો કેમકે એ જવાબ તો માત્ર એ વ્યક્તિ જ આપી શકે એમ હતો અને એણે શું જવાબ આપ્યો હશે એ જાણવા મારે વધુ રાહ ન જોવી પડી કેમકે મને ડોરબેલનો અવાજ સંભળાયો.

“શ્લોક..” મમ્મીએ હું ઉભા થાઉં એ પહેલા કહ્યું, “બેટા દરવાજો ખોલ.”

શ્લોક ઉભો થઇ દરવાજો ખોલવા ગયો. સોમર અંકલે ઘરની ફરતે સ્પેલ (જાદુઈ મંત્ર કવચ) મુક્યો હતો માટે હવે અહી કોઈ આવશે એવો ડર નહોતો. સોમર અંકલને ડર હતો કે કદાચ વિવેક ફરી આવ તો? એમણે ખાસ એ માટે જ ઘરને સ્પેલ બાઉન્ડ કર્યું હતું.

શ્લોકે દરવાજો ખોલ્યો. મારો અંદાજ ખોટો ઠર્યો. દરવાજા બહાર ઇન્સ્પેકટર રૂકસાના સૈયદ અને અરુણ ઉભા હતા.

“આવો ઇન્સ્પેકટર...” શ્લોક એમને જોઈ નવાઈ પામ્યો હોય એ ભાવ સંતાડતા હસીને બોલ્યો.

“સોમર અંકલ છે?” રૂકસાનાએ બહારથી જ પ્રશ્ન કર્યો. એ સોમર અંકલને જાણતી હતી એ જાણીને મને નવાઈ ન લાગી કેમકે એ વિવેકના કેસમાં રસ લઇ રહી હતી એ જોતા મને એમના વચ્ચે કોઈ સબધ હશે એમ લાગ્યું જ હતું.

“બસ હમણા જ આવતા હશે..” શ્લોકે કહ્યું, “આવો, અંદર બેસો.”

રૂકસાના અને અરુણ અંદર દાખલ થયા એટલે શ્લોકે દરવાજો ખુલ્લો જ રાખ્યો કેમકે એમના અંદર આવ્યા પછી દરવાજો બંધ કરી લઈએ તો એમને જરાક નવાઈ લાગે.

“આવો ઇન્સ્પેકટર મેડમ.” મમ્મીએ ઉભા થઇ એમનું સ્વાગત કર્યું, “બેસો..”

રૂકસાના અને અરુણ મમ્મી જે કોચ પર બેઠા હતા ત્યાં ગોઠવાયા અને મમ્મી મારી પાસે આવી બેઠા. શ્લોક ઉભો રહ્યો. એ આમ પણ બેસીને કંટાળી ગયો હતો. હું પણ બેસીને કંટાળી ગઈ હોત પણ અન્યા મારામાં ખોળામાં સુતી હતી માટે કંટાળો આવ્યો નહોતો. અન્યાને જોઉં ત્યારે મને એમ જ લાગતું જાણે હું કપિલને જોઈ રહી છું. એવા જ લાલ ચટાક હોઠ, એવી જ ડીપ ગોલ્ડ આંખો અને એવા જ સુંદર વાળ, બાળપણમાં કપિલ એવો જ લાગતો હશે એમ મને કલ્પના થતી.

“હું જાણું છું કે આપ સહુ વિવેકના હિતેચ્છુ છો પણ જો તમને ખબર હોય કે એ કયાં છે અને એ વાત છુપાવશો તો એ એના હિતમાં નથી.” રૂકસાના સીધી જ મુદ્દા પર આવી, એને ઔપચારિક વાતોમાં કોઈ રસ નહોતો.

“અમે પોતે એ જ વાતે પરેશાન છીએ.” મમ્મીએ કહ્યું.

“એ હંમેશાથી તમારી સાથે રહેતો, તમને કોઈ ફોન કે કોન્ટેક કરવાનો પ્રયાસ તો કર્યો જ હશે...”

“એવું નથી ઇન્સ્પેકટર રૂકસાના..” મમ્મીએ જ ફરી જવાબ આપ્યો, “એણે કોઈ કોન્ટેક્ટ નથી કર્યો, નહિતર ત્રણ ચાર દિવસથી અમે હાથ પર હાથ ધરીને બેસી કેમ રહ્યા હોત? શું અમે એની શોધીને ઘરે લાવવા નહિ માંગતા હોઈએ?”

“સોમર અંકલ અત્યારે પણ એને શોધવા જ ગયા છે.” શ્લોકે કહ્યું.

“તેઓ એકલા એને શોધવા ગયા છે?” રૂકસાના એકદમ ચોકી ગઈ.

“ના, કપિલ એમની સાથે છે.”

“કોઈ એકલા એને શોધવા ન નીકળતા એ ખતરનાક છે.” રૂકસાનાએ કહ્યું.

“એ અમારા માટે ક્યારેય જોખમી ન હોઈ શકે..” શ્લોકે કહ્યું, “અમે બધા એના લીધે જ જીવીએ છીએ.”

“હું પણ એના પપ્પાને લીધે જ આજે દુનિયામાં છું. અને એટલે જ વિવેકને શોધી લાવવો મારી ફરજ માનું છું પણ એ હવે શકય નથી લાગતું..” રૂકસાનાનો કડક અવાજ થોડો નરમ બન્યો.

“ઇન્સ્પેકટર આ તમે કેવી વાત કરો છો?” મમ્મી ગુસ્સાથી ઉભા થઇ ગયા, “એક તરફ કહો છો કે એના પરિવારનો તમારા પર અહેસાન છે અને બીજી તરફ કહો છો કે એ પાછો નહિ આવે? એ મારા માટે મારા કપિલ જેટલો જ મહત્વનો છે. મારા બીજા દીકરા વિશે એવા શબ્દો સાંભળવા હું સહન નહિ કરું.”

“જો એ તમારા માટે દીકરા સમાન હોય તો મને તમારી દીકરી જ સમજજો કેમકે મારા માટે એ સગા ભાઈ સમાન છે. સોમર અંકલ મારા માટે પિતા સમાન છે.”

“તો તમે એવી નિરાશા જનક વાત કેવી રીતે ઉચ્ચારી શકો ઇન્સ્પેકટર રૂકસાના?” મમ્મી ફરી સોફા પર ગોઠવાયા, “શું દુનિયામાં બધા એની વિરુદ્ધ જ થઇ ગયા છે?”

મમ્મીએ દુનિયામાં બધા વિવેકની વિરુદ્ધ થઇ ગયા છે એ શબ્દો સોમર અંકલે વિવેક સામે લડવાની તૈયારી શરુ કરી હતી એના પર કહ્યું એ હું સમજી.

“હું એની વિરુદ્ધ નથી એટલે જ તો આજે ફરી અરુણને સાથે લઈને આવી છું...” રૂકસાનાએ કહ્યું, “એ દિવસે શું થયું હતું એ વિગતો મારે જાણવી છે.”

“એ જ જે અમે તમને કહ્યું હતું.” મેં કહ્યું.

“એ વિગતો નકામી હતી. વૈશાલીને કોઈ બીજાએ ગાયબ નથી કેરી તેને વિવેકે જ ગાયબ કરી હશે.”

“એવું તમે કઈ રીતે કહી શકો?”

“કેમકે વિવેક કોઈ આયોજન મુજબ કામ કરી રહ્યો છે. એણે પહેલા વૈશાલીને ગાયબ કરી પછી એ ગાયબ થયો. મ્યુજીયમ ઓફ મેજીકના એ હિસ્સાને બ્લાસ્ટ કર્યો જ્યાં નાગને મારી શકાય એવા હથિયારો હતા અને વિલ ઓફ વીશને તબાહ કરી નાખ્યું એટલે એનો પ્લાન કોઈ જાણી ન શકે.”

“તમને એ બધી કઈ રીતે ખબર પડી..?” મમ્મીએ પૂછ્યું, અમને બધાને એકદમ નવાઈ લાગી હતી કેમકે એક સામાન્ય ઇન્સ્પેકટરને નાગ અત્યારે હયાત છે એ વાતની ખબર ન હોઈ શકે.

“કેમકે મારા પપ્પા પણ જાદુગર હતા. સોમર અંકલના ખાસ મિત્ર..” રૂકસાનાએ કહ્યું, “અને આજે વિવેકે નાગપુર જાદુગરોના ઇન્વેન્ટર વ્યોમને મારી નાખ્યો છે.”

“ઇન્વેન્ટર વ્યોમ?” મમ્મી ફરી સોફા પરથી ઉભા થઇ ગયા, “એને કોઈ ન મારી શકે... તમે જે કહો છો એ અસક્ય છે.”

હું ઇન્વેન્ટર વ્યોમ વિશે ખાસ જાણતી નહોતી પણ મમ્મી એનું નામ સાંભળતા જ સફાળા ઉભા થઇ ગયા એ જોતા કોઈ મહત્વનો વ્યક્તિ હશે એમ મને લાગ્યું.

“હું મારી આંખે એ જોઇને આવી છું. વિવેક પાગલ થઇ ગયો છે. એણે ઘાતકી રીતે એ માણસને મારી નાખ્યો છે.”

“પણ એની સામે વિવેક લડી ન શકે..” મમ્મીએ દલીલ કરી, “વિવેક જેવા એક તો શું દશ છોકરાઓ ભેગા મળીને પણ એનો મુકાબલો ન કરી શકે.”

“જાણું છું. વ્યોમ જ મોટા ભાગના જાદુ ઇન્વેન્ટ કરતો હતો અને મેજિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતો હતો પણ આપને ખબર હશે કે એ વિવેકનો ખાસ મિત્ર હતો.”

“હા... પણ મિત્ર હોય એટલે શું એ મરી જાય.”

“હા, મિત્રતામાં જ દગો કરવો શક્ય બને છે. વિવેકે એની સાથે એ જ કર્યું. તેણે કોઈ એવી નજરબંધી વાપરી કે વ્યોમને અનહદ તરસ લાગી. ક્યારેય ન બુજાઈ શકે એવી પાણીની તલપ અને એ સમયે વિવકે એના ઘરના દરેક જળ પાત્રને નજર બંધીથી ખાલી કરી નાખ્યા. વ્યોમની ડેડબોડી પાસે પાણીનો ગ્લાસ ભરેલો પડ્યો હતો. એક બે પાણીની બોટલો ઉંધી પડી હતી એ જોતા વિવેકે છળથી એને મારી નાખ્યો હોય એમ લાગે છે.”

“વિવેક એવું ન કરી શકે...” મેં કહ્યું, “વિવેક કોઈ મિત્રનો જીવ લઇ જ ન શકે...”

“પણ હવે જે વિવેક સામે છે એ વિવેક નથી રહ્યો એ અલગ જ વ્યક્તિ બની ગયો છે.” રૂકસાનાએ આંખો બંધ કરી, “એણે એના જ એક મિત્રને એની ટેક્ષી સાથે કિડનેપ કર્યો હતો. એ ગમે તે કરી શકે છે. એનો એ મિત્ર પોલીસમાં કેસ નોધાવી ગયો છે. એ ગરીબ વ્યક્તિ ટેક્ષી છીનવાઈ જવાથી પાગલ થઇ ગયો છે.”

“કોણ આયુષ્યમાન?” મેં પૂછ્યું. હું એક બે વાર આયુષને મળી હતી, વિવેક, વૈશાલી, હું અને કપિલ અમે બધા એની ટેક્ષીમાં મુસાફરી કરી ચુક્યા હતા.

“વિવેક એને કિડનેપ કરી એની ટેક્ષી છીનવી લે એ શક્ય નથી.”

“કેમ?”

“કેમકે ખાલી વિવેક એની પાસે ટેક્ષી માંગે તો પણ એ એને ટેક્ષી આપી દે.”

“હા, પણ એ સામાન્ય સંજોગોમાં બને. આયુષ જાણતો હતો વિવકે શું કર્યું છે માટે એ ચાહતો હતો કે વિવેક પોલીસ સામે જાય અને વિવેકને ટેક્ષીમાં બેસાડ્યા પછી એણે ટેક્ષી પોલીસ સ્ટેશન તરફ લેવા પ્રયાસ કર્યો ત્યારે વિવેકે એને બાનમાં લઇ ટેક્ષી જેગ કરી લીધી હતી.”

“પણ...” હું કઇક કહેવા જતી હતી પણ એકાએક મારું ધ્યાન ગયું કે શ્લોક ફોયારમાં ન હતો, “શ્લોક ક્યા છે?” હું ચીસ પાડી ઉઠી.

“એ થોડીક વાર પહેલા જ બહાર ગયો.” અરુણે કહ્યું.

રૂકસાના સાથેની ચર્ચામાં શ્લોક ક્યારે ફોયર બહાર નીકળી ગયો એ મારા કે મમ્મીના પણ ધ્યાનમાં આવ્યું ન હતું.

“નયના એને ફોન કર...” મમ્મી ગભરાવા લાગ્યા હતા.

“તમે આમ ડરી કેમ રહ્યા છો?” અરુણે પૂછ્યું પણ મેં એને કોઈ જવાબ આપવાને બદલે ફોન નીકાળ્યો અને શોલ્કનો નંબર લાગાવ્યો.

“શ્લોક...” એણે ફોન ઉપાડતા જ મેં ચીસ પાડી, “તું ક્યા ગયો છે?”

“હું ભૈરવ ગુફા જઈ રહ્યો છું.”

“તું પાગલ થઇ ગયો છે શ્લોક?” મને શ્લોકની મૂર્ખાઈ પર અનહદ ગુસ્સો આવ્યો, “સોમર અંકલે આ સ્પેલ બાઉન્ડ પ્રેમીસ બહાર જવાની એકદમ ના પાડી હતી એ તને ખબર નથી?”

“ખબર છે?”

“તો તું કેમ ગયો?” મને એની ચિંતા થતી હતી તો સાથે સાથે એના પર ગુસ્સો પણ આવતો હતો, એ એવી ભૂલ કઈ રીતે કરી શકે, ભૈરવ ગુફા વિશે એ જાણતો હતો અમે એને ૧૭૭૦માં બનેલી દરેક ઘટનાઓ કહી હતી.

“મારા ફોન પર સેજલનો મેસેજ આવ્યો હતો.”

“એ કોઈ છળ હોઈ શકે...”

“ના, તમારી વાતમાં ખલેલ ન પડે એ માટે મેં ફોયર બહાર આવી એ નંબર પર ફોન કર્યો હતો એ સેજલ જ હતી.”

“પણ સોમર અંકલ આવ્યા પહેલા તું કેમ ગયો..?”

“કેમકે સેજલને મારી જરૂર છે...” શ્લોકે ફોન કાપી નાખ્યો.

મેં જે વાતચીત ફોન પર કરી એ એક તરફી સાંભળીને પણ બધાને અંદાજ આવી ગયો કે શું થયું હતું.

“હું ભૈરવ ગુફા જાઉં છુ.” રૂકસાના ઉભી થઇ ગઈ.

“હું પણ સાથે આવીશ..” અરુણે કહ્યું, “ત્યાં વિવેક હશે તો મને જોઈ શાંત થઇ જશે અને કોઈ બીજું હશે તો હું વિવેકનો એપ્રેન્ટીસ છું. પહોચી વળીશ.”

“હું પણ સાથે આવીશ..” મેં કહ્યું.

“નયના..?” મમ્મીએ કહ્યું, “ત્યાં જોખમ છે બેટા, તું..?”

“હા, મમ્મી હું સાથે જઈશ...” મેં એમને વચ્ચે જ રોકી નાખતા અન્યા એમના હાથમાં સોપી, “વિવેક માટે હું ગમી તે જોખમ લેવા તૈયાર છુ.”

“હું સાથે છું તમે ચિંતા ન કરો..” રૂકસાનાએ દરવાજા તરફ પગ ઉપાડ્યો, “હું એને સહીસલામત લઇ આવીશ.”

હું અને અરુણ રૂકસાના પાછળ બહાર નીકળ્યા. મમ્મી કચવાતે મને અન્યાને તેડીને સોફા પાસે ઉભા રહ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED