સ્વસ્તિક (પ્રકરણ 47) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 47)

કપિલ કથાનક

રાતના ઘેરા અંધકારમાં સોમર અંકલની કારના અવાજ સિવાય કોઈ અવાજ સંભળાતો ન હોતો. ઘરે થયેલી બધી ચર્ચાઓ પછી સોમર અંકલ વિવેકને અટકાવવાના આખરી પ્રયાસ પર લાગી જવા તૈયાર થયા હતા છતાં એમણે શરત મૂકી હતી કે જો વિવેકને પાછો ન મેળવી શકાય તો એના સામે લડવાની તૈયારી રાખવી જ પડશે. મેં એ તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહોતું કેમકે મને વિશ્વાસ હતો કે એવો સમય આવશે જ નહી. અમારે વિવેક સાથે લડવાની જરૂર નહિ જ પડે. એ પહેલા એને પાછો મેળવી લેવાનો કોઈ રસ્તો મળી રહેશે એની મને ખાતરી હતી.

જયારે હું અને નયના મણીયજ્ઞમાં હતા ત્યારે સોમર અંકલે અરુણની ગેરેજ પર જઈ તપાસ કરી હતી. એમને એક જાદુગર પર શક જેવું લાગ્યું હતું અમે એને મળવા નીકળ્યા હતા.

સોમર અંકલે ગેરેજ પરથી મળેલા સિગારેટના ઠુઠા અને અડધા સળગી ગયેલા સિગારેટ પેકેટ પરથી અંદાજ લગાવ્યો હતો કે કદાચ એ ગદ્દાર જાદુગર બાબુ હોઈ શકે.

એસ.યુ.વી. કાર રસ્તા પર હમરની જેમ દોડી રહી હતી. સડકો એકદમ સુમસાન હતી કેમકે રાતનો ખાસ્સો એવો સમય થઇ ગયો હતો. આસપાસના નિયોન સાઈન સ્ટ્રીટ લાઈટોના અજવાળામાં રસ્તાઓ ચમકી રહ્યા હતા. મને વિવેક યાદ આવતો હતો.

સોમર અંકલ કારને જંગલમાં કોઈ ચિત્તો જે ઝડપે શિકાર તરફ ઝપટે એ ઝડપે દોડાવી રહ્યા હતા. તેઓ વિચારોમાં ડૂબેલા સડકને સ્ટ્રેટ જોઈ રહ્યા હતા.

બાબુ જાદુગરને પકડવા જવું એ જંગલમાં શિકાર કરવા જેવું જ હતું. થેંક ગોડ! સોમર અંકલ પોતે પણ જાદુગર હતા અને જાણતા હતા કે એ ક્યા મળશે. બાબુ જાદુગર નાગપુરનો સૌથી બદનામ જાદુગર હતો. એનું નામ એકાદ બે વખત છાપે ચડેલું હતું અને સોમર અંકલના માનવા મુજબ એક બેંક લુંટમાં પણ એનો હાથ હતો.

કાર એન્જલ બ્રોકિંગ અને ડી.સિ.એસ. કાર શો રૂમ પાસેથી પસાર થઇ સરકારી વસાહત પાસે ડાબી તરફ વળી. અમે ક્યા જઈ રહ્યા હતા તેનો મને કઈ અંદાજ આવ્યો નહી.

“આપણે કયાં જવાનું છે, અંકલ..?”

“હવેલી પાછળના વિસ્તારમાં..”

“એ વિસ્તારમાં આપણને પોલીસની જરૂર નહિ પડે...?” મેં સવાલ કર્યો કેમકે એ શહેરનો સૌથી જોખમી વિસ્તાર હતો. લોકો દિવસે પણ એ વિસ્તારમાં જવાનું ટાળતા. મોટા ભાગે ઝુંપડપટ્ટીવાળા એ વિસ્તારમાં પોલીસ માટે પણ ઘણીવાર મુશ્કેલી સર્જાતી એ છતાં જયારે શહેરમાં કોઈ કાર કે મોઘી બાઈક ચોરી થાય પોલીસે એ વિસ્તારમાં એક આંટો લગાવી આવવો પડતો અને મોટે ભાગે એ ગુમ થયેલું વાહન ત્યાંથી જ મળી રહેતું. ઘણીવાર પોલીસ મોડી પડે તો એ વાહન નેપાળ જવા રવાના થઇ જતું.

“પોલીસ? તેઓ આવા કામમાં કામ ન આવી શકે..” સોમર અંકલે મારા તરફ જોયા વિના જ કહ્યું, એમની નજર રસ્તા પર જ હતી, “પોલીસ આવા ઓપરેશનમાં મદદ કરવાને બદલે એને રોકવાનું પસંદ કરશે..”

“રૂકસાના પણ...?” મેં પૂછ્યું.

“”વોટ..?” સોમર અંકલે મારી તરફ નજર કરી, “તે હમણાં રૂકસાના કહ્યું?”

“હા...” હું એમને શોક લાગ્યો એ જોઈ નવાઈ પામ્યો, “કેમ..?”

“રૂકસાના સૈયદ...?”

“હા... રૂકસાના સૈયદ..”

“ધેટ્સ ઈટ...” સોમર અંકલ સ્વાગત બબડ્યા, “એ મદદ કરી શકે..”

“એ કોણ છે?” મેં પૂછ્યું.

“એના પિતા મારા ખાસ મિત્ર હતા..” સોમર અંકલ ભૂતકાળમાં ચાલ્યા ગયા હોય એમ કહ્યું, “એ પણ વિવેક જેમ જાદુગર પરિવારથી છે.”

“એના પિતા એક જાદુગર હતા..?”

“માત્ર જાદુગર નહિ પણ એના કરતા કઈક વિશેષ હતો એ માણસ. એ એક ઓરતને બચાવવા માટે મરાયો હતો.”

“કોને બચાવવા માટે..?”

“રૂકસાનાની મા સુહાના, એ સમયે વસીમ સૈયદ અને રૂકસાનાની મા બંને એકબીજાને પહેલી વાર મળ્યા હતા. સુહાનાના પરિવાર પર એક ખરાબ જીનની નજર હતી. એ જીન એના પરિવાર સાથે કોઈ બદલો ચાહતો હતો માટે સુહાના પઝેસ હતી. એના પઝેસન દરમિયાન એના પિતા જાદુગર વસીમ સૈયદને મળ્યા અને વસીમે સુહાનાને જીન પાસેથી આઝાદી અપાવી. સુહાના જયારે પઝેસન બહાર આવી અને વસીમે એના માટે જે કર્યું એ જાણ્યું બંને વચ્ચે પ્રેમનો અતુટ સબંધ બંધાઈ ગયો. સુહાના વસીમ સાથે નિકાહના સપના જોવા લાગી પણ એ પહેલા એક રાતે એમને વસીમની લાશ એ સ્થળ પરથી મળી આવી જ્યાંથી સુહાના પઝેસ થઇ હતી.” સોમર અંકલ જરાક અટક્યા, “આ પ્રેમ ચીજ છે જ એવી એનામાં ગમે તે વ્યક્તિ ગમે તેના માટે જીવ આપી દેવા તૈયાર થઇ જાય છે. પ્રેમ માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. સુહાનાએ પણ વસીમના પ્રેમને અમર રાખ્યો અને નિકાહ વગર પણ રૂકસાનાને જન્મ આપી પોતાના પ્રેમની પવિત્રતા ખુદા સામે રજુ કરી દીધી. આજ પણ ભલે રૂકસાના પાછળ પિતાનું નામ નથી પણ એ પોતાની પાછળ સૈયદ લગાવે છે.”

“તમને આ બધી ખબર...” હું આગળ ન બોલ્યો.

“વસીમ ગુજરી ગયો પછી કોઈ સુહાના સાથે ઉભું રહે એમ નહોતું, એ સમયે એક હું જ હતો જે વસીમ અને સુહાનાના પ્રેમ સબંધનો સાક્ષી હતો. મેં જ સુહાનાના પિતાને સમજાવ્યા હતા કે જે માણસે તમારી દીકરી માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું એના બાળકને જન્મ આપવો એ સુહાનાનું કર્મ છે.”

રૂકસાના કેમ વિવેકમાં એટલો ઇન્ટરેસ્ટ લઇ રહી હતી એ મને સમજાયું. મહેબુબ કઈ રીતે એનો કઝીન થતો હતો એ મને ખયાલ આવ્યો.

“શું રૂકસાના જાદુ જાણે છે..?” મેં પૂછ્યું કેમકે જો સોમર અંકલ કહેતા હોય કે એ કામ આવી શકે એમ છે તો એ જાદુ જાણતી જ હશે.

“એ જાદુ જાણે છે...” સોમર અંકલે કહ્યું, “ખાસ લડાઈમાં કામ આવી શકે તેવું જાદુ. કેમકે એ એના ક્યારેય ન જોયેલા પિતાના મોતનો બદલો કોઈ એવા સાથે ચાહતી હતી જેની સામે લડવું અશક્ય હતું.”

રૂકસાના એક જીન સાથે લડવા પોતાની જાતને તૈયાર કરી ચુકી છે એ જાણી મને ખાસ નવાઈ ન થઇ કેમકે ઈતિહાસ ગવાહ છે કે માણસ પ્રેમ અને બદલા આ બે ચીજો માટે ભગવાન સામે લડવા માટે પણ તૈયાર થઇ જાય છે. અમે પોતે જ સિતારાઓ સામે જંગ છેડીને બેઠા હતા. જોકે રૂકસાના જીનને હરાવવામાં સફળ થઇ હતી અને અમે સફળ થઈશું કે કેમ એ હજુ સવાલ હતો.

કાર ઓલ્ડ બ્રોકર સ્ટ્રીટમાં વળી અને તેરમાં કવાર્ટર સામેની પાર્કિગ લોટમાં સોમર અંકલે કાર પુલ કરી. અમે કારમાંથી બહાર આવ્યા અને એક ભૂલ ભુલૈયા જેવા લાગતા માર્ગ પર આગળ વધ્યા. એ રસ્તો જુના ક્વાર્ટરો વચ્ચેથી પસાર થતો હતો. એ જુનું ક્વાર્ટર બિલકુલ માનવ રહિત હતું. ત્યાં બધા કવાર્ટર જુના અને ખંડેર જ હતા. ત્યાં કોઈ રહેતું હોય એવો કોઈ અણસાર પણ મળતો ન હતો.

હું આસપાસ નજર દોડાવ્યે ગયો કેમકે એ સ્થળ જોખમી હતું અને દિવસે પણ કોઈ ત્યાં જવાનું પસંદ ન કરતુ એ મને ખબર હતી. મારી નજર ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા કવાર્ટર પર પડતી હતી. મને નવાઈ એ વાતની લાગી કે મોટા ભાગના કવાટર્સ આગળ કોઈને કોઈ પુતળા ઉભા કરેલા હતા. માનવ કરતા અડધા કદના એ પુતળાઓમાં કોઈ પુતળા પાંખોવાળા ગરુડના હતા તો કોઈ પૂતળામાં માનવના શરીર પર ફરિસ્તા જેવી પાંખો હતી. કોઈ પુતળાનું અડધું શરીર માનવનું અને માથાનો ભાગ નરસિહ અવતાર જેમ સિહનો હતો. ત્યાં ધાર્મિક અને રાક્ષસી બંને પ્રકારનું વાતાવરણ હતું. એ સ્થળ દેવતાઓ માટે હતું કે રાક્ષસો માટે એ નક્કી થઇ શકે એમ નહોતું.

“કપિલ, બી એલર્ટ..” સોમર અંકલે મારો જમણો હાથ કાંડા પાસેથી પકડ્યો.

“ઓકેય..” મેં કહ્યું. અમે એ નાનાં નાનાં કવાટર્સ વટાવી એક મોટા કોટેજના દરવાજા સુધી પહોચી ગયા હતા. એ કોટેજનો દરવાજો જુનો અને કાટ ખાધેલા લોખંડનો બનેલો હતો પણ અંદરનું કોટેજ એકદમ મોટું અને દરવાજાની સરખામણીમાં નવું કહી શકાય એમ હતું.

“બાબુને બીલ બહાર લાવવો મુશ્કેલ છે,” સોમર અંકલે કહ્યું.

“તો હવે શું કરીશું?”

“આપણે અંદર જવું પડશે.”

હું દરવાજા તરફ ખસ્યો.

“એમ નહિ કપિલ.” સોમર અંકલે કહ્યું, “દરવાજાથી એના ઘરમાં પ્રવેશ ન થઇ શકે.”

“તો..?” હું પાછો ફર્યો.

“એક મિનીટ...”

સોમર અંકલ મને દરવાજાથી થોડે દુર માનવથી અડધા કદના પુતળા પાસે લઇ ગયા. એ રાક્ષસ જેવું દેખાતું પુતળું કોઈ સ્ત્રીનું હતું.

“આ શું છે?”

“ઘરમાં જવાનો વાસ્તવિક દરવાજો.” સોમર અંકલે કહ્યું, “જો કોઈ જાદુ ન જાણનારો સામાન્ય માણસ એ લોખંડના ગેટમાં થઈને અંદર જાય તો એને બહાર જેવું જ અંદર પણ દેખાય. અંદર એને ખંડેર સિવાય કાઈ મળી શકે નહિ. આ વિસ્તારના દરેક ખંડેર કવાટર્સ બાબુ અને એના સાથીઓ માટે હાઈડીંગ પ્લેસ છે.”

“પણ આ પથ્થર વાટે અંદર દાખલ કઈ રીતે થવાશે?”

મારા પ્રશ્નના જવાબમાં સોમર અંકલે મારા બંને હાથ એ પુતળા પર મુકાવ્યા અને પોતે પણ બંને હાથ પુતળા પર મૂકી આંખો બંધ કરી કઈક બોલ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky