પરાસરે કેનિંગના હાથમાં રહેલી બંદુક પડાવી દીધી હતી પણ દુર બેઠેલા મેથ્યુ બારલોના ધ્યાનમાં સત્યજીતનો ઈરાદો જરાક વહેલો આવી ગયો હતો. ઘોડો સામે પગલે ચાલીને હાથી પાસે ગયો અને ઉભનાળે થયો એ જોતા જ મેથ્યુ એ પોતાના પગ પાસે મુકેલી બંદુક લઇ લીધી અને જેવો સત્યજીત કુદ્યો એણે બંદુક છોડી હતી.
બંદુકના અવાજે સુબાહુ અને બાકીના બધાનું ધ્યાન એ તરફ દોર્યું હવે ત્યાં હાજર દરેક સિપાહી ગોરો હોય કે હિન્દી સમજી ગયો હતો કે કેન્ટોનમેન્ટમાં જંગ ફાટી નીકળ્યો છે. દરેકના હાથ પોત પોતાના હથિયાર તરફ ગયા.
સત્યજીતની હસ્તિમુદ્રા હાથીના કુભાથળ પર વાગી તો ખરા પણ બરાબર મધ્યે નિશાન ન લગાવી શકાયું. હાથી પર જોઈએ એટલી તાત્કાલિક અસર ન થઇ.
હાથીએ ભયાનક રીતે ચીંધાડીને સુંઢનો પ્રહાર એના માથા પાસેથી નીચે પડી રહેલા સત્યજીત પર કર્યો, ગોળીના લીધે સત્યજીત સંતુલન ગુમાવી ચુક્યો હતો અને એ જમીન પર આમ પણ પોતાના પગ જમાવી ઉભો રહી શકે એમ લેન્ડ થઇ શકે એમ ન હતો પણ સુંઢનો વાર ગોળી કરતા પણ વધુ અસર કરી ગયો, સત્યજીત એક તરફ દુર ફેકાઈ ગયો. એ સીધો જ દીવાલને અથડાયો.
લેખાના મોમાંથી એક રાડ નીકળી ગઈ. આ બધું એ એના પરિવાર સાથે બાંધેલી હતી એ પોલથી બે ત્રણ ગજ જેટલા અંતરે જ થયું હતું.
સત્યજીતને પહેલા ગોળીથી ઘાયલ થતો જોવો અને ત્યારબાદ એને હાથીની સુંઢ સાથે અથડાતા જોવો એ લેખા માટે અસહ્ય હતું. એના પરિવાર માટે પણ એ દ્રશ્ય ભયાવહ હતું. એ બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અશ્વાર્થ અને લેખા છૂટવા માટે તરફડીયા મારવા લાગ્યા. તેઓ સત્યજીત જ્યાં જમીન પર ઘાયલ પડ્યો હતો એ તરફ જવા માંગતા હતા પણ એ ગોરાઓએ બાંધેલી ગાંઠ ખુલે એમ ન હતી, રસ્સા અને પીલરો પણ મજબુત હતા કોઈ રીતે છૂટી શકાય એમ ન હતું.
“લેખા...” લેખાની નજીકના થાંભલા સાથે બાંધેલી એની માના મોમાંથી ચીસ નીકળી ગઈ.
લેખાએ જે તરફ એની મા ફાટી આંખે જોઇ રહી હતી એ તરફ એની નજર ગઈ.
“વાયુજીત...” લેખાએ ઘોડાને ઉભડક થવાનો સંકેત આપ્યો પણ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું, પાગલ હાથીએ સત્યજીતને સુંઢના એક જ પ્રહારે દુર ફેકી દીધા બાદ ઘોડાને લક્ષ બનાવી સુંઢ ઉગામી હતી. સુંઢ અને ઘોડા વચ્ચે માત્ર જરાક જેટલું છેટું રહ્યું હતું. લેખાની ચીસ નીકળી પણ હવે ઘોડો ઉભનાળ થઇ શકે એટલો સમય ન હતો. સુંઢ ઘોડાના ચહેરાને અથડાતા જ ઘોડાના પ્રાણ નીકળી જાય એમ હતા પણ હાથીના કુંભાથળ પર સત્યજીતે કરેલો વાર બરાબર મધ્યમાં વાગ્યો ન હતો તો સામે સાવ નકામો પણ ગયો ન હતો. એની હળવી અસર હાથીના નર્વે સીસ્ટમ પર થવા લાગી હતી અને એની સુંઢ ઘોડાથી એકાદ ફૂટના અંતરે રહી ત્યાં સુધીમાં એનું નર્વ સીસ્ટમ કામ કરતુ બંધ થઇ ગયું હતું.
હસ્તિવિધા જાણતા સત્યજીતનો વાર નકામો ન હતો - હાથી એક ક્ષણ માટે જાણે પથ્થરનું પુતળું બની ગયો અને ભારતીય મર્મવિધાનો એ હસ્તિમુદ્રા સાથેનો હાથીના ગંડસ્થળ પર થયેલો વાર જાણે એના કુભાથળ પર કસબ વાઈને કાપી નાખ્યું હોય એવી અસર કરનારો બની ગયો.
હાથી એક તરફ નમ્યો અને પ્રચંડ ધબાકા સાથે દીવાલ પર એક તરફ ઢળી પડ્યો. દીવાલ તૂટીને પડી. હાથી પણ પડ્યો - તેની જમીન સાથેની અથડામણથી લેખા અને એનો પરિવાર બાંધેલો હતો ત્યાં સુધીની જમીન હલી ગઈ.
છતાં તેની સુંઢ થોડીક ઓછી શક્તિ સાથેય વાયુજીતને અડી હતી. તેથી વાયુજીત પણ ઉછળીને પડ્યો હતો પણ તેને ખાસ વાગ્યું ન હતું. બીજી પળે તે ઉભો થઇ ગયો હતો.
બીજી તરફ બંદુકના ધમાકાએ જંગનું એલાન કરી નાખ્યું હતું. સત્યજીતની પીઠ પર ગોળી ફૂટતા જ અખંડે લોડેડ ગન મેથ્યુ બારલો તરફ તાકી નાખી હતી. અખંડે ટ્રીગર દબાવ્યું, એના હાથમાં રહેલી બંદુક ફાયર થઇ, એક ક્રેકનો અવાજ સંભળાયો, ગોળી બેરલને છોડીને સીધી જ મેથ્યુ તરફ જવા લાગી.
કેમ્પફાયરના આછા ઉજાસમાં લીસોટો પાડતો એક ઓબ્જેક્ટ એની ગનના નાળચામાંથી નીકળી સીધી ગતી કરવા લાગ્યો, મેથ્યુએ ફરી ગન લોડ કરી લીધી હતી અને લેખા તરફ એનું લક્ષ સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એનું પૂરું ધ્યાન લેખા તરફ હતું, એની તરફ આવી રહેલી બુલેટથી એ એકદમ અજાણ હતો.
ગોળી એના લમણાના ભાગે અથડાઈ, એનું માથું એક તરફ નમીને એના જ ખભા સાથે ભટકાયું. એ એક શોક વેવથી હચમચી ઉઠ્યો, એના માથાથી પગ સુધી વેદનાની રેખા ખેચાઈ, અને તે જમીન પર પછડાયો. તેના હાથમાંથી બંદુક જમીન પર પડી ગઈ.
સુનયનાએ એના તીર જમીન પર પાથરેલા જ હતા, એ જમીન પર પોતાના એક ઘૂંટણને બેન્ડ કરી બેસી ગઈ, કમાનને હાથમાં લીધું અને જમીન પરથી ઉઠાવી એક બાદ એક તીર ગોરા સિપાહીઓ તરફ છોડવા લાગી.
એરો આફ્ટર એરો.. વિજયા પણ એની બાજુમાં આવીને બેસી ગઈ અને સુનાયાનાને પીઠના ભાગથી કવર મળે એ રીતે એની સાથે લડાઈમાં જોડાઈ ગઈ. તેઓ ડીફેન્સીવલી લડવા લાગ્યા કેમકે ગોરાઓ અને દુશ્મન હિન્દી સિપાહીની સંખ્યા વધુ હતી.
સૂર્યમ માટે તલવાર એનું મન પસંદ હથિયાર હતું. એ તલવાર લઇ ગોરા સિપાહીઓના ટોળામાં ઘુસી ગયો હતો. બધાને સત્યજીતની ચિંતા હતી એને ગોળી વાગી હતી પણ ગોરાઓને હરાવ્યા પહેલા એના સુધી પહોચી શકાય એમ ન હતું.
કોઈ ગોરો કે હિન્દી સિપાહી લેખા અને એના પરિવારને પોતાનું લક્ષ ન બાનાવી જાય એ ધ્યાન સુબાહુ અને પરાસર રાખી રહ્યા હતા.
“વિજયા...” સુર્યમે એક અવાજ આપ્યો.
વિજયાએ એ તરફ જોયું અને સુર્યમની આંખો એને શું બતાવી રહી છે એ જોઈ લીધું. ત્રણ ગોરા સિપાહીઓ લેખા અને એના પરિવાર તરફ કેમ્પ ફાયરના પેલી તરફથી જઈ રહ્યા હતા. સુબાહુ અને પરાસર બીજી તરફ લડવામાં વ્યસ્ત હતા એ તરફ કોઈનું ધ્યાન ન હતું.
વિજયાં જ્યાં બેઠી હતી ત્યાંથી પોતાની ઢાલ સૂર્યમ તરફ ફેકી, ઢાલ સૂર્યમના હાથમાં પહોચી એ સુધીમાં વિજયા જમીન પરથી ત્રણ તીર પોતાના કમર બંધમાં ભરાવી એક હાથમાં કમાન લઇ સૂર્યમ તરફ દોડવા લાગી.
સુર્યમના હાથમાં ઢાલ આવતા જ એણે એ ઢાલને બંને હાથમાં જમીનથી પેરેલલ પકડીને ઉભો રહ્યો. એ પેતરો એમણે મદિર પાછળના પ્રેક્ટીસ ફિલ્ડમાં અનેક વાર અજમાવેલો હતો પણ આજે દુશ્મન પર એ તરકીબ તેઓ પહેલીવાર અજમાવવા જઈ રહ્યા હતા, તેમણે એ પેતરો જંગની ગરમી વચ્ચે ક્યારેય આજમાવ્યો ન હતો.
વિજયા દોડતી આવી કુદીને સૂર્યમના હાથમાંની ઢાલ પર પગ મુક્યો એ સાથે જ સુર્યમે પૂરી તાકાત સાથે ઢાલને ઉંચી કરી પોતાના માથાથી જટલી ઉંચી લઇ જઈ શકાય એટલી લઇ ગયો, લગભગ જમીનથી આઠેક ફૂટ ઉંચી થયેલી ઢાલ પરથી વિજયાએ એ ઢાલ સ્પ્રિંગ બોર્ડ હોય એમ વોલ્ટ કર્યું અને એ જમીનથી બાર તેર ફૂટની ઊંચાઈ પર પહોચી ગઈ.
હવે તેને એ ત્રણે ગોરા સિપાહીઓ એકદમ ચોખ્ખા દેખાયા. કેમ્પ ફાયર નજીક હોવાથી એ સિપાહીઓ એકદમ અજવાળામાં હતા. વિજયા એ હવામાં એરબોર્ન રહીને જ પોતાની કમર બંધમાંથી ખેચી નીકાળી એક બાદ એક તરફ તીર રીલીઝ કર્યા, એકબાદ એક એ ત્રણે ગોરા સિપાહીઓ જમીન દોસ્ત થઇ ગયા, વિજયાના તીર એમની છાતી ચીરી ગયા.
*
વિજયાને ઢાલથી ઉછાળીને સૂર્યમ ફરી બેટલમાં જોડાઈ ગયો હતો. એક ગોરા સિપાહીએ એની તરફ એઈમ કરી ગોળી ચલાવી પણ સુર્યમે નીચા નમી જઇ એ સિપાહીના ફર્સ્ટ શોટને ખાળ્યો. એ બુલેટ સૂર્યમની પાછળના ભાગે ઉભા ગોરા સિપાહીના શરીરમાં ઉતરી ગઈ.
એ ગોરાએ ફરી બંદુક લોડ કરી ત્યાં સુધીમાં સૂર્યમ એની તરફ લપક્યો. એણે ગન ઉપર કરી પણ સૂર્યમ એની એકદમ નજીક આવી ચુક્યો હતો. ગન વાપરી શકવા માટે લેન્ગ્થ ટૂંકી પડીં. એ બંદુક ટૂંકા અંતરમાં એક લંગડા ઘોડા કરતા પણ વધુ નકામી હતી. સુર્યમે સિપાહી અને એના વચ્ચે જે ગેપ હતી એ એક ડગલામાં ભરી લીધી અને તલવારના એક જ વારથી ગોરાનું માથું કાપી નાખ્યું.
*
એવી જ હાલત સુબાહુ અને સુનયના લડતા હતા ત્યાં પણ હતી. ગોરા સિપાહીઓ પાસે બંદુકો હતી પણ એ બંદુકો એક ગોળી છોડીને ફરી રીલોડ કરવી પડતી અને જેટલા સમયમાં તેઓ ફરી ગન પાવડર ઠુંસીને બંદુક રીલોડ કરે ત્યાં સુધીમાં એમના હાથ પગ કે માથું કપાઈ જતા. ગોરા સિપાહીઓ સમજી ગયા કે એ હાથોહાથ થયેલી લડાઈમાં એ બંદુકો કોઈ કામની નથી. રાજના ખાસ માણસો સામે એમનું એ હથિયાર નકામું હતું.
જે ગોરાઓને ગન રીલોડ કરવાનો મોકો ન મળ્યો એ બધા ગન પાવડર છોડવાને બદલે બંદુકના બેયોનેટસનો (બંદુક આગળના છરાનો) ઉપયોગ લડવા માટે કરવા લાગ્યા પણ પરાસર, સૂર્યમ, સુબાહુ અને જીદગાશા જેવા તલવારના મહારથીઓ સામે એમના બેયોનેટસ કોઈ કામના ન હતા. ભલે એમની બંદુકોના છેડે લગાવેલી બ્લેડો ગમે તેટલી શાર્પ અને તીક્ષણ હતી. એ જીદાગાશા અને પરાસરની ચાર ચાર મિટર લંબાઈની નાગિનની જેમ ફરતી ઉરુમી સામે નકામી હતી. એ પટ્ટા તલવારો ક્યારે કયા સિપાહીનો હાથ ક્યારે પગ તો ક્યારે કોનું માથું કાપી જતી એ સમજાતું નહોતું.
અખંડ ગોરા સીપહીઓથી સલામત અંતર રાખી યોગ્ય નિશાન સાધે જતો હતો. એનું નિશાન એવા ગોરાઓ જ બનતા હતા જે અંખંડના બાકીના સાથીઓના ધ્યાન બહાર રહી ગયા હોય કે એમના પર હથિયાર ચલાવવાની તૈયારીમાં હોય.
“હંસિકા...” સુનયનાએ એની ઘોડીને અવાજ આપ્યો.
હંસિકા પવન સાથે જ અરબી વેપારી પાસેથી લીધી હતી. એ દોડતા હરણનો પીછો કરી શકે અને ભાગતા દુશ્મનનો ભેટો કરાવી આપે એમાંની ઘોડી એક અવાજે સુનયના તરફ દોડતી આવી. કહેવાતું કે સુનયના ભેડા ઘાટના નાગ મંદિરે દર પૂનમે દૂધ ચડાવવા હંસિકા પર સવાર થઇ હાથમાં તાંબાના કળશમાં દૂધ લઈને જતી પણ ઘોડીની રેવાળ એવી તો હતી કે ટીપરી દુધ ઢોળાતું નહિ.
“સુબાહુ...” સુનયનાએ ખભા પરથી ભાથો અને અને હાથમાંથી કમાન એની તરફ ઉછાળ્યા, “રક્ષા કવચ...”
સુબાહુના હાથમાં એ કમાન અને ભાથો આવ્યા ત્યાં સુધીમાં સુનયનાએ કમરે લટકતી બે રાજપૂતી વાંકી તલવારો પોતાના હાથમાં લઇ લીધી હતી. હંસિકા એની નજીક અવાતા જ એ બંને હાથમાં તલવારો હોવા છતાં કુદીને હંસિકા પર સવાર થઇ - એને એ તાલીમ નાગલોકમાં જ મળી હતી. એ ઘોડાના શરીરને હાથ લગાવ્યા વિના સીધો જ ઘોડો પલાણી શકતી.
હંસિકાને કોઈ લગામની જરૂર ન રહેતી. સુનયના પોતાના ઘુટણના પ્રેસરથી હંસિકાને દિશા સુચન કરી જાણતી હતી - એના બંને હાથ તલવારો ચલાવવા માટે ફ્રી હતા. સુનયના બચેલા ગોરા અને ગદ્દાર હિન્દી સિપાહીઓને પોતાની રાજપૂતી તલવારો વડે કાપતી લેખા અને તેના પરિવાર તરફ ઘોડો દોડાવવા લાગી. એની બંને તલવારો ફ્રી ફાઈટ કરતી રહી. માર્ગમાં આવતા સિપાહીઓ પાસે હટી જવા કે કપાઈ જવા સિવાય કોઈ માર્ગ ન હતો. અતુટ આત્મવિશ્વાસ સાથે આગળ વધતી સુનયનાની તલવારથી બચી કોઈ સિપાહી એના પર પાછળથી વાર કરી શકે એ પહેલા સુબાહુના કમાનમાંથી નીકાળેલા તીર એને જમીન દોસ્ત કરી નાખતા હતા. સુબાહુ સુનયનાને રક્ષા કવચ પૂરું પાડતો હતો. ગોરાઓમાં આ અર્ધનાગ અને સંપૂર્ણ નાગિનની જોડીએ દેકારો મચાવી નાખ્યો. જોકે મહાકાલ જેવું તાંડવ કરનારો સત્યજીત ગોળીથી ઘાયલ થઇ જમીન પર પડ્યો હતો નહિતર એ જંગ હમણાં સુધીમાં જીતાઈ ચુક્યો હોત.
*
ડેવિડ મેસી પરાસર સામે ભીડેલો હતો. ડેનીસન અને જીદગાશા મરણીયા બની એકબીજા સામે તલવારો વીંઝતા રહ્યા. ડેનીસન પણ પટ્ટા તલવારનો અચ્છો ખેલાડી હતો. એ એક બાદ એક જીદગાશાના વાર ખાળ્યે જતો હતો. બંનેની પટ્ટા તલવારો ઘાયલ નાગિન જેમ એકબીજા સાથે ટકરાતી હતી અને કેમ્પ ફાયરના આછા ઉજાસમાં વીજળીના તણખા ખરતા હતા.
*
સૌથી ભયાનક દંગલ સૂર્યમ અને નોર્થબ્રુક વચ્ચે જામ્યું હતું. નોર્થ બુક ગોરાઓનો ભીમ હતો. એ એરેનામાં લડવા ટેવાયેલો ગોરો સૂર્યમ કરતા બમણા વજનનો હતો અને એના હાથમાંની કુહાડી લગભગ ત્રણ શેર કરતા વધુ વજનની હતી. સૂર્યમ તલવાર અને વિજયાની નાનકડી ઢાલ પર એની હથોડા જેવી કુહાડીના વાર ઝીલતો હતો. પણ એ કામ અઘરું હતું.
વિજયા થોડેક દુર તીર કમાનમાં વ્યસ્ત હતી. સુનયના લેખાના પરિવાર પાસે પહોચવાની તૈયારીમાં હતી. સુબાહુ એને રક્ષા કવચ પૂરું પાડવા વરસાદની જેમ તીર છોડતો રહ્યો. બધા લડાઈમાં વ્યસ્ત હતા. યુદ્ધે દરેક યોદ્ધાને ઝકડેલો હતો. કોઈ એકબીજાની મદદે આવી શકે એમ નહોતા. જંગ અંતની અણી પર હતો. ગોરાઓની ખાસી એવી ખુવારી થઇ હતી પણ જે હવે બચ્યા હતા એ એમના મહારથી હતા. એ કોઈ સામાન્ય સિપાહીઓ નહોતા.
સૂર્યમ યુદ્ધની સૌથી વધારે ભીંસમાં હતો. એચીલીસનો હાર્ડકોર ફેન નોર્થબ્રુક એક રેસલર હતો. એ પોતાની જાતને એચીલીસ જેવો બળવાન સમજતો હતો. એના હથોડા જેવા ફટકા ઢાલ પર અથડાય ત્યારે પણ એના તાસકાની અસરથી સુર્યમને પાછો ખસેડી નાખતા હતા.
નોર્થબ્રુકનું ઓવર વેઇટ એના માટે પ્લસ હતું તો સામે સૂર્યમનું લાઈટ વેઇટ એને એક ખાસ ફાયદો આપતું હતું, એની ચપળતા ચિત્તા જેવી હતી. સુર્યમે બૃકના એક ઘાને ઢાલ પર બ્લોક કરી બીજા હાથથી તલવારનો મેટલ આર્મ ગાર્ડ બૃકના ચેહરા પર ઠોકયો. તેણે રાડ પાડી - એ ઘાની અસરથી બ્રુકના ઘુટણ વળી ગયા. એની ગુડી વળી ગઈ. સુર્યમે બૃકની આંખો ફાટી જતા નિહાળી. બૃકના ડોળા ફાટી ગયા હતા, કોઈ એના હાથમાં કુહાડી હોય છતાં એના ચહેરાને એ હદે ઘાયલ કરી શકે એ એના માન્યામાં આવ્યું નહિ. તેનું નાક ભયાનક રીતે કચડાયું હતું.
બૃકના દાંત કકડ્યા, ગોરોમાં બાહુબળ માટે નામના ધરાવતો બ્રુક દાંત ભીંસી કુહાડી ફેરવવા લાગ્યો. સુર્યમે એક બે ઘા આમ તેમ નમી ખાળી નાખ્યા પણ કુહાડીનો ત્રીજો ઓવર હેન્ડ સ્લેસ એની એકદમ નજીક આવી ગયો. એણે મહામહેનતે કુહાડી છાતી સાથે ટકરાય એ પહેલા તલવાર વચ્ચે લાવી એને બ્લોક કરી, પણ માતેલા સાંઢ જેવા બૃકનો ગુસ્સાથી કરાયેલો એ વાર પ્રચંડ તાકાતનો હતો. એ ઘાના અગણિત બળની અસરથી સુર્યમના તલવાર પકડેલા હાથમાંથી ઇલેક્ટ્રિક ટીંગલ પસાર થઇ ગયા. એ વીજળીના ટીંગલની અસર છેક એના બંને પગ સુધી અનુભવાઈ પણ એના પગ જમીન પર જ જામી રહ્યા, એ લથડ્યો નહિ, એના ઘુટણ બ્રુક જેમ નમ્યા નહિ.
બ્રુક માટે એ ચોકાવનારી વાત હતી, એરેનામાં કોઈ એના એવા માઈટી બ્લો સામે ટકી શક્યું ન હતું. ફ્રેન્ચો અને પોર્ટુગીજો સાથે ધીંગાણામાં એ ઘણીવાર વેલેરીયસ તરફથી લડ્યો હતો. એ ફ્રેંચ રેસલરો સામે ભીડ્યો હતો. આફ્રિકાના હબસીઓ સામે આફ્રિકી રેજીમેટમાં રવડયો હતો પણ એના એવા ફટલ ઘાને કોઈ એક હાથથી પકડેલી તલવારથી રોકી શકે એ માન્યામાં આવે એમ નહોતું. કમ-સે-કમ એનાથી અડધી ઉમર અને અડધા વજનનો લબર મૂછીયો છોકરો તો નહી જ.
ભડકેલા બ્રુકે ફરી વળતા હાથે કુહાડી વીંઝી પણ એ બેક હેન્ડ બ્લો પણ સૂર્યમેં આસાનીથી ઢાલ પર કેચ કરી લીધો. જે આમ પણ બેક હેન્ડ હતો માટે હાફ સ્પીડનો હતો.
હવે સુર્યમની વારી હતી એણે પહેલો જ બેક હેન્ડ વાર કર્યો, એ ઘા બૃકના નજીકથી પસાર થઇ ગયો. બ્રુક તલવાર સ્વીંગ પૂરો કરી પાછી આવે એ પહેલા સૂર્યમની છાતી પર વાર કરવા માંગતો હતો પણ એ ન થઇ શક્યું. સુર્યમની તલવાર પહેલીવાર બેક હેન્ડ (ઉલટા હાથે) ગઈ હતી પણ સ્વીંગ પૂરો કરી આવી ત્યારે એ ફ્રન્ટ હેન્ડ (સુલટા હાથે) બ્લો હતો જે આગળના સ્વીંગ કરતા બમણી ઝડપનો હતો. નોર્થ બ્રુકનો પગ ઘુટણથી સહેજ ઉંચો થયો એ પહેલા તલવાર એના પેટને બરાબર ઉરોદર પટલને કાપીને નીકળી ગઈ હતી.
તલવારના સ્વીન્ગને આગળ વધતો અટકાવવા સૂર્યમ સર્કલ અવે થયો અને એના હોઠ પર એક સ્મિત ફરક્યું કેમકે મદારી કબીલા પર થયેલા હુમલામાં જે ગોરાએ સૌથી વધુ આતંક મચાવ્યો હતો એ ગોરાની પોતાની કુહાડી પરની પકડ ઢીલી થઇ ગઈ અને કુહાડી હાથમાંથી સરકી જમીન પર પડી ગઈ હતી અને એ પોતાના પેટને ફાટી આંખે જોઈ રહ્યો હતો.
એનું ઉરોદર પટલ ચિરાઈ ગયું હતું, એની છાતીમાં હવે ફેફસા ઉરોદર પટલની મદદ વિના હવા ઈનહેલ કરી શકે એમ નહોતા. એ જમીન પર પડ્યો એ પહેલા મૃત્યુ પામ્યો કેમકે એના ઘાતકી હૃદયને ઓક્સીઝન મળી શકે એમ ન હતો, ઉરોદર પટલની મદદ વિના ફેફસા હવા શોષી શકે નહિ.
“સૂર્યમ...” એકાએક સૂર્યમ માટે જાણે બધું સ્લો ડાઉન થઇ ગયું એને અવાજની દિશામાં જોયું. એ અવાજ વિજયાનો હતો.
એણે વિજયા તરફ જોયું એ જ સમયે હેનરી ઈલગીનના હાથમાની સૂર્યમ તરફ તકાયેલી બંદુકની નાળ પર એક તણખો થયો. એક પળના ઝબકારા પછી બંદુકે ધુમાડાનો એક નાનકડો ગોટો એ જ નાળ વાટે બહાર ઠાલવ્યો, નાળમાંથી નીકળેલ પ્રોજેકટાઈલ સીધું જ સુર્યમના માથા માટે નીકળ્યું.
વિજયાએ ઈરગીલને સૂર્યમનું નિશાન તાકતા જોયો પણ એના ભાથામાં તીર ખાલી થઇ ગયા હતા. એને સચેત કરવા આપેલી વિજયાના અવાજે સુર્યમને ઓર ગૂંચવી નાખ્યો હતો. સૂર્યમ સમજ્યો કે વિજયા પર કોઈ જોખમ છે અને મદદ માટે એણીએ બુમ પાડી છે.
સુર્યમને પરિસ્થિતિ સમજમાં આવે એ પહેલા ઈરગીલની નાળમાંથી નીકળેલ ગોળી હવામાં પરફેક્ટ રીતે તરતી આવી એના લમણામાં ઉતરી ગઈ.
સુર્યમને એક પળ માટે લાગ્યું જાણે સામેની કેમ્પ ફાયર સળગતી બંધ થઇ ગઈ છે અને ચારે તરફ અંધકાર છવાઈ ગયો છે. સૂર્યમ દર્દનો અનુભવ કરે એ પહેલા ગોળી એની ખોપડી તોડી એના મગજ સુધી પહોચી ગઈ હતી. મગજમાં એ લાવા ઉતરી ગયા પછી કોઈ દર્દ અનુભવી શકાયું નહિ. સુર્યમને જાણ પણ ન થઇ કે પોતે ઈરગીલની બુલેટનો ભોગ બની ગયો હતો.
“સૂર્યમ...” વિજયાએ ચીસ પાડી. પણ સૂર્યમ હવે એનો અવાજ સાંભળી શકે એમ ન હતો.
વિજયા સામે ઈરગીલ બંદુક તાકી ઉભો હતો એ બાબત જાણે ભૂલી જ ગઈ હોય એમ સૂર્યમ તરફ દોડી. એ તેની નજીક પહોચે એ પહેલા એક ઈંચની નાનકડી મિશાઈલ એની છાતીમાં ઉતરી ગઈ. એ એકાદ ફૂટ દુર ફેકાઈ ગઈ. એ જીવન અને મૃત્યુ વચ્ચે જોકા ખાવા રોકાઈ નહી કેમકે એના માટે પણ એ બુલેટ જીવલેણ હતી. બુલેટ એના છાતીમાં ડાબી તરફ બરાબર હૃદયના ભાગે ઉતરી ગઈ હતી.
ઈરગીલ ગનને ત્રીજી વાર રીલોડ કરવા રહ્યો એ જ સમયે બુલેટ એના લમણા સાથે અથડાઈ, એણે માથા પર હેલ્મેટ પહેરી રાખ્યું હતું. એ મજબુત હેલ્મેટ ગોળી ભેદી ન શકી પણ બુલેટના ધક્કાને લીધે એની ગરદન એક તરફ મરડાઈને તૂટી ગઈ. એના હાથમાંની ગન દુર ફેકાઈ અને એ ઢગલો થઇ ગયો.
એ ગોળી અખંડે ચલાવી હતી. અખંડ પાસે એમ્યુનેશન રહ્યું ન હતું માટે એ એક ગોરા સિપાહીની લાશ પરથી કારતુસનો હારડો ઉખાડવા રોકાયો એ સમયે એ બધું બની ગયું. ઈરગીને સૂર્યમ અને વિજયાને ટાર્ગેટ બનાવી લીધા હતા.
ઈરગીલ ઢગલો થયો એ જોઈને અખંડ દોડીને સૂર્યમ અને વિજયા પાસે ગયો પણ તેઓ બંને બિલકુલ દર્દ ભોગવ્યા વિના દુનિયા છોડી ગયા હતા.
તું જ્યાં જઈશ હું તારી સાથે જ હોઈશ - સાથે નહિ તો કમ-સે-કમ એક મિનીટ પછી પણ તું જ્યાં જઈશ હું ત્યાં જ આવીશ. અખંડને લડાઈમાં સાથે આવવા સૂર્યમ સાથે વિજયાએ કરેલી દલીલ યાદ આવી. એની આંખમાં આંસુ અને ગુસ્સો બંને વહેવા લાગ્યા. એણે બંદુક ફેકી દીધી અને સુર્યમની તલવાર જમીન પરથી ઉઠાવી લઇ હિન્દી સિપાહીઓ તરફ દોટ મૂકી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky