Swastik - 37 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 37)

એક પળમાં તો કન્ટોનમેન્ટ ઘોડાઓની હુકના અવાજથી ભરાઈ ગયો. કેમ્પ ફાયરથી થોડેક દુર પ્લેન્કીન અટક્યો, એક સેવકે દોડીને પડદો હટાવ્યો, અને ફાઈન સિલ્ક ધોતી સાથેનો પગ પ્લેન્કીન બહાર આવ્યો. અને બીજી પળે હળવે રહી રાજકુમાર ઉતરતા દેખાયો.

માત્ર નાચગાનમાં જોડાયેલી ઓરતો જ નહિ પણ જે બે ચાર ગોરી મેડ્મો કેમ્પ ફાયરમાં દારૂનો જલશો માણી રહી હતી એમની નજર પણ એ તરફ ફેરવાઈ ગઈ.

ફાઈન સિલ્ક લાલ ધોતી અને એવા જ સિલ્કી ઉપવસ્ત્રમા સજ્જ, ગળામાં રુદ્રાક્ષની માળા સાથે સોનાની પાતળી શેર અને ખુલ્લી હવામાં ફરફરતા લાંબા વાળ, છ ફૂટના પુરા કદ અને ફાકડી મૂછો સાથે જાણે કોઈ દેવતા સ્વર્ગથી ઉતરી આવ્યો હતો.

ગોરી મેડ્મો પર લાગેલો વિશ્કીનો નશો એક પળમાં ઉતરી ગયો. એમણે ભારતીય દેવતાઓની તસ્વીરો જોઈ હતી પણ આમ જલસાની રાતે કોઈ દેવતા એમની આંખો સામે આવી ઉભો રહી જશે એ એમના માટે અકલ્પ્ય હતું.

અંગ્રેજ અને ગોરા સિપાહીઓ પણ એટલા જ અંજાયેલા હતા, એમણે પણ એ દેવતાની પ્રભાવશાળી અસર, કરડી નજર અને ઓજસ્મય ચહેરો આંજી રહ્યા હતા, પણ કદાચ તેઓ બેખબર હતા કે આજે કુમાર એમના માટે મોતનો દેવતા બનીને આવેલ હતો. જંગલમાં એમણે ભૂંજી નાખેલા મદારી કબીલાના બાળકો સ્ત્રીઓ અને વૃધ્ધોનો બદલો લેવા આવ્યો હતો.

સુબાહુએ એક નજર દુર લાકડાના થાંભલાઓ સાથે બાંધેલ લેખા અને તેના પરિવાર તરફ કરી. એની નજરમાં ગુસ્સો ઉભરાયો અને પછી બીજી દ્રષ્ટિ દુર ઉભેલા પાગલ હાથી તરફ ફેકી. એક પળમાં સુબાહુ સમજી ગયો કે એ ગોરો જલસાને અંતે શું ખેલ ખેલવાનો હતો. ગાંડા હાથીના પગ તળે એ લેખાના પરિવારને ચગદાતા જોવાનો લહાવો લેવા ઉભેલા હિન્દી અને અંગ્રેજી સિપાહીઓ તરફ સુબાહુએ એક ગુસ્સાની નજર ફેકી અને ચહેરા પર ફોર્સીબલી સ્માઈલ ખેચી લાવ્યું.

બે સેવકો રાજકુમારને ટેકો આપી કેમ્પ તરફ લઇ જવા લાગ્યા, સુબાહુ જાણે એક પગે ઘાયલ હોય એમ કેમ્પ તરફ સેવકોના સહારે જવા માંડ્યો.

બીજા ઘોડાઓ પરથી અસવારો પણ ડીસમાઉન્ટ થયા. રાજગુરુ ત્રંબકેશ્વરનો પુત્ર સૂર્યમ બીજા નંબરે ઘોડા પરથી ઉતાર્યો, એનું મૂળ નામ તો સુર્યેશ્વર હતું પણ સુબાહુ અને અન્ય રાજ પરિવારના લોકો સાથે એ ખાસ ફરતો માટે લોકો એને સૂર્યમ નામે ઓળખવા લાગ્યા હતા. એ નામ એક ક્ષત્રીયને શોભે એવું હતું પણ સૂર્યમના ચહેરાની ક્રાંતિ અને એની સુર્ખ આંખોને લીધે, એની કાતરાવાળી દાઢી અને તલવાર જેવી મૂછોને લીધે એ નામ લેવામાં લોકો આનંદ અનુભવતા. રાજકુમાર પછી બીજા નંબરે આવતા સુંદર અને પ્રભાવશાળી યુવકમાં એની ગણના થતી.

મુખ્ય દિવાનનો પુત્ર વિરમ, સુર્યમનો કઝીન અખંડ જેનું નામ અખંડેશ્વર હતું પણ એણે એને ટૂંકું બનાવી અખંડ કરી નાખ્યું હતું. લડાઈમાં પાવરધી એવી વિજયા. રાજકુમાર સુબાહુ એને એ લડાઈમાં સાથે લેવા માંગતો ન હતો પણ સૂર્યમ એ લડાઈને મિસ કરે એમ ન હતો અને જ્યાં સૂર્યમ જાય એ લડાઈ હોય કે ગમે તે પ્રસંગ વિજયા એની સાથે ન હોય એવું ક્યારેય બનતું જ નહિ. તેઓ જાણે એક એકના માટે જ બન્યા હોય એમ હમેશા સાથે જ જોવા મળતા અને એકબીજાને મળતા આવતા સ્વભાવ મુજબ બંનેની ખાસીયાતમાં આક્રમકતા હતી.

જયારે સુબાહુએ એને ત્યાં ન આવવા કહ્યું ત્યારે એનો જવાબ હતો કે જો સુનયના એ લડાઈમાં ભાગ લઇ શકતી હોય તો એ કેમ નહિ.

સુબાહુ જાણતો હતો સુનયના એ લડાઈમાં સાથે આવવાની જીદ છોડે એમ ન હતી અને વિજયાના એ પ્રશ્ન સામે હાર માની એને પણ સાથે લેવી પડી હતી.

એ બધાની સાથે સત્યજીત પણ હતો. આમ તો એ ગોરાઓએ ગઈ રાતની લડાઈમાં સત્યજીતને જોયો હતો પણ એ સમયે એનું મો કાદવથી ખરડાયેલું હતું એટલે હવે એને ઓળખી શકાય એમ ન હતો.

અને છેક ગોરાઓના નશીબ જ ખરાબ હોય એમ જયારે જનરલની પુત્રીને એના પ્રેમીના ઘરથી સત્યજીત અને લેખા ઉપાડી લાવ્યા અને જનરલ સાથે સોદો કર્યો ત્યારે પણ એ સત્યજીતનો ચહેરો જોવામાં નિષ્ફળ રહ્યા હતા.

એક ગજબ સોદો થયો હતો.

સત્યજીતે જનરલની દીકરીને બાનમાં લઇ લેખાના પરિવારને છોડાવવાની શરત મૂકી હતી પણ કન્ટોન્મેન્ટની જેલમાં અનેક મદારી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ભરેલા હતા એ બાબતથી એ અજાણ હતો. ગોરાઓએ યુદ્ધ કેદીની જેમ એ કબીલાના નબળા માણસોને પકડી કેદી બનાવ્યા હતા, મોટા ભાગના બળીને ભડથું થયા હતા અને જે યુવાનો હતા એ જંગલમાં નાશી બગાવત કરવાનું આયોજન કરી રહ્યા હતા.

“મદારી, તારે માત્ર એક પરિવારના બદલે તારી આખી જમાતનું વિચારવું જોઈએ... એ લેખાને મારા હવાલે કરી દે અને બદલામાં તારી આખી જમાતને હું મુક્તિ આપીશ બસ કબીલાનો સરદાર અને એનો પરિવાર મારા બાનમાં રહેશે...” જનરલ વેલેરીયસે સત્યજીત સામે એક શરત મૂકી હતી.

“અસંભવ...” સત્યજીત લેખાના પરિવારને મુક્તિ આપવાવા આવ્યો હતો એને બદલે લેખાને પણ કેદમાં કઈ રીતે સોપી શકે?

“નહિ, જીત... કબીલાના મુખીયાની દીકરી તરીકે મારી પહેલી ફરજ કબીલાને બચાવવાની છે..” લેખાએ તેને વાર્યો, “મારા માતા-પિતા સાથે હું અહી મરીશ તો મને શોક નહિ થાય કેમકે મારા અને મારા પરિવારને લીધે મદારી કબીલાના આ સો કરતાય વધુ બંદીવાનો આઝાદી મેળવશે..”

“પણ હું તમને કઈ રીતે મરવા દઈ શકું...?” સત્યજીત જાણતો હતો લેખાના શબ્દો પર મેખ લાગી શકતી ન હતી ખુદ એના પિતા કબીલાના મુખિયા હતા છતાં ક્યારેય લેખાના શબ્દો ઉથામી શકતા નહી.

એક તરફ મદારી કબીલાના પકડાયેલા કેદીઓને છોડવામાં આવ્યા અને બીજી તરફ સત્યજીતે પોતાના સગા હાથે લેખાને વેલેરીયસની કેદમા સોપવી પડી.

“મદારી, આ છોકરી અને એના પરિવારને બચાવવાનો હજુ એક રસ્તો છે..” વેલેરીયસ નવો ખેલ રચશે એ ખયાલ લેખાને ન હતો.

“એ શું છે...” સત્યજીતે પૂછ્યું હતું, “હું એમને બચવવા માથું ઉતારી આપવા તૈયાર છું.”

“મારે તારા માથાની કોઈ જરૂર નથી...” વેલેરીયસ ખંધુ હસ્યો, “એ માથું તું રાજકુમારને ભેટ ધરવા માટે રાખ...”

“હું કઈ સમજ્યો નહિ..”

“મદારી, તારે બસ નાગપુરના રાજકુમાર સામે કબુલ કરવાનું છે કે જંગલમાં જે સિપાહીઓ પર હુમલો થયો એ તે અને તારા સાથીઓએ કર્યો હતો. આયુધ પુજાના હથિયારો તે લૂટ્યા હતા અને હવે તે રાજ ખજાનો લુટવાનો અને રાજ પરિવાર સામે બગાવત કરવાનું આયોજન કર્યું છે. પછી આ મુખિયા અને એના પરિવારને કેદ કરી રાખવાની જરૂર નહિ રહે..”

“નહિ..” લેખા બરાડી ઉઠી, “નહિ એમ ન કરીશ...”

લેખા જાણતી હતી એકવાર સત્યજીત રાક્મુમાર સામે એ ખોટો ગુનો કાબુલી લે ત્યારબાદ શું થશે? નાગપુરમાં વિશ્વાસઘાતની સજા મોત છે.

“લેખા...” સત્યજીતે એની તરફ જોઈ કહ્યું, “જેમ કબીલાના મુખિયા તરીકે તે તારો ધર્મ નિભાવ્યો હવે મને મારો ધર્મ નિભાવવા દે. તું એ કરતા મને કઈ રીતે રોકી શકે..?”

લેખા સત્યજીતને રોકવા માંગતી હતી પણ એના પાસે શબ્દો ન હતા, એ જાણતી હતી સત્યજીતનો ફેસલો પણ એના જેમ જ અફર હતો.

“વેલેરીયસ તું તારી જબાન પાળશે એની શું ખાતરી..?” સત્યજીતે કહ્યું, “મને ગોરાની જુબાન પર ભરોષો નથી..”

“એ ખાતરી તને તારું માથું કપાયા પહેલા મળી જશે...” જનરલ ખંધો હતો, “આ તરફ તું કબુલ કરીશ બીજી સવારે તને સજા મળતા પહેલા મારા માણસો મુખીયાના પરિવારને છોડી જશે, તારી સજાના સમયે ચોક પર એ લોકો હાજર હશે.”

સામસામે એ સોદા થયા જે માત્ર કહાનીઓમાં જ કલ્પી શકાય તેમ હતા, લેખા અને એનો પરિવાર કબીલાના નિર્બળ માણસો માટે જીવ આપવા તૈયાર થયા તો સામે સત્યજીતે લેખા અને એના પરિવારને બચાવવા એનું પોતાનું માથું હોડમાં મૂકી દીધું હતું.

આ બધી હકીકત જયારે સત્યજીત સુબાહુ અને સુનયના સામે હાજર કરવામાં આવ્યો એ સમયે સુનાયાનાએ એના મનમાંથી વાંચી લીધી હતી - એ પૃથ્વી લોક પર આવ્યા પછી એની મોટા ભાગની નાગલોકની શક્તિઓ છીનવાઈ ગઈ હતી પણ મન વાંચી શકવાની શક્તિ એની પાસે હતી.

સુનયનાએ સત્યજીતનું મન વાંચી વેલેરીયસે એને ગુનો કબુલ કરવા કઈ રીતે મજબુર કર્યો એ જાણી લીધું હતું. આયુધ પુજાના દિવસે મહેલમાં રહેલું ખંજર પણ કોઈએ ચોરી લીધું હતું માટે સુબાહુને પણ ખાતરી થઇ ગઈ હતી કે સુનયના કહે એમ કોઈ નાગિન હશે જે દિવાનનું રૂપ લઈને અંદર જઈ ખંજર ઉઠાવી ગઈ હશે.

વેલેરીયસે મેકલ અને કેટલાક સિપાહીઓને સત્યજીતને બંદી બનાવી રાજમહેલ મોકલ્યા હતા પણ સત્યજીતના કાદવ ખરડા ચહેરાને પાણીથી ધોવડાવી એને ઓળખી લેવાની જરૂર એને લાગી ન હતી કેમકે મેકલ વળતે વખતે એનું માથું એમ પણ લઈને આવવાનો હતો પણ સુનયના એ હકીકત જાણી લઇ મેક્લનું જ માથું ઉડાવી દીધું અને ત્યારબાદ રાજમાતા અને સુબાહુને હકીકત જણાવી.

હકીકત જાણીને સત્યજીતને પણ સુનયના પર હુમલો કરવા બદલ અફસોસ થયો પણ સુનયનાએ જ કહ્યું કે બિંદુ જેવા રાજ ભક્ત માટે કોઈ ખાસ પરિચય વિના રાજ મહેલમાં ધુસી એનું માથું ઉતારી લેવા આવનાર સત્યજીત જેવા શુરવીર માટે એને ગર્વ છે એ પોતે નાગલોકમાં કેવી બાગી હતી એ હકીકત પણ બધાને જણાવી હતી.

ચિતરંજન અને દંડનાયકે એક આખું આયોજન ઘડી કાઢ્યું હતું - જંગલમાં શિકાર માટે નીકળવું અને એ દિવસો દરમિયાન નાગપુર જંગલમાં વાઘની અફવાઓ વહેતી હતી એનો ઉપયોગ કરી આખી કહાની ઘડી કાઢવામાં આવી હતી અને સુબાહુ એના ખાસ લડવૈયા સાથીઓ સાથે કેન્ટોનમેન્ટની ઝેલ પર હુમલો કરી લેખાના પરિવારને બચાવવા નીકળી પડ્યો હતો.

સત્યજીતનો ચહેરો ન જોવાની ભૂલ ગોરાઓને મોઘી પડી ગઈ હતી. સત્યજીત ઘોડા પરથી ડીસમાઉન્ટ થઇ સૂર્યમ અને વિજયા સાથે જવા લાગ્યો પણ ગોરાઓ એને ઓળખી શક્યા નહી.

સત્યજીતની આંખો સામે લાકડાના સ્થંભ સાથે બાંધેલા લેખા અને તેના પરિવાર તરફ હતી. એ સમજી ચુક્યો હતો જનરલે દગો કર્યો હતો. એ પોતાની જુબાન તોડવાનો હતો. અખંડે એના ખભા પર હાથ મૂકી એને શાંત થવાનો ઈશારો આપ્યો.

ડોક્ટર ફ્રીમેનને કેમ્પ પર બોલાવી લાવવાના આદેશો ફાટ્યા, સેવકોએ ઘોડાઓને કાબુલી ચણા, ગોળ અને ગરમ પાણી આપ્યા, એક રાજાને શોભે એવી દમદાર સ્વાગતા સાથે રાજકુમાર કેમ્પમાં કેનિંગના સામે ખાટલા પર જાડા ગાદલા અને રેશમી ચાદર પર ગોઠવાયો.

ફરી નાચનારી ઓરતો તાનમાં આવી ગઈ હોય એમ એમના સ્ટેપ ઉપડવા લાગ્યા, ગાનારાના ગળાનો થાક ક્યાય અદ્રશ્ય થઇ ગયો અને જાણે નવું ગળું લઇ જન્મ્યા હોય એમ ગાવા લાગ્યા, તાનપુરા અને વિણાના સુરો સાથે શરણાઈના સુરો લહેરાવા લાગ્યા.

“મહાવત...” કેનીંગે રાજકુમારનો ઈરાદો જાણવા રમત માંડી, “હાથીને તડપાવવાનો ખેલ પૂરો થયો, હવે રાજકુમાર પોતાનું દર્દ ભૂલી જાય અને એમની આંખો ઠરે એવો નજારો બતાવો.”

“જી માલિક..”

જીદગાશા અને સત્યજીતે એકબીજા તરફ જોયું. પરાસર પણ ત્યાં જ હતો. સુબાહુ સમજી ગયો કે હવે આમને સામને જંગ થશે.

મહાવત હાથીની સાંકળો છોડવા લાગ્યો. કેનિંગ હાથીના પગ ક્યારે છુટ્ટા થાય અને એ પાગલ હાથી ક્યારે સામે લાકડાના પોલ સાથે બાંધેલ લેખા અને એના પરિવારને કચડી નાખે એ જોવા આંખો બિછાવીને એ તરફ જોઈ રહ્યો. મોટા ભાગના હિન્દી અને ગોરા સિપાહીઓનું ધ્યાન પણ એ તરફ જ મંડાયું.

સુનયનાએ ભાથામાંથી કેટલાક તીર નીકાળી જમીન પર મુક્યા, એ તરફ કોઈનું ધ્યાન હતું કે નહિ પણ કોઈને શક ન થયો કેમકે સુનયના એ તીર જમીન પર પાથર્યા હતા અને કમાન પણ જમીન પર મુક્યું હતું.

મોટા ભાગના તલવાર અને તીર કમાન લઈને આવી શક્યા હતા, કોઈએ બહાર દેખાય એવું બખતર પહેર્યું ન હતું પણ અંદર છુપાવેલા બખતર પહેર્યા હતા. મહેલમાં એક જ વજ્ર કવચ હતું જે સત્યજીતને પહેરાવ્યું હતું અને બાકીના બધાએ સામાન્ય કવચ પહેર્યા હતા. મહેલમાં ગોરાઓ ગમે તે બહાને સર્ચ કરી શકે એમ હતા એટલે એવા કવચ કે ખંજરનો જથ્થો મદારીઓ એ ગુપ્ત સ્થળ જ્ઞાન પર્વત પર જ છુપાવી રાખેલો હતો.

આજની લડાઈમાં માત્ર બે વજ્ર ખંજર અને બે વજ્ર ખડકનો જ સાથ મળી શકે તેમ હતો. અને આમ પણ હન્ટર ટીમ સાથે શિકારે નીકળ્યાના બહાને કેન્ટોનમેન્ટમાં ધૂસ્યા હતા માટે ભારે બખતરો સાથે લાવી શકાય એમ ન હતા. એના લીધે ગોરાઓને એમના ઈરાદા પર શક થઇ શકે એમ હતો.

વિજયા પાસે એક નાનકડી ઢાલ અને સામાન્ય તલવાર હતી તો અંખંડને બંદુક સોપાઈ હતી. સુબાહુ જાણતો હતો કે એ લડાઈ એકદમ નજીકથી થવાની હતી અને એ બંદુકોને વાર વાર રીલોડ કરવી પડતી જેમાં ગન પાવડર ઠુંસવામાં ખાસ્સો એવો સમય નીકળી જતો હતો અને આમ પણ કેન્ટોનમેન્ટ પર ગોરાઓ પાસે એ હથિયારની કમી ન હતી. જો બંદુક માત્રથી લડાઈ જીતી શકાતી હોય તો ગોરાઓ જ એ લડાઈ જીતવાના હતા.

એ છતાં બંદુક સાથે લેવી ફરજીયાત હતી - ગોરાઓ જાણતા હતા કે રાજ પરીવારને કંપની તરફથી ભેટમાં બંદુકો આપવામાં આવેલી હતી અને એ છતાં જો શિકારના સમયે એક પણ બંદુક કોઈના હાથમાં ન હોય તો એ શક ઉપજાવનારી બાબત બની શકે એમ હતી.

એ છતાં દરેક પાસે તીર કમાન રાખવામાં આવ્યા હતા - એમાં ગોરાઓને કોઈ શક ન હતો કે હિંદીઓ તીર કમાનનો ઉપયોગ શિકાર માટે કરે છે પણ આજે કોનો શિકાર થવાનો હતો એ એમને અંદાજ નહોતો.

સુબાહુએ સત્યજીતને આંખને ઈશારે કઈક કહ્યું. સત્યજીતે એના ઘોડા વાયુ તરફ જોયું ઘોડા અને એના માલિકની નજરો એક પળ માટે મળી. બંને વચ્ચે જાણે આંખોમાં જ કોઈ વાતચીત થઇ ગઈ.

એકાએક વાયુ જાણે પાગલ થઇ ગયો હોય એમ ભડક્યો અને જે તરફ હાથી બાંધેલો હતો એ તરફ ઉપડ્યો.

ત્યાં ઉભેલા એક બે ગોરા અને હિન્દી સિપાહીઓ એને રોકવા ગયા પણ ઘોડાએ એમને પાડી દીધા, સત્યજીત એના વાયુને ક્યારેય લગામ ન લગાવતો એટલે એને પકડી શકવો મુશ્કેલ હતું. લગામ વીનાના ભડકેલા ઘોડા પાસે જતા બાકીના સિપાહીઓ ડરતા હતા.

જોહન કેનિંગનું ધ્યાન પણ મહાવત અને હાથી તરફથી એ ઘોડા તરફ ગયું. જોકે ત્યાં સુધીમાં મહાવતે હાથીના ત્રણ પગ ખુલ્લા કરી નાખ્યા હતા.

“ગેટ ધીસ મેડ હોર્સ...” કેનિંગ બરાડ્યો, “ગેટ ઈટ..”

સુબાહુ ગોરી જબાનમાં બરાડ્યો, “કંટ્રોલ યોર હોર્સ...”

“જી રાજકુમાર...” સત્યજીત એના ઘોડા પાછળ તેજ ગતિથી દોડવા લાગ્યો.

મહાવત ત્યાં સુધીમાં હાથીના છેલ્લા પગની સાંકળ ખોલી ચુક્યો હતો, પાગલ હાથી લેખાના પરિવાર તરફ આગળ વધ્યો અને વાયુ એ હાથી તરફ ધસ્યો. સત્યજીત પોતાના ઘોડાને કાબુમાં કરવા એની પાછળ દોડ્યો.

બધાની નજરો એ તરફ જડાઈ ગઈ. હિન્દી સિપાહીઓ એ સારો ઘોડો પાગલ હાથીની સુંઢના એક જ વારે દુર ફેકાઈ જશે એ ચિતામાં હતા તો ગોરાએ એ ઘોડા અને હાથી વચ્ચેની મુકાલાતને નિહાળવા અધીરા બન્યા હતા. કેનિંગ પણ એ તરફ જ જોઈ રહ્યો. એણે પણ ક્યારેય એક હાથી અને એક ઘોડાને એકબીજા સામે ભીડતા જોયા ન હતા.

સત્યજીત ઘોડા પાછળ તેઝ ગતિથી દોડયો પણ ઘોડો હાથીની નજીક પહોચવા આવ્યો હતો. મદિરા અને પીડાથી પાગલ બનાવેલા હાથીએ પોતાની લાલ આંખ લેખાના પરિવાર પરથી હટાવી એ ઘોડા તરફ ફેરવી.

ઘોડો એ તરફ દોડ્યે જ ગયો, કદાચ એને ખબર ન હતી કે એ પાગલ જાનવરમાં કેટલી તાકાત હતી.

કેનિંગની આંખો જીણી થઇ કેમકે હવે ધાતકી ગોરાઓને જે દ્રશ્ય જોવું ગમે એ દ્રશ્ય દેખાવાનું હતું. કેમ્પ ફાયરના અજવાળામાં સત્યજીતે એના ઘોડા અને હાથી વચ્ચે જ માત્ર બે મિટર જેટલું જ અંતર બાકી રહેતા નિહાળ્યું.

“વાયુજીત...” સત્યજીતે ચીસ પાડી પણ એ તરફ દોડવાનું ચાલુ જ રાખ્યું.

સત્યજીતે ચીસ પાડી એ જ સમયે પાગલ હાથીએ નજીક આવી ગયેલા ઘોડાને મારી નાખવાને ઈરાદે પોતાની સુંઠ એક તરફ ઉંચી કરી ઘોડાના ચહેરા સાથે અથડાય એ નિશાને વીંઝી, સત્યજીતે વાયુને ઈશારો આપ્યો હતો જયારે પણ સત્યજીત વાયુને એના પુરા નામ વાયુજીતથી બોલાવતો એ ઘોડા માટે એક સંકેત હતો - એ સમયે ઘોડાએ પોતાના આગળના બે પગ ઊંચા કરી પાછળના પગ પર ઉભા થઇ જવું.

વાયુજીતે એ સંકેત મળતા જ હળવી હણહણાટી સાથે પોતાના આગળના પગને ની પાસેથી જરાક બેન્ડ કરી ડાબલા જમીનથી ઉઠાવ્યા, વાયુજીત પાછળના બે પગ પર ઉભો રહેવામાં આખા મદારી કબીલાના ઘોડાઓમાં પારંગત અને વખાણતો હતો, ઘડીમાં તો એ જમીનથી કાટખૂણે ઉભો રહી ગયો.

હાથીની સુંઢ જે નિશાને વિંઝાઈ હતી ત્યાંથી પસાર થઇ, જો ઘોડો બે પગે ઉભો ન થઇ ગયો હોત તો એ તેના ચહેરા સાથે અથડાઈ હોત પણ આ તરફ સુંઢ હવાને ચીરતી પસાર થઇ અને બીજી તરફ ઘોડો ઉભનાળે થઇ ગયો હતો તો ત્રીજી તરફ સત્યજીતે પોતાનો એક પગ કુદીને ઘોડાની પીઠના ભાગ પર મૂકી દીધો હતો.

સત્યજીતના પગનો સ્પર્શ થતા જ વાયુ સહેજ આગળ નમ્યો અને એ જમીનથી સાઈઠને ખૂણે થયો એ જ સમયે સત્યજીતે એની પીઠને સ્પ્રિંગ’ બોર્ડ જેમ વાપરી કુદકો લગાવ્યો.

સત્યજીત પાગલ હાથીના માથાના ભાગ કરતા એકાદ મીટર જેટલો ઉંચો હવામાં ઉછળ્યો. એના બંને હાથની હથેળીઓ ભેગી થઇ અને, મુઠ્ઠીઓ હસ્તિમુદ્રામાં બંધ થઇ.

જયારે સત્યજીતે વાયુ પર પગ મૂકી કુદકો લગાવ્યો કેનિંગ અને ગોરા સિપાહીઓ સમજી ગયા કે શું થવા જઈ રહ્યું છે. કેનીંગે ભારતના લોકોમાં પાગલ હાથીને પણ માત કરી શકવાની આવડત છે એવા કિસ્સા સાંભળેલા હતા.

સત્યજીત કુદ્યો એ સમયે જ એણે પોતાની બાજુમાં પડેલી લોડ કરેલી ગન ઉઠાવી અને હવામાં ઉછળેલા સત્યજીત પર નિશાન સાધ્યું પણ એ ગોળી છોડે એ પહેલા પરાસરે ફેકેલી કટાર એના હાથમાંથી બંદૂકને દુર ફેકી ગઈ.

આ તરફ લડાઈની શરૂઆત થઇ ગઈ તો હજુ કેટલાક સિપાહીઓ તો સત્યજીત તરફ જ જોઈ રહ્યા હતા.

સત્યજીતનો હસ્તિમુદ્રામાં બંધ હાથ હાથીના કુંભાથળથી થોડોક જ દુર હતો એ સમયે જ સત્યજીતે પોતાની પીઠમાં ધગધગતો લાવા ઉતરી જતો અનુભવ્યો, એના પીઠથી ઉપડેલી પીડાની સરિતા એની નશોમાં વહી અટક્યા વિના જ એના મન સુધી પહોચી. એનો હસ્તિમુદ્રા સાથેનો હાથ હાથીના કુભાથળ સાથે અથડાયો એ જ સમયે એને ધમાકાનો અવાજ સંભળાયો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED