સ્વસ્તિક (પ્રકરણ 32) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 32)

“પિતાજી...” સત્યજીતે ઘોડા પર બેઠા બેઠા જ કહ્યું, “દગો થયો છે જંગલમાં અરણ્ય સેનાના સિપાહીઓ ફરી રહ્યા છે..”

સુરદુલ એક પળ માટે તો પોતાના કાન પર વિશ્વાસ ન કરી શકયો પણ સત્યજીતે ત્યાં જે બન્યું એ કહી સંભળાવ્યું ત્યારે એ પથ્થર બની ગયો.

“પિતાજી..” સત્યજીતે સુરદુલના ખભા પકડી એને હચમચાવી નાખ્યો, “આમ બુત બની જવાથી કઈ નહિ વળે..”

“શું કરીએ?”

“આપ સવારી પાછી વાળી ભઠ્ઠી પર લઈ જાઓ. બીજી સવારી નીકળવાને હજુ વાર છે. હથિયારોને પાછા નાગ પહાડીમાં છુપાવી નાખો અને કોઈ પીછો ન કરે એનું ધ્યાન રાખો..”

“અને તું..?”

“હું નાગદેવતાના મંદિરે ગયેલા સિપાહીઓને બચાવવા જાઉં છું.. એ હથિયાર કોઈના હાથમાં ન લાગે એ જરૂરી છે..”

સુરદુલે કઈ જ જવાબ આપ્યા વિના સવારી પાછી ફેરવી અને સત્યજીતે ઘોડો નાગદેવના મંદિર જવા ભેડાઘાટ તરફ રવાના કર્યો.

*

રાજમહેલની પ્રેમીસમાં હજુ એજ જલસો ચાલી રહ્યો હતો. ઢોલીઓ ઢોલના નાદને બની શકે તેટલો ઘેરો બનાવવા મથી રહ્યા હતા. ઢોલના તાલ મુજબ પટ્ટાબાજી અને તલવાર બાજીની રમતો જામેલી હતી. મૃદંગ અને વીણાના હલકા સુરો હવામાં ભળેલા હતા.

રાજમાતાને જંગલમાં જે થયું એના સમાચાર મળી ગયા હતા. દરેક દશેરા પર નાગદેવતાના મંદિરે ગયેલા સિપાહીઓને આવતા જે વાર થતી એના કરતા બમણા સમય રાહ જોવા છતાં જયારે અરજીત અને જગજીત આયુધ પૂજા કરી પાછા ન ફર્યા ત્યારે રાજમાતાએ ખાસ વિશ્વાસુ સિપાહીઓ સાથે રાજ સેવક પરાસરને શું થયું છે એ ખબર કાઢવા મોકલ્યો હતો. પરાસરે જંગલમાં પોતે જે જોઇને આવ્યો એ હકીકત કહી એ સાંભળતા રાજમાતા ધ્રુજી ઉઠ્યા કેમકે વજ્ર ખડગનું રહસ્ય એક માત્ર ઉપાય ગોરાઓની ગુલામીથી મુક્તિ અપાવી શકે એમ હતો એ છતાં પોતે સ્વસ્થતા જાળવી હતી અને જલસો પૂરો ન થાય ત્યાં સુધી સિપાહીઓ પર થયેલા હુમલાની જાણ મહેલ પ્રેમીસમાં થવા દીધી નહિ.

રાજમાતાએ પરાસર અને એની સાથે મુકેલા સિપાહીઓ નાગ મંદિરે આયુધ પૂજા કરીને આવ્યા છે અને હવે મહેલમાં આયુધ પૂજાનો કાર્યક્રમ સમેટી લેવાની જાહેરાત કરી દીધી હતી.

સુબાહુ, ચિતરંજન કે દંડનાયક કોઈને સમજાયું નહિ કે વજ્ર ખડગની પૂજા વિના જ આયુધ પૂજાનો કાર્યક્રમ કેમ બંધ કરી નાખવામાં આવ્યો?

ભલે તેઓ કારણ સમજી શક્યા નહિ પણ કઈક ગરબડ છે એ વાતની ખાતરી તો એમને થઇ જ ગઈ. આયુધ પૂજાની પુર્ણાહુતીના શ્લોકો ત્રંબકેશ્વર શાસ્ત્રી જોર શોરથી ગાવા લાગ્યા. સુબાહુ અને સુનયના એમના રીસ્પેકટીવ આસનો પર જઈ ગોઠવાઈ ગયા. સુબાહુ વાર વાર રાજમાતા અને એમની પાસે ઉભેલા પરાસર તરફ પ્રશ્નાથ નજરે જોયા કરતો હતો પણ રાજમાતા કઈક ઊંડા વિચારોમાં ડૂબેલા હતા.

“શું વાત છે રાજમાતા..” ચિતરંજન એમની નજીક પહોચ્યો, “એકાએક આયુધ પૂજાને પુર્ણાહુતી..?”

રાજમાતાએ એની વાતનો કોઈ જવાબ આપવાને બદલે પરાસર તરફ નજર કરી ઈશારામાં કઈક કહ્યું. પરાસર ચિતરંજન તરફ સરક્યો અને ધીમા અવાજે એના કાનમાં જે બન્યું એ કહી સંભળાવ્યું.

ચિતરંજનના ચહેરાનો રંગ ફિક્કો પડતા દંડનાયક કર્ણસેન અને રાજકુમાર સુબાહુએ નોધ્યો.

“આપ ત્યાં ન જશો..” સુબાહુ આસન પરથી ઉભો થઇ એ તરફ જવા ઉઠતો હતો એ પહેલા જ સુનયનાએ કહ્યું.

“કેમ?” સુબાહુએ નવાઈ ભરી નજરે સુનયના તરફ જોયું.

“રાજના સિપાહીઓને જંગલમાં કોઈએ હુમલો કરી મારી નાખ્યા છે અને એમની પાસે રહેલું વજ્ર આયુધ છીનવી ગયા છે..” સુનયનાએ કહ્યું.

“શું..?” સુબાહુ ચોકી ગયો. એ જાણતો હતો કે એક નાગિન હોવાને લીધે સુનયના દુર થતા નાનામાં નાનાં અવાજને પણ સાંભળી શકતી હતી.

“તો હજુ કોઈ પગલા કેમ નથી લેવાયા..?” સુબાહુએ ચોકીને કહ્યું, “અહી દશેરાનો જલસો કેમ ચાલે છે?”

“કેમકે રાજમાતા નથી ઈચ્છતા કે પ્રજામાં રાજ પરિવારનું જે થોડું ઘણું મહત્વ બચ્યું છે એ પણ ચાલ્યું જાય.. દર વર્ષની જેમ અહી આવેલા, ભાટ, ચારણો, બ્રાહ્મણો, કલાકારો, નાટ્યકારો, સંગીતકારો, એ બધા શિરપાવની આશામાં છે. આમ એકાએક આવી ઘટનાની જાહેરાત કરી બધાને ભગાડી દેવા યોગ્ય નથી..” સુનયના એક નાગિન તરીકે અમુક અંતર સુધીના વ્યક્તિનું મન વાંચી જાણતી હતી.

રાજકુમારે ચિતરંજન અને એના બીજા માણસો તરફ જોયું, તેઓ એક બાદ એક કલાકરોને બોલાવી એમને શિરપાવ આપી વિદાય કરતા હતા પણ એમાય બહુ સમય લાગે એમ હતો કેમકે શિરપાવ લેતા પહેલા દરેક કલાકાર પોતાની કળાનો નમુનો રાજમાતા અને રાજકુમાર સુબાહુના આસનો વચ્ચે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં ઉભો રહી બતાવતો અને ત્યારબાદ જ મહેલ પ્રેમીસ છોડતો હતો. એ દરેક દશેરા પર થતી પરંપરા જેવી રીત હતી.

એ કલાકારો રાજ પરિવાર માટે કેવી આફત ઉતરી આવી છે એનાથી અજાણ બની શકે એટલી સારી રીતે પોતાની કળાનું પ્રદર્શન કરીને પછી જ ત્યાંથી જતા હતા. રાજકુમાર સુબાહુ અને સુનયના પણ રાજમાતા અને એમની પાસે ઉભેલા પરાસર જેમ ઉદાસ ચેહરે કલાકારોને પોતાના નાટકના એકાદ બે સંવાદો બોલતા તો કોઈને લાકડી ફેરવતા, કોઈને વિવિધ પ્રાણીઓનો અવાજ કાઢી બતાવતા સાંભળી રહ્યા. ચિતરંજન અને રાજ કોશના ત્રણ ચાર સેવકો એ બધાને શરપાવ આપતા હતા અને એ બધા રાજમાતાને પ્રણામ કરી પ્રેમીસ બહાર જતા હતા.

એક યુવક કલાકાર આગળ આવ્યો એ જોઈ સુબાહુની નજરો એના પર જડાઈ. એની પાસે એની કળાનું પ્રદર્શન કરવા કોઈ ચીજ દેખાઈ રહી નહી. એ સત્યજીત હતો. એ મદારી કબીલાનો સભ્ય હતો અને એ કબીલાના માણસો ક્યારેય ત્યાં પ્રદર્શન કરતા નહી.

સત્યજીતને જોઈ સુબાહુ કરતા પણ વધુ નવાઈ ચિતરંજન, દંડનાયક કર્ણસેન અને રાજમાતાને થઇ.

સત્યજીત અહી કેમ આવ્યો હશે? એ સવારી સાથે હતો? એના પિતા સુરદુલ અને એ બંને પહેલી સવારીમાં હતા. પણ બધાની વચ્ચે એને એ બાબતે કઈ પૂછી શકાય એમ ન હતું.

રાજમાતા અને સુબાહુ બંને સત્યજીતની આંખોમાં જોઈ રહ્યા. સત્યજીતની આંખોમાં ગુસ્સો અને નફરત દેખાઈ.

એવું તે શું થયું હશે? રાજનો સૌથી વફાદાર અસેસીન અહી કેમ આવ્યો? એ જવાબ રાજમાતા કે ત્યાં કોઈ જાણતું ન હતું પણ એ કારણ સત્યજીતની આંખોમાં અંગાર બનીને બેઠું હતું.

સત્યજીત સુરદુલને સવારી પાછી ફેરવવાનું કહી ત્યાંથી સીધો જ ભેડાઘાટ તરફ ઘોડો દોડાવી ગયો હતો. એ જાણતો હતો કયા માર્ગે રાજ સિપાહીઓ આયુધ પૂજા કરી વળતા થશે. એણે એ માર્ગે જ ઘોડો દોડાવ્યો હતો.

એને વધુ સમય ઘોડો દોડવવાની જરૂર ન પડી, અડધા માર્ગે જ માતાના ટેકરાથી થોડેક દુર જ એને અરજીત, જગજીત અને એના બધા સિપાહીઓ જમીન પર ઢગલો થઈને પડેલા જોવા મળ્યા, એ બધાની ગરદનો કોઈએ કાપી નાખી હતી, કેટલાકના શરીર પર ઘાના નિશાન હતા. વેલેરીયસના જે ખાસ માણસો ત્યાં હથિયાર લૂટવા આવ્યા એમણે એ ઝેરની અસરથી મરી ગયેલા સિપાહીઓની ગરદન પણ કાપી નાખી હતી જેથી એમણે શું પ્લાન કર્યો હતો અને એમાં કયા હિન્દી માણસોએ એમનો સાથ આપ્યો હતો એ અંદાજ રાજ પરિવારને આવી શકે નહિ.

પણ સત્યજીત એ જાણતો હતો - એને બિંદુએ હકીકત જણાવી હતી કે એ સિપાહીઓને ભેડાઘાટ પર જ ઝેર આપી દેવામાં આવશે.

એ બધી લાશો પાસેથી હથિયાર ગાયબ હતા. સત્યજીતનો સુનયના પ્રત્યેનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. બિંદુ જેવી દેશભક્ત અને અરજીત તથા એ સિપાહીઓના મોત બદલ એ સુનાયાનાને માફ કરી શકે એમ ન હતો માટે એ ખુલ્લો પડીને ત્યાં બગાવત કરવા આવી પહોચ્યો હતો. કદાચ એ બધો આકાશમાં રચાયેલા સ્વસ્તિક નક્ષત્રનો જ દોષ હતો - સત્યજીતને ભયાનક ગલતફેમી થઈ હતી.

સત્યજીતે રોષ ભરી એક નજર સુનયના અને સુબાહુ જયા બેઠા હતા એ તરફ કરી અને પોતાની કમરમાંથી પટ્ટા તલવાર બહાર નીકાળી - એ લગભગ ચારેક મિટર જેટલી લાંબી હતી. કોઈને કઈ સમજાયુ નહી. મોટા ભાગના સામાન્ય લોકો તો ચાલ્યા ગયા હતા કેમકે હવે કલાકારોને શિરપાવ આપવાનો સમય હતો મતલબ પ્રસંગ પૂરો થઈ ગયો હતો. બીજા કલાકારો એ યુવક પોતાની કળાનું પ્રદર્શન કરી રહે અને એમનો વારો આવે એની રાહ જોઈ રહ્યા હતા.

સુરજ બરાબર માથા પર આવેલો હતો. સત્યજીતની પટ્ટા તલવાર બહાર નીકળી એ સાથે જ સુરજના કિરણોમાં ઝબકી અને એ જાણે શિવ તાંડવ કરતા હોય એ રીતે એને ફેરવવા લાગ્યો. આસપાસ ઉભેલા અન્ય કલાકારોને લાગ્યું કે કદાચ રાજમાતા સૌથી વધુ મહોરો એ કલાકારને જ ભેટ આપશે કેમકે હમણા સુધીમા ઘણા કલાકારોએ લાકડી અને તલવારો ફેરવી હતી પણ કોઈનામાં એ યુવક જેવી હુનર ન હતી. ખુદ રાજના જે સિપાહીઓએ પટ્ટાબાજી બતાવી હતી એ પણ આ યુવકની કળા આગળ કાઈ ન હતી.

એ યુવકે એકાએક બીજી એવી જ પટ્ટા તલવાર નીકાળી અને એને બીજા હાથથી ફેરવવા માંડી. એના પગ કોઈ નૃત્યકારની જેમ ફરવા લાગ્યા. એની આંખો બંને તલવારો સાથે ફરતી હતી. એના બાજુ પર બનાવેલા ચિલમ પિતા છુંદણાને જોતા જાણે ખુદ શિવ ત્યાં તાંડવ કરવા આવ્યા હોય એમ દેખાતું હતું.

તેનો જોશ અને કળા જોઈ એક બે શરણાઈ વાદકો અને વાંસળી વાદકોએ એની તલવાર જે નાગવ્યૂહમાં રમતી હતી એને બંધ બેસે એવા સંગીતના સુરો છેડ્યા.

ચાર મિટર લંબાઈ ધરાવતી એ બંને તલવારો સત્યજીત એમ ફેરવવા લાગ્યો જાણે જંગલમાં બે નાગિનો લડી રહી હોય. એક પટ્ટા તલવારનો છેડો બીજી સાથે ટકરાઈ તેની આસપાસ ભરડો લે એ પહેલા પહેલો છેડો બીજા છેડાની પકડમાંથી નીકળી અને બીજા છેડા પર છંછેડાયેલી નાગણ જેમ ભરડો લઇ લેતો હતો. માથા પર સુરજના કિરણોમાં એ ચમકતી તલવારો ગજબ રીતે એકબીજા સાથે લડી રહી હતી.

એને જોતા કલાકરોને લાગ્યું કે કદાચ એ યુવક બંને હાથમાંની પટ્ટા તલવારથી આ રીતે ખેલી શકતો હોય તો એની સામે કોઈ વ્યક્તિ લડવા ઉભું હોય તો એને પહોચી શકે એ અશક્ય હતું.

એકાએક એક તલવાર બીજી તલવારથી છૂટી પડી, સત્યજીત એક સાથે બે ડગલા સુબાહુ તરફના આસન સામે ખસ્યો અને એ તરફ જેટલું નમી શકાય એટલું નમ્યો, લગભગ એના અને સુબાહુના આસન વચ્ચે બે ત્રણ મિટર જેટલું જ અંતર રહ્યું અને એ અંતર પટ્ટા તલવાર માટે કઈ જ ન હતું. તલવારો ચારેક મીટર લાંબી હતી.

તલવારનો ખુલ્લો છેડો સુબાહુના આસનને બદલે બાજુના આસન તરફ વળ્યો, એ છેડો એ આસન કરતા અડધો એક મિટર આગળ ગયો અને એક ગોળાઈ ફર્યો.

શું થવા જઈ રહ્યું છે એ હવે બધાને સમજાઈ ગયું. સત્યજીતની પટ્ટા તલવાર સુબાહુના બાજુના આસન પર બેઠેલી સુનાયાનાના ગાળા આસપાસ ભરડો લેવા જઈ રહી હતી.

સુનયનાની ગરદન અને એ તલવાર વચ્ચે જેટલું અંતર હતું એટલું જ અંતર મૃત્યુ અને સુનયના વચ્ચે રહ્યું કેમકે સત્યજીત જે રીતે તલવાર ફેરવતો હતો બધા જાણી ચુક્યા હતા કે એનો એક વાર ગમે તેની ગરદન ઉડાવી શકે એમ છે.

સુનયના પાસે બચવા કે ખસવાનો સમય ન રહ્યો. એ કઈ કરી શકી નહી.

એકાએક એક બીજી એવી જ લાંબી તલવાર એ તલવારના ખુલ્લા છેડા સાથે વીંટળાઈ. એ સુનયનાની ગરદન આસપાસ ભરડો લે એ પહેલા જ એને બીજી દિશા તરફ તાણી ગઈ.

સત્યજીતે એ તલવારના બીજા છેડા તરફ જોયું. એ જીદગાશાના હાથમાં હતો. અડીખમ જીદગાશા એનાથી પાંચેક મિટરના અંતરે ઉભો હતો.

જયારે સત્યજીતે તાંડવ નાચ જેમ પટ્ટા તલવાર ફેરવવી શરુ કરી ત્યારે જ પરાસરને શક થઇ ગયો હતો પણ એ રાજમાતાની રક્ષાનું કામ છોડી ત્યાંથી ખસી શકે એમ ન હતો. એને ઈશારો કરી દુરથી જીદગાશાને સુબાહુ જોખમમાં છે એ વાત આંખોથી જ કહી દીધી હતી.

સત્યજીતે જે સમયે ત્રણ ડગલા સુબાહુ તરફ લીધા એ જ સમયે જીદગાશાએ પોતાની તલવાર કમર પટ્ટામાંથી ખેંચીને એ તરફ એટલા જ કદમ લઇ લીધા હતા.

સત્યજીતની પટ્ટા તલવા બીજી તરફ ખેચાઈ ગઈ પણ એણે બીજી તલવાર ફરી સુનયના તરફ વીંઝી. હવે સુબાહુ સચેત થઇ ગયો હતો એણે સુનાયાને આસન પરથી નીચે નમાવી લીધી.

આસપાસ ઉભેલા કલાકારોમાં ભાગદોડ મચી ગઈ. વીણા અને શરણાઈ વગાડનારા ગભરાઈને ખસી ગયા. હવે માત્ર જીદગાશા અને સત્યજીતની તલવારો એક બીજા સાથે અથડાવાનો અવાજ સંભળાવા લાગ્યો.

એ દેકારો દુર ટેન્ટમાં બેઠા મેકલ અને બીજા ગોરા સિપાહીઓ સુધી પહોચ્યો હતો પણ જો કોઈ બાગી રાજકુમારને મારી નાખે અને નાગપુર ખાલસા કરવાનો મોકો મળી જાય તો એનાથી વધુ ગ્રેસ ઓફ ગોડ કોને કહી શકાય એ ખયાલે તેમણે એ કઈ સાંભળ્યું જ ન હોય એમ તંબુમાં જ રહ્યા.

“સત્યજીત...” રાજમાતા પોતાના આસન પરથી ઉભા થઇ એની તરફ ધસ્યા પણ પરાસરે એમને રોકી લીધા.

“માતા એની આંખમાં આગ છે...”

“એ મારો ખાસ છે..” રાજમાતા આસપાસ કોઈ ગોરો હશે તો એમના એ શબ્દો સાંભળી લેશે એની પરવા વિના જ બોલ્યા, “એ મને કઈ ન કરી શકે... મને એ તરફ જવા દો..”

“નહિ રાજમાતા...”

“એ મારી આજ્ઞા છે પરાસર...” રાજમાતા બરાડ્યા, “આપ આજ્ઞા પાલન માટે બંધાયેલ છો...”

“રાજ પરિવારની રક્ષા માટે એમની આજ્ઞા તોડવી એ પાપ નથી..”

પરાસર એ તરફ જઈ શકે એમ ન હતો કેમકે રાજમાતાને સંભાળવા જરૂરી હતા.

“દંડનાયક...” રાજમાતાએ ચીસ પાડી, “સુબાહુને ત્યાંથી ખસેડો...”

“હા, રાજમાતા...” દંડનાયક ફરીને સુબાહુ તરફ જવા દોડ્યો.

સુબાહુ હજુ સુનયનાને નીચે નમાવી લઇ આસન પર એમ જ બેઠો હતો. પોતાનો બાળ મિત્ર સત્યજીત એ હુમલો કરી શકે એ એના માન્યામાં આવે એમ ન હતું. સુબાહુએ એને હમેશા હસતો અને મજાક મસ્તી કરતો જોયો હતો. એનું એ રૂપ જોઈ એ ડઘાઈ ગયો.

“ચિતરંજન...” રાજમાતાએ બીજો આદેશ આપ્યો, “એની પાસે એ હથિયાર હશે. ગોરાઓ ટેન્ટ બહાર આવી ગયા તો સમસ્યા થઇ જશે...”

રાજમાતાને હજુ આશા હતી કે કદાચ એ રહસ્ય ગોરાઓને હાથ નહિ લાગ્યું હોય. પીંઢારા કે અન્ય બાગીઓનું પણ એ કામ હોઈ શકે. રસ્તામાં અરજીત પર થયેલો હુમલો ગોરાઓએ જ કર્યો હતો એ માની લેવા કોઈં ઠોસ સબુત ન હતું.

સત્યજીત જાણતો હતો એની પાસે વધુ સમય નથી. એણે એના પોષાકમાંથી ક્યારે એક કટાર નીકાળી એ કોઈના ધ્યાનમાં ન આવ્યું પણ જયારે એ કટાર સુનયના તરફ ફેકી એ સમય દરમિયાન એણે બંને તલવારો એક જ હાથમાં રાખવી પડી હતી માટે જીદગાશાના ધ્યાનમાં એ આવી ગયું હતું,

સત્યજીતે ફેકેલી કટાર આસનથી થોડેક દુર જ જીદગાશાએ ફેકેલી કાતર સાથે અથડાઈ અને દિશા ચુકી બીજી તરફ વળી ગઈ. જીદગાશા પાવરધો લડવૈયો અને સુબાહુનો અંગરક્ષક હતો. અલબત્ત તે સત્યજીત જેટલો જ ખૂંખાર હતો.

હવે દંડનાયક પાસે કોઈ રસ્તો ન રહ્યો, “આક્રમણ.....” એણે સિપાહીઓને આજ્ઞા કરી અને એ સાથે જ અનેક કટારો સત્યજીત તરફ જવા લાગી. સત્યજીતે પોતાના હાથમાંમાની પટ્ટા તલવારોથી મોટાભાગની કટારો ખાળી પણ છતાં કેટલીક એના શરીર સાથે અથડાઈ.

એક પછી એક કટારો એના શરીર સાથે અથડાઈ નીચે પડી. એ કટારો જ્યાં એના શરીર સાથે અથડાઈ અને એના કપડા ફાટ્યા ત્યાં એનિ છાતી અને પેટના ભાગ પાસે કપડા અંદર રહેલી વાદળી રંગની ચમકતી ધાતુ પર સુરજના કિરણો ચમક્યા.

ચિતરંજનના ધ્યાનમાં એ આવી ગયું. સત્યજીત વજ્ર કવચમાં હતો. નાગપુરનું સૌથી ખતરનાક હથિયાર જ કોઈએ નાગપુર વિરુદ્ધ કરી નાખ્યું હતું એમ દિવાનને લાગ્યું. તેઓ મહેલના અંદરના ભાગ તરફ દોડ્યા.

જીદગાશાએ મરણીયા બની વીંઝેલી તલવારે સત્યજીતની કમર આસપાસ ભરડો લઇ લીધો. સત્યજીત જો વજ્ર કવચમાં સજ્જ ન હોત તો એના બે ટુકડા થઇ ગયા હોત પણ વજ્ર કવચને લીધે એને કઈ ન થયું. સત્યજીતની તલવાર જીદગાશા માટે આગળ વધી એ પરાસરે જોયું. એ પોતે પણ પટ્ટા તલવારની લડાઈમાં પારંગત હતો. એ તલવારના વળ પરથી સમજી ગયો કે એ જીદગાશાની ગરદન માટે હતી.

“જીદગાશા..” પરાસર બરાડવા સિવાય કઈ કરીં શકે એમ ન હતો કેમકે એ રાજમાતાની ઢાલ બની ઉભો હતો. પોતાના પુત્રપ્રેમને રાજ સેવકના ધર્મ વચ્ચે લાવી શકાય એમ નહોતો. કદાચ પોતે જીદગાશા માટે એ તરફ જાય અને સત્યજીત બીજો હુમલો રાજમાતા પર કરે તો..?

રાજમાતાના મોમાંથી પણ રાડ નીકળી ગઈ. મહેલનું પરિસર ગુંજી ઉઠ્યું.

સત્યજીતની તલવાર વળ ખાતી કોઈ નાગિન જેમ જીદગાશા તરફ આગળ વધી. એ જીદગાશા કરતા એકાદ મીટર આગળ ગઈ કેમકે જયારે વીપ એ તરફ આગળ વધી એ સાથે જ કદમ તાલ મુજબ સત્યજીત જીદગાશા તરફ બે ડગલા ખસ્યો હતો અને જેટલા એની તરફ નમી શકાય એટલો નમ્યો હતો.

જીદગાશા સમજી ગયો કે હવે શું થવાનું છે. વીપનો પાનો ટૂંકો પડતા એ આચકા સાથે ગોળાઈમાં ફરી અને એની ગરદન આસપાસ ભરડો લીધો, બસ હવે સત્યજીત એક આંચકો આપે એટલી વાર હતી.

સત્યજીતે તલવાર પકડેલા હાથને કાંડા પાસેથી જરાક ગોળ ફેરવ્યો. તલવારમાં એક વળ રચાયો અને જીદગાશાની ગરદન તરફ આગળ વધ્યો.

એ વળ જીદગાસા સુધી પહોચે એ પહેલા કોઈ વાદળી જ્યોત જેવી ચીજ તલવારને વચ્ચેથી કાપીને નીકળી ગઈ. એ ચીજ શું હતી એ કોઈને સમજાયું નહિ બસ એ માથા પર સુરજના કિરણોમાં આંજી નાખે એવા વાદળી પ્રકાશ સાથે ત્યાંથી પસાર થઇ ગઈ.

સત્યજીતે ગુસ્સાભરી નજરે એ તરફ જોયું. સુરદુલ ભીડને ચીરીને દોડતો એની તરફ આવી રહ્યો હતો. સુરદુલે બાકીની સવારીઓ નાગપહાડીથી નીકળતી અટકાવી સીધો જ જે બન્યું એની ખબર આપવા મહેલ પહોચ્યો હતો અને જયારે ભીડ ચીરીને અંદર દાખલ થયો, જીદગાશાની વિપને સત્યજીતની કમર ફરતે ભરડો લેતા જોઈ હતી.

સત્યજીત કવચમાં છે એ બાબત જાણતો હોવા છતાં સુરદુલ ભીડને ધક્કાથી ચીરી કુદીને અંદર દાખલ થઇ ગયો હતો પણ પછી સત્યજીતની તલવાર શું કરવા જઈ રહી હતી એ અંદાજ એને આવી ગયો માટે કપડામાં છુપાવેલા વજ્ર ખંજરનો ઉપયોગ એને કરવો પડ્યો હતો.

સત્યજીત હજુ આભો બની સુરદુલને જોઈ રહ્યો. સુરદુલ એ જ ઝડપે દોડતો સત્યજીત સુધી પહોચ્યો અને એની સામે જઈ ઉભો રહી ગયો.

“દિવાન...” સુરદુલે સત્યજીત સામે જ ઉભા રહીને કહ્યું, “ઇન્દ્રદેવના આશીર્વાદ લઈ લો..”

દિવાન એ શબ્દોનો અર્થ જાણતો હતો એને એમ પણ સુરદુલે ફેકેલ ખંજર તલવારને કાપી કઈ તરફ ગયું એ નોધી લીધું હતું. એણે એ તરફ જઈ એ ખંજર ઉઠાવી કપડામાં છુપાવી લીધું.

સત્યજીતે પોતાની કમર પરથી તલવાર નીકાળવા હાથ કમર તરફ લંબાવ્યો પણ એ પહેલા જ સુરદુલે એના હાથને કાંડામાંથી પકડી લીધો.

સુરદુલ જાણતો હતો એ મ્યાનમાં વજ્ર ખડગ હતું. પોતે જ એને ત્યાંથી છુટા પડતા પહેલા આપ્યું હતું.

“આપ વચ્ચેથી હટી જાઓ પિતાજી...” સત્યજીતે એના બીજા હાથની પકડ સુરદુલના એ હાથ પર મૂકી.

“તું ગુસ્સામાં પાગલ થઇ ગયો છે..”

“હા, બિંદુ જેવી રાજ માટે પોતાની આબરૂ નીલામ કરાવનાર દેશ ભક્તને મારી આંખો સામે મરતી જોઈ હું પાગલ થઇ ગયો છું.”

બિંદુ મરી ગઈ છે એ સાંભળી રાજમાતા અને ચિતરંજન પણ ધ્રુજી ઉઠ્યા. રાજમાતાની ખાસ દાસી કરુણા રાજમાતા માટે કોઈ દાસી નહિ પણ પોતાની સખી સહેલી કે બહેન જેવી હતી. રાજમાતા જયારે નાગપુર આવ્યા એ પહેલા દિવસથી જ તે એમની સાથે હતી. એમનું દરેક કામ એ જ સંભાળતી હતી.

કરુણાનો પતી વીરસિહ બાબા ચંદનદાસના આશ્રમે મહારાજાની સેવામાં હતો ત્યાં એ મહારાજને અપાતા ભોજનને પહેલા પોતે ખાતો અને અડધા કલાક પછી મહારાજા ખાતા જેથી એમાં કોઈ ઝેર હોય તો અંદાજ આવી શકે પણ દુશ્મનોએ સાપના કાતિલ ઝેરને બદલે રસાયણોથી બનાવેલ હળવું ઝેર ખોરાકમાં રોજીંદા એ રીતે ભેળવ્યું હતું કે એ પોતે પણ મહારાજા સાથે એ ભયાનક બીમારીનો ભોગ બન્યો હતો અને મહારાજા સાથે જ દુનિયા છોડી ગયો હતો.

એ થયા પછી પણ કરુણા તસુભાર ચલિત થયા વિના એની ફરજ બજાવતી રહી અને બિંદુ જે કામ માટે તૈયાર થઇ હતી એ જોતા જ રાજમાતાને આશા બંધાઈ હતી કે જ્યાં સુધી હિંદમાં આવી ઓરતો હશે એને કોઈ લાંબો સમય ગુલામીની ઝંઝીરોમાં જકડીને નહિ રાખી શકે.

રાજમાતાએ એ બધી હકીકત સત્યજીતને કર્ણિકાના કોઠા પરના હુમલા વખતે કહી હતી અને એટલે જ બિંદુને આંખો સામે મરતી જોઈ સત્યજીત પાગલ થઇ ગયો હતો.

“એની મોત માટે જવાબદાર દરેક સામે કાર્યવાહી થશે...” સુરદુલે એના બીજા હાથને કોણી પાસેથી એક ધક્કો આપ્યો અને એની કમર પર લટકતી તલવાર મ્યાન સાથે ખેચી લીધી. સત્યજીતે એની છાતી પર વાર કર્યો પણ સુરદુલે એક સાઈડ સ્ટેપ લઇ એ તલવારને મ્યાન સાથે ચિતરંજન તરફ ઉછાળી, “દિવાન..”

ચિતરંજન હજુ બિંદુના રંજમાં હતો પણ એ જાણતો હતો કે સુરદુલ સત્ય્જીતને કેમ ડીસ આર્મ કરી રહ્યો હતો. ગોરા એમના ટેન્ટ બહાર કેમ નથી આવ્યા એ પણ તે સમજી ગયો હતો. એ જાણતો હતો ગોરા રાજકુમારને મરતો જોવા માંગે છે પણ લડાઈ ધીમી પડી ગઈ છે એ જાણતા જ એ દોડી આવશે અને એમના આવતા પહેલા સત્યજીતના વજ્ર ખડગને એની પાસેથી લઈને છુપાવી દેવું જરૂરી હતું.

ચિતરંજને વજ્ર ખડગ ઉઠાવી પાસેના સિપાહીને સોપતા કઈક ઈશારો કર્યો. એ સિપાહી ખડગ લઇ મહેલ અંદર જવા રવાના થયો.

“આપ કોઈને સજા નહિ અપાવી શકો...” સત્યજીતે કમર પર લટકતું ખંજર નીકાળવાનો પ્રયાસ કર્યો, “રાજમહેલ જ રાજ ભક્તોનું લોહી પીતો હોય ત્યારે તો બિલકુલ નહી..”

સુરદુલે એના શબ્દો તરફ ધ્યાન આપ્યું એટલું જ ધ્યાન એની હિલચાલ તરફ આપ્યું. એણે સત્યજીતનો ખંજર નીકળવાનો પેતરો સમજી લીધો. સુરદુલે જ સત્યજીતને હથિયાર ચલાવતા શીખવ્યું હતું. મોટા ભાગના એના પેતરા સુરદુલે જ શીખવેલા હતા.

સુરદુલે સત્યજીતનો જે હાથ ખંજર તરફ ગયો હતો એ હાથ પર ખભા પાસે પોતાના જમણા હાથના અંગુઠાથી વાર કર્યો. સત્યજીતનો હાથ ખંજરના હેન્ડ પર જ અટકી ગયો. સુરદુલ મદારી મર્મવિધાનો જાણકાર હતો. શરીરના કયા ભાગને નકામો કરી નાખવા ક્યા વાર કરવો એ અચ્છી તરહ જાણતો હતો. સત્યજીતે ખંજર નીકળવા હાથને આદેશ આપ્યો પણ એ હાથ એના કહ્યામાં ન રહ્યો. જાણે એ પથ્થરનો બનેલ હોય એમ હાલ્યો પણ નહિ.

“સુરદુલ...” સત્યજીતે એને પિતાજીને બદલે નામથી જ બોલાવ્યો, એ બાપ બેટો આમ પણ ઘણીવાર લડાઈ દરમિયાન એકબીજાને નામથી સંબોધતા. તેઓ પિતા પુત્ર કરતા મિત્રો વધુ હતા, “મને બિંદુનો બદલો લઇ લેવા દે પછી ભલે મને મારી નાખજે..” તેની આંખોમાં અંગાર સળગતો હતો. તેણે બાપ સામે ત્રાડ પાડી.

“રાજ પરિવારની રક્ષા માટે ગમે તે કરી છૂટવું એ મારો ધર્મ છે અને સુનયના રાજપરિવારની એક સભ્ય છે..” સુરદુલે કહ્યું.

“જો એમ વાત હોય તો આજથી રાજ પરિવાર મારા માટે દુશ્મન છે..” સત્યજીતે પોતાના બીજા હાથના અંગુઠાને પોતાની ગરદન પર નકામા થયેલા હાથથી સહેજ ઉપર દબાવ્યો, “અને એનો સાથ આપનાર દરેક વ્યક્તિ પણ...”

સત્યજીતને પણ સુરદુલે જ મર્મવિધા શીખવી હતી એ જાણતો હતો શરીરના કયા બિંદુ પર થયેલ વારની અસર કઈ રીતે રોકવી. સુરદુલ કઈ સમજે એ પહેલા એનો હાથ કામ કરતો થઇ ગયો અને સુરદુલની છાતી સાથે હથોડા જેમ અથડાયો. સુરદુલ લથડયો પણ એક બે કદમ પાછળ લેતા એણે સંતુલન મેળવી લીધું. સત્યજીત માટે એટલો સમય કાફી હતો. એણે વજ્ર ખંજર નિકાળી સુનયના તરફ વિઝ્યુ. સુરદુલ જાણતો હતો કે જે આસનની આડશે સુબાહુએ સુનયનાને નમાવી રાખી હતી. એ આસન વજ્ર ખંજર સામે ઢાલ બની શકે એમ નથી.

હવે કઈ થઇ શકે એમ ન હતું. સત્યજીતે ફેકેલું વજ્ર ખંજર સુનયના તરફ જવા લાગ્યું. એ ખંજર સુનયના નજીક પહોચ્યું એ જ સમયે એનામાં નાગલોકમાં એક નાગિન તરીકે જે શક્તિઓ હતી એ પાછી આવી ગઈ હોય એમ સુનયનાએ એક જ હાથમાં એ ખંજર પકડી લીધું.

સત્યજીત આભો બની ગયો. સુરદુલ એની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો.

“નાગિન...” સત્યજીત કુદીને એ તરફ દોડ્યો, “બિંદુની હત્યારી... હું તને છોડીશ નહિ...”

સુરદુલ સુનયના અને સત્યજીતના માર્ગમાં જ ઉભો હતો. જેવો સત્યજીત એની પાસેથી દોડતો પસાર થયો સુરદુલે એની પીઠ પર મગજ તરફથી મળેલા સંદેશાને સ્પાઈનલ કોર્ડ તરફ લઇ જતા પોઈન્ટ પર પોતાના હાથના અંગુઠાથી એક વાર કર્યો, સત્યજીત જાણે પથ્થરનું બનેલું પુતળું હોય એમ ત્યાં જ ઢળી પડ્યો.

સુરદુલની વૃદ્ધ આંખોએ દુરથી આવતા મેકલ અને અન્ય ગોરાઓને નોધી લીધા. સુરદુલે એક પળમાં પરિસ્થિતિ સંભાળી લેતા નીચા નમી સત્યજીત પર પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડ્યું અને બરાડયો, “સિપાહીઓ આને ઉઠાવી તાતકાલીક કારાગારમાં નાખી આવો.”

ચિતરંજનનું ધ્યાન પણ એના ટેન્ટમાંથી નીકળી એ તરફ આવતા મેકલ તરફ ગયું. એણે પણ સિપાહીઓને એ જ ઈશારો કર્યો.

ગોરો પ્રતિનિધિ મેકલ ત્યાં આવ્યો ત્યાં સુધીમાં સત્યજીતને સિપાહીઓ કારાગાર તરફ લઇ રવાના થઇ ગયા. સુનયનાના હાથમાંનું વજ્ર ખંજર સુબાહુએ છુપાવી દીધું.

ગોરાઓને કઈ હાથ ન લાગે એ રીતની બધી વ્યવસ્થા થઇ હતી છતાં મેકલે કરેલા સવાલ જવાબમાં બાગીએ રાજકુમાર પર હુમલો કર્યો એ વાત ત્યાં ઉભેલા કલાકારો બોલી ગયા. મેકલ માટે એ પુરતું હતું. રાજ પરિવારને નાગપુરના લોકોની નજરમાંથી નીચા લાવી દેવાનો એક નવો અવસર એને મળી ગયો.

“આવતી કાલે સવારે ભર બજારે એ બાગીને લટકાવી દેવામાં આવશે જેથી બાગીઓમાં રાજ પરિવારનો ડર બેસે..” મેકલે જાહેરાત કરી અને પાછો પોતાના ટેન્ટ તરફ જવા લાગ્યો.

રાજમાતા અને દિવાન બંને મેકલની ચાલાકી સમજી ગયા પણ કઈ થઇ શકે અમ ન હતું. ખુલ્લે આમ હુમલો કરનાર બાગીનું સમર્થન કઈ રીતે થઇ શકે.

મેકલના ગયા પછી સુરદુલ જમીન પર ફસડાઈ પડ્યો. એનામાં સત્યજીતને ફાંસીએ લટકાવી દેવાનો હુકમ સાંભળ્યા પછી ઉભા રહેવાની હિમ્મત ન રહી.

“દિવાન...” રાજમાતા આસન પરથી ઉભા થયા, “બાકીના કારીગરોને શિરપાવ આપવાનું કામ કોશના સિપાહીઓને સોપી આપ મહેલના ખાસ કક્ષમાં એક સભાની તૈયારી કરો.

“જી રાજમાતા..”

“સુરદુલ આપ મારીં સાથે મહેલમાં ચાલો..” રાજમતાએ કહ્યું.

સુરદુલને હવે કોઈ સભામાં રસ ન હતો છતાં કમને જમીન પરથી ઉભો થયો.

“દંડનાયક આપ, રાજકુમાર સુબાહુ અને સુનયના બધા જ એ સભામાં હાજર રહેશો...” રાજમાતા વધુ કઈ બોલ્યા વિના મહેલ તરફ જવા લાગ્યા.

આજે જે બન્યું એ એમના માટે અણધાર્યું હતું. એ માટે રાજમાતા બીલકુલ તૈયાર ન હતા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky