સ્વસ્તિક (પ્રકરણ 31) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 31)

બિંદુ બે દિવસ સુધી એક જ પથ્થરની આડશે છુપાઈ રહી હતી. એ જંગલમાં વહેતા નાનકડા ઝરણા પાસેના પથ્થરો વચ્ચે એ રીતે છુપાઈને પડી રહી હતી કે આખું જંગલ ફેદી નાખવા છતાં હુકમ કે એના સિપાહીઓ એને શોધી શક્યા ન હતા. એક ગુપ્તચર બનવા માટેની પૂરી તાલીમ એને દિવાન ચિતરંજન તરફથી આપવામાં આવી હતી.

એ પરિસ્થિતિ મુજબ પોતાની જાતને જીવિત રાખવાનું જાણતી હતી, ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ સરવાઈવ કરી શકવું દરેક સ્પાય માટે કેટલું અગત્યનું છે એના પાઠ શીખી હતી. એ દિવસ દરમિયાન ઝરણા પાસેની એક શીલા જ્યાંથી ઝરણાનું થોડુક પાણી લીક થઇ બીજી તરફ જતું હતું ત્યાં ટૂંટિયું વાળીને એ રીતે પડી રહી કે એને પાણી માટે ખસવાની જરૂર ન પડે. રાત્રી દરમિયાન એ ઝરણા આસપાસના વૃક્ષો પરથી બેરી તોડી પેટ ભરતી.

પણ આજે બહાર નીકળ્યા સિવાય કોઈ છૂટકો ન હતો. આજે દશેરાનો દિવસ હતો. પોતે જે સાંભળ્યું હતું એ મુજબ આજે રાજ પરિવાર માથે મહા જોખમ આવવાનું હતું.

બિંદુ ત્રીજે દિવસે અજવાળામાં બહાર નીકળી. એ ઝરણાના કિનારે આવી ઉભી રહી. અઘોરીએ જે અંદાજ લગાવ્યો હતો એ સાચો ઠર્યો હતો. બિંદુ સુનયનાને ષડ્યંત્રખોરો સાથે ભળેલી સમજતી હતી અને મહેલમાં સુનાયાનાનું કેટલું વર્ચસ્વ છે એ બાબતથી એ પરિચિત હતી. એ જાણતી હતી કે પોતાની એ વાતનો વિશ્વાસ રાજમાતા કે કુમાર સુબાહુ નહિ જ કરે.

શું કરવું? રાજ પરિવાર માથે તોળાઈ રહેલા જોખમને કઈ રીતે દુર કરવું?

એ વિચારતી એ ઝરણાના કિનારે ઉભી હતી. એની આંખો સામે ઝરણાનું પાણી ઉછળતું કૂદતું જઈ રહ્યું હતું એવી જ હાલત એના મનની હતી એમાં વિચારો દોડધામ કરી રહ્યા હતા.

આજે દશેરો છે. મીરામા નાગદેવના મંદિરે પૂજા કરશે અને એમાં અનેક શ્રદ્ધાળુઓ ભાગ લેશે. એ દિવસે શહેરથી નાગદેવના મંદિર સુધી જવાના માર્ગને રાજ પરિવાર તરફથી સજાવવામાં આવતો. આખા માર્ગ પર ફૂલો પાથરવામાં આવતા. એના પાછળના અસલ કારણની કોઈને ખબર ન હતી. બિંદુને પણ નહિ.

બિંદુ એ જાણતી હતી કે દશેરાના દિવસે અરણ્ય સેના હાજર નથી હોતી. એ દિવસે જંગલમાં કોઈ સિપાહીઓ નથી રહેતા. આખું જંગલ નાગદેવતાને હવાલે હોય છે અને એને એક વાતની શાંતિ હતી કે હુકમ અને એના સિપાહીઓ જેમ નાગદેવતા એને મારી નાખવા શોધતા નહિ જ હોય.

આજે એ દિવસના અજવાળામાં બહાર આવી એનું કારણ એ જ હતું પણ હવે આગળ શું કરવું? કોઈ સિપાહી પણ પોતાની વાત નહિ માને. લોકોને કે સામાન્ય સિપાહીઓને ક્યા ખબર જ છે કે હું જાસુસ છું? કોઈ એક વોરનો વિશ્વાસ કેમ કરશે?

એ ઘરે જઈ શકે એમ ન હતી છતાં પોતે જે સાંભળ્યું હતું એ સાંભળીને ચુપ બેસવું પણ અશક્ય હતું. ગુપ્તચર બનતા પહેલા પોતાના જીવ કરતા પણ રાજ પરિવારની સલામતીને વધુ મહત્વ આપવાની સપથ એ લઇ ચુકી હતી. શું કરવું આ ધસમસતા ઝરણામાં કુદી જીવ આપી દેવો?

ના, એ કાયરોનું કામ છે. જીવ જ આપવો હતો તો શું કામ ત્રણ ત્રણ દિવસ આમ છુપાઈને રહી. એની જાતે બિંદુને કહ્યું. હું મરી ન શકુ. ઈચ્છામૃત્યુ એ મારા માટે કોઈ વિકલ્પ નથી. હું કઈક ઉપાય શોધી લઈશ – મારે શોધવો જ રહ્યો.

બિંદુ જાણતી હતી રાજ સિપાહીઓને મરતા બચાવવા માટે એને ગમે તે ભોગે નાગ મંદિર સુધી પહોચવું પડે. એ સિવાય કોઈ છૂટકો નથી અને એ કામ કરવા માટે એને નાગપુરથી જંગલ વાટે એ નાગ મંદિર સુધી જતા શણગારેલા માર્ગ સુધી પહોચાવની જરૂર હતી કેમકે ત્યાં પહોંચીને શ્રદ્ધાળુઓની ભીડમાં ભળી એ નાગ મંદિર સુધી પહોચી શકે એમ હતી પણ એ હુકમ અને એના માણસોથી બચવા ડરીને ઘેરા જંગલમાં છુપાઈ હતી જ્યાંથી એ સ્થળ બહુ દુર હતું. છુપાવા માટે બિંદુએ ઘોડાને પણ છોડી દેવો પડ્યો હતો કેમકે ઘોડો સાથે હોય તો હુકમના માણસો એને આસાનીથી શોધી શકે એમ હતા.

ઘોડાને એણે છૂટો જ મુકવો પડ્યો હતો કેમકે પોતે ક્યાય બીજે છુપાય અને ઘોડાને ક્યાય બીજે બાંધી રાખે એ શકય ન હતું. નાગપુરના ઘેરા જંગલમાં બાંધેલો ઘોડો એકાદ કલાક કરતા વધુ સમય જીવી ન શકે એટલા હિંસક જાનવરો હતા.

બિંદુ પાસે હવે ન કોઈ હથિયાર હતા ન ઘોડો. એ મન મક્કમ કરી પગપાળા નિહથ્થા જ મંજિલ તરફ ચાલવા લાગી. લગભગ અડધા એક કલાકની પગપાળા મુસાફરી પછી આકસ્મિક એની સામે એક ઘોડે સવાર સિપાહી આવીને ઉભો રહી ગયો.

બિંદુના પગ જમીન સાથે ચોટી ગયા. દશેરાના દિવસે તો અરણ્ય સેના હાજર નથી હોતી તો કેમ આ સિપાહી અહી છે? કદાચ હુકમે ખાનગી રીતે મને શોધવા માટે અમુક માણસોને રાજમાતાની આજ્ઞા વિરુદ્ધ જંગલમાં રાખ્યા હશે?

“એય જ્યાં છે ત્યાં જ રોકાઈ જા..” સિપાહીએ બુમ પાડી અને ઘોડો એની તરફ વાળ્યો.

બિંદુએ ઘોડો એની પાસે પહોચ્યો ત્યાં સુધીમાં સ્વસ્થતા મેળવી લીધી.

“કોણ છે તું?” એ સિપાહીને એક છોકરીને શોધવાનું કામ હુકમ તરફથી મળ્યું હતું પણ એણે બિંદુને જોઈ ન હતી. એણે શું હુકમ સિવાયના કોઈ સિપાહીએ બિંદુને જોઈ ન હતી.

“હું... હું...” બિંદુ જરાક ખચકાઈ પણ તરત જ શબ્દો શોધી લીધા, “હું નાગદેવ મંદિરે મીરામાના દર્શને જતી હતી પણ રસ્તામાં ભીડથી અલગ થઇ ગઈ..”

સિપાહીને એ જવાબ વાજબી લાગ્યો હોત પણ બિંદુના શરીર પરના ઉજરડા અને ઝખમ જોઈ એને જરા અજુગતું લાગ્યું, “તારા શરીર પર ઉજરડા અને જખમ કેમ છે? અને તું એ રસ્તાથી આટલી દુર શું કરે છે એ અહીંથી ખાસો એવો દુર છે?”

“હું રસ્તાથી જરાક દુર નીકળી ગઈ ત્યાં જ એક જંગલી જાનવરે મારા પર હુમલો કર્યો અને ગભરાહટમાં બચવા હું એક ઢળાણમાં કુદી પડી અને આ તરફ રસ્તો ભૂલી આવી ગઈ..” બિંદુએ વાત ઉપજાવી કાઢી, “પણ હવે મને રસ્તો નથી મળતો...”

સિપાહી ઘડીભર એને જોતો રહ્યો અને એકાએક એનો જમણો હાથ પોતાની કમર તરફ જવા લાગ્યો. બિંદુ સમજી ગઈ કે સિપાહીએ શું નોધી લીધું હતું. એના શરીરના જખમ અને ઉજરડા તાજા ન હતા. એ બે ત્રણ દિવસ પહેલાના હતા અને એના પર હળવી રૂઝ બેસી ગઈ હતી. સિપાહીએ એનું જુઠ્ઠાણું પકડી લીધું હતું.

બિંદુએ પોતાની ઓઢણીને કમર પરથી ખોસેલી હતી ત્યાંથી નીકાળી હવામાં વિંઝી. સિપાહીનો હાથ હજુ તલવારની મૂઠ સુધી જ પહોચ્યો હતો.

બિંદુ પાસે કોઈ હથિયાર ન હતું પણ એવા અણધાર્યા જોખમ માટે એ તૈયારી કરીને આવી હતી. ઝરણાના કિનારેથી નીકળતા પહેલા બિંદુએ એની ઓઢણીના પાલવને એક છેડે શેર દોઢ શેર વજનનો એક પથ્થર ગાંઠ વાળીને બાધી લીધી હતો. જેવો સિપાહીનો હાથ તલવાર તરફ ગયો બિંદુએ ઓઢણીનો જે છેડો કમરમાં ભરાવેલો હતો એ ખેચી કાઢ્યો અને સિપાહી તરફ ઓઢણીનો ઘા કર્યો.

સિપાહીને આવા અણધાર્યા હુમલાનો અંદાજ ન હતો. અને આમ પણ એનું પૂરું ધ્યાન તલવાર તરફ હતું કેમકે યુવતીના હાથમાં કોઈ હથિયાર નથી એની ખાતરી એણે કરી લીધી હતી. પણ એ ભૂલ એને ભારે પડી. દિવાન ચિતરંજને આપેલી તાલીમથી બિંદુ વિના હથીયારે પણ એક સિપાહીને માત કરી શકે એમ હતી. એક ગુપ્તચર તરીકે બિંદુને પોતાની આસપાસની કોઈ પણ સામાન્ય વસ્તુ હથિયાર તરીકે કઈ રીતે વાપરવી એની તાલીમ આપવામાં આવી હતી. ઓઢણીનો પથ્થરવાળો છેડો સિપાહીના લમણા પર ઝીંકાયો. એના મો માથીં એક ચીસ નીકળી ગઈ અને એ ઘોડા પરથી નીચે ફેકાયો.

ઘોડો એકદમ ભડકીને ભાગવા લાગ્યો પણ બિંદુ તૈયાર જ હતી. લગામ હાથમાં લીધા પહેલા જ એ કુદીને ઘોડા પર સવાર થઇ ગઈ અને સિપાહીનું શું થયું એ જોવા રહ્યા વિના જ ઘોડો શણગારેલા રસ્તા તરફ દોડાવી મુક્યો.

સિપાહીની ચીસ સાંભળી થોડેક દુર તપાસ કરતા બાકીના ઘોડે સવારો પણ ત્યાં દોડી આવ્યા. સિપાહીએ જે બન્યું એ કહ્યું. ચારેક સિપાહીઓ બિંદુની પાછળ એનો પીછો કરવા લાગ્યા અને બાકીના બે સિપાહીઓ હુકમને ખબર આપવા ગયા. હુકમ ત્યાંથી થોડેક દુર જ બગીમાં બેઠો હતો.

બિંદુએ પોતાની પાછળ ઘોડે સવારો આવતા જોયા પણ જ્યાં સુધી એ એને આંતરી ન શકે ત્યાં સુધી કોઈ ડર ન હતો. એ સિપાહીઓ પાસે તલવારો જ હતી. એકેયના હાથમાં બંદુકો દેખાઈ નહી. દુરથી હુમલો શકય નથી તેવું બિંદુએ ધાર્યું પણ તેને અંદાજ ન આવ્યો કે એ સિપાહીઓની પાછળ જ હુકમની ઘોડાગાડી દોડતી એની તરફ આવી રહી છે. હુકમ પાસે બંદુક હતી અને બગીમાથી હુકમ એને જોઈ શકતો થાય એટલો જ સમય બિંદુ અને એના મૃત્યુ વચ્ચે હતો.

બિંદુ જીવ પર આવી ઘોડો દોડાવતી રહી. થોડાક સમયમાં એ ઘેરા જંગલ બહાર નીકળી જવાની તૈયારીમાં જ હતી પણ ત્યાજ એને પાછળથી સંભળાતા ઘોડાઓના ડાબલાના અવાજમાં વધારો થતો લાગ્યો. તેણીએ પાછળ નજર કરી. એને હુકમની ગાડી દેખાઈ, હુકમના હાથમાં બંદુકની નાળ એની તરફ તકાયેલી હતી. એક ભડાકો થયો, બિંદુ બની શકે એટલી ઘોડા પર નીચે નમી ગઈ. ( એ ભડાકો સત્યજીત અને સુરદુલે સાંભળ્યો હતો અને સત્યજીતે એક ઘોડો દેમાર ઝડપે ધડાકાની દિશામાં ભગાવ્યો હતો)

હુકમે ગાડી ચલાવતા વ્યક્તિ તરફ જોઈ એક ગાળ ભાંડી. એ વ્યક્તિ ગાળનો ગુસ્સો ઘોડાઓ પર ઉતારવા માંગતો હોય એમ ઉપરા ઉપરી બે ત્રણ વાર ચાબુક વિઝ્યા અને ઘોડાઓના પગ જાણે જમીનને અડતા જ ન હોય એ ગતિથી ઘોડાગાડી બિંદુના ઘોડાને આંબવા પાણીના રેલા જેમ સરકવા લાગી. આગળ બિંદુનો ઘોડો, પાછળ પાંચેક ઘોડેસવારો, હુકમની ઘોડાગાડી અને એના પાછળ ફરી ઘોડેસવાર સિપાહીઓ.

એ ધાંધલ ધમાલનો અવાજ સત્યજીતને ગોળીના અવાજ સાંભળ્યા પછી કઈ તરફ જવું એની નિશાની આપતો રહ્યો. તેનો ઘોડો ગોટ ટ્રેલના ફાંટા પાસેથી રસ્તા પર ચડ્યો ત્યારે સામેથી બિંદુનો ઘોડો દેખાયો. બિંદુ દુરથી સત્યજીતને ઓળખી શકી નહિ. એ સત્યજીતને ઓળખતી હતી, બંનેએ ભેગા મળી કર્ણિકા અને મલિકાની દુનિયામાં હનુમાન બની આગ લગાવી હતી. ઓબેરીનું માથું વાઢી નીકળી જવામાં બિંદુની મદદ સત્યજીત પણ ભૂલ્યો ન હતો.

પણ કદાચ આકાશમાં નક્ષત્રોની ગોઠવણી સ્વતિક મુહુર્ત રચતી હતી એ કે વિધિની વક્રતા બિંદુ એટલે દુરથી સત્યજીતને ઓળખી ન શકી. એ ઘોડો થંભાવી ઉભી રહી ગઈ. એને લાગ્યું કે એ બંને તરફથી ઘેરાઈ ગઈ છે.

એ સત્યજીતને હુકમનો જ કોઈ સિપાહી સમજી બેઠી. પાછા ફરે તો પણ મોત હતું આગળ પણ મોત શું કરવું એની વિમાસણમાં બિંદુ ઘોડો થંભાવી ત્યાં જ ઉભી રહી ગઈ. સત્યજીતનો ઘોડો બિંદુ તરફ આગળ વધ્યો જોકે હજુ એ પણ બિંદુને ઓળખી શક્યો ન હતો. એમના વચ્ચે ખાસ્સું એવું અંતર હતું.

બીજી તરફ હુકમની ઘોડાગાડી બિંદુથી એટલી હદમાં આવી ગઈ હતી કે હવે હુકમ માટે નિશાન લગાવવું સહેલું બની ગયું હતું. તેના બાજુમાં બેઠેલા સિપાહીએ ગન પાવડર ઠુંસીને બંદુક હુકમના હાથમાં આપી. હુકમે એક આંખ જીણી કરી, એ અરણ્ય સેનાનો નાયક હતો. એ જંગલમાં એને જે રક્ષાનું કામ સોપવામાં આવ્યું હતું એના બદલે એ પ્રાણીઓનો શિકાર કરવામાં વધુ સમય પસાર કરતો હતો.

નિર્દોષ હરણીનો શિકાર કરતા એના ચહેરા પર જે ચમક છવાઈ જતી એ જ ચમક એની આંખોમાં દેખાઈ, એણે ટ્રીગર દબાવ્યું, બિંદુ ધડાકો સાંભળી શકે એ પહેલા તેની પીઠમાં પારાવાર વેદના અનુભવાઈ. એ ધગધગતો લાવા એની પીઠમાં ઉતરી ગયો. હજારો સાપના ઝેર જેવી બળતર સાથે એ ઘોડા પરથી નીચે ઢળી પડી.

એની પાછળ આવતા ઘોડે સવારો એના સુધી પહોચે એ પહેલા સત્યજીતનો ઘોડો પણ ત્યાં પહોચી ગયો.

“બિંદુ....” નજીક આવતા જ સત્યજીતે બિંદુને ઓળખી લીધી હતી. એ કુદીને ઘોડા પરથી નીચે ઉતર્યો.

“હે..” એણે બિંદુની નજીક જતા સિપાહીઓને રોકતા પડકાર ફેક્યો, “કાયરો એક સ્ત્રીને પણ તમારે પીઠ પાછળ વાર કરીને મારવી પડે છે.”

એના જવાબમાં એક સિપાહી ઘોડા પરથી કુદીને નીચે આવ્યો, “તને છાતી પર વાર કરીને મારીશ.. જુવાન હવે તો ખુશને...?” એ હસ્યો.

એનો જવાબ સાંભળી બીજા ચાર ઘોડેસવાર સિપાહીઓ પણ કુદીને નીચે આવ્યા, તેમના બધાના ચહેરા પર હાસ્ય છવાયેલું હતું - એક ક્રૂર હાસ્ય. હુકમની બગી નજીક આવી રહી હતી. એને ત્યાનું દ્રશ્ય દેખાતું હતું પણ એણે ગોળી ન ચલાવી કેમકે જે રહસ્ય બિંદુ જાણતી હતી એ બિંદુ સાથે સમાપ્ત થઇ ગયું હતું અને જે અજાણ્યો માણસ એમની આંખ સામે હતો એને મારવો એ સિપાહીઓ માટે ડાબા હાથનો ખેલ હતો.

બે સિપાહીઓના હાથમાં ભાલા હતા અને બાકીના ત્રણેય પોતપોતાની તલવારો હાથમાં લઇ સત્યજીત તરફ આગળ વધ્યા.

સત્યજીતે પોતાની તલવાર ખેચી કાઢી. એની ચમક જોઈ એ સિપાહીઓ સમજી ગયા હોત તો એમને મરવું ન પડ્યું હોત પણ તેઓ ધમંડ અને સત્તામાં અંધ હતા, એમને જીતની આંખોમાં શોલા પણ ન દેખાયા. જીતની આંખોમાં પાતાળ પ્રવેશ ઝરણાના કિનારે બનેલી ભઠ્ઠીઓમાં સળગતા અંગારા જેટલી જવાળાઓ હતી.

પહેલો સિપાહી જીતની નજીક આવ્યો એ સાથે જ જીતે પોતાની તલવાર વિંઝી, તલવાર બાજીમાં માહેર એ સિપાહીએ પોતાની કળાનો ગર્વ લેતાં એ તલવારને પોતાની તલવારથી બ્લોક કરી, પણ જાણે એની તલવાર પોચા કાગળના માવામાંથી બનાવેલ હોય એમ એ કપાઈ ગઈ. સત્યજીતની તલવાર એ સિપાહીની તલવારને કાપીને પણ અટકી નહિ. એ સિપાહીના શરીરના કમર પાસેથી બે ટુકડા કરીને આગળ નીકળી ગઈ. ભયાનક લોહીની છોળો ઉડી અને જીતે દાંત કચકચાવીને જય નાગમતીના પોકાર સાથે મરેલા સિપાહીને લાત મારીને થૂંક્યો.

બીજા સિપહિઓએ જે જોયું એના પર એમની આંખો વિશ્વાસ કરી શકી નહિ. એ સિપાહીનું શરીર બખતરમાં સલામત હતું. કોઈ તલવાર બખતર સાથેના સિપાહીને કઈ રીતે કાપી શકે?

એમનામાંથી એક-બેએ વજ્ર ખડકની અફવાઓ સાંભળેલી હતી એના પગ જમીન સાથે જડાઈ ગયા જયારે બાકીના ત્રણ સિપાહીઓ પોતાના ભાલા તલવાર સાથે આગળ વધ્યા.

સત્યજીતે તલવાર મદારીની ખાસ યુદ્ધકળા મુજબ ચક્ર વ્યૂહમાં ફેરવી, બે ભાલાના છેડા કપાઈને જમીન પર પડ્યા અને જયારે એ તલવાર ચક્રવ્યૂહ ફરી પાછી ફરી એ સમયે બેકહેન્ડ બ્લોમાં ભાલાના માલિકના માથા જમીન પર પડ્યા.

બિંદુ જમીન પર પડી એ બધું જોઈ રહી હતી. એ હવે સત્યજીતને ઓળખી ચુકી હતી.

જેના પગ જમીન પર ચોટી ગયા હતા એ સિપાહી ભાનમાં આવે એ પહેલા જ સત્યજીતની તલવાર ગરુડ વ્યુહમાં ફરી અને એને માથાથી પગ સુધી ઉભો ચીરી નાખ્યો.

છેલ્લા બચેલા સિપાહીએ સત્યજીત પર પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ એ જ સમયે બિંદુએ પોતાના શરીરમાં હતી એટલી શક્તિ ભેગી કરી સત્યજીતને ચેતવ્યો, “જીત..”

સત્યજીત અર્ધા ચક્રાકારે ફર્યો અને એની તલવાર દુશ્મન સિપાહીની તલવાર સાથે અથડાઈ, એને કાપી તલવાર સિપાહીના બખતરને કાપી એના શરીરમાં અર્ધે સુધી ઉતરી ગઈ.

એ જ સમયે ત્રીજો ધડાકો સંભળાયો. હુકમે એ નજારો દુરથી જોયો અને એ સમજી ગયો કે સામેનો વ્યક્તિ રાજમાતાનો ખાસ સિપાહી હતો જો એને ખતમ કરી નાખવામાં આવે તો એના હાથમાં વજ્ર ખડકનું રહસ્ય આવીં જાય. કેમકે એ ગુપ્ત સિપાહી અત્યારે વજ્ર ખડગથી લડી રહ્યો છે. પોતે એ સિપાહીને સામાન્ય સિપાહી સમજવાની ભૂલ કરી એ બાબત હુકમને સમજાઈ એ સાથે જ એણે બંદુક છોડી હતી.

બંદુક સત્યજીતની છાતીના નિશાને ફૂટી હતી. સત્યજીતે એક આંચકો અનુભવ્યો, એના હાથમાંથી તલવાર નીચે પડી અને એને અનુશરતો એ પણ જમીન પર પટકાયો. ગોળી એની છાતીમાં વાગી હતી.

સત્યજીત જમીન પર પછડાયો એ જોઈ બિંદુના રહ્યા સહ્યા હોશ પણ ચાલ્યા ગયા હોત પણ બિંદુએ સત્યજીતની છાતી તરફ નજર કરી ત્યાં બંદુકની કોઈ અસર ન હતી. એની છાતી પર પહેરણના ભાગે કાણું પડેલું હતું અને અંદરથી વાદળી રંગે ચમકતી ધાતુ દેખાઈ.

વજ્ર કવચ - સત્યજીતે વજ્ર કવચ પહેરેલું હતું. વજ્ર ખડગની હેરફેર વખતે ગમે ત્યારે ગમે તે થઇ શકે એ શકયતા નકારી શકાય એમ ન હતી માટે તે કવચમાં સજ્જ હતો. ગોળી એનું કઈ બગડી શકી ન હતી.

“સત્ય...”

બિંદુ કઈક બોલવા જતી હતી પણ જીતે એને આંખના ઈશારે અટકાવી. બિંદુ કઈ સમજી નહિ પણ જીતના ઈશારે એ ચુપ થઇ ગઈ. હુકમની બગી એકદમ નજીક આવી ગઈ હતી. બગી બિંદુ અને સત્યજીત જયાં જમીન પર ઘાસ પર પડ્યા હતા એનાથી કેટલાક ગજ દુર ઉભી રહી.

સત્યજીતે પોતાની કમર પરથી વજ્ર ખંજર નીકાળી હાથમાં લઇ લીધું. એણે આખું આયોજન એક પળમાં કર્યું હતું. જેવો બંદુકનો ધડાકો થયો એ સમજી ગયો કે જો દુશ્મનને ખબર પડશે કે એની ગોળી મને ભેદી શકે એમ નથી તો એ ડરીને નાશી જશે જો એનો પીછો કરી એની પાછળ જશે તો બિંદુનું શું કરવું અને જો બિંદુ માટે રોકાય તો એ રહસ્યને જાણી હુકમ નીકળી જાય એમ હતો.

એક પળમાં સત્યજીતે આખી રમત રમી લીધી. બંદુક એની છાતી પર ફૂટી એ સાથે જ એ જાતે જ તલવાર ઉછાળી ઢળી પડ્યો હતો.

હુકમ બગીમાંથી નીચે ઉતાર્યો. હવે એને કોઈ જોખમ લાગ્યું નહી. એ સત્યજીત અને બિંદુ તરફ ગયો. સત્યજીતથી થોડેક દુર પડી વજ્ર ખડગ લેવા એ નમ્યો એ જ સમયે સત્યજીતે એના પગ પર લાત મારી. એ જમીન દોસ્ત થઇ ગયો.

એ ઉભા થવાનો પ્રયાસ કરે એ પહેલા એક ગુલાંટ મારી જીત એની નજીક પહોચી ગયો. જયારે હુકમ ઉભો થયો ત્યારે જીત પણ એની સાથે જ ઉભો થયો હતો અને એનું ખંજર હુકમના ગળા પર હતું.

ઘોડેસવાર સિપાહીઓ કુદીને નીચે આવી ગયા હતા. એમના હાથમાં એમની તલવારો હતી પણ હવે એ કોઈ કામની ન હતી.

“તું જે કોઈ હોઈશ બચી નહિ શકે આ રાજના સિપાહીઓ છે..” હુકમે જીતને ડરાવવાનો પ્રયાસ કર્યો.

“જાણું છું...” જીતે કહ્યું, “હું કહું એમ બધા કરો નહિતર સેનાનાયકની ગરદન કાપી નાખતા મને પળવાર પણ નહિ લાગે..”

સિપાહીઓ એક પળ માટે વિમાસણમાં પડી ગયા.

“એ જે કહે એમ કરો..” હુકમ બરાડ્યો, એ પોતાના ગળા પર વજ્ર ખંજરની ધાર અનુભવી શકતો હતો અને એ શું કરી શકવા સમર્થ હતું એ આંખો સામે જોઈ ચુક્યો હતો.

“સૌથી પહેલા બગીના ઘોડા છોડી નાખો..” સત્યજીતે ફરમાન કર્યું.

સિપાહીઓ એ શું કરવા માંગે છે એ સમજ્યા નહી પણ એમણે ઘોડા બગીથી અલગ પાડી દીધા.

”હવે તમારા અને બગીના ઘોડાને તબડાવીને ભડકાવો.”

સિપાહીઓએ મોટો દેખારો કરી ઘોડાને ભડકાવ્યા... સત્યજીતના પોતાના ઘોડા સિવાય બાકીના બધા ઘોડા ભડકીને આમતેમ દોડી ગયા. સત્યજીતનો વાયુ એને એકલો મૂકી જવા કરતા મરવું વધુ પસંદ કરે એમાંનો હતો.

“હવે...?” એક સિપાહીએ સવાલ કર્યો..

“મરવા તૈયાર થઇ જાવ...” સત્યજીતે હુકમની ગરદન ખંજરથી અલગ કરી નાખતા કહ્યું. સિપાહીઓ એક પળ માટે એ દ્રશ્ય જોઈ છક થઇ ગયા, કોઈ ખેડૂત ચાકુ વડે શેરડીની કાતળી કાપે એના કરતા પણ વધુ સહજ રીતે જીતે હુકમનું માથું અલગ કરી નાખ્યુ.

સિપાહીઓ હોશમાં આવી એની તરફ દોડ્યા ત્યાં સુધીમાં એણે કાર્ટવિલની જેમ ફરી જમીન પરથી વજ્ર ખડગ હાથમાં લઇ લીધું.

સામેના સિપાહીઓ એ ખડગની સ્લાઈસ, ડાઈસ, શોવિંગ અને જેબીંગ સામે ટકી શક્યા નહિ. તેમણે ડોડઝ અને પેરી કરી બચવા પ્રયાસ કર્યો પણ એમના હાથમાંના હથિયાર એ તિલસ્મી ખડગ સામે નકામા હતા. એ ખડગ બ્લોક થઇ શકે એમ ન હતું. પળવારમાં એ બધાના હથિયાર કપાઈને નીચે પડી ગયા અને વજ્ર ખડગ જે કામ માટે બનેલું હતું એ કામ પતાવી જીતની કમરે લટકતા મ્યાનમાં અદ્રશ્ય થઇ ગયું. લગભગ બે ગજ જમીન લાલ હિંગળોકથી રંગાઈ ગઈ.

જીત બિંદુ પાસે જઈ બેઠો ત્યારે ત્યાં માત્ર સિપાહીઓના નિર્જીવ શબ પડ્યા હતા. સત્યજીતે કબીલાના રહસ્ય જાણનાર એક પણ વ્યક્તિને જીવિત છોડ્યો ન હતો.

“હુકમ રાજ સાથે ગદ્દાર છે...” બિંદુએ કહ્યું, એ માંડ બોલી શકી, એની પીઠ પરથી વહેતા ખૂનથી આસપાસનું ઘાસ પલડી ગયું હતું, “એણે જોગસિંહ અને આચાર્યએ ભેગા મળી એક ષડ્યંત્ર રચ્યું હતું. ત્રણ દિવસ પહેલા તેઓ નાગપુર જંગલ બહાર રહેતા અઘોરીને મળ્યા હતા. એ સમયે હું એમની સાથી બની ત્યાં હાજર હતી...”

“પહેલા હું તને રાજ વૈધ પાસે પહોચાડું પછી બધી વાત..” સત્યજીતે બિંદુને ઉંચકી, “એ બધાને સજા મળશે પણ તારા જેવી રાજ ભકતનું જીવતા રહેવું જરૂરી છે..”

ઓબેરીની હત્યા વખતે રાજમાતા તરફથી સત્યજીતને બિંદુ વિશે દરેક માહિતી મળી હતી અને રાજ પરિવાર માટે બિંદુએ પોતાની આબરુની જે કુરબાની આપી હતી એ માટે સત્યજીતને એના પર ગર્વ હતો.

“રાજવૈધ પાસે નહિ... મહેલમાં હું સલામત નથી...” બિંદુએ તૂટક અવાજે કહ્યું,

સત્યજીત અવાક બની ઉભો રહી ગયો.

“તે ત્રણ દિવસ પહેલા સાંભળ્યું હતું તો મહેલ સુધી સમાચાર કેમ ન આપ્યા..?” સત્યજીતે પૂછ્યું, “અને મહેલમાં શું જોખમ છે..?”

“રાજમહેલમાં ગદ્દાર છે...” બિંદુએ કહ્યું, “મહેલના એ ગદ્દારની ભૈરવ ગુફા પર હાજરીના લીધે જ તેઓ મને જાણી ગયા હતા.”

“કોણ..?” જીતની આંખોમાં ગુસ્સાની જવાળાઓ ભભકી ઉઠી.

“સુનયના...” બિંદુએ કહ્યું, “રાજમાતાની પુત્રવધુ..”

સત્યજીતના ઘૂંટણ ઢીલા પડી ગયા હોય એમ એને લાગ્યું. એના શરીરમાંથી બધી શક્તિ એક પળમાં ગાયબ થઇ ગઈ, “એ.. એ શકય નથી.. તારે કશુક ભૂલ થાય છે બિંદુ...” સત્યજીત સુનયના વિષે એ માની ન શક્યો તો સામે બિંદુએ પોતાની ભક્તિ પુરવાર કરેલી હતી અને અલબત્ત અત્યારે તે મોત સામે જજુમી રહી હતી માટે તેની વાત ખોટી હોય તે પણ શક્ય ન હતું.

“એ ત્યાં હતી.. એ મને ઓળખતી હતી કે હું રાજમાતાની ગુપ્તચર છું માટે મારે ભાગવું પડ્યું પણ મેં રાજ ધર્મ નિભાવી લીધો છે.. નાગદેવતાના મંદિરે ગયેલા સિપાહીઓ સલામત નથી એમને પ્રસાદમાં ઝેર આપવામાં આવશે અને રસ્તામાં લુંટી લેવાશે.. એ હથીયાર સલામત નથી..”

બિંદુ બોલતી અટકી ગઈ.

“બિંદુ...” સત્યજીતે કહ્યું, “બિંદુ..”

બિંદુ તરફથી કોઈ પ્રત્યુતર ન મળ્યો.

સત્યજીત સમજી ગયો કે બિંદુ રાજ માટે શહીદ થઇ ચુકી છે. એણે બિંદુને જમીન પર સુવાડી અને એની આંખો બંધ કરી.

કદાચ લીલા પહાડ જતી સવારીઓ લુંટવાનું અયોજન હશે તો? એ વિચાર આવતા જ સત્યજીત ઘોડા તરફ દોડ્યો, કુદીને એ ઘોડા પર ગોઠવાયો, બિંદુ તરફ એક નજર કરી, તે નાગપુરની પવિત્ર જમીન ઉપર આકાશને જોતી સુતી હતી. હવે તેને કશું ભય ન હતો.

“વાયુ.....” તેણે ઘોડા ઉપર હાથ ફેરવ્યો, “વાયુ આજે આપણી પરિક્ષા છે...”

વાયુએ હકારમાં માથું ધુણાવ્યું - સત્યજીતે આંખો લુછી અને વાયુ વાયુવેગે સુરદુલ સુધી પહોચી જવા દેમાર ઝડપે ભાગ્યો...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky