સ્વસ્તિક (પ્રકરણ 12) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 12)

તેણે મારું કાંડું પકડી લીધું. એ સેફ મુવ લઇ મારી પીઠ પાછળ પહોચી ગયો. મારો હાથ મરડાયો, મને ખભાના ભાગે કાળી બળતરા થવા લાગી. કદાચ એ મારા હાથને તોડી નાખવા માંગતો હતો એમ મને લાગ્યું પણ ફરી મારો અંદાજ ખોટો પડ્યો. મેં એના બુટ સાથેના પગની કિક મારા ઘૂંટણના પાછળના ભાગે અથડાતા અનુભવી. હું લથડ્યો એ જ સમયે એણે મારો હાથ છોડી દીધો અને હું જમીન ઉપર પટકાયો.

હું જમીન પર પછડાયો એની બીજી જ પળે હું રોલ થઇ એની પહોચ બહાર નીકળી ગયો કેમકે હું એને ફરી કિક કરવાનો મોકો આપવા માંગતો ન હતો. હું મારા પગ પર ઉભો થયો એ સાથે એ મારા શરીર સાથે પૂરી તાકાતથી અથડાયો પણ અહી એક જગ્યાએ એ થાપ ખાઈ ગયો. કદંબ જેવા મદારીની અથડામણ પણ મને જમીન પરથી ઊંચકી શકી ન હતી.

વેદનું વજન માંડ સાઈઠથી સીતેર કિલો જેટલું હતું. મારા પગ જમીનથી ટસથી મસ ન થયા. વેદ માટે એ સરપ્રાઈઝ હતી, કદાચ એની સામે આજ સુધી બાથ ભીડનારા ક્યારેય એની અથડામણ સામે ટકી નહિ શક્યા હોય, એનું માથું જ્યાં મારા છાતીના ભાગ સાથે અથડાયું હતું ત્યાં મને ભયાનક પીડા ઉપડી પણ એ દર્દને રોવાનો સમય ન હતો. આમ પણ મેં જીવનમા ક્યારેય દર્દ તરફ ધ્યાન આપ્યું ન હતું - સિવાય કે વૈશાલીના વિરહનું દર્દ.

એ તેની સરપ્રાઈઝમાંથી બહાર આવે એ પહેલા મેં ફૂલ ફોર્સ સાથે મારી કોણી રેમ કરી. મારી કોણી કોઈ બોની ચીજ સાથે અથડાઈ હોય એમ મને લાગ્યું. મને વેદની દર્દનાક ચીસ સંભળાઈ અને બીજી જ પળે એ જમીન પર પડ્યો. એણે જમીન પર પડતા જ નવો પેતરો અજમાવવાનું નક્કી કરી લીધું હતું એ મારા પગ પકડી મને ચિત કરવા માંગતો હતો પણ મને એના બે વાર પરથી અંદાજ આવી ગયો હતો કે એનો થર્ડ મુવ કયો હશે. એનો હાથ મારા જે પગને વીંટળાઈ જવા માંગતો હતો એ પગ મેં વીજળીની ઝડપે અધ્ધર કર્યો અને એનો હાથ ખાલી હવાને ચીરી આગળ નીકળી ગયો. પોતે ચુકી ગયો છે એનું ભાન વેદને થાય એ પહેલા મેં તેના ચહેરા પર એક જોરદાર કિક ફટકારી.

ફરીથી એના મોમાંથી એક ચીસ નીકળી ગઈ પણ એ સંભાળવા માટે ત્યાં મારા સિવાય કોઈં ન હતું. ચેમ્બર ઓફ સિક્રેટમાંથી અવાજ બહાર નીકળી શકતો ન હતો - મારા માટે એ પ્લસ પોઈન્ટ હતો.

બસ હવે આખરી પંચ અને હું એને બેભાન કરી શકું તેમ હતો. હું કુદ્યો અને મારી ફિસ્ટ એના ઝખમી ચહેરાને વધુ ઝખમી બનાવે એની રાહ જોતો જમીન તરફ પડવા લાગ્યો. પણ મારી મુઠ્ઠી એના ચહેરા સાથે અથડાવાને બદલે ઠંડા અનસીમ્પથેટીક સ્ટોન ગ્રાઉન્ડ સાથે અથડાઈ. માત્ર ત્યારે જ મને અંદાજ આવ્યો કે છેલ્લી ઘડીએ તે ખસી ગયો હતો. મારા આંગળા કોઈએ રોડ રોલર નીચે ચગદી નાખ્યા હોય એમ મને લાગ્યું. મેં જમીન પરથી હાથ ઊંચક્યો પણ જાણે હાથ નકામો થઇ ગયો હતો. આંગળાઓમાં થતી કાળી બળતરા અસહ્ય હતી પણ મારે એ બળતરાને વધુ સમય ન પંપાળવી પડી કેમકે વેદ બાજુમાં ખસી ગયો હતો. એણે એનું માથું મારા ચહેરા સાથે પૂરી તાકાતથી અથડાવ્યું. હું બાજુ તરફ ફંગોળાઈ ગયો. મારા નાકમાંથી ખૂન વહેવા લાગ્યું.

જીવનમાં કોઈએ પહેલીવાર મને મારું લોહી બતાવ્યું હતું. મેં મરણીયા બની એની તરફ ઝાપટ મારી પણ એ પહેલા એ એના પગ પર ઉભો થઇ મારા હાથની પહોચથી દુર નીકળી ગયો.

હું ભાંખોડિયાભેર ઉભો થયો. એણે મને ઉભા થવાનો મોકો કેમ આપ્યો એ મને ન સમજાયું. જોકે અમે બેમાંથી એકેય એક-બીજા સાથેનો આઈ કોન્ટેક્ટ તુટવા દીધો ન હતો. અમારી આંખો એકીટસે એક બીજા સાથે લોક થયેલી જ હતી - કોઈ બે જંગલી જાનવરો જેમ અમે આંખોનો કોન્ટેક્ટ તુટવા દેવા માંગતા ન હતા.

પરંતુ ઉભા થયા પછી મને સમજાયું કે એણે મને કેમ ઉભા થવાનો મોકો આપ્યો હતો. ઉભા થયા પછી મારામાં પણ હુમલો કરવાની શક્તિ બચી ન હતી, અને વેદ પણ હાંફવા લાગ્યો હતો.

“તને શું વિલ ઓફ વિશ સુધી પહોચવું એટલું સરળ લાગ્યું હતું?” એ મલક્યો.

એનું સ્મિત મારાથી સહન ન થઇ શક્યું. મારા લમણાંની નશો તંગ બની. વેદ એનામાં બચેલી લીટલ એનર્જી સાથે મારા તરફ ધસ્યો. એના ચહેરા પર પણ ગુસ્સાના ભાવ હતા. એ ખરેખર ગુસ્સે હતો જયારે મારા તંગ લમણાની નશો વચ્ચે સચવાયેલ મગજ હજુ પણ એટલી જ શાંત રીતે વિચારી શકતું હતું. હું જાણતો હતો કે એ દુશ્મન નથી માટે મને સાચો ગુસ્સો આવ્યો જ ન હતો. કદાચ એટલે જ વેદ હજુ એના પગ પર ઉભો હતો.

પણ વેદ એટલો શાંત રહી શક્યો ન હતો માટે જ એની પાછળ પહોચી રહેલા ગરુડ પર એનું ધ્યાન ગયું ન હતું. એનું પૂરું ધ્યાન માત્ર મારી આંખો પર હતું જેથી એ મારા આગળના મુવને સમજી શકે. એ મારા પર ફોકસ કરવામાં રહ્યો એમાં એક વાત એના ધ્યાન બહાર નીકળી ગઈ. એ ચાંદીના લાઈટર પરથી ઇમર્જ થયેલું ગરુડ વેદના સિક્કાઓમાંથી ઉદભવેલા બંને સાપને માત કરી એમને ગળી ચુક્યું હતું અને એ મારી મદદે આવ્યું હતું.

પાછળના ભાગેથી ગરુડે એકાએક હુમલો કર્યો. એના રેઝર શાર્પ ટેલોન વેદની પીઠ પર ખભાના આસપાસ ક્યાય ઉતરી ગયા. વેદના મોમાંથી પીડા ભરી ચીસ નીકળી. ગરુડે એને જમીનથી ઉચકી લીધો અને ખાસ્સો એવો પાંચ છ ફૂટ જેટલો ઉપર સુધી લઇ જઈ તેના નહોર ઢીલા કર્યા અને વેદ એના ટેલોનમાંથી મુક્ત થઇ જમીન તરફ પડવા લાગ્યો. હું જાણતો હતો એ નિયમો વિરુદ્ધ હતું. હું યુદ્ધના નિયમો તોડીને લડી રહ્યો હતો પણ એમ કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો. એની સામે નિયમો મુજબ લડીને હું એ વિલ સુધી પહોચી શકું એમ ન હતો.

વેદ જમીન તરફ પડી રહ્યો હતો, મને ખાતરી હતી હજુ એ પડ્યા પછી ઉભો થઇ લડી શકે એમ હતો. એ આટલી જલ્દી હાર માની લે એમાંનો ન હતો. મેં વેદના ટેબલ પર પગ મૂકી એનો સ્પ્રિંગ બોર્ડ જેમ જ ઉપયોગ કરી હવામાં ડાઈવ લગાવી, હું જમીન તરફ પડી રહેલા વેદ તરફ હવામાં જ આગળ વધ્યો, જયારે વેદ અને મારા વચ્ચે ખાસ અંતર ન રહ્યું મેં બંને પગની કિક વેદના જમીન તરફ જઈ રેહેલા શરીરને ફટકારી. હું જમીન પર પછડાયો પણ વેદના પડવાની દિશા બદલાઈ ગઈ, કીકના ફોર્સે એના પડવાની દિશા દીવાલ તરફ કરી નાખી હતી, એ દીવાલ સાથે ભારે અવાજ સાથે અથડાયો અને ત્યાર પછી બોદા અવાજ સાથે જમીન પરની કોલ્ડ ફ્લોર પર પછડાયો.

ફરી એ સફેદ ગરુડ મારા લાઈટરમાં અક્ષરો બની સમાઈ ગયું અને મેં ઉભા થઈને લાઈટર ગજવામાં સરકાવ્યું. મેં વેદ તરફ નજર કરી. એ ઉભો ન થઇ શક્યો, એણે દીવાલ સાથે અથડાતા જ હોશ ખોઈ નાખ્યા હતા- જમીન પરની અથડામણ તો એના બેભાન થયા બાદની હતી જેની કદાચ એને ખબર પણ ન હતી.

મેં જે કર્યું એ બદલ અફસોસ થયો. મારા શરીરના જે ભાગે ઈજાઓ થઇ હતી ત્યાં પારાવાર વેદના થવા લાગી. એ ચેમ્બરમાં કોઈ જાદુઈ તાકાત મને એ વેદનાથી બચાવી શકે એમ ન હતી પણ એ બધું ભૂલી જઈ હું વિલ ઓફ વિશ તરફ આગળ વધ્યો.

હું વિલ ઓફ વીશમાં ગોઠવાયો. એ વિલની સાથે એક એવા જ જુના લાકડાની બનેલી ચેર હતી હું એમાં ગોઠવાયો એ સાથે જ જાણે ચેર સેલ્ફ પ્રોપેલ્ડ યંત્ર હોય એમ મારા હાથ અને પગ એનામાંથી નીકળેલા પટ્ટાઓમાં ઝકડાઈ ગયા. એ ખુરશીએ મને કેદ કરી લીધો.

હું ગજબ રીતે ફસાયો. મારી સામે જ એ વીલને શરુ કરવાનું હેન્ડલ હતું પણ હું એને નીચું કરી શકું એમ ન હતો. હું ખુરશીમાં કેદ હતો અને મારી કોઈ જાદુઈ તાકાત એ ચેમ્બરમાં કામ લાગે એમ ન હતી.

લાઈટર પણ મેં ખિસ્સામાં પાછું મૂકી દીધું હતું. એને બહાર નીકાળવું મુશ્કેલ હતું નહિતર હું એ ગરુડને ફરી બહાર મદદ માટે બોલાવી શકત પણ એ વેદને હંફાવ્યા પછી પોતાનું કામ કરી લાઈટર પર ફરી અક્ષરો બની ગોઠવાઈ ગયું હતું.

આઈ વોઝ ટ્રેપડ.

હું કઈ કરી શકું એમ ન હતો.

એકાએક મારી નજર વેદ પર પડી. એ ઉભો થઇ રહ્યો હતો. ઓહ! માય ગોડ. વેદે એના અને વિલ વચ્ચેના ટેબલને એક હાથથી ઉચકી ઊંધું કરી નાખ્યું અને કોઈ ટ્રેન પાટા પર ધસમસતી દોડે એમ મારી તરફ દોટ મૂકી.

તેણે આવતા જ મારા ચહેરા પર ડાબી તરફ એક પંચ ઝીંક્યો, “યું ડેર.. ઇન ચેમ્બર ઓફ સિક્રેટ..”

હું એને વારનો જવાબ વારથી આપી શકું એમ ન હતો. મારા હાથ પગ એ ચેરમાં કેદ થઇ ગયા હતા. હું શબ્દોથી એને જવાબ આપું એ પહેલા તો એણે મારા ચહેરા પર વાર કરી નાખ્યો હતો. એના લોખંડી હાથે મારો હોઠ ચીરી નાખ્યો. મેં મારા જ લોહીનો ટેસ્ટ અનુભવ્યો. મારા ગાલ પર જાણે કોઈ ગરમ ચીજ ચોટાડી દીધી હોય એવી વેદના થઈ પણ મેં ચીસ ન પાડી.

કદાચ મેં દર્દથી ચીસ ન પાડી એ જ વેદને ન ગમ્યું હોય એમ એનો મુક્કો મારી છાતી સાથે અથડાયો. મને એમ લાગ્યું જાણે કોઈએ મોટો હથોડો મારી છાતી પર ફટકાર્યો હોય. મેં મારી છાતી તરફ નજર કરી એનો હાથ હજુ મારી છાતીને અડકેલો હતો. એના હાથની મુઠ્ઠી ગ્લો થઇ રહી હતી.

“તો ચેમ્બર મેનુપીલેટ થઇ શકે છે?” મારા હોઠમાં અપાર દર્દ થતું હતું છતાં હું હસ્યા વિના ન રહી શક્યો. એ જુઠ હતું કે ચેમ્બરમાં જાદુનો ઉપયોગ ન થઇ શકે. એ હથોડા જેવો વાર જાદુઈ તાકાતનો હતો. વેદની મુઠ્ઠી હજુ ગ્લો થઇ રહી હતી મતલબ એણે મેજિક એનર્જીનો ઉપયોગ કર્યો હતો.

“તને રોકવા બીજો કોઈ રસ્તો નથી...” વેદ ગુસ્સાથી બરાડ્યો, “મારે જીવનમાં પહેલીવાર ચેમ્બરને મેનુપીલેટ કરી એના નિયમો તોડવા પડ્યા..”

“વિચાર વેદ ચેમ્બરના નિયમો કેમ તોડી શકાય એવા બનાવવા આવ્યા છે?” હું માંડ બોલી શક્યો.

“તારા જેવા ઘુસણખોરને રોકવા માટે..” વેદનો પંચ ફરી મારા ચેહરા પર ઝીંકાયો. મને એક પળ માટે વેદનાના સણકા ઉપડ્યા, મારો ચહેરો એક તરફ ફરી ગયો પણ એ દર્દને રોવાનો સમય ન હતો. મારે વાતચીત કરી એ લડાઈ જીતવાની હતી. હું જાણતો હતો વેદ મેન ઓફ પાવર હતો. મેં એની ચેમ્બરમાં ઘુસી બળજબરી પૂર્વક વિલ ઓફ વિશ પર કબજો લીધો એ માટે એ ગીન્નાયો હતો પણ એ સારો વ્યક્તિ હતો એટલે જ એને વિલની રખેવાળીનું કામ સોપ્યું હતું.

“નહિ વેદ એ નિયમો તોડી શકાય છે કેમકે એમને તોડી શકાય એવા બનાવવામાં આવ્યા છે.”

“તું કહેવા શું માંગે છે?” એણે મારા ચહેરાને એક હાથમાં પકડી એના તરફ ફેરવ્યો. મારા મોમાંથી લાળ અને હોઠમાંથી નીકળતું લોહી બંને એકબીજામાં ભળી જઈ વેદના હાથ પરથી વહેવા લાગ્યા. મારા ગાલ પર એક તરફ એના આંગળા અને એક તરફ એનો અંગુઠો અસહ્ય દર્દ આપી રહ્યા હતા.

“જે તું સમજ્યો છે અને જે સમજ્યા પછી તને આટલો ગુસ્સો આવ્યો છે..” હું એના હાથની પકડની વેદના વચ્ચે માંડ બોલી શક્યો.

વેદની મારા ચહેરા પરની પકડ ઢીલી થઇ. એની આંખો મારી આંખો સાથે મળી, “એ શક્ય નથી..”

“એ છે... ચેમ્બરના નિયમો તોડી શકાય એવા કેમ બનાવવામાં આવ્યા છે વેદ...?” હું જરાક અટક્યો, એણે ફરી મારા મોઢા પર પંચ ન માર્યો મતલબ એ મારી વાતને ગંભીરતાથી સમજ્યો હતો. હું આગળ બોલવા લાગ્યો, “વેદ બહાર કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યું. વૈશાલીને જેણે પણ ગુમ કરી છે એ માત્ર પડછાયાનો બનેલ છે એને શરીર નથી...”

એ મને તાકી રહ્યો. અમારી બંનેની આંખો લોક થયેલી હતી. દરેક જાદુગરની તાકાત એની આંખમાં હોય છે અને કમજોરી પણ. તેના સપાટ લંબગોળ ચહેરા અને બદામી આંખો, નાનકડા નાક કે પાતળા હોઠ ઉપર કોઈ ભાવ કળવા મુશ્કેલ હતા.

“વેદ તું નવ નાગની લડાઈ વિશે જાણે છે એ લડાઈ પછી તે જ આ જ સ્થળે મને અભિનદન પાઠવ્યા હતા. મને ગુપ્તમંડળનો સભ્ય બનાવ્યો હતો.”

“કેમકે તારા ડેડનો મારા પર અહેસાન છે..” તેણે તેના પાતળા હોઠ દબાવ્યા.

“તે માત્ર એ અહેસાન ચુકવવા મને સભ્ય બનાવ્યો હતો?” મેં એની આંખોથી આંખો અલગ થવા દીધી નહિ. હવે બધો મદાર એની આંખોને હું કેટલો સમય હોલ્ડ કરી શકું છું અને અમારા બંનેનું વિલ્સ કેટલો સમય લોક થયેલું રહે છે એના પર હતો.

“ના, તું એના માટે લાયક પણ હતો..” એ બોલ્યો, “પણ તું જે ખુરશી પર બેઠો એના માટે લાયક નથી...”

“એ ચેમ્બરને નક્કી કરવા દે..” મેં વિનવણી કરી, “પ્લીઝ વેદ.. એ વિલ ઓફ વિશને નક્કી કરવા દે.. જો હું લાયક નહિ હોઉં તો મને એ દર્દથી મુક્તિ આપી દેશે..”

એ મને તાકી રહ્યો. તેના ચહેરા ઉપર લગીર ભાવ બદલ્યા. તેની બદામી આંખોમાં સહેજ સહાનુભુતિ ચમકી અને જતી રહી.

મેં છેલ્લું કાર્ડ આજમાવ્યું, “આઈ નીડ યોર હેલ્પ...”

એકાએક તેના ચહેરા પર સ્મિત આવ્યું.

“વેદ એને મારા ડેડના અહેસાનનો બદલો ચૂકવ્યો માની લેજે..”

“અને એ પૂછે ત્યારે શું જવાબ આપું?” વેદે પૂછ્યું, મતલબ એ માની ગયો હતો.

“એમને કહેજે કે તું ભાનમાં આવ્યો જ નહોતો..”

વેદે માથું હલાવ્યું, તેણે એક પળ સુધી કઈક વિચાર્યું અને પછી બોલ્યો, “તું જીવ જોખમ લેવા જઈ રહ્યો છે..”

“આમ પણ હવે એક જીવ સિવાય મારી પાસે ખોવા માટે કઈ બચ્યું પણ નથી..” મેં કહ્યું.

“ઈઝ ધીસ યોર ફાઈનલ ફિક્સ..?”

“યસ..” મારા મોમાંથી હકારમાં જવાબ નીકળતા જ વેદનો હાથ હેન્ડલ તરફ આગળ વધ્યો. એણે હેન્ડલ નીચે નમાવ્યું અને દુર ખસી ગયો. એક પળ માટે મારા શરીરમાં ઝટકો લાગ્યો. જાણે મને વીજળીનો કરંટ લાગ્યો હોય અને એ વિલ ફરવા લાગ્યું પણ જેમ વિલ સ્મુથ્લી ફરવા લાગ્યું મારા શરીરમાં વીજળીનો પ્રવાહ પણ સમાંતર ગતિએ આગળ વધવા લાગ્યો.

મને એ દેખાવા લાગ્યું જે જોવા હું આવ્યો હતો. પણ વિલની ગતિ એકદમ ઝડપી થવા લાગી. મારા શરીરમાં વહેતી વીજળી અસહ્ય થવા લાગી. એકાએક મને એક સ્થળે જમીન પર સો કરતાય વધુ તલવારો ખોસેલી દેખાઈ. એ અજીબ દ્રશ્ય હતું. એ તલવારો કેમ? મેં એવી કોઈ વિઝન વિશે પૂછ્યું ન હતું.

કદાચ વિલ ઓફ વિશમાં કઈક ગરબડ થઇ હતી એ મારી માંગણી સિવાયના દ્રશ્યો પણ મને બતાવવા લાગ્યું. એ તલવારો પર એકાએક વરસાદ વરસવા લાગ્યો. જેમ જેમ વરસાદની ગતિ વધતી ગઈ અમે એમ વિલની ફરવાની ગતિ પણ વધ્યે ગઈ.

એકાએક તલવારો પર આકાશી વીજળી વરસાદના છાંટા જેમ વરસવા લાગી, દરેક તલવાર જાણે આકાશી વીજળીને ખેચી લાવી હોય એમ અનેક વીજળીના લબકારા આકાશથી જમીન પર ખોસેલી એ તલવારો સુધી પહોચી અને એમને સહારે જમીનમાં ઉતરી જવા લાગી. મારા શરીરમાં વહેતી વીજળી પણ જાણે એ તલવારોમાં શોષાઈ જતી વીજળી જેમ મારા શરીરમાં અદ્રશ્ય થઇ જવા લાગી.

એ કઈ રીતે શક્ય હતું?

એટલી વીજળી સામે માનવ શરીર કઈ રીતે ટકી શકે?

શું એ ચેમ્બરની ભ્રમણા હતી?

ના, એ ભ્રમણા ન હોઈ શકે વિલ ઓફ વિશ પર ગોઠવાયા પછી કોઈ ભ્રમણા ન થઇ શકે. હું જે જોઈ રહ્યો એ વિલ ઓફ વિશે બતાવેલી વિઝન હતી. પણ કેમ? એ વિલ મારી વિશ સિવાયની ચીજો કેમ બતાવી રહ્યું હશે?

જો એમ ચાલે તો હું મારી ચેરમાં જ મરી જઈશ એમ મને લાગ્યું કેમકે મારું મન એ બધી વિઝન સામે ટકી શકે એટલું શક્તિશાળી ન હોઈ શકે.

એકાએક મને હું દેખાવા લાગ્યો, મારી સામે એક મદમસ્ત હાથી હતો. હું હવામાં હતો, પણ એ ‘હું’ મારા જેવો ન હતો. એ હું અલગ હતો. દ્રશ્યમાં જે વિવેક દેખાયો તેના વાળ લાંબા હતા અને એ અંબોડામાં બાંધેલા હતા. મારા ચહેરા પર દાઢી અને મુછોનો જથ્થો વધેલો હતો. હું હવામાં હાથી તરફ કુદેલો હતો, મારા હાથની બંને મુઠ્ઠીઓ ભેગી થયેલી હતી અને હસ્તિમુદ્રા રચી રહી હતી. મારી આંખો સામે હાથીનું ગંડસ્થળ દેખાઈ રહ્યું હતું. મારો હસ્તિમુદ્રાનો એ વાર એના એ નાજુક ભાગ માટે હતો પણ એ પહેલા મારી પીઠ પર લાવા રેડયો હોય એવું દર્દ મેં અનુભવ્યું અને બંદુક ફૂટવાનો અવાજ સંભળાયો. મારી પીઠમાં બુલેટ ઉતરી જતી મે અનુભવી. છતાં હું હસ્તીમુદ્રાનો વાર એ પાગલ હાથીના ગંડસ્થળ પર કરવામાં સફળ રહ્યો.

એ વાર સાથે હાથી લથડ્યો અને મેં પણ સંતુલન ગુમાવ્યું. હું જમીન તરફ પાડવા લાગ્યો પણ એ પહેલા મારા શરીર સાથે ચાળીસ હજાર મસલ્સ ધરાવતી હાથીની સુંઢ અથડાઈ. મને એમ લાગ્યું જાણે મને તોપના ગોળાથી ઉડાવી દેવામાં આવ્યો હોય.

હું દુર ફેકાઈ ગયો. હું જમીન પર પડ્યો એ સાથે જ જાણે દ્રશ્ય બદલાઈ ગયું એ ભેડાઘાટમાં ફેરવાઈ ગયું.

ત્યાં વૈશાલી ઉભી હતી પણ એના શરીર પર આજના જેવા આધુનિક કપડા ન હતા. એ વર્ષો પહેલા પહેરાતા ટ્રેડીશનલ કપડામાં હતી. એના શરીર પર ઓઢણી એક અલગ જ રીતે વીંટેલી હતી. એ અમારી મદારી કબીલાની ખાસ ડ્રેસિંગ મેનર હતી પણ એ હવે નામશેષ હતી એ વર્ષો પહેલા પ્રચલિત હતી.

એ કપડા હવે કોઈ ખાસ તહેવાર સિવાય કોઈ પહેરતું નહી. એ કપડા લગભગ બસો કે ત્રણસો વર્ષો પહેલા પહેરાતા હશે.

વૈશાલીના ચહેરા પર ઉદાસી હતી.

એકાએક મારું ધ્યાન ત્યાં ઉભેલી ઘોડાગાડી તરફ ગયું. એના પર એક ફાનસ સળગી રહી હતી. એ ફાનસના અજવાળામાં મેં એક વ્યક્તિનો પડછાયો જોયો, એ ધીમે પગલે વૈશાલી તરફ આગળ વધી રહ્યો હતો, મેં એ વ્યક્તિને બદલે વૈશાલી તરફ નજર કરી. મારી આંખો ફાટી ગઈ. એ વ્યક્તિને પડછાયો હતો પણ વૈશાલીનો પડછાયો ક્યાય પડતો ન હતો. એ પડછાયા વિનાની હતી.

એકાએક મારા શરીરમાં વીજળીનો પ્રવાહ પ્રબળ બની ગયો. મને દેખાતી વિઝન બંધ થઇ ગઈ. હું ફરી એ ચેમ્બર ઓફ સિક્રેટમાં ખેંચાયો જ્યાં મારું શરીર પડ્યું હતું. વિલ ઓફ વિઝનની ઝડપ અકલ્પનીય હતી, વીજળી મારા શરીરમાં અવિરત વેગે વહી રહી હતી પણ હવે એ મારા માટે વધુ પડતી હતી.

હું ઈલેક્ટ્રોક્યુટ થવા લાગ્યો. હું વીજળીને રોકવા માંગતો હતો પણ એ મારા શરીરમાંથી કોર્સડ થવા લાગી. મારા દાંત એકબીજા સાથે ગ્રાઉન્ડ થવા લાગ્યા. વીજળી સાપની જેમ મારા શરીરમાં, આંખા નર્વે સીસ્ટમમાંથી વહી રહી હતી કદાચ હવે એનો જથ્થો મને ઓવર પાવર કરી રહ્યો હતો. મને એમ લાગ્યું જાણે હવે એક પળમાં મારું શરીર સળગવા લાગશે અને મેં એક ધમાકો સાંભળ્યો. એક ગ્રેનેટ બ્લાસ્ટ થયા જેટલો ભયાનક અવાજ અને મારી આંખો ખુલી ગઈ. એ ધમાકો વિલ ઓફ વીશમાં થયો હતો. એના ટુકડે ટુકડા હવામાં ફેલાઈ ગયા, એ ટુકડાઓ વચ્ચે હું પણ હવામાં એક તરફ ફેકાયો. હું જે ખુરશી પર હતો એના ટુકડા પણ હું મારી આસપાસ જોઈ શકતો હતો.

મેં વેદ તરફ નજર કરી. એ અનિમેષ પણે મને જોઈ રહ્યો હતો અને મારી આંખો બંધ થઇ ગઈ. હું જમીન પર પછડાવાનું દર્દ ન અનુભવી શક્યો કેમકે એ પહેલા હું બેભાન થઇ ગયો હતો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky