સ્વસ્તિક (પ્રકરણ 6) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 6)

નયના કથાનક

કપિલ અને હું કારમાં પેસેન્જર સીટ પર હતા. શ્લોક કાર ચલાવતો હતો અને સેજલ અન્યાને ખોળામાં લઇ બાજુમાં બેઠી હતી. માત્ર કારના એન્જીનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ કઈ જ બોલી શકવાની સ્થિતિમાં ન હતું.

શું બોલવું?

નક્કી થઇ શકે તેમ ન હતું.

ક્યારેય સપને પણ વિચાર્યું ન હોય એવી ઘટના થઇ હતી. કદાચ કુદરતે અમારા નશીબમાં સુખ કે શાંતિભર્યું જીવન કહેવાય એ લખ્યું જ ન હતું. હવે તો કુદરત શબ્દ વિચારીને પણ મને હસવું આવતું હતું.

હું એક નાગિન હતી. મને ઉછેરનારા મારા માતા પિતા માનવ હતા. પપ્પાને કોઈ સંતાન હતું જ નહિ. હું એમને ભેડાઘાટ પરથી મળી હતી.

એ દિવસો દરમિયાન પપ્પની નાગપુર જંગલમાં નવી જ નોકરી લાગી હતી. મમ્મી પપ્પાના લગ્નને ચાર વર્ષ વીતી ગયા હતા પણ ડોકટરે એમને કહી દીધું હતું કે તે મા બની શકે એમ નથી. અને એમણે એ વાસ્તવિકતાને સ્વીકારી લીધી હતી.

એક દિવસ જાણે નશીબે પલટો માર્યો હોય એમ ફોરેસ્ટ ડ્યુટી દરમીયાન ભેડાઘાટ પરના નાગ મંદિર પરથી હું એમને મળી હતી.

હું કોણ હતી? મને ત્યાં કોણ મૂકી ગયું હતું? અને કેમ મૂકી ગયું હતું? એ કઈ જ વિચાર્યા વિના પપ્પાએ મને તેડી લીધી હતી. અને મમ્મીએ મને એ પ્રેમ આપ્યો જે એ પોતાના બાળકને ક્યારેય આપી શકે તેમ ન હતી.

તેઓ મને આ હકીકત ક્યારેય ન જણાવોત પણ એમને લાગ્યું કે મારી હકીકતને કદંબ સાથે કે નવ નાગ સાથે કોઈ સંબંધ હશે માટે એમણે મને એ હકીકત કહી હતી.

કેટલું અજીબ હતું?

હું ગયા જન્મે અનન્યા હતી - એ વખતે પણ માતા પિતાથી વિખુટી પડેલી અનાથ અને આ જન્મે નયના – માતા પિતા વિનાની એક અનાથ.

મને ખબર નહોતી કે મારા પર એક શાપ હતો - મારા નાગલોકના પિતા ઇયાવાસુએ આપેલ ધ્રુજાવી નાખતો શાપ જે મને ક્યારેય પૃથ્વીલોક પર માતા પિતા કે બીજા કોઈનોય પ્રેમ મળવા દે એમ નહોતો.

બંને જન્મ વચ્ચે ઘણું સામ્ય હતું. એ જન્મે પણ હું અને વરુણ મળ્યા હતા અને આ જન્મે પણ કપિલ મને મળ્યો હતો. ગયા જન્મે અધૂરું રહી ગયેલું સપનું આ જન્મે પૂરું થયું હતું. હું કપિલનો પ્રેમ મેળવી શકી હતી પણ ઘણી કુરબાનીઓ આપીને એ પ્રેમ મળ્યો હતો.

હવે તો મને મારો પ્રેમ જ શાપિત લાગવા માંડ્યો હતો.

કોણ જાણે કેમ?

કેમ હું અને કપિલ નાગ હોવા છતાં વાર વાર આ રીતે માનવ લોકમાં જન્મ લેતા હતા?

મેં નાગલોકને એક સમયે મારી જાતે જ ઠુકરાવ્યું હતું એ બાબતથી હું અજાણ હતી. નાગલોકના દરવાજા હું મારા માટે હમેશ માટે બંધ કરીને નીકળી હતી. મેં રાણી ઇધ્યીના પ્રેમનું અપમાન કર્યું હતું એ બાબતથી હું અજાણ હતી પણ એ હકીકત હતી જેનો સામનો મારે દરેક જન્મે કરવો પડતો હતો અને આ જન્મે પણ કરવાનો હતો.

કેમ કપિલ હમેશા મારા તરફ ખેચાઈ આવતો હતો? અને કેમ અમારા લીધે કેટલાય નિર્દોષના જીવ લેવાતા હતા?

ગયા જન્મે વરુણના બંને મિત્રો.

આ જન્મે નંબર ટુ અને નંબર વન. અલબત્ત નંબર નાઈન પણ મૂળ ખરાબ રસ્તે ચડ્યો એ મારા શ્રાપનું પરિણામ હતું અને તેથી જ તેને મરવું પડ્યું. હવે જો વૈશાલી અને વિવેકને કઈ થયું તો હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું એમ મને લાગતું હતું.

કેમ?

ઈશ્વર કેમ અમારી સાથે એ રમત રમી રહ્યો હતો?

કેમ એ ડગલે ને પગલે અમારી અઘરી કસોટી લેતો હતો?

ભલે મને યાદ નથી પણ એથી શું થયું નાગલોકના ઇયાવાસુ સામ્રાજ્યના રાજા ઇયાવાસુનો શાપ બ્રહ્માના શબ્દો જેમ અફર હતો - એ શાપ હું દરેક જન્મે સાથે લઈને જન્મતી હતી - એ શાપ જે મારી પાસેથી અનેક કુરબાનીઓ લઇ જતો. મને ચાહનાર દરેકને મારી પાસેથી છીનવી લેતો હતો.

સૌથી મહત્વનો સવાલ હતો - વિવેક કોણ હતો?

એ મારા ગયા જન્મની યાદમાં ન હતો. ન કપિલને પણ એની કોઈ યાદ હતી. પણ મારો અંતર આત્મા એમ કહેતો હતો કે અમારો એની સાથે જન્મ જન્મનો કોઈ સંબંધ હતો. એ અમારી સાથે કોઈને કોઈ રીતે તો જોડાયેલો હતો જ. પણ કયા સંબંધે? એ જાણવાનો મારી પાસે કોઈ રસ્તો ન હતો.

કાર એક આંચકા સાથે પુલ ઓફ થઇ. મેં બારી બહાર નજર કરી. અમે ઘરે પહોચી ગયા હતા. આઈ મીન કપિલના ઘરે જે હવે મારું ઘર હતું. હું છેલ્લા એક વર્ષથી અહી હતી. જોકે મને જયારે પણ એ જંગલ કિનારાના ઘરની યાદ આવતી હું મમ્મીને મળવા દોડી જતી. હું ત્યાંથી ચાલતા પણ અડધા કલાકમાં જંગલ કિનારે પહચી જઈ શકું એટલી જ દુરી મારા હસબંડ હાઉસ અને ફાધર હાઉસ વચ્ચે હતી.

“નયના શું વિચારે છે?” કપિલ દવાજો ખોલી કાર બહાર નીકળી ગયો હતો. સેજલ અને શ્લોક પણ કારમાંથી ઉતારી બહાર ઉભા હતા.

“કઈ નહિ..” હું ખુલ્લા દરવાજાથી બહાર ઉતરી અને દરવાજો બંધ કર્યો. હું એકદમ થાકી ગઈ હતી. મને હતાશા ઘેરી વળી હતી. મેં કપિલ તરફ એક નજર કરી અને ઘર તરફ ચાલવા લાગી.

કપિલ સેજલ અને શ્લોક પણ મારી પાછળ ઘરમાં પ્રવેશ્યા.

“શું થયું નયના?” હું ફોયરમાં દાખલ થઇ એ સાથે જ ક્લાર્ક મેમે પૂછ્યું.

“કઈ નહિ, મમ્મી.” ફરી મારી ટોફી બ્રાઉન આંખો એક પણ શબ્દ બોલ્યા વિના આખું બયાન આપી ગઈ હતી. હું ક્યારેય કોઈ વાત છુપાવી શકી નથી. ન મારી મમ્મીથી ન કપિલની મમ્મીથી અને કપિલથી તો ક્યારેય નહિ. એની આંખોમાં જોતા જ હું જાણે કોઈ પઢાવેલો પોપટ હોઉં એમ બધું બોલી જતી.

“શું વાત છે કપિલ..?” મમ્મીએ સેજલના હાથમાંથી અન્યાને તેડી લેતા કપિલને જ પૂછ્યું, “બધું બરાબર તો છે ને?”

“મમ્મી વૈશાલી એકદમ ગાયબ થઇ ગઈ..” કપિલ કોચ પર ફસડાઈ પડ્યો. મમ્મીથી કઈ છુપાવવાનો કોઈ મતલબ ન હતો. થોડાક સમયમાં વિવેકના પપ્પા આવવાના હતા અને બધી વાત આમ પણ જાહેર થઇ જવાની હતી. અને વિવેકના પપ્પા આવે ત્યાં સુધી પણ વાત છુપાવી શકાય એમ ન હતી કેમકે શો પછી વૈશાલી અને વિવેક ડીનર પર અમારી સાથે આવવાના હતા કારણ ઘણા દિવસોથી અમે બધાએ ભેગા મળી ડીનર કર્યું નહોતું.

“વૈશાલી ગુમ થઇ ગઈ?” મમ્મીને આઘાત લાગ્યો હોય એમ એ પણ સોફાની કિનારી પકડી એકદમ એના પર બેસી ગયા.

“વિવેકે શોમાં એને ગાયબ કરી, એને પાછી લાવવા પ્રયાસ કર્યો પણ એ ન લાવી શક્યો.” કપિલ સોફા પર મમ્મી તરફ સરક્યો, “અને પછી વિવેક પોતે પણ ગાયબ થઇ ગયો.”

“પોલીસ...”

“પોલીસ એમાં કોઈ મદદ કરી શકે એમ નથી...” કપિલે મમ્મીને વચ્ચે જ અટકાવી દીધી, “વિવેકનો મિત્ર અરુણ ઇન્સ્પેકટર રૂકસાનાનો પરિચિત છે એ રાત્રે જ એમને મળવા ગયો છે. પણ પોલીસ આમાં કઈ કરી શકે એમ મન નથી લાગતું.”

“વિવેકના પપ્પા..?”

“એ મુંબઈ છે. એમને સમાચાર મળી ચુક્યા છે એ નાગપુર આવી રહ્યા છે.” કપિલ જરાક અટક્યો, એને ફોયરની નજીકના રૂમના દરવાજા તરફ નજર કરી, “પપ્પા ક્યા છે?”

“નાળા પાસે ટ્રક પલટી ખાઈ ગઈ છે ત્યાં ગયા છે તમે શોમાં હતા એટલે તમને ડીસટર્બ ન કરી.”

“ડ્રાઈવરને કોઈ નુકશાન તો નથી થયું ને.?” મેં પૂછ્યું.

“ડ્રાયવર હોસ્પીટલમાં છે..” મને જવાબ આપીને મમ્મીએ કપિલ તરફ જોયું, “બેટા મને નાગપુરનું વાતાવરણ આજ સવારથી જ ઠીક નથી લાગ્યું, તે જોયું સવારથી જ આકશમાં વાદળા ખડકાવા લાગ્યા છે અને જાણે કોઈ તુફાન આવવાનું હોય એવું લાગી રહ્યું છે.”

મમ્મીની વાત સાચી હતી. તુફાન આવવાની તૈયારી હતી. અમારા જીવનમાં તો તુફાન આવી ચૂકયું હતું.

“મમ્મી, તમેં મ્યુઝીયમ ઓફ મેજિક વિશે સાંભળ્યું છે?” મેં સોફા સામેની લાકડાની ચેર પર બેસતા પૂછ્યું અને શ્લોક તથા સેજલને પણ બેસવા કહ્યું. એ લોકો ત્યારના ઉભા જ હતા એ મને ત્યારે જ ધ્યાનમાં આવ્યું.

શ્લોક અને સેજલ સામેના સોફા પર બેઠા અને મમ્મીના જવાબની રાહ જોવા લાગ્યા.

“એ જાદુગરોની જગ્યા છે, નાગ લોકોનું ત્યાં જવું શકય નથી.”

“કેમ?”

“કેમકે ત્યાં એવી ચીજો છે જે એક નાગ માટે ઘાતક સાબિત થઇ શકે છે.” મમ્મીના અવાજમાં ચેતવણીનો સુર હતો, “એ સ્થળે ભોયરામાં એ ચીજો છે જેનો ઉપયોગ વર્ષો પહેલા મદારી જાદુગરો નાગનો શિકાર કરવા માટે કરતા હતા.”

“એવી શું ચીજો મમ્મી?” કપિલે વચ્ચે જ પૂછ્યું, મને નવાઈ લાગી કે કપિલ પણ એ સ્થળની હકીકત વિશે અજાણ હતો.

“હથિયાર... નાગની ઉર્જાને ખતમ કરી શકે તેવા હથિયાર...”

“મમ્મી વિવેકે શોમાંથી ગાયબ થયો પછી એણે એ સ્થળ પર હુમલો કર્યો હતો.” કપિલે પૂછ્યું, “એનો શો આસય હોઈ શકે?”

“કઈ નક્કી ન કહી શકાય..” મમ્મી મુઝવણમાં હતા, “ત્યાં એવી અનેક ચીજો છે જેનાથી માણસ તો શું નાગ પણ અપરિચિત હોય, વિવેક એમાંની ગમે તે વસ્તુ માટે ત્યાં ગયો હોય એવું બની શકે.”

“કોઈના ગુમ થયા પછી એવી કઈ ચીજની જરૂર પડે જે લેવા વિવેક ત્યાં ગયો હોય...”

“એક ચીજ મારા ધ્યાનમાં છે પણ એ શકય નથી..” મમ્મી બોલતા અચકાઈ રહ્યા હતા, “વિવેક એ રસ્તો ક્યારેય ન અપનાવે....”

“કયો રસ્તો મમ્મી..? કપિલ અકળાઈ ઉઠ્યો, “વિવેક ગુસ્સામાં ગમે તે કરી શકે એમ છે.”

“બ્લેક મેજિક...” મમ્મી બોલવું કે ન બોલવું એ નક્કી કરી શકતા ન હતા, “કદાચ એ ત્યાંથી એ વસ્તુ લેવા ગયો હોય જેનાથી એ જાણી શકે કે વૈશાલી ક્યા છે.”

“વૈશાલી ક્યા છે એ જાણવા એને બ્લેક મેજિકની કેમ જરૂર પડે એ મેજિક તો પ્રતિબંધિત છે. એનો ઉપયોગ માત્ર દુષકૃત્યો માટે થાય છે.”

“કોઈ જાદુ ખરાબ કાર્ય માટે નથી સર્જાયું, જયારે સર્જકે એનું સર્જન કર્યું એ સદ્કાર્ય માટે હતું પણ પાછળથી લોકો એ જાદુની શક્તિને હજમ ન કરી શકયા અને એ નબળા મનોબળના જાદુગરો એ જાદુઈ શક્તિઓના ગુલામ બની ગયા.”

“એ જાદુ શું છે?”

“વિવેક તપાસવા માંગતો હશે કે વૈશાલી જીવે છે કે કેમ?” મમ્મીના શબ્દો સંભાળી કપિલની આંખો ફાટી ગઈ. મને કઈ સમજાયુ નહી કપિલ કેમ એટલો ડરવા લાગ્યો હશે.

“ક્રિસ્ટલ બોલ...!” કપિલ સોફા પરથી ઉભો થઇ ગયો, “મારે અત્યારે જ નીકળું પડશે.. મારે વિવેકને એનો ઉપયોગ કરતા રોકવો પડશે..”

“એ ક્રિસ્ટલ બોલ શું ચીજ છે?” મારી ગભરાહટ વધ્યે જતી હતી કેમકે એ જો કોઈ ગભરાવા લાયક ચીજ ન હોય તો કપિલ એમ એકાએક બહાર જવાનું ન કહે. એ ક્યારેય સોમર અંકલની સૂચનાનું પાલન ન કરે એવું બને જ નહિ.

“એ આપણી પાસેથી વિવેકને છીનવી લેશે..” કપિલ અર્ધ પાગલ બની ગયો હતો, “મારે એને રોકવો પડશે... એકવાર એણે એનો ઉપયોગ કરી લીધો તો પછી કઈ નહિ થઇ શકે. એનું મનોબળ એ વસ્તુને કંટ્રોલ કરી શકે એટલું ન હોઈ શકે.”

“હું પણ તારી સાથે આવીશ..” હું ઉભી થઇ.

“નહિ નયના.. તું અહી જ રહે તું અને સેજલ અહી રહો હું કપિલ સાથે જઈશ..” શ્લોક બેઠક પરથી ઉભો થયો અને ખીસામાં હાથ નાખી કારની ચાવી તપાસી જોઈ.

“લેટ્સ ગો..” એણે ચાવી બહાર નીકાળી કપિલ તરફ જોયું.

“હું..”

“નયના..” મમ્મીએ મને વચ્ચે જ રોકી નાખી, “બેટા અમને પણ વિવેકની એટલી જ ફિકર છે જેટલી તને છે. આજે કપિલ એની મહેરબાનીથી જ જીવે છે નહિતર કૃણાલ જેમ એ પણ...”

“નહિ મમ્મી એવા શબ્દો જીભે ન લાવતા..” હું એ કલ્પના કરતા પણ છળી મરતી હતી.

“હા, નયના એનો અહેસાન તારા એક પર નહિ નવમાંથી જેટલા નાગ આજે જીવિત છે એ બધા પર છે. કદાચ વિવેક ન હોત તો આજે એ નવ નાગમાંથી કોઈ જીવતા ન રહોત. આપણે બધા ભેગા મળીને કઈક કરીશું એને કઈ નહિ થાય.”

હું કપિલ અને શ્લોક સાથે જવા માંગતી હતી પણ એ લોકો ફોયર બહાર નીકળી ગયા હતા અને આમ પણ એવા સમયે જીદ કરવી યોગ્ય ન હતી.

સેજલની અને મમ્મીની વાત સાચી હતી. બધાને વિવેકની ચિંતા હતી. બધા માટે વિવેક ખાસ હતો. આમ તો માનવો નાગને પૂજાતા હોય છે પણ એ માનવ હોવા છતાં કદાચ નાગ લોકો માટે દેવતા તરીકે પૂજાવા લાગે તો જરાય નવાઈ જેવું ન હતું.

હું, સેજલ અને મમ્મી હવે આગળ શું થશે એ વિચારોમાં ડૂબેલા ફોયરમાં જ બેસી રહ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky