મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 34
આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ એક શૈતાની આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમનો રસ્તો લોખંડનાં દરવાજા થકી રોકાઈ જાય છે જેને ખોલવાનો કોયડો ગુરુ પોતે ઉકેલી દીધો હોવાનું જણાવે છે.. જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં જોડે પહોંચી ચુક્યો હતો.
ગુરુ લોખંડનો વિશાળ દરવાજો ખોલવા દરવાજા ની તરફ આગળ વધ્યો.. ગુરુ કઈ રીતે આ દરવાજો ખોલવાની કળ શોધીને એને ખોલવાનો હતો એ જાણવાની ઈચ્છા વિરાજ, ડેની અને કાસમ નાં ચહેરા પર જણાઈ રહી હતી.
"દોસ્તો મેં કહ્યું એ મુજબ આ દરવાજાની મધ્યનાં ભાગમાં પ્રકૃતિ ને લગતાં અમુક ચિત્રો છે.. "દરવાજાની મધ્યમાં બનેલાં સૂર્ય, સમુદ્ર, પ્રાણીઓ, વૃક્ષો અને વાદળો નાં ઉપસેલી સપાટી ધરાવતાં ભાગ ની તરફ આંગળી કરી ગુરુ બોલ્યો.
"હા.. પણ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને તું કઈ રીતે દરવાજો ખોલીશ.. ?"વિરાજ, ડેની અને કાસમ ત્રણેય નાં મનમાં ઉદ્દભવેલો આ પ્રશ્ન વિરાજે પૂછી લીધો.
"એ માટે તમારે જળચક્ર યાદ કરવું પડશે.. હું વધુ તો ભણ્યો નથી પણ ધોરણ ચાર માં પર્યાવરણ વિષયમાં જળચક્ર આવતું હતું એવું મને યાદ છે.. તમે લોકો પણ ક્યાંકને ક્યાંક આ વિશે ભણ્યાં જ હશો.. "ગુરુની આ વાતનાં પ્રતિભાવમાં બાકીનાં ત્રણેયે પોતાની હકારમાં ગરદન ધુણાવી.
"બસ તો આ દરવાજો ખોલવાનો કોયડો પણ આ જળચક્ર જ ઉકેલશે.. "આટલું કહી ગુરુએ પોતાનો હાથ દરવાજાની ઉપર બનેલાં સૂર્ય નાં ચિહ્નન પર રાખ્યો અને પોતાની વાત આગળ રજૂ કરી.
"જળચક્ર મુજબ પૃથ્વી પર દરેક સજીવ નું અસ્તિત્વ સૂર્યપ્રકાશ ને આભારી છે.. તો દરવાજો ખોલવાનું પ્રથમ પગથિયું છે એ સૂર્ય નું નિશાન.. "આટલું બોલી ગુરુ એ પોતાનાં હાથ વડે સૂર્ય નાં નિશાન ને દબાવ્યું.. આમ કરતાં જ એ નિશાન બાકીની સપાટી ને સમાંતર દરવાજામાં પ્રવેશી ગયું.. બીજી જ ક્ષણે દરવાજાની અંદર કંઈક ખુલવાનો અવાજ આવ્યો.. હવે ગુરુ શું કહેવા માંગતો હતો એ વાત એ લોકોની સમજમાં આવી ગઈ હતી.
"સૂર્ય નાં કિરણો જઈને સમુદ્રનાં પાણીને વરાળમાં રૂપાંતરિત કરે.. મતલબ બીજું પગથિયું છે સમુદ્ર.. "વિરાજે પોતાનું મગજ કસતાં કહ્યું.
"હવે સમજ્યો.. હા એમ જ છે.. "આટલું બોલી ગુરુએ પોતાનો હાથ સમુદ્ર નાં ચિહ્નન ધરાવતાં ઉપસેલા ભાગ ઉપર રાખી દીધો.. આ વખતે પણ પ્રથમ વખત જેવું જ બન્યું અને સમુદ્ર નું ચિહ્નન દરવાજાની સમાંતર બેસી ગયું અને દરવાજની અંદરથી કંઈક અવાજ પણ પેદા થયો.
"સમુદ્ર નું પાણી વરાળમાં રૂપાંતર પામી ઉપર જાય.. જ્યાં એ વાદળમાં ફેરવાય.. મતલબ ત્રીજું પગથિયું છે વાદળ.. "હવે તો ડેની નું મગજ પણ કામ કરતું થઈ ગયું હતું.
"વાદળ માંથી વરસાદ પડે અને એનાં લીધે વૃક્ષો વૃદ્ધિ પામી શકે.. "કાસમે પણ જળચક્ર નું આગળ નું સ્ટેપ શું હતું એ વિષયમાં કહી સંભળાવ્યું.
ડેની અને ગુરુનાં આમ બોલતાં જ ગુરુ હરખભેર બોલ્યો.
"બસ એવું જ છે.. "
"તો આ મુક્યો હાથ વાદળ પર અને પછી વૃક્ષો પર.. "ગુરુ દ્વારા ડેની અને કાસમે કહેલી વાતને યોગ્ય ઠરાવતાં વિરાજે પોતે જ એ બંને ચિહ્નો પર પોતાનાં હાથનું વજન મુકતાં કહ્યું.
વિરાજ દ્વારા આમ કરતાં જ વાદળ અને વૃક્ષોનું ચિહ્નન દરવાજાની સમાંતર બેસી ગયું અને ઉપરાઉપરી બે વખત દરવાજાની અંદરથી ભારે અવાજ આવ્યો.
"અને છેલ્લે છે એ શ્રેણી નું છેલ્લું પગથિયું એટલે પ્રાણીઓ અને અન્ય સજીવો.. "એટલું બોલતાં જ ગુરુએ સિંહ ની આકૃતિ ધરાવતાં ચિહ્નન પર પોતાનાં હાથનું વજન રાખ્યું.
ગુરુ દ્વારા આમ કરતાં જ પહેલી ચાર વખત કરતાં પણ દરવાજાની અંદરની યાંત્રિક બનાવટનો સ્પષ્ટ અવાજ એ લોકોનાં કાને પડ્યો અને એ સાથે જ દરવાજો ખુલતો હોય એવો ધ્વનિ પેદા થયો.. આમ થતાં જ એ ચારેય લોકો એક તરફ ખસી ગયાં.
આ સાથે જ એટલો મોટો કદાવર દરવાજો ખસડવાનો ભારે અવાજ વાતાવરણમાં ગુંજી વળ્યો અને એ દરવાજો જે ચાર લોકોનાં ભારે પ્રયત્ન પછી પણ નહોતો ખુલ્યો એ એનીમેળે ખુલી રહ્યો હતો એ જોઈ હજારો વર્ષ પહેલાં નાં લોકોની તકનીકી આવડત ને વિરાજ, કાસમ, ગુરુ અને ડેની મનોમન સલામ કરતાં રહી ગયાં.
"વાહ, દોસ્ત.. વાહ.. તે તો કમાલ જ કરી દીધી.. "ગુરુને ગળે લગાડી એનાં વખાણ કરતાં વિરાજ બોલ્યો.
"આ બધું તો મુંબઈ નાં ચોર બઝાર નાં લોકોનાં ડાબા હાથની આંગળી નું કામ છે.. "ગુરુ પણ હસીને બોલ્યો.
"ચલો ત્યારે હવે સમય વ્યર્થ કર્યાં વગર આગળ વધીએ.. "કાસમ બાકીનાં ત્રણેય લોકોને ઉદ્દેશતાં બોલ્યો.
કાસમ નાં આમ બોલતાં જ ડેની, વિરાજ અને ગુરુ કાસમ ની સાથે સાથે આગળની તરફ હાલી નીકળ્યાં.. એ લોકો હજુ અડધો કલાક માંડ ચાલ્યાં હશે ત્યાં આગળ નો રસ્તો ઘણો પહોળો હોય એવું એ લોકોએ નોંધ્યું.
આ રસ્તો એક ચોરસ મોટાં રૂમ જેવો હતો.. જેની આગળ એક બીજો સાંકડો રસ્તો પડતો હતો અને વિરાજનાં અનુમાન મુજબ એ સાંકડો રસ્તો સીધો એમની મંજીલ એટલે કે રાજા અલતન્સ નાં ખજાનાં અને ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના સુધી જાય છે.વિરાજે આ વાત બાકીનાં ત્રણ ને કહી સંભળાવી એટલે એ ચારેય જણા બધો થાક ખંખેરી બમણાં ઉત્સાહમાં એ દિશામાં અગ્રેસર થયાં.
હજુ એ લોકો ચોરસ રૂમ જેવાં ભાગની મધ્યમાં પહોંચ્યા હશે ત્યાં એમની ચારે તરફની દિવાલોમાંથી જોરદાર અવાજ સાથે કંઈક વસ્તુ બહાર આવી.. એ વસ્તુ શું હતી એ જોવાં આજુબાજુ નજર ઘુમાવતાં એ લોકો એકબીજાની તરફ ડર અને આશ્ચર્યનાં ભાવ સાથે જોઈ રહ્યાં.. કાસમ નાં મુખેથી એ દીવાલમાંથી નીકળેલી આકૃતિ ને જોતાં જ નીકળી ગયું.
"મમી વોરિયર.. "
***
લોખંડ નો વિશાળ દરવાજો ગુરુની મદદથી ખોલીને વિરાજની ટુકડી એક નવી મુસીબતમાં ફસાઈ હોય એવું સહેજે સમજાતું હતું ત્યાં બીજી તરફ માઈકલની આગેવાનીમાં આગળ વધતાં સાહિલ અને અબુ તો દૂરથી જ ખજાનાં ની ચમક જોઈને ઘેલાં બની ગયાં હતાં.
ગ્રેટ નિકોબાર ટાપુ પર પોતે રાજા દેવ વર્મન નો ખજાનો જોયો હોવાં છતાં સાહિલ ખજાનાની ચમક પરથી જાણી તો ચુક્યો હતો કે આ ખજાનો પોતે જોયેલાં ખજાનાં થી ઘણો જ મોટો હોવો જોઈએ.
એક વ્યક્તિ પરાણે પસાર કરીને આગળ વધી શકે એવી જગ્યામાંથી પસાર થઈને અબુ અને સાહિલ સોનેરી પ્રકાશ આવી રહ્યો હતો એ તરફ અગ્રેસર થયાં.. અહીં એક કાળા રંગનાં ખડકો નો બનેલો એક ઓરડો હતો જેનાંથી થોડે જ દૂર ખજાનો એ લોકોની નજર સામે દ્રશ્યમાન થઈ રહ્યો હતો.આ ઓરડાની બીજી તરફ પણ એક રસ્તો નજરે ચડતો હતો જે શાયદ વિરાજ અને એની સાથે મોજુદ ટીમ જે રસ્તે આગળ વધી હતી એનો છેડો હતો એવું અબુ અને સાહિલને જોતાં જ સમજાઈ ગયું.
"માઈકલ, જો ખજાનો મળી ગયો.. "પોતાની પાછળ રહી ગયેલાં માઈકલ ને અવાજ આપતાં અબુ મોટેથી બોલ્યો.
માઈકલ માટે આ ખજાનાં કરતાં પણ મહત્વની વસ્તુ હતી ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના.. એટલે જ ખજાનાં ની કોઈ જાતની લાલચ વગર માઈકલ શાંતિ સાથે એ લોકોની પાછળ પાછળ આવી રહ્યો હતો.. આ સિવાય માઈકલ નાં મગજમાં બીજાં સેંકડો વિચારો એકસાથે ઘૂમી રહ્યાં હતાં.
અબુનાં મનમાં હવે એ ખજાનાં ને નજીકથી જોવાની ઈચ્છા પ્રબળ બની હતી.. એટલે માઈકલ નાં ત્યાં આવવાં સુધીની ધરપત ના થતાં અબુ ખજાનાં ની તરફ આગળ વધ્યો.અબુ એ હજુ તો એક ડગલું જ ભર્યું હતું ત્યાં તો કંઈક ધ્વનિ ઉત્તપન્ન થયો જેને સાહિલનું ધ્યાન ખેંચ્યું.. સાહિલે જોયું કે અબુ નાં આગળ વધતાં ની સાથે જ એ ઓરડાની દીવાલમાંથી એક તીર નીકળી અબુની તરફ આગળ વધી રહ્યું હતું.
"અબુ.. .સાચવીને.. "તીર ને અબુ તરફ જતું જોઈ સાહિલ જોરથી ચિલ્લાયો અને અબુની તરફ દોટ મૂકીને આગળ વધ્યો.. !
વધુ નવાં ભાગમાં.
★★★