મોત ની સફર - 6 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 6

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 6

લ્યુસીનાં પિતાજી નાથન ને મળી લ્યુસી સાથે શું બન્યું એ જણાવી એનાં મૃતદેહ જોડેથી મળી આવેલી વસ્તુઓ એમને સોંપવાનું ઉત્તમ કાર્ય કર્યા બાદ વિરાજ અને એનાં દોસ્તો નાથને એમને આપેલી લ્યુસીની પર્સનલ ડાયરી લઈને એનાં ઘરની બહાર આવી પહોંચ્યા.

ડેની આ ડાયરી સંદર્ભમાં કંઈક બોલવાં જતો હતો પણ એને અટકાવતાં વિરાજે કહ્યું.

"અત્યારે દોઢ વાગી ગયો છે.. એક કામ કરીએ કોઈ સારી રેસ્ટોરેન્ટ શોધી જમવા જઈએ.. ત્યાં જઈ વિચારીશું કે હવે આગળ શું કરીશું.. "

બધાં ને કકડીને ભૂખ લાગી હોવાથી તુરંત જ બધાં એની વાત સાથે સહમત થઈ ગયાં.. સાહિલે ગૂગલ ની મદદથી કેંટબરી ની સૌથી સારી ઈન્ડિયન ફૂડ બનાવતી હોટલ નું એડ્રેસ મેળવી લીધું અને એ લોકો કારમાં બેસી જઈ પહોંચ્યા 'ટોની દા તડકા' નામની પંજાબી રેસ્ટોરેન્ટમાં. અહીં પહોંચી જમવાનું ઓર્ડર કર્યાં બાદ સાહિલે પોતાનો અંગત મત રાખતાં કહ્યું.

"દોસ્તો.. અત્યારે બપોર નાં બે વાગી ગયાં છે.. જમી પરવારી ફ્રી થઈશું ત્યાં સુધી લગભગ ત્રણ-સાડા ત્રણ થઈ જશે. પછી આપણે આ ડાયરી વાંચીશું અને એમાં રહેલાં લખાણની મદદથી ડેવિલ બાઈબલ કોની જોડે છે એ કયાસ લગાવીશું ત્યાં સુધી તો સાંજ પડી જશે.. "ડેવિલ બાઈબલ નો ઉચ્ચારણ સાહિલે ખૂબ ધીરેથી કર્યો કેમકે આ રેસ્ટોરેન્ટમાં બધાં ઈન્ડિયન લોકો જ હતાં જે એમની વાત ક્યાંક સમજી ના જાય એની સાહિલને ભીતિ હતી.

"હા ભાઈ.. તારી વાત તો સાચી છે.. તો હવે શું કરીશું.. ? "ડેની એ સવાલ કર્યો.

"હું વિચારું છું આપણે હોટલ પાછા જતાં રહીએ.. ત્યાં જઈને લ્યુસીની ડાયરી વાંચીશું.. જો કોઈ યોગ્ય માહિતી મળે તો આ ડેવિલ બાઈબલ નાં પન્ના એ ડેવિલ બાઈબલ જેની જોડે છે એને પાછાં આપી દઈશું.. નહીં તો પછી કોઈ લોકલ મ્યુઝિયમ માં જઈ એની અંદર જે બોક્સ હોય એમાં ચોરી છુપી આ પન્ના મૂકીને નીકળી જઈશું.. "સાહિલ થોડુંક વિચારીને બોલ્યો.

"હા ભાઈ.. તારી વાત સો ટકા ની છે.. આપણે જમીને સીધાં હોટલ જઈએ.. ત્યાં જઈને પછી જ આ ડાયરીમાં લ્યુસીએ શું લખ્યું છે એ વાંચીશું.. "વિરાજે કહ્યું.

બધાં દોસ્તો સાહિલની વાત સાથે સહમત થઈ ગયાં.. થોડીવારમાં જમવાનું પણ આવી ગયું.. પંજાબી ભોજનની લહેજત માણ્યા બાદ ચારેય મિત્રો કેંટબરી થી પાછા લંડન જવાં રવાના થઈ ગયાં.

***

એ લોકો પોતાની હોટલમાં આવી ફ્રેશ થઈને વિરાજનાં રૂમમાં એકત્રિત થયાં ત્યારે સાંજનાં છ વાગી ચુક્યાં હતાં.. બધાં નાં નજીક -નજીક ગોઠવાઈ જતાં ની સાથે જ સાહિલે લ્યુસીની પર્સનલ ડાયરીનું લખાણ પોતાનાં ત્રણેય મિત્રોને સમજાય એ રીતે વાંચવાનું શરૂ કર્યું.

ડાયરીનાં શરુવાતનાં પન્ના ઉપર લ્યુસીએ પોતાનાં પિતાજી નાથન ને પોતાનો આદર્શ માનતી થોડી વાતો લખી હતી.. જે અંગે સાહિલે ટૂંકમાં જ પોતાનાં દોસ્તોને કહી સંભળાવ્યું. હવે આગળ જે કંઈપણ લખાણ હતું એને સંક્ષિપ્ત માં વાંચતાં સાહિલે કહ્યું.

"એ મારી કોલેજનો પ્રથમ દિવસ હતો.. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મારી ગમતી ડીગ્રી નો અભ્યાસ કરવાનું સપનું આજે પૂરાં થવાં જઈ રહ્યું હતું.. આટલી બધી ટેકનોલોજીના વિકાસ છતાં આ દુનિયામાં હજુપણ અસંખ્ય રહસ્યો સંતાયેલાં છે.. હું એ રહસ્યોને ઉકેલવામાં જ મારી જીંદગી પસાર કરવાં માંગુ છું.. હું ઈચ્છા રાખું છું કે જ્યારે હું આ દુનિયાને અલવિદા કહું ત્યારે મેં એક એવું રહસ્ય શોધી કાઢ્યું હોય જેની ચર્ચા સમગ્ર જગત કરતું હોય. "

"જેમ-જેમ કોલેજનાં દિવસો પસાર થયાં ત્યારે મારી જીંદગીમાં આવ્યાં મારાં બે નવાં મિત્રો યાના અને કાર્તિક.. યાના કેનેડિયન યુવતી હતી જ્યારે કાર્તિક ઈન્ડિયન. અમે ત્રણેય ખૂબ જ નામચીન આર્કિયોલોજીસ્ટ બનવા માંગતાં હતાં એટલે પુરી ખંત સાથે અમારો અભ્યાસ કરતાં રહેતાં.. કોલેજમાં અમારાં એક પ્રોફેસર હતાં રિચાર્ડ જેકોબ.. જે મારી માતા ને ઓળખતાં હતાં અને એટલે જ પ્રોફેસર દરેક બાબતમાં મારુ પોતાની સગી દીકરીની જેમ જ ખ્યાલ રાખતાં. "

"કોલેજનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાં આવ્યું હતું અને અમારે બધાં એ જવાનું હતું અમારી જીંદગીનાં પ્રથમ ખોજી અભિયાન ઉપર.. અને એ માટે પ્રોફેસર રિચાર્ડ અને પુરાતત્વ શાખા નાં બીજાં સ્ટુડન્ટ સાથે અમને ઈઝરાયેલનાં જેરુસલેમ જવાનો અવસર મળ્યો.. ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ એમ ત્રણેય ધર્મોનો જ્યાં સમન્વય હતો એવી જેરુસલેમ ની પવિત્ર ભૂમિ પર પગ મુકવાનો આનંદ અનેરો હતો. "

"ઈઝરાયેલ ગવર્મેન્ટ જોડેથી અમે શહેરની બહાર આવેલો એક પ્રાચીન મકબરો શોધવાની પરવાનગી મેળવી લીધી.. અમે ત્રણ ત્રણ સ્ટુડન્ટ્સ ની દસ ટુકડીઓમાં એ મકબરા ને શોધવાની મુહિમમાં જોતરાઈ ગયાં. ઈઝરાયેલ આમ તો રણપ્રદેશથી ઘેરાયેલો દેશ છે છતાં ત્યાંની સરકાર દ્વારા જે રીતે વૃક્ષારોપણનું અભિયાન ચલાવાયું હતું એનાં લીધે એવું લાગે જ નહીં કે આ દેશનો ખૂબ મોટો ભાગ રણપ્રદેશ હતો. "

"મારી ટુકડીમાં યાના અને કાર્તિક હતાં.. મને સાંકેતિક ભાષાઓ ઉકેલવાની સમજણ વારસામાં મળી હતી જેનો ઉપયોગ કરી મેં અને મારાં મિત્રોએ સાત દિવસ પછી એ મકબરો શોધી કાઢ્યો.. આ હતું મારું સફળતા ની તરફનું પ્રથમ પગથિયું.. અને જેને સફળતા નો સ્વાદ મોંઢે લાગી જાય એ કોઈ સંજોગોમાં અટકે નહીં એ વાત સ્પષ્ટ હતી. "

"થોડાં દિવસમાં અમે ઈંગ્લેન્ડ પાછા આવી ગયાં.. મારી યાના અને કાર્તિક સાથે ઘણું સારું બોન્ડિંગ થઈ ગયું હતું.. કાર્તિક મને પ્રેમ કરતો હતો એવું મને ઘણીવાર લાગતું હતું પણ મને કાર્તિક તરફ મિત્રતા સિવાય બીજી કોઈ લાગણી નહોતી.. કાર્તિક આમ તો ખૂબ સારો છોકરો જ હતો પણ હું પહેલેથી જ કોઈ જોડે કમિટેડ હોવાથી કાર્તિક તરફ કોઈ જાતનું એટેચમેન્ટ નહોતી ઈચ્છતી. "

"આ અભિયાન બાદ કોલેજનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું અને હું કેંટબરી આવી ગઈ પિતાજી સાથે સમય પસાર કરવાં.. મેં જ્યારે મારાં સફળતાનાં પ્રથમ પગથિયાં ની વાત કરી ત્યારે પિતાજીનો ચહેરો ખુશીથી ચમકી ગયો.. "

સાહિલ જેમ-જેમ લ્યુસીની ડાયરી માં લખેલું લખાણ વાંચી રહ્યો હતો એમ-એમ એનાં બીજાં મિત્રો લ્યુસી ને વર્ષોથી જાણતાં હોય એવું મહેસુસ કરી રહ્યાં હતાં.. લ્યુસી કોલેજનાં બીજાં વર્ષમાં આવી એની વાત પણ ડાયરીમાં સવિસ્તર લખેલી હતી.. જેમાંથી અમુક મુદ્દા તારવીને સાહિલે પોતાનાં દોસ્તોને કહી સંભળાવ્યા. બીજાં વર્ષમાં પણ પ્રથમ વર્ષ જેવાં જ એક ખોજી અભિયાન નો ઉલ્લેખ હતો.

આ વખતે લ્યુસી જઈ પહોંચી હતી ફીજી ટાપુઓ પર.. જ્યાંની આદિવાસી કોમ્યુનિટી જોડે કઈ રીતે કોમ્યુનિકેશન કરવું અને ગાઢ જંગલોમાં કઈ રીતે જીવવા માટે લડવું એ એમનાં અભિયાન નાં મુદ્દા હતાં.. દસ દિવસ સુધી જંગલી કબીલામાં પસાર કરેલાં પોતાનાં દિવસોનું વર્ણન લ્યુસીએ પોતાની ડાયરીમાં આબેહુબ કર્યું હતું. આગળ જતાં આ પ્રકારની ટ્રેઈનિંગ એમનાં જીવનમાં અતિ ઉપયોગી સાબિત થવાની હતી એવું લ્યુસી ડાયરીમાં લખતી હતી.

લ્યુસી ની બેચલર ની ડીગ્રી નું લાસ્ટ યર આવી ગયું હતું જેનો લ્યુસીએ ડાયરીમાં યોગ્ય રીતે ઉલ્લેખ તો કર્યો હતો પણ હવે જેટલું પણ લખાણ હતું એમાં ફક્ત એનાં અભ્યાસ અને દુનિયામાં રહેલાં રહસ્યો વિશેની જ માહિતી હતી.. જેનો અર્થ હતો કે લ્યુસી પોતાનાં અભ્યાસ પ્રત્યે વધુ સિરિયસ થઈ ચૂકી હતી.

બેચલર ની ડીગ્રી મેળવી જ્યારે લ્યુસી પોતાનાં પિતા નાથનને મળવાં કેંટબરી ગઈ ત્યારે એને આર્કિયોલોજી માં માસ્ટર ની ડીગ્રી મેળવવાની ઈચ્છા પોતાનાં પિતાજી આગળ વ્યક્ત કરી.. જેને નાથને સહર્ષ વધાવી લીધી.. પોતાનાં દીકરીનાં દરેક પૂરાં થતાં સપનામાં નાથન પોતાનું સપનું પૂરું થતાં જોઈ રહ્યો હતો.. આ સાથે જ લ્યુસી એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંજ માસ્ટર ઈન આર્કિયોલોજીમાં પ્રવેશ મેળવી લીધો.. લ્યુસી ખુશ થતાં એ લખી રહી હતી કે યાના અને કાર્તિક પણ માસ્ટરમાં એની સાથે જ હતાં.

"લ્યુસી ની ડાયરીમાં આગળ વધુ વાંચું એ પહેલાં જમવાનું ઓર્ડર કરી દઈએ.. જમીને આગળ લ્યુસીએ શું લખ્યું છે એ વાંચીએ.. "લ્યુસીનાં માસ્ટર માં અભ્યાસ સુધીની વિગત એની ડાયરીમાં વાંચી લીધાં બાદ સાહિલ પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને બોલ્યો.

વિરાજ, ડેની અને ગુરુ એ પણ સાહિલને જમવાનું મંગાવવા કહ્યું.. એટલે સાહિલે હોટલ સર્વિસ નંબર પર કોલ કરીને જમવાનું મંગાવી દીધું.. જમવાનું આવી ગયું એટલે જમવાનું પૂર્ણ કરી સાહિલ અને એનાં મિત્રો પાછાં લાગી ગયાં લ્યુસીની ડાયરીમાં આગળ શું લખ્યું હતું એ વાંચવામાં. સાહિલે પુનઃ જ્યાંથી અધૂરું મુક્યું હતું ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું.

"બેચલર કરતાં માસ્ટર માં અભ્યાસ કરવાની વધુ મજા આવી રહી હતી.. કેમકે બેચલર માં તો મોટાં ભાગે થિયેરીકલ ભણાવવામાં આવતું જ્યારે માસ્ટરમાં આવ્યાં બાદ અમારે અવનવી પુરાતન જગ્યાઓએ નવી-નવી વસ્તુઓ અને રહસ્યો શોધવા જવાનું મળતું હતું. "

"માસ્ટર નાં પ્રથમ વર્ષમાં જ અમે ઈરાન, થાઈલેન્ડ માં બૌદ્ધ ધર્મનાં સ્મારકો જોવાં અને અભ્યાસ કરવાં માટે ગયાં.. કાર્તિક અને યાના ની હાજરી મને આ બધાં પ્રવાસમાં વધુ મજા આપી રહી હતી.. એ સમયગાળામાં મેં કાર્તિક ને સ્પષ્ટ કરી દીધું કે હું પહેલેથી જ કોઈ અન્ય યુવક સાથે કમિટેડ છું.. મને હતું કે કાર્તિક આ વાત સાંભળ્યાં બાદ શાયદ મારો મિત્ર ના પણ રહે.. પણ આ વાત નો કાર્તિકે ને કોઈ વાંધો ના ઉઠાવ્યો અને આજીવન મારો મિત્ર બનીને રહેશે એ કહ્યું એ સાંભળી મને અનેરો આનંદ થયો. "

"આર્કિયોલોજીનાં પ્રથમ વર્ષમાં જ અમારે ઈન્ડિયા જવાનું આવ્યું.. પિતાજીએ મને જણાવ્યું હતું કે જગતમાં જો કોઈ દેશ સૌથી વધુ રહસ્યો પોતાની અંદર ધરબીને બેઠો હોય તો એ ઈન્ડિયા જ છે.. અમારે ઈન્ડિયા ની આવી જ એક સુંદર સ્થાપત્યનાં કળા રૂપ રચના ઈલોરાનાં કૈલાશ મંદિર જોવાં જવાનું થયું.. એક જ પથ્થરમાંથી કોતરીને બનવાયેલું હિન્દુ માયથોલોજી નાં સૌથી મોટાં દેવ મહાદેવ નું મંદિર સ્થાપત્યકળાનો મેં જોયેલો બેનમૂન નમૂનો છે.. "

"આ મંદિર અંગે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે.. કેમકે આ પ્રકારનું મંદિર હાલનાં એન્જીનીયરો પણ બનાવી શકે એમ નથી તો એ સમયે વગર કોઈ અદ્યતન સાધનોનાં ઉપયોગ કર્યા સિવાય કઈ રીતે આ મંદિરનું નિર્માણ થયું એ હજુ સુધી વણ ઉકેલાયેલો કોયડો જ છે.. એ સિવાય એક પર્વતમાંથી કોતરાયું હોવાનાં લીધે આ મંદિર કેટલું જૂનું છે એની પણ વૈજ્ઞાનિકો ખબર નથી લગાવી શક્યાં.. "

એક ભારતીય હોવાં છતાં પણ ગુરુ સિવાયનાં ત્રણેય મિત્રો વિરાજ, ડેની અને સાહિલ તો કૈલાશ મંદિર વિશેની વાત વાંચીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.. એ સાથે એ વાતનું પણ દુઃખ થયું કે જે સ્થાપત્યને જોવાં વર્ષે લાખો વિદેશી સહેલાણીઓ આવે છે એ સ્થાપત્ય અંગે એક ભારતીય હોવાં છતાં પોતે હજુ સુધી અજાણ હતાં.

"ઈન્ડિયામાં આવાં તો હજારો રહસ્યો ભર્યાં પડ્યાં હોવાનું અમને પ્રોફેસર રિચાર્ડ દ્વારા જાણવાં મળ્યું.. મેં એ જ સમયે મન બનાવી લીધું હતું કે હું ફરીવાર ઈન્ડિયા જરૂર આવીશ.. ઈન્ડિયા ની આ અવર્ણનીય સફર સાથે જ મારું પ્રથમ વર્ષ સમાપ્ત થયું.. અને ઈંગ્લેન્ડ પાછાં ફરતાં જ હું પિતાજી સાથે સમય પસાર કરવાં કેંટબરી આવી પહોંચી.. "

"હું પિતાજીને રોજ સાંજે ગાર્ડન માં ઘુમાવવા લઈ જતી.. જ્યાં પિતાજી જોડેથી મને એમની અવનવી સફરો અંગેની રોચક વાતો જાણવાં મળતી.. આમાંથી ઘણી હું પહેલાં પણ સાંભળી ચુકી હોવાં છતાં મને આ વાતો સાંભળવી પસંદ હતી કેમકે આ વાતો કરતી વખતે પિતાજીનાં ચહેરા પર જે સુકુન હું જોઈ શકતી એ મને ખુશ કરી જતો હતો. "

"આવી જ એક સાંજે હું પિતાજી સાથે ગાર્ડનમાં હતી ત્યારે પિતાજીએ મને એક એવી વસ્તુ વિશે જણાવ્યું જે શોધવાનું મારાં માતા-પિતા બંને નું સહિયારું સપનું હતું.. જો મમ્મી ને બ્રેઈન ટ્યુમર ના થયું હોત તો પિતાજી એ જ વર્ષે એમનું એ સપનું પૂરું કરવાં જવાનાં હતાં.. એ વસ્તુ શોધીને એ બંને દુનિયા ભરનાં આર્કિયોલોજીસ્ટમાં વેંત ઉંચેરું સ્થાન મેળવવાં માંગતાં હતાં.. "

એ વસ્તુનું નામ પિતાજીએ મને જણાવ્યું જે હતું.

"ફિલોસોફર સ્ટોન.. "

સાહિલનાં મુખેથી આ નવી જ વસ્તુનું નામ સાંભળી બધાં એ જાણવાં અધીરા બની ગયાં કે આખરે આ ફિલોસોફર સ્ટોન આખરે કઈ બલા હતી.. ? ?

★★★

વધુ નવાં ભાગમાં.

શું હતો ફિલોસોફર સ્ટોન.. ? ફિલોસોફર સ્ટોન અને ડેવિલ બાઈબલ વચ્ચે શું સંબંધ હતો.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***