મોત ની સફર - 7

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 7

રાજા દેવ વર્મનનો ખજાનો શોધીને પોતાનાં ઘરે આવેલાં વિરાજ અને એનાં મિત્રો કેંટબરી જાય છે.. જ્યાં લ્યુસીનાં પિતાજી નાથન ને મળી એ લ્યુસીની વસ્તુઓ એમને સુપ્રત કરે છે અને લ્યુસી સાથે શું થયું એની માહિતી આપે છે. નાથન એ લોકોને લ્યુસીની ડાયરી આપે છે જેની ઉપરથી એ લોકો ને લ્યુસી સાથે જોડાયેલી ઘણી વાતો જાણવાં મળે છે.. યાના, કાર્તિક અને પ્રોફેસર રિચાર્ડ નું નામ ડાયરીમાં હોય છે. ડાયરીમાં લ્યુસી પોતાનાં પિતાજીનાં સપનાં સમાન ફિલોસોફર સ્ટોન નો ઉલ્લેખ કરે છે.

"ફિલોસોફર સ્ટોન.. શું છે એ સ્ટોન.. "સાહિલ ની સામે જોઈ વિરાજ, ડેની અને ગુરુ એકસાથે બોલી પડ્યાં.

"ભાઈ મને પણ નથી ખબર આ સ્ટોન વિશે.. હવે એ તો ડાયરીમાં લખેલું વાંચીએ એટલે ખબર.. "સાહિલ બોલ્યો.

"તો ભાઈ ઝટ વાંચ.. આગળ શું લખેલું છે એ ડાયરીમાં.. "અધીરાઈ સાથે વિરાજે સાહિલે કહ્યું.

"હા ભાઈ વાંચું છું.. થોડી ધરપત તો રાખ.. "આટલું કહી સાહિલે જ્યાંથી અધૂરું મુક્યું હતું ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું.

"મેં પ્રથમ વખત ફિલોસોફર સ્ટોન નું નામ સાંભળ્યું હતું એટલે મેં પિતાજી જોડેથી એ સ્ટોન અંગે વધુ માહિતી એકઠી કરી.. પિતાજીનાં કહ્યાં મુજબ ફિલોસોફર સ્ટોન એક એવો પથ્થર હતો જેની શોધ નિકોલસ ફ્લેમલ્સ નામનાં રસાયણ શાસ્ત્રી દ્વારા 600 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી.. એટલે જ આ પથ્થરને ફ્લેમ્સ સ્ટોન પણ કહેવામાં આવે છે. "

"આ સ્ટોન એટલે કે પથ્થરની વિશેષતા એ હતી કે જે મેટલ ની વસ્તુને આ પથ્થર નો સ્પર્શ કરાવવામાં આવતો એ સોનામાં પરિવર્તિત થઈ જતી.. આ ઉપરાંત આ પથ્થર જેની જોડે હોય એ વ્યક્તિ અકલ્પનિય શક્તિઓનો માલિક બની જતો. હવે આવી શક્તિ ધરાવતાં પથ્થર વિશે જાણ્યાં બાદ એ ફિલોસોફર સ્ટોનને શોધી હું મારાં માતા-પિતા નું અધૂરું સપનું પૂરું કરવાં માંગતી હતી. "

"મેં જ્યારે પિતાજીને જણાવ્યું તો એમને મને સાફ-સાફ એ સ્ટોન શોધવા જવાની મનાઈ ફરમાવી દીધી.. કારણ પૂછતાં એમને જણાવ્યું કે એ સ્ટોન એવી જગ્યાએ છે જ્યાંથી જીવિત આવવું શક્ય નથી.. એમની મનાઈ છતાં હું એમની આગળ એ ફિલોસોફર સ્ટોન ક્યાં આવેલો છે એની સતત જીદ કરતી રહી.. મારી જીદ સામે આખર એ ઝૂકી ગયાં અને મને એ સ્થળનું નામ જણાવ્યું જ્યાં એ સ્ટોન મોજુદ હોવાનું રહસ્ય એમને અને મારી માતા એ મળીને શોધી કાઢ્યું હતું. "

"ફિલોસોફર સ્ટોન જે જગ્યાએ હતો એ જગ્યાનું નામ હતું પેરિસ નાં કેટાકોમ્બ.. "

"કેટાકોમ્બ.. આ વળી શું છે.. ? "પેરિસ કેટાકોમ્બનો ઉલ્લેખ થતાં ની સાથે જ ડેની સાહિલ તરફ જોતાં બોલી પડ્યો.

ડેની ની વાત સાંભળી સાહિલે લ્યુસીની ડાયરી નાં આગળનાં ત્રણ-ચાર પન્ના વાંચી જોયાં.. પછી ડેની નાં સવાલનાં પ્રતિભાવમાં બોલ્યો.

"આ ડાયરીમાં કેટાકોમ્બ વિશે વિગતે વાત નથી કરવામાં આવી.. પણ મને આ પેરિસ શહેરનાં કેટાકોમ્બ વિશે ઘણી માહિતી છે.. "

"સરસ.. તો તું અમને જણાવીશ કે આ કેટાકોમ્બ શું છે અને એની માહિતી તને કોને આપી.. ? "વિરાજે સાહિલ ને પ્રશ્ન કરતાં કહ્યું.

"તમને ખબર તો છે કે હું બે વર્ષ જર્મની હતો.. એ સમયે મારી જોડે ઈવાન કરીને એક ફ્રેન્ચ સ્ટુડન્ટ હતો.. ઈવાન ની સાથે મારે સારું એવું બનતું હતું.. એકવાર મેં ઈવાન ની ફેસબુક પ્રોફાઈલમાં એનાં અમુક ફોટો જોયાં જેમાં એ વિશાળ માનવ અસ્થિઓનાં ઢગલાં નજીક ઉભો હતો.. આ ઢગલાં ખુબ જ વિશાળ હતાં. મેં ઈવાન ને આ અંગે સવાલ કર્યો તો એને મને કહ્યું કે એ લાસ્ટ ટાઈમ પેરિસ ગયો હતો ત્યારે પેરિસ નાં પ્રખ્યાત કેટાકોમ્બ ની મુલાકાતે ગયો હતો તો ત્યાં એને આ ફોટો કેપ્ચર કર્યાં હતાં.. "

"એ સમયે મેં પણ કેટાકોમ્બ જેવી વસ્તુ અંગે સાંભળેલું નહોતું એટલે મેં જિજ્ઞાસા ખાતર ઈવાન ને આ કેટાકોમ્બ અંગેની માહિતી આપવાં જણાવ્યું.. ઈવાન દ્વારા મને જે કંઈપણ માહિતી આપવામાં આવી કેટાકોમ્બ અંગે એ આ મુજબ ની હતી.. "

આટલું કહી સાહિલે પોતાનાં ફ્રેન્ચ દોસ્ત ઈવાન દ્વારા પોતાને જે કંઈપણ પેરિસ શહેરનાં કેટાકોમ્બ અંગે જણાવાયું હતું એની રજેરજની માહિતી પોતાનાં દોસ્તોને આપવાનું શરૂ કર્યું.

"1. 25 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતું પેરિસ શહેર પોતાનાં એફિલ ટાવર અને સુંદરતા દ્વારા વર્ષે લાખો લોકોને પોતાની તરફ આકર્ષે છે.. પણ આ શહેરની નીચે દફન છે 60 લાખ લોકોની લાશો ધરાવતું ભૂગર્ભ કબ્રસ્તાન એટલે કે પેરિસ કેટાકોમ્બ.. "

"13 મી સદીમાં પેરિસ શહેર ને વધુ સમૃદ્ધ શહેર બનાવવાનું હતું.. અને એ માટે શહેરમાં ઈમારતો અને રસ્તાઓનું નિર્માણ કરવું આવશ્યક હતું.. એ સમયે ઈમારતો, પુલો અને રસ્તાઓનું નિર્માણ કરવાં માટે ચુના અને પથ્થરો નો ઉપયોગ કરવામાં આવતો.. અને આવાં જ પથ્થરો મેળવવા માટે પેરિસ શહેરની નજીક સુરંગો ખોદવામાં આવી. જોત-જોતામાં આવી ઘણી સુરંગો પેરિસની નીચે બનાવવામાં આવી.. જેને વીતતાં સમયની સાથે પેરિસનાં લોકો ભૂલી ગયાં.. "

"ધીરે-ધીરે પેરિસ શહેરનો વિકાસ એ હદે વધી ગયો કે એની ગણના રોમ પછી રોમન સામ્રાજ્યનાં મુખ્ય નગરમાં થવાં લાગી.. પણ 17 મી સદી પેરિસ માટે એક મોટી મહા મુસીબત લઈને આવી. આ સમયગાળામાં દુકાળ, ભૂખમરી અને પ્લેગનાં લીધે પેરિસમાં લાખો લોકો મૃત્યુ પામવા લાગ્યાં.. લોકો એટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યાં કે એમને ક્યાં દફનાવવા એ મોટો સવાલ પેરિસ ની સ્થાનિક ઓથોરિટી માટે બની ગયો.. પેરિસનું કોઈ એવું કબ્રસ્તાન નહોતું વધ્યું જ્યાં કોઈને દફન કરવાની રતીભાર પણ જગ્યા વધી હોય... "

"આ શ્રેણીમાં પેરિસનું સૌથી મોટું કબ્રસ્તાન લેસ ઈનોકેન્ટ્સ પણ આવી ગયું હતું.. આ એવો સમય હતો જ્યારે લાશોને દફનાવવાની જગ્યાએ એકની ઉપર એક એમ ઢગલો કરી છોડી દેવામાં આવતી.. સડતી લાશોમાંથી આવતી દુર્ગંધે પેરિસ વાસીઓનું જીવવું દુષ્કર બનાવી મુક્યું હતું.. ઈ. સ 1763 માં ફ્રાન્સ ની સરકારે નિર્ણય લીધો કે કોઈપણ વ્યક્તિ એ પેરિસ માં કોઈની પણ દફનવિધિ કરવી જ નહીં.. જેનો પેરિસ ની ચર્ચ નાં પાદરીઓ દ્વારા વિરોધ કરવામાં આવતાં આ નિર્ણય અધ્ધરતાલ લટકી રહ્યો. "

"17 વર્ષ સુધી આ નિર્ણય આમ જ પડ્યો રહ્યો.. પણ ઈ. સ 1780 માં પેરિસમાં મુશળધાર વરસાદ વરસી પડ્યો.. આ વરસાદ એટલો તીવ્ર હતો કે એનું એક દ્રષ્ટાંત આપવું ઘટે.. આ વરસાદમાં ફ્રાન્સ નાં સૌથી મોટાં કબ્રસ્તાન લેસ ઈનોકેન્ટ્સ ને અડીને આવેલી એક રેસ્ટોરેન્ટ ની દીવાલ ધરાશાયી થઈ ગઈ અને એ રેસ્ટોરેન્ટનો નીચેનો સ્ટોરરૂમ સેંકડો લાશોથી ભરાઈ ગયો.. આવી જ હાલત સમગ્ર પેરિસ શહેરની હતી.. કબ્રસ્તાનમાંથી પાણીમાં વહીને આવેલી લાશો પેરિસનાં રસ્તે-રસ્તે રઝડી રહી હતી.. "

"આ વિકટ પરિસ્થિતિમાં હવે એક એવી જગ્યા શોધવામાં ફ્રાન્સ સરકાર લાગી ગઈ જ્યાં આટલી મોટી સંખ્યામાં બધી લાશોને દફનાવી શકાય.. અને એમની તલાશ પુરી થઈ પેરિસ નાં નિર્માણ વખતે ખોદવામાં આવેલી સુરંગો પર આવીને.. આ સુરંગો પર ઉભેલી પેરિસ શહેરની ઈમારતો પણ નબળી પડી ગઈ હોવાનું ફ્રાન્સ સરકારે નોંધ્યું હતું.. એટલે આ સુરંગો નું જરૂરી સમારકામ કરાવી શહેરનાં કબ્રસ્તાન અને રસ્તાઓ પરથી લાખો લાશોને લાવીને આ સુરંગોમાં રાખવાની કામગીરી શરૂ થઈ.. આ લાશોને જેમ-તેમ ફેંકી દેવાનાં બદલે એકની ઉપર એક રાખવામાં આવતી હતી.. "

"2 વર્ષ સુધી ચાલેલી સતત કામગીરી બાદ 300 કિલોમીટર લાંબી સુરંગો ની અંદર આશરે 60 લાખ લોકોની લાશોને દફન કરવામાં આવી. ફ્રાન્સ ની ક્રાંતિ વખતે મરેલાં લોકોની લાશોને પણ અહીં દફન કરવામાં આવી.. ફ્રાન્સ સરકારે અમુક સમય બાદ આ સુરંગોને સંગ્રહાલય માં ફેરવી દીધી.. અને એને નામ આપ્યું.. પેરિસ કેટાકોમ્બ.. "

"ફ્રાન્સ સરકાર દ્વારા અમુક અમુક સમયે આ કેટાકોમ્બ ને પર્યટકો માટે બંધ પણ કરી દેવામાં આવે છે.. આમ છતાં જ્યારે પણ આ જગ્યાએ જવાની છૂટ હોય ત્યારે વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ આ ડરાવની જગ્યાની મુલાકાત લેવાં પધારે છે.. પણ જોડે ગાઈડ ને રાખીને જ એ લોકો આ પરસેવો છોડાવી મુકતી જગ્યાની અંદર પગ મૂકે છે.. કેમકે જો એકવાર આ કેટાકોમ્બ માં ભુલા પડી ગયાં તો તમારું બચવું અશક્ય છે.. "

પેરિસ નાં કેટાકોમ્બ ની પોતે જેટલી જાણતો હતો એ માહિતી આપ્યાં બાદ સાહિલ જેવો અટક્યો એ સાથે જ એનાં મિત્રો તંદ્રાવસ્થામાંથી બહાર આવી ગયાં.. પેરિસ નાં કેટાકોમ્બ કેટલાં ભયાનક હશે એ વિચારતાં જ એસી રૂમમાં પણ એ દરેકને કપાળે પરસેવો છૂટી ગયો હતો.. એમનો આવો ડરેલો ચહેરો જોઈને સાહિલે એમની ખેંચવાનાં મૂડમાં કહ્યું.

"શું થયું ભાઈઓ.. શું તમને નથી લાગતું કે આપણે જ્યારે પેરિસ જઈશું ત્યારે એફિલ ટાવર ની મુલાકાત તો લઈશું જ પણ સાથે-સાથે આ કેટાકોમ્બની પણ મુલાકાત લેતાં જ આવીશું.. "

સાહિલ ની વાત સાંભળી બધાં ના બોલવા જતાં હતાં પણ જો એવું બોલશે તો બાકીનાં એને ડરપોકની ઉપાધિ આપશે એટલે સાહિલ નાં પ્રસ્તાવ ની સામે વિરાજ, ડેની અને ગુરુ એ પોતાનાં ગળાનું થૂંક નીચે ઉતારી હકારમાં ડોકું હલાવ્યું.. એમની આ દશા જોઈ સાહિલ મનોમન હસી રહ્યો હતો.

"સાહિલ્યા.. આ કેટાકોમ્બ તો ભારે ડરાવના છે.. તો શું લ્યુસી એ કેટાકોમ્બ માં ગઈ હતી ફિલોસોફર સ્ટોન શોધવા.. ભાઈ જલ્દી આગળ વાંચ હવે તો લ્યુસી ની ડાયરી વધુ ને વધુ રોચક થતી જાય છે અને એની જોડે શું થયું એ જાણવાની બેતાબી પણ વધતી જાય છે. "વિરાજે સાહિલને ઉદ્દેશીને કહ્યું એટલે સાહિલે લ્યુસીની ડાયરી પુનઃ વાંચવાનું શરૂ કર્યું.

"પિતાજીએ મને કેટાકોમ્બ ની અંદર ફિલોસોફર સ્ટોન છુપાયો હોવાનું તો જણાવ્યું પણ હજુ મારે એ ફિલોસોફર સ્ટોન ક્યાં છે અને કેટાકોમ્બ નાં અન્ય રહસ્યો શું છે એ અંગે જાણવું જરૂરી હતું એટલે મેં વધુ માહિતી એકઠી કરવાનાં ઉદ્દેશથી સાંજે ડિનરમાં પિતાજી માટે એમની પસંદગી ની ડિશ બનાવી અને ડાઈનીંગ ટેબલ પર બેસીને જમતાં-જમતાં કેટાકોમ્બ ની વાત ફરીવાર યાદ કરી.. "

"પિતાજીએ જણાવ્યું કે એમને ખબર છે ત્યાં સુધી કેટાકોમ્બ ની અંદર રહસ્યો નો પીટારો છે.. આ કેટાકોમ્બ માં આટલી બધી સંખ્યામાં લોકોને દફન કર્યા હોવાથી એની અંદર એક ચુંબકીય ક્ષેત્ર નું નિર્માણ થયું છે.. જે કેટાકોમ્બ માં આગળ જતાં તમને વારંવાર ભ્રમિત કરતું રહે છે.. આ કેટાકોમ્બ પાતાળનાં સાત લેયર એટલે સાત આવરણો ની અંદર પ્રવેશવાનું સ્થાન છે.. જેનાં દરેક આવરણ ની સાથે અમુક રહસ્યો તમારી સમક્ષ આવી જશે.. "

"જેમકે પ્રથમ લેયર માં તમે દરેક આત્માઓને નિહાળી શકશો.. જ્યારે બીજાં લેયરમાં તમારાં નજીકનાં મૃત પરિવારજનો નો અવાજ સાંભળવાં મળે કે એની જેવું બીજું કંઈક.. આમ દરેક લેયર ને ઓળંગી તમે જ્યારે 790 મીટર જેટલું જમીનમાં ઉતરીને સાતમાં લેયરમાં પહોંચશો ત્યારે તમારી સામે હશે ફિલોસોફર સ્ટોન.. દુનિયાનો સૌથી વધુ શક્તિશાળી પથ્થર.. "

"પિતાજી જોડે થયેલી વાત પછી ત્રણ દિવસ બાદ મારી કોલેજ શરૂ થવાની હતી એટલે બે દિવસ પછી પિતાજીને અલવિદા કહીને હું નીકળી પડી કેમ્બ્રિજ જવાં માટે.. પણ મેં રસ્તામાં મારો વિચાર બદલી કાઢ્યો અને હું સીધી જઈ પહોંચી લંડન જ્યાં મારો બોયફ્રેન્ડ માઈકલ રહેતો હતો.. મારી જીંદગી ની આટલી મોટી સફર પહેલાં હું માઈકલ જોડે થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાં માંગતી હતી.. "

આટલું બોલી સાહિલ અટકી ગયો.. સાહિલે ઉતાવળમાં લ્યુસીની ડાયરીનાં બાકીનાં પન્ના ફેરવી જોયાં.. અને મોં બગાડતાં બોલ્યો.

"એની માં ને.. આ ડાયરી નાં આગળનાં પન્ના તો કોરાં છે.. "

"તો હવે.. ? આપણે આગળ કઈ રીતે જાણીશું કે લ્યુસી કેટાકોમ્બ માં ફિલોસોફર સ્ટોન શોધવા ગઈ હતી કે નહીં.. અને એ ઉપરાંત એને ફિલોસોફર સ્ટોન મળ્યો કે નહીં એ પણ જાણવાનું બાકી છે.. આ બધી વાતો કોણ જણાવશે.. ? "ડેની એક પછી એક સવાલો સાથે પોતાની રોજની ટેવ મુજબ હાજર હતો.

"ભાઈ એક બીજી વસ્તુ પણ જાણવાની છે કે બાકીની ડેવિલ બાઈબલ છે ક્યાં.. ? "ગુરુ પણ વધારાનાં સવાલ સાથે બોલ્યો.

આ સવાલો વિરાજનાં મનમાં પણ હતાં અને સાહિલનાં મનમાં પણ.. હવે લ્યુસી સાથે એ લોકો એ હદે જોડાઈ ચુક્યાં હતાં કે એની સાથે આગળ શું થયું એ જાણવાની બેતાબી એમનાં ચહેરા ઉપર ઝળકી રહી હતી. થોડું વિચાર્યા બાદ વિરાજે એક પ્રસ્તાવ બાકીનાં દોસ્તો સમક્ષ મુકતાં કહ્યું.

"એક કામ થઈ શકે.. આપણે લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને શોધી કાઢીએ.. આપણાં સવાલોનો જવાબ માઈકલ જોડે અવશ્ય મોજુદ હશે.. "

વિરાજની વાત સાંભળી ડેની ઉત્સાહમાં આવીને બોલ્યો.

"તો પછી ઝટ હાલો.. માઈકલ ને શોધવા.. "

ડેની ની વાત સાંભળી સાહિલ હસતાં હસતાં બોલ્યો.

"ભાઈ અત્યારે રાતનાં બાર વાગ્યાં છે.. અને લંડન માં આવાં તો સેંકડો માઈકલ હશે તો હવે માઈકલ ક્યાં હશે એની તપાસ કાલે સવારે કરીશું.. "

"સારું તો સાહિલ તું અને ડેની તમારાં રૂમમાં જઈને સુઈ જાઓ.. હું અને ગુરુ પણ હવે સુઈ જઈએ.. "વિરાજે કહ્યું.

બીજાં દિવસે એ લોકો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને શોધવાનાં મિશન ઉપર જવાનું નક્કી કરી નીંદરમાં પોઢી ગયાં.

★★★

વધુ નવાં ભાગમાં.

એ લોકો માઈકલ સુધી પહોંચી શકશે.. ? શું લ્યુસી એ ફિલોસોફર સ્ટોન શોધી કાઢ્યો હતો.. ? ફિલોસોફર સ્ટોન અને ડેવિલ બાઈબલ વચ્ચે શું સંબંધ હતો.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Parimal patil 3 દિવસ પહેલા

Keyur Patel 3 દિવસ પહેલા

Suresh 3 દિવસ પહેલા

Jeel Vaishnani 4 દિવસ પહેલા

Vrushti Jetpuriya 1 અઠવાડિયા પહેલા

શેર કરો