Maut ni Safar - 10 books and stories free download online pdf in Gujarati

મોત ની સફર - 10

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 10

માઈકલ દ્વારા સાહિલ અને એનાં દોસ્તોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સફર દરમિયાન શું-શું ઘટનાઓ બની એ વિશેની વિતક કહેવાનું ચાલુ હોય છે.. અત્યાર સુધી પાતાળ નાં ચાર આવરણો ને પાર કરી પાંચમા આવરણ સુધીની સફરની વાત કર્યાં બાદ રસ્તામાં હાજર નરકનાં ખુંખાર સજીવોથી બચીને આગળ એ લોકો કઈ રીતે વધ્યાં એ વિશે માઈકલ જણાવવાનું શરૂ કરે છે.

"અમે લોકો જાણતાં હતાં કે આ ભયાનક સજીવોનાં હાથમાં સપડાઈ જઈશું તો મોત અવશ્ય મળશે અને એ પણ ખૂબ જ ભયાનક રીતે.. માટે દરેક ડગલું અમે ફૂંકી-ફૂંકીને ભરી રહ્યાં હતાં.. લગભગ ત્રીજા ભાગનું અંતર અમે લોકોએ ભારે સિફતપૂર્વક પસાર કરી લીધું.. સૌથી આગળ લ્યુસી હતી.. લ્યુસીની પાછળ હું.. મારી પાછળ યાના આવતી હતી અને સૌથી છેલ્લે કાર્તિક હતો. "

"અમે ખૂબ જ ધીરે ધીરે સહેજ પણ અવાજ કર્યાં વગર એ સજીવોની વચ્ચેથી પસાર થતાં થતાં લાકડાનાં એ દરવાજા તરફ આગળ વધી રહ્યાં હતાં.. જે શાયદ છઠ્ઠા આવરણ સુધી જવાનાં રસ્તાનું પ્રવેશદ્વાર હતું.. અમને વિશ્વાસ હતો કે ગમે તે કરી બચતાં-બચાવતાં ત્યાં સુધી પહોંચીને જ રહીશું.. "

"અમે અડધું અંતર પસાર કરી જ ચુક્યાં હતાં ત્યાં એવી ઘટના બની જેને અમારાં જીવ પર આફત લાવી મૂકી.. બન્યું એવું કે અમે સાત-આઠ જેટલાં એ દૈત્ય જેવાં સજીવોનાં ટોળામાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યાં એક સજીવ ને ખબર નહીં શું થયું અને એ અમે ચાલતાં હતાં એ તરફ ખૂબ ઝડપથી આગળ વધ્યો.. એ સીધો યાના ની તરફ આગળ વધી રહ્યો હતો જે જોઈ યાના ડરી ગઈ અને હળબળીમાં નીચે પડી ગઈ.. પડતાંની સાથે જ એનાં મુખેથી એક ઉંહકારો નીકળી ગયો.. "

"યાના દ્વારા પેદા થયેલો આટલો નાનકડો અવાજ પણ ત્યાં મોજુદ સો જેટલાં સજીવોનાં કાન સરવા કરી ગયો.. એ સજીવો અમારાં શ્વાસોશ્વાસનાં અવાજ ને પણ જાણે સાંભળવાની કોશિશ કરી રહ્યાં હોય એવું એમનાં શારીરિક હાવભાવ પરથી લાગતું હતું.. હવે ત્યાંથી વહેલી તકે નીકળવામાં જ ભલાઈ હતી એટલે મેં અને કાર્તિકે યાના ને ઉભી કરી અને ફટાફટ ત્યાંથી આગળ વધવા લાગ્યાં. "

"આ ઉતાવળ નાં લીધે જ અમારાં વધેલાં શ્વાસોશ્વાસ અને પગરવનો અવાજ સાંભળી એ વિચિત્ર જીવોને અમારી હાજરી નો અંદેશો આવી ગયો હોય એવું લાગતું હતું.. કેમકે અચાનક બધાં જ સજીવો અમારી ભણી આગળ વધવા લાગ્યાં.. એમને ગતિમાં અમારી તરફ આગળ વધતાં જોઈ લ્યુસી મોટેથી બોલી.. 'ભાગો'. લ્યુસીનો અવાજ સાંભળી અમે લોકો દરવાજા તરફ દોડતાં-દોડતાં આગળ વધવાં લાગ્યાં. "

"અમારાં આમ કરતાં જ એ સજીવો ચિત્ર-વિચિત્ર અવાજ કરતાં ખૂબ તીવ્રતાથી અમારી તરફ આવવાં લાગ્યાં.. લ્યુસીએ પાછાં વળી પોતાનાં બૂટ ને અમે દોડતાં હતાં એનાંથી વિરુદ્ધ દિશામાં ફેંક્યા.. જેની અસર રૂપે અમારી પાછળ દોડતાં હતાં એમાંથી ઘણાં જીવો બૂટ નાં પડવાનો અવાજ થતાં એ તરફ ભાગ્યાં.. આમ થતાં અમે પણ લ્યુસીની માફક અમારાં શૂઝ અલગ-અલગ દિશામાં ફેંકી એ જીવો નું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન કર્યો.. જે સફળ પણ થયો.. "

"આ સાથે જ અમે લોકો પુનઃ લાકડાનો દરવાજો હતો એ તરફ ભાગવાં લાગ્યાં.. આમ થતાં ફરીથી અમારાં દોડવાનો ધ્વનિ ઉત્તપન્ન થયો અને એ જીવો એ અવાજ ને સાંભળી અમારી તરફ આવવાં લાગ્યાં.. એ જીવો અમારાં સુધી પહોંચે એ પહેલાં લ્યુસી લાકડાનાં એ દરવાજા નજીક આવી પહોંચી હતી.. લ્યુસી એ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કરતાંની સાથે જ અમને જલ્દીથી અંદર આવી જવાં કહ્યું.. યાના ને અંદર જવાં દીધાં બાદ હું પણ અંદર આવી ગયો.. "

"અમારાં બધાંમાં કાર્તિક સૌથી છેલ્લે આવી રહ્યો હતો.. કાર્તિક જેવો દરવાજાની અંદર પ્રવેશવા જતો હતો ત્યાં અમારી પાછળ દોડી રહેલાં એ નરકનાં જીવોમાંથી એકે કાર્તિક નો પગ પકડી એને ઢસેડવાનું શરૂ કર્યું.. બીજાં સજીવો આવી પહોંચે એ પહેલાં કાર્તિકને બચાવવો આવશ્યક હતો.. વધુ વિચાર્યા વગર હું કાર્તિક તરફ આગળ વધ્યો અને મારાં પેન્ટ માં રહેલાં નાઈફ પોકેટમાંથી એક ધરધાર છરી નીકાળી એનો જોરદાર પ્રહાર એ સજીવનાં હાથ ઉપર કરી દીધો.. "

"એ સજીવનો હાથ એક ઝટકામાં કપાઈ ગયો અને કાર્તિક એની પકડમાંથી આઝાદ થઈ ગયો.. મેં હાથનો સહારો આપી કાર્તિક ને ઉભો કર્યો અને દરવાજા તરફ દોરી ગયો.. મેં જોયું તો કાર્તિક સરખી રીતે પગ નહોતો રાખી શકતો.. મેં એનાં પગ ઉપર ધ્યાન આપ્યું તો એનું પગ રક્તરંજીત હતો અને એમાંથી રક્ત વહી રહ્યું હતું.. પેલાં વિચિત્ર જીવે કાર્તિક નાં પગ માં પોતાનાં દાંત ઘુસેડી દીધાં હતાં.. "

"હું મહાપરાણે કાર્તિક ને લઈને લાકડાનાં દરવાજાની અંદર લઈ આવ્યો અને એ સાથે જ લ્યુસીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો.. આમ થતાં જ એ સજીવો વિચિત્ર આવજો કરતાં બારણે અટકી ગયાં.. શાયદ એમની હદ ત્યાં સુધી જ હતી.. "

"એ લાકડાનો દરવાજો ખોલી અંદર આવતાંની સાથે બધાંનાં મોંઢેથી એકસુરમાં 'હાશ બચી ગયાં!. 'એવાં શબ્દો સરી પડ્યાં.. અમે હવે ફિલોસોફર સ્ટોન થી બે કદમ જ દૂર હતાં.. મંજીલ નજીક આવતાં અમે પાતાળ નું એ આવરણ પાર કરવાં આગળ વધવા લાગ્યાં.. "

માઈકલ ની વાત ચાલુ હતી એ દરમિયાન ઓર્ડર કરેલો ઓરેન્જ જ્યુસ લઈને વેઈટર આવ્યો એટલે ફરીવાર એમની વાતચીત માં ખલેલ પહોંચી.. ઓરેન્જ જ્યુસ નાં ગ્લાસ હાથમાં લઈને એની ઘૂંટ સાથે કેટાકોમ્બ ની લ્યુસીની સફર ની વાત માઈકલ દ્વારા આગળ વધી.

"પાતાળ નું આ છ નંબરનું આવરણ ખુબજ વિચિત્ર હતું.. આખો રસ્તો જાણે લાકડાં નો બનેલો હોય એવું લાગતું હતું. રસ્તા ની દીવાલો પર વિચિત્ર પ્રકારની આકૃતિઓ હતી.. અમુક ચહેરાઓ જોઈને સમજી શકાતું હતું કે એ શૈતાન ને પ્રસ્તુત કરે છે. અમે થોડાં જ આગળ વધ્યાં હોઈશું ત્યાં મેં મારી જીંદગી નું સૌથી ભયાનક પ્રાણી જોયું.. અમારાં રસ્તાથી આગળ એક સો ફૂટ લાંબો સાપ બેઠો હતો.. એની આંખો બંધ હતી. આવો વિશાળ સાપ મેં આજથી પહેલાં હેરી પોટરની ફિલ્મ માં જ જોયો હતો.. એક જીવતો જાગતો દૈત્ય અમારી સામે હતો. "

"લ્યુસી ની તરફ મેં સવાલસુચક નજરે જોતાં સવાલ કર્યો કે હવે આગળ શું કરીશું.. ? બીજી તરફ મારુ ધ્યાન કાર્તિક તરફ હતું જે અમારી સાથે હતો તો ખરો પણ એ જાણે કંઈપણ સમજતો જ ના હોય એવું વર્તન કરી રહ્યો હતો.. એની આંખોનાં પોપચાં લગભગ બંધ થઈ ચુક્યાં હતાં.. નરકનાં સજીવ દ્વારા એનાં પગ ઉપર જે બચકું ભરાયું એની અસર રૂપે કાર્તિક ની આ દશા થઈ હતી એનો અંદાજો મને આવી ચુક્યો હતો. "

"લ્યુસીથી પણ કાર્તિક ની હાલત છુપી નહોતી.. છતાં પોતાનું મિશન અધૂરું મૂકીને પાછું જવામાં લ્યુસી માને નહીં. અને આમ પણ અહીંથી હવે પાછાં વળ્યાં કરતાં આગળ વધવું સરળ હતું.. લ્યુસી એ એ દૈત્યકાર સાપ ની તરફ કોઈપણ જાતનો અવાજ કર્યાં વગર ચાલવા કહ્યું.. અમે છેક નજીક આવી પહોંચ્યા ત્યારે અમે જોયું કે એ સાપ કોઈ વસ્તુનું રક્ષણ કરતો હતો.. એક લાકડાનું વિશાળ બોક્સ એની પાછળ પડ્યું હતું જેની રક્ષા કરવાં એ સાપ ત્યાં મોજુદ હોવાનું અમને લાગ્યું. "

"એ સાપ જ્યાં હતો એની એક તરફ સાંકડો રસ્તો પડતો હતો અને બીજી તરફ એક વ્યવસ્થિત રસ્તો હતો.. બીજો જે રસ્તો હતો એ નક્કી ફિલોસોફર સ્ટોન સુધી જતો હોય એવું અમને લાગ્યું. લ્યુસી એ અમને એક જગ્યાએ શાંતિથી ઉભાં રહેવાનું કહ્યું.. અને પોતે એ સાપ તરફ આગળ વધી.. હવે લ્યુસી શું કરવાં માંગતી હતી એ તો મને ના સમજાયું પણ એ જે કંઈપણ કરવાની હતી એમાં એનાં જીવનું જોખમ હતું એ વાત નક્કી હતી.. મેં એને ઘણી સમજાવી કે ચૂપચાપ પેલાં રસ્તે આગળ વધી જઈએ પણ એ પોતાની વાત પર મક્કમ રહી અને એ સાપ જ્યાં સૂતો હતો એ તરફ આગળ વધી અને ત્યાં મોજુદ સાંકડો રસ્તો હતો એ તરફ જઈ પહોંચી.. ત્યાં એક ગોળાકાર પથ્થર ને બારીકાઈથી લ્યુસી નિહાળતી રહી.. "

"થોડીવાર એ પથ્થર જોડે ઉભાં રહ્યાં બાદ લ્યુસી એ એ સાપ ની નજીક ચુપકેથી પહોંચી એક છરી એનાં પેટનાં ભાગમાં ઘુસેડી દીધી.. આમ કરતાં એ આપ ફૂંફાડા મારતો જાગી ગયો.. એની લાલાશ પડતી મોટી-મોટી આંખો જોતાં જ સમજી શકાતું હતું કે એ કેટલો ખુંખાર છે.. એ સાપે પોતાની જીભ અંદર-બહાર કરતાં લ્યુસીની તરફ જોયું.. અને બીજી જ ક્ષણે આક્રમકતાથી લ્યુસીની તરફ આગળ વધ્યો.. અમે જોર જોરથી લ્યુસીને ત્યાંથી ભાગવાની બુમો પાડવા લાગ્યાં પણ લ્યુસીએ તો કંઈક અલગ જ વિચાર્યું હતું. "

"એ સાપ જ્યાં સૂતો હતો એની એક તરફ જે સાંકડો રસ્તો હતો એ તરફ લ્યુસી ઝડપથી ભાગી અને સીધી અંદર પ્રવેશી ગઈ.. લ્યુસીની પાછળ-પાછળ એ મહાકાય સાપ પણ સરકયો.. લ્યુસી એ ટનલમાં પ્રવેશી અને એની પાછળ એ સાપ પણ ટનલમાં ઘૂસ્યો.. આ દ્રશ્ય જોઈ અમારો જીવ મોંઢામાં આવી ગયો હતો.. કેમકે લ્યુસી વધુ સમય એ સાપ થી બચી શકે એવી શક્યતાઓ નહીંવત હતી.. "

"ચાર-પાંચ મિનિટ આમ જ વીતી ગઈ.. મને લ્યુસીની ચિંતા સતાવી રહી હતી.. લ્યુસી સાથે ત્યાં ટનલમાં શું થયું એ જોવાં હું એ સાંકડી ટનલ તરફ આગળ વધ્યો.. હજુ હું એ ટનલમાં પ્રવેશ કરું એ પહેલાં તો લ્યુસી દોડીને બહાર આવી.. અને હાંફતા હાંફતા મને કહ્યું કે એ ગોળાકાર પથ્થરને ટનલનાં મુખ સુધી ઘસેડવામાં હું એની મદદ કરું.. લ્યુસીનાં આમ કહેતાં જ એ ટનલ નજીક મોજુદ પથ્થરને ધક્કો મારી મેં ટનલ નાં મુખ આગળ મૂકી ટનલ નો રસ્તો બંધ કરી દીધો.. "

આમ કરતાં જ લ્યુસી ટનલ જોડે ઉભી રહીને લેટિનમાં બોલી.

"Iam displicemus, capta dabis serpentis.. "

લ્યુસીનાં આમ બોલતાં જ એ ટનલ ની આગળનો પથ્થર જાદુઈ રીતે એ ટનલ નાં મુખ ને સજ્જડ રીતે બંધ થઈ ગયો.. લ્યુસી એ કહ્યું કે આ લેટિન શબ્દનો અર્થ હતો કે "આ સર્પ ને અંદર કેદ કરી દે.. "

"યાના દોડતી આવી અને લ્યુસીને ભેટી પડી.. મારી જેમ એ પણ લ્યુસીને આમ જીવિત જોઈને ખૂબ ખુશ હતી.. આખરે લ્યુસી કઈ રીતે બચી ગઈ એ સવાલનાં જવાબમાં એને જણાવ્યું કે પોતે ટનલમાં થોડી આગળ વધી એટલે થોડો પહોળો રસ્તો હતો.. જેમાં એક જગ્યાએ થોડી છુપાવવાની જગ્યા મારી નજરે પડી.. જે જોઈ લ્યુસી ત્યાં છુપાઈ ગઈ.. ગુસ્સામાં હોવાથી એ મહાકાય સર્પ ગતિમાં આગળ વધી ગયો એટલે પોતે દોડીને અહીં બહાર આવી ગઈ.. "

"અમે હવે સહી-સલામત હતાં એટલે ત્યાં સાપ જે લાકડાંની પેટીનું રક્ષણ કરી રહ્યો હતો એની અંદર શું મોજુદ હતું એ જાણવાની તાલાવેલી સાથે અમે બધાં એ તરફ આગળ વધ્યાં.. પણ અચાનક કાર્તિક નો કરાહવાનો અવાજ સાંભળી અમે એની જોડે આવ્યાં. કાર્તિક ને ભારે તાવ આવી ગયો હતો અને એ લગભગ બેભાન બની ચુક્યો હતો એટલે અમે એને એક બાજુ શાંતિથી ટેકો આપી સુવડાવી દીધો.. "

"મેં મારી બેગમાંથી એક એન્ટી બાયોટિક ઈન્જેકશન કાઢીને કાર્તિક ને આપ્યું જેથી એની પીડા થોડી ઓછી થશે એવી અમારી ગણતરી હતી.. યાના ને કાર્તિક જોડે બેસવાનું કહી હું અને લ્યુસી પુનઃ એ સાપ જ્યાં કુંડળી લગાવીને બેઠો હતો એ લાકડાં ની પેટી તરફ આગળ વધ્યાં.. લ્યુસી એ લાકડાં ની પેટી પર લખેલાં લેટિન શબ્દોને વાંચી એનો અનુવાદ કરતાં કહ્યું.. માઈકલ આની ઉપર લખ્યું છે કે આ પેટીની અંદર એવી વસ્તુ છે જે જગતનો વિનાશ કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે.. માટે આ પેટીને ખોલવી નહીં.. "

"અહીં કેટાકોમ્બ માં પગ રાખ્યાંની સાથે જ અમારી સાથે એક પછી એક જે કંઈપણ ઘટનાઓ બની હતી એનાં પછી આ પેટી ઉપર નું લખાણ અમને ડરાવવામાં અસમર્થ હતું.. મારી સહમતી મળતાં લ્યુસી એ ધડકતાં હૃદયે લાકડાં ની એ પેટી ખોલી. "

"પેટી ખોલતાં જ અમારી નજરે એક વિશાળ આકારનું પુસ્તક નજરે ચડ્યું.. જેની ઉપર લખ્યું હતું... 'Codex Gigas'.. "

★★★

વધુ નવાં ભાગમાં.

આ સફર દરમિયાન કાર્તિક જીવિત રહ્યો હતો કે નહીં.. ? શું લ્યુસી એ ફિલોસોફર સ્ટોન શોધી કાઢ્યો હતો.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED