મોત ની સફર - 4 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 4

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 4

ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો રાજા દેવ વર્મન નો ખજાનો શોધી શક્ય એટલો ખજાનો પોતાની સાથે લઈ વિરાજનાં ગુરુ સિવાયનાં મિત્રો શ્યામપુર પાછાં આવી પહોંચ્યાં હતાં. જોડે લઈને આવેલાં ખજાનામાંથી બધાં ની જીંદગી યોગ્ય રફતારમાં દોડવા લાગી.. પણ કહ્યું છે ને જીંદગી ક્યાં કઈ જગ્યાએ ટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી.. આવો જ એક વિચાર વિરાજનાં મનમાં થયો અને એને ગુફામાંથી મળેલ લ્યુસીનો પાસપોર્ટ અને એની અમુક વસ્તુઓ એનાં પરિવારને સુપ્રત કરવાં લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું વિચાર્યું.

પહેલાં તો વિરાજને થયું કે આટલું નાનું કામ પોતે એકલો જઈ પૂર્ણ કરી બે-ત્રણ દિવસમાં પાછો આવી જશે.. પણ પછી વિરાજને થયું કે પોતાનાં મિત્રો ડેની અને સાહિલને પણ સાથે લઈ જાય જેથી એ બહાને યુરોપની હસીન સફર ને પણ અંજામ આપી શકાય.. આ વિચાર આવતાં જ બીજાં દિવસે સવારે વિરાજે ફોન કરી ડેની અને સાહિલને શ્યામપુર માં પ્રખ્યાત એવાં "કપ ઓફ કોફી" કાફેમાં આવવાંનું જણાવ્યું.

વિરાજનાં કહ્યાં મુજબ સાંજે છ વાગે ત્રણેય મિત્રો કાફે કપ ઓફ કોફીમાં બેઠાં હતાં.

"બોલ ભાઈ.. વિરાજ.. કેમ અચાનક અહીં બોલાવ્યાં.. ? "પોતાનાં માટે કોફી અને વિરાજ તથા ડેની માટે ચા નો ઓર્ડર આપ્યાં બાદ સાહિલે વિરાજ ની તરફ જોઈને કહ્યું.

"વાત એમ છે કે આપણને ગુફામાંથી લ્યુસીની હેન્ડ બેગ અને એનાં તથા એની જોડે મળેલાં અન્ય બે મૃતદેહો પરથી જવેલરી મળી આવી હતી.. આ સિવાય લ્યુસીનાં મૃતદેહ નાં હાથમાંથી ગુરુ કહેતો હતો એ ડેવિલ બાઈબલ નાં દસ પન્ના પણ મળી આવ્યાં હતાં.. "વિરાજ ટેબલનાં ઉપર હાથનો ટેકો મુકી ડેની અને સાહિલ તરફ જોતાં બોલ્યો.

વિરાજની વાત સાંભળી સાહિલ એક ધ્યાને વિરાજ તરફ જોઈ રહેતાં કંઈક વિચારીને બોલ્યો..

"એ વિરાજ્યા.. ક્યાંક તું એવું તો નથી વિચારતો ને કે આ બધી વસ્તુઓ આપવાં તું લ્યુસીનાં ઘરે જવાં માંગે છે.. ?

"હા.. ભાઈ.. તું સાચું સમજ્યો.. હું ઈચ્છું છું કે હું કેંટબરી જઈને આ બધી વસ્તુઓ લ્યુસીનાં પરિવારને આપી આવું.. અને જોડે જોડે એમને એ પણ જણાવી દઉં કે એમની દીકરી સાથે હકીકતમાં શું થયું છે.. "વિરાજ સંવેદના સાથે બોલ્યો.

"પણ આવું કરવાં નું કોઈ ખાસ કારણ.. ? "ડેની સવાલ સાથે મોજુદ હતો.

"જો યાર.. લ્યુસી આપણાં માટે કોઈ અંગત નહોતી.. પણ એનો એ કેંટબરી માં એક પરિવાર હશે.. જ્યાં કોઈ માં-બાપ પોતાની દીકરીની.. કોઈ ભાઈ પોતાની બહેનની વાટ જોઈતું હશે.. "વિરાજ બોલ્યો.

વિરાજ ની વાત સાંભળી ડેની અને સાહિલે પણ એની વાતનો મર્મ સમજતાં એકબીજાની તરફ જોયું.. અને પછી સાહિલ બોલ્યો.

"ભાઈ.. તું એકદમ સાચું બોલી રહ્યો છે. આપણે જવું જોઈએ લ્યુસીનાં પરિવારને એમની દીકરીની સાથે શું થયું એ જણાવી એની બેગમાંથી મળેલી વસ્તુઓ એનાં પરિવારને આપવાં .. "

સાહિલ ની વાત સાંભળી વિરાજે વિસ્મય સાથે ચમકીને કહ્યું.

"મતલબ.. તું પણ મારી સાથે આવવાં તૈયાર છો.. ? "

"હા.. અને હું પણ આવીશ તારી જોડે.. "સાહિલ ને પુછાયેલાં સવાલનો જવાબ આપતાં ડેની બોલ્યો.

"હું એ જ વાત તમને કહેવાનો હતો કે જો તમે જોડે આવવાં તૈયાર હોય તો સેવાનું કામ પણ થઈ જશે અને એ પછી યુરોપ ની ટુર પણ કરી લઈશું.. "ચહેરા પર સ્મિત સાથે વિરાજ બોલ્યો.

"Good idea.. !આમ પણ હું થોડાં દિવસ પછી મારી નવી ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીનાં કામમાં પરોવાઈ જઈશ એટલે મને પછી સમય નહીં મળે.. તો એ પહેલાં યારો સાથે ફરવાનો વિચાર ઉત્તમ છે.. "સાહિલે કહ્યું.

"તો પછી ક્યારે નીકળવું છે.. ધરમનાં કામમાં ઢીલ મુકવામાં મજા નથી.. "ડેની એ ઉત્સાહમાં આવી કહ્યું.

"પાંચ દિવસ પછી નીકળીએ.. "વિરાજ થોડું વિચારીને બોલ્યો.

"એ ડેની તારી જોડે પાસપોર્ટ છે.. ? "સાહિલે ડેની તરફ જોઈને પૂછ્યું.

"હા લ્યા.. મેં પાસપોર્ટ કઢાવી રાખ્યો છે.. શ્યામપુર આવ્યાં નાં ત્રીજા દિવસે જ અરજન્ટ માં કઢાવી દીધો હતો.. કેમકે મારે વર્ષોથી દુબઈ જવાની ઈચ્છા હતી.. "ડેની પોતાનાં ગળામાં પહેરેલી સોના ની ચેનને હાથ વડે રમાડતાં બોલ્યો.

એટલામાં સાહિલે આપેલો ઓર્ડર લઈને વેઈટર ટેબલ પર મૂકી ગયો. સાહિલે પોતાની કોફીનો મગ ઉપાડતાં કહ્યું.

"સરસ.. તો હું આવતી કાલે જ મારાં પેલાં સ્કાય વે ટુર એન્ડ ટ્રાવેલ નાં માલિક સત્યમ પટેલ ને મળીને આપણાં ત્રણ લોકોની યુરોપની ટીકીટ નું બુકીંગ નું શું સેટિંગ થાય છે એ પૂછી જોઉં.. કેમકે વિઝાની પ્રોસેસ તમે વિચારો એટલી સરળ નથી.. "

"ભાઈ ત્રણ નહીં ચાર ટીકીટ બુક કરાવજે.. "અચાનક કોઈકનો અવાજ સાંભળી ડેની, વિરાજ અને સાહિલે અવાજની દિશામાં ચમકીને જોયું.

એમને જોયું તો ત્યાં ગુરુ હાથમાં બેગ લઈને મોજુદ હતો.. ગુરુ ને આમ અચાનક ત્યાં આવી પહોંચેલો જોઈ એ ત્રણેય ને સુખદ આંચકો લાગ્યો.. વિરાજે તો ઉભાં થઈ ગુરુને ગળે લગાવતાં કહ્યું.

"અરે ભાઈ.. તું અહીં આવ્યો એ જોઈ ખૂબ આનંદ થયો.. પણ કેમ આમ અચાનક.. ના કોઈ કોલ ના મેસેજ.. "

"ભાઈ.. બોમ્બે માં અડધાં જેટલાં દાગીનાં અને રત્નો ને બ્લેક માર્કેટમાં વેંચતાં લગભગ 85-90 કરોડ રૂપિયા મળ્યાં.. એ પૈસા નું શું કરવું એ સૂઝતું નહોતું એટલે પાંચ-છ બેંકમાં ખાતાં ખોલાવી બધાં પૈસા એમાં મૂકી દીધાં.. બાકીનાં દાગીનાં અને રત્નો લઈ અહીં આવી પહોંચ્યો.. મને તમારાં બધાં જોડે જ અહીં શ્યામપુર માં જ વસી જવું છે.. આમ પણ મુંબઈ માં મારુ કોઈ નહોતું.. અહીં ત્રણ 24 કેરેટ ડાયમંડ જેવાં દોસ્તો તો છે.. "ગુરુનાં અવાજમાં ડેની, વિરાજ અને સાહિલ પ્રત્યેની એની લાગણી સાફ-સાફ વર્તાઈ રહી હતી.

"આતો બહુ ઉત્તમ વિચાર છે તારો.. તો હવે તું પણ ચાલ અમારી સાથે યુરોપ.. ખૂબ મજા આવશે.. "ડેની એ પણ ગુરુ ને ગળે લગાવી કહ્યું.

"પણ અમે અહીં જ બેઠાં છીએ એની તને કઈ રીતે ખબર પડી.. ? "સાહિલે સવાલસુચક નજરે ગુરુ તરફ જોઈને કહ્યું.

"મારી જોડે વિરાજની દુકાનનો એડ્રેસ હતો.. હું અહીં આવી સીધો વિરાજની દુકાને પહોંચ્યો.. જ્યાં અંકલે કહ્યું કે વિરાજ હમણાં ક્યાંક ગયો છે પણ ક્યાં ગયો છે એની મને ખબર નથી.. હું તમને સપ્રાઈઝ આપવાં માંગતો હતો એટલે કોલ કરવાનો વિચાર પડતો મુક્યો.. મારી નજર એ સમયે ડેની નાં whatsup સ્ટેટ્સ પર પડી જેમાં એને આ કાફે નો ફોટો મૂકી લખ્યું હતું એટ કાફે કપ ઓફ કોફી.. "પોતે સીધો ત્યાં કઈ રીતે આવી પહોંચ્યો એ જણાવતાં ગુરુ બોલ્યો.

"ચાલ બેસ અમારી સાથે.. હું તારાં માટે ચા અને નાસ્તો ઓર્ડર કરું.. "સાહિલે પોતાની સાથે સ્થાન ગ્રહણ કરવાનું ગુરુ ને કહ્યું.

ગુરુનાં એમની સાથે ટેબલ પર ગોઠવતાં જ ચારેય મિત્રો લાગી ગયાં એમનાં ખજાનાં ની સફર ની યાદો ને વાગોળવા.. ગુરુ ને એકવાર પોતે મુશળધાર વરસાદ વખતે શૈતાન નો ચહેરો વાદળો ની અંદર જોયો હોવાની વાત કહેવાની ઈચ્છા થઈ પણ એને આ વાત મનમાં જ ધરબી રાખી.

ઘણી બધી વાતો કર્યાં બાદ ચારેય મિત્રો કાફેમાંથી છૂટાં પડ્યાં.. ગુરુ વિરાજનાં ઘરે રહેશે એવું નક્કી થયું એટલે ગુરુ પોતાની બેગ લઈને વિરાજની નવી XUV કારમાં ગોઠવાઈ ગયો.

***

બીજાં દિવસે સાહિલ વિરાજ, ગુરુ અને ડેની નાં પાસપોર્ટ સાથે પોતાનાં સ્કાય વે ટુર અને ટ્રાવેલિંગ નાં માલિક સત્યમ પટેલની ઓફિસે જઈ પહોંચ્યો.. એ લોકોને એક અઠવાડિયા પછી ની ફ્લાઈટ ની ટીકીટ મળશે એવું સત્યમ પટેલે જણાવ્યું.. જે અંગે સાહિલે પોતાનાં બીજાં મિત્રો જોડે ચર્ચા કરીને યુરોપનાં એક મહિનાનાં વિઝાનું સેટિંગ કરી અઠવાડિયા બાદ ની ચાર ટિકિટો બુક કરવાનું કહી દીધું.. અને એડવાન્સમાં અડધું પેયમેન્ટ પણ કરી દીધું.

સાહિલે જાણીજોઈને રિટર્ન ટીકીટ બુક ના કરાવી.. કેમકે હવે યુરોપમાં એ લોકો કેટલાં દિવસ ફરશે એ નક્કી નહોતું. આ સાત દિવસો દરમિયાન ચારેય મિત્રો રોજ સાંજે અલગ-અલગ જગ્યાએ ફરવા જતાં હતાં.. ગુરુ તો હવે રીતસર નો એમનાં પરિવાર નો જ સભ્ય હોય એવો બની ગયો હતો.. ગુરુ ને પણ એમની તરફ હવે આત્મીયતા ની લાગણી બંધાઈ ચૂકી હતી.

એટલે જ કહેવાયું છે કે જગતમાં લોહીનો સંબંધ ના હોવાં છતાં લોહીનાં સંબંધ કરતાં પણ ચડિયાતો સંબંધ હોય તો એ છે મિત્રતા.. દોસ્તી.. હા પણ એની એક શરત છે કે દોસ્તી નિઃસ્વાર્થ હોવી જોઈએ.

આખરે એ લોકોની લંડન ની ટીકીટ આવી ગઈ.. શ્યામપુર થી એ લોકો ટ્રેઈનમાં અમદાવાદ જવાનાં હતાં.. જ્યાંથી ઈન્ડિગો ની લોકલ ફ્લાઈટમાં મુંબઈ અને મુંબઈ થી લંડન. ચારેય મિત્રો મુંબઈ થી લંડન જતી ફ્લાઈટમાં ગોઠવાયાં ત્યારે એ બાબતથી સાવ અજાણ હતાં કે એમની સાથે હવે આગળ શું થવાનું હતું.

એ લોકો જોડે કંઈક અજુગતું થવાનું હતું એ વિશે ભગવાને એમને વારંવાર એંધાણી આપી હતી જેનો મતલબ એ લોકો સમજી ના શક્યાં.. સૌ પ્રથમ તો શ્યામપુરથી અમદાવાદ જતાં એમની લકઝરી નું ટાયર ફાટ્યું જેમાં બધાં પેસેન્જરો માંડ-માંડ બચ્યાં.. અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ પણ એ લોકો મહા-મહેનતે પકડી શક્યાં હતાં.

આ સિવાય એક મોટી ઘટના બની મુંબઈ થી લંડન જવાં ટેકઓફ થયેલી ફ્લાઈટ સાથે.. ફ્લાઈટ નાં ઉડાન સાથે જ બર્ડ હિટ ની ઘટના બની જેનાં લીધે ફ્લાઈટ ને પુનઃ એરપોર્ટ પર લેન્ડ કરવી પડી.. અને દોઢ કલાક પછી ફ્લાઈટ મુંબઈ નાં છત્રપતિ શિવાજી ટર્મિનલ પરથી લંડન માટે રવાના થઈ.

પોતાની ઉપર આવેલી બધી મુશ્કેલીઓથી બચીને તો એ લોકો જેવાં લંડન નાં હિથ્રો આંતરાષ્ટ્રીય હવાઈમથક સુધી પહોંચી ગયાં.. પણ આ સાથે જ એ લોકો જાણે-અજાણે એક એવી મુસીબત ને નિમંત્રણ આપી ચુક્યાં હતાં જે એમની ઉપર જીવલેણ આફત બનીને ત્રાટકવાની હતી.. ડેની, વિરાજ અને ગુરુ તો હિથ્રો એરપોર્ટ ની ભવ્યતા ફાટી આંખે જોઈ રહ્યાં હતાં.. એમને તો અત્યાધુનિક બનાવટનું અને આટલું સુંદર એરપોર્ટ પોતાની જીંદગીમાં પ્રથમ વખત જ જોયું હતું.

એ લોકો જ્યારે લંડન એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સાંજ નાં છ વાગી રહ્યાં હતાં.. એટલે અત્યારે લ્યુસીનાં ઘરે જવાનો કોઈ સવાલ જ ઉભો નહોતો થતો.. સાહિલે અહીં આવ્યાં પહેલાં જ બધી તપાસ કરી રાખી હતી કે ક્યાં ઉતરવું અને ક્યારે કેંટબરી જવું.

હિથ્રો એરપોર્ટથી એ લોકો સીધાં જઈ પહોંચ્યાં લંડનની પ્રખ્યાત હોટલોમાંની એક એવી ફાઈવ સ્ટાર હોટલ "લેન્ડમાર્ક હોટલ"તરફ.. આ હોટલ 1000 કરતાં વધુ રૂમ ધરાવતી અને અત્યાધુનિક સવલતોથી લેસ હોટલ હતી.. જેમાં જીમ, પુલ, પબ, નાઈટ કલબ, મીની ગોલ્ફ કોર્સ, થિયેટર, રેસ્ટોરેન્ટ બધી જ સવલતો મોજુદ હતી.. ખજાનો પ્રાપ્ત કર્યા પછી હવે તો આટલી ખર્ચાળ હોટલનો ખર્ચ ઉઠાવવો ચારેય મિત્રોને પોષાય એવો હતો.

(ઘણાં વાંચકો ને આ હોટલ નું વિવરણ સાંભળ્યું હોય એવું લાગ્યું હોય તો એમની જાણસારું બતાવી દઉં કે હોટલ લેન્ડમાર્ક એ જ હોટલ છે જ્યાં મોટાં ભાઈ જતીન પટેલ ની પ્રથમ નવલકથા બેકફૂટ પંચ નો મેઈન લીડ આદિત્ય વર્મા ઉતર્યો હતો. આ નોવેલ ની લિંક માટે તમે ભાઈનાં whatsup નંબર 8733097096 પર whatsup કરી શકો છો. )

શ્યામપુરથી લંડન સુધીની સફર એ લોકો માટે થકવી નાંખનારી સાબિત થઈ હતી.. એ લોકોએ બે અલગ-અલગ રૂમ બુક કરાવ્યાં હતાં.. જેમાં એક રૂમની અંદર વિરાજ અને ગુરુ રોકાયાં જ્યારે બીજાં રૂમમાં સાહિલ અને ડેની.

સાહિલે બધાં ને ફટાફટ ફ્રેશ થઈને નીચે રેસ્ટોરેન્ટમાં આવવાં કહ્યું.. કેમકે સાહિલ ઈચ્છતો હતો કે જમી-પરવારીને એ લોકો વહેલાં સુઈ જાય.. જેથી થાક પણ ઉતરી જાય અને કાલે લ્યુસીનાં ઘરે જવાં કેંટબરી પણ જઈ શકાય. સાહિલનાં કહ્યાં મુજબ બધાં જ મિત્રો એક કલાક બાદ હોટલ લેન્ડમાર્ક નાં રેસ્ટોરેન્ટમાં એકત્રિત હતાં. સાહિલે બધાં માટે જમવાનું મંગાવ્યું અને સાથે એક રેડ વાઈનની બોટલ. સ્વાદિષ્ટ જમવાની અને વાઈનની મજા માણ્યા બાદ ચારેય મિત્રો ટેબલ પર બેસી અહીં તહીં ની વાતો કરવાં લાગ્યાં.

આ દરમિયાન વિરાજે નોંધ્યું કે એમનાં થી ચાર ટેબલ છોડીને રેસ્ટોરેન્ટનાં પ્રવેશદ્વાર જોડે બેઠેલો એક અંગ્રેજ વ્યક્તિ એમની તરફ ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો.. ચહેરા પર મોટી કાઉબોય હેટ અને મોંઢામાં ચિલમ ભરાવીને એનાં કસ લેતાં એ વ્યક્તિનો ચહેરો તો વિરાજ સ્પષ્ટ ના જોઈ શક્યો પણ વિરાજને વારંવાર એવું લાગતું કે એ વ્યક્તિ એમને જ જોઈ રહ્યો હતો.

રાતનાં દસ વાગતાં એ ચારેય મિત્રો ઉભાં થઈને પોતપોતાનાં રૂમ તરફ આગળ વધ્યાં ત્યારે વિરાજે જોયું તો એ વ્યક્તિ પોતાની જગ્યાએ નહોતો.. વિરાજે થોડો સમય એ વિષયમાં વિચારવાનું પડતું મુક્યું અને પોતાનાં દોસ્તોની સાથે લિફ્ટમાં પ્રવેશ્યો.

એનાં જતાં જ પેલો હેટ પહેરેલો વ્યક્તિ હોટલનાં મેઈન એન્ટ્રન્સ જોડે મોજુદ વૃક્ષ ની પાછળ ઉભો ઉભો ચિલમની કસ ખેંચતાં બોલ્યો.

"આખરે.. તમારી નિયતી તમને અહીં સુધી દોરી જ લાવી.. "

આટલું કહી એ વ્યક્તિ હોટલનો મેઈન ગેટ વટાવી પાર્કિંગ તરફ આગળ વધ્યો અને પોતાની કારમાં બેસી ત્યાંથી રવાના થઈ ગયો.

આ તરફ ચારેય મિત્રો પોતપોતાનાં રૂમમાં પ્રવેશી પથારીમાં સુવા માટે લાંબા થયાં.. બાકી બધાં તો સુઈ ગયાં પણ કેમેય કરી વિરાજને એ ભેદી વ્યક્તિનો ચહેરો સુવા નહોતો દઈ રહ્યો.. આખરે એક અજાણી જમીન પર એક અજાણ્યો માણસ પોતાનાં અને પોતાનાં મિત્રો ને કેમ આમ વિચિત્ર રીતે જોઈ રહે? એ સવાલ વિરાજ ને અકળાવી રહ્યો હતો.. આખરે લાંબો સમય કોઈ તથ્ય પર ના પહોંચવાનાં લીધે વિરાજ થાકી હારીને સુઈ ગયો.

★★★

વધુ નવાં ભાગમાં.

એ રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***