મોત ની સફર - 30 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 30

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 30

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.. ગુરુ અને જોહારી ખોવાઈ ગયાં બાદ પોતાનાં દોસ્તોને સહી સલામત મળી આવે છે.. વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને પાર કરવાની તૈયારી આરંભે છે.

"હું જેવો આ ડાઈનામાઈટ તળાવની વચ્ચે ફેંકુ એ સાથે જ આપણે તળાવમાં થઈને પસાર થવાં દોટ મુકીશું.. "વિરાજે ડાઈનામાઈટ સળગાવતાં પોતાનાં બાકીનાં દોસ્ત કાસમ, ડેની અને ગુરુને કહ્યું.. જેનાં પ્રતિસાદમાં એ લોકોએ ગરદન હલાવી.

વિરાજે પહેલાં એક ડાઈનામાઈટ પોતે જે તરફ હતાં એ તરફ ફેંક્યો.. ડાઈનામાઈટ નાં ધડાકા સાથે જ એની પ્રચંડ ગરમી ઉત્તપન્ન થઈ જેનાં લીધે બધાં સાપ દૂર ખસી ગયાં અને અમુક તો આગમાં ભડથું થઈ ગયાં.. આ દ્રશ્ય જોઈને વિરાજે મોટેથી બૂમ પાડીને કહ્યું.

"જલ્દીથી દોડો પેલી તરફ.. "

વિરાજનો સાદ સાંભળી કાસમ, ગુરુ અને ડેની પણ વિરાજની પાછળ પાછળ એ તળાવમાં કૂદી પડ્યાં.. અંદર પડતાં ની સાથે જ વિરાજે દોડતાં દોડતાં બીજો ડાઈનામાઈટ સળગાવ્યો અને આગળ ની તરફ ફેંક્યો.. એટલે આગળ પણ આવું જ થયું અને સાપો દૂર થઈ જતાં રસ્તો બની ગયો.. ખૂબ ઝડપથી ભાગીને એ ચારેય જણા દોડીને તળાવની પેલી તરફ ચડી ગયાં અને ત્યાં પહોંચતાં જ તળાવની ઊંચી સપાટી વટાવીને બીજી તરફ ચડવા લાગ્યાં.

કાસમ, ડેની અને ગુરુને ચડાવ્યાં બાદ વિરાજ એ તળાવની સીધી સપાટી ચડતો હતો ત્યાં બધાં સાપ એની તરફ આગળ વધવા લાગ્યાં.. સાપોની સંખ્યા એટલી હતી કે જાણે પાણી નો રેલો જોઈલો.. કાસમ, ગુરુ અને ડેની એ જેવો વિરાજને હાથ પકડીને ઉપર ખેંચ્યો એ સાથે જ બધાં સાપ છેક વિરાજની પાછળ પાછળ આવી પહોંચ્યા.. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે એકાદ સાપ તો વિરાજનાં પગે ડસી જ લેશે પણ સદનસીબે વિરાજ યોગ્ય સમયે ઉપર આવી ગયો અને મોત નાં મુખમાંથી બચીને નીકળી ગયો.

હાંફતા હાંફતા એ ચારેય જણાએ એકબીજાને ઉત્સાહમાં આવી ગળેથી લગાવ્યાં અને આ પરિસ્થિતિને પાર કરીને અહીં સુધી આવી પહોંચવા માટે એકબીજાને અભિનંદન પાઠવ્યાં.અને પછી આગળની તરફ ચાલતી પકડી.

આગળનો રસ્તો હવે ખરેખર કોઈ ગુફામાં ચાલતાં હોય એ મુજબનો શરૂ થયો હતો.. એકદમ સાંકડી ગુફાની દીવાલો અને એની ઉપર જામેલું લીલ.. રસ્તામાં ઊગી નીકળેલ છોડવા અને ભેજની વિચિત્ર બદબુ.. બહુ સાચવી સાચવીને એ ચારેય જણા વિરાજની આગેવાની માં પોતાની આગળની મંજીલ તરફ વધી રહ્યાં હતાં.. આવાં રસ્તે ત્રણેક કલાક ચાલ્યાં બાદ ભેજની ગંધ નાં લીધે બધાનું માથું ભારે ભારે થઈ ગયું હતું.

અચાનક એ સાંકડી ગુફાનો છેડો આવી ગયો હોય એમ લાગતાં વિરાજ સમેત બધાં ને રાહત થઈ.. એ લોકો જેવાં થોડું ચાલીને એ છેડે આવ્યાં ત્યાં એમને જોયું કે બહાર એક ખુલ્લો ભાગ છે.. જેને વટાવીને આગળની તરફ વધવાનું હતું જ્યાં આગળ વધવાનો બીજો રસ્તો નજરે પડતો હતો.

વિરાજ અને બીજાં ત્રણેય લોકોએ આ સાથે એ પણ નોંધ્યું કે આ ખુલ્લાં ભાગમાં ઘણી જગ્યાએ કંકાલ પડ્યાં હતાં.. જે માનવ કંકાલ હોવાનું પ્રથમ નજરે તો માલુમ પડતું હતું.. આ જગ્યા આમ તો પ્રમાણમાં નાની હતી અને એને પાર કરી સામે પહોંચવામાં માંડ દસેક મિનિટ લાગે એમ હતી પણ વિરાજની છઠ્ઠી ઇન્દ્રિય એને અહીં કોઈ અજાણ્યો ખતરો હોવાની સંભાવના બતાવતો હતો.

"દોસ્તો.. આપણે થોડો સમય અહીં જ રોકાઈ જવું જોઈએ.જે રીતે માનવ હાડપિંજર અહીં ઠેર-ઠેર પડ્યાં છે એનાં ઉપરથી એવું લાગે છે કે અહીં કોઈ ખતરો જરૂર છે.. એકાદ -બે કલાક આપણે અહીં રાહ જોઈએ અને જો કોઈ ખતરો નજરે ના પડે તો પછી આગળ વધીએ.. "પોતાનાં દોસ્તોને સંભળાય એમ ધીમેથી ફુસફુસાવતાં વિરાજ બોલ્યો.

હાડપિંજર જોઈને ડેની, ગુરુ અને કાસમ ને પણ એવો જ અહેસાસ થયો હોવાથી એમને ચૂપચાપ વિરાજની વાત માની લીધી અને ત્યાં જ રોકાઈ જવા તૈયાર થઈ ગયાં.. લગભગ દોઢેક કલાક સુધી એ લોકો ચૂપચાપ સાંકડી ગુફાનાં મુખ જોડે બેસી રહ્યાં પણ કોઈ જાતનો ખતરો એમની નજરે ના પડ્યો એટલે કાસમ વિરાજનાં ખભે હાથ મૂકીને બોલ્યો.

"ભાઈ, મને લાગે છે હવે આપણે આગળ વધવું જોઈએ.. "

કાસમ ની વાત સાંભળી વિરાજે પોતાની ગરદન હકારમાં હલાવી હામી ભરી અને ઉભાં થઈ આગળ વધ્યો.. વિરાજની પાછળ-પાછળ કાસમ, ડેની અને ગુરુ પણ ચાલવા લાગ્યાં.. ચારેતરફ જોતાં જોતાં સાવધાનીપૂર્વક એ ચારેય લોકો અડધાં રસ્તે આવી પહોંચ્યા હતાં.. અહીં સુધી તો કોઈ જાતની સમસ્યા એ લોકોને નડી નહોતી પણ જેવાં એ લોકો અડધે અંતર સુધી આવ્યાં એ સાથે જ ઉપરની તરફથી કંઈક અવાજ થયો.

વિરાજ અને એનાં ત્રણેય દોસ્તો કંઈ સમજે એ પહેલાં તો બે વિશાળ કદનાં કરોળિયાં એમની બંને તરફ આવીને પડ્યાં.. શરીર પર વાળ ધરાવતાં એક જ મોટી આંખ ધરાવતાં આ બંને કરોળિયાં ને જોતાં જ એ લોકો અહીં પડેલાં હાડપિંજરો નું રહસ્ય જાણી ચુક્યાં હતાં.

સામે આવી પડેલી આ આફત ને જોઈ એ લોકોનાં જીવ જાણે ગળે આવી ચુક્યાં હતાં.. એક કરોળિયો એમની આગળ આવીને ઉભો હતો જ્યારે બીજો પાછળ ગુરુની સામે હતો.. એ લોકોનું આગળ વધવું કે પાછળ જવું બંને હવે એકરીતે ત્યાં સુધી તો શક્ય નહોતું જ જ્યાં સુધી બંને કરોળિયાં સામે મુકાબલો કરી એમને માત કરવામાં ના આવે.

"વિરાજ બચીને.. "આગળ મોજુદ કરોળિયાં એ વિરાજની ઉપર જાળું ફેંકવા પોતાની જાતને તૈયાર કરી છે એ સમજાતાં કાસમ ઊંચા સાદે બોલ્યો.

વિરાજે તાત્કાલિક જમીન પર ગડથોલું ખાઈને પોતાની જાતને બચાવી તો લીધી પણ હવે એ જમીન પર કરોળિયાં થી માંડ દસેક ફૂટ અંતરે હતો.બીજી તરફ ગુરુ ને પણ એક કરોળિયાં એ પોતાનાં વિશાળ પગ વડે જમીનદોસ્ત કરી દીધો હતો અને ધીમી પણ મક્કમ ગતિએ એ કરોળિયો પણ ગુરુની તરફ આગળ વધી રહ્યો હતો.

કાસમ અને ડેની કોને અને કઈ રીતે બચાવવા માટે જવું એની અવઢળમાં દિશાશુન્ય અવસ્થામાં ઉભાં હતાં.!

***

વિરાજ, કાસમ, ડેની અને ગુરુ સામે ગજબની વિચિત્ર અણધારી આફત આવીને ઉભી હતી.. તો બીજી તરફ માઈકલ, સાહિલ, અબુ અને જોહારી એમની સફર પર એકધારું પાંચ કલાક જેટલું ચાલીને ઘણે ખરે અંશે એમની સફરનાં અંત તરફ આગળ વધી ચુક્યાં હતાં.. જોહારીને જે પરિસ્થિતિમાંથી નીકાળ્યાં બાદ એ લોકોની ચાલવાની ઝડપમાં પણ ઘણેખરે અંશે વધારો આવી ગયો હતો.

પાંચેક કલાક ચાલ્યાં બાદ એ લોકો એક સરળ રસ્તે ચાલ્યાં બાદ એવી જગ્યાએ આવી પહોંચ્યા હતાં જ્યાં રસ્તાનો અંત આવી જતો હતો.. આ રસ્તાની એક તરફ એ લોકો ની સમક્ષ એક નાનકડી સુરંગ આવી ગઈ હતી.. માઈકલે નીચાં નમી એ સુરંગનું અવલોકન કર્યું જે જોતાં એને સમજાઈ ગયું કે આ સુરંગને ઘૂંટણભેર બેસીને પાર કરવી પડે એમ હતી.

સૌપ્રથમ જોહારી એ સુરંગની અંદર પ્રવેશ્યો અને એની પાછળ પાછળ માઈકલ, સાહિલ અને અબુ પણ એ નાનકડી સુરંગમાં પેઠા.. આ રસ્તે આગળ વધવામાં સૌથી વધુ તકલીફ પડી રહી હતી અબુ ને.કેમકે એનો શારીરિક બાંધો બાકીનાં બધાં કરતાં વધુ ભારે હતો.. સતત બે કિલોમીટર જેટલું આમ જ ઘૂંટણિયે ચાલવાનાં લીધે અબુ નાં ઘૂંટણ અને ખભા નો ભાગ સારો એવો છોલાઈ ગયો હતો.

જેનાં કારણે અબુ નાં કપડાં પર લોહીનાં ડાઘ ઉભરી આવ્યાં હતાં.. માઈકલ પણ અબુ ની તકલીફ જાણતો હોવાનાં લીધે એને ધીરજ આપી આગળ વધવા પ્રેરી રહ્યો હતો.. થોડું આગળ વધી લીધાં બાદ એ લોકોને એવું લાગતું કે હવે તો આ નાનકડી સુરંગનો છેડો આવી જ ગયો હશે પણ એક નવો વળાંક આવતો અને રસ્તો પુનઃ લાંબો અને તકલીફદાયક ભાસતો હતો.

આખરે એ લોકોએ જોયું કે થોડો ઘણો સૂર્યપ્રકાશ એ લોકોની આંખો ને આંજી રહ્યો હતો.. આ સૂર્યપ્રકાશ એ વાતની સાક્ષી હતો કે હવે આ સુરંગ નો અંત આવી ગયો છે અને થોડું અંતર કાપ્યાં બાદ એ લોકો એક વ્યવસ્થિત રસ્તે આવી પહોંચશે.

સૌથી પહેલાં જોહારી એ સુરંગમાંથી બહાર નીકળ્યો અને એને અનુસરતાં સાહિલ, માઈકલ અને અબુ પણ એ સુરંગમાંથી બહાર નીકળી એક વ્યવસ્થિત ખુલ્લાં રસ્તે જઈ પહોંચ્યાં.. આ એવો જ ખુલ્લો રસ્તો હતો જેવાં રસ્તે વિરાજ અને એમનાં બાકીનાં દોસ્તો બહુ ખરાબ રીતે ફસાઈ ગયાં હતાં.

સતત ઘૂંટણિયે ચાલવાનાં લીધે એ ચારેય લોકોની કમર દુઃખી ગઈ હતી.. અબુ તો જાણે સુરંગમાંથી બહાર નીકળતાં જ જાણે જેલમાંથી બહાર નીકળ્યો હોય એમ રાહત મહેસુસ કરી રહ્યો હતો.અબુ નાં ઘા ઉપર મલમ લગાવવા માઈકલે પોતાની બેગ શોધવા હાથ ખભે મુક્યો ત્યાં એને એ જાણી ઝાટકો લાગયો કે એની બેગ એની જોડે જ નથી.. પોતાની બેગ વિરાજ જોડે રહી ગઈ છે એ યાદ આવતાં માઈકલ ને એક જોરદાર આંચકો લાગ્યો.

માઈકલ હજુ આ આંચકામાંથી બહાર આવે એ પહેલાં તો એક બીજું નવું આશ્ચર્ય એમની રાહ જોઇને ઉભું હતું.. એક મોટો અજગર એ લોકોની આગળ અચાનક આવીને ઉભો રહી ગયો.. કુંડળી મારીને ત્યાં બેસેલો અજગર કોઈ ટ્રકની સાઈઝનો ભાસતો હતો.. એની બહાર નીકળતી જીભ જોઈને એ ચારેય જણા એટલું તો સમજી ગયાં કે આ અજગર જીભ બહાર નીકાળી એ લોકોની શરીરની ગરમીનો અંદાજો લગાવી એ બધાં ક્યાં ઉભાં છે એનો ક્યાસ લગાવી રહ્યો હતો.

આગળ શું કરવું એ વિચારી અબુ, માઈકલ, જોહારી અને સાહિલ એકબીજાનો ચહેરો પ્રશ્નસુચક નજરે તકતાં રહ્યાં.. આ અચાનક આવી ચડેલી આફત ને કઈ રીતે પાર કરવી એ વિશે એ લોકો વિચારતાં હતાં ત્યાં માઈકલ કંઈક વિચારીને બોલ્યો.

"સાહિલ, અબુ ની હાલત ઠીક નથી.. તો એક કામ કર હું આ અજગર નું ધ્યાન દોરું ત્યાં સુધી તું અબુ ને લઈ સામે દેખાતાં રસ્તે પહોંચી જા.. "

"પણ પછી તું અને જોહારી.. ?"માઈકલ ની વાત સાંભળી ચિંતિત સ્વરે સાહિલ બોલ્યો.

"અત્યારે નકામી ચર્ચામાં સમય બગાડવો ઉચિત નથી.. તું જલ્દીથી અબુ ની સાથે હું કહું ત્યારે નીકળી જજે.. "આટલું કહી માઈકલે જોહારીનાં કાનમાં કંઈક કીધું અને પોતે ધીરે ધીરે ચાલતો એ અજગર ની જમણી તરફ ગયો.. જોહારી પણ ધીરે ધીરે ચાલીને અજગર ની ડાબી તરફ અગ્રેસર થયો.

માઈકલે હાથનો ઈશારો કરી જોહારીને કંઈક સંકેત કર્યો એ સાથે જ જોહારીએ એક ખંજર અજગરનાં શરીરમાં ઘુસેડી દીધું.. અજગર જોહારી તરફ ધ્યાન આપે એ પહેલાં માઈકલે પણ પોતાનાં હાથમાં રહેલું ખંજર અજગરનાં શરીરમાં ઘુસેડી દીધું અને મોટેથી સાહિલ અને અબુને અવાજ આપતાં કહ્યું.

"સાહિલ.. તું અબુ ને લઈને નીકળ.. "

માઈકલ ની વાત સાંભળી સાહિલ અબુ ની સાથે ત્યાંથી બીજી તરફ જતાં રસ્તે આગળ તો વધ્યો પણ એને સતત એ ચિંતા સતાવી રહી હતી કે મહાકાય અજગરથી માઈકલ અને જોહારી કઈ રીતે બચીને એમનાં સુધી આવી શકશે.. !

વધુ નવાં ભાગમાં.

★★★