વન્સ અપોન અ ટાઈમ - 57 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 57

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 57

છોટા રાજને દુબઈમાં દાઉદ ઇબ્રાહિમને ખતમ કરવાની જવાબદારી એ શૂટર્સને સોંપી. છોટા રાજનના શૂટરોએ દાઉદ ઇબ્રાહિમ પર ગોળીબાર કર્યો, પણ દાઉદ બચી ગયો. એ પછી કરાચી અને આમસ્ટર્ડેમમાં પણ દાઉદની હત્યાના અનેક પ્રયાસ થયા, પણ દાઉદની જિંદગી લાંબી નીકળી અને છોટા રાજનના હાથ હેઠા પડ્યા હતા.

છોટા રાજન દાઉદને ખતમ કરવામાં સફળતા ન મેળવી શક્યો. સામે દાઉદે પણ છોટા રાજનને ખતમ કરી દેવા ઓર્ડર છોડ્યો હતો. દાઉદના શૂટર્સ છોટા રાજનનું પગેરું દબાવતા દબાવતા છેક જોહનિસબર્ગ પહોંચી ગયા. ત્યાં એમણે છોટા રાજન પર ગોળીબાર કર્યો, પણ છોટા રાજન બચી ગયો. એ હુમલામાં છોટા રાજનનો ગાઢ સાથીદાર મંગેશ પવાર માર્યો ગયો. મંગેશ પવારની હત્યાનો બદલો લેવા માટે છોટા રાજને દાઉદના નજીકના સાથીદારોને નિશાન બનાવવા માંડ્યા અને મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર વિદેશી ભૂમિ પર ચરમસીમાએ પહોંચી હતી. દાઉદ ઇબ્રાહિમને છોડીને પોતાની સાથે ન આવે એવા ગુંડાઓ અને દાણચોરોને ફૂંકી મારવાની સાથે દાઉદથી થોડા નારાજ હોય એવા ગુંડાઓ અને સ્મગલર્સને પોતાની સાથે લઇ જવાનું પણ છોટા રાજને ચાલુ રાખ્યું. છોટા રાજને ડ્રગ સ્મગલર અસલમ ભટ્ટી, યાકુબ ભટ્ટી, હાજી મકબુલ અને હાજી અશરફને પોતાની સાથે લઈને દાઉદ ઇબ્રાહિમને વાર્ષિક અબજો રૂપિયાનો ફટકો માર્યો. એથી દાઉદ ગીન્નાયો અને એણે મુંબઈમાં છોટા રાજનના આર્થિક આધારસ્તંભ સમા ફાયનાન્સરોનું લિસ્ટ તૈયાર કર્યું. હરીફ ગેંગને આર્થિક ફટકો મારવા માટે દાઉદ અને છોટા રાજન ભૂરાયા થયા હતા અને એમની વચ્ચેની ગેંગવોરમાં મુંબઈ વધુ અસલામત બન્યું હતું.

અમર નાઈક અને અરુણ ગવળી એકબીજાની ગેંગનો ખાતમો બોલાવી દેવા માટે જીવ પર આવી ગયા હતા એ વખતે અમર નાઈકે દાઉદ ઇબ્રાહિમ સાથે સમાધાન કરી લીધું એથી નાઈક ગેંગ વધુ પાવરફુલ બની હતી. અમર નાઈક ગેંગને અત્યાધુનિક શસ્ત્રો અપાવવામાં દાઉદ ઇબ્રાહિમે મદદ કરી હતી. અમર નાઈક ગેંગના શૂટરો ઉઝી ગન અને એકે ફિફ્ટી સિકસ લઈને ફરતા થઇ ગયા હતા અને તેનો ઉપયોગ અરુણ ગવળી ગેંગના શૂટરો અને ફાઈનાન્સરો પર થઇ રહ્યો હતો. અમર નાઈકની હિંમતનો જવાબ વાળવા માટે અરુણ ગવળી મોકો શોધતો હતો. અમર નાઈક તો થાઇલેન્ડમાં ભરાઈને બેઠો હતો એટલે ગવળી ગેંગનું નિશાન ફરી એક વાર અશ્વિન નાઈક બન્યો. અમર નાઈકની ધરપકડ થઇ હોવાના સમાચાર અરુણ ગવળીને જેલમાં મળ્યા અને જેલમાંથી ગવળી ગેંગના શૂટર્સ માટે ઓર્ડર છૂટ્યો.

૧૯૯૪ની ૧૮ એપ્રિલના દિવસે મુંબઈની સેશન્સ કોર્ટમાં ભારે ઉતેજના જોવા મળી હતી. અંડરવર્લ્ડના માફિયા સરદાર અમર નાઈકના ભાઈ અશ્વિન નાઈકને અન્ય કેસમાં ટાડા જજ સામે હાજર કરવા માટે મુંબઈ પોલીસની એક ટીમ સેશન્સ કોર્ટમાં આવી હતી. અશ્વિન નાઈકને લઈને પોલીસ ટીમ કોર્ટની બહાર આવી ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. અરુણ ગવળી અને અમર નાઈકની દુશ્મનીને કારણે મુંબઈ પોલીસની ટીમ અત્યંત સતર્ક હતી, પણ અશ્વિન નાઈક પોલીસ ટીમ સાથે કોર્ટના કમ્પાઉન્ડમાં આવ્યો ત્યારે અચાનક બે એડવોકેટ એની પાસે આવ્યા. પોલીસ ટીમ કંઈ વિચારે એ પહેલાં તો એમણે પિસ્તોલ કાઢીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી અશ્વિન નાઈક પર ગોળીબાર શરુ કર્યો. પોલીસ ટીમે અશ્વિન નાઈકને બચાવવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં અશ્વિન નાઈકના માથામાં બે ગોળી ઉતરી ગઈ હતી. અશ્વિન નાઈકને બચાવવા ગયેલા ત્રણ પોલીસ કોન્સ્ટેબલને પણ ગોળી વાગી. અન્ય પોલીસ કર્મચારીઓએ એક હુમલાખોરને પકડી પાડ્યો, પણ બીજો હુમલાખોર નાસી છૂટ્યો. પોલીસે એના ભણી અંધાધુધ ગોળીબાર કર્યો પણ એ ભાગી છૂટવામાં સફળ રહ્યો.

મુંબઈ પોલીસની ટીમે ૨૫ રાઉન્ડ ગોળીબાર કર્યો અને હુમલાખોરોએ નવ ગોળી છોડી હતી. મુંબઈ પોલીસે અશ્વિન નાઈકને તાબડતોબ મુંબઈની સર જે.જે. માર્ગ હોસ્પિટલમાં દાખલ કરવામાં કર્યો અને ત્રણેય ઘાયલ કોન્સ્ટેબલને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હુમલાખોરો લાલ રંગની મારુતિ કારમાં કોર્ટમાં આવ્યા હતા. એ હુમલાખોરો પૈકી પકડાઈ ગયેલો હુમલાખોર રવીન્દ્ર સાવંત કઈ ગેંગનો છે એ પોલીસ નક્કી કરી શકે એ પહેલા તો નાઈક પર થયેલા હુમલાના પત્યાઘાતરૂપે અમર નાઈક ગેંગના માણસોએ ગવળી ગેંગના મુખ્ય અડ્ડા સમી દગડી ચાલ ઉપર ભારે પથ્થરમારો કર્યો હોવાના સમાચાર મુંબઈ પોલીસના અધિકારીઓને મળ્યા.

દગડી ચાલ પર પથ્થરમારો થયો ત્યાં સુધી મુંબઈ પોલીસ અંધારામાં જ હતી. મુંબઈ પોલીસને દાઉદ ઇબ્રાહિમ ગેંગ પર શંકા ગઈ હતી. એ ઘટના બની ત્યાં સુધી મુંબઈ પોલીસને પણ અમર નાઈક અને દાઉદે હાથ મિલાવી લીધા હોવાની પાકી ખાતરી નહોતી. દગડી ચાલ પર પથ્થરમારાને કારણે મુંબઈ પોલીસને સમજાઈ ગયું હતું કે અરુણ ગવળીએ જ અશ્વિન નાઈકને ખતમ કરવા માટે ઓર્ડર છોડ્યો હતો. એ રાતે મુંબઈ પોલીસે દગડી ચાલને ધમરોળી નાખી અને અરુણ ગવળી ગૅંગના ૧૨ ગુંડાઓને અંદર કરી દીધા.

એ પછી હુમલાખોર રવીન્દ્ર સાવંતે પણ મોઢું ખોલ્યું હતું. એણે પોલીસને કહ્યું કે ગવળી ગેંગના બ્રેઈન સમા ગણેશ વકીલ ઉર્ફે સદામામાને અશ્વિન નાઈકને કલ્યાણની આધારવાડી જેલમાં રાખવામાં આવ્યો હતો. એને ૧૮ એપ્રિલે ટાડા કોર્ટમાં લાવવામાં આવશે એવી માહિતી મળતાવેંત એનું કાટલું કાઢી નાખવાનો ત્રાગડો રચાયો હતો,” પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપતા કહ્યું. એ પછી નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને એણે વાત આગળ ધપાવી, “અશ્વિન નાઈકને તાત્કાલિક સારવાર મળતાં એ બચી તો ગયો હતો, પણ માથામાં ગોળી વાગવાને કારણે એને લકવો થઈ ગયો હતો. એ ઘટના પછી અશ્વિન નાઈક પોતાના પગ ઉપર ક્યારેય ઉભો રહી શક્યો નથી. આ ઘટના પછી અશ્વિન નાઈક જયારે જામીન પર છૂટ્યો ત્યારે અમર નાઈકે એને થાઈલૅન્ડ બોલાવી લીધો. પણ આ ઘટનાને કારણે ગવળી અને નાઈક ગેંગ વચ્ચેની વોર અત્યંત તેજ બની.”

(ક્રમશ:)