મોત ની સફર - 27 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 27

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 27

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે બીજાં દિવસે રાતે આવી પહોંચે છે એ જગ્યાએ જ્યાંથી ગુરુ અને જોહારી અંદર ગયાં હતાં.

વિરાજે પ્રથમ સ્તંભની અંદર મોજુદ નિશાનમાં લોકેટ ભરાવ્યું એ સાથે જ જમીનમાંથી કંઈક એવો જ અવાજ પેદા થયો જેવો બે દિવસ પહેલાં ગુરુએ ત્રિકોણાકાર નિશાનમાં લોકેટ ભરાવ્યું ત્યારે થયો હતો.. આ સાથે એ લોકો ઉભાં હતાં ત્યાં થોડી ધ્રુજારી પણ પેદા થઈ.વિરાજે ધ્રુજારી અટકતાં ની સાથે જ બીજાં સ્તંભનાં નિશાનમાં જઈને લોકેટ મૂકી દીધું.. આમ થતાં પુનઃ એવો જ અવાજ અને ધ્રુજારી ઉત્તપન્ન થયાં જેવાં પ્રથમ પ્રયાસ વખતે થયાં હતાં.

"ભાઈ, હવે દીવાલ માં બનેલાં નિશાનની અંદર લોકેટ મૂકી જો.. "બીજાં સ્તંભમાં વિરાજ દ્વારા લોકેટ મુકાયા બાદ સાહિલ એને ઉદ્દેશીને બોલ્યો.

"હા.. ભાઈ.. બધાં એ તરફ ટોર્ચ નો પ્રકાશ ફેંકો એટલે હું દીવાલ પર મોજુદ નિશાનમાં લોકેટ રાખી દઉં"સાહિલની વાત સાંભળી પ્રતિસાદ રૂપે વિરાજ બોલ્યો.

વિરાજનાં આમ બોલતાં જ સાહિલ, માઈકલ અને અબુ એ પોતાનાં હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ સીધો જ દિવાલ પર મોજુદ ત્રિકોણાકાર નિશાનની દિશામાં ફેંક્યો.. ટોર્ચ નાં પ્રકાશમાં વિરાજે નિશાન પર આવેલાં વેલાં ને હાથ વડે થોડાં દૂર કર્યાં અને પછી એ નિશાનની અંદર લોકેટ રાખી દીધું.

વિરાજનાં લોકેટ મુકતાં જ બધાંનાં ધબકારા એ વિચારી બેવડાઈ ગયાં કે આગળ શું થવાનું હતું.. બે ક્ષણ ની શાંતિ બાદ અચાનક જોરદાર અવાજ જમીનમાંથી પેદા થયો અને એની સાથે જોરદાર ધ્રુજારી સાથે ચોકની મધ્યમાં મોજુદ પથ્થરો નીચે બેસી ગયાં.. નીચે બેસેલાં પથ્થરો એક પછી એક સરકીને દીવાલમાં ખૂંપી ગયાં અને ચોકની મધ્યમાં એક રસ્તો બની ગયો.

આમ થતાં જ એ છ મિત્રો ખુશીથી એકબીજાને ભેટી પડ્યાં.. આખરે એ લોકોની મંજીલ સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું એમની સામે હતું.. આ ઉપરાંત હવે એ લોકો ગુરુ અને જોહારી ને પણ વહેલી તકે શોધી કાઢશે એ બાબત પણ એમનાં મનમાં ઘુમતી હતી.

"ચલો તો હવે વધુ સમય બગાડયાં કરતાં નીચે તરફ પ્રયાણ કરીએ.. નહીં તો આ દરવાજો પાછો બંધ થઈ જશે.. "કાસમ બીજાં મિત્રોને ઉદ્દેશતાં બોલ્યો.

"ના.. ભાઈ, જ્યાં સુધી આ લોકેટ અહીં નિશાનમાં ભરાવેલું રહેશે ત્યાં સુધી આ રસ્તો બંધ નહીં થાય.. "લોકેટની તરફ આંગળી ચીંધતા વિરાજે કહ્યું.

વિરાજની વાત સાંભળી કંઈક વિચારતાં ડેની એ કહ્યું.

"પણ જો એવું હોય તો આપણને તો આ લોકેટ દીવાલ માં ભરાવેલું જ મળ્યું હતું.. તો પછી જોહારી અને ગુરુ નાં અંદર જતાં રસ્તો બંધ કેમ થઈ ગયો..? "

ડેની નો પુછેલો સવાલ બધાં ને વાજબી લાગ્યો એટલે બધાં સવાલસુચક નજરે જવાબની આશામાં વિરાજ ભણી જોવાં લાગ્યાં.. વિરાજને પણ ડેની ની આ દલીલમાં વજન લાગતાં એને આ સવાલનો જવાબ શોધવા મગજને જોર આપી જોયું.. થોડું વિચાર્યા બાદ વિરાજે પોતાનાં બાકીનાં પાંચ મિત્રો તરફ જોઈને કહ્યું.

"તમે બધાં ટોર્ચ લઈને દરવાજા નાં મુખ જોડે આવો અને ટોર્ચ નો પ્રકાશ અંદર ફેંકો.. નક્કી અંદર કંઈક તો રહસ્ય મોજુદ છે.. "

વિરાજ નાં કહેવાનો મતલબ તો કોઈને એ સમય પૂરતો નાં સમજાયો પણ એ જે કંઈપણ કહી રહ્યો હતો એ ચકાસવું જરૂરી હતું એમ માની બધાં એની પાછળ પાછળ જ્યાં રસ્તો પડ્યો હતો એનાં આગળ આવીને ઉભાં રહ્યાં.. નીચે તીવ્ર અંધકાર હતો જેમાં સહેજ પણ જોવું શક્ય નહોતું.. પણ જેવી ત્રણેય ટોર્ચ નો પ્રકાશ અંદર પડ્યો એ સાથે જ એ રસ્તામાં બનેલાં પગથિયાં એ લોકોની નજરે ચડ્યાં.

વિરાજે ધારીધારીને બધાં પગથિયાં બહાર ઉભાં ઉભાં જ નિરખવાની કોશિશ કરી.. શરુવાતમાં તો વિરાજને બધાં પગથિયાં સરખાં જ લાગ્યાં અને પગથિયાં પછી નીચે રસ્તો પણ દ્રષ્ટિમાન થયો.. પણ થોડીવાર સુધી એમજ એકધારું પગથિયાં ને બારીકાઈથી જોવાં પર વિરાજને નજરે કંઈક ચડ્યું એટલે એને સાહિલ જોડેથી ટોર્ચ લીધી અને થોડું નીચાં નમી ટોર્ચનો પ્રકાશ નીચેની તરફ ફેંકી ધ્યાનથી જોયું.

"મિત્રો, મને ખબર પડી ગઈ કે ગુરુ અને જોહારી નાં લોકેટ ને બહાર જ ભરાવેલું છોડવા છતાં એમનાં અંદર પ્રવેશતાં દરવાજો કેમ બંધ થઈ ગયો હતો.. "વિરાજે પોતાની જાતને કમરેથી ઊંચી કરી પોતાનાં દોસ્તો ને કહ્યું.

"શું ખબર પડી તને અને કઈ રીતે તું આટલો ચોક્કસ છે..? "વિરાજની વાત સાંભળી કાસમે સવાલ કર્યો.

કાસમનાં સવાલનો જવાબ આપતાં વિરાજે પોતાનાં હાથમાં મોજુદ ટોર્ચનો પ્રકાશ પોતે જે જગ્યા બતાવવા માંગતો હતો ત્યાં ફેંક્યો અને પછી બધાં ને ત્યાં જોવાનો આગ્રહ કરીને બોલ્યો.

"તમે જોશો કે નીચે જવાં અહીં પંદરેક જેટલાં પગથિયાં બનેલાં છે.. તમે ધ્યાન આપો તો જોઈ શકશો કે ઉપરથી બારમાં નંબરનું પગથિયું લાકડાંનું છે...જ્યારે બાકીનાં પગથિયાં પથ્થરનાં છે.. "

વિરાજની વાત સાંભળી બધાં એ વિરાજ કહી રહ્યો હતો એ મુજબ ધ્યાનથી બારમાં નંબરનું પગથિયું જોયું.. સાચેમાં એ પગથિયું લાકડાંનું હોવાનું એ લોકોની નજરે ચડ્યું.

"હા લ્યા.. એ પગથિયું તો લાકડાં નું છે.. પણ આવું કેમ..? "ડેની પોતાની રોજની આદત મુજબ સવાલ પૂછતાં બોલ્યો.

ડેની નાં સવાલનો જવાબ આપતાં વિરાજની જગ્યાએ કાસમ બોલ્યો.

"આ પણ એ સમયનાં લોકોની તકનીક અને ઈજનેર ક્ષમતા નો ઉત્તમ નમૂનો છે.. મારાં મતે જેવો કોઈ લાકડાં નાં પગથિયાં ઉપર પગ રાખે એ સાથે જ દબાણનાં લીધે એ પગથિયાં જોડે જોડાયેલી યાંત્રિક રચના એની જાતે જ રસ્તો બંધ કરી દેતી હશે આને શાયદ એની જોડે બાકીનાં પગથિયાં ગાયબ.. "

"કાસમ.. તું કહી રહ્યો છે એવું જ થયું હશે જ્યારે ગુરુ અને જોહારી આ રસ્તે અંદર ગયાં.. કાસમની વાત સાથે સહમત થતાં અબુ બોલ્યો.

"તો ચલો હવે નકામી રાહ જોયાં વગર આપણી આગળની સફરનો પ્રારંભ કરીએ.. અને વહેલી તકે આપણાં બંને મિત્રો અને ડેવિલ બાઈબલનાં બાકીનાં પન્ના શોધી કાઢીએ.. "માઈકલ નાં અવાજમાં અધીરાઈ હતી.

"સારું તો હવે અંદર જવાનું જ છે તો નકામો સમય વ્યર્થ કર્યાં વિના એકપછી એક આ પગથિયાં ઉતરી જઈએ.. "માઈકલની વાત સાંભળી અબુ બોલ્યો.

"હા.. પણ બધાં નહીં.. આપણાંમાંથી કોઈએ નીચે ઉતરતી વખતે ભૂલથી પણ પોતાનો પગ બારમાં નંબરનાં લાકડાં નાં પગથિયાં પર નથી મુકવાનો.. "નીચે ઉતર્યા પહેલાં હિદાયત સ્વરૂપે વિરાજ બોલ્યો.

"હું સૌથી પહેલાં નીચે ઉતરીશ.. જો મને બધું યોગ્ય લાગશે તો હું તમને લોકોને જણાવીશ.. પછી જ તમે બધાં નીચે ઉતરવાનું શરૂ કરજો.. "કાસમ રસ્તા ની તરફ આગળ વધતાં બોલ્યો.

"સારું.. પણ સાચવીને જજે.. "કાસમ નાં ખભે હાથ મૂકી સાહિલ એને આગળ વધવાની અનુમતિ આપતાં બોલ્યો.

ત્યારબાદ કાસમે અંદર પ્રવેશ કરતાં પ્રથમ પગથિયાં ઉપર પગ મૂક્યો.. અને પછી સાચવી સાચવીને બારમાં પગથિયાં ઉપર પગ મુકાય ના જાય એ રીતે એ નીચે સફળતાપૂર્વક ઉતરી આવ્યો.

"હું નીચે આવી ગયો.. હવે તમે લોકો પણ નીચે આવી શકો છો.. "બહાર ઉભેલાં પોતાનાં દોસ્તોને ઉદ્દેશતાં કાસમ બોલ્યો.

"સારું તો હવે અમે પણ એક પછી એક અંદર આવીએ.. "આટલું બોલી સૌથી પહેલાં માઈકલે નીચે જતાં પગથિયાં પર પગ મૂક્યો.. અને ટોર્ચ નાં પ્રકાશમાં એ પણ બારમું પગથિયું ટાળીને નીચે પહોંચી ગયો.

માઈકલ ને અનુસરતાં વિરાજ, ડેની, અબુ અને સાહિલ પણ એક પછી એક નીચે આવી પહોંચ્યાં.

"ચલો હવે નીચે તો આવી ગયાં હવે આગળ શું કરવું છે..? "અબુ એ બાકીનાં બધાં ને જોઈ સવાલ કર્યો.

"હવે કરવાનું શું હોય.. આગળ વધવાનું.આપણે સૌપ્રથમ કામ કરવાનું છે ગુરુ અને જોહારીની ભાળ મેળવવાનું અને પછી ડેવિલ બાઈબલનાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવાનું.. "અબુ નાં સવાલ નો જવાબ આપતાં વિરાજ બોલ્યો.

"સારું તો અહીં ઉભાં રહ્યાં વગર આગળ વધીએ.. "માઈકલ બોલ્યો.

"સારું.. પણ એ પહેલાં એક સલાહ આપું કે આપણી જોડે ત્રણ ટોર્ચ છે.. એમાંથી એક જ ટોર્ચ ચાલુ રાખો જેથી આગળ જતાં બીજી ટોર્ચ કામ આવે.. "વિરાજ બોલ્યો.

વિરાજ ની વાત સાંભળી સાહિલ અને અબુ એ પોતપોતાની ટોર્ચ ને બંધ કરી અને પછી એ છ જણા માઈકલનાં હાથમાં રહેલી ટોર્ચ નાં પ્રકાશનાં સથવારે ગુફા જેવાં ભૂગર્ભ રસ્તે આગળ વધવા લાગ્યાં.

વચ્ચે વચ્ચે એ લોકો મોટાં સાદે પોતાનાં દોસ્તો ગુરુ અને જોહારીને સાદ આપતાં હતાં.. પણ એ બંનેમાંથી કોઈનો પણ સામે પ્રતિસાદ ના મળતાં એક અજાણ્યો ડર એ લોકોને હાલપુરતો તો સતાવી રહ્યો હતો.

લગભગ ત્રણેક કલાક જેટલું એ લોકો એક સીધાં અને સરળ રસ્તે એકધારું ચાલતાં જ રહ્યાં.. પણ એક જગ્યાએ માઈકલ નો પગ ખાડામાં પડી જતાં એનું સંતુલન બગડ્યું અને એનાં ખભાનો ભાગ ગુફાની દીવાલ સાથે ઘસાયો.. જેનાં લીધે એનાં ખભાની ચામડી છોલાઈ ગઈ અને એમાંથી થોડું લોહી પણ નીકળ્યું.. વિરાજે માઈકલ ને તકલીફ ના પડે એ માટે એની બેગ પણ પોતે ઊંચકી લીધી.. આમ પણ હવે એ લોકોની બેગમાં ઝાઝું વજન હતું નહીં.. કારણકે બીજી કામ વગરની વસ્તુઓ એ લોકો બહાર જ મૂકીને આવ્યાં હતાં.

ત્રણ કલાક જેટલાં સમયમાં એ લોકો ભલે એકધારું ચાલ્યાં હતાં પણ એ લોકો ખબર નહીં કેમ પણ ખૂબ ઓછું અંતર કાપી શક્યાં હતાં.. ગુફાની અંદર એકદમ અલગ જ વાતાવરણ હતું.. બહાર જ્યાં ગરમી પુરજોશમાં હતી તો નીચે એર કંડીશનર ની જેવી ઠંડક હતી.માઈકલ ને વાગ્યું એ જગ્યાએ જ એ લોકો આરામ કરવાં નાં ઉદ્દેશથી થોડો સમય રોકાઈ ગયાં.

બે-અઢી કલાક બાદ એ છ જણા એ પોતાની સફર નો પુનઃ આરંભ કર્યો.. હવે જે રસ્તો હતો એ પ્રમાણમાં સાંકડો કહી શકાય એવો હતો, જેમાં થઈને પસાર થવું હોય તો સાચવીને થવું પડે એમ હતું કેમકે આ રસ્તે ગુફાની દીવાલોની સપાટી પણ પ્રમાણમાં ખરબચડી હતી.આ રસ્તાની બીજી તરફથી સતત કંઈક અવાજ આવી રહ્યો હતો.આ અવાજ શેનો હતો એ જાણવાની ઉત્સુકતા એ દરેકને હતી એટલે સાચવી-સાચવીને એ લોકો એકધારું આગળ વધી રહ્યાં હતાં.

"ગુરુ.. જોહારી.. જો તમારાં સુધી અમારો અવાજ આવતો હોય તો સામે તમે કંઈક પ્રતિસાદ આપો.. "કાસમ જોરજોરથી બુમો પાડી રહ્યો હતો.. કાસમ માટે જોહારી મિત્ર નહીં પણ ભાઈ જેવો હતો.

સામાં પક્ષે ડેની, સાહિલ અને વિરાજ માટે પણ ગુરુ જોડે મિત્રતા નો એક એવો સંબંધ રચાઈ ચુક્યો હતો જેમાં લાગણીઓ ભરપૂર પ્રમાણમાં એકબીજા સાથે જોડાયેલી હતી.. આથી જ ગુરુ ની ચિંતા એ ત્રણેય ને પણ એટલી જ સતાવી રહી હતી જેટલી ચિંતા કાસમ ને જોહારીની સતાવી રહી હતી.

અચાનક એ લોકો ને દૂરથી એવું લાગ્યું કે આગળ અજવાળું હતું.. અને એ લોકોએ જે અવાજ સાંભળ્યો હતો એ અવાજ બીજાં કશાયનો નહીં પણ પાણી નાં વહેવાનો હતો.. અજવાળું નજરે પડતાં જ કુદરત નાં કરિશ્મા ને જોવાં એ લોકો ઉતાવળાં પગે ફટાફટ એ તરફ ચાલવા લાગ્યાં.. જ્યાં એક નવું રહસ્ય એમની રાહ જોઈને ઉભું હતું.

★★★

વધુ નવાં ભાગમાં.

જોહારી અને ગુરુ કેવી સ્થિતિમાં હશે...? આગળ કેવી મુશ્કેલીઓ એ લોકોનું સ્વાગત કરવાં તૈયાર બેઠી હશે..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***