પ્રેમ કે પ્રતિશોધ - 23

પ્રેમ કે પ્રતિશોધ-23(અર્જુન વિનય અને રાધીને મળવા કેફેમાં પહોંચે છે. કોલેજમાં વિનયના ગ્રુપમાં એક પ્રેમ નામનો છોકરો હતો. જે રાધીને પસંદ કરતો અને બધાની વચ્ચે તેણે રાધીને પ્રપોઝ કરી એવું વિનય દ્વારા અર્જુનને જાણવાં મળ્યું)


હવે આગળ.....

વિનયે પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું,“ સર, બધાની વચ્ચે તેણે રાધીનો હાથ પકડી એક ઘૂંટણ પર બેસી પ્રપોઝ કરી, પહેલી વખત મેં રાધીનો ગુસ્સો જોયો, તેણે જોયું તો આજુબાજુ બધા તેમને જ જોઈ રહ્યા હતા. રાધીએ બધાની સામે તેને એક સણસણતો તમાચો ચોળી દીધો..લગભગ ત્યાં ઉભેલા તમામ વિદ્યાર્થીઓ પ્રેમની હાંસી ઉડાવી રહ્યા. રાધીએ તેને કહ્યું હતું કે તારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની, હું તને પસંદ જ નથી કરતી હવે બીજી વખત મારી સામે આવ્યો ને તો.......
અમે બધાએ રાધીનો આ રૂપ પ્રથમ વખત જોયો હતો. પ્રેમનો એક હાથ ગાલ પર હતો અને તે સામે ઉભેલા શિવાની,અજય અને નિખિલ સામે થોડી વાર એમ જ જોઈ રહ્યો. તેની આંખોમાં અંગારા વર્ષી રહ્યા હતા. તેણે ત્યાંથી કઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો..
તેના ગયા પછી તરત જ રાધી અને દિવ્યા કેન્ટીનમાં તેમની રોજની નિશ્ચિત જગ્યાએ જઈને બેસે છે. થોડીવારમાં ત્યાં હું,શિવાની,નિખિલ અને અજય તેમની પાછળ ત્યાં પહોંચ્યા...
જ્યાં શિવાનીએ કહ્યું,“રાધી તારે એને શાંતીથી ના પાડી દેવાની જરૂર હતી...."
રાધીનો મગજ હજી શાંત નહોતો થયો તેણે કહ્યું,“તે જોયું તું કેમ એણે બધાની સામે મારો હાથ પકડ્યો તો મારી જગ્યાએ તું હોત તો પણ......"
ત્યારે અજયે કહ્યું,“રાધી એમાં એનો કોઈ દોષ નહોતો, ભૂલ બધી અમારી જ હતી...."
“તમારી ભૂલ એટલે?"રાધીએ પૂછ્યું.
શિવાનીએ કેવી રીતે પ્રેમને ઉશ્કેર્યો હતો તે બધું રાધીને વિગતે જણાવ્યું.
“એ ગમે તે હોઈ, પણ કોઈના કહેવાથી કઈ કોઈનો હાથ તો ના પકડવો જોઈએને, અને તમે પણ યાર આવી મસ્તી હોઈ?" તેણે અમને બધાને ઉદ્દેશીને કહ્યું.
“જે થવાનું હતું તે થઈ ગયું, હવે આગળ શું કરવાનું છે એ વિચારો..."દિવ્યાએ બધાને સમજાવતાં કહ્યું.
“હવે આગળ શું.....આપણે એની માફી મંગાવી જોઈએ, ગમે તેમ તો એ આપણો ફ્રેન્ડ જ છે....."મેં કહ્યું.
“હું એને કોલ કરું...."અજયે મોબાઈલમાં એનો નંબર ડાઈલ કરતાં કહ્યું.
એણે ત્યારે પ્રેમને કોલ કરવાનો ત્રણ-ચાર વખત પ્રયાસ કર્યો પણ પ્રેમે કોલ રિસીવ જ ન કર્યો.

વિનયે આટલી વાત કરી ત્યાં તો વેઈટર આવીને ટેબલ પર કોફીના ત્રણ કપ મુક્યા.. રાધીની આંખો સામે તો જાણે અત્યારે એ દિવસનો બનાવ તરવરી રહ્યો હતો. એમ એનું ધ્યાન પણ નહોતું કે વેઇટર કોફી મૂકી ગયો છે. અચાનક વિનયે તેને કહ્યું,“રાધી, ક્યાં ખોવાઈ ગઈ, કોફી....."
“હમ્મ, બસ કઈ નહીં"એણે વિનય અને અર્જુન સામે જોઈ, કૉફીનો કપ હાથમાં લીધી પરંતુ એનો હાથ ધ્રુજી રહ્યો હતો.... અર્જુને રાધીની સ્થિતિ નોંધી પણ તેને નજરઅંદાજ કરીને વિનયને આગળ વાત કરવા કહ્યું.

વિનયે કોફીનો કપ ટેબલ પર મુકતા કહ્યું,“સર, ત્યારે અમે એનો ફોન ટ્રાય કર્યો પણ એણે જવાબમાં કોલ રિસીવ જ ના કર્યા... અમને એમ કે અમારાથી ગુસ્સે હશે કાલે બધું બરાબર થઈ જશે એટલે અમે એ વાતને એટલી ગંભીરન લેવાની ભૂલ કરી, અમે ત્યારે વિચાર્યું કે બીજા દિવસે તેની માફી માંગી લઈશું....

બીજા દિવસે સવારમાં અમે કોલેજે ગયા ત્યારે હજુ પ્રેમ કોલેજે આવ્યો નહોતો, લગભગ અડધા કલાક પછી પ્રેમ પ્રાધ્યાપક મેડમની ઓફિસમાંથી બહાર આવતો દેખાયો.... એ જ્યારે અમારી નજીક આવ્યો ત્યારે સૌથી પહેલા રાધીએ તેને કહ્યું,“કાલે જે થયું તેના માટે સોરી, મને નહોતી ખબર કે આ બધાએ તને ખોટું કહીને મારી પાસે મોકલ્યો હતો.."
હજી રાધીની વાત માંડ પુરી થઈ હતી ત્યાં તો શિવાનીએ કહ્યું,“સોરી યાર, અમારા કારણે તને તકલીફ થઈ, પણ અમને પણ એવો અંદાજ નહોતો કે રાધી......"
પ્રેમ થોડીવાર તો એમ જ ઉભો રહ્યો. અમે બધાએ તેની જોડે માફી માંગી....
અંતે તેણે પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે,“કાલે આખી કોલેજ વચ્ચે.....તમને ખબર છે કેટલી તકલીફ થઈ હશે, અને બસ સોરી કહેવાથી બધું પહેલા જેવું થઈ જશે... હું રાધીને પ્રેમ કરતો હતો અને તમે મારા પ્રેમને જ મજાક બનાવી દીધો...."
ત્યાં તો અજયે તેને સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું કે,“અરે યાર ભૂલ થઈ ગઈ હવે ક્યારેય નહીં થાય બસ..તું કહેતો હો તો આખી કોલેજના સ્ટુડન્ટસને બોલાવી એની સામે......"
અજયની વાત કંપતા પ્રેમે કહ્યું,“ના, એવી કોઈ જરૂર નથી, હું આ કોલેજ છોડીને જવ છું, પણ યાદ રાખજો આની કિંમત તમારે બધાયે એક દિવસ ચૂકવવી પડશે... તમે મારા પ્રેમનો જ મજાક બનાવ્યો... બીજું કંઈ હોત તો હું માફ પણ કરી દેત, પણ આ વખતે નહીં...."
ખરેખર તેની લાગણી ઘવાઈ હતી, તેના મનમાં અમારા પ્રત્યે નફરતના બીજ રોપાઈ ગયા હતા.
અમે તેને રોકવાના બનતા પ્રયાસ કર્યા પણ બધું વ્યર્થ...
તે કોલેજેથી ગયો પછી ફરી ક્યારેય મળ્યો જ નહીં, અને અમે ઘણી વખત એનો ફોન ટ્રાય કર્યો પણ ક્યારેય લાગ્યો જ નહીં.....
થોડાક દિવસો તો અમે તેનો કોન્ટેક્ટ કરવાના પ્રયાસો કર્યા પણ ધીમે ધીમે સમય સાથે બધું વિસરાતું ગયું. અને અમારી નોર્મલ કોલેજ લાઈફ ફરી પટરી પર આવી ગઈ પછી તો અમે એ દિવસ યાદ જ નથી કર્યો ક્યારેય... હા કદાચ યાદ આવે તો પણ ગ્રુપમાં ક્યારેય પછી એ બાબતે વાત જ નથી કરી...."

“તો રાધીના મત પ્રમાણે પ્રેમે તમને ધમકી આપી હતી એટલે અત્યારે જે શિવાની અને અજયની હત્યા થઈ તેમાં એનો હાથ હોવો જોઈએ એમ ને?"અર્જુને થોડીવાર વિચારીને કહ્યું.
“હા સર,"રાધીએ હકારમાં માથું ધુણવ્યું. તેની આંખોના ખૂણામાં ભીનાશ હતી...
“કદાચ એવું પણ બને કે એણે ત્યારે ગુસ્સામાં કહ્યું હોઈ અને પછી એ પણ બધું ભુલાવીને...."વિનયે પોતાનો તર્ક રજૂ કર્યો.
“હા, બની શકે પણ એ પણ બની શકે કે એ આટલા સમયથી બસ બદલો લેવાની રાહમાં જ હોઈ અને પરફેક્ટ પ્લાનિંગ બનાવીને....."રાધીએ તૂટક સ્વરે કહ્યું.
અર્જુન પણ મનોમન નક્કી કરી રહ્યો હતો કે, રાધીની વાત વિચારવા યોગ્ય તો છે જ....
થોડીવાર વિચારી અર્જુને કહ્યું,“આઈ હોપ એવું કંઈ ન હોઈ, છતાં હું તપાસ કરીશ.... અને હા તમારો નાનકડો મજાક પણ ક્યારેક કોઈને મોટો આઘાત આપી શકે છે. એટલે બીજી વખત....." 
“સર..... તો શું શિવાની અને અમે બધા મિત્રોએ જે કર્યું તે ગુનો ગણાય..?"રાધીએ ભયમિશ્રિત સ્વરે પૂછ્યું.
“ના, હું તેને ગુનો તો ના કહી શકું પણ એટલું જરૂર કહીશ કે જો ખરેખર આ હત્યાઓ પાછળ પ્રેમનો હાથ હશે તો એ મજાક ગુનો તો નહોતો પણ એણે એક ગુનેગાર જરૂર બનાવ્યો...." અર્જુને કઠોર સ્વરે કહ્યું...
“હવે આગળની તપાસ પૂર્ણ ન થાય અને એ હત્યારો ન પકડાઈ ત્યાં સુધી થોડી કાળજી રાખજો અને ક્યાંય કોઈ શંકાસ્પદ બાબત હોઈ તો તરત જ મને જાણ કરજો."અર્જુને બંનેને સમજાવતાં કહ્યું.
“ચોક્કસ સર, અમે ધ્યાન રાખીશું"વિનયે કહ્યું.
ત્રણેય કેફમાંથી સાથે બહાર પાર્કિંગ સુધી આવ્યા ત્યાંથી અર્જુન સીધો પોલીસસ્ટેશન તરફ અને વિનય અને રાધી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું....

વધુ આવતા અંકે......

શિવાની અને અજયની હત્યા પ્રેમે જ કરી હતી કે અન્ય કોઈએ?
વિનય સાથેની વાતચીત બાદ અર્જુનને આ કેસમાં કઈ નવી દિશા મળશે ખરી?
તેમજ વિનય અને રાધીની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી?
જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*********


વાંચકમિત્રોનો જે સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર......
અને હા એક વિનંતી કે આપના અભિપ્રાય ચોક્કસ આપશો જેથી હું મારા લખાણમાં યથાયોગ્ય પરિવર્તન લાવી શકું તેમજ વધારે સારી રચનાઓ આપ સમક્ષ પ્રસ્તુત કરી શકું.........

પ્રેમ કે પ્રતિશોધ પૂર્ણ થાય ત્યાર સુધીમાં હું બીજી બે નવલકથા પર કામ કરું છું...... પણ એક સાથે બે અલગ અલગ સ્ટોરી ચલાવવામાં થોડી અગવડતા પડે છે..... ગમે તે એક નવલકથા પર કામ કરીશ તો મારા શબ્દોને વધારે ન્યાય મળશે માટે અહીં બે નવલકથા વિશે વાત કરું તો એક છે “અપરાધ" જે ક્રાઈમ અને થ્રિલર સ્ટોરી છે. જ્યારે બીજી “પ્રારબ્ધનું પ્રેમ" સરળ પણ સંવેદનશીલ લવસ્ટોરી છે. તો બંને માંથી ગમે તે એક આપના મંતવ્યોને અનુરૂપ અપલોડ કરીશ..... 
આપ સૌ વાંચકમિત્રોના નિર્ણય પછી જ આગલી નવલકથા અપલોડ કરીશ.... તેથી કોમેન્ટમાં જરૂર  જણાવશો.

આભાર.
વિજય શિહોરા-6353553470

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Nitu Prajapati 3 દિવસ પહેલા

Verified icon

Umesh Donga 2 અઠવાડિયા પહેલા

Verified icon

ATULCHADANIYA 4 અઠવાડિયા પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા

Verified icon

Jigar Kasala 2 માસ પહેલા