માથાભારે નાથો - 10 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 10

માથાભારે નાથો [10]
રાઘવના ઘેર ગયેલા રમેશને તેની વાઈફની વાત સાંભળીને મનમાં ફડક બેસી ગઈ. મગને ગઈ રાત્રે કરેલી વાત એને સાચી લાગવા માંડી.રાઘવની પાછળ પડેલી દસ જણની ટોળીએ ખરેખર રાઘવનો જીવ લીધો તો નહીં હોય ને ? ઘેર તો મુંબઈ જવાનું કહીને નીકળ્યો છે, બિચારી ભાભીને તો કશી જ ખબર લાગતી નહોતી. ગઈ રાત્રે બનેલા બનાવ અંગે તેણે રાઘવની વાઈફ નિતાને, કશું જ જણાવ્યું નહીં. બપોરે જમીને જવા માટે નિતાએ ખૂબ કહ્યું પણ એ રોકાયો નહીં. એને જલ્દી મગન અને નાથાને વાત કરીને રાઘવનું પગેરું મેળવવાની ઈચ્છા હતી. એટલે એ તરત જ રાઘવના ઘેરથી નીકળીને રૂમ પર આવ્યો, પણ રૂમ પર તો કોઈ હતું નહીં, કારણ કે મગન અને નાથો કોલેજ ગયા હતા અને જેન્તી કારખાને. જેન્તીએ પોતાને હીરાનું એ પડીકું ન બતાવવા બદલ ખુબ જ અફસોસ કર્યો હતો. મગન અને નાથો તો હવે છેક બે વાગ્યા સુધી આવવાના નહોતા. એટલે રમેશ જેન્તીના કારખાને ઉપડ્યો.જેન્તીએ એકવાર વાતવાતમાં એના બનેવીના કારખાનાનું એડ્રેસ આપ્યું હતું. બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલા મોહનનગર વિસ્તારમાં ક્યાંક જેન્તીના બનેવીનું કારખાનું હતું.
રમેશ જેન્તીનું કારખાનું શોધીને ત્યાં પહોંચ્યો ત્યારે બપોરના સાડાબાર થયા હતા.એટલે જેન્તી જમવા જવા નીકળી ગયો હતો. નિરાશ થઈને એ દાદર ઉતરતો હતો ત્યાં જ એની નજર, સામેના પાનના ગલ્લે ઉભા રહીને સીગારેટ ફૂંકતા એક જણ ઉપર પડી.એ વ્યક્તિની દાઢી વધેલી હતી અને હાથમાં ચાંદીનું કડું પહેર્યું હતું. રમેશ સમજી ગયો કે એ ભરવાડ હતો અને ગઈ રાત્રે જે દસ જણ આવેલા એમાં આ ભરવાડ પણ હતો.રમેશ દાદરમાં થોડીવાર ઉભો રહ્યો. પેલાએ રોડ પર પાનની પિચકારી મારી અને તેના ડીઝલ બુલેટ પર બેઠો. રમેશ એનો પીછો કરવા માગતો હતો એટલે જેવો પેલો એનું બુલેટ લઈને રોડ તરફ ગયો એટલે તરત એ પાછળ દોડ્યો અને રીક્ષા પકડી. રિક્ષાવાળાને પેલા બુલેટ પાછળ લેવાનું કહીને એ બેઠો, પણ રિક્ષાવાળો એમ કોઈનો પીછો કરવા તૈયાર નહોતો.એટલે રમેશે પોતાનું સ્કૂલનું આઈ કાર્ડ દૂરથી બતાવીને કહ્યું
"છુપી પોલીસ, સી.આઈ.ડી. ઇન્સ્પેકટર રમનસિંહ ચાવડા. ચલ જલ્દી પેલા ભરવાડની પાછળ ગાડી ચલાવ.તને તારું મહેનતાણું મળી જશે. ગુનેગાર પકડાશે તો તને પોલીસને મદદ કરવા બદલ ઇનામ પણ મળશે. અને ક્યારેક વધુ સવારી બેસાડીશ તો પોલીસ તને હેરાન નહીં કરે..." રમેશને પોતાને પણ આવો આઈડિયા સુજવા બદલ નવાઈ લાગી. રિક્ષાવાળો તો રાજી થઈ ગયો.પોતાની રિક્ષામાં સીઆઇડી વાળા સાહેબ બેઠા એ બદલ એ ફુલાયો.અને ખાસ તો પોલીસની આવડી મોટી ઓળખાણ થાય એ
એના માટે બહુ મોટી વાત હતી.
એણે ફૂલ સ્પીડમાં રીક્ષા ચલાવી અને પેલા ભરવાડની લગોલગ થઈ ગયો.એટલે રમેશે તેના ખભે હાથ મૂકીને કહ્યું, "માત્ર પીછો કરવાનો છે, એ ક્યાં રહે છે અને ક્યાં જાય છે એ જાણવાનું છે એટલે એની પાછળ એને ડાઉટ ન જાય એવી રીતે રિક્ષા ચલાવ."
"જી સાહેબ,હું એના મૂળિયા તમને શોધી આપીશ.પણ મારું ધ્યાન તમારે રાખવું પડશે..મારી રિક્ષાનો નંબર લખી લ્યો અને મારું નામ સંતોષ છેલબ્હાદુર છે, હું મૂળ યુ.પી. નો છું, પણ મારો જન્મ અહીં ગુજરાતમાં જ થયો છે મારા દાદા અહીં કેળાની લારી રાખે છે."
"તું મુંગો રે...બધી વિગત મને ખબર છે, આપણી સાથે છુપા વેશમાં બીજા પોલીસના માણસો આવી રહ્યા છે, એ લોકો બધું ધ્યાન રાખશે તું છાનોમાનો રીક્ષા ચલાવ.." રમેશે પેલાને ટકોર કરી અને પેલા ભરવાડના ડીઝલ બુલેટનો નંબર પોતાની ડાયરીમાં નોંધ્યો. એ જોઈને રિક્ષાવાળો શાંતિથી રીક્ષા ચલાવવા માંડ્યો.
પેલો ભરવાડ કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ ફળિયામાં ગયો એટલે રમેશે એ વિસ્તારનું નામ અને શેરી નંબર ડાયરીમાં નોંધી લીધા.અને જે ઘર પાસે બુલેટ ઉભું રાખીને પેલો અંદર ગયો હતો એ ઘરનો નંબર પણ લખ્યો.
રમેશ પાસે હવે એટલી માહિતી હતી કે ગઈ રાત્રે જે દસ જણ રાઘવનો વરઘોડો કાઢીને દોઢ વાગ્યે પોતાની રૂમ પર આવેલા એ દસ જણમાં એક આ ભરવાડ હતો અને એ આ ભરવાડ ફળિયામાં શેરી નં 13માં ઘર નં 268 માં રહેતો હતો.અને એના ડીઝલ બુલેટનો નંબર G Y T
X X X હતો.
રમેશે રિક્ષાવાળાને પરાણે દસ રૂપિયા ભાડું આપીને રવાના કર્યો. પોલીસ હોવા છતાં ભાડું આપવા બદલ રિક્ષાવાળો રમેશને અહો ભાવથી જોઈ રહ્યો.
એક કલાક સુધી શેરીના નાકે એ રોકાયો. પણ પેલો બહાર આવ્યો નહીં, એટલે રમેશ સમજી ગયો કે આ એનું પોતાનું જ ઘર હોવું જોઈએ. રમેશે કાંડા ઘડિયાળ જોઈ. બપોરના દોઢ વાગવા આવ્યો હતો એટલે રમેશ જમવા ચાલ્યો ગયો અને જમીને રૂમ પર આવ્યો ત્યારે મગન અને નાથો કાંતાના ઘેર જમતા હતા.
રમેશને હવે રાઘવની ખૂબ ચિંતા થવા લાગી હતી.એટલે એ ઉદાસ થઈને કશું જ બોલ્યા વગર રૂમમાં જઈને સુઈ ગયો. જમતા જમતા મગને એ જોયું.
"રમેશ, કેમ કંઈ બોલ્યા વગર અંદર જતો રહ્યો ?" નાથાએ કહ્યું "તબિયત સારી નહીં હોય કદાચ.." કદાચ.." મગન સમજી ગયો હતો કે રમેશને ચોક્કસ રાઘવની ચિંતા થઈ હોવી જોઈએ.કંઈક એવું ચોક્કસ બન્યું છે કે જે નવી ઉપાધી લાવશે. પણ અત્યારે એ વાત કરવી યોગ્ય નહોતી.
જમીને બન્ને રમેશ પાસે આવ્યા.
"શુ થયું ? રાઘવ મળ્યો ?" મગને પૂછ્યું. રમેશે બધી જ વાત કરીને છેલ્લે રડમસ અવાજે કહ્યું, "મગન, જે માણસો કાલે રાત્રે આવેલા એમાં તું કહે છે તેમ ખતરનાક લોકો તો છે જ, એટલે રાઘવના જીવનું જોખમ તો કહેવાય જ...આ લોકોએ એને કંઈ કર્યું તો નહીં હોયને ?"
"કેમ કહેવાય ? આશા રાખીએ કે રાઘવ હેમખેમ ઘરે આવી જાય. પણ હકીકત શુ છે એ આપણને કેમ ખબર પડે ? ખરેખર રાઘવે હીરા ચોર્યા છે કે નહીં એ આપણે કઈ રીતે જાણવું ? આ બાબતમાં તો મને રાઘવા ઉપર પણ વિશ્વાસ નથી આવતો. તું ભલે કહેતો હોય કે એ એવો માણસ બિલકુલ નથી પણ પૈસો માણસની દાનત બગાડી નાખે છે, અને લોકો પોતાના લાભ માટે ગમે તેવા સંબધોનો પણ ગેરઉપયોગ કરતા ખચકાતા નથી.. તારો પણ કદાચ રાઘવાએ હીરા સંતાડવા માટે ગેરઉપયોગ કર્યો હોય તો કહેવાય નહીં.." મગને કહ્યું.
" પણ હીરાના ધંધામાં કોઈ દૂધે ધોયેલો (પ્રામાણિક) નથી હોતો..ભલે રાઘવાએ હીરા ચોર્યા હોય પણ એ રમેશનો ભાઈબંધ છે, એટલે આપણો પણ ભાઈબંધ કહેવાય.એટલે એને શોધવામાં આપણે રમેશને મદદ કરવી જ પડે. ચાલ રમેશ આપણે ઓલ્યા ભરવાડના ઘેર જઈએ અને એને પૂછીએ કે રાઘવ ક્યાં છે ? જો સરખો જવાબ આપે તો ઠીક છે, નહિતર આપણે ત્રણ જણ છીએ, મારી મારીને ઓકાવી નાખશું.."
નાથાએ પોતાના સ્વભાવ મુજબ હુમલો કરવાની સલાહ આપી.
એટલે મગન ખીજાયો, " તું સાલ્લા કોક દિવસ મરવાનો છો, અને સાથે અમનેય મરાવડાવીશ એ પાક્કું છે.
અક્કલ વગરના, ઇ ભરવાડના ઘેર જઈને આપણે એને મારીએ તો ત્યાંથી આપણે સાજા પાછા આવીએ એમ તું માને છે ? તારા ડોહાં જીવતા'ય નો રહેવા દે. ત્યાં એ ભરવાડ એકલો નથી રહેતો. એના ઘરમાં બીજા લોકો પણ હોય અને આજુબાજુમાં પણ લોકો હોય. ઘરમાં ઘૂસીને મારવાની વાત કરતા પહેલા વિચાર કરવો પડે.."
"ઇ બધા વિચાર તું કર..અહીં તો માર બીધુ ને કર સીધું..એના ડાચાં ઉપર ઉપાડીને બે ઠોકી હોય ને તો તરત જ બધુ બકવા માંડે.. નકર પેટમાં આ બુટ પહેરીને એક પાટું ઠોકયું હોય તો આગળ અને પાછળ બધી બાજુથી વાત તો શું વાયુ પણ બહાર નીકળી જાય સમજ્યો ? આપણને લોહી નીકળે તો એને કંઈ પાણી નો નીકળે.. એકાદો પાઇપ પણ ક્યાંકથી લેતા જઈએ..તોલો રંગી નાખીએ. આપડા દોસ્તની જિંદગીનો સવાલ છે યાર...'' નાથાનો હિસાબ કરો યા મરો પ્રકારનો હતો..
"બસ, બસ મારા શૂરવીર..ખમ્મા તને..મને વિચારવા દે..શાંતિથી તું હેઠો બેસ." કહીને મગન વિચારવા લાગ્યો.થોડીવાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી મગને રમેશને પૂછ્યું, " રાઘવનો બીજો કોઈ મિત્ર છે ? જે હીરાબજારમાં જતો હોય,હીરાની દલાલી કરતો હોય યા તો વેપાર કરતો હોય એવો ? તું એવા કોઈને ઓળખે છે ?"
રમેશે થોડીવાર વિચાર કર્યો.અને કહ્યું, "હા, એક બે જણ છે, એક તો એના ગામનો જ છે અને બીજો મારી સાથે કોલેજમાં હતો પણ એફ.વાય. (ફર્સ્ટ યર) સુધી જ. પછી એ હીરા શીખવા સુરત આવી ગયો હતો..."
"તો એને મળવું પડે.એ લોકો રાઘવને સારી રીતે ઓળખતા હોય.એની ચાલ ચલગત વિશે વધુ સારી રીતે જાણતા હોય..એ લોકોને આ બાબતમાં ખબર પણ હોય.એ ક્યાં મળશે એ તને ખબર છે ?'' મગને પૂછ્યું.
રમેશ ઘણીવાર રાઘવ સાથે હીરા બજારમાં જતો. મહિધરપુરાનીની એક બે શેરીમાં મોટું માર્કેટ હતું. ત્યાંના મકાનોમાં હીરાની ઓફિસો આવેલી હતી એ ઓફિસોમાં કાચા હીરા ને તોડીને એમાંથી એસોર્ટ કરીને સારા હીરાનો માલ તૈયાર કરવામાં આવતો. ઘણા લોકોના પોતાના કારખાના પણ હતા.એક ભાગીદાર કારખાના પર પ્રોડક્શન પર ધ્યાન આપતો અને બીજો ભાગીદાર અહીં તૈયાર થતી રફ (કાચા હીરા) ખરીદતો અને તૈયાર માલ વેચતો. એક ની એક રફ અનેક લોકોના હાથમાં ફરતી રહેતી.ખરીદાઈને એમાંથી કેટલાક હીરાની અદલબદલ થઈને નવું પડીકું બનતું અને કરોડોના હીરા માત્ર એક કાગળની ચબરખીના ભરોસે વેચાતા અને ખરીદાતા. હીરા દલાલોને આવો લાખો કરોડોની કિંમતનો માલ માત્ર ભરોસાથી વેચવા આપી દેવાતો.
ઘણા દલાલો ઉંચી કિંમતે આ હીરા વેચતા અને માલિકને ઓછી કિંમત આપતા.આવી રીતે ગાળીયું કરી જનાર દલાલ ક્યારેક પકડાઈ પણ જતો એને ત્યાર બાદ એની શાખ ઘટી જતી. ક્યારેક કોઈ હીરા બદલાવી લેતું અને આ રીતે મારેલું "બદલું" પણ પકડાતું.
દલાલને વેચવા આપેલા હીરા કેટલીય ઓફિસોના ઘણા બધા વેપારીઓને બતાવવામાં આવતા. હીરાની ઓફિસમાં વ્હાઈટ સનમાઇકો લગાવેલા ટેબલ ફરતે બ્લુ ટ્રે માં ચિપિયા, આઈ ગ્લાસ (જેને હીરાઘસુ લોકો હાઈકલાસ કહેતા ) નાની હથોડી અને સિસાનો પથ્થર રહેતો. માથા સાથે અડી જાય એ રીતે પતરાના કવરમાં બે બે કે ચાર ચાર ટ્યુબ લાઈટ લગાવીને ટેબલ પર અત્યંત પ્રકાશ ફેંકવામાં આવતો જેના કારણે હીરા પારખવામાં સરળતા રહેતી. હીરાના માપનો એકમ "કેરેટ" રહેતો.
હીરા બજાર વેપારીઓ અને દલાલોથી ઉભરાઈ જતું. બાઇક પાર્ક કરવાની પણ જગ્યા રહેતી નહીં. ચાલીને પણ મુશ્કેલીથી પસાર થઈ શકાય એટલી ગિરદી હીરા બજારમાં રહેતી.
ચંદુલાલ શેઠની શેરીમાં એક મોટો હોલ હતો.નાના વેપારીઓ અને દલાલો આ પ્રકારના હોલમાં નાનું ડેસ્ક લઈને હીરાનો વેપાર કરવા બેસતાં.દરેક ડેસ્ક ભાડેથી આપવામાં આવતું.
મગન,નાથો અને રમેશ દલાલોની ગિરદી વીંધતા વીંધતા ચંદુલાલ શેઠની શેરીમાં આવ્યા. રાઘવનો એક મિત્ર કે જે એના ગામનો જ હતો એ પેલા હોલમાં ડેસ્ક લઈને બેસતો હતો. ઘણીવાર એ રાઘવ સાથે અહીં આવ્યો હતો.
આખો હોલ હીરાના દલાલો અને વેપારીઓથી ભરેલો હતો. એ લોકોના કોલાહલથી વેપારનો જાણે કે માહોલ સર્જાયો હતો. ડેસ્ક પર લટકાવેલી ટ્યુબલાઈટના અજવાળામાં બ્લુ ટ્રેમાં હીરાને ચિપિયાથી ગણવામાં આવતા. બાજુમાં જ હીરાનું વજન કરવા માટે નાનકડી કાચની પેટીમાં હવા ચુસ્ત વજન કાંટો પણ રાખવામાં આવતો. હીરાની મોટી ઓફિસોમાં તો દરેક ટેબલ પર આવા કાચની પેટીવાળા વજન કાંટા રાખવામાં આવતા.પણ આ હોલમાં એક બે મોટા ટેબલ હતા. દલાલ પોતાના પેકેટનું વજન આ વજનકાંટા પર કરી લેતા.
રમેશે આ હોલમાં ચારે તરફ નજર દોડાવી.અને નિરાશ થઈને બોલ્યો, "રાઘવનો દોસ્ત દિનેશ પણ દેખાતો નથી.. એનું ડેસ્ક બંધ છે એટલે આપણે પૂછી જોઈએ,કદાચ આવ્યો નહી હોય." એમ કહી રમેશ અંદર ગયો. દીનેશનું ડેસ્ક 47 નંબરનું હતું. ત્યાં જઈને રમેશે પૂછપરછ કરી તો એને જણાવવામાં આવ્યું કે દિનેશ હવે માર્કેટમાં આવતો નથી, એણે વેડ રોડ પર પંડોળ (વિસ્તારનું નામ છે)માં કારખાનું ચાલુ કર્યું છે. અને રાઘવ દલાલ બે ચાર દિવસથી આવતો નથી.
નાથો, હીરા બજારનું વાતાવરણ જોઈને આભો જ બની ગયો. કઈ રીતે લોકો વેપાર કરી રહ્યા છે એ જ એને તો સમજાતું નહોતું. ચારેય બાજુ એ ચકળવકળ જોઈ રહ્યો હતો ત્યાં જ એને એક જણે જોરથી ધબ્બો માર્યો, "અરે..નાથીયા..તું અહીં ક્યાંથી...
સુરતમાં તું ક્યારે આવ્યો ? કોડા મને જાણ તો કરવી'તી ? ક્યાં રહે છે તું...? ભણવાનું છોડી દીધું ? હીરા બજારમાં આવવા માંડ્યો ? અલ્યા અમે તો કહેતા જ હતા, ભણ્યે કોનું સારું થયું છે, તું દલાલી કરે છે કે લે વેચ ?..કોની સાથે શીખે છે..?" એક સાથે કેટલાય આવા સવાલો કરનાર ચમન હતો. એ નાથા સાથે જ એના ગામમાં ભણતો હતો.સાત ધોરણ સુધી ભણીને એ હીરા ઘસવા સુરત આવી ગયો હતો અને નાથો આગળ ભણીને કોલેજ કરવા અમદાવાદ ગયો હતો. નાથાને જોઈને એ ખુશ થયો.
"અલ્યા, હું કાંઈ દલાલ બલાલ નથી, હું તો આ રમેશ અને મગન સાથે અહીં આવ્યો છું.આ હોલમાં એક ભાઈ અમારા ઓળખીતા છે એમને મળવાનું હતું..."
ચમન ખૂબ વાતોડીયો હતો.પરાણે ત્રણેય મિત્રોને ચા પાણી પીવા લઈ ગયો.ચા પીતા પીતા રમેશે અહીં આવવાનું કારણ જણાવ્યું.
"તમારી રૂમે આવેલા એમાંથી કોઈના નામ ખબર છે ? મહિધર પુરા માર્કેટમાં તો હજારો હીરાની ઓફિસો છે, તમે લોકો કોઈને ઓળખો છો ?"
રમેશે દીનેશનું નામ જણાવ્યું. પણ ચમન એને ઓળખતો નહોતો. પણ રાઘવની તપાસ કરીને જાણ કરવાની ખાતરી આપી.
*** **** *** **** **** ****
બીજા દિવસે રમેશ, રાઘવની ચિંતા કરતો કરતો સ્કૂલે ગયો.અને મગન અને નાથો કોલેજ ઉપડ્યા.
ચમેલીને મગનનું ઘેલું લાગ્યું હતું.
છેલ્લી બેન્ચમાં મગન અને નાથો બે જ બેસતાં.અને ચમેલી છોકરીઓના ગ્રૂપમાં થોડી આગળ બેસતી અને એ દસ પંદર મિનિટે મગનને જોયા કરતી.
વિખરાયેલા વાળ, ખૂલતો શર્ટ અને ફોર્મલ લબાડીયું પેન્ટ અને પગમાં સ્લીપર ! આ એનો બાહ્ય દેખાવ હતો.પણ મગનની આંખોમાં કોઈ ફિલોસોફરનું તેજ હતું. અને ઘણી વખત એની ફિલોસોફી કલાસમાં વહેતી રહેતી.
અર્થશાસ્ત્રના પ્રોફેસર તારીણી દેસાઈ આશરે 45 વર્ષના યુવાન હતા. અને તેઓ 25 વર્ષના દેખાવા
માટે ઘણો મેકઅપ કરતા.એમણે જોયું કે ચમેલી કાંટાવાલા વારંવાર ખૂણામાં બેઠેલા મુફલિસ છોકરાને પાછળ ફરીને જુએ છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા.કારણ કે તેઓ આ પ્રેમ નામના તત્વને ખૂબ જ નફરત કરતાં હતાં. એમની યુવાનીમાં એમને આ રોગ લાગુ પડ્યો તો હતો પણ કોઈ કારણસર આ મહાવ્યાધિ એમના માટે ઉપાધી સાબિત થઈ હતી અને અંદર આગ જલતી હોવા છતાં બહારથી તેઓ બરફ જેવા કઠોર અને ઠંડા રહેતા.ક્યારેક કોઈ બેફિકર વ્યક્તિ એમની અંદર પ્રજ્વળતી આગમાં થોડું ઘી નાખવાનો પ્રયાસ કરે તો એમના ચહેરા પર બરફનું તોફાન ઉમટતું.
આજ આ તોફાનની રૂખ ચમેલી કાંટાવાળા તરફ ફંટાઈ હતી.
"ઓએ..સ્ટેન્ડ અપ....વોટ ઇસ યોર નેમ ?" તારીણીએ ખિજાઇને ચમેલીને ઉભી કરી. મેડમના અવાજમાં રહેલો ગુસ્સો એણે પારખ્યો.
"ચમેલી કાંટાવાલા..મેડમ.." ચમેલીએ ડરતાં ડરતાં પોતાનું નામ કહ્યું.આખો કલાસ એની સામે જોઈ રહ્યો.
"ત્યાં ખૂણામાં કંઈ જોવા જેવું છે ? લેક્ચરમાં તારું ધ્યાન નથી. કોને જોયા કરે છે ત્યાં..મને તો ત્યાં કંઈ જોવાલાયક લાગતું નથી..આ કલાસરૂમ છે અને મારું લેક્ચર ચાલી રહ્યું છે.."
"સોરી મેડમ.."ચમેલીએ કહ્યું.
છતાં તારીણી દેસાઈનો ગુસ્સો ઉતર્યો નહીં.
"કેમ તને પેલો ગામડીયો મુફલિસ બહુ ગમી ગયો છે..? એનો દેખાવ તો જો..કોલેજના સ્ટુડન્ટ કરતા સ્વીપર વધુ લાગે છે.. અને તું એની અંદર શુ જોઈ ગઈ છો જે વારંવાર અને બસ જોયા જ કરે છે, અને એ પણ મારા...મારા.. તારિણી દેસાઈના લેક્ચરમાં..?
આખો કલાસ હસી પડ્યો.ચમેલી નીચું જોઈ ગઈ.
"તારી જાતની..આ શું સમજતી હશે આપણને મગન..સાલી સ્વીપર..એટલે વાળવાવાળા ગણે છે આપણને.."
ઉભા થતા નાથાનો હાથ પકડીને મગને એને બેસાડી દીધો. અને એ ઉભો થયો. આખો કલાસ એને જોઈને હસી રહ્યો હતો.એક બે જણ બોલ્યા, "મેડમ પેલો સ્વીપર ઉભો થયો..બોલો ક્યાં સફાઈ કરવાની છે.."
"હવે તમારા બધાનું પત્યું હોય તો હું બોલું ? હા હું સ્વીપર છું..જેના મગજમાં કચરૂં ભરાયું હોય એ જ બોલજો.. સફાઈ કરી આપીશ..
અને હેલો મેડમ...મિસ તારિણી દેસાઈ..આપના ચક્ષુઓએ આપના મસ્તિષ્કમાં અમારી જે મુફલિસ અને ગામડીયા જેવા સ્વીપરની છબી ઉપસાવી અને આપે જે રીતે આખા કલાસની સમક્ષ અમારું અપમાન કર્યું અને અમોને હાંસીપાત્ર બનાવ્યા એ તમને શોભનીય છે કે નહીં, એ તમે વિચારી શકવા પણ સક્ષમ નથી કદાચ. એક પ્રાધ્યાપક, એક ગુરુ તરીકે આપ આવું કૃત્ય કરી શકો છો એ જોઈને હું અત્યંત દુઃખી થયો છું. અને મનથી આપને હું ક્યારેય ક્ષમા નહીં કરી શકું. અને આપના આ ઉપાલંભ બદલ હું આપની ફરિયાદ ચોક્કસ આ મહાવિદ્યાલયના પ્રાચાર્ય સમક્ષ લઈ જઈશ.
બીજું કે આ બાલિકા નામે ચમેલી વારંવાર મને જુએ છે તે બાબતની તમે નોંધ લઈને એને એકલીને કલાસ બહાર બોલાવીને પ્રશિક્ષિત કરી શક્યા હોત. આવી રીતે વિદ્યાર્થીની ભૂલ બદલ જાહેરમાં એને ઉતારી પાડીને એને પણ તમોએ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધી છે, આ ઘટનાને લઈને એ કોઈ અવળું પગલું લઈ શકે, આત્મહત્યા પણ કરી શકે એ બાબતનો તમોએ વિચાર કરેલ નથી, જો આ ચમેલી એના જીવનઉપવનમાં કોઈના નામનું ફૂલ ખીલવવા માગતી હોય તો તમે એને રોકી શકો નહીં, તમારું કાર્ય જીવનના પાઠ ભણાવવાનું નથી, તમો માત્ર આર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા છો એ તમારે ભૂલવું ન જોઈએ,જો આ બાલિકા સુસાઇડ કરે અને સુસાઇડ નોટમાં તમોને જવાબદાર ઠેરવે તો બાકીની જિંદગી તમોએ જેલમાં ગુજારવી પડશે એ તમને ખ્યાલ નહિ હોય !!
અને હા તમો તમારી જિંદગીના બાગમાં કોઈ બહાર લાવી શક્યા નથી એમ લાગે છે,અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે એ કહેવતનું પ્રયોજન હું આમ તો આવી રીતે ન કરી શકું,પણ જ્યારે ગુરુ તરીકે તમે જ મર્યાદાનો લોપ કર્યો છે ત્યારે શિષ્ય તરીકે હું પીછેહઠ કરીશ તો મારો આ જીગરજાન દોસ્ત નાથેશ એના હાથ રોકી નહિ શકે અને નકામા તમો એકાદ અંગ ઉપાંગ ગુમાવી બેસો, એના કરતાં આ કહેવતનો માર આપ સહી શકશો..તો એ કહેવત છે ..ઘરડી ઘોડી અને લાલ લગામ... તમારી જબાનને તમોએ લાગામ લગાવી હોત તો મારે આપણે આવા કટુ વચન કહેવાનો કપરો સમય આવ્યો ન હોત..." આટલું લેક્ચર આપીને મગન પોતાની જગ્યાએ ઉભો હતો.
વર્ગખંડમાં સોપો પડી ગયો. તારિણી દેસાઈનું મોં ખુલ્લું રહી ગયું અને તમામ વિદ્યાર્થીઓ મગનને જોઈ રહ્યા. કોઈને શું બોલવું એ સમજાતું નહોતું. કલાસમાં છવાયેલી સ્મશાનવત શાંતિનો લાભ લઈને મગને બીજો આફ્ટરશોક આપ્યો...
"આપનું નામ તારિણી છે નહીં ? તારીણીનો મતલબ આપ જાણો છો ? " અધખુલ્લાં મોં એ તાકી રહેલા નિરુત્તર તારિણી દેસાઈને જોઈને મગને ઉમેર્યું.."ઓ હેલો મેડમ..હું તમને કંઇક પૂછી રહયો છું..આપના નામનો મતલબ આપ જાણો છો ખરા...? ચાલો હું જ તમને જણાવી દઉં.. આપના નામનો અર્થ છે તારિણી..એટલે તારનારી.... ડુબતાને તારનારી શક્તિ એટલે તારીણી..પણ આપે તો આપનું નામ પણ ડુબાડી દીધું.એટલે આજથી તમો પોતાને તારિણીને બદલે ડુબાડીણી દેસાઈ કહેજો.. બસ આ સિવાય હવે મારે આપને કશું જ કહેવાનું નથી. આપણી મુલાકાત હવે યુનિવર્સીટી ડિનની કેબિનમાં થશે, હવે આપને જવું હોય તો જઈ શકો છો, આપના ઈંટ જેવા અપમાનનો આ પથ્થર જેવો જવાબ મળ્યો એ સાંભળીને જો તમારી અંદર જરા પણ ગૈરત, સ્વમાન જેવું હોય તો તમોએ એક ક્ષણ પણ હવે અહીં ઉભા રહેવું જોઈએ નહીં." એમ કહીને મગન બેસી ગયો.એ સાથે જ આખો કલાસ તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યો અને તારિણી દેસાઈ તરત જ કલાસ છોડીને જરાક જેવડું મોં લઇને ચાલતા થયા. બધા સ્ટુડન્ટ આવીને મગનને શાબાશી આપવા લાગ્યા, ઘણા તો હસ્તધૂનન પણ કરવા લાગ્યાં. કેટલાકે મગનને ધબ્બો મારીને કહ્યું, "વાહ બોસ, જબરું હો..હું તો તમે બોલ્યા એના દસમા ભાગનું પણ ના બોલી શકું... યાર.. તમે તો બસ બોલતી જ બંધ કરી દીધી..વાહ વાહ.."
છોકરીઓ પણ મુફલિસ નાથાને અહોભાવથી તાકી રહી. ચમેલીએ છેલ્લી બેન્ચમાં આવીને થેન્ક યુ કહ્યું ત્યારે નાથો બોલ્યા વગર ન રહી શક્યો, "બહુ પાછળ ફરીને જોયા નહીં કરવાનું હો..જે કહેવાનું હોય ઇ બોલી નાખો એટલે તમને'ય જવાબ દઈ દઈએ.. આ મગનેશ્વર મહાદેવ છે, એને પામવા તમારે પાર્વતીજી એટલે પતલી થવું પડે સમજ્યા..ચ્યમ ના બોલ્યો મગના.."
ચમેલી મીઠું હસીને ચાલી ગઈ. જતા જતા ફરી એક વાર મગનને જોઈને હસી.
"હસી તો ફસી.." નાથો બોલ્યો. કોલેજથી છૂટીને નાથો અને મગન રૂમ પર આવ્યાં ત્યારે મકાન પાસે એક બુલેટ પડ્યું હતું અને રમેશ સાથે પેલો ભરવાડ રૂમમાં બેઠો બેઠો મૂછોને વળ ચડાવી રહ્યો હતો.
(ક્રમશ :)