માથાભારે નાથો - 11 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 11

માથાભારે નાથો [11]
રાઘવ દારુણ ગરીબીમાં જન્મ્યો હતો. ખૂબ જ ઓછી જમીનમાં રાઘવનો બાપ માંડ માંડ બે છેડા ભેગા કરીને રાઘવ ઉપરાંત બીજા બે ભાઈ બહેન સહિત ત્રણ છોકરા અને બે પોતે એમ કુલ પાંચ જણનું ગુજરાન ચલાવતો હતો. ચીંથરેહાલ દશામાં જીવાતું જીવન રાઘવને સમજણો થયા પછી માફક આવ્યું નહોતું. બીજા બાળકોના કપડાં અને બુટ ચપ્પલ જોઈને પોતાના ઉઘાડા પગમાં એને કાળી બળતરા થતી.ગામડાની પ્રાથમિક શાળામાં એ ભણવા જતો ત્યારે રાસાયણિક ખાતરની પ્લાસ્ટિકની ખાલી કોથળીમાંથી એના માટે સ્કૂલબેગ એની માંએ બનાવડાવી આપેલી, એ ખભે ભરાવીને એ જતો. એના પ્લાસ્ટિકના નાકા એના ખભામાં ખૂબ વાગતાં, પણ એ ક્યારેય ફરિયાદ કરતો નહીં. એ કોથળીમાં એની જે સ્લેટ હતી એની દશા પણ રાઘવથી બહેતર નહોતી. ગરીબ વિદ્યાર્થીની એ સ્લેટ "ટપલો" કહેવાતી, કારણ કે એની ધાર જે પતરાંની ફ્રેમ વડે ક્યારેક કવર થયેલી એ ફ્રેમ રાઘવે તો જોઈ પણ ન્હોતી. પહેલા ધોરણમાં એને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો ત્યારે કોઈ બીજા સારા ઘરના છોકરાએ તોડીને ફેંકી દીધેલી અને હવે "ટપલો" તરીકે ઓળખાતી એ સ્લેટ રાઘવની શૈક્ષણિક કારકિર્દીનું પ્રથમ સોપાન બની હતી. કલાસમાં બીજા છોકરાઓની નવી નક્કોર અને સુંદર ફ્રેમમાં મઢાયેલી સ્લેટ જોઈને રાઘવે ઘેર આવીને એવી સ્લેટ લેવા માટે "વેન" (જીદ) કર્યું હતું પણ એના કલાકોના રુદનનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ધરાર એને નવી સ્લેટ લઈ આપવામાં ન આવી. ન તો એની માં કે બાપે ઠાલું
આશ્વાસન આપ્યું કે "બેટા, છાનો રહી જા, તને નવી સરસ મજાની સ્લેટ અપાવીશ.."
રડીને શાંત થયેલા એ બાળકના મગજમાં પેલી સુંદર સ્લેટ લઈને એમાં સરસ મજાનો એકડો કરવાની ધૂન સવાર થઈ ગઈ હતી.
કારણ કે આખા કલાસમાં સૌથી સુંદર એકડો એનો હતો પણ એ એકડો એની ટપલા જેવી સ્લેટમાં જરાય શોભતો નહોતો. કારણ કે એ સ્લેટના ચારે'ય ખૂણાઓ તૂટી ગયા હતા અને અંદર પણ ખાડા પડી ગયા હતા. ભૂતકાળમાં એ સ્લેટ પર લખવામાં આવેલા એકડાઓને એના માલિક બાળકે પોતાના થુંકથી લૂછયા હશે અને બન્યા પછી કોઈ દિવસ એ ટપલો બની ગયેલી સ્લેટને પાણીથી સાફ કરવામાં નહીં આવી હોવાની ફરિયાદ, એ સ્લેટ મૌન ચીસો પાડી પાડીને કરી રહી હતી. ભણવામાં તેજ દિમાગ ધરાવતા રાઘવે કાળા પાટિયામાં પહેલીવાર જોયેલો એકડો આબેહૂબ શિક્ષકે બનાવેલા એકડા જેવો જ એ ટપલામાં નાનકડી કાંકરાપેનથી ઉતાર્યો ત્યારે એના પેટમાં અજીબ સંવેદન ઉમટી પડ્યું અને એ સંવેદનથી એનું નાનકડું હૈયું પુલકિત થઈ ગયું. એના બાળમાનસમાં એ ખુશી સમાઈ નહીં. તરત જ એ પોતાના સાહેબને પોતાનો એકડો બતાવવા દોડ્યો. એ જમાનામાં આજ ના જેવું કે.જી. કલ્ચર નહોતું, બાળકો પાંચ કે છ વર્ષના થાય ત્યારે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા. શાળાના હેડ માસ્તર દરેકની જન્મ તારીખ પહેલી જૂન લખતા. આજે પણ પહેલી જુનના દિવસે જન્મ દિવસ ઉજવનારા આવા અનેક રાધવો આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે !!.
રાઘવે કરેલો સુંદર એકડો, પહેલા ધોરણનો વર્ગ પરાણે પરાણે લઈને આવેલા એના શિક્ષકને એની આ ટપલા જેવી સ્લેટને કારણે હોય, કે પછી એ એકડો એક ચીંથરેહાલ ગરીબ ખેડૂતના દીકરાએ બનાવ્યો હોવાથી હોય, પણ ગમે તેમ એમને બિલકુલ ગમ્યો નહીં. શાબાશીની આશાએ હોંશે હોંશે પોતાની સિદ્ધિ બતાવવા આવેલા એ બાળકને એની તૂટેલી સ્લેટ-ટપલાને કારણે, ગરીબીને કારણે, એના ગરીબડા દેખાવને કારણે, ઉતારી પાડવામાં આવ્યો. એની સ્લેટ આંચકીને એ ક્રૂર દિમાગના શિક્ષકે,આચાર્ય જોડે પહેલા ધોરણનો આ વર્ગ પોતાને પરાણે આપવા બદલ જે લપ કરી
હતી એની દાઝ આ ગરીબડા બાળક ઉપર ઉતારી.બીજા બાળકોને, રાઘવે કરેલો સુંદર એકડો બતાવવાને બદલે એની સ્લેટ બતાવી. બધા બાળકો એ ટપલો જોઈને હસ્યા, શિક્ષક પણ હસ્યા.એ ટપલાને કારણે બીજા છોકરાઓએ રિસેસમાં પણ રાઘવનો ચીડવ્યો. પ્રથમ દિવસે શાળાએ ગયેલો બાળક રાઘવ શીખ્યો કે સુંદર મજાનો એકડો કરવા માટે સ્લેટ પણ સુંદર જ હોવી જોઈએ, નહિતર તમારા એકડાની કોઈ કિંમત નથી.
ઘેર આવીને પોતાના રુદનનું શસ્ત્ર અજમાવી જોયું પણ ખેતરમાં કાળી મજૂરી કરીને થાકેલા માં બાપ પાસે પોતાના વહાલસોયા બાળકને ખોળામાં બેસાડીને અને માથે હાથ ફેરવીને એ પૂછવાનો સમય નહોતો કે બોલ બેટા, આજે શાળામાં શું ભણ્યા ?
ઘેર આવીને માંડ માંડ રસોઈ બનાવી શકતી માંએ સ્લેટ માટે રડતા રાઘવના આંસુ લૂછયા, પણ રાઘવ માટે સ્લેટનું કેટલું મહત્વ છે એ સમજી શકી નહીં. પિતા તો ખાઈને તરત જ ઘસઘસાટ ઊંઘવા લાગેલો, કારણ કે એને બિચારાને વહેલા ઉઠીને ખેતરે જવાનું રહેતું.
પોતાની દુનિયા હવે પોતે જ બનાવવી પડશે એવી સમજણનો અંકુર એના દિમાગમાં વાવીને એ બાળક સુઈ ગયો. પ્લાસ્ટીકની નાનકડી કોથળીમાં બીજા છોકરાઓની જૂની ફાટેલી ચોપડીઓના વળી ગયેલા પત્તાઓ રાઘવે પોતાના નાજુક હાથોથી સીધા કર્યા. એ દેશી હિસાબની ચોપડીમાં કમળના ચિત્ર સાથે લખેલો ક, ખડીયા સાથે ખ અને ગણપતિ સાથે લખેલો ગ એને ખૂબ ગમતો. કક્કો અને બારાક્ષરી પછી ખાના પાડીને છાપેલા સુંદર એકડા એને ખૂબ ગમતા. પહેલા ધોરણનું ગુજરાતીનું પાઠ્ય પુસ્તક અને એમાં દોરેલા સુંદર ચિત્રો જોઈને જોઈને એ ખૂબ હરખાતો. પોતાની ટપલા જેવી સ્લેટને પાણીથી સાફ કરીને એણે એ દેશી હિસાબની ચોપડી (એ સમયમાં આવી એક પુસ્તિકા આવતી જેની ઉપર દેશી હિસાબ એવું લખવામાં આવતું. એમાં કક્કો, બારાક્ષરી, એકડા, વારના નામ, મહિનાના નામ, ઋતુઓ ,એકુ, અગિયારા વગેરે ગુજરાતી અને ગણિત છપાયેલું રહેતું. નાનપણમાં આ અંક અમે પણ ખૂબ ઉપયોગમાં લીધો છે) માંથી સુંદર અને મરોડદાર અક્ષરે કોઈના શીખવ્યા વગર જ રાઘવ લખવા લાગ્યો.
એના વર્ગ શિક્ષકને ગયા વર્ષે પણ પહેલા ધોરણનો જ વર્ગ આપેલો અને આ વર્ષે પણ એ જ વર્ગ આપ્યો હોવાથી એ ખૂબ નારાજ હતો. અને એની નારાજગીનો ભોગ રાઘવ જેવા ગરીબ બાળકો બનતા. હાલ બીજા ધોરણનો જે વર્ગ હતો એમાં ગામના માલેતુજાર લોકોના આઠથી દસ બાળકો હતા અને એ લોકોને ખૂબ સરસ (!) ભણાવવા બદલ એ બાળકોના ઘેરથી અનેક ચીજો આ સાહેબના ઘેર ગુરુ દક્ષિણા તરીકે પહોંચતી. પોતાનો એ સરપાવ ખોઈ ચૂકેલા સાહેબને ગરીબ બાળકોને ભણાવવા બિલકુલ ગમતા નહોતા. આ બાબતે આચાર્ય વિરુદ્ધ એક છૂપું અભિયાન પણ આ સાહેબે ગામમાં આદર્યું હતું, એની પણ એક વાર્તા બની શકે, પણ હાલ આપણે એ દિશામાં જઈ શકીએ તેમ ન હોવાથી રાઘવની વાત પર પાછા ફરીએ.
કલાસમાં છોકરાઓ પોતાની કોથળી જેવા દફ્તરને, ટપલા જેવી સ્લેટને અને વળીને પપૂડા થઈ ગયેલા પન્ના વાળી ચોપડીઓને અને સાંધીને પહેરેલા પહેરણ અને ચડ્ડીને અને ચપ્પલ વગરના ખુલ્લા પગોને જોઈને રાઘવને ખીજવતા. રાઘવની પાછળથી ફાટેલી ચડ્ડીને એની માંએ મળ્યાં તેવા લાલ કે લીલા રંગના થિંગડા મારી આપીને એના કુલાઓને ઢાંક્યાં હતા. આવું એકલા રાઘવનું નહોતું.રાઘવ જેવા ઘણા ગરીબ બાળકો ગામડાની એ પ્રાથમિક શાળામાં ભણતા.પણ રાઘવ જેવું દિમાગ એ કોઈની ખોપરીમાં કદાચ નહોતું.
એક દિવસ એક છોકરો એની સરસ મજાની સ્લેટ, દફતરમાં નાખવી ભૂલી ગયો. છૂટતી વખતે કલાસમાં પડેલી એ સ્લેટને તાકી રહેલો રાઘવ, બધા જ વિદ્યાર્થીઓ જતા રહ્યાં ત્યાં સુધી બેસી રહ્યો. ત્યારબાદ રાઘવે એ સ્લેટ પોતાની પ્લાસ્ટિકની કોથળીમાં સરકાવી દીધી.સુંદર સ્લેટ મેળવવાની એની આ ઝંખનાને કારણે એણે લઈ લીધેલી બીજાની સ્લેટ એ ચોરી કરી કહેવાય એવુ જ્ઞાન એને કોણ આપે ? "બીજા દિવસે એ સ્લેટ લઈને સ્કૂલે જઈશ તો પેલો છોકરો એની સ્લેટ પોતાની પાસે જોઈ જશે તો સાહેબને કહી દેશે.અને પોતાને મળેલી સ્લેટ એ છોકરાને પાછી આપી દેવી પડશે " આટલી સમજણ એના દિમાગમાં ઊગી આવી.એટલે રાઘવે એ સ્લેટ ઘરમાં જ સંતાડી દીધી. પાણીથી સાફ કરીને એમાં કક્કો લખ્યો, એકડા લખ્યાં, વારંવાર લખ્યા. ગાયનું ચિત્ર દોર્યું, એને વ્હાલું કાબરુ ગલુડિયું પણ દોર્યું. એ ગલુડિયાના વિચિત્ર ચિત્રને જોઈને એ ખૂબ હસ્યો.એના નાના ભાઈ બહેનને પણ એ સ્લેટમાં એકડા લખાવ્યાં.
હવે એને ટપલો બિલકુલ ગમતો નહીં. પેલી સ્લેટ લઈને શાળાએ જવાનું એને ખૂબ મન હતું. એ ઈચ્છા થોડા દિવસ પછી પુરી પણ થઈ. જે છોકરાની સ્લેટ ખોવાઈ હતી એ ગામના વેપારી શેઠનો છોકરો હતો.એના બાપે શાળામાં આવીને ફરિયાદ કરી.સાહેબે બધાના દફતર ચેક કર્યા પણ સ્લેટ ન મળી, સાહેબને ધ્યાન ન રાખવા બદલ આચાર્ય સાહેબનો ઠબકો પ્રાપ્ત થયો.
થોડા દિવસ રાહ પણ જોવામાં આવી કે કોઈ છોકરો લઈ ગયો હશે તો લાવશે. એ સમયમાં માત્ર બે રૂપિયામાં આવતી એ સ્લેટની આટલી બધી ઉપાધિ કરવામાં આવતી કારણ કે રૂપિયો ખૂબ મોટો હતો.
આખરે કંટાળીને શેઠે પોતાના બાળકને નવી સ્લેટ અપાવી દીધી.અને થોડા દિવસ પછી રાઘવ પેલી સ્લેટ લઈને શાળાએ ગયો. પણ ત્યાં સુધીમાં એ સ્લેટની શોધખોળ મટી ગઈ હતી. છતાં રાઘવે એ સ્લેટ બધાથી છુપાવી રાખી.
એ સ્લેટ સફળતા પૂર્વક હાંસલ કર્યા પછી રાઘવના મનમાં કોઇ પણ ગમતી ચીજ લઈ લેવાની વૃત્તિ જન્મવા લાગી. પહેલા અનાયાસે મળી જતી ચીજ છુપાવીને પોતાની કરી લેવાની આવડત એણે કેળવી લીધી. ભણવામાં અપાર રસને કારણે કલાસમાં એનો પ્રથમ નંબર આવ્યો. થિંગડાવાળી ચડ્ડી પહેરીને ટપલા જેવી સ્લેટ, પલાસ્ટિકની કોથળીમાં લઈને આવતો એક ગંદો ગોબરો છોકરો મોતીના દાણા જેવા અક્ષરોથી એકડા અને કક્કો બરક્ષરી લખતો અને કોઈ પણ સવાલ પુછાય ત્યારે એ સવાલ હજુ અડધો પૂરો ન થયો હોય ત્યાં જ એ, જવાબ આપવા પોતાની આંગળી ઉંચી કરતો.તપાસવા ખાતર સાહેબ કમને એને જવાબ આપવાની તક આપતા ત્યારે એ હોંશે હોંશે કડકડાટ કક્કો બોલી બતાવતો, એકડા બોલી બતાવતો. કલાસમાં સાતડે નવડે કેટલા અને આઠડે નવડે કેટલા એ સવાલોના જવાબ આ રાધવો ફટ લઈને બોલી દેતો. એની આ આવડત જોઈને પરાણે પરાણે ભણાવતા ધોરણ એકના વર્ગ શિક્ષકના અચરજનો પાર રહ્યો નહિ.આટલા ગરીબ છોકરાને પણ ઉત્તમ પ્રકારનું દિમાગ મળેલું જોઈને એમને રાઘવ
ગમવા લાગ્યો.અને રાઘવની જિંદગીમાં એમને રસ લેવો શરૂ કર્યો. એને છેક પાછળથી ઉઠાડીને પહેલી લાઈનમાં બેસાડવામાં આવ્યો.એ દિવસે રાઘવનો આનંદ ક્યાંય સમાતો નહોતો.ઘેર આવીને એના થાકેલા બાપને હોંશે હોંશે આ વાત કરી,પણ એ ગરીબ અને થાકેલો બાપ બાળકની આ સિદ્ધિ બદલ એની પીઠ થાબડી શાબાશી આપી શકયો નહીં. એટલે રાઘવે નાના ભાઈ બહેનને પોતાની આ સિદ્ધિના શ્રોતા બનાવ્યા અને ત્રણેય બાળકોએ આ ખુશી વહેંચી.
બીજા અને ત્રીજા ધોરણો વટાવ્યા ત્યાં સુધીમાં સ્લેટથી શરૂ થયેલી સફર કોઈની નોટબુક, કોઈનું પુસ્તક, કોઈની પેન્સિલ, કોઈની ફૂટપટ્ટી વગેરે તફડાવી લેવાની કળામાં પણ રાઘવ પારંગત થઈ ગયો હતો. કોઈ વસ્તુ અમુક સમય સુધી છુપાવી દેવાથી, કોઈ પુસ્તકનું પુઠું બદલાવી લેવાથી, કોઈ નોટબુકના આગળના પાના ફાડીને પોતાનું નામ લખવાથી.....
એ વસ્તુઓ પર પોતાની માલિકી સ્થાપી શકાય, એવી દ્રઢ માન્યતા એના દિમાગમાં બેસી ગઈ હતી.
જે વસ્તુ મળતી નહોતી એ આવી અલગ અલગ પદ્ધતિથી પોતાની કરી લેવાની આ વૃત્તિ ચોરી કહેવાય અને એની ખૂબ મોટી સજા ભોગવવી પડે એવી કોઈ જ સમજણ એને મળી નહોતી. ક્યારેક કોઈ પાઠમાં કે કોઈ બોધકથામાં એને એવું શીખવા મળતું કે બીજાની વસ્તુ ક્યારેય લેવી જોઈએ નહીં.પણ ત્યારે એવી સમજણ અને એ સંસ્કાર માટે એના દિલો દિમાગમાં કોઈ અવકાશ રહ્યો નહોતો.
ધીરે ધીરે એના વર્ગના વિદ્યાર્થીઓ
ની સારી વસ્તુઓ ગાયબ થવા લાગી. રાઘવની અડોશ પડોશમાં પણ ચીજો એમનું સ્થાન ગુમાવવા લાગી. રાઘવે પોતાના ઘરમાં એક જૂની ટ્રંક (મોટી પેટી)માં આવી ચીજો કે જે એને ગમી જતી એ ચોરીને છુપાવવા માંડી.
પણ ભણવામાં કોઈ એને પહોંચે એમ નહોતું.પાંચમા ધોરણ સુધીમાં શાળાના સૌથી હોનહાર વિદ્યાર્થી તરીકે એણે નામ કાઢ્યું. ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, રમત ગમત સ્પર્ધામાં વગેરે ઇતર પ્રવૃતિઓમાં પણ રાઘવનો કોઈ વિકલ્પ નહોતો.
ક્લાસના મોનીટરનું સ્થાન એને મળ્યું. કલાસમાં વાતો કરનાર અને તોફાન કરનારનું નામ બોર્ડમાં લખી સાહેબનો માર ખવડાવવાનો એને પરવાનો મળ્યો.
એ પાવરનો ઉપયોગ કરીને એણે લાંચ લેવાનું શરૂ કર્યું.કોઈ વિદ્યાર્થી નવી પેન્સિલ કે પેન લાવ્યો હોય તો એનું નામ રાઘવ બોર્ડમાં લખીને કલાસમાં વાતો કરવાનો આરોપ એની ઉપર લગાવતો.પેલો છોકરો
પોતાનું નામ ભૂસવા આજીજી કરતો ત્યારે રાઘવ બેશર્મીથી પેલી પેન્સિલ કે પેન માગી લેતો.જો પેલો આપવાની ના કહે તો કલાસમાં તોફાન કરવાનો આરોપ પણ મુકવાની અને સાહેબ પાસે માર ખવડાવવાની ધમકી આપતો. પેલાને ના છૂટકે પેન કે પેન્સિલ આપી દેવી પડતી.
દિવસે દિવસે રાઘવનો ત્રાસ વધવા લાગ્યો. અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિમાં અવ્વલ રહેતો રાઘવ શિક્ષકોના કામ દોડી દોડીને કરતો. અને એ હોશીયારીને કારણે તમામ છોકરાઓને એ દબડાવતો.
છોકરાઓને રાઘવના ખોફથી બચવા એના માટે ભાગ લાવવો પડતો, એની નોટમાં એનું લેશન કરવું પડતું. કોઈ કોઈને રાઘવના ઘેર જઈને એનું દફતર પણ ઉપાડીને શાળાએ લાવવું પડતું. પહેલા ધોરણમાં જે અન્યાય એને કરવામાં આવ્યો હતો એનો બદલો એના વર્ગના તમામ સહપાઠીઓ પર એ બડી બેરહમીથી લઈ રહયો હતો.
આમ, એક નાનકડી સ્લેટ નહીં મળવાથી એક હોશિયાર અને હોનહાર વિદ્યાર્થીની અંદર એની જાણ બહાર, એના માં બાપની જાણ બહાર, એના શિક્ષકોની જાણ બહાર એક અઠંગ ચોર, એક ત્રાસવાદી અને કોઈની ગમે તેવી ચીજ ગમે તે રીતે તફડાવી લેનાર-એક ઉઠાવગીર ઉછરી રહ્યો હતો. એને આ તમામ અપલક્ષણો
તેની અભ્યાસની તેજસ્વીતાના તેજ નીચે છુપાઈને વિકસી રહી હતી. ઘણીવાર એ ચોરી કરતા પકડાતો, કોઈની વસ્તુ બળજબરી
પૂર્વક પડાવી લેવાની ફરિયાદો ઉઠી
પણ આટલો હોશિયાર છોકરો આવું ન જ કરે એવો ન્યાય તોલવા
માં આવ્યો. અને પોતાના કરતૂતો
છુપાવવા રાઘવે સિફત પૂર્વક જૂઠું પણ બોલવા માંડ્યું.
ધીરે ધીરે ઉત્તમ પરિણામો સાથે એના કરતુતોનું કદ પણ મહાકાય થવા લાગ્યું.શાળામાંથી અને વિદ્યાર્થીઓની નાની મોટી ચીજો માંથી એની નજર હવે લોકોના ઘરમાં ફરવા માંડી. કોઈ દુકાનમાંથી
દુકાનદારની નજર ચૂકવીને, કોઈના ઘેર છાનામાના જઈને અમુક તમુક વસ્તુઓ એ ઉપાડવા લાગ્યો. રાત દિવસ ખેતરમાં પડયા પાથર્યા રહેતા એના માં બાપને પોતાના પુત્રના બત્રીસ લક્ષણોની ખબર પડી ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. સાત ધોરણ પાસ કરીને તાલુકા શાળામાં પહોચવા સુધીની સફરમાં બાર તેર વર્ષનો રાઘવ એક કુશળ ચોર બની ચૂકયો હતો. જો કે ગામમાં અનેક વખત એ પકડાયો હતો, ક્યારેક કોઈએ ધોલ થપાટ પણ કરી હતી પણ ત્યારે, હવે આવું ક્યારેય નહીં કરું, ભૂલ થઈ ગઈ વગેરે કાકલૂદી અને ખોટું ખોટું રડીને,નિર્દોષ હોવાનો અભિનય કરીને પોતાની જાતને છોડાવતા એ શીખી ગયો હતો. નાનકડી કે નજીવી વસ્તુની ચોરી કરનાર આ બાળકને, બાળક સમજીને લોકો જવા દેતા. ક્યારેક એના માબાપને ફરિયાદ કરતા પણ ખરા, પણ એના ગરીબ માં બાપ ખાસ ધ્યાન આપી શક્યા નહી.પણ ભણવામાં હોંશીયાર આ છોકરો લખણનો ખુબ જ ખોટો અને ચોરટો છે એવી એની છાપ આખા ગામમાં પડ્યા વગર ન રહી.
વિશ્વાસ અને અવિશ્વાસના વહાણને ધકાવતો ધકાવતો રાઘવ તાલુકા શાળામાં નવમાં ધોરણમાં વિદ્યાર્થીઓના દફ્તરમાંથી ચીજો ચોરી કરતો પકડાયો.પ્રિન્સિપાલ સાહેબે પહેલીવાર કડક સૂચના આપીને જવા દીધો. પણ આદતથી મજબુર રાઘવ વારંવાર જ્યાં ત્યાં જરૂરી અને બિન જરૂરી ચીજો તફડાવતા પકડાવા લાગ્યો.આખરે એને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો.ફરી એ જ કાકલૂદી "હવે ફરીવાર નહિ કરું.."ના સહારે એ ફરી સ્કૂલમાં દાખલ થયો. થોડો મોટો થયા પછી એ સમજ્યો કે આવી રીતે કોઈની વસ્તુઓ લેવી એ સારી બાબત નથી. અને એવી જરા જેટલી સમજણના સહારે બારમાં ધોરણમાં સ્કૂલ ફર્સ્ટ આવીને પોતાની તમામ બદનામી એણે ધોઈ નાખી અને અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમિશન લઈને ભણવા પણ ગયો ત્યારે રમેશ સાથે એને મિત્રતા થઈ.
રાઘવની ગરીબીએ એને આગળ ભણવાની પરમિશન આપી નહિ. એના નાના ભાઈ બહેનની જવાબદારીને કારણે એણે કમને કોલેજ છોડીને સુરતની વાટ પકડી. ભણવામાં તેજસ્વી રહેલો રાઘવ હીરા ઘસતા બહુ જ થોડા સમયમાં શીખી ગયો અને હીરા ઘસતા ઘસતા હીરાની કિંમત અને હીરાના વેપારમાં રહેલી અઢળક આવકને જોઈને એના મગજમાં ધરબાયેલી ઉઠાવગીર વૃતિએ ફરી માથું ઊંચક્યું. અને કારખાનામાં કારીગરોના હીરા સિફત પૂર્વક ચોરીને બજારમાં વેચી આવવાની કળા હસ્તગત કરી. બજારમાં મળતા હલકી ગુણવત્તાના હીરા ખરીદતો. કારખાનામાં ઘસવા આપવામાં આવતા ઉંચી કિંમતના હીરા તફડાવીને હલકા હીરા એની જગ્યાએ ગોઠવીને આબાદ બદલું મારતો. અને આ ઉંચા હીરા બજારમાં જઈ સારી કિંમતે વેચીને પૈસા કમાવા લાગ્યો.
સુરતમાં હીરાના ખૂબ જ સારા કારીગર અને ખૂબ સારું કમાતા હોવાની એની પ્રખ્યાતીને કારણે એને નીતા જેવી સંસ્કારી અને સારા ઘરની છોકરી પત્ની તરીકે મળી. પોતાનો કસબ લોકોથી છુપાવીને એ લોકોને છેતરતો રહ્યો.
હીરા બજારમાં દલાલી કરતા શીખીને રાઘવે મોટા વેઓરીઓનો વિશ્વાસ જીત્યો. શરૂઆતમાં પોતાના હાથનો મેલ ન લાગે એ રીતે શુદ્ધ વેપાર કરાવીને હીરાના વેપારીઓને સારો નફો કરાવી આપ્યો. એ જ રીતે જો એણે ચોખ્ખા હાથે દલાલી અને હીરાનો વેપાર કર્યો હોત તો રાઘવ પોતાના તેજ દિમાગથી એક ઉત્તમ ઉધોગપતિ બની શકે એટલી ક્ષમતા એ ધરાવતો હતો. પણ છ મહિનામાં જ એણે ટ્રેક બદલ્યો. અને એને વેચવા માટે આપવામાં આવતા હીરાના પેકેટમાંથી હીરાની અદલાબદલી કરીને, વેપારમાં ગાળીયું કરીને, કોઈની ઓફિસમાં નજર ચૂકવીને અમુક હીરા તફડાવીને લોકોને છેતરવાનું શરૂ કર્યું.
એ દરમ્યાન રમેશ કોલેજ પુરી કરીને સુરત આવ્યો.અને એને રહેવા જમવાની વ્યવસ્થા ન હોવાથી રાઘવે પોતાના ઘેર રમેશને રાખ્યો. રમેશ પહેલેથી જ હીરામાં રસ નહોતો ધરાવતો. એને શિક્ષક થવું હતું એટલે થોડા સમય પછી વરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલી કોઈ સ્કૂલમાં એ શિક્ષક તરીકે જોડાયો અને ત્યાં જ આવેલી રચના સોસાયટીમાં મકાનના પાછળના ભાગમાં આવેલી જેન્તીની સિંગલ રૂમમાં , જેન્તી સાથે એ રહેવા લાગ્યો.
પોતાની મુશ્કેલીના સમયમાં એક સારા મિત્ર તરીકે પોતાને સાચવનાર રાઘવના પરાક્રમોથી અજાણ રમેશ, રાઘવને એક ઉત્તમ અને ખૂબ સજ્જન વ્યક્તિ તરીકે જોતો હતો. હીરા ઉધોગની કાળી અને વરવી બાજુથી અજાણ રમેશ પોતાના દોસ્તની મદદ કરવા માટે તત્પર હતો. રાઘવના ભૂતકાળથી અજાણ અને કોલેજમાં ખૂબ જ ઓછા સમય સુધી સાથે રહેલા રમેશને રાઘવની કસબ કળાનો પરિચય હોત તો એ દિવસે એણે હીરાનું એ પેકેટ સાચવવા ક્યારેય રાખ્યું ન હોત.
તે દિવસે રાઘવ સાંજે પાંચ વાગ્યે રમેશની સ્કૂલ પર ગયો હતો. ભોળીયા રમેશને, પોતે ખૂબ જ મુશ્કેલીમાં હોવાનો અભિનય કરીને રાઘવે હીરાનું એ પેકેટ સાચવવા મનાવી લીધો હતો. જો કે રાઘવના કરતુતોથી અજાણ, અને રાઘવને પોતાનો પરમ મિત્ર માનતા રમેશને આ કામ સોંપવા માટે રાઘવને કોઈ અભિનય કરવાની જરૂર નહોતી. સુરત જેવા શહેરમાં જ્યાં સગો ભાઈ પણ ભાઈને સાથે રાખવા તૈયાર ન હોય એવા સમયમાં રાઘવે રમેશને પોતાના ઘેર છ મહિના સાચવ્યો હતો. અને જમવાના પૈસા લેવાને બદલે વાપરવા પણ પૈસા આપ્યા હતા.રાઘવનો આ એક ગુણ ખૂબ સારો હતો. એને ખૂબ ઓછા દોસ્તો હતા કારણ કે નાનપણમાં જે અપમાનો સહન કરવા પડ્યા હતા એને કારણે એનો સ્વભાવ ત્રાસવાદી થઈ ગયો હતો.એટલે કોઈપણ એની મિત્રતા પામી શકતું નહીં. પણ રાઘવ,પોતાના જેટલા પણ દોસ્તો હતા એ બધા માટે બધું જ કરી છૂટતો. મિત્રની કોઈપણ ચીજ, પછી ભલે તે ગમે તેટલી કિંમતી હોય તો પણ એ લઈ લેવાનો વિચાર સુધ્ધાં એના મનમાં ક્યારેય સ્ફુરતો નહીં.
રમેશને જે પેકેટ રાઘવે આપેલું એ પેકેટમાં બે લાખ કરતા પણ વધુ કિંમતના હીરા હતા. એ વાતની જાણ રમેશને ખૂબ મોડી મોડી થઈ હતી. અને એ હીરાનું પેકેટ જે વેપારીનું હતું એ વેપારી મનું સાવજ (અટક છે) ખૂબ માથાભારે વ્યક્તિ હતો.હીરા બજારમાં એનું નામ ખૂબ મોટું હતું અને એના કારખાનમાંથી કે ઓફિસમાંથી કોઈ એક સળી પણ ચોરવાની હિંમત કરતું નહીં. હીરા વેચવા માટે એ જે દલાલોને પેકેટ આપતો એ તમામ દલાલો મનું સાવજના એક પણ હીરાને અડતું નહીં. મનું સાવજ એટલો ચાલાક અને હીરા પારખું હતો કે એના દરેક હીરાને એ ઓળખતો.
એના કારખાનામાં બદલું મારનાર અને એના વેપારમાં ગાળીયું કરનાર ઘણા કારીગરો અને દલાલો ના હાથપગ એણે ભાંગી નાખ્યા હતા. દગાખોરો માટે મનું સાવજ મોતનું બીજું નામ હતો. અને રાઘવે એ જ મનું સાવજના હીરાનું આખું પેકેટ તફડાવી લીધું હતું.
આવા એક નહીં પણ ઘણા લોકોના હીરા રાઘવે ચોરીને રમેશ જેવા હીરાના બિઝનેસ સાથે ન સંકળાયેલા તેના દોસ્તો, સ્વજનો અને સગા વ્હાલઓને સાચવવા આપ્યા હતા.
પણ અતિલોભ પાપનું મૂળ છે, અને પાપનો ઘડો ગમે તે દિવસે ભરાઈ જ જાય છે એ વાત કદાચ રાઘવ ભૂલી ગયો હતો.
હીરા બજારમાંથી જ રાઘવનો ઉઠાવી લેવામાં આવ્યો હતો અને મનું સાવજની ઓફિસમાં રાઘવની રિમાન્ડ લેવામાં આવી હતી.
રાઘવની નિર્દોષ હોવાની અભિનય
કળાએ એક વખત મનું સાવજને વિચારમાં નાખી દીધો હતો કે આ માણસ ચોર ન હોઈ શકે. પણ બીજા એક બે જણને આ ઘટના અગાઉ પણ રાઘવ અંગે શંકા હતી
એ લોકોએ રાઘવ સાથેના વેપારમાં ખોટ ખાધી હતી.
જેટલા લોકોના હીરા રાઘવે ગુમ કર્યા હતા એ તમામ ભેગા થયા હતા અને તે રાત્રે રાઘવનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
(ક્રમશ :)