no khatpat only natkhat krishna books and stories free download online pdf in Gujarati

નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ

નો ખટપટ ઓન્લી નટખટ : શ્રી કૃષ્ણ

કૃષ્ણ.કૃષ્ણ.કૃષ્ણ. કહેવાય છે કે કોઈપણ શબ્દની ત્રી-આવૃત્તિ થાય એટલે એ 'પરફેક્ટ આન્સર' બની જાય. બસ આજ આપણા ફલેક્સિબલ સુપરસ્ટાર, લોકલાડીલા, બિનહરીફ ચૂંટાયેલા, લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ બિરાજેલા, કોઈપણ સ્થિતિમાં કમ્ફર્ટેબલ થઈ ખંભે હાથ રાખીને કાનમાં કહે કે, "..મારી રાહ ન જોતો...જીવનમાં સંઘર્ષ તો તારે જ કરવો પડશે...મારી પૂજાનું ફળ 'સંઘર્ષ-મુક્તિ' તો હોય જ ન શકે.." ખરા ટાણે દિવ્ય-દૃષ્ટિ અર્પનાર, પ્રેમ મર્મને જીવંત રાખનાર અને જુવાનીયાઓના મોબાઈલમાં પણ વોલ-પેપરમાં ચમકનાર, આપણી અસ્ત-વ્યસ્ત ધાર્મિકતાને હસતાં ચહેરે સ્વીકારનાર, ભક્તોની અનુકૂળતાએ પોતાની દિનચર્યા ચલાવનાર, વાતે-વાતે 'કૃષ્ણને રાધા ન મળી' એવી અજ્ઞાની માનસિકતાને સાંભળનાર, આપણાં સ્વાર્થીપણાને પણ મંદિરમાં હોંકારો દેનાર અને 'જેલથી પ્રભાસપાટણની યાત્રા ખેડનાર "કૃષ્ણ વસુદેવ યાદવ.. ઉર્ફે કાનો.

જન્માષ્ટમી એટલે કૃષ્ણાષ્ટમી અને સાથે કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રમાતી જુગારાષ્ટમી પણ. ભગવાને માનવ બનાવ્યા પરંતુ માનવજાત ભગવાન ઓળખવામાં થાપ ખાય ગઇ. કોઈએ માત્ર ઉત્સવોમાં સીમિત કર્યા તો કોઈએ મંદિરોના પથ્થરોમાં જડી દીધા, કોઈએ ધર્મના નામે ભગવાનના ભાગલા કર્યા તો કોઈએ ભગવાનને જ આગળકરી બધાને લૂંટયા. ગીતાજીમાં કૃષ્ણએ જે ગળા ફાડી ફાડીને સમજાવ્યું એ બધું અદાલતમાં કસમ ખાવાની સાક્ષીએ સાક્ષી બની ગૂંગણાઈ છે. જે પ્રેમ નામનું પરમતત્ત્વ કૃષ્ણએ દુનિયાને આપ્યું એ પ્રેમ-તત્ત્વ જ સૌથી વધુ બીમાર પડે છે. મનમાં કંસને સિંહાસન સોંપી આંખ સામે કૃષ્ણના રાસની ઈચ્છા કરનાર વ્યક્તિ કૃષ્ણમય ન હોય શકે.

"અવતાર એક રૂપ અનેક" બધાનાં દિલનો કાનુડો અલગ છે. બધા કૃષ્ણની અલગ-અલગ વ્યાખ્યા કરી પોતાના મનમાં કૃષ્ણ રચે છે. ઓશોના વિચારોને ટાંકીએ તો, "પૂર્ણ કૃષ્ણ કયારેય આપણને પચ્યા જ નથી અને પચાવી શકીએ પણ નહીં." આપણે ટુકડે-ટુકડે પ્રેમ કર્યો. કોઈએ બાલ-કૃષ્ણ અપનાવ્યા તો કોઈએ માખણચોર, કોઈએ ગીતાના યોગપુરુષને તો કોઈએ વેણુનાદથી રાધાને ડેટ કરતાં મોસ્ટ રોમેન્ટિક હેન્ડસમ કનૈયાને. કોઈએ રણછોડને આવકાર્યા તો કોઈએ ચિત્તચોરને પામ્યાં. માટે કૃષ્ણ પૂર્ણ છે પરંતુ આખા કૃષ્ણને પચાવવા કઠિન છે.

એક કૃષ્ણના ઘણા ભાગ થયા. જે વિવિધ સંપ્રદાયો રૂપે કલિયુગમાં "ભક્તિ" ફેલાવે છે. એક ઉત્તમ સમાજની રચના કઈ રીતે થઈ શકે, એક ઉત્તમ વિચારધારા કઈ રીતે માણસાઈને પોષી શકે, બ્રહ્માંડના કણથી અનંતની ક્ષણ સુધીની માહિતી સમજૂતી અને જીવનની જડીબુટ્ટી એટલે કૃષ્ણ અવતાર. મારો પર્સનલ મત એવો છે કે અભ્યાસક્રમમાં ફરજિયાત "કૃષ્ણ" નામનો તાસ ગોઠવાય અને ગાયન શૈલીમાં કૃષ્ણ-ચરિત્ર પીવડાવાય તો ભારતીય સંસ્કૃતિને હિન્દૂ-ધર્મ ટકાવવા સમુદ્ર-મંથન નહિ કરવું પડે.

મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાની ડાયાબીટીસ વધતી જાય છે. ત્યારે આ યુગમાં "ડિજિટલ કૃષ્ણ"ની જરૂર છે. જો બોલીવુડના આપણે બનાવેલા હીરોની વીડિયો ગેમ્સ લોન્ચ થાય અને બધા રમે તો પછી કાનુડા પર ગેમ બનાવી, 2000 પછી જન્મેલા બાળકોને કૃષ્ણ સુધી પહોંચાડી શકાય. માત્ર ગર્ભમાં બાળક હોય ત્યારે શાસ્ત્રો વાંચવાના અને જન્મે પછી મંદિરમાં અગરબત્તી કરવા રાખી દેવાની ભૂલ ભારત હજી ભોગવે છે.

જો કૃષ્ણને મિત્ર બનાવવાની મહેચ્છા હોઈ તો એમના થોડા રુલ્સ ફોલો કરવા રહ્યા. કર્મપ્રિય બનવાનું અને ઈમાનદારી ક્ષણે ક્ષણે રાખવાની, કોઈપણ કામ કરવામાં શરમ લજ્જા કે નાનપ નહિ અનુભવવાની, સામે વાળા વ્યક્તિને ઉતરતો ગણી લેવાની કુટેવ સદા ત્યાગવાની, પ્રેમને શુદ્ધ રાખવાનો, મિત્રને હૃદયથી સ્વીકારવાનો, સ્ત્રીનું સન્માન સદા કરવાનું(દેવકી, યશોદા, રાધા, રુક્મિણી, દ્રૌપદી, સુભદ્રા, કુંતા બધી ગોપીઓ વગેરે સાથે કયારેય કૃષ્ણ ભગવાન તોછડાયા હોય એવું વાંચ્યું નથી), પરિણામની ચિંતા વગર બેફિકર અડીખમ ઉભું રહેવાનું, માત્ર બે હાથ જોડી મંદિરોમાં રોદણાં નહિ રોવાના, સમાધાનપ્રિય સ્વભાવ અને નમ્રતાપ્રિય પ્રભાવ રાખવાનો, અનિતિનો વેપાર છોડવાનો, જુગાર-ચોરી-દારૂ-અનિતિનું સુવર્ણ અને વ્યભિચારથી ખાસ સો ફૂટ દૂર રહેવાનું કારણ કે આવી જગ્યાએ જ કળિયુગનો વૈભવ છે બાકી તો સમગ્ર વિશ્વ વ્રજ છે. સુદામાને ભેટવાનું અને ભ્રષ્ટાચાર નામના કંસ તરફ સુદર્શન ચક્ર ફેકવાનું, માનવતાથી કિંમતી માનવ પણ નથી એ સ્મરવાનું. ગમે તેવું મોટું કુરુક્ષેત્ર જીવનમાં આવે કયારેય પણ 'લડયાં પહેલા હાર નહિ માનવાની' આટલી શરતોમાં રાઈટ ટીક હોય તો કૃષ્ણના વોટ્સએપ ગૃપમાં આસાનીથી મેમ્બર્સ બની શકીએ.

"गोपीनां परमानन्द आसीद् गोविन्ददर्शने"(ભાગવત 10/19/16) ગોપીઓને તો માત્ર ગોવિંદના દર્શનથી જ પરમાનંદનો અહેસાસ થતો અને કૃષ્ણથી દૂર એક ક્ષણ એમને સો યુગો લાગતી. આ છે પ્રેમની પરિભાષા. કૃષ્ણ એટલે પરમ-આનંદ. આનંદ શબ્દને સમજવામાં આપણે ક્યાંક ભૂલા પડ્યા. ચિલ કરવું, પાર્ટી કરવી, અને મજાક-મસ્તી એટલે આનંદ નહિ. અહીં આત્મા-સંતોષની વાત છે નહિ કે દેહ-સંતોષ. સત્ય જીવન જીવવાનો આનંદ એ કૃષ્ણ. રાજનીતિનો ખોટો ઉપયોગ ન કરવો એ આનંદ કૃષ્ણ છે. સમય પ્રમાણે જાતને ઢાળી "કૃષ્ણતા"ની સરહદમાં રહી આનંદિત જીવન માણવું એ પરમ-આનંદ. શરીર કરતા "આત્માની ફિટનેસ" વધુ મજબૂત કરવાનો માર્ગ એટલે કૃષ્ણ. વિશ્વાસ નામની વાંસળી મધુરતા પ્રસરાવે એ પરમ-આનંદ એટલે કૃષ્ણ.

નસીબદારો જ જન્માષ્ટમીની રાતે "જય કનૈયાલાલ કી" બોલી જન્મોત્સવ ઉજવી શકે બાકી ઘણા તો એ સમયે જુગાર રમી 'કંસોત્સવ'માં કૃષ્ણને હારતાં હોઈ છે. અને પોતાના પરિવારને પણ જુગારની કમાણીથી દૂષિત કરે છે. આમ જુગાર-ડ્રગ-દારૂ-વેશ્યાગમન-છેતરપીંડી-અનાદર વગેરે તુચ્છ કામો કરી ખુશ થતાં જરાસંઘો અંતે કપાય જ છે. અને આવી ક્ષણિક ખુશીને "મોજ કે આનંદ" માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.

આવો સાથે મળી જગતગુરુનો જન્મદિવસ બંધ ઓરડામાં નહિ પરંતુ માણસાઈના મોટા મહેલમાં સેલિબ્રેટ કરીએ. કૃષ્ણાર્પણમ્ અસ્તુ.

મોરપીંછ

કૃષ્ણને મળવા જાવ ત્યારે "વિદ્વવત્તા" ને પગરખાંની બાજુમાં મૂકીને જવું.

- જયદેવ પુરોહિત




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED