વન્સ અપોન અ ટાઈમ - 54 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 54

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 54

૧૯૯૪માં આ રીતે ૨૯ બિલ્ડરો અને વેપારીઓ અમર નાઈક, અરુણ ગવળી, છોટા રાજન કે દાઉદ ઇબ્રાહિમ ગેંગના શૂટરોની ગોળીના નિશાન બન્યા હતા.’

કડકડાટ બોલી રહેલો પપ્પુ ટકલા વચ્ચે થોડી વાર અટક્યો. એણે બ્લેક લેબલનો નવો પેગ બનાવ્યો અને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી. એ થોડી વાર કોઈ વિચારે ચડી ગયો હોય એવું લાગ્યું. પણ બીજી મીનીટે એણે અમારી સામે જોઇને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી વળી એની આદત પ્રમાણે એણે વાતનો દોર સાધી લીધો, ‘૧૯૯૪માં હરીફ ગેંગના ફાઈનાન્સરોને ઉડાવી દેવાનો ખેલ શરુ થયો એ સાથે બીજી બાજુ ખંડણીની ઉઘરાણીના કિસ્સાઓનો ગ્રાફ પણ ધડાધડ ઉંચે જવા માંડ્યો.

ખંડણી આપવાની આનાકાની કરનારા બિલ્ડરો, વેપારીઓ અને હોટેલ માલિકોને ખતમ કરવાના કિસ્સાઓ પણ અકલ્પ્ય રીતે વધવા માંડ્યા અને મુંબઈ એકદમ અસલામત શહેર બનવા માંડ્યું. આમ પણ સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુંબઈની ઈમેજ ખરડાઈ ગઈ હતી. સલામત શહેર ગણાતા મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ પછી રાતના અગિયાર વાગ્યે રસ્તાઓ સુમસામ ભાસવા માંડ્યા હતા. એમાં વળી ઉપરાછાપરી હત્યાની ઘટનાઓને પગલે વેપારીઓ, હોટેલમાલિકો અને બિલ્ડરો ફફડી ઉઠ્યા હતા.

આ દરમિયાન દાઉદ ઇબ્રાહિમ ગેંગમાં અંડરવર્લ્ડના સ્ટાર તરીકે ઉભરી આવેલ અબુ સાલેમનો ખોફ મુંબઈની વેપારી આલામમા છવાઈ રહ્યો હતો. અબુ સાલેમે ૧૯૯૪ના વર્ષ દરમિયાન દાઉદ ઇબ્રાહિમ ગેંગને મુંબઈમાંથી રૂપિયા ૫૦૦ કરોડથી વધુ રકમ ખંડણી પેટે ઉઘરાવી આપી હતી. તો ગવળી ગેંગ દ્વારા પણ મુંબઈમાંથી રૂપિયા ૨૦૦ કરોડથી વધુ રકમ ખંડણી તરીકે ઉઘરાવાઇ હતી. છોટા રાજન અને અમર નાઈક ગેંગ પણ પાછી પડે એમ નહોતી. એ ગેંગો દ્વારા પણ રૂપિયા ૧૦૦-૧૦૦ કરોડ જેટલી રકમની ખંડણી ઉઘરાવાઇ હતી.

મુંબઈના બિલ્ડરો, હોટેલમાલિકો અને વેપારીઓ તથા ફિલ્મસ્ટારો ધ્રુજી રહ્યા હતા, મુંબઈમાં આ ખેલ ચાલી રહ્યો હતો ત્યારે એક નવા ખેલાડીની મુંબઈના અંડરવર્લ્ડમાં એન્ટ્રી થઇ. એણે પોતાની ગેંગને મુંબઈમાં ઉતારી હતી. ગવળી, નાઈક, દાઉદ અને રાજન ગેંગ જે રીતે મુંબઈમાં ખંડણી ઉઘરાવી રહી હતી એ જોઇને આ ખેલાડીને પણ આકડે મધ દેખાયું હતું. જોકે આ મધ પર માખીઓ બણબણતી હતી પણ એમ છતાં એ ખેલાડી હિંમતપૂર્વક મુંબઈના અંડરવર્લ્ડમાં પ્રવેશ્યો હતો. એણે એક ઝવેરીના અપહરણ કરીને પૈસા ઉઘરાવવાની શરુઆત કરી હતી. એક મારવાડી ઝવેરીનું અપહરણ કરીને એના કુટુંબ પાસેથી નવા ખેલાડીએ રૂપિયા 4 કરોડ પડાવ્યા હતા અને મુંબઈ પોલીસ ચોંકી ઉઠી હતી.’

***

મુમ્બૈયા અંડરવર્લ્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર એ ખેલાડી બબલુ શ્રીવાસ્તવ હતો. ઉત્તર પ્રદેશનો વતની બબલુ શ્રીવાસ્તવ લખનૌનો વિદ્યાર્થી આગેવાન હતો ત્યારથી આડી લાઈને ચડી ગયો હતો. એંસીના દાયકાની શરૂઆતમાં એનો પરિચય ગુંડા સરદાર તરીકે પંકાયેલા કોંગેસી વિધાનસભ્ય રામગોપાલ મિશ્રા સાથે થયો અને જાણે મરકટને નિસરણી મળી ગઈ.

રામગોપાલ મિશ્રાએ એને કોંગ્રેસમાં એન્ટ્રી અપાવી. અને પછીના ચાર વર્ષમાં તો બબલુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ યુથ કોંગ્રસ કમિટીનો મહામંત્રી બની ગયો હતો.

બબલુ શ્રીવાસ્તવની મ્હ્ત્વકાક્ષા આકાશ જેવી હતી. એણે પૈસા બનાવવા માટે સરળ રસ્તો અજમાવ્યો. ઉત્તર પ્રદેશના શ્રીમંત વેપારીઓના અપહરણ કરીને એમણે છોડવા માટે કરોડો રૂપિયા પડાવવાનો ગોરખધંધો એણે શરુ કર્યો.

બહુ ટૂંકા ગાળામાં એણે પોતાના ગોરખધંધાની ક્ષિતિજો વિસ્તારી હતી. ઉત્તર પ્રદેશ સિવાય એણે હરિયાણા,હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પોતાની ગેંગ વિસ્તારી હતી. પૈસા કમાવવાની લાયમાં રખડતા અનેક બેકાર ટપોરી યુવાનો એને મળવા માંડ્યા. અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક પોતાનું નેટવર્ક વિકસાવ્યા પછી એની નજર મુંબઈ પર પડી હતી. મુંબઈના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવા માટે એણે મુંબઈના શ્રીમંતોનું એક લીસ્ટ બનાવ્યું હતું. મુંબઈમાં પહેલો ખેલ એણે એક જાણીતા ઝવેરીનું અપહરણ કરીને એણે એને છોડવા માટે રૂપિયા 4 કરોડ પડાવ્યા. આ સફળતાથી એની હિંમત ખુલી હતી. એણે બીજું નિશાન મુંબઈના ટોચના બિલ્ડર્સ પૈકી એક વિશ્વનાથ મિત્તલને બનાવ્યા.

શ્રીવાસ્તવે કાઠમંડુમાં બેઠાં બેઠાં વિશ્વનાથ મિત્તલના અપહરણની યોજના ઘડી કાઢી હતી. જાણીતા ઝવેરીનું અપહરણ કરીને પડાવેલા પૈસામાંથી એક ફ્લેટ ખરીદ્યો હતો. એ ફ્લેટમાં એની ગેંગના ગુંડાઓને પડાવ નાખ્યો હતો.

ઝવેરીના આ અપહરણ પછી એની ગેંગના ગુંડાઓએ મુંબઈના નરીમાન પોઈન્ટ જેવા વિસ્તારમાંથી વિશ્વનાથ મિત્તલનું અપહરણ કર્યું. પણ એક પોલીસ અધિકારીની બાજ નજરને કારણે બબલુ શ્રીવાસ્તવ ગેંગની યોજના ઉંધી વળી ગઈ. પોલીસ સાથેની અથડામણમાં બબલુ શ્રીવાસ્તવ ગેંગનો એક ગુંડો માર્યો ગયો અને બીજા બે ગુંડા વિશ્વનાથ શાલિગ્રામ પંત અને સંજય જગદીશ ખન્ના ઝડપાઈ ગયા. એમણે પોલીસ સમક્ષ કબુલ્યું કે બિલ્ડર વિશ્વનાથ મિત્તલનું અપહરણ કરીને રૂપિયા ૨૦ કરોડ પડાવવાની બબલુ શ્રીવાસ્તવની યોજના હતી. બબલુ શ્રીવાસ્તવનો આ ખેલ ઉંધો પડવા છતાં મુંબઈ પોલીસના માથાના દુખાવા સમાં ગુંડા સરદારોમાં એકનો ઉમેરો થયો હતો. બીજી બાજુ મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરમાં નવો વળાંક આવ્યો હતો. મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર ઉત્તરપ્રદેશ સુધી વિસ્તરી હતી.

અંડરવર્લ્ડના એન્સાઈક્લોપીડિયા સમો પપ્પુ ટકલા થોડી ક્ષણો માટે અટક્યો. એણે એના જમણા હાથના કાંડા ઉપર બાંધેલી વિદેશી ઘડિયાળમાં સમય જોયો એને પછી ‘એક્સ્યુઝ મી’ કહીને એ અંદર ગયો. એ વખતે ઓફિસર ફ્રેન્ડના ચહેરા ઉપર આવેલી ચમક અમે જોઈ શક્યા. પણ એમણે કોઈ કોમેન્ટ પાસ કરી નહીં. અમે થોડી વાર આડીઅવળી વાત કરી ત્યાં પપ્પુ ટકલા પાછો અમારી સામે આવીને ગોઠવાયો હતો. ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?,’ આદતવશ એણે પૂછ્યું અને પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના વાત આગળ ધપાવી દીધી.

(ક્રમશ:)