mission mangal books and stories free download online pdf in Gujarati

મિશન મંગલ

આ ફિલ્મ 'માંગલિક' છે

દેશી બોયઝની ફિલ્મો આવી, દેશ ભક્તિની ફિલ્મો આવી, આ 15મી ઑગસ્ટે ઘણી ફિલ્મો આઝાદ(રિલીઝ) થઈ, એમાં બે ચર્ચામાં રહી. જ્હોનની બાટલા હાઉસ તો અક્ષયની મિશન મંગલ. બંને ફિલ્મો સત્યઘટના પર આધારિત. એકમાં કોર્ટ-કચેરી તો બીજામાં ઈશરો-કચેરી. જાણે અક્ષય વિરુદ્ધ જ્હોન. આપણને પણ સરખામણી કરવાની જન્મજાત આદત પડી ગઈ. જો ભી નજર આયે, ઉસે આપસમેં ટકરા દો, તોલ દો, મોડ દો ઔર છોડ દો...

મારા મતે આવી ફિલ્મોને સારી છે કે ખરાબ એવા માપદંડમાં ન મૂકવી જોઈએ. સત્યઘટના 'સત્યઘટના' હોય છે. એમાં મસાલો હોય તો મજા આવે અને મસાલો ન હોય તો ઉમેરાય નહીં. આવી ફિલ્મો જાણકારી માટે, નોલેજ માટે હોય છે.

બાટલા હાઉસ કરતાં જાણવાની જરૂર છે મિશન મંગલ વિશે. એટલે એની વાત કરીએ. આ ફિલ્મનો એન્ડ બધાને ખબર જ હતો કે અંતમાં મંગલયાન મંગળ પર પહોંચવાનું જ છે. કારણ કે આખા ભારતને ખબર છે કે આપણી પાસે આ સિદ્ધિ છે. છતાં પણ આ ફિલ્મ જોવું જોઈએ. ખાસ તો ઇન્ફોર્મેશન, નોલેજ, અને વિજ્ઞાનને સમજવા માટે. ખાસ વિદ્યાર્થીઓએ જોવું જોઈએ. ખ્યાલ આવશે કે સ્કૂલમાં લેક્ચર સાંભળી સાંભળીને જે શીખીએ છીએ, એ ઉપયોગી છે, જરૂરી છે, અને જે ભણીએ છીએ એ બધું આપણે કરી શકીએ છીએ. વાત રહી ફિલ્મની તો...

નિરાશા શબ્દમાં જે 'આશા' શબ્દોનું અસ્તિત્વ રહેલું છે. એજ આશાને ફિલ્મમાં સારી રીતે દર્શાવાય છે. અને ઈશરોની ખાનગી ઓફિસોની તીખીમીઠી ચર્ચાઓ જોવાનો લ્હાવો છે.
અક્ષય કુમાર મુખ્ય વૈજ્ઞાનિકની ભૂમિકામાં છે પરંતુ આખું ફિલ્મ વિદ્યા બાલન પોતાના ખંભે નાખીને દોડી છે. બીજા બધાં કલાકારો ફિકકા પડી ગયા વિદ્યાની કલાકારી સામે. હા, અક્ષય કુમાર પણ...

સફળ થવા માટેનું પહેલું પગથિયું નિષ્ફળતા છે. ફિલ્મની શરૂઆતમાં જ ઈશરોનું ભોપાળું થાય છે. અને મીડિયાવાળા ગાળો આપવાનો મોકો છોડતાં નથી. ભારતને બદનામ કરવામાં મીડિયાનો ફાળો જરાપણ ઓછો નથી. ખેર, એ વાત પછી. રાકેશ સરને(અક્ષય) સજા રૂપે માર્શ ડિપાર્ટમેન્ટ મળે છે. જાણે ભૂતિયો મહેલ. અક્ષય ત્યાં જાય અને બસ હતાશામાં બેસી રહે છે. અહીંથી ફિલ્મ મિશન મંગલ તરફ આગળ વધે છે... જલ્દી જલ્દી હાઈલાઇટ્સ જોઈએ...


રોકેટની નિષ્ફળતા,અક્ષયની હકાલપટ્ટી, વિદ્યાની દિમાગબત્તી, ગેસ બંધ થયા બાદ પણ તળાતી પુરી, મિટિંગમાં પુરી બનાવવી, મિશન માર્શ માટે અધિકારીઓને મનાવવા, વિદ્યાનો જુસ્સો, ડિપાર્ટમેન્ટની ખરાબ દાનત, બિનઅનુભવી ટીમ આપવી, અક્ષય-વિદ્યાનો માસ્ટર પ્લાન, બધા કલાકારોની ટીમ ભેગી થવી, પાંચ નારીની કરામત, ત્રણ નરની તરકીબ, બજેટ ઘટવું, મિશન રોકવું, કરકસર કરી મિશન શરૂ રાખવું, હોમસાયન્સને સાયન્સમાં ઉમેરવું, ટીમનું વિખાવું, વિદ્યાની મોટીવેશનલ સ્પીચ, અને મીશન મંગલ સક્સેસ...!!

પરંતુ વચ્ચે આવતી મુસીબતો અને બધા પાત્રોની પર્સનલ લાઈફ સારી રીતે ગૂંથી છે. ગૃહિણી તરીકે વિદ્યા શ્રેષ્ઠ સાબિત થાય. તાપશી, સોનાક્ષી,કીર્તિ વગેરેએ અભિનયમાં અનુભવ બતાવ્યો તો શરમન જોશીએ ફરી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. અક્ષયની એક્ટિંગ તો હોય છે બેસ્ટ. એટલે ફિલ્મ ક્યારે શરૂ થાય અને ક્યારે ખતમ થઈ જાય એ ખ્યાલ જ ન રહે. એક જ પ્રવાહમાં ઉછળતી કૂદતી જાય અને આપણે પહોંચી જઈએ મંગલ પર...

જરૂર પ્રમાણે ફિલ્મમાં એક જ ગીત રાખ્યું છે ત્યાં લેખકો અને નિર્માતાનો હ્યુમર દેખાય છે. ઈશરોને સારી રીતે બતાવવામાં આવ્યું, અબ્દુલ કલામને પણ યાદ કર્યા, બધા પાત્રોને જરૂરી પૂરતાં જ ડાયલોગ્સ. ટીમ વર્ક, નોકરી મળ્યાં બાદ નિવૃત થઈ જતાં કર્મચારીઓ પર કટાક્ષ, નોકરી પ્રવૃત રહેવા માટે મળે એ ન ભૂલવું. બાકી ફિલ્મમાં બધા પાત્રોની પોતાની લાઈફ થોડી વધુ બતાવી છે, અને રોકેટ કઈ રીતના તૈયાર થયું એ થોડું ઓછું બતાવાયું છે. એ વધુ દેખાડવાની જરૂર હતી. પણ જે છે એ પણ ઓછું તો નથી. ફિલ્મ નાની પણ જ્ઞાની છે. સારી છે કે ખરાબ એવું કોઈને પણ પૂછ્યા વિના જોવા જવું....

વિજ્ઞાનનું થોડું નોલેજ અને વૈજ્ઞાનિકો કંઈ રીતે કામ કરતાં હોય છે એ જાણવા માટે ફિલ્મ જોવાય, પૃથ્વી સિવાયના ગ્રહોને માણવા ફિલ્મ જોવાય, કરોડોના કોન્ટ્રાકટ કઈ રીતે થતા હોય એ જાણવા ફિલ્મ જોવાય, ભારતની દિવ્ય સફળતા માણવા ફિલ્મ
જોવાય, અને જોવું હોય તો જવાય.

- જયદેવ પુરોહિત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED