મુવી રિવ્યુ - બાટલા હાઉસ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ - બાટલા હાઉસ

આ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયેલી બંને ફિલ્મો સત્ય ઘટનાઓ પર આધારિત છે, મિશન મંગલ અને બાટલા હાઉસ. આ બંને ફિલ્મોમાંથી બાટલા હાઉસ એક વિવાદાસ્પદ ઘટના પર આધારિત છે, વળી તેના અદાકારો મિશન મંગલના સુપર સ્ટાર્સની કક્ષાએ નથી પહોંચતા. આવામાં બાટલા હાઉસને દર્શકો મેળવવામાં તકલીફ પડે પરંતુ શું ફિલ્મ એવી છે ખરી જેનાથી તેને દર્શકો સાવ ન જ મળે અથવાતો ઓછા મળે?

ફિલ્મ: બાટલા હાઉસ

કલાકારો: જ્હોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર, મનીષ ચૌધરી, રાજેશ શર્મા, નોરા ફતેહી અને રવિ કિશન

નિર્દેશક: નિખિલ અડવાણી

રન ટાઈમ: ૧૪૫ મિનીટ્સ

કથાનક:

આજથી લગભગ દસ વર્ષ પહેલા દિલ્હીમાં ઓખલા યુનિવર્સીટી વિસ્તારમાં કેટલાક વિદ્યાર્થીઓનું એન્કાઉન્ટર થાય છે. આ ઘટના થયાની તુરંત બાદ સ્થાનિકો, રાજકારણીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ મિડિયા દ્વારા આ એન્કાઉન્ટરને ફેક એન્કાઉન્ટર જાહેર કરી દેવામાં આવે છે. આ એન્કાઉન્ટરને અંજામ આપનાર એસીપી સંજય કુમાર યાદવ અને તેમની પૂરી ટીમને આ ફેક એન્કાઉન્ટર કરવા માટે જવાબદાર પણ ઠેરવવામાં આવે છે.

પરંતુ, ખરેખર તો માર્યા ગયેલા કહેવાતા ‘વિદ્યાર્થીઓ’ આતંકવાદી ગ્રુપ ઇન્ડિયન મુજાહિદ્દીનના ઓપરેટર્સ હતા અને ખતરનાક આતંકવાદીઓ હતા. સંજય કુમાર યાદવે દિવસો સુધી તેમના પર રાખેલી વોચ અને ભેગા કરેલા ઇન્ટેલિજન્સના આધારે જ તેમને પકડવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમની ટીમના એક ઓફિસર કે કે વર્માની ઉતાવળથી આ એન્કાઉન્ટર બની જાય છે જેમાં આ ઓફિસર શહીદ પણ થાય છે.

એક તરફ આતંકવાદીઓને તેમના આગામી ખતરનાક ઈરાદાઓમાં નિષ્ફળ બનાવવા માટે કરેલા પ્રયાસોને બિરદાવવાને બદલે દિલ્હી પોલીસની સમગ્ર ટીમને લોહીતરસ્યા રાક્ષસો તરીકે ચીતરી દેવામાં આવે છે. આ અધિકારીઓ પર ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવે છે. એસીપી સંજય તો વળી પારિવારિક તકલીફો સામે પણ ઝઝુમતા હોય છે અને એવામાં એ માનસિક રીતે તૂટવાની અણી પર આવી જાય છે. સંજય કુમાર રાજીનામું આપવા જતા જ હોય છે કે તેઓ અને તેમના કમિશનર પોતાની ખાખી વર્દી પર લાગેલા ડાઘને દૂર કરવા એક પ્લાન રચે છે જે ફૂલપ્રૂફ તો નથી પરંતુ તેના સિવાય તેમની પાસે કોઈ અન્ય ઉપાય પણ નથી.

રિવ્યુ:

ફિલ્મ જ્યારે સત્ય ઘટના પર આધારિત હોય ત્યારે તેની ટ્રીટમેન્ટ બહુ મહત્ત્વની બની જતી હોય છે. મિશન મંગલના રિવ્યુમાં આપણે ચર્ચા કરી હતી કે આ પ્રકારની ફિલ્મોમાં થોડું મનોરંજનનું તત્વ ઉમેરવાની અથવાતો કલાત્મક સ્વતંત્રતા લેવી જરૂરી બની જાય છે કારણકે તો જ ફિચર ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં તફાવત દેખાય છે. વળી બાટલા હાઉસ તો એક ખાસ્સા વિવાદાસ્પદ રહેલા વિષય પર બનેલી ફિલ્મ છે જેમાં ધાર્મિક માન્યતાઓ પણ ભળેલી હતી.

આવામાં ફિલ્મના લેખકો, નિર્માતાઓ અને ડિરેક્ટર નિખિલ અડવાણીની પ્રશંસા કરવી પડે કે તેમણે ફિલ્મમાં જે મુદ્દા પર તેને રજુ કરી છે તેને જ તેઓ વળગી રહ્યા અને કોઇપણ પ્રકારના ભય વગર ફિલ્મ બનાવીને તેને રિલીઝ પણ કરી છે. આ ફિલ્મમાં કોઈ એક ઘટના જ્યારે તે કોઈ ખાસ મત બેન્કને અસર કરનારી હોય ત્યારે રાજકારણીઓ કઈ કક્ષાએ જઈને તેની તરફેણ કરતા હોય છે તેને સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે.

એવી જ રીતે માત્ર એક જ ધર્મને લગતી ઘટના હોય તો પછી તેનો વિરોધ કરનારા એક્ટીવિસ્ટો પણ જોયા જાણ્યા વગર આંદોલન શરુ કરીને લોકમત ફેરવવાની કોશિશ કરવા લાગતા હોય છે. આટલું જ નહીં આપણું મિડિયા જે પોતાને સ્વતંત્ર અને તટસ્થ ગણાવે છે તે માત્ર ટીઆરપીની લ્હાયમાં ‘સ્ટોરીને કેમ ટ્વિસ્ટ આપવો’ એના પર વધુ વિચાર કરતું હોય છે આ બધું જ ડંકે કી ચોટ પર બાટલા હાઉસમાં દર્શાવ્યું છે.

તો એક દ્રશ્યમાં ધાર્મિક પુસ્તકનું વાંચન કર્યા વગર તેનો અનુયાયી આ ધાર્મિક પુસ્તકનો જ આધાર લઈને હિંસા ફેલાવવામાં કે પછી ખોટું બોલવામાં જરાય નાનપ અનુભવતો નથી તેને પણ બહુ સારી રીતે દર્શાવ્યું છે. તો પોલીસ તો હંમેશા ખોટી જ હોય અને એ રાજકારણીઓના હાથમાં રમતી જ હોય એ વિચાર ખોટો છે તેમજ ઉચ્ચ અધિકારીઓ કેવી રીતે મોટા મંત્રીઓની આભામાં આવી જઈને તેમની શરણાગતી સ્વીકારી લેતા હોય છે એ જો જોવું હોય તો બાટલા હાઉસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ફિલ્મનું કથાનક અને તેની સ્ક્રિપ્ટ મજબૂત છે. ક્યાંય કોઇપણ જરૂરી ન હોય એવો એક પણ સીન નથી. પતિ-પત્ની વચ્ચેનું ટેન્શન છે તો તેમનો રોમાન્સ પણ છે, પરંતુ તેને ક્યાંય ફિલ્મના મૂળ વિષય પર છવાઈ દેવા દીધો નથી. દિલ્હીના અમુક દ્રશ્યો તેમજ ભીડ-ભાડ વાળા દ્રશ્યો જોવા લાયક બન્યા છે. તો વારેવારે જ્હોન અબ્રાહમ પોતે આતંકવાદીની ગોળી ખાઈ રહ્યો છે એવું જ્યારે એ વિચારે છે તે દ્રશ્યો પણ ફિલ્મ માટે અસરકારક બન્યા છે.

ફિલ્મનું જો કોઈ સહુથી નબળું પાસું હોય તો એ છે અદાકારી. નાનકડા રોલમાં રવિ કિશન છવાઈ જાય છે અને મૃણાલ ઠાકુર સુપર ૩૦માં દેખાડેલી સ-ર-સ અદાકારી અહીં પણ જાળવી જાય છે. પરંતુ આ બંને સિવાય ભાગ્યે જ કોઈ અદાકાર જેમાં જ્હોન અબ્રાહમ પણ સામેલ છે તે પોતાની અદાકારી દ્વારા છાપ છોડવામાં સફળ બને છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમને ભલે ઓછા બોલો અને અંર્તમુખી વ્યક્તિ બતાવવામાં આવ્યો હોય પરંતુ તેના ફેશિયલ એક્સપ્રેશન્સ એટલેકે ચહેરાના હાવભાવ કાયમની જેમ અહીં પણ ગાયબ છે જે ખરેખર ધારદાર હોવા જરૂરી હતા.

આવું જ તેના અન્ય સહકલાકારોનું પણ છે. ડિફેન્સ લોયર બનતા રાજેશ શર્માને એક જાણીતા રાજકારણી કમ સુપ્રિમ કોર્ટના નામાંકિત વકીલ બનાવવાની લ્હાયમાં એમને એવી વ્હીગ પહેરાવવામાં આવી છે કે જે હાસ્યાસ્પદ લાગે છે. ઉપરાંત જેમ અન્ય મસાલા ફિલ્મોમાં હોય છે એમ અહીં પણ ખોટા પક્ષે રહેલો વકીલ જુસ્સામાં આવી જઈને જેવી ભૂલ કરે અને આખો કેસ બદલાઈ જાય એવું અહીં પણ દર્શાવવામાં આવ્યું છે જે જો તથ્યો પર આધારિત હોત તો વધુ સારું રહેત. ડિફેન્સ અને સરકારી વકીલોની ભૂમિકામાં પણ જાણીતા એક્ટર્સ ફિલ્મને વધુ માણવાલાયક બનાવી શક્યા હોત.

હા, ફિલ્મની જો કોઈ હાઈલાઈટ હોય તો એ આ જ જ્હોન અબ્રાહમ દ્વારા ભરી અદાલતમાં પોતાની જુબાની પતી ગયા બાદ પણ અને જજના વારંવાર રોકવા છતાં આતંકવાદ પાછળ રહેલા બે મુખ્ય કારણો જણાવવાની નાનકડી સ્પિચ છે તેને કહી શકાય, જે સમગ્ર ફિલ્મમાં છુપાયેલો સંદેશ પણ આપે છે.

બાટલા હાઉસને સંપૂર્ણપણે દેશભક્તિની ફિલ્મ તો ન કહી શકાય પરંતુ હા, તેને આતંકવાદ વિરોધી બોલિવુડ ફિલ્મોમાં ટોચના સ્થાનોમાંથી એક સ્થાન તો જરૂર આપી શકાય. બાટલા હાઉસમાં મનોરંજન લેવા જશો તો થાપ ખાશો, ઈન્ટરવલ પહેલા ફિલ્મ સ્લો છે અને પછી ફાસ્ટ હતી એવો નિષ્કર્ષ લેવા જશો તો પસ્તાશો, પરંતુ જો એક સાચી ઘટના પર આધારિત સારી ફિલ્મ જોવાની ઈચ્છા રાખશો તો બાટલા હાઉસ તમને નિરાશ નહીં કરે.

૧૭ ઓગસ્ટ ૨૦૧૯, શનિવાર

અમદાવાદ