વન્સ અપોન અ ટાઈમ - 49 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 49

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 49

અઢાર માર્ચ, ૧૯૯૩ની રાતના સાડા ત્રણ વાગ્યે મુંબઈની ભાગોળે મુલુંડ અને થાણા ઉપનગર વચ્ચેના વાગલે એસ્ટેટમાં નીરવ શાંતિ પથરાયેલી હતી. વાગલે એસ્ટેટમાં એકબીજાને અડોઅડ મકાનો બંધાયેલા છે. આવાંજ ત્રણ બહુમાળી મકાન ‘શિવમ’, ‘સત્યમ’ અને ‘વિજય નિવાસ’ના રહેવાસીઓને અડધી રાતે એમના ઘર ખાલી કરવા આદેશ મળ્યો. પાંચ માળની ‘શિવમ’ ઈમારતના ચાર માળ ખાલી કરાવ્યા. પાંચમા માળના રહેવાસીઓને એમના ઘરોમાં જ રહેવા દેવાયા. એમના ઘર ખાલી કરાવવામાં જોખમ હતું.

‘શિવમ’, ‘સત્યમ’, ‘વિજય નિવાસ’ તથા આજુબાજુની સોસાયટીઝમાં ડઝનબંધ શસ્ત્રધારીઓ ગોઠવાઈ ગયા. ‘શિવમ’ બિલ્ડીંગના ગુજરાતી તથા મહારાષ્ટ્રીયન કુટુંબો ડરના માર્યા થરથર ધ્રુજી રહ્યા હતાં. આ બધું શું થઇ રહ્યું છે એ એમની સમજમાં આવતું નહોતું. રાતે સાડા ત્રણ વાગ્યે આવેલા શસ્ત્રધારી માણસોએ બધી તૈયારીઓ કરીને પોઝિશન લઇ લીધા બાદ સવારના ૭-૨૦ કલાકે એમના લીડરે લાઉડ સ્પીકરથી ચેતવણી ઉચ્ચારી, ‘પોત્યા તારા માટે બચવાનો રસ્તો રહ્યો નથી. શાણપટ્ટી કર્યા વિના હથિયારો ફેંકીને બહાર આવી જા.’

એ ચેતવણીના જવાબમાં ‘શિવમ’ બિલ્ડીંગના પાંચમા માળના એક ફ્લેટમાંથી કોઈ બહાર આવ્યું નહીં. એને બદલે એ ફ્લેટમાંથી ગોળીબાર શરૂ થયો અને થોડી ક્ષણો પછી ફ્લેટમાંથી પીન ખેંચીને હેન્ડગ્રેનેડ બહાર ફેંકાવા લાગ્યા. વાગલે એસ્ટેટની ઈમારતોના રહેવાસીઓ આ ધડાકાભડાકાથી ધ્રુજી રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે!

***

‘થાણેના વાગલે એસ્ટેટમાં ‘શિવમ’ બિલ્ડીંગને ચોતરફથી ઘેરી લેનારા શસસ્ત્ર માણસો મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચના અને થાણે પોલિસના અધિકારીઓ અને સ્પેશિયલ ઓપરેશન સ્કવોડના કમાન્ડો હતા. એમને પાકી માહિતી મળી હતી કે દાઉદ ગેંગના ખતરનાક શૂટર્સ વાગલે એસ્ટેટના ‘શિવમ’ બિલ્ડીંગમાં છુપાયા છે, પપ્પુ ટકલાએ ફરી મેઈન ટ્રેક પર આવતા કહ્યું.

વાગલે એસ્ટેટની વાત માંડી ત્યારે પપ્પુ ટકલા સ્ક્રિપ્ટ રાઈટરપાઠમાં આવી ગયો હતો. એની વાત માંડવાની સ્ટાઈલ જોઈને આ વિચાર વધુ એક વાર અમારા દિમાગમાં ઝબકી ગયો કે આ માણસ ઊંધા રવાડે ન ચડ્યો હોત તો ખરેખર સારો લેખક બની શક્યો હોત!

એ દરમિયાન વધુ એક વાર પપ્પુ ટકલા બ્લેક લેબલનો ઘૂંટ ભરીને ચાલુ થઈ ગયો હતો, ‘થાણેના વાગલે એસ્ટેટમાં દાઉદ ગેંગના ખૂંખાર શૂટર્સ સંતોષ ઠાકર ઉર્ફે પોત્યા, તુકારામ લોટણકર ઉર્ફે તુક્યા અને શરદ દળવીએ ધામો નાખ્યો હોવાથી માહિતી મળતાવેંત મુંબઈ પોલીસ, થાણે પોલીસ અને પોલીસ સ્પેશિયલ ઓપરેશન સ્કવોડે સયુંકત ઓપરેશન હાથ ધરવાનું આયોજન કર્યું હતું. પણ ‘શિવમ’ બિલ્ડીંગના અને એની એકદમ અડોઅડ આવેલા ‘વિજય નિવાસ’ અને ‘સત્યમ’ બિલ્ડીંગના રહેવાસીઓ આ ઓપરેશનમાં નવાણિયા ન કુટાઈ જાય એ માટે અત્યંત તકેદારી લેવી પડે એમ હતી. એટલે પોલીસ અધિકારીઓએ દાઉદ ગેંગના શૂટર્સ પર ત્રાટકવા માટે રાતનો સમય પસંદ કર્યો હતો.

જોકે પોલીસને રાતોરાત એ ઓપરેશન પાર પાડવામાં સફળતા મળી નહોતી. ‘શિવમ’ બિલ્ડીંગના ચાર માળના રહેવાસીઓને એમના ઘરમાંથી બહાર મોકલી દેવાયા હતા. પણ પાંચમા માળના રહેવાસીઓને અડધી રાતે ઘરમાંથી બહાર કાઢવા જતા દાઉદ ગેંગના શૂટર્સ ચેતી જશે એવા ડરથી પોલીસ ટીમે છેલ્લી ઘડીએ મૂળ પ્લાનમાં થોડો ફેરફાર કરવો પડ્યો. રાતના સાડા ત્રણ વાગ્યે પોલીસ ટીમે સાવચેતીપૂર્વક ‘શિવમ’ બિલ્ડીંગના રહેવાસીઓને સલામત જગ્યાએ મોકલી દીધા અને ‘વિજય નિવાસ’ તથા ‘સત્યમ’ બિલ્ડીંગના રહેવાસીઓને ઘર બહાર નહીં નીકળવાની સૂચના આપ્યા બાદ આજુ બાજુમાં બરાબર પોઝિશન લઈ લીધી ત્યારે સવાર પડી ચૂકી હતી. સવારના સાડા સાત વાગ્યે પોલીસ ટીમની આગેવાની લેનાર એડીશનલ પોલીસ કમિશનર વી. કુમ્હારે લાઉડસ્પીકર પર દાઉદ ગેંગના શૂટર્સને ચેતવણી આપી, ‘પોત્યા’ તમે બધા ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યા છો. પોલીસથી બચીને ભાગવાનું શક્ય નથી. એટલે પોલીસના શરણે થઇ જાઓ.’ એ સાથે જ એડીશનલ કમિશનર કુમ્હારે લાઉડસ્પીકર પર ‘શિવમ’ બિલ્ડીંગના પાંચમા માળના રહેવાસીઓને એમના ફ્લેટના બારી-બારણા નહીં ખોલવાની પણ સૂચના આપી.

દાઉદ ગેંગના શૂટર્સ ઊંઘતા ઝડપાયા હતા. પણ એ શૂટર્સ કાચી માટીના નહોતા. અગાઉ તેઓ મુલુંડમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર પ્રકાશ લાવંડેની થાણેમાં ધોળેદહાડે હત્યા કરી ચુક્યા હતા. એમણે શિવશેનાના વિધાનસભ્ય વિઠ્ઠલ ચવ્હાણને એમના ઘરમાં ઘૂસીને ગોળીએ દીધા હતા અને કોર્પોરેટર અશોક પિસાળની પણ ઠંડે કલેજે હત્યા કરી હતી. એ ઉપરાંત થાણે અને મુંબઈ પોલીસના ચોપડે એમના નામે અનેક હત્યાઓ બોલાતી હતી. એટલે તેઓ સરળતાથી પોલીસના શરણે આવી જાય એ વાતમાં માલ નહોતો. જો કે પોલીસ અધિકારીઓ પણ આવી ગણતરી માંડીને પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા. પોલીસની ધારણા પ્રમાણે ‘શિવમ’ બિલ્ડીંગના પાંચમા માળના ફ્લેટમાં છુપાયેલા ગુંડાઓએ પોલીસ તરફ ગોળીબાર શરુ કર્યો. સ્પેશિયલ ઓપરેશન સ્કવોડના કમાન્ડોએ ગુંડાઓ જે ફ્લેટમાં છુપાયા હતા એ ફ્લેટની બારીના કાચ તોડી નાખ્યા અને ફ્લેટમાં ટીયરગેસ શેલ ફેંકવા માંડ્યા. પણ દાઉદ ગેંગના શૂટરોએ મચક આપી નહીં. એમણે ટીયરગેસ શેલના જવાબમાં ફલેટમાંથી હેન્ડગ્રેનેડ ફેંક્યો. બંને પક્ષ તરફથી અંધાધૂંધ ગોળીબાર ચાલી રહ્યો હતો. એડીશનલ પોલીસ કમિશનર અને બીજા અધિકારીઓએ લાઉડસ્પીકર પર ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું, ‘પોત્યા હજુ કહીએ છીએ, શરણે આવી જા, નહીંતર તારી ખેર નથી.’

પોલીસની ચેતવણી સામે પોત્યા ફલેટમાંથી બરાડ્યો, ‘પોત્યા નહીં, પોત્યાભાઈ કહો. ઈન્સ્પેક્ટર લાવંડેની જેમ તમારી બધાની લાશ પણ અહીં ઢળી જશે.’

પોલીસે બહારથી ગોળીબાર અને ચેતવણી ચાલુ રાખ્યા. અને ફ્લેટમાં છુપાયેલા શૂટર્સ ગોળીબાર અને ચેતવણીનો જવાબ ગોળીથી આપતા રહ્યા. આ ક્રમ બપોરના અઢી વાગ્યા સુધી ચાલુ રહ્યો. અંતે પોલીસ અધિકારીઓએ વધુ જોખમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. ‘શિવમ’ બિલ્ડીંગમાં પાંચમા માળે ગોઠવેલા કમાન્ડો પૈકી એક કમાન્ડો કુહાડી સાથે પેલા ફ્લેટના દરવાજા પાસે પહોંચ્યો. એણે કુહાડીથી ફલેટનો દરવાજો તોડવાની શરૂઆત કરી. બીજા કમાન્ડો એને કવર કરતા ઉભા રહ્યા. કમાન્ડોએ ગણતરીની મિનિટોમાં ફલેટનો દરવાજો તોડી નાખ્યો પણ અંદરથી કોઈ બહાર ન આવ્યું. અત્યંત સાવચેતીપૂર્વક પણ જાનના જોખમે કમાન્ડો ફ્લેટમાં પ્રવેશ્યા. એ જ વખતે ફ્લેટમાં અંદરની બાજુએથી ધડાધડ ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો. થોડી ક્ષણો માટે કમાન્ડો ઉભા રહી ગયા. પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં એટલે દરવાજો તોડનાર કમાન્ડોએ આગળ વધીને ફ્લેટના પેસેજમાં ડોકિયું કર્યું તો અકલ્પ્ય દ્રશ્ય જોવા મળ્યું!

(ક્રમશ:)