મોત ની સફર - 22 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 22

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 22

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.વીંછી નાં ઝેરથી મૃતપાય હાલતમાં પહોંચેલા ડેની નો જીવ મગુરા નાં બીજ વડે બચી જાય છે.. પાણી ની અછત નો પ્રશ્ન પણ દૂર થઈ જતાં એ લોકો રણમાં બીજાં દિવસની સફર હેમખેમ પુરી કરવાં આવ્યાં હતાં ત્યાં એમની નજરે અમુક ઘોડેસવાર ચડે છે જે શાહીન કબીલાનાં લોકો હોવાનું કાસમ જણાવે છે.

"શું કહ્યું.. શાહીન કબીલાનાં લોકો..? "કાસમ નાં મુખેથી શાહીન કબીલાનો ઉલ્લેખ થતાં ચમકીને બાકીનાં બધાં એ પૂછ્યું.

"હા.. તુતુ દેવનાં પૂજારી એવાં શાહીન કબીલાનાં લોકો.. તુતુ દેવ હકીકતમાં બાજ નું સ્વરૂપ છે.. અને બાજ નું એક નામ શાહીન છે એટલે આ લોકો નો સમૂહ શાહીન કબીલા તરીકે ઓળખાય છે.માંડ બસો લોકોની વસ્તી ધરાવતો આ કબીલો કોઈ અજાણ્યાં વ્યક્તિને પોતાની મરજી વગર પોતાની નજીક નથી આવવાં દેતાં.. અને જો એમને આ રણવિસ્તારમાં જો કોઈ લોકો નજરે ચડે જેનાંથી પ્રકૃતિ ને ખતરો છે તો એ લોકોની બલી આ કબીલાનાં લોકો દ્વારા આપવામાં આવે છે.. "શાહીન કબીલાનાં લોકો વિશે વિસ્તૃત માહિતી આપતાં કાસમ બોલ્યો.

કાસમ હજુ વધુ કંઈ જણાવે એ પહેલાં ધૂળની ડમરીઓ ઉડાવતાં દસ અરબી ઘોડાં પર સવાર પુરુષોએ આવીને એ લોકોને ઘેરી લીધાં.શાહીન કબીલાનાં લોકો કાળા રંગનાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતાં.. એ લોકો નાં ચહેરા પર બુકાની હતી અને બંને ગાલ પર કાળા રંગ નાં તારા નું છૂંદણું.

"કોણ છો તમે..? "શાહીન કબીલાનાં લોકોમાં સૌથી વધુ મજબૂત બાંધો ધરાવતો વ્યક્તિ એ લોકોને ઉદ્દેશીને બોલ્યો.

"મુસાફર છીએ.. "ચૂપ રહેવામાં નુકશાન હોવાની વાત જાણતાં કાસમે એ વ્યક્તિનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"ક્યાં જાઓ છો..? .અને કેમ..? "એ વ્યક્તિ એક પછી એક બધાંની તરફ ઘુરકીને જોતાં બોલ્યો.

"અમે હબીબી ખંડેર તરફ જઈએ છીએ.. આ જમીન ઉપર એક એવી શૈતાની વસ્તુ છે જેનાંથી કુદરત નારાજ થઈ શકે છે એને અહીંથી લઈ જવાં આવ્યાં છીએ.. "કાસમ જાણી જોઈને કુદરત ની નારાજગી અને શૈતાની શબ્દ નો પોતાની વાતમાં સમાવેશ કરતાં બોલ્યો.. આની અસર શું પડવાની હતી એ વિશે કાસમ જાણતો હતો.

"મુસાફર.. તું કઈ વસ્તુની વાત કરી રહ્યો છે, એ મને જણાવીશ..? મારું નામ હશરત છે અને હું શાહીન કબીલાનાં મુખ્યા શાહઆલમ નો એકલોતો વારીશ છું.. "પોતાની ઓળખાણ આપતાં એ ઘોડેસવાર બોલ્યો.

કાસમ નો દાવ બરાબરનો સફળ રહ્યો હતો એવું હશરત નાં અવાજમાં આવેલી નરમાશ પરથી સમજાઈ ગયું હતું.. હશરત નાં સવાલનો જવાબ આપતાં જોહારી બોલ્યો.

"તુતુ દેવનાં પૂજારી એવાં શાહીન કબીલાનાં લોકોને અમારાં સૌનાં નમસ્કાર.. અમને ખબર છે કે તમે લોકો પ્રકૃતિ ને કેટલો પ્રેમ કરો છો અને કેટલું માન આપો છો.. દુનિયામાં અલગ અલગ ભગવાન છે અને અલગ અલગ ધર્મ છે.. એજ રીતે દરેક ધર્મ કોઈને કોઈ શૈતાન સ્વરૂપો પણ ધરાવે છે...પશ્ચિમનાં દેશો જે કેથેલીક ધર્મ અને લોર્ડ જીસસ ને માને છે એમનાં માટે એક પવિત્ર પુસ્તક છે જેનું નામ બાઈબલ છે.. "

"હા.. હું જાણું છું આ બધાં વિશે.. પણ મારે એ જાણવું છે કે આ જમીન પર કઈ શૈતાની વસ્તુ અસ્તિત્વ ધરાવે છે..? "હશરતનાં અવાજમાં અધીરાઈ સાફ દેખાતી હતી.

"રોમન લોકો શૈતાન ને ડેવિલ કહે છે.. અને એ ડેવિલ એક શૈતાની શક્તિઓ ધરાવતું પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું ડેવિલ બાઈબલ અથવા તો કોડેક્સ ગીગાસ.. આ શૈતાની પુસ્તક નાં અમુક ખોવાયેલાં પન્ના હબીબી નાં ખંડેરો નીચે છે.. અમે લોકો એ પન્ના ને શોધવા જઈએ છીએ.. જેથી સંપૂર્ણ પુસ્તક બનાવી એને વિધિવત નષ્ટ કરી શકાય.. "મ્યુઝિયમમાં ડેવિલ બાઈબલ રાખવાની વાત છુપાવતાં જોહારી બોલ્યો.

"અરે વલ્લા હબીબી.. તમે લોકો તો એક પાક કામ કરવાં જઈ રહ્યાં છો.. ખુદા કરે તમે તમારાં નેક કામમાં સફળ થાઓ.. હું તમારી વધુ મદદ તો નહીં કરી શકું કેમકે મારે હજુ આગળ જવાનું છે ઉત્તરની તરફ.. પણ તમે આ રાખો.. "એક સફેદ રંગનું મોટું ત્રિકોણાકાર લોકેટ જોહારી તરફ લંબાવતાં હશરતે કહ્યું.

"આ શું છે ભાઈજાન..? "હશરત નાં હાથમાંથી લોકેટ લેતાં જોહારી એ પૂછ્યું.

"આ લોકેટ બહુ ખાસ છે.. ઈજીપ્ત નાં દરેક પિરામિડ ની નીચે આવેલાં ખુફિયા દરવાજા ખોલવાની આ કળ છે.આની મદદથી તમે આખાં મિસર માં જેટલાં પણ ખુફિયા રસ્તા છે એનાં બંધ મોટાં દરવાજા પણ ખોલી શકો છો.. "એ લોકેટ વિશે માહિતી આપતાં હશરત બોલ્યો.

"શુક્રિયા.. "માથું ઝુકાવી હાથ નાં ઈશારા સાથે જોહારી અને કાસમ બોલી પડ્યાં.

"શુક્રિયા તો મારે તમને બધાં ને કહેવું જોઈએ.. જે આવી વિકટ પરિસ્થિતિમાં પણ સૃષ્ટિ ની રક્ષા કાજે આટલી બધી તકલીફો વેઠી રહ્યાં છો.. ખુદા ની બરકત હંમેશા તમારી સાથે રહે.. "આટલું બોલતાં ની સાથે જ હશરતે પોતાનાં ઘોડાની લગામ ખેંચી.

લગામ ખેંચતા જ હશરત નો ઘોડો પુરપાટ ઝડપે ઉત્તર દિશામાં દોડવા લાગ્યો.. બાકીનાં ઘોડેસવાર પણ હશરત ની પાછળ પાછળ ઘોડે બેસી ચાલી નીકળ્યાં.. જે રીતે ધૂળની ડમરીઓ ઉડાડતાં એ લોકો આવ્યાં હતાં એ જ રીતે ગાયબ પણ થઈ ગયાં.

***

કાસમ અને જોહારી એ ફરીવાર પુરવાર કરી દીધું હતું કે એ લોકોનું માઈકલ ની ખોજી ટુકડીમાં જોડાવવું કેટલું અગત્યનું હતું.. શાહીન કબીલાનાં લોકો ને સત્ય અને ઉપજાવી કાઢેલી વાતનું મિશ્રણ કરીને સંભળાવ્યા બાદ એ લોકો હવે આગળ ચાલી નીકળ્યાં હતાં.અડધો કલાક જેટલી સફર બાદ એ લોકોને એક એવી જગ્યા મળી ગઈ જ્યાં રાત પસાર કરી શકાય એમ હતી.

આગળની રાત ની જેમ જ પાથરણ કર્યાં બાદ એ લોકોએ થોડું નાસ્તા જેવું કરી લીધું અને વાતો કરતાં કરતાં ચેનથી સુઈ ગયાં.. વિરાજે સૂતાં પહેલાં પેલાં સફેદ મૂળિયાં ને વ્યવસ્થિત પાથરી દીધાં જેથી રાતે એ બરાબરનું પાણી શોષી શકે અને આ પાણી નો ઉપયોગ એ લોકો આગળનાં દિવસ પૂરતો કરી શકે.

રાતનાં લગભગ બે વાગ્યાં હતાં ત્યાં વિરાજનાં કાને કોઈનાં કરાહવાનો અવાજ સંભળાયો.. વિરાજે આગનાં પ્રકાશમાં જોયું તો ડેની ધ્રુજી રહ્યો હતો અને દર્દથી ઉંહકારા પણ ભરી રહ્યો હતો.. ડેની નું ઝેર તો ઉતરી ગયું હતું પણ એનું શરીર આગની ભઠ્ઠીની માફક ગરમ હોવાનું વિરાજે હાથનો સ્પર્શ કરતાં જાણી જોયું.

"હવે શું કરીશ.. આનો તાવ તો વધે જ જાય છે...? "પોતાનાં હાથને ડેનીનાં કપાળ પર મૂકી વિરાજે ચિંતિત સ્વરે મનોમન બોલ્યો.

અચાનક વિરાજને કંઈક યાદ આવ્યું અને એને જઈને પોતાની બેગમાં ફંફોસવાનું શરૂ કર્યું.. આખરે વૃક્ષની ડાળખી હાથમાં આવી જતાં રાહતભર્યા ચહેરે વિરાજ ડેની ની જોડે પાછો આવ્યો.. આ એજ ડાળખી હતી જે કોઈ અજાણ્યો માણસ બીજી વસ્તુઓ સાથે વિરાજનાં રૂમમાં મૂકી ગયો હતો.

વિરાજે થોડું પાણી લઈ એ ડાળખી પરથી પાંદડા છુટા કરી એક પથ્થર પર વાટીને લેપ તૈયાર કર્યો અને એ લેપ વ્યવસ્થિત રીતે ડેની નાં કપાળ પર લગાવી દીધો.. જો અન્ય વસ્તુઓની માફક લેટરમાં લખ્યાં મુજબ આ પાંદડા એટલાં જ અસરકારક હશે તો ડેની આવતીકાલે ચોક્કસ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે એમ વિચારી વિરાજ પોતાની સ્લીપિંગ બેગમાં ભરાઈને સુઈ ગયો.

સતત ત્રીજા દિવસે પણ કાસમ દ્વારા જ એ લોકોને જગાડવામાં આવ્યાં.. વિરાજે જાગતાં ની સાથે જ ડેની ની તબિયત ને વ્યવસ્થિત ચેક કરી જોઈ.. ગઈકાલે રાતે વિરાજે લગાવેલાં લેપ ની જાદુઈ અસર નીચે ડેનીની તબિયત સંપૂર્ણ સુધરી ચુકી હતી.. રણમાં સ્નાન કરવા માટે પાણી મળવાનું તો હતું નહીં એટલે નાસ્તામાં થોડાં બિસ્કિટ ખાઈને એ લોકો પાછા આગળની સફર પર ચાલી નીકળ્યાં.

ત્રીજા દિવસની એ લોકોની સફર નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગઈ.. કોઈ જાતની મુશ્કેલી ના આવતાં એ લોકો એ ત્રીજા દિવસની સફરમાં ઘણું ખરું અંતર કાપી લીધું હતું.. હવે ફક્ત ત્રીસેક કિલોમીટર જેટલું જ અંતર હતું હબીબી ખંડેર સુધી પહોંચવામાં.. ત્રીજા દિવસે એ લોકોએ જ્યારે પોતાની સફરને અટકાવી ત્યારે એ લોકો પોતાનાં હબીબી ખંડેર સુધી સફળતાપૂર્વક પહોંચવાની વાતે આશ્વસ્થ થઈ ચુક્યાં હતાં.. હવે આવતી કાલે રાત સુધી એ લોકો ચોક્કસ હબીબી ખંડેર સુધી પહોંચી જવાનાં છે.

ત્રીજા દિવસે રાતનું જમવાનું પૂર્ણ કરી એ લોકો શાંતિથી સુઈ ગયાં.. પાણી નો પ્રશ્ન જે એ લોકોની સફર ને પૂર્ણ કરી શકે એમ હતો એનો ઉકેલ આમ અચાનક મળી જતાં એ લોકો અહીં સુધી પહોંચી શક્યાં હતાં.

ચોથા દિવસે ચાર ઊંટ પર સવાર આઠ લોકોની એ ખોજી ટુકડી ચોથા દિવસની એમની સફરની શરૂઆત કરી ચુકી હતી.ગુજરાતનાં શ્યામપુર નામનાં નાનકડાં નગરનાં ત્રણ યુવાન મિત્રો, મુંબઈ નાં ચોર બઝારમાં દુકાન ધરાવતો એક યુવાન, પોતાની સ્વર્ગસ્થ પ્રેમિકા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર યુવક, મિત્રતા નાં ખાતર સાથ નિભાવનાર વ્યક્તિ અને ખજાનાં ની લાલચનાં લીધે બાકીનાં છ લોકો જોડે જોડાયેલાં બે સ્થાનિક યુવકો એમ કુલ આઠ લોકોની એ ખોજી ટીમ નાની-મોટી વિકટ પરિસ્થિતિઓ સામે જીત મેળવી એમની સફરનાં છેલ્લાં પડાવ સુધી આવી પહોંચ્યા હતાં.

"ભાઈઓ, હવે બસ અડધો કલાક અને આપણે આપણી મંજીલ સુધી પહોંચી જઈશું.. "પોતાનાં હાથમાં રહેલાં હબીબી ખંડેર સુધી પહોંચવાનાં નકશા અને ટ્રેકર મશીન ની સ્ક્રીન પર એ લોકો દ્વારા કપાયેલાં અંતર ને જોઈને કાસમ ઉત્સાહમાં આવી બોલ્યો.

"કાસમ, ભાઈ હવે ખંડેર સુધી ઝટ પહોંચી જઈએ તો સારું.. આ ચાર દિવસ ની રણમાં એકધારી સફર કરવાનાં લીધે તો અમારી બધી જ શક્તિ ક્ષીણ થઈ ચૂકી છે.. "કાસમ ની વાત સાંભળી સાહિલ હાશકારો ભરતાં બોલ્યો.

સાહિલ નાં બોલાયેલાં શબ્દો બધાં બોલવા ઈચ્છતાં હતાં કેમકે સાચેમાં 48 ડીગ્રી કરતાં વધુ તાપમાન ધરાવતાં આ રણમાં સતત ચાર દિવસ ની સફર બાદ તો બધાં એવું જ વિચારતાં હતાં કે જલ્દી જલ્દી હબીબી ખંડેર આવી જાય.

વીસેક મિનિટ જેટલું આગળ વધ્યા બાદ એક રેતીનો મોટો ઢૂંવો પસાર કરતાં જ જોહારી અને અબુ એકસાથે આંગળી વડે કંઈક બતાવતાં બોલી પડ્યાં.

"સામે જોવો.. હબીબી ખંડેર.. "

"હા.. એજ પથ્થરની ખંડિત ઈમારતો જ હબીબી નાં ખંડેરો છે.. ત્યાં જ જમીન નીચે ઘરબાયેલો છે રાજા અલતન્સ નો ખજાનો અને ડેવિલ બાઈબલ નાં ખોવાયેલાં પન્ના.. "કાસમ પણ એ તરફ જોતાં બોલ્યો.

કાસમ નાં આમ બોલતાં જ એ લોકો એ ઊંટ ની લગામ ને જોરથી ખેંચી અને ઊંટ ને ભગાવી મૂક્યાં પોતાની સફરનાં છેલ્લાં મુકામ તરફ.. !

★★★

વધુ નવાં ભાગમાં.

એ લોકો સાચેમાં સાચી જગ્યા તરફ જઈ રહ્યાં હતાં..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***