મોત ની સફર - 20 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 20

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 20

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં.કૈરો નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના શહેર આવી ગયાં.. અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ એ લોકો સાથે જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.રસ્તામાં અચાનક ઊંટ દ્વારા કરવામાં આવેલાં વિચિત્ર વર્તન ને અનુસંધાનમાં કાસમ જણાવે છે આંધી આવી રહી છે.

"હવે શું કરીશું..? "કાસમ ની વાત સાંભળી બધાં એકસાથે બોલી પડ્યાં.

"ત્યાં થોડે દુર થોરનાં વૃક્ષ નું મોટું ઝુંડ દેખાય છે.. અને જોડે ચાર પાંચ પથ્થરો પણ છે.. એ તરફ ઊંટ ને હંકારી મુકો.. "ડાબી તરફ પોતાની આંગળી વડે એક જગ્યા બતાવતાં જોહારી બોલ્યો.

જોહારી નાં આમ બોલતાં જ બાકીનાં બધાં એ પોતપોતાનાં ઊંટ ની લગામ ખેંચી અને ઊંટ ને એ તરફ દોરી મૂક્યાં.. ત્રણેક મિનિટમાં તો એ લોકો જોહારી દ્વારા સુચવેલી જગ્યાએ આવી પહોંચ્યાં.. હવે આગળ શું કરવું એ તો કાસમ જ નક્કી કરશે એમ વિચારી બધાં જડવત બેઠાં હતાં.

"જલ્દી થી ઊંટ પરથી નીચે ઉતરો અને ઊંટ પર લાદેલો બધો સામાન પણ હેઠે લાવો.. "પોતાનાં ઊંટ પરથી કૂદકો મારી નીચે ઉતરતાં કાસમ બોલ્યો.

કાસમ માં આમ બોલતાં જ બધાં પોતપોતાનાં ઊંટ પરથી નીચે ઉતર્યા અને પોતપોતાનો સામાન પણ કાસમે ખડકેલાં એનાં સામાન જોડે રાખી દીધો.. આ દરમીયામ ધૂળ નું મોટું તોફાન દૂરથી નજરે ચડી રહ્યું હતું.. ગરમ હવા સાથે તીવ્ર વેગે આગળ વધતાં રેતીનાં કણો શરીરનાં વિવિધ ભાગોમાં પ્રવેશી તમારો જીવ લઈ લેવાં સક્ષમ હોય છે.

"પોતપોતાનાં ઊંટ ની દોરી ને મજબૂતાઈથી ગાળિયો બનાવી આ મોટાં થોર નાં વૃક્ષ જોડે બાંધી દો.. વર્ષોથી ઉભેલાં આ થોરનાં મૂળિયાં ઘણાં ઊંડા હશે એટલે ઊંટ ભાગી નહીં શકે.. "જોહારી પોતાનાં ઊંટ ની દોરીનો ગાળિયો બનાવી થોરનાં એક વૃક્ષ ની ઉપર વીંટાળી બાકીનાં બધાંને ઉદ્દેશીને બોલ્યો.

જોહારી ની વાત સાંભળી બધાં એ પોતપોતાનાં ઊંટ ની લગામ ની દોરી ને થોર સાથે વીંટાળી દીધો.. હવે રેતીનાં ચક્રવાત થી કઈ રીતે બચવું એનો ઉપાય શોધવાનો હતો.. અને એ ઉપાય શોધી કાઢ્યો વિરાજે.બધાં નાં ચિંતિત વદન જોઈ વિરાજ બોલ્યો.

"દોસ્તો.. જલ્દી પોતપોતાની બેગમાંથી સ્લીપિંગ બેગ કાઢો.. અને એમાં ભરાઈ જાઓ.. જોડે જોડે આપણાં સામાનમાં જે મોટું પ્લાસ્ટિક નું પાથરણું છે એ ઉપર ઢાંકી લઈએ.. અંદરથી આપણે મજબૂતાઈથી બધું પકડી રાખીશું જેથી આંધીનાં પવનની ગતિ સામે બધું ઉડી ના જાય...અને જ્યાં સુધી ચક્રવાત દૂર ના જાય ત્યાં સુધી આપણને પૂરતું રક્ષણ મળતું રહે.. "

"સરસ વિચાર છે.. જલ્દી ત્યારે વિરાજે કહ્યું એ મુજબ કરવાં લાગી પડો.. "વિરાજનો ઉપાય સાંભળી અબુ મોટેથી બોલ્યો.

બે મિનિટની અંદર તો એ લોકોએ ગજબની સ્ફૂર્તિ સાથે સ્લીપિંગ બેગોમાં સ્થાન લઈ લીધું અને ઉપર પ્લાસ્ટિકનું પાથરણું પણ ઓઢી લીધું.. આમ કરતાં ની સાથે જ અડધી મિનિટમાં તો રેતીની આંધી એમની સમીપ આવી પહોંચી.. જોરદાર અવાજની સાથે રેતીનું એ તોફાન જ્યારે એ લોકો પરથી પસાર થયું ત્યારે રેતીનાં કણો નાં અથડાવવાનો અવાજ સ્પષ્ટ એ લોકોનાં કાને પડી રહ્યો હતો.

આ દરમિયાન સ્લીપિંગ બેગમાં મોજુદ આઠેય લોકોએ પોતાનાં શરીરનાં દરેક ભાગનો શક્યવત ઉપયોગ કરીને સ્લીપિંગ બેગમાં પોતાની જાતને જાળવી રાખવાનું અને પોતાની ઉપર ઢાંકેલા પ્લાસ્ટિક નાં પાથરણ ને કસકસાવીને પકડવાનું સરાહનીય કામ કરી બતાવ્યું.

લગભગ અડધો કલાક સુધી આ રેત ની આંધી નો પ્રકોપ ચાલુ રહ્યો.. આ સમય દરમિયાન કોઈ કંઈપણ બોલ્યાં વગર આ કપરી પરિસ્થિતિ ક્યારે પસાર થઈ જાય એની રાહ જોઈ ચુપચાપ પોતપોતાની સ્લીપિંગ બેગની અંદર પડ્યાં રહ્યાં.આખરે બધો જ અવાજ શાંત થતાં અને વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરતાં એ લોકો એક પછી એક સ્લીપિંગ બેગમાંથી બહાર નીકળ્યાં અને પ્લાસ્ટિક નું એ પાથરણ દૂર કરી બેઠાં થયાં.

હજુ સુધી એ લોકોની આંખો બળી રહી હતી.. હવામાન માં અચાનક ઠંડક પ્રસરાઈ ગઈ હતી.. એ લોકો જ્યાં મોજુદ હતાં ત્યાં રેતીનાં ઢગ પથરાઈ ગયાં હતાં.. આજુબાજુ નાં વિસ્તારનું દ્રશ્ય સાવ બદલાઈ ચૂક્યું હતું.. પ્લાસ્ટિક નાં પાથરણ ઉપર પણ ઘણી બધી રેતી જમા થઈ ચૂકી હતી.

"ભાઈ.. ત્યાં હવે ફક્ત ચાર જ ઊંટ છે.. બાકીનાં પાંચ ઊંટ ભાગી ગયાં લાગે છે.. "ઊંટ ને જ્યાં બાંધવામાં આવ્યાં હતાં એ તરફ આંગળી કરતાં ગુરુ બોલ્યો.

"ડર નાં લીધે સ્વબચાવમાં એ બધાં ઊંટ ભાગી ગયાં હશે.. કંઈ નહીં હવે ચાર ઊંટ છે તો ચારથી કામ ચલાવવું પડશે બીજું શું.. "પરિસ્થિતિ ગમે તેવી હોય પણ હિંમત નહીં હારવાની આદત કાસમ ની વાતો માં સ્પષ્ટ સંભળાતી હતી.

"આપણે બધાં બચી ગયાં એ વાત જ મોટી છે.. હવે એક ઊંટ પર બે જણા બેસી આગળની સફર પૂર્ણ કરીશું.. "સાહિલ બોલ્યો.

"હા ભાઈ.. આપણે આઠ લોકો છીએ અને ઊંટ ચાર છે તો એક ઊંટ ઉપર એ લોકો સરળતાથી બેસી જશે.. "સાહિલ ની વાત સાંભળી વિરાજ બોલતાં બોલતાં અટકી ગયો અને મોટેથી બોલ્યો

"અરે.. ડેની ક્યાં..? "

"અરે હા.. ડેની ક્યાં ગયો.. ક્યાંક એ હજુ તો પોતાની સ્લીપિંગ.. "આટલું બોલતાં જ સાહિલ ઝડપભેર એ લોકો જ્યાં સૂતાં હતાં એ તરફ દોડી પડ્યો.

પ્લાસ્ટિક નાં પાથરણ ને ખસેડતાં જ સાહિલે સ્લીપિંગ બેગમાં સુતેલા ડેનીને જોતાં જ એનાં પગનાં ભાગે લાત ફટકારી કહ્યું.

"અરે આ સાલો તો અહીં આરામ ફરમાવે છે.. જો ને કેવો ચેનથી સૂતો છે.. "

"ચાલ લ્યા.. હવે ઉભો થા.. "વિરાજે પણ ડેનીની સમીપ જઈને એનાં પગ ઉપર લાત મારતાં કહ્યું.

વિરાજ અને સાહિલ નાં આમ કરતાં ડેનીનું શરીર થોડું હલ્યું ખરું પણ એને ઝાઝો પ્રતિભાવ ના આપતાં સાહિલ અને વિરાજ ને કંઈક અજુગતું બનવાનો અહેસાસ થયો અને એમને ફટાફટ ડેની ઉપરથી સ્લીપિંગ બેગ હટાવી અને એનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને કહ્યું.

"એ ભાઈ ઉભો થા.. શું થયું છે તને.. "આ દરમિયાન બાકીનાં બધાં પણ ત્યાં આવી પહોંચ્યા.

બધાં એ મળીને ડેની ને સ્લીપિંગ બેગમાંથી બહાર કાઢ્યો અને એને હાથ વડે હલાવી અવાજ આપ્યો.. પણ ડેની એ કોઈ જાતનો પ્રતિભાવ ના આપતાં એ લોકોની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું.વિરાજે નીચાં નમી ડેની નાં નાક આગળ હાથ રાખ્યો અને હાશકારા સાથે કહ્યું.

"હજુ શ્વાસોશ્વાસ ચાલુ છે.. મતલબ જીવે છે.. "

"પણ વધુ સમય નહીં જીવે.. "કાસમ ડેની ની તરફ જોઈ અચાનક બોલી પડ્યો.

"એ તું શું બોલે છે.. આવું અશુભ ના બોલ.. "કાસમ ની વાત સાંભળી અણગમા સાથે સાહિલ બોલ્યો.

"ભાઈ ત્યાં જો.. "પોતાની આંગળી ને એ લોકો જ્યાં સૂતાં હતાં એ પથ્થર નાં નીચેનાં ભાગની તરફ કરતાં કાસમ બોલ્યો.

કાસમ ની બતાવેલી જગ્યાએ નજર કરતાં જ બધાં એક અવાજે બોલી પડ્યાં.

"વીંછી..."

"હા.. વીંછી.. રણમાં મળતો સૌથી ભયંકર જીવ.હું ડેનીનો ચહેરો જોતાં જ સમજી ગયો હતો કે એને કંઈક ઝેરી જીવ કરડી ગયું છે.. અને આ વીંછી ની એવી જાત છે જેનાં ઝેર ને ત્રણ ચાર કલાકમાં દૂર કરવામાં ના આવે તો પીડિત ની જીંદગી નક્કી જોખમમાં મુકાઈ શકે છે.. જોહારી નો સદામ કરીને એક ભાઈ હતો જેની પણ મોત આમ વીંછી કરડવાથી જ થઈ હતી.. "કાસમ સ્થિતિ ની ગંભીરતા સમજાવતાં બોલ્યો.

"હા.. સદામ ને અમે લોકો દવાખાને લઈ જઈએ એ પહેલાં તો એને જીવ મૂકી દીધો હતો.. પહેલાં એ શોધો કે ડેની ને આ વીંછી કરડ્યો ક્યાં છે.. પછી આગળ શું કરવું એ વિચારીએ.. "સદામ ની વાત માં ટેકો આપતાં જોહારી બોલ્યો.

જોહારી ની વાત સાંભળી બધાં ડેની નાં શરીર ને વ્યવસ્થિત ચેક કરવાં લાગ્યાં.. બે મિનિટ બાદ એ લોકોએ જોયું કે ડેની નાં ગરદન ની પાછળનાં ભાગમાં એ ઝેરી વીંછી નાં કરડવાનું નિશાન હતું.

"એની માં ને.. આ વીંછી એવી જગ્યાએ કરડ્યો છે જ્યાંથી એનાં શરીરમાં એ ઝડપે ઝેર પ્રસરી શકે છે જે ડેની નો જીવ પણ લઈ શકે છે.. "ચિંતિત સ્વરે કાસમ બોલ્યો.

"કોઈ ની બેગમાં નમક છે..? વીંછી જ્યાં કરડ્યો છે ત્યાં નમક લગાવીશું તો થોડું ઘણું ઝેર ઓછું થઈ જશે."જોહારી એ બધાં ની સામે જોઈને કહ્યું.

જોહારી નાં આમ કહેતાં બધાં એ એકબીજાની તરફ જોયું અને પછી નકારમાં ગરદન હલાવી...ડેની હવે થોડાં કલાકોનો જ મહેમાન છે એ વાત બાકીનાં બધાં ને અકળાવી રહી હતી.. એ લોકો ધારે તો પણ કંઈપણ કરી શકે એમ નહોતાં.. સૌપ્રથમ તો ત્યાં અસ્ત વ્યસ્ત પડેલું પ્લાસ્ટિક નું પાથરણ અને સ્લીપિંગ બેગને બધાં પોતપોતાની બેગમાં મૂકવાં ગયાં.

"ડેની નાં બચવાનો ઉપાય મળી ગયો.. મારો દોસ્ત હવે બચી જશે.. "ખુશખુશાલ ચહેરે વિરાજ અચાનક બોલવા લાગ્યો.

"અરે ભાઈ.. જલ્દી બોલ કઈ રીતે ડેની ને બચાવીશું..? "સાહિલ નવાઈ સાથે બોલ્યો.

"આ જો.. "પોતાનાં હાથ ની હથેળી ખુલ્લી કરી બધાં ની તરફ ધરતાં વિરાજ બોલ્યો.. વિરાજનાં હાથમાં એનાં રૂમમાંથી જે વસ્તુઓ મળી હતી એમાં મોજુદ વીંછી નું ઝેર ઉતારવાનાં બીજ હતાં.. પોતાની સ્લીપિંગ બેગ ને પોતાની બેગમાં મુકવા જતી વખતે વિરાજની નજર બેગમાં રાખેલી બધી વસ્તુઓ પર પડી અને એમાંથી આ બીજ વિરાજ લેતો આવ્યો.

વિરાજની હથેળીમાં રહેલાં બીજ જોતાં જ કાસમ ચહેરા પર આનંદ ની રેખાઓ સાથે બોલી ઉઠ્યો.

"મગુરા નાં બીજ.. વાહ ભાઈ હવે તો ડેની બચી જ જશે.. "

"જલ્દી પાણી લાવો.. આ બીજ ને પાણી સાથે પથ્થર પર ઘસવા પડશે અને પછી એને ઘા ઉપર લગાવી દેવાનાં.. આ બીજ બધું ઝેર શોષી લે એટલે એની ઉપર જાંબલી આવરણ થઈ જશે.. પછી એ આવરણ ને પાણી વડે ધોઈ દૂર કરતાં ફરીથી ઉપયોગમાં લેવાં લાયક બની જશે.. "જોહારી બોલ્યો.

જોહારી ની વાત સાંભળી ગુરુ પાણી ની મશક લેવાં ઊંટ બાંધ્યા હતાં એ તરફ ગયો.. અડધી મિનિટમાં તો ગુરુ નિરાશ ચહેરે પાછો ફર્યો અને બોલ્યો.

"પાણી નથી.. "

"શું પાણી નથી.. મતલબ..? "સાહિલે સવાલ કર્યો.

"ભાઈ આપણે પાણી ની મશકો જે ઊંટ ઉપર બાંધી હતી એ ઊંટ આંધી વખતે ભાગી ગયું.. ઉતાવળમાં એ મશકો ઉતારવાની રહી ગઈ."ગુરુ એ જણાવ્યું.

ગુરુ ની વાત સાંભળી એ બધાંનું માથું ભમવા લાગ્યું.. એ લોકો હજુ ડેની ને બચાવવાનું વિચારતાં હતાં ત્યાં હવે પાણી વગર પોતાને કઈ રીતે બચાવવા એ સવાલ એમની સામે આવીને ઉભો હતો.!!

★★★

વધુ નવાં ભાગમાં.

ડેની બચી શકશે કે નહીં..? એ લોકો કઈ રીતે પાણી ની વ્યવસ્થા કરશે..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો… પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***