મુસ્કાન JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુસ્કાન

હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વહેંચુ છું
પેલા ઈમાન વેંચે છે ને હું મુસ્કાન વહેંચુ છું

તડકો એની મોજમાં તપી રહ્યો હતો ને પવન એ તાપમાં પણ ઠંડી પીરસતો હતો. તાસ પૂર્ણ થયો એટલે હું ક્લાસમાંથી બહાર આવ્યો. એ મને ગમતો કલાસ ધોરણ ૮. હું બહાર નીકળી તડકા-પવનની રમત જોતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો "સર".

તેર વર્ષની એ છાત્રા, મુખે સદાકાળ હાસ્ય, ભણવામાં તીવ્ર ને બોલવામાં છૂટી ગયેલું તીર. વર્ગમાં સૌથી વધુ બોલકી પણ ચેહરો માસૂમ. જેવા ગુણ એવું જ નામ "મુસ્કાન".
"સર, આ ફકરો લખવાનો કે નહીં? " બુક લઈ મુસ્કાન મારી નજીક આવી. મેં હા પાડી. બુક બંધ કરી તે હસ્તી કૂદતી જવા લાગી. મેં પાછી બોલાવીને સહજ પૂછ્યું " મુસ્કાન, તું ઘરે પણ આમ જ બોલબોલ કરે ને કુદકા મારે? તારા મમ્મી-પપ્પા ખિજાતા હશે? " , "સર..." કહી પળવાર કઈ બોલી નહિ, મુખાકૃતિ બદલાઈ ગઈ એકદમ ખામોશ થઈ ને બોલી " કોણ મમ્મી ને કોણ પપ્પા?"

એમનો જવાબ કાને અથડાય એ પહેલાં તો હૃદય હચમચાવી ગયો, 'કોણ મમ્મી ને કોણ પપ્પા?...' મારા મનમાં સો વાર પડઘા પડ્યા. મુસ્કાનનો જવાબ મારા માટે સવાલ બની મગજમાં કોતરાય ગયો. મમ્મી-પપ્પાથી રિસાતા, નિરાશ થતા બાળકો જોયા છે પણ આવું પેલીવાર સાંભળ્યું. આટલું બોલી મુસ્કાન થોડી કરમાઈને જતી રહી. 'શુ મમ્મીએ મારી હશે કે પપ્પાએ લાલઆંખ કરી હશે? " આવા વિચારોમાં ખોવાઈ ગયો , હું મુસ્કાનનાં જવાબનો જવાબ શોધવા લાગ્યો. બેહતર એ જ હતું કે મુસ્કાનને જ મળું.

જયારે પણ મારું મન થોડું નવરુ થાય એટલે મુસ્કાનનાં શબ્દો હથોડાની જેમ વાગે. હું વિચારતો રહ્યોને મુસ્કાનની રાહ જોતો રહ્યો. શનિવારની રમત પૂર્ણ કરી બધા છૂટ્યા, હું પણ ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યાં મેદાનમાં બેન્ચપર મુસ્કાનને એકલી જોઈ. હું ત્યાં ગયો.


"સર, મને પણ મારા પપ્પા તેડવા આવતાં હોત તો? હું પણ ખુશીથી ઘરે જાત." દસ મિનિટ પછી તેને અમારી વચ્ચેનું મૌન તોડ્યું. " તું નાની હતી ત્યારે તારા પપ્પાનું અવસાન....." હું પ્રશ્ન પૂરો કરું પેલા જ એ બોલી"...એવું બન્યું હોત તો પણ સારું થાત?" ' મુસ્કાન... આવુ ન બોલાય....'જરા ગુસ્સાથી હું બોલ્યો. મુસ્કાનની આંખમાં સમુદ્રમંથન શરૂ થઈ ગ્યુ'તું , વિષ જ દેખાતું હતું ખાલી. એની આંખ ઘણું બોલવા મથતી હતી પણ હોંઠ ચૂપ જ રહ્યા. 'આજ તો તું રમતમાં વિનર બની ગઈ મુસ્કાન....' મેં વાત બદલવાની કોશિશ કરી. 'હા..' ફરી એ ખામોશ બેઠી રહી.

એકીટશે નીચું જોઈને બેઠેલી મુસ્કાન ફરી અતીતમાં ખોવાય ગઈ. મને હવે સમજ થઈ કે હવે એ વિષ નથી પેટમાં કે નથી બહાર. એ વિષ હવે ગળામાં ફસાયુ. મારે મુસ્કાનનું હૃદય હળવું કરવું'તું માટે મેં પુછ્યું "મુસ્કાન ...તે આવુ કેમ કહ્યું કે 'કોણ મમ્મી ને કોણ પપ્પા?' તારા મમ્મી-પપ્પા ક્યાં છે? શું કરે છે? ને કેમ તારી સાથે નથી?"


"સર...મેં ફોટો સિવાય એમને જોયા જ નથી, દાદા-દાદીએ મને મોટી કરી ને ફોઈએ પણ પ્રેમ આપ્યો. એક વખત મેં દાદાને પણ પૂછ્યું હતું પણ તેમને વાત ન કરી, પછી મને જાણવા મળ્યું કે " મારા જન્મપછી એકાદ દિવસમાં જ એકબીજાને છોડી બન્ને જતા રહ્યા."( મુસ્કાન રડતી હતી ) આજ સુધી પાછા આવ્યા જ નથી, શુ કરતા હશે? ક્યાં હશે? ને કોની સાથે હશે? એ મને નથી ખબર ને જાણવું પણ નથી. 'સર..મારા જેવા મમ્મી-પપ્પા અલ્લાહ કોઈને ન આપે",હું સાંભળતો રહ્યોંને મુસ્કાન હૃદય ઠાલવી રહી.

બધા સ્ટુડન્ટસ જતા રહ્યા મુસ્કાન પણ પોતાના ઘરે ગઈ, ને હું પણ મારા રૂમે પહોંચ્યો. પણ મુસ્કાનનાં ભૂતકાળમાં હું ભૂલો પડ્યો.

વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ 'મમ્મી- પપ્પા' હોઈ છે,બધા મેરિડ કપલ્સ મમ્મી-પપ્પા નથી હોતા, બાળકનો જન્મ એમને એ દરજ્જો અપાવે છે. આ કેસ અલગ જ હતો 'છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય' એ કહેવતનું મુસ્કાનનાં જીવનમાં કઈ મૂલ્ય નથી. અરે,ડિવોર્સ પછી પણ બાળકમાટે બન્ને જણાને લડતાં ઝઘડતાં જોયા છે. બાળક એ સર્વયુગમાં સૌથી આનંદ આપનારુ પરમતત્વ છે.

"એવું પણ મેં સાંભળ્યું સર કે ' હું એમની ત્રીજી સંતાન છું' અને પપ્પાના બીજા કે ત્રીજા લગ્ન હતા' હવે આ કેટલું સાચું એતો ખબર નહિ પણ જે પોતાના સંતાનને ત્યજી શકે એ ગમે તે કરી શકે સર." આ મુસ્કાનનાં છેલ્લા વાક્યો હતા પછી એ જતી રહી'તી.



કોઈ સંતાન પોતાના માબાપને છોડી બીજે રહેવા લાગે એવા ઉદાહરણો સમાજમાં ઘણા છે એનું પ્રમાણ છે "વૃદ્ધાશ્રમ". પરંતુ કોઈ માબાપ પોતાના સંતાનને આમ રસ્તા પર તરછોડી જતા રહે તો "સંતાનાશ્રમ" બનાવા કે શું? હા, કલિયુગ છે એટલે બધું થશે પણ શ્રેષ્ઠ સમાજ આ રોકી શકે. લગ્ન એટલે પ્રેમ-મિલાપ ને સંતાન એટલે સાક્ષાત પ્રેમ. હવે જે નિર્મળ પ્રેમને ન સ્વીકારે એના લગ્નજીવનમાં પ્રેમ છે એ માનવું મુર્ખામી ગણાશે. પ્રેમ અને વાસના વચ્ચે અતિ તીક્ષ્ણ દોરી હોય છે ઘણા વાસનાને પ્રેમનું કવચ પહેરાવી ફરતા હોય છે. શાસ્ત્રો કહે છે કે "कामातुराणां न भयं न लज्जा " કામાન્ધ ને કોઈ ભય કે શરમ હોતા નથી. એમના જીવનમાં લાગણી ને પ્રેમને કોઈ સ્થાન હોતું નથી. આવા કિસ્સામાં બાળકનું શુ? મુસ્કાન નો શો દોષ?


મુસ્કાનની લાઈફમાંથી જન્મતાની સાથે જ "મમ્મી-પપ્પા" શબ્દ 'શીફ્ટ સાથે ડીલીટ' થઈ ગયો. આ તેર વર્ષની મુસ્કાન ત્રેવીસની હોય એવી સમજદારી હતી , આમ પણ જયારે જિંદગી શીખવવાનું શરૂ કરે એટલે કઈ બાકી ન રાખે.

જીવનનો એક નીયમ છે " વીતી ગયું એ સ્વીકારી આગળ ચાલવાનું." ગઈ કાલ જેવી પસાર થઈ એવી આવતીકાલ નહિ જ હોય એ યાદ રાખવું. મુસ્કાનને આ સમજ નાની ઉંમરે થઈ ને ઘણાને જીવન પૂરું થતા પણ નથી સમજાતું.


રવિવારની રજા બાદ સોમવારે ફરી એ માસૂમ ચેહરો મેં જોયો . હવે મારી દ્રષ્ટિ એમના પ્રત્યે અલગ જ હતી. મને મારા સવાલોના જવાબ મળી ગયા ને મુસ્કાનનું હૃદય પણ હળવું હતું. જીવનમાં એક એવું સરનામું રાખવું જ્યાં તમે આખેઆખા ખાલી થઈ શકો. ભણતરના ભાર કરતા હૃદયનો ભાર કપરો ને હાનિકારક હોય છે . પાનખર પછી વસંત આવે જ બસ રાહ જોતા શીખયે. ભારતરત્ન ન મળે તો અફસોસ ન કરવો પણ જો શ્રેષ્ઠ જીવન કે શ્રેષ્ઠ માતા-પિતા કે શ્રેષ્ઠ સંતાન ન બન્યા તો વિચારવું ઘટે.


પથ્થરની યોગ્ય ગોઠવણી કર્યે એટલે ઘર નથી બનતું, એમાં જયારે માતા-પિતાના સંસ્કારો ચણાઈ અને માબાપ રૂપી છત ઢંકાઇ ત્યારે જ ઘર બને. માબાપ વિનાનું ઘર ખાલી ડબ્બો હોય છે માત્ર એકલતાનો ભયાનક ડબ્બો. આવી સત્યતા લઈ ઘરમાં રહેવું એ બધાનું કામ નથી પણ મુસ્કાન રહેતી હતી.

"મારા દાદા-દાદીએ મને ઘણું શીખવ્યું સર..." રિસેસમાં હું ને મુસ્કાન બંને વાતો કરતા હતા. એ એમના દાદાના વખાણ કરે ને ખુશ થતી હતી. આમ પણ સંતાનમાં પિતા કરતા દાદાના સંસ્કારોની અસર વધુ થાય છે. રાજા પૃથુ એમનું સચોટ ઉદાહરણ છે. જેમને જીવનના બધા રસો ચાખ્યા હોય એ વટવૃક્ષ(વડીલ) બધા પર હેત વરસાવતો હોય છે. તડકો સહન કરી છાયો આપે એવા પરોપકારી રસ્તા પર નથી મળતાં.
મુસ્કાન ફરી ક્લાસમાં વિજ્ઞાનનો તાસ ભણવા ગઈ ને હું બુક વાંચવામાં મશગુલ થયો.

ગરમા ગરમ કોફી ગેસ પર ઉકળતી હતી અને મનમાં લાઈટ થઈ કે ગુગલમાં "mother,father" નો મીનીંગ શુ બતાવે? ગેસ બંધ કરી કોફીનો કપ લઈ હું ખુરશી પર બેઠો. ગુગલે મને આન્સર આપ્યો mother નો " a woman in relation to his child or children" . ફાધર નો પણ સમાન જ અર્થ થાય. ફરી મુસ્કાન યાદ આવી , એમની વ્યથા યાદ આવી , એમની માસૂમિયત યાદ આવી. એમનું હાસ્ય હજારો દર્દોને દફનાવીને બહાર મહેકતું હતું. મુસ્કાન "યુ આર વેરી સ્ટ્રોંગ ગર્લ".

આજે તડકો પણ થોડો ઠંડો હતો , તાસ પૂર્ણ કરી હું મેદાનમાં મુસ્કાનની રોજની બેઠક બેન્ચને જોઈ રહ્યો'તો, પાછળથી જાણીતો અવાજ આવ્યો"સર.."

હા, એ મુસ્કાન હતી. " સર...મારે લેશન થઈ ગયું" એ નોટ બતાવતી બોલી.

"મુસ્કાન..તું સદા હસતી રહેજે ને મુસીબતમાં લડતી રહેજે, તું અલ્લાહની અતિપ્રિય મુસ્કાન છો. તારું આ બધા સામે નિખાલસ હસવું એ જ તારું નામ સિદ્ધ કરે છે" મુસ્કાન આ સાંભળીને ફરી ક્લાસમાં જતી રહી. પરંતુ મારા જીવનમાં એક વિમલ મુસ્કાન છોડતી ગઈ..... મુસ્કાન " યુ આર ઓરિજનલ મુસ્કાન." "યુ આર બેસ્ટ".


( સત્ય ઘટના )
( નામ બદલાવેલ છે )

- જયદેવ પુરોહિત "મસ્ત"