મોત ની સફર - 18 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 18

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 18

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે.આખરે ફ્લાઈટ દરમિયાન આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. કૈરો નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના જવાં માટે તૈયાર થઈ ગયાં.

સવારે વહેલાં તૈયાર થઈ સાહિલ અને એનાં મિત્રો તથા માઈકલ અને અબુ નીકળી પડ્યાં કૈરો શહેરની પૂર્વમાં આવેલી નાઈલ નદીનાં કિનારે.. કેમકે ત્યાંથી જ એ લોકો ને બોટમાં આગળની સફર શરૂ કરવાની હતી. આમ તો કૈરો થી અલ અરમાના જવું હોય તો રોડ મારફતે સરળતાથી પહોંચી શકાય એમ હતું પણ કોણ જાણે કેમ નાઈલ નદીની સુંદરતા જોવાની લાલચે એ લોકોને નદી નાં રસ્તે આગળ વધવા નું જોખમ ઉઠાવવા તૈયાર કરી દીધાં હતાં.

સાત વાગે અને પાંચ મિનિટે એ બધાં હોટલ થી ભાડે કરેલી જીપ મારફતે નાઈલ નદીને કિનારે આવી પહોંચ્યાં.. એમને ત્યાં આવેલાં જોઈ બે યુવકો ઉતાવળાં ડગલે ચાલતાં એમની તરફ આવ્યાં.. આવતાં ની સાથે જ એ બંને યુવકોએ એક પછી એક અબુ મકબરી ને ગળે લગાવ્યો અને પછી એમાંથી એક અશ્વેત યુવક હતો એ બોલ્યો.

"અબુ ભાઈ.. તમે કહ્યું હતું એ મુજબની બોટ તૈયાર છે.. તમારું અને તમારાં દોસ્તોનું તમારો આ સેવક સ્વાગત કરે છે.. "

"ધન્યવાદ દોસ્ત.. "એ અશ્વેત યુવક ને ઉદ્દેશીને અબુ બોલ્યો.. અને પછી બાકીનાં પોતાની સાથે આવેલાં પાંચેય લોકોને ઉદ્દેશીને પહેલાં અશ્વેત યુવક અને પછી એની બાજુમાં ઉભેલાં યુવક તરફ આંગળી ચીંધતા કહ્યું.

"મિત્રો.. આ છે કાસમ.. અને એની જોડે છે એનું નામ છે જોહારી.. આ બંને વર્ષોથી આ નાઈલ નદી અને પશ્ચિમનાં રણમાં છાશવારે સફર કરતાં રહ્યાં છે.. મને થયું કે આપણી આગળની સફરમાં એ બંને ઉપયોગી રહેશે એટલે મેં એ બંને ને જ એમની બોટ સાથે હાજર થવાં કહી દીધું.. "

અબુ ની વાત સાંભળી બધાં એ એકબીજાની તરફ જોયું.. કોઈને એ બંને યુવકો કાસમ તથા જોહારી પોતાની સાથે આગળની સફરમાં જોડાય એનો વાંધો હોય એવું કોઈનાં ચહેરા પરથી તો લાગ્યું નહીં એટલે બધાં ડોકું હલાવી પોતાની સાથે લાવેલો સામાન ખભે ચડાવી નદીનાં કિનારા તરફ ચાલી નીકળ્યાં જ્યાં બોટ ઉભી હતી.

દસેક મિનિટમાં તો એ લોકોનાં બેસતાં ની સાથે જ બોટ ચાલી નીકળી હતી કૈરો શહેરથી દૂર જતી નાઈલ નદીનાં પ્રવાહની સાથે.વિશ્વની સૌથી લાંબી નદી નાઈલ ની આ નાનકડી સફર પણ માઈકલ, ડેની, ગુરુ, સાહિલ અને વિરાજ માટે અદભૂત અને અવર્ણનીય બની ગઈ હતી.

કૈરો થી શરૂ કરીને એ લોકો બેની સુએઝથી આગળ પહોંચી ગયાં ત્યાં સુધી તો એમની સફરમાં કોઈ વિઘ્ન ના આવ્યું.. અને બપોરે બાર વાગ્યાં સુધીમાં તો એ લોકોની અડધાં જેટલી સફર પૂર્ણ થઈ ચૂકી હતી.. અહીં સુધી નાઈલ નદીનો પ્રવાહ શાંત હતો અને નદીનાં બંને કિનારા વચ્ચેનું અંતર પણ વધુ હતું એટલે અહીં સુધી નો રસ્તો એ લોકોએ સરળતાથી પાર કરી લીધો.

બપોરે જમવામાં એ લોકોએ વેજીટેબલ સેન્ડવિચ આરોગી અને ઈજીપ્ત ની પ્રખ્યાત એવી ખજૂર ખાધી.જમવાનું પૂર્ણ કરી એ લોકોએ આગળની સફરનો પ્રારંભ કર્યો.હવે આગળ નો રસ્તો થોડો પથરાળ હતો અને વળી અહીં થોડુંક જંગલ જેવું હોવાથી સાચવીને રસ્તો પાર કરવો એવું હતું.. કારણ કે જંગલ હોય તો જંગલી જનાવર હોય અને જંગલી જનાવર હોય તો આફ્રિકા નાં સૌથી ક્રૂર શિકારી એવાં મગર પણ મોજુદ હોય એમાં શંકા ને સ્થાન નહોતું.

આનો અનુભવ એ લોકો ને ત્યારે જ થઈ ગયો જેવી એમની બોટ વનરાજી ધરાવતાં એ વિસ્તારમાં પ્રવેશી.. થોડી થોડી વારે બોટ ની સાથે કંઈક ભારે વસ્તુ નાં અથડાવવાનું મહેસુસ થતાં બધાં ચોંકી ગયાં.. એમનો ગભરાયેલો ચહેરો જોઈ કાસમે જણાવ્યું કે આ બધું નાઈલ નદીનાં મગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે.. એમની સંખ્યા અને કદ એટલું વધારે છે કે એ બોટ નાં માર્ગમાંથી ખસી નથી શકતાં અને ક્યારેય બોટ સાથે અથડાય જાય છે.

બધાં લોકો મગરનાં દર્શન કરી શકે એ હેતુથી જોહારી એ ચાર પાંચ માંસ નાં ટુકડા નદીમાં ફેંક્યા.. એમ કરતાં જ બાર-બાર ફૂટ લંબાઈ ધરાવતાં મગરો નું ટોળું નાનકડાં માંસનાં ટુકડાને પ્રાપ્ત કરવાં ઝપાઝપી કરવાં લાગ્યું.. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ અહીં નદીમાં પડી જાય તો એનાં હાડકાં પણ હાથ ના આવે એ ચોક્કસ વાત હતી.આ બધું ભયંકર જરૂર હતું પણ આ દ્રશ્ય જોવાનો પણ એક રોમાંચક લ્હાવો હતો.

આખરે બેની સુએઝથી આગળ વધીને એ લોકો બાની હસન ટોમ્બ આવી પહોંચ્યાં.. આ શહેર ને મકબરા નું શહેર પણ કહેવામાં આવે છે.. અહીં પાખેટ નામની ગ્રીક દેવી નું સ્થાનક છે.આ સ્થળને કેવ ઓફ આર્ટેમિસ એટલે કે આર્ટેમિસ ની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.. કેમકે અહીંથી પાખેટ દેવી જે ગ્રીક દેવતાં ઝીયુસ ની પુત્રી છે.. જેમની મૂર્તિ આર્ટેમિસ એટલે કે ધનુષ અને બાણ સાથે મળી આવી હતી.

બાની હસન ટોમ્બ આવીને કાસમે કિનારે બોટ ને લંગારી અને જોહારી ને બાકીનાં બધાં ને લઈને અહીંના પ્રખ્યાત મકબરા નાં દર્શન કરાવી લાવવાનું કહ્યું.. ત્રણેક કલાક બાદ એ લોકો પાછા બોટમાં પહોંચ્યાં ત્યારે સાંજનાં પાંચ વાગી ચુક્યાં હતાં.. હવે અહીંથી અલ અરમાના શહેર ઝાઝું દૂર નહોતું પણ પશ્ચિમ દિશામાં ડૂબતા સૂરજ પહેલાં અલ અરમાના સુધી પહોંચવું જરૂરી હતું કેમકે એ લોકો જોડે જે બોટ હતી એમાં રાતે સફર કરવાં માટેની વધુ વ્યવસ્થા નહોતી.

આખરે સાંજે સાત વાગે એ લોકો અલ અરમાના આવી પહોંચ્યાં.. કાસમે કુશળતા પૂર્વક બોટને હંકારી રાત થયાં પહેલાં નક્કી સમયે એ લોકોને અલ અરમાના લાવી એક સરાહનીય કામ જરૂર કર્યું હતું.. બોટ ને અલ અરમાના પહોંચી ઈજીપ્ત સરકાર દ્વારા જે સરકારી પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં એક મહીનાનું પાર્કિંગ નું ભાડું ચૂકવી કાસમ એ બધાં ને લઈને એમનાં માટે આજની રાત જ્યાં રોકાવાનું હતું એ તરફ ચાલી નીકળ્યો.

અલ અરમાના વધુ મોટું શહેર નહોતું એટલે એ લોકો ને કોઈ મોટી હોટલ મળવાની હતી નહીં.. છતાં એક રાત રોકાઈ શકાય એવી વ્યવસ્થિત હોટલ અલ અમીરાત કાસમે શોધી કાઢી અને ચાર રૂમ બુક કરાવી દીધાં જેથી બધાં શાંતિથી સુઈ શકે.. એ બધાં નાં માટે જમવાનું પણ એમનાં રૂમ સુધી પહોંચે એવી સગવડ કાસમે કરી દીધી હતી.. કાસમ અને જોહારી નું એમની જોડે આવવું બાકીનાં બધાં ને તો ખરેખર વરદાન જેવું લાગી રહ્યું હતું.

કાસમે બધાં ને જણાવી રાખ્યું હતું કે એ લોકો સવારે શાંતિથી જાગે.. કેમકે એ લોકોને એમની આગળની મંજીલ એટલે કે રકીલા ગામ સુધી જવાં કાલે બપોરે નીકળવાનું હતું.. રકીલા ગામ અલ અરમાના શહેરથી 150 કિલોમીટર દૂર રણમાં આવેલું હતું.. પણ અહીં સુધી જવાં કાચી સડક મોજુદ હોવાથી જીપ મારફતે ત્યાં પહોંચી શકાય એમ હતું.. પણ રકીલાથી આગળ તો એમની સફરમાં ફક્ત ને ફક્ત હતું અફાટ રણ અને રેતી.

કાસમ નાં કહ્યાં મુજબ બધાં બીજાં દિવસે શાંતિથી જ ઉઠયાં.. નાહી ધોઈ એ લોકો ફ્રેશ થયાં ત્યાં સુધી બાર વાગી ચુક્યાં હતાં. કાસમ અને જોહારી પોતાનાં રૂમમાં હતાં નહીં જેનો અર્થ હતો ને રકીલા સુધી પહોંચવા કોઈ સાધનની વ્યવસ્થા કરવાં એ બંને ગયાં હતાં.. એ બંને ની રાહ જોવામાં સમય બગાડયાં કરતાં એમનાં આવ્યાં પહેલાં જમવાનું પતાવી લેવાની અબુ એ હિદાયત આપી એટલે એ લોકોએ હોટલમાં આવેલી રેસ્ટોરેન્ટમાં જઈને થોડું ઘણું જમી લીધું.

એ લોકો જમી રહ્યાં ત્યાં કાસમ અને જોહારી એક જીપ લઈને ત્યાં આવી પહોંચ્યા.. રણ પ્રદેશમાં સરળતાથી સફર કરવાં જીપ ઉત્તમ સાધન હતી.. જમવાનું પૂર્ણ કરી બધાં પોતપોતાનો સામાન લઈને નીચે આવ્યાં ત્યાં સુધી કાસમ અને જોહારી એ થોડું ઘણું નાસ્તા જેવું કરી લીધું.. બધાં નો સામાન જીપમાં ગોઠવાઈ ગયો એટલે જીપનાં ડ્રાઈવરે જીપને અલ અરમાના શહેરથી રકીલા ગામ તરફ જતી કાચી સડકો પર દોડાવી મૂકી.

ઊંચા-નીચા અને ઉબળ ખાબળ રસ્તા પરથી પસાર થતાં થતાં જીપ મારફતે એ લોકો પાંચ કલાકથી પણ વધુ સમયની મુસાફરી બાદ આખરે રકીલા ગામ આવી પહોંચ્યાં.. એ લોકોનાં કમરનાં મણકા આ 150 કિલોમીટર ની સફરમાં હલી ગયાં હતાં.. અબુ જોડેથી ભાડું લઈને કાસમે જીપ નાં ડ્રાઈવર ને ચુકવ્યું એટલે એ પાછો અલ અરમાના તરફ હાલી નીકળ્યો.

માંડ હજાર લોકોની વસ્તી ધરાવતું રકીલા ગામ સંપૂર્ણપણે ખજૂરની ખેતી પર નભતું હતું.. જહાંગીર નામનાં ખજૂરની વાડી ધરાવતાં પોતાનાં એક મિત્રનાં મિત્ર ને ત્યાં અબુ એ એમનાં બધાનું રાત્રી રોકાવાનું ગોઠવી દીધું.. કાસમ, જોહારી અને અબુ વગર એ લોકોને અઢળક કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડત એ વાત માઈકલ તથા સાહિલ અને એનાં દોસ્તારો જાણી ચુક્યાં હતાં.

જહાંગીરે એ લોકોને પોતાનાં ફાર્મહાઉસ માં ઉતારો આપ્યો અને રાત્રી નાં ભોજનની પણ વ્યવસ્થા કરી આપી.. લાંબી મુસાફરી બાદ થાકેલાં બધાં શાંતિથી સુઈ ગયાં.. આજની રાત એ લોકો માટે ખરેખર આરામથી સુવા માટેની આખરી રાત હતી.. કેમકે સવાર પડતાં જ એ લોકો એક એવી સફર પર નીકળી પડવાનાં હતાં જ્યાં શાયદ એમને સદાય માટે સુવાની નોબત આવવાની ભીતિ હતી.

રકીલા થી હબીબી નાં ખંડેરો નો રસ્તો અંદાજીત 160-170 કિલોમીટર જેટલો હતો.. પણ આ રસ્તો પૂર્વ નાં જીવલેણ રણપ્રદેશમાંથી પસાર થતો હતો.. જીવલેણ એટલાં માટે કે સામાન્ય સજીવ માટે તો આ વિસ્તારમાં જીવવું શક્ય જ નહોતું.. જ્યાં દેખો ત્યાં ફક્ત રેતી અને રેતી જ.. ના જમીન નો કોઈ પત્તો ના પાણી નો.

સવારે પાંચ વાગે બધાં ને કાસમે જગાડી દીધાં.. અને ફટાફટ તૈયાર થઈ જવાં કહ્યું.. પાંચ વાગે ઉઠવું કોઈને ગમ્યું તો નહીં પણ જો કાસમે જલ્દી જગાડયાં હોય તો એનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ એમ વિચારી બધાં જલ્દી-જલ્દી તૈયાર થઈ ગયાં.બધાં જેવાં તૈયાર થઈ ગયાં એટલે કાસમે બધાં ને બહાર બોલાવ્યાં અને એ લોકોનો સામાન બહાર ઉભેલાં ઊંટો પર લાદવાનું કહ્યું.

કુલ નવ ઊંટ હતાં.. એ લોકો ની સંખ્યા આઠ હતી પણ વધારાનો સામાન એક ઊંટ પર લાદી શકાય એ હેતુથી કાસમ એક વધારાનો ઊંટ એમની સાથે લઈ આવ્યો હતો.. આ વિશાળ રણપ્રદેશમાં આગળ વધવા ઊંટ થી ઉત્તમ બીજું કોઈ સાધન મળવાનું નહોતું.. પોતાની શારીરિક બનાવટ નાં લીધે ઊંટ એ રણ વિસ્તાર માં મુસાફરી કરવાં માટેનું સર્વશ્રેષ્ઠ સાધન હતું.

ઊંટ ઉપર બધાં બેસી ગયાં એ સાથે જ કાસમે પોતાનાં ઊંટ ને બધાં ની આગળ કર્યું અને જહાંગીર નો આભાર માની ઊંટ ને હબીબી ખંડેર સુધી જતાં રસ્તા તરફ દોરી મુક્યું.. કાસમ ની પાછળ અબુ હતો અને પછી માઈકલ.. વચ્ચે સાહિલ અને એનાં દોસ્તો હતાં જ્યારે છેક છેલ્લે જોહારી.

આ સાથે જ ખરી સફરની શરૂવાત થઈ ચૂકી હતી.. એક એવી સફર જે શાયદ એ બધાં માટે બનવાની હતી એમની આખરી સફર.. મોત ની સફર.

★★★

વધુ નવાં ભાગમાં.

ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***