વન્સ અપોન અ ટાઈમ - 43 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 43

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 43

પપ્પુ ટકલા મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે પોલીસ ઓફિસર મિત્રની આંખમાં શંકા વંચાતી હતી. અમે એમની સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું એટલે તેઓ ધીમેથી બોલ્યા, ‘આ માણસ વળી જાકુબના ધંધા કરવા માંડ્યો લાગે છે.’

તેઓ આગળ કંઈક બોલવા જતા હતા ત્યાં પપ્પુ ટકલાએ મોબાઈલ પર વાત પૂરી કરી અને એ અમારી પાસે આવ્યો એટલે એમણે ચુપકીદી સાધી લીધી. પપ્પુ ટકલા થોડો અસ્વસ્થ થઇ ગયો હોય એવું અમને લાગ્યું, પણ એણે અમારી સામે ગોઠવાઈને ફરી વાર અંડરવર્લ્ડ ક્થાનો દોર સાધી લીધો.

પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને વાત આગળ ધપાવી, ‘૧૯૯૧ની ૧૧ ડિસેમ્બરે ગવળી ગેંગ અને દાઉદ ગેંગના શૂટરો વચ્ચે ધીંગાણામાં દાઉદ ગેંગના શૂટર્સ માર્યા ગયા એટલે વળતા ઘા રૂપે દાઉદ ગેંગના શૂટરોએ અઠવાડિયા પછી ગવળીના નજીકના સાથીદાર નામદેવ સાતપુતેને ગોળીએ દીધો.

નામદેવ સાતપુતને શૂટર માર્યો ગયો એનો બદલો લેવા ગવળીએ જેલમાં બેઠાં-બેઠાં દાઉદ ઈબ્રાહિમના સગા બનેવી ઈબ્રાહિમ ઈસ્માઈલ પારકરના નામનું ડેથ વોરંટ ઇસ્યુ કર્યું. એ દરમિયાન દાઉદ ગેંગમાં બીજી ધમાધમી પણ શરુ થઇ ગઈ હતી. દાઉદ ઈબ્રાહિમ સામે શિવસેનાના નગરસેવક ખીમ બહાદુર થાપાએ મોરચો માંડ્યો હતો.

થાપાએ મુંબઈના ભાંડુપ વિસ્તારમાં ધાક જમાવી હતી. દાઉદની સાથે એને સારું બનતું હતું અને પોલીસ અને દાઉદ ગેંગના મહત્વના સભ્ય તરીકે ગણતી હતી, પણ ખીમ બહાદુર થાપાની મહત્વકાંક્ષા વધી હતી અને એણે દાઉદ સાથે શિંગડાં ભરાવવાની ગુસ્તાખી કરી હતી.

પાણી નાક સુધી પહોંચી ગયું છે એવું લાગ્યું ત્યારે ‘બોસ’નો ઓર્ડર છૂટયો અને ખીમ બહાદુર થાપાના મોતનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું. ‘ઉડા દો ઉસકો’ એવી સૂચના દુબઈથી આવી ગઈ હતી.

આ દરમિયાન મુંબઈમાં અમર નાઈક ગેંગ પર પોલીસની ભીંસ વધી હતી. અરુણ ગવળીને મુંબઈ પોલીસે યરવડા જેલમાં ધકેલી દીધો હતો અને દાઉદ ઇબ્રાહિમ દુબઈ બેઠાં-બેઠાં પોતાનો ‘કારોબાર’ ચલાવતો હતો.

દાઉદના ભાઈઓ પણ દુબઈ જતા રહ્યા હતા, પણ અમર નાઈકે મુંબઈ છોડ્યું નહોતું, એ નિતનવો વેશપલટો કરીને મુંબઈ પોલીસથી બચીને મુંબઈમાં રહ્યો હતો, પરંતુ ૧૯૯૧ના અંતમાં મુંબઈ પોલીસની ભીંસ વધી એટલે અમર નાઈકને પણ મુંબઈમાંથી ઉચાળા ભરવાનો વારો આવ્યો હતો.

મુંબઈ પોલીસે નવેમ્બર ૧૯૯૧માં અમર નાઈકના ભાઈ અશ્વિન નાઈકની ધરપકડ કરી એટલે ચેતીને અમર નાઈક બેંગકોક નાસી છૂટ્યો.

***

અમર નાઈકનું પગેરું મેળવવા માટે મુંબઈ પોલીસે એની પત્ની અંજલિને અટકમાં લેવાની પેરવી કરી. પણ ચેતી ગયેલી અંજલિ નાઈકે મુંબઈ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા. સેશન્સ કોર્ટે અંજલિને આગોતરા જામીન તો આપ્યા પણ સાથે એવી તાકીદ કરી કે એણે મુંબઈ પોલીસને તપાસમાં પૂરો સહકાર આપવો પડશે. મુંબઈ પોલીસે ૧૭ ડિસેમ્બર, ૧૯૯૧થી ૧ જાન્યુઆરી, ૧૯૯૨ સુધી અંજલિ નાઈકની ઉલટતપાસ લીધી. અને એ દરમિયાન પોલીસે અમર નાઈકના એન.એમ. જોષી માર્ગસ્થિત ઘરમાં દરોડો પણ પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે અમર નાઈકના ઘરમાંથી અનેક બનાવટી પાસપોર્ટ, લાખો રૂપિયાનાં ઘરેણાં, અનેક દુકાનો અને ફ્લેટના દસ્તાવેજો તથા વિદેશી શરાબની બોટલ્સ જપ્ત કર્યાં અને અંજલિ નાઈક સામે નકલી દસ્તાવેજોને આધારે વિદેશ નાસી છૂટવાની કોશિશનો ગુનો નોંધ્યો.

***

અમર નાઈક ગેંગ પર મુંબઈ પોલીસની તવાઈ આવી અને અમર નાઈકે મુંબઈ છોડીને બેંગકોક નાસી જવું પડ્યું. એટલે નાઈક ગેંગની પ્રવૃતિઓ પર થોડો સમય બ્રેક લાગી ગઈ. બીજી બાજુ અરુણ ગવળી પણ જેલમાં હતો એટલે દાઉદ ગેંગને વધુ એક વાર જાણે મોકળું મેદાન મળી ગયું. પણ ગવળીના અત્યંત મહત્વના સાથીદારો સદા પાવલે અને ગણેશ વકીલે બાજી સંભાળી લીધી હતી. એમાં વળી ગવળી ગેંગનો તાન્યા કોળી નામનો હીરો જેલમાંથી બહાર આવી ગયો હતો. તાન્યા કોળી ગવળી ગેંગમાં જોડાઈને શાર્પ શૂટર બની ગયો હતો અને એણે દાઉદ ગેંગના ગુંડાઓને વીણી વીણીને મારવાનું શરુ કર્યું હતું. પણ જૂન, ૧૯૯૧માં દાઉદ ગેંગ સાથે સંકળાયેલા એક બિલ્ડર રજ્જુ દાઢીવાલાને બાંદરા વિસ્તારમાં ધોળે દિવસે ગોળીએ દેવાયો અને એ વખતે ત્રણ નિર્દોષ મુંબઈગરા પણ માર્યા ગયા એ પછી દગડી ચાલમાં દરોડો પાડીને મુંબઈ પોલીસે તાન્યા કોળીને જેલમાં ધકેલી દીધો હતો.

***

પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો નવો પેગ બનાવતા તાન્યા કોળીની જીવનકથા શરૂ કરી. ‘આ તાન્યા કોળી વિશે જાણવામાં પણ તમારા વાચકોને રસ પડશે.’ તેણે પોતાની કમેન્ટ આપતાં કહ્યું. અમને ધ્રાસકો પડ્યો કે તાન્યા કોળીની લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવી છે એવું કહીને પપ્પુ ટકલા પાછો હિન્દી ફિલ્મની વાતોએ ચડી જશે. પણ આ વખતે પપ્પુ ટકલાએ એવું કંઈ કહેવાને બદલે સીધી વાત માંડી: ‘તાન્યા કોળી મહારાષ્ટ્રના સતારા જિલ્લ્લામાં જન્મ્યો હતો. પ્રાથમિક અભ્યાસ પણ પૂરો કર્યા વિના એ કુટુંબને મદ્દદરૂપ થવા ખેતીમાં અને પશુપાલનમાં વળગી ગયો હતો. ઢોર ચરાવવાની સાથે સમય મળે ત્યારે ચૂનાની ભઠ્ઠીમાં પણ કામ કરવા જતો હતો. પણ એમાં કંઈ ભલીવાર નહીં લાગતા એ નોકરીની આશામાં મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં એને એક સગાએ જાલન ડાઈગ મિલમાં નોકરીએ વળગાડી દીધો. પણ ત્યાં નોકરીમાં કાયમી ન થયો એટલે એક કાપડની મિલમાં એણે નોકરી મેળવી. પણ ત્યાંય એ સખણો બેસીને નોકરી કરવાને બદલે યુનિયનબાજીના ચાળે ચડ્યો. એની સામે ચોરીનો આરોપ મુકાયો અને એની નોકરી ગઈ. એ પછી તાન્યાએ મુંબઈના વિરગામ વિસ્તારમાં ચાનો સ્ટોલ ઉભો કર્યો. તેણે ચાનો સ્ટોલ ચલાવવા બે ટપોરીને ઊભા કરી દીધા અને પોતે વળી યુનિયન પ્રવૃતિમાં વળગી પડ્યો. તાન્યાએ પોતાની નાનકડી ટોળી ઊભી કરી દીધી હતી. કોઈ કંપનીમાં હડતાળ પડે અને એ હડતાળ તોડી પાડવી હોય તો તાન્યા ‘સેવા’ આપવા લાગ્યો. અઢી દાયકા અગાઉ મુંબઈના એક અંત્યંત જાણીતા અંગ્રેજી દૈનિકે પણ હડતાળ તોડાવવા માટે તાન્યાની ‘સેવા’ લીધી હતી. પણ આ બધી ધમાલમાં તાન્યા શિવસેનાના ગિરગામ વિસ્તારના સ્થાનિક નેતાઓ સાથે બાખડી પડ્યો. તાન્યાએ ચોરબજારમાંથી શસ્ત્રો ખરીદીને પોતાની ટોળીના સભ્યોને આપ્યાં અને એને કારણે શિવસેનાનો સ્થાનિક નેતા કમોતે માર્યો ગયો એ પછી તાન્યા કોળીની જિંદગી બદલાઈ ગઈ. નેવુંના દાયકાના અંત સમયમાં એને ગવળી ગેંગનું છત્ર મળ્યું. એટલે તાન્યા કોળીની હિંમત ઓર વધી ગઈ. થોડા સમયમાં તો એની ગવળી ગેંગના ટોપ ફાઈવ લીડરમાં ગણના થવા લાગી.

***

તાન્યા કોળીની જીવનકથા ટૂંકમાં કહીને પપ્પુ ટકલા ફરી મૂળ વાત પર આવ્યો: ‘ગવળી ગેંગના સિનિયર મેમ્બર નામદેવ સાતપુતેની હત્યા પછી અરુણ ગવળીએ દાઉદ ઇબ્રાહિમને અકલ્પ્ય આંચકો આપ્યો. એના કારણે માત્ર દાઉદ જ નહીં, તેના કુટુંબના તમામ સભ્યો અને દાઉદના સાથીદારો પણ હચમચી ગયા...’

(ક્રમશ:)