Prem ke Pratishodh - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 17

પ્રેમ કે પ્રતિશોધ-17



(આગળના ભાગોમાં જોયું કે એક તરફ અર્જુન શિવાનીના મર્ડર કેસને સોલ્વ કરવાના પ્રયાસો કરી રહ્યો હોય છે તેમજ ખૂની પોતાના આગલા શિકારની તૈયારી અને બીજી બાજુ દિવ્યા અજયને જવાબ આપવા માટે કોલેજે જવાની તૈયારી કરવા લાગે છે....)


હવે આગળ.......

અજયને મેસેજ કરીને દિવ્યા કોલેજ જવા માટેની તૈયારી કરવા લાગી..

આજે દિવ્યા સામાન્ય કરતા કંઈક વિશેષ તૈયાર થઈ, હવે તો અજયના નામ માત્રથી તે રોમાંચિત થઈ ઉઠતી હતી. પરંતુ સાથે સાથે તે મૂંઝવણ પણ અનુભવતી હતી કે હું અજયને કેવી રીતે જવાબ આપીશ...
અચાનક તેને કંઈક યાદ આવતા રાધીને કોલ કર્યો.....
“રાધી, તું કોલેજે ક્યારે આવીશ?"રાધીએ કોલ રિસીવ કર્યો કે તરત દિવ્યાએ કહ્યું.
“હજી તો વાર છે. ટાઈમ તો થવા દે, કેમ આજે સવારમાં....."

“મારી મદદ કરીશ.... થોડુંક કન્ફ્યુઝન છે...."

“અજયને જવાબ આપવો છે એમ ને?"
રાધીની વાત સાંભળીને દિવ્યા તો સ્તબ્ધ થઈ ગઈ.
“તને કેમ ખબર...?"
“દિવ્યા, આપણે આટલા સમયથી સાથે જ છીએ, તો શું હું મારી ફ્રેન્ડને ના ઓળખી શકું, મને તો કાલે અજયે જ્યારે તને પ્રપોઝ કરી ત્યારે જ ખબર પડી ગઈ હતી....."

“ઓહ, તો હવે મારે શું કરવું જોઈએ..... મને કંઈક આઈડિયા આપ ને યાર...."

“કઈ નહીં બસ કાલે એણે બધા સામે તને પ્રપોઝ કરી એમ આજે તું જવાબ આપી દે સિમ્પલ......."
“એમ નહીં પણ કાલે આપણે જ્યારે કાંકરિયાથી રિટર્ન આવ્યા ત્યારે હું અને અજય ....." દિવ્યાએ ગઈ કાલની તેની અને અજયની વચ્ચે થયેલ વાતચીત સહિત બધું રાધીને સવિસ્તર જણાવ્યું.

“વાહ, શું વાત છે આટલા આગળ નીકળી ગયા અને હવે મને પૂછે છે કે શું કરવું જોઈએ...... એક કામ કર કોલેજે અજય આવે એટલે ડાયરેકટ એની જોડે વાત જ કરી લે મતલબ કે એને જવાબ જ આપી દે"

“ok, tnx ચલો કોલેજે મળશું......bye"
“ok, bye"
દિવ્યાએ કોલ કટ કરી મોબાઈલ બેગમાં મૂકી દીધો.

સવારે કોલેજના સમયથી લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય વહેલા પહોંચીને દિવ્યા કોલેજના ગેટ પાસે જ અજયની પ્રતીક્ષા કરતી હોય છે.
******

“અરે એને કોઈ કામ આવી ગયું હશે એટલે તું નાહકની ચિંતા કરે છે?"નિખિલે દિવ્યાને ચિંતાતુર અવસ્થામાં જોઈને કહ્યું.
“ના, અજયને કોઈ કામ હોય તો એ પહેલા જ જણાવી દે, આમ કોલેજે ક્યારેય લેટ નથી આવ્યો?"દિવ્યાએ મોબાઈલમાં અજયનો નંબર ડાઈલ કરતાં કહ્યું.
નિખિલ અને દિવ્યા કોલેજના ગેટ પાસે ઉભા હતા.
“સુનિલ અને વિકાસ ગયા છે એના ઘરે તપાસ કરવા હમણાં આવી જશે!"નિખિલે કહ્યું.
“પણ હજી નથી આવ્યા. અને અજય કયારેય આવું કરતો નથી."દિવ્યાએ ચિંતિત સ્વરે કહ્યું.
દિવ્યાને વ્યાકુળ જોઈને નિખિલે પૂછ્યું,“છેલ્લે અજય સાથે ક્યારે વાત કરી હતી?"
“કાલે સાંજે, આપણે કાંકરિયાથી આવ્યા ત્યારે અને પછી ફોન પર તો નઈ પણ મેસેજમાં વાત થયેલ."દિવ્યાનું ધ્યાન મેઈન રોડ પર જ હતું.
તે અજયનો નંબર ડાઈલ કરતી પણ મોબાઈલ આઉટ ઓફ રિચ આવતો એટલે નિરાશ થઈ જતી.
“હું સુનીલને કોલ કરીને તપાસ કરી લઉં..."આટલું કહી નિખિલે સુનીલને ફોન કરવાં મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો.
“હા"
નિખિલ હજી સુનિલનના નંબર ડાઈલ કરે તે પહેલાં મોબાઈલની સ્ક્રીન પર મેસેજ નોટિફિકેશન આવ્યું. અને મેસેજ પણ સુનીલનો જ હતો.
તેમાં લખ્યું હતું,“બધા મિત્રોને લઈને અજયના ઘરે આવી જા."
મેસેજ વાંચીને નિખિલના ચહેરાના ભાવ પલટાયા અજય સાથે કંઈક તો અનિચ્છનીય બનાવ બન્યો જ હશે. નહીંતર સુનિલ આમ મેસેજના કરે એવું નિખિલે મનોમન વિચારી લીધું.
“શું થયું?, સુનિલ પહોંચી ગયો?, નિખિલ...."દિવ્યા અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી.
“કંઈ નહીં સુનિલનો મેસેજ હતો, અજય ઘરે જ છે. પણ તેની તબિયત ખરાબ હોવાથી નથી આવ્યો."નિખિલ જાણતો હતો કે અજયની તબિયત ખરાબ છે એમ કહેશે એટલે બધા મિત્રોને ત્યાં જવાનું કહેવું નઈ પડે. આમ અત્યારે તો પરિસ્થિતિ સંભાળવા માટે તે જાણી જોઈને ખોટું બોલ્યો.
“કેમ શું થયું છે અજયને?, તો તો એ જણાવે નઈ?, સુનીલને કહે ફોન કરીને અજય જોડે વાત કરાવે. "દિવ્યા નિખિલને પ્રશ્ન પર પ્રશ્ન પૂંછતી હતી.
નિખિલે વિનયને પણ મેસેજ કરી દીધો હતો એટલે તે પણ રાધી સાથે નિખિલ હતો ત્યાં આવી ગયો હતો.
રાધીના આવતાં જ દિવ્યાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
“રાધી, અજય....."દિવ્યા તૂટક સ્વરે આટલું તો માંડ બોલી શકી.
વિનયે તેને અટકાવતાં કહ્યું,“અરે, તું ટેંશન ન લે, ચાલો આપણે બધા અજયના ઘરે જ જઈએ..."
બધા ત્યાંથી અજયના ઘર તરફ રવાના થયા....

હકીકતમાં તો નિખિલના ભાવહીન ચહેરાને જોઈને વિનય સમજી તો ગયો હતો કે નક્કી કઈ ગંભીર બાબત છે. પણ અત્યારે દિવ્યા અને રાધી સાથે હોવાથી તેણે નિખિલ સાથે આ બાબતે વાત કરવાનું માંડી વાળ્યું.
રસ્તામાં જતા દિવ્યા મનોમન વિચારી રહી હતી કે કાલે સાંજે વરસાદના કારણે જ તબિયત બગડી હશે. અને એ સ્વયંને સંભાળવાના નિર્થક પ્રયાસ કરી રહી હતી.
લગભગ વીસેક મિનિટ જેટલા સમયમાં તેઓ અજયના ઘર પાસે પહોંચ્યા, આમ તો આ અજયના કાકાજીનું ઘર હતું કેમ કે બાળપણમાં જ તેના મમ્મી-પપ્પા ના અવસાન પછી તે તેના કાકા સાથે જ રહ્યો હતો. અને એના કાકાએ અજયને પોતાના સગા દિકરાથી પણ વિશેષ રાખ્યો હતો.
જ્યારે તેઓ અજયના ઘરની બાજુમાં પહોંચ્યા તો તેમણે જોયું કે ઘરની બહાર એક એમ્બ્યુલેન્સ અને એક પોલીસની જીપ પડી હતી. ઘરના દરવાજા પાસે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. બહારથી આટલું દ્રશ્ય જોતાં જ બધાના હૃદયના ધબકારાની ગતી વધવા માંડી હતી. હવે તો બધાના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ ઉત્તપન્ન થવા લાગી હતી. બધા મનોમન પ્રાર્થનાઓ કરવા લાગ્યા કે અંદર બધું શ-કુશળ હોય...

બધા ટોળામાંથી થઈને અજયના ઘરના ફળિયામાં પ્રવેશ કર્યો. રૂમના દરવાજા પર એક કોન્સ્ટેબલ(સંજય) ઉભો હતો. અને તે કદાચ ત્યાંથી કોઈ અંદર ના પ્રવેશે તે માટે જ ઉભો હતો. બહાર સુનિલ અને વિકાસ એકદમ ગમગીન અવસ્થામાં ઉભા હતા. અજયના કાકી કરુણ રૂદન કરી રહ્યા હતા અને એના કાકા એને સાંત્વના આપવાના પ્રયાસો કરી રહ્યા હતા.
આટલી ભીડ,પોલીસ અને એમ્બ્યુલેન્સ જોઈને કોઈ પણ અંદાજ તો લગાવી જ શકે કે અંદર જે કઈ પણ છે તે સામાન્ય તો નથી જ!
“અરે, અજય તો બીમાર છે તો આ પોલીસ અને આટલી બધી ભીડ શા માટે? અને આ કાકી કેમ.....?" દિવ્યા ધ્રુજતા અવાજે આટલું જ બોલી શકી.
આટલી વારમાં બધા રૂમના દરવાજા પાસે પહોંચી ગયા. સૌ પ્રથમ નિખિલે અંદરનું દ્રશ્ય જોવાનો પ્રયત્ન કર્યો. અંદરનું દ્રશ્ય જોઈને તે દરવાજાથી ચાર પાંચ ડગલાં પાછળ ખસીને ત્યાં જ દિવાલ પાસે અવાચક થઈને બેસી ગયો.
વિનયે તેને પૂછ્યું,“શુ થયું અજયને નિખિલ??"
પણ નિખિલ કઈ બોલી શકે તેવી સ્થિતિમાં હતો જ નહીં, તેને અંદરનું દ્રશ્ય જોઈને એટલો આઘાત લાગ્યો કે તે કઈ બોલી જ ન શક્યો બસ આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી...
વિનય નિખિલને આગળ કઈ પૂછે તે પહેલાં દિવ્યા અને રાધી રૂમના દરવાજે પહોંચી પરંતુ... અંદર દ્રષ્ટિ કરતાં જ દિવ્યાના મુખમાંથી એક કરુણ ચીસ નીકળી,“અજય......."
અને તે ત્યાં જ ઢળી પડી....
રાધી તો બસ દિવ્યાને ઢંઢોળી રહી......

વધુ આવતાં અંકે.......

અજય સાથે શું ઘટના બની હશે?
શિવાની મર્ડર કેસમાં અર્જુન આગળ કઈ રીતે વધશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.....
*******

તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.

તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

આભાર.
વિજય શિહોરા-6353553470

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED