વન્સ અપોન અ ટાઈમ - 41 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 41

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 41

‘આ દરમિયાન દાઉદને બીજો પણ એક ભારે ફટકો પડ્યો. મુંબઈમાં દાઉદ ગેંગની ધાક જમાવવામાં મહત્વનો રોલ કરનાર શાર્પ શૂટર મહેન્દ્ર ડોળસ ઉર્ફે માયા મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. માયા ડોળસ સામે મુંબઈમાં એક ડઝન મર્ડર કેસ નોંધાયા હતા. માયા ડોળસની ધરપકડ કરીને મુંબઈ પોલીસે એને ઔરંગાબાદની જેલમાં મોકલી આપ્યો. માયા ડોળસની ધરપકડને કારણે અરુણ ગવળીની છાવણીમાં ઉત્સાહ ફેલાયો. માયા ડોળસ મુંબઈમાં અરુણ ગવળીના ગુંડાઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓના મર્ડર કરી ચૂક્યો હતો. એ સિવાય એણે અનેક દિલધડક લૂંટ ચલાવીને દાઉદ ગેંગને આર્થિક રીતે મજબૂત થવામાં પણ મદદ કરી હતી. માયા ડોળસની ગેરહાજરીમાં ગવળી ગેંગના શૂટરો વળી એક વાર દાઉદ ગેંગના ગુંડાઓને નિશાન બનાવવા માંડ્યા. અકળાયેલા દાઉદે માયાને છોડાવવા માટે રૂપિયાની કોથળી ખુલ્લી મૂકી દીધી.

૧૪ ઓગસ્ટ, ૧૯૯૧ ના દિવસે માયા ડોળસને એક હત્યા કેંસમાં મુંબઈની મઝગાંવ કોર્ટમાં હાજર કરવાનો હતો. આવા રીઢા ગુનેગારને વૅનમાં લઇ જવાને બદલે ૧૩ ઓગસ્ટની રાતે માત્ર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ્સ એની સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં રવાના થયા. ૧૪ ઓગસ્ટે માયા ડોળસને મઝગાંવ કોર્ટમાં રજૂ કર્યા પછી બપોરના બે વાગ્યે કોર્ટમાંથી ફ્રી થયા બાદ કોન્સ્ટેબલ્સ માયા ડોળસ સાથે ટેક્સીમાં બસ સ્ટેશન તરફ રવાના થયા. રસ્તામાં માયાને અચાનક તરસ લાગી એટલે ‘દયાળુ’ કોન્સ્ટેબલ્સે એને પાણી પાવા માટે એક જયુસ સેન્ટર પાસે ટેક્સી ઉભી રખાવી. માયાએ જયુસ સેન્ટરમાં પાણી પીધું પછી એ કાચનો ગ્લાસ તોડીને એણે પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ઝીંકી દીધો અને એ ત્યાંથી નાસી છૂટ્યો.’

અમારી આંખોમાં સહેજ શંકાભર્યો પ્રશ્નાર્થ જોઇને પપ્પુ ટકલા હસ્યો. તેણે કહ્યું, ‘આવું હું નથી કહેતો. આવું પેલા પોલીસ કોન્સ્ટેબલ્સે કહ્યું હતું! માયાની સાથે સંતોષ નિખાલજે અને કુબાજી મોરે તથા વીર બહાદુર નામના ત્રણ કોન્સ્ટેબલ્સ હતા. એમાંથી વીર બહાદુર જખ્મી થયો હતો. નિખાલજે અને મોરેએ મુંબઈ પોલીસને આ વાતની જાણ કરી હતી. એ વખતે સાંજના સાડા ચાર વાગ્યા હતા. વીર બહાદુરને મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બાકીના બે કોન્સ્ટેબલની ઉલટતપાસ હાથ ધરાઈ. મજાની વાત એ હતી કે, માયા ડોળસ એ બંને કોન્સ્ટેબલ્સની રાઈફલ પણ આંચકી ગયો હતો! આ મામલો નાગપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો એટલે નાગપાડાના સિનિયર ઈન્સ્પેક્ટર દિનકર આકોલકર આખી વાત સમજી ગયા. એમણે પોલીસની ‘આગવી સ્ટાઈલ’થી બંને કોન્સ્ટેબલની પૂછપરછ કરી એટલે બંનેએ સાચી વાત ઓકી નાખી.

હકીકતમાં કોર્ટમાંથી છૂટ્યા બાદ માયાને બસ સ્ટેશન લઇ જવાને બદલે એ બધા નાગપાડામાં માયાની સાથે કલેર રોડ તરફ ગયા હતા. ત્યાં એક ગેરેજની પાછળ ખાલી ઓરડીમાં એ બધા માટે વ્હીસ્કી અને બિયરની ગોઠવણ કરી રાખવામાં આવી હતી. કોન્સ્ટેબલ્સ બિયર પીને છાકટા થયા હતા, પણ અચાનક માયાની ભાભી રેશમા ડોળસ અને માયાના કેટલાક સાથીદારો ત્યાં આવી પહોંચ્યા હતા. અને એમણે બધા કોન્સ્ટેબલોનાં હથિયારો આંચકી લીધાં હતાં. બીજા કોન્સ્ટેબલો તો કંઈ બોલ્યા નહીં. પણ વીર બહાદુરે વિરોધ કર્યો એટલે માયાએ બિયરની બોટલ તોડીને એના પેટમાં ઘુસાડી દીધી હતી.

માયા નાસી શક્યો એ માટે એ ત્રણ કોન્સ્ટેબલ્સ તો દેખીતી રીતે જવાબદાર હતા, પણ એ વખતે બીજાય ઘણા પોલીસ અધિકારીઓ સામે પણ શંકા ઊભી થઈ હતી. મુંબઈમાં માયા પોલીસના કબજામાંથી નાસી છૂટ્યો એટલે મુંબઈ પોલીસે આકાશપાતાળ એક કર્યા, પણ માયા હાથમાં આવ્યો નહીં. મુંબઈ પોલીસે મુંબઈ અને આસપાસના ઉપનગરોમાં દાઉદના લાગતાવળગતા તમામના અડ્ડા ધમરોળી નાખ્યા. માયાને શોધવા માટે મુંબઈ પોલીસે ચલાવેલા અભિયાનને કારણે દાઉદના ઘણા ઓપરેશન્સ બંધ થઈ ગયાં. પોલીસ આડી ફાટે ત્યારે કોઈના બાપની નહીં એ વાત દાઉદને બરાબર સમજાઈ ગઈ. આ સ્થિતિમાં દાઉદે એના ભાઈ નૂરાને એક સૂચના આપી. એ સૂચના પગ પર કુહાડો મારવા જેવી હતી પણ નહીંતર દાઉદ ગેંગને જનોઈવાઢ ઘા પડે એમ હતો એટલે પગ ઉપર કુહાડો માર્યા વિના કોઈ છૂટકો નહોતો.’

***

‘યરવડા જેલ મેં ગવળી કો ખતમ કરના હૈ, યે કામ કર પાઓગે?’

દાઉદ ઉલ્હાસનગરના એક કુખ્યાત બિલ્ડર કમ રાજકારણીને પૂછી રહ્યો હતો.

‘આપ હુકમ કરો ભાઈ. કામ હો જાયેગા,’ બિલ્ડરે જવાબ આપ્યો. પછી એણે હળવેકથી મમરો મૂક્યો, ‘લેકિન કાલાની (પપ્પુ કાલાણી) ઔર મેરે બીચ મેં આપ મત આઓ ઈતની મેરી રીક્વેસ્ટ હૈ.’

‘ઠીક હૈ કાલાની કે સાથ તુમ અપના હિસાબ સમજ લો, મુઝે કોઈ તકલીફ નહીં હૈ, લેકિન ગવળી કા રાસ્તા તુમ્હે નિકાલના હૈ,’ દાઉદે બિલ્ડરને કહ્યું.

અને ઉલ્હાસનગરના એ બિલ્ડરે પૂનાની યરવડા જેલમાં કારાવાસ ભોગવી રહેલા ગવળીની હત્યાનું બીડું ઝડપ્યું. એ દરમિયાન માયા ડોળસ એના મિત્રો સાથે પોલીસથી છુપાતો ફરતો હતો. નૂરાએ માયાને સૂચના આપી કે લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ‘સ્વાતિ’ બિલ્ડિંગમાં એક ફ્લેટની ચાવી તને મળી જશે ત્યાં તારો કોઈ વાળ વાંકો નહી કરી શકે. એ ફ્લેટ પેલા ઉલ્હાસનગરવાળા બિલ્ડરનો હતો. માયા ડોળસ અને મિત્રો લોખંડવાલા કોમ્પ્લેક્સ તરફ રવાના થયા. લોખંડવાલા કોમ્પ્લેક્સના ‘સ્વાતિ’ બિલ્ડિંગના એક ફ્લેટમાં જઈને એમણે નિરાંતનો શ્વાસ લીધો.

***

૧૬ નવેમ્બર, ૧૯૯૧ની બપોરે મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) આફતાબ અહમદ ખાનના ફોનની ઘંટડી રણકી. ખાન સુસ્તીની લાગણી અનુભવી રહ્યા હતા, પણ સામે છેડેથી બોલાયેલા શબ્દોએ એમની સુસ્તી ઉડાડી દીધી. ખાન ફોન પતાવીને ખુરશીમાંથી ઉભા થઇ ગયા. એમણે ધડાધડ ઓર્ડર છોડવા માંડ્યા.

***

મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર એ.એ.ખાનને ફોન પર એમના ‘ખબરી’ એ માહિતી આપી હતી કે માયા ડોળસ એના સાથીદારો સાથે લોખંડવાલા કોમ્પ્લેક્સના ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટની ‘એ’ વિંગમાં છુપાયો છે. આ માહિતી મળી એટલે ખાને તરત જ એક પોલીસ ટીમ તૈયાર કરી. એમણે ખાતરી કરી લીધી કે ‘ખબરી’એ આપેલી માહિતી સાચી છે. ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટની આજુબાજુ સાદા વેશમાં પોલીસ અધિકારીઓ ગોઠવાઈ ગયા. માયા ડોળસે મુંબઈ પોલીસનું નાક વાઢી લીધું હતું એટલે એને ઝબ્બે કરવા માટે પોલીસ અધિકારીઓ મથી રહ્યા હતા. એવામાં સામે ચાલીને માયા વિશે માહિતી મળી એટલે ખાન ઉત્સાહમાં આવી ગયા હતા. પણ લોખંડવાલા કોમ્પ્લેક્સમાં દિવસ દરમિયાન માયા ડોળસ આણિ મંડળીને પકડવા જતાં સામસામી ગોળીબારની રમઝટ બોલી જાય તો ઘણા નિર્દોષ નાગરીકો નાહક કુટાઈ જાય એવા ડરથી ખાને લોખંડવાલામાં રાતે ત્રાટકવાનો નિર્ણય કર્યો. એમ છતાં વચ્ચેના સમયમાં માયા અને એના સાથીદારો ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટમાંથી આડાઅવળા ન થઇ જાય એટલે આજુબાજુ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવાયા.

***

“દાઉદભાઈ, યરવડા જેલમેં ગવળી કો ઉડાને કા મામલા ફીટ હો ગયા હૈ.”

ઉલ્હાસનગરનો કુખ્યાત બિલ્ડર દાઉદને ફોન પર કહી રહ્યો હતો. “વહાં કે કુત્તો કો ટુકડે ડાલ દિયે હૈ, લેકિન અભી ભી દો પેટી ભેજના પડેગા..”

“ઠીક હૈ, તુમ માયા સે પૈસા મંગવા લો,” દાઉદે કહ્યું.

“ભાઈ,વો પપ્પુ કાલાની કા મામલા મુઝે ખતમ કરના હૈ, મૈં ને આપ કો બતાયા થા,” ઉલ્હાસનગરના બિલ્ડરે યાદ અપાવ્યું.

“કાલાની સે તુમ અપના હિસાબ સમઝ લો, મૈ બીચ મેં નહી આઉંગા, એક બાર તુમ કો બોલ દિયા ના? “ દાઉદનો અવાજ જરા ઊંચો થયો.

“ઓ. કે. ભાઈ. શુક્રિયા. મેં અગલે હફ્તે આપ કો યરવડા કી અચ્છી ખબર દેતા હું,” કહીને બિલ્ડરે કોલ પૂરો કર્યો.

એ પછીના થોડા સમય બાદ અંડરવર્લ્ડની સાથે આખું મુંબઈ ચોંકી જવાનું હતું એની કલ્પના પણ એ બિલ્ડર કમ રાજકારણીને નહોતી!

(ક્રમશ:)