મોત ની સફર - 16 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોત ની સફર - 16

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 16

ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવાની લ્યુસીની અધૂરી ઈચ્છા ને પુરી કરવાં માટે માઈકલ ઈજીપ્ત જવાનો પ્રસ્તાવ સાહિલ અને એનાં દોસ્તો જોડે રાખે છે.. થોડી ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ એ ચારેય દોસ્તો આ નવી રોમાંચક સફર માટે હામી ભરી દે છે.યુરોપ ની સફર બાદ વિરાજ જ્યારે લંડન માં એ લોકો રોકાયાં હતાં એ હોટલમાં આવે છે જ્યાં વિરાજ ને એક લેટર અને થોડીક વસ્તુઓ મળે છે.. એ બધું કોને મોકલાવ્યું હશે એ વિષયમાં વિચારતાં વિચારતાં વિરાજ સુઈ જાય છે.

બીજાં દિવસે એ ચારેય મિત્રોને માઈકલ પોતાની કાર લઈને હોટલમાંથી પીક અપ કરી ખરીદી કરવાં લઈ ગયો.. બીજાં દિવસે એ લોકોની ઈજીપ્ત ની ફ્લાઈટ હોવાથી એમની સફરમાં જરૂરી વસ્તુઓની ખરીદી આજે એ લોકો કરવાનાં હતાં.ઈજીપ્ત ની મુશ્કેલી ભરી સફરમાં નાનામાં નાની વસ્તુ પણ લઈ જવાની ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હતું.. કેમકે એક નાનકડી ભૂલ પણ એ લોકોની જીંદગી માટે જોખમી પુરવાર થઈ શકે એમ હતી.

રણપ્રદેશમાં જવાનું હોવાથી રાતે સુવા માટેની ફોલ્ડિંગ સ્લીપિંગ બેગ, જરૂરી ખાદ્ય સામગ્રી, કપડાં, જરૂરી હથિયારો વગેરે ની ખરીદી કરવામાં સાંજ પડી ગઈ.. માઈકલે એ ચારેય દોસ્તારો ને લંડન ની પ્રખ્યાત ઈન્ડિયન ફૂડ સ્ટ્રીટ માં રાતનું જમવાનું કરાવ્યું અને એમને પાછો હોટલ લેન્ડમાર્ક ડ્રોપ કરી ગયો.

જતાં જતાં માઈકલે એ લોકોને બપોરે એક વાગે તૈયાર રહેવાં જણાવ્યું.. એ લોકોની ફ્લાઈટ નો ટાઈમ તો ત્રણ વાગ્યાં નો હતો પણ એરપોર્ટ સુધી પહોંચવામાં અને એરપોર્ટ પર પ્રોસેસિંગ માં દોઢેક કલાક જેટલો સમય વીતી જાય એ નક્કી હતું.. એટલે માઈકલે હોટલથી બે કલાક વહેલું નીકળવું ઉચિત સમજ્યું.

માઈકલ નાં ગયાં બાદ વિરાજ, સાહિલ, ડેની અને ગુરુ પોતાનાં રૂમમાં આવ્યાં.. આખો દિવસ ઘણું બધું ફર્યાં હોવાનાં લીધે એ લોકોએ સામાન પેક કરવાનું કામ બીજાં દિવસ પર મુલતવી છોડીને બેડમાં લંબાવ્યું.. બેડમાં પડતાં ની સાથે જ એ ચારેય ઘસઘસાટ સુઈ ગયાં.

સવારે થોડો નાસ્તો કરીને એ લોકોએ પોતપોતાની ટ્રાવેલિંગ બેગ પેક કરવાનું શરૂ કર્યું.. વિરાજે પોતાનાં સામાનની સાથે પેલી રૂમમાંથી મળેલી વસ્તુઓને પણ રાખી દીધી.. બપોરે જમવાની કોઈની ઈચ્છા ન હોવાથી બપોરે કોઈએ જમવાનું મંગાવ્યું જ નહીં.. એક વાગવામાં દસ મિનિટની વાર જતી અને માઈકલનો કોલ સાહિલ પર આવ્યો.. માઈકલે જણાવ્યું કે એ નીચે હોટલનાં પાર્કિંગમાં પોતાની કાર લઈને આવી પહોંચ્યો છે તો એ લોકો જલ્દીથી નીચે પાર્કિંગમાં આવે.

દસ મિનિટની અંદર વિરાજ અને એનાં બાકીનાં મિત્રો પોતપોતાનો સામાન લઈને નીચે આવી પહોંચ્યાં.. એમને જોયું તો માઈકલ ની સાથે એક બીજો વ્યક્તિ પણ હતો.. જે કાર ને ડ્રાઈવ કરી રહ્યો હતો.. આ વ્યક્તિ માઈકલ ની વાઈન શોપમાં પણ એ લોકોએ પહેલાં જોયો હતો.. માઈકલે એની ઓળખાણ ક્રિસ તરીકે આપી.. જે માઈકલની વાઈન શોપ માં કામ કરે છે અને અત્યારે એ લોકોને ડ્રોપ કરીને ક્રિસ પાછો વાઈન શોપ ચાલ્યો જશે.

લંડન નાં હિથ્રો એરપોર્ટ પર પહોંચતાં એ લોકોને પચ્ચીસેક મિનિટ જેટલો સમય લાગી ગયો.. ક્રિસ એ લોકોને happy jurney વિશ કરીને ચાલ્યો ગયો એટલે માઈકલ અને ચારેય દોસ્તો અન્ય એરપોર્ટ ઓથોરિટી ની જરૂરી પ્રોસેસ પુરી કરવામાં લાગી ગયાં.. આખરે નિયત સમયે એ લોકો લંડનથી ઈજીપ્ત નાં પાટનગર કૈરો જતી ઈજીપ્ત એરલાઈન્સ ની ફ્લાઈટ નંબર 778 માં ગોઠવાઈ ગયાં.

એકજેક્ટ ત્રણ વાગતાં ની સાથે જ લંડન થી ફ્લાઈટ ઈજીપ્ત જવાં ઉપડી ગઈ.. આ સાથે જ ઈજીપ્ત ની સફરનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું.. માઈકલ, વિરાજ, સાહિલ, ડેની અને ગુરુ ને એમની આ સફર સુખરૂપ પુરી થઈ જશે એવો વિશ્વાસ તો હતો.. પણ એવું જ થશે એ તો પછી સમયનાં હાથમાં હતું.!

***

3 વાગે લંડન થી ટેકઓફ થયેલી ઈજીપ્ત માટેની ફ્લાઈટ સાડા આઠ વાગે કૈરો શહેરમાં પ્રવેશી.. 15 મિનિટમાં ફ્લાઈટ કૈરો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાંની હતી.. પણ હજુ 15 મિનિટ બાકી હતી ત્યાં એર હોસ્ટેસ દ્વારા વિમાનનાં દરેક પેસેન્જર ને પોતપોતાની સીટ બેલ્ટ બરાબર ફિટ બાંધી લેવાં જણાવાયું.. સાથે-સાથે ઓક્સિજન માસ્ક પણ ઠીક છે કે નહીં એ જોઈ લેવાં જણાવાયું.

સીટ બેલ્ટ ની વાત તો ઠીક હતી પણ ઓક્સિજન માસ્ક ની વાત સાંભળીને જે લોકો પહેલાં પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યાં હતાં એ લોકોને ઝાટકો લાગ્યો.. કેમકે કોઈ વિપદા આવ્યાં વગર આ વિષયમાં હિદાયત આપવામાં નથી આવતી એવું બધાં જાણતાં હતાં.. બધાં નાં મનમાં શું થયું છે? .. એવો સવાલ હતો જેનો જવાબ એર હોસ્ટેસ દ્વારા માઈક પર થયેલાં એનાઉન્સમેન્ટમાં મળી ગયો.

"દરેક પેસેન્જર ને જણાવવાનું કે કૈરો શહેર ની હદમાં પ્રવેશતાં ની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.. કાળાં ડિબાંગ વાદળોનાં લીધે કંઈપણ સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું.. આ ઉપરાંત વારંવાર વીજળીઓ વિમાન ની આસપાસ ત્રાટકી રહી છે.. તો કોઈપણ ક્ષણે વિમાનને કોઈ જાતની ક્ષતિ પહોંચી શકે છે.. તો દરેક પેસેન્જર ને વિનંતી છે કે ધીરજ રાખે.. જરૂર પડશે તો પેરાશૂટ મારફતે દરેકને નીચે ઉતારવામાં આવશે.. "

એર હોસ્ટેસ નાં આ એક એનાઉન્સમેન્ટની સાથે જ વિમાનમાં બેસેલાં દરેક પેસેન્જર નો જીવ પડીકે બંધાઈ ગયો.. દરેક મનોમન પોતાનાં ઈષ્ટદેવ ને યાદ કરી આ મુશ્કેલીમાંથી બચવા માટેની પ્રાર્થના કરી રહ્યાં હતાં.વિમાનમાં વિન્ડો સીટ જોડે બેસેલાં મુસાફરો તો બહાર નું દ્રશ્ય જોતાં ની સાથે જ હૃદયનો ધબકારો ચુકી જતાં.. જોરદાર પવન નાં લીધે વિમાન પણ આમ-તેમ ડગી રહ્યું હતું.સાથે-સાથે વીજળી નાં ચમકારા પણ દેખાઈ રહ્યાં હતાં.

વિરાજ અને ડેનીને તથા સાહિલ અને ગુરુને વિમાનમાં જોડે -જોડે સીટ મળી હતી.. જ્યારે માઈકલ એમની પાછળની સીટમાં હતો.. પાંચેય જણાનો ચહેરો એર હોસ્ટેસ નાં એનાઉન્સમેન્ટની સાથે જ રૂ ની પુણી જેવો સફેદ થઈ ગયો.એમાં ગુરુ તો ખજાનાં ની લાલચમાં ઈજીપ્ત સુધી આવવાં માટે પોતે તૈયાર થયો એ બદલ પસ્તાવો કરી રહ્યો હતો.

વિમાનનાં પેસેન્જરો માં ઘણાં માસુમ બાળકો પણ હતાં જેમની રોકકળ પણ હવે વિમાનનો શોરબકોર વધારી રહી હતી.. વિમાનનો પાયલોટ તથા અન્ય ક્રુ મેમ્બર પણ પેસેન્જરો ને શાંત રહેવાનું જણાવી.. વિમાનને ગમે તે કરી જમીન પર ઉતરાણ કરાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.

પોતાનાં લ્યુસીનાં સપનાં ને પૂર્ણ કરવાનાં મકસદ ને લીધે સાહિલ અને એનાં બાકીનાં દોસ્તોની જીંદગી જોખમમાં મુકવાની વાતનું દુઃખ માઈકલ ને સતાવી રહ્યું હોય એવું એનાં ચહેરા પરથી લાગી રહ્યું હતું.. માઈકલે પોતાની આંખો બંધ કરી અને મનોમન કંઈક રટણ કરવાં લાગ્યો.. જાણે એવું લાગતું હતું કે માઈકલ લોર્ડ જીસસ ને કહી રહ્યો હતો કે ગમે તે કરી પોતાને અને પોતાનાં દોસ્તોને બચાવી લે.

માઈકલ ની આ પ્રાર્થના ની જાણે અસર થઈ હોય એવું થોડી ક્ષણોમાં બન્યું.. જે રીતે અચાનક આ વાદળો આવી ચડ્યાં હતાં એ જ રીતે ધીરે-ધીરે અદ્રશ્ય થવાં લાગ્યાં.. વિજળીઓ પણ બંધ થઈ ગયું અને પાંચેક મિનિટમાં તો આકાશ સ્પષ્ટ દેખાવાં લાગ્યું.આ સાથે જ એર હોસ્ટેસ નું પુનઃ એનાઉન્સમેન્ટ માઈકનાં માધ્યમથી વિમાનમાં સંભળાયું.

"તમને લોકોને એ જણાવતાં ખુશી થાય છે કે આપણી ફ્લાઈટ પર આવેલી મુસીબત દૂર થઈ ગઈ છે.. અને દસેક મિનિટમાં આપણે કૈરો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનાં છીએ.. "

આ એનાઉન્સમેન્ટ થતાં ની સાથે જ ફ્લાઈટમાં મોજુદ પેસેન્જરો નો હાશકારો અને આનંદભરી ચિચિયારીઓ પ્લેનમાં સંભળાયા. દરેક નાં ચહેરા પર ડર ની જે રેખાઓ ઉભરી આવી હતી એનું સ્થાન અત્યારે રાહત ની રેખાઓએ લઈ લીધું હતું.. બધાં પેસેન્જરોનાં જીવમાં જાણે જીવ આવ્યો હોય એવું એમનાં ચહેરા પરથી સમજાઈ રહ્યું હતું.

આખરે દસ મિનિટ બાદ જેવી જ આંચકા સાથે ફ્લાઈટ સહી-સલામત લેન્ડ થઈ એ સાથે જ દરેક પેસેન્જરે હર્ષોલ્લાસ સાથે અવાજ કર્યો.. પ્લેનનાં ક્રુ મેમ્બર પણ આટલી વિસમ પરિસ્થિતિમાંથી પસાર થઈ સલામત રીતે નીચે આવી પહોંચ્યાં એનો આનંદ એ લોકોનાં ચહેરા પર ઝલકી રહ્યો હતો.

વિરાજ, ડેની, ગુરુ, સાહિલ અને માઈકલે પ્લેનમાંથી ઉતરતાં જ એકબીજાને ગળે લગાવી દીધાં.. મોત નાં મુખમાંથી જીવતાં આવવાની ખુશી એ લોકોનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.. એરપોર્ટ કાઉન્ટર પરથી પોતાનો સામાન ટ્રોલીમાં લઈને એ લોકો એરપોર્ટ પરથી માઈકલ દ્વારા એ લોકોનાં રોકાણ માટે બુક કરેલી 'હોટલ બેસ્ટ વ્યુ પોઈન્ટ' જવાની તૈયારી આરંભી.

માઈકલ એરપોર્ટ પર લીગલ પ્રોસેસ પૂર્ણ કરતો હતો ત્યારે વિરાજ ટોયલેટ ગયો.. વિરાજ ની સાથે જ ટોઈલેટમાં ઈજીપ્ત એરલાઈન્સનાં બે પાયલોટ હતાં.. એ લોકો દ્વારા અંદરોઅંદર થયેલી વાતચીત વિરાજનાં કાને પડી.

"આજે તો ઉપરવાળા ની મહેરબાની કે બચી ગયાં.. "

"હા, ભાઈ.. નહીં તો પ્લેન ઉપર વીજળી પડે અને પ્લેનને નુકશાન ના થાય એ તો ચમત્કાર જ છે.. "

"પણ આમ અચાનક આવાં વાતાવરણનું નિર્માણ થવાનું કારણ સમજાતું નથી.. "

"હા, યાર.. અને હવામાન ખાતું પણ એમ કહી રહ્યું છે કે એમનાં રડારનાં સેન્સર પર પણ આવાં વાતાવરણનાં કોઈ ચિહ્નો નથી.. "

એ લોકોની વાત સાંભળી વિરાજનું આશ્ચર્ય બેવડાઈ ગયું.. જો એ બંને પાયલોટ જે કંઈપણ કહી રહ્યાં હતાં એ સત્ય હતું તો ખરેખર આ વાત રહસ્યમય જરૂર હતી.. એકવાર તો વિરાજને થયું કે આ બધી વાત પોતાનાં દોસ્તોને જણાવે પણ આમ કરી એ લોકોને વધારાની ચિંતામાં વિરાજ મૂકવાં દેવાં નહોતો માંગતો એટલે એ ચૂપ રહ્યો.

થોડીવારમાં એ લોકો કૈરો ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેક્સી કરી એ લોકો હોટલ બેસ્ટ વ્યુ પોઈન્ટ જવાં નીકળી પડ્યાં.. આ હોટલ ગિઝા નાં વિશ્વપ્રસિદ્ધ પિરામીડોથી ફક્ત એક કિલોમીટર દૂર હોવાથી માઈકલે આ હોટલની પસંદગી કરી હતી.. એ લોકો હજુ બે દિવસ કૈરોમાં જ રોકવાનાં હોવાથી બધાં મિત્રો ગિઝાનાં પિરામીડોને હોટલની બાલ્કનીમાંથી દેખવાનો અદભુત નજારો બધાં માણી શકે એવી માઈકલની ઈચ્છા હતી.

અડધાં કલાકની અંદર એ લોકો હોટલ આવી પહોંચ્યાં.. એ સમયે ઘડિયાળમાં અગિયાર વાગ્યાં નો સમય થયો હતો.. બધાં ને ભૂખ લાગી હતી એટલે સામાન ને રૂમમાં મૂકી બધાં હોટલની રેસ્ટોરેન્ટમાં આવ્યાં.. જમવાનું પૂર્ણ કરી બધાં પોતપોતાને ફાળવેલા રૂમ તરફ અગ્રેસર થયાં.

સાહિલ અને ગુરુ તથા વિરાજ અને ડેની નો અલગ-અલગ રૂમ હતો.જ્યારે માઈકલ એકલો જ રૂમમાં રોકાયો હતો.બધાં પોતપોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.

આ સાથે જ એ પાંચેય લોકો ની ઈજીપ્ત ની સફર શરૂ થઈ ગઈ હતી.. જેનો પ્રથમ પડાવ પાર કરીને એ લોકો હોટલ સુધી તો આવી પહોંચ્યાં હતાં.. આગળ એમની કિસ્મત એમને ક્યાં લઈ જશે એ વાત એ પાંચેયમાંથી કોઈને નહોતી ખબર.

★★

વધુ નવાં ભાગમાં.

ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો..? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***