Love Letter books and stories free download online pdf in Gujarati

લવ લેટર (સત્ય ઘટના પર આધારિત વાર્તા)

@Full story......love letter

रखी थी कुछ ख्वाहिशे हमने,
बारिश के बूंदों तरह ।
भिगो गईं दामन को पूरा मगर,
हथेली को खाली रख गई ।

નીરવ,
તમને બરાબર યાદ છે,એ ડિસેમ્બર ની ફૂલ ગુલાબી ઠંડી,રવિવાર નો નિરાંત નો દિવસ ....
બપોર નું લંચ થોડું મોડું પતાવી ને તમે સોફા પર પગ લંબાવીને આડા પડખે થયા હતાં..
પત્ની ના હાથ ની સ્વાદિષ્ટ રસોઈ ના સ્વાદે તમારી આંખો ને ઘેરવાનું શરૂ કર્યું હોય એવું તમને લાગ્યું નિરવ.....
હજુ તો ગયા મહિને જ તો તમે છેતાળીશ પૂરા કર્યા.... એકવડો બાંધો, નિર્વ્યસની અને કંઇક અંશે રોમેન્ટિક,ખુશ મિજાજી કહી શકાય એવો સ્વભાવ અને ડાય કરેલા હેર ગ્રોથને કારણે તમે માંડ હજુ ચાલીસી માં પ્રવેશ્યા હોય એવું લાગે નીરવ ....
તમારી પ્રેમાળ પત્ની પણ કિચન માં કામવાળી બાઈને સૂચના આપતા એના કામ માં મશગુલ હતી.....
બંને વયસ્ક બાળકો પણ એમના રૂમ માં રવિવાર ની રજા ની આનંદ માણતા માં ટેબ્લેટ અને લેપટોપ માં મસ્ત હતા...
અને તમે પણ ટેવ મુજબ જ સોફામાં વામકુક્ષ અવસ્થામાં જ હાથ માં સેલફોન લઈને ફેસબુક એકાઉન્ટ માં લોગીન થયા નીરવ......

આમ તો, આ સોશ્યલ મીડિયા પર તમે છેલ્લા કેટલાક વર્ષો થી એકાઉન્ટ ધરાવો છો.પણ છેલ્લા બે ત્રણ મહિનાઓ થી જાગેલા સાહિત્ય ના શોખ ખાતર કોઈક વાર વાર્તાઓ કે કવિતાઓ લખી ને ફેસબુક પર શેર કરી લેતા...એ હિસાબે નિયમિત રીતે ફેસબુક નો ઉપયોગ કરતા થયા હતા..
અને એ મુજબ જ, આજે,
ફેસબુક ઓપન કરતાં ની સાથે જ ...તમારા એકાઉન્ટ પર આવેલી એક ફ્રેન્ડ રિકવેસ્ટ ને જોઈ, તમારી આંખો જાણે કોઈ દિવા સ્વપ્ન જોતી હોય એમ લાગ્યું...
તમારા આખાય શરીર માંથી એક આનંદ ની લહેર દોડી ગઈ...આંખો પર વિશ્વાસ ન આવે એ રીતે તમે આંખો ચોળતા થઈ ગયા..નીરવ
ફેસબુક પર આવેલી એ ફ્રેન્ડ રિકવેસ્ટ ના એ ચેહરા, એ તો તમારી ઊંઘ થી ઘેરાયેલી આંખો ને ચમકથી ભરી દીધી....
ફેન્ડ રીકવેસ્ટ રૂપે આવેલો એક એવો મનગમતો ચેહરો કે જેની તલાશ તમારું હદય કેટલાય વર્ષોથી કરતું હતું.....
હા, નીરવ એ ..ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી...
ધરતી શુક્લા ની...
અને આ ધરતી એટલે,
તમારા જીવન નો પહેલો પ્રેમ..

તમને બરાબર યાદ છે કે આજથી પચીસેક વરસ પહેલાં તમે અને ધરતી એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં હતા.. લગભગ એકાદ બે વર્ષ ના પ્રેમ સબંધ પછી સંજોગોવસાત એકબીજાનો સંગાથ છૂટી ગયો હતો....માહિતી મુજબ એની જ જ્ઞાતિ ના છોકરા સાથે ધરતી ના લગ્ન થઈ ગયા હતા. જોકે, લગ્ન અગાઉ તમે એની ભાળ મેળવવાની કે સંપર્ક કરવાની કોશિશ કરેલી..પરંતુ તેમાં સફળ થયા નહોતા...નીરવ
સમયાંતરે ,
તમારા પણ લગ્ન થઈ ગયા ,અને એ વાત ને પણ આશરે વીસેક વર્ષ નો ગાળો વિતી ગયો.. હાલ
તમે પણ તમારી પ્રેમાળ પત્ની અને બે બાળકો સાથે તમે સહજીવન નો ભરપૂર આનંદ માણી રહ્યા છો...નીરવ
જોકે નીરવ તમારા માટે એ વાત કહેવી પડે કે આટલા વર્ષોમાં ક્યારેય તમે તમારો પુત્ર, પત્ની કે પિતાધર્મ સહેજ પણ ચૂક્યા નથી કે એમાં જરાય પણ કચાશ રાખી નથી અને આ વાત તો તમારા આ ભૂતકાળ થી અજાણ એવી તમારી પત્ની પણ માને છે ...ટુંકમાં
તમે તમારા પરિવાર ના વર્તમાન ને અઢળક ખુશીઓ થી ભરી દીધો છે.. નીરવ...

સાચું કહું તો નીરવ...,
આજે પણ તમે એટલા જ કુટુંબ પ્રેમી અને અંતર્મુખી સ્વભાવ ના જ છો...

અને એટલી,
સાહજિકતા થી તમે ધરતી સાથે તમે વિતાવેલી પ્રેમ ની ક્ષણો ને તમારા હદય માં સંગ્રહી રાખી છે કે,તમારા સંપર્ક માં રહેલી કોઈ પણ વ્યક્તિ, એ માનવા તૈયાર ન થાય કે...યુવાન કાળ માં તમે પણ કોઈના પ્રેમમાં હશો..!!

પણ હકીકત તો એ છે કે , આટલા વર્ષો પછી પણ ધરતી તમારા વિચારો માંથી ક્યારેય ઓઝલ થઈ જ નથી...

નીરવ, તમારી આ પાકટ ઉમરે પણ તમારા હદય નો એક ખૂણો એવો પણ છે કે જેમાં તમે ધરતી ની સાથે વિતાવેલી દરેક પળ ને યાદ રૂપે સાચવી રાખી છે..
ધરતી નો એ ગૌર સુંદર ગોળ ચેહરો, ઊંડી ભાવવાહી પાણીદાર આંખો આજે પણ તમને યાદ છે...
જોકે,તમારા આ લગ્નજીવન દરમિયાન પણ તમે ક્યારેય તમારી પત્ની કે બાળકો ને ઓછા ચાહ્યા હોય એવું નથી બન્યું...પણ,
ધરતી સાથે સંકળાયેલી તમામ યાદો તમારા માટે કાયમ માટે અવિસ્મરણીય બની રહી છે.
નીરવ....
અને એ જ, કારણવશ આજે પણ,ધરતી જેવો ચહેરો કે એના જેવી આંખો ધરાવતા વિજાતીય પાત્ર તરફ તમે સાહજિક રીતે આકર્ષાઈ જાવ, એ હદ સુધી ધરતી તમારી અંદર સમાંયેલી છે...

પણ આજે તો,
તમારા ફેસબુક પર આવેલી ધરતી ની એ ફ્રેન્ડ રિકવેસ્ટે તમને અંદર થી ઢંઢોળી નાખ્યાં છે...
રીકવેસ્ટ ને એક ક્ષણ નો ય વિલંબ કર્યા વિના એસેપ્ટ કર્યા પછી તમારા હદય ના ધબકારા ની ગતિ તેજ થતી જતી હતી...
વર્ષો પછી પ્રોફાઈલ ડીપી સ્વરૂપે એનો ચેહરો જોયો...
ધરતી હજુય એ એવી જ લાગતી હતી જે પચીસ વરસ અગાઉ લાગતી હતી.
ચાલીસી વટાવી ચૂકેલા એના ચેહરા પર ની એ નિર્દોષતા હજુય અકબંધ હતી, હા, જવાબદારીઓ સાથે ઉંમરની પાકટતા ચેહરા પર વર્તાતી હોય એવું લાગ્યું...
જો કે, ત્યારબાદ,
રવિવાર નો બપોર પછી નો બધો જ સમય ધરતી ના વિચારો માં જ નીકળી ગયો ...
નીરવ...
બસ,પછી તો શું !! ...
ફેસબુક માધ્યમ થી, ચોક્કસ મર્યાદા માં રહીને તમારી લાગણીઓ અને સંવેદનાઓ ને નિયમિત રૂપે શેર કરવાનો તમારો નિત્યક્રમ બની ગયો હતો.... નીરવ
અને આ રીતે જ સમય વિતતો ગયો....

ધરતી દ્વારા પ્રતિભાવ ના રૂપ માં ક્યારેક મળતી લાઈક અને કૉમેન્ટ્સ તમારા લખાણ ને વધુ ચોટદાર અને અસરદાર બનાવતા હતા....
જોકે, અહીં આશ્ચર્ય જનક વાત એ હતી કે તમે શેર કરેલી પોસ્ટની પ્રતિક્રિયા માં આપેલી કોમેન્ટ સિવાય તમારી સાથે સીધો સંવાદ થાય એ રીતે ધરતી એ ક્યારેય કોઈ કૉમેન્ટ કરી ન હતી એ વાત સતત તમને ખટકતી રહી હતી .....નીરવ
પણ,
તમે એ પણ જાણતા હતા કે ધરતી, હવે કોઈક ની અમાનત છે, એને પણ પોતાના વયસ્ક બાળકો છે..કદાચ એ એની મર્યાદા હશે....એવું માની ને તમે મન મનાવતા રહ્યા હતા....નીરવ

તમે તમારા આ વીતી રહેલા સમય થી ખુશ રહેવા લાગ્યા હતા.....તમારી આ ખુશી નું કારણ પણ ધરતી જ હતી.....
પરંતુ નીરવ,
આમને આમ પાચ છ મહિના નો સમય વીત્યા પછી તમે અનુભવ્યું કે,હમણાંથી ફેસબુક પર ધરતી ના પ્રતિભાવો ઓછા થવા લાગ્યા હતા
જેને કારણે તમે થોડી બેચેની અનુભવતા હતા...
જોકે તમારા અને ધરતી ના દામ્પત્ય જીવન ની મર્યાદાને સમજીને તમે ક્યારેય ધરતી નો સંપર્ક કરવાનો કે એની સાથે વાત કરવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો..
પરંતુ ધરતી તરફથી ઓછા થતા જતા પ્રતિભાવો નું કારણ જાણવાની એક ઉત્કંઠા સતત મનમાં જાગેલી રહેતી...
અને છેવટે,
ઘણા મનોમંથન પછી તમારા અનુભવે તમને ધરતી તરફથી ઓછા થયેલા પ્રતિભાવ નું કારણ મેળવી આપ્યું...નીરવ,કે,
કદાચ, પ્રેમસંબંધ દરમિયાન ધરતી એ તમને લખેલા પ્રેમ પત્રો ને લઈને એ ચિંતિત હોઇ શકે....
કારણકે મોટેભાગે,
પ્રેમ સંબંધો માં જોવા મળે છે એ મુજબ, ભૂતકાળના પ્રેમના આવેશમાં સાથે વિતાવેલી કોઈ નાજુક ક્ષણો કે, અવિચારી પગલાંઓ, સ્ત્રી ના ભવિષ્ય ને કલંકિત કરતા જોવા મળે છે....અને એના જ કારણે આજે પવિત્ર એવો પ્રેમ શબ્દ ઘણો બદનામ થયો છે....
હદય ને રમકડું સમજી ને રમનાર અને જૂના પ્રેમ સબંધો ને વટાવી ખાનાર એક ચોક્કસવર્ગ આ માટે કારણભૂત છે....
કદાચ આ ડર થી જ ધરતી એ તમારી સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું હોય એવી શંકા તમને થવા લાગી છે......
જોકે, આ બાબત માં ધરતી તમને ઓળખવામાં ભૂલ કરતી હોય એવું પણ તમને લાગ્યું..
પણ...
વર્ષો થી સાચવીને રાખેલા ધરતીના એ, પ્રેમ પત્ર તમારા માટે તો એની સાથે વિતાવેલી દરેક ક્ષણની યાદગીરી નો મહામૂલો ખજાનો છે.
અને એ પ્રેમ પત્ર ની આડમાં ધરતી ને બદનામ કરવાનો વિચાર પણ તમે ન કરી શકો એટલો વિશ્વાસ તો ધરતી ને પણ તમારા માં હશે જ,
એવું તમે આજે પણ વિચારો છો નીરવ....

કદાચ એણે પોતે લખેલા પ્રેમ પત્રો એના સુખી દામ્પત્ય ને આગ લગાડી શકે એવું વિચારી ને ધરતી એ તમારી સાથે સબંધ ઓછો કરી નાખ્યો હોય એવું બની શકે....
અને જો, ધરતી ના મનમાં આ પ્રકાર ની કોઈ શંકા હોય,તો...નીરવ,
વહેલી તકે તમારે, એને, એના લખેલા પ્રેમપત્રો પરત કરી ને એ વાત સમજાવવી છે કે....

"પ્રેમ એ આ દુનિયા નો સૌથી સુંદર અને પવિત્ર સબંધો માં નો એક છે"...
"આવા પવિત્ર સંબંધો ને લાગણી ના ઓઠા હેઠળ અભડાવનાર વ્યક્તિ ક્યારેય સાચા પ્રેમ ને પામી શકતો નથી"...
તમારે ધરતી ને એ પણ કહેવું છે કે,
અને એ પત્રો એને પરત કર્યા પછી પણ.....
"કૃષ્ણ ના હદય માં જે સ્થાન રાધા નું હતું એ સ્થાન કાયમ તમારા હદય માં ધરતી નું રહેશે".....

અને એટલા માટે જ,
નીરવ,તમારી પાસે ભલે ધરતી નો કોન્ટેક્ટ નંબર ના હોય પણ,
ધરતી તમારો સંપર્ક કરી શકે એ અંગે ની બધી જ માહિતી તમે આડકતરી રીતે એને આપી ચૂક્યા છો.... નીરવ

એટલે , છેલ્લા કેટલાય સમય થી તમે એમ ઇચ્છો છો કે, આટલા વર્ષોના અંતરાલ પછી કોઈ પણ રીતે, ફરી એક વાર, તમારો અને ધરતી નો સંપર્ક થાય..
કારણકે વર્ષો સુધી સાચવી રાખેલા એ પત્રો તમે તમારા જ હાથે ધરતી ને સોંપી દેવા માંગો છો......
જેથી ભવિષ્ય માં પણ ધરતી ના દાંપત્યજીવન માં કોઈ પ્રશ્નો ઊભા ન થાય....
બસ નીરવ,
ફક્ત અને ફક્ત આ એક જ, પરિપક્વ વિચાર ને લઈને છેલ્લા કેટલાય મહિના ઓ થી તમે ધરતી ના ફોન આવવાની કે એનો સંપર્ક થવાની રાહ જુવો છો....
જોકે, આમને આમ એકાદ વર્ષ નો સમય વિતી ગયો છે...
અને ફરી એક વાર, આ જ રીતે, એક દિવસ, લંચ પતાવી ને તમે તમારી ઓફિસ માં બેઠા છો..અને અચાનક જ તમારા સેલફોન ની રીંગ વાગે છે.....ડિસ્પ્લે સ્ક્રીન પર જોતા જ આજે તમારા થાકેલા ચેહરા પર ફરી એક વાર ચમક આવી ગઈ.....
કારણકે,
ટ્રુ કોલર માં બતાવ્યાં મુજબ એ કોલ,
ધરતી શુક્લા નો હતો.......
કોલ રીસિવ કર્યા પછી સામે છેડે થી આવેલા એ, કેમ છો..?? ના ભાવવાહી સંબોધન તમારા હદય ને હચમચાવી મૂક્યું....નીરવ..
ફક્ત ઔપચારિક રીતે થયેલી વાતચિત માં, ધરતી એ લખેલા પત્રો પાછા આપવા માટે ક્યાં,ક્યારે અને કયા સમયે મળવું એ નક્કી થયા પછી એ દિવસ આવી પહોંચ્યો...નીરવ
નિયત કરેલા એ કૉફી હાઉસ માં તમે પ્રવેશ્યા ...તમારી નજર એક ખૂણામાં રહેલા ટેબલ પર ગઈ... ધરતી અગાઉથી જ ત્યાં તમારી રાહ જોઈને બેઠી હતી એવું તમને લાગ્યું.

લાલ રંગ ના સલવાર કમીઝ માં એ, આ ઉમરે પણ એટલી જ સુંદર લગતી હતી..એની નજર પણ કોફી હાઉસ ના મુખ્ય દ્વાર તરફ જ હતી,
એ પણ તમને ઓળખી ગઈ, નીરવ...
રવિવાર સિવાય નો દિવસ હોવાથી કૉફી હાઉસ માં ગ્રાહકો ની હાજરી નહિવત હતી..
ટેબલ પર એની સામેની ચેર પર બેસતા જ તમે એની સામે એકીટશે જોઈ રહ્યાં નીરવ..
બરાબર પચ્ચીસ વર્ષ પછી તમે એને આજે જોઈ....
પણ ધરતી ના ચહેરા પર ના ભાવ આજે કળી શકાય તેવા નહોતા....
કદાચ એ થોડી ઉતાવળ માં અને ગભરાયેલી પણ લાગતી હતી...નીરવ
એની આનાકાની ને અવગણી ને તમે વેઇટર ને ફટાફટ બે કૉફી ઓડર કરી... વેઈટર ચાલ્યા ગયા પછી..નીરવ...
હજુ તો ધરતી, તમારી પાસે થી એના લખેલા પ્રેમ પત્રો માંગે એ પહેલાં જ......
તમે સાથે લાવેલી તમારી ઓફિસ બેગ માંથી ઘ્રુજતા હાથે એ પત્રો કાઢીને ધરતી ને હાથો હાથ સોંપી દીધાં..
જે ત્વરિત તા થી એને એ પત્રો હાથમાં લઈ લીધા એ પરથી તમને એવું લાગ્યું કે....સાચે જ ધરતી એના પ્રેમ પત્રો ને લઈને ગભરાયેલી હશે.....
પત્રો હાથ માં લેતા જ એના ચેહરા પર નો હાશ નો ભાવ તમે સ્પસ્ત જોઈ શકતા હતા...નીરવ
મૌન વાતાવરણ ની વચ્ચે પણ તમારા બંને ના મગજ માં ઘમાસાણ ચાલતું હતું......
હવે, પત્રો એને પરત કરતા ની સાથે જ તમારી અને ધરતી વચ્ચે કશું જ બાકી રહેતું નહોતું...

બસ હવે તો કૉફી આવે એની રાહ હતી...
કૉફી આવવામાં વાર હોવાથી,
ધરતી, હાથમાં રહેલા પ્રેમ પત્રો ને નીચી નજરે જોતી બેઠી હતી...સામે તમે પણ મૌન બેઠા હતા...નીરવ
થોડી વાર માં, વેઇટર આવી ને કોફી સર્વ કરી ગયો...ટેબલ પર પડેલી કોફી આપવા માટે તમે ધરતી તરફ હાથ લંબાવ્યો... નીરવ,
તમે જોયું કે, ધરતી ની નજર એ પત્રો ને ધ્યાન પૂર્વક વાંચી રહી હતી...અને
એની આંખમાં થી આંસુ વહી રહ્યાં હતાં....

"શું થયું ધરતી"..???

એટલું પૂછયા પછી પણ તમારી મર્યાદા તમને એ પરવાનગી નથી આપતી કે, તમે એના આંસુ લૂછી શકો...એટલે તમે તમારો હાથ રૂમાલ એને આપ્યો...નીરવ..
પત્રો ને વાંચી લીધા પછી, ધરતી હવે સ્વસ્થ લાગતી હતી....
આખુંય વાતાવરણ જાણે હળવું બની ગયું હોય એવું લાગ્યું...
તમે જાણતા હતા કે ધરતી સાથે ની આ તમારી છેલ્લી મુલાકાત હતી...
આ પછી તમારી અને ધરતી વચ્ચે કશુંય બાકી રહેવાનું નથી.બધા જ સબંધો અહી પૂરા થશે...

અંતે, કોફી પીવાઇ ગઈ...પણ
હવે એ, કોફી હાઉસ ની બહાર નીકળ્યા પછી જે ઘટના બની એની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય નીરવ...
બહાર નીકળ્યા પછી એકદમ હળવીફૂલ લાગતી ધરતી એ તમારી સામે એક સ્મિત આપી ને જાણે કે પોતાનું મૌન વ્રત તોડતી હોય એ રીતે પાસે રહેલા એના હાથે લખેલા પ્રેમ પત્રો તમારા હાથ માં સોંપતા બોલી....
"નીરવ.. આટલા વર્ષો થી સાચવી રાખેલા મારા પ્રેમ પત્રો પર હવે મારો નહિ,પણ તારો એકલાનો જ અધિકાર છે"...
"અત્યાર સુધી હું એમ માનતી હતી કે ભૂતકાળ ના પ્રેમ સંબંધો અને પ્રેમ પત્રો હમેશા પરિણીત સ્ત્રીઓ ના સુખી સંસાર માં આગ લગાડવા નું કામ કરતા હોય છે"...પણ, હું એ ખોટું વિચારતી હતી"
"ભલે આપણે કોઈ કારણસર એક બીજાના ના થઇ શક્યા, પણ,
"આજે મને એ વાત નો ગર્વ છે કે, મે મારા પહેલાં પ્રેમ તરીકે ,તને પસંદ કર્યો હતો....નીરવ"
"I am so lucky....Nirav..

"અને,હા, ડોબા,

"તું તો,કહેતો હતો ને કે, આ પ્રેમ પત્રો તો તારા માટે મહામૂલો ખજાનો છે!! ..."તો .લે, આજથી આ ખજાનો તારો બસ"...!!!

ધરતી એ ઉમેર્યું કે...

" નીરવ, ખરું કહું ને તો, તને લખેલા મારા આ પ્રેમ પત્રો પર હવે આજે, મને પસ્તાવો નહિ, પણ અભિમાન થાય છે".

અને હવે ધરતી દ્વારા કહેવાયેલા આ શબ્દો અને એની આંખો માં આવેલી એ ચમક તમને ઈશારો કરી ને કહી રહી છે, કે...નીરવ..

આજથી પચીસ વર્ષ પહેલાં, જે રીતે,ધરતી તમારા પ્રેમ માં પડી પડી....
બરાબર એ જ રીતે આજે ફરી એકવાર એ તમારા પ્રેમ માં પડી છે...
અને એટલે જ આજે,તમે તમારા આ નવા સંબંધ ને લઈને હળવાશ અનુભવો છો......નીરવ.....

(પૂર્ણ)

નરેશ ગજ્જર

(સત્ય ઘટના પર આધારિત )
પાત્રો ના નામ બદલેલા છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED