"નેપોલિયન "....A true love story..
हो इम्तिहान वफा की,महॉबत में जरूरी नहीं है ।
इशारों को गर समझ पाओ, तो इश्क कबूल है
।
નાનપણ માં બાવન પત્તા ની મદદ થી રમાતી નેપોલિયન નામની ગેમ થી લગભગ બધા જ પરિચિત હશે, મોટેભાગે કોઈ અજાણ નહિ હોય...
છતાંય,
રમત વિશે ની થોડી ઔપચારીક માહિતી આપુ તો,
ચાર પ્લેયર થી રમતી આ ગેમ માં ચારે ચાર સરખા પત્તાની જોડ કરવા માટે સામેના પ્લેયર પાસેથી જોઈતું પત્તું માંગવાનું,
અને જો તેની પાસેથી એ તમારું માંગેલું પત્તું તમને મળી જાય તો તમારો દાવ આગળ ચાલે નહિતર પત્તું માંગવાનો દાવ એ સામે વાળા પાસે જાય,
બસ,આ રીતે રમત આગળ વધતી જાય અને,
છેલ્લે જેની પાસે ચાર ચાર પત્તા ની બધી જ એટલે કે તેર જોડ આવી જાય એ રમત ને અંતે 'નેપોલિયન' જાહેર થયેલ ગણાય..
બાવન પત્તાની આ નિર્દોષ રમત સાથે પાંગરેલી એક ટીનેજર પ્રીત ની આ વાત છે.....
વાર્તા ના ચારે ચાર પાત્રો ની વાત કરું તો...
ગજાનન એપાર્ટમેન્ટ માં પહેલા માળે રહેતા,અને વાર્તાના મુખ્ય નાયક, ફસ્ટયર એન્જીનીરિંગના ચોકલેટી સ્ટુડન્ટ, એવા તમે......નીલ...
તમારા જ એપાર્ટમેન્ટ ના થર્ડ ફ્લોર પર રહેતો હમઉમ્ર એવો તમારો ખાસ ફ્રેન્ડ...ભાવિક, તથા
ગ્રેજ્યુએશન પૂરું કરેલી ભાવિક ની મોટી બહેન, એટલે કે શિવાની દિદી.....
અને.... હાલમાં જ પૂરી થયેલી એસ.એસ.સી બોર્ડ ની પરીક્ષાઓ પછી વેકેશન કરવા માટે ભાવિક ના જ ફ્લોર પર રહેતા પોતાના માસી ને ત્યાં જામનગર થી આવેલી સતરેક વર્ષ ની ગૌર વર્ણ નિમ્મી...
આમ તો અત્યારે,ઉનાળુ વેકેશન ચાલતું હતું પણ,
તમારી એન્જિનિયરિંગ કોલેજ માં શરૂ થનાર ઇન્ટરનલ પરીક્ષાની તૈયારી કરવા તમે લગભગ રોજ થર્ડ ફ્લોર પર રહેતા તમારા ખાસ મિત્ર ભાવિક ને ત્યાં વાંચવા માટે જતા હતા...નીલ
સવાર ના દશેક વાગ્યા નો સમય હતો,
ત્યાં તો, ભાવિક થર્ડ ફ્લોર પરથી સીડી ઉતરતા ઉતરતા તમારે ઘેર આવી ને કહે,
"નીલ્યા,બહાર આવ તો ,એક વાત કરવી છે"
તમે જેવા બહાર આવ્યા કે તરત જ તમારો ફ્રેન્ડ ભાવિક તમને સીડી બાજુ ખેંચી જતા જ એકી શ્વાશે બોલી ઉઠ્યો...
"અલ્યા, નિલ્યાં,...મે શિવાની દીદી પાસેથી હમણાં જ સાંભળ્યું છે કે, નિમ્મી ના પપ્પા તો કાલે એને લેવા આવવાના છે કાલે, નિમ્મી એના ઘેર જતી રહેવાની છે"..."હવે જો તારે આગળ વધવું હોય તો ગમે તેમ કરીને આજે જ એને પ્રપોઝ કરી દે" બકા, "નહી તો તું અધવચ્ચે જ લટક્યો સમજ,તારું વેકેશન તો અહીંયા પૂરુ જ થઇ ગયું સમજ, બેટા"..
અને નીલ, ભાવિક પાસેથી એટલું સાંભળતા જ તમારા ચોકલેટી ચહેરા ઉપર થોડી વાર માટે તો ચિંતા ની લકિરો દોડી આવી..
આમ તો આ નિમ્મી છેલ્લા વીસેક દિવસ થી તમારા જ એપાર્ટમેન્ટ માં થર્ડ ફ્લોર પર રહેતા એના માસી ને ઘેર વેકેશન કરવા માટે આવી હતી ,
શરૂઆત માં તો, એક જ ફ્લોર પર હોવાને કારણે જ્યારે જ્યારે તમે ભાવિક ને ત્યા જતા ત્યારે થોડું ઘણુ ફ્લર્ટિંગ તો નિમ્મી સાથે કરી જ લેતા હતા,
અને એ વાત ભાવિક અને શિવાની દીદી પણ જાણતા હતા....
પણ આ પંદર વીસ દિવસ ના આ વેકેશન ના સહવાસ ને કારણે નિમ્મીને પણ તમારી તરફ થોડો સોફ્ટ કોર્નર હોય એવું તમને ક્યારેક ક્યારેક લાગતું હતું...
પણ હા, નિમ્મી ને પ્રપોઝ કરવાની હિમ્મત તમે એટલા દિવસો માં ક્યારેય નહોતી કરી ....નીલ
અને હવે જ્યારે નિમ્મી વેકેશન ટૂંકાવીને પોતાના ઘરે પાછી જવાની છે,
ત્યારે નિમ્મી ના મન માં તમારા માટે શું છે તે જાણી લેવાની તાલાવેલી સાથે એને એક વાર પ્રપોઝ કરવું તો કેવી રીતે કરવું એની ચિંતા માં માથું ખંજવાળતા ભાવિક ની સામે જોઈ રહ્યા....
હવે ભાવિક થી રહેવાયું નહિ ને એ બોલી ઉઠ્યો...
"નીલ્યાં..આમ માથું ખંજવાળતા રહીશ તો પછી પેલી જતી રહેશે,એટલે જે પૂછવું હોય ને, એ આજે જ પૂછી નાખજે એને...નહિતર પછી.....લટકી પડીશ"...
ભાવિક તમારો ખાસ ફ્રેન્ડ હતો અને આમેય
એની વાત સાચી હતી.......
કારણ કે નિમ્મી ના આટલા દિવસના રોકાણ દરમિયાન, ભાવિક ને ત્યાં વાંચવામાં પણ તમારું મન નહોતું લાગતું નીલ....
કદાચ તમારોન નિમ્મી તરફ નો 'લવ એટ ફાસ્ટ સાઈટ' હતો
એટલે નિમ્મી ના મન માં તમારા વિશે શું હશે તે તમે જાણી શક્યા નહોતા...નીલ...
અને જો નિમ્મી કાલે પરત જવાની હોય તો આજે છેલ્લા થોડાક કલાકો જ હતા તમારી પાસે નીલ, એ નિમ્મી ને પ્રપોઝ કરવાના....
જોકે તમારી મુંઝવણ એ પણ હતી કે નિમ્મી એના ફ્લોર સિવાય લગભગ ક્યાંય બહાર નીકળતી પણ નહોતી...
એટલે નિમ્મી ને એટલા ટૂંકા સમય માં કેવી રીતે પ્રપોઝ કરવું એ વિચારે તમારું મન
હવે ચકરાવે ચડ્યું હતું....નીલ..
પણ, અચાનક જ તમારા મગજ માં એક ચમકારો થયો.....
આમ તો તમે આ રીડિંગ વેકેશન માં લગભગ રોજ ભાવિક ને ત્યાં વાંચવા માટે તો જતા જ હતા.
પણ આજે વાંચવાનો આખોય પ્રોગ્રામ પડતો મૂકીને ભાવિક, શિવાની દીદી અને તમે મળી ને વેકેશન મોડ માં આવી ને બપોરે જમ્યા પછી બધાએ પત્તા રમવાનું નક્કી કર્યું...
અને એક જ ફ્લોર પર હોવા ને કારણે શિવાની દીદી પાસે કહેવરાવી ને નિમ્મી પણ તમારા બધાની સાથે રમત માં જોડાય એવું નક્કી થયું...
નીલ, તમે ઘડી કાઢેલા પ્લોટ ને તમારા સિવાય કોઈ જાણતું નહોતું....
આમ અચાનક પત્તા રમવાનો પ્લાન તમે કેમ ઘડી કાઢ્યો તેની થોડી ઘણી ગંધ ભાવિક ને પણ આવી ગયેલી...
પણ કહેવાય છે ને કે ,અવનવા પેંતરા કરવામાં આશિકો ઉસ્તાદ હોય છે...
નક્કી કરેલા સમયે મુજબ બપોરે જમ્યા પછી ત્રણેક વાગે તમે ભાવિક ને ઘરે પહોંચી ગયા...
ભાવિક અને શિવાની દીદી તો તૈયાર જ હતા...થોડી જ વાર માં નિમ્મી પણ આવી પહોંચી...
બ્લુ ડેનિમ સ્કર્ટ અને પિંક ટોપ માં તો એ એકદમ ફેર લાગતી હતી...તમે તો એને એકીટશે જોઈ જ રહ્યા નીલ...
બરોબર તમારી સામે નિમ્મી, એક તરફ શિવાની દીદી અને બીજી તરફ ભાવિક...એમ ચારેય ગોઠવાઈ ગયા...
ગંજીફા ના બાવન પત્તા ચાર સરખા ભાગે વહેચાઈ ગયા અને શરૂ થઈ 'નેપોલિયન ' બનવાની પત્તાની રમત....
નિયમ મુજબ શિવાની દીદી એ પત્તા માંગવાનું શરૂ કર્યું..."નીલ,ચાલ મને લાલ નો ચોક્કો આપી દે,
અને ભાવિક,તું મને..ફલ્લી નો સત્તો આપી દે..
પણ નીલ, શરૂઆત થી જતમારું મન ક્યાં રમત માં હતું,તમે તો પત્તા ની આડ માં વારે વારે નિમ્મી ને જોઈ લેતા હતા...
આમ ને આમ રમત આગળ વધતી જતી હતી,હવે પત્તું માંગવાનો વારો નિમ્મી નો આવ્યો હતો...
એણે તમારી સામે લટકાળી અદાથી આંખ મિલાવતા તમને કહ્યું..."ચાલ નીલ, હવે મને લાલ નો બાદશાહ આપ"..
લાલ નો બાદશાહ નિમ્મી ની તરફ સેરવતા તમે ધીમેથી બબડ્યા.. "આ ડોબી ને ક્યાં ખબર છે,જો એ રાણી બનવા તૈયાર હોય તો હું આખે આખો એનો બાદશાહ થવા તૈયાર છું"...
ભાવિક તમારી સામે જોયું . એ જાણે કે તમારી જાસૂસી કરતો હોય એવું લાગ્યું..
આખિય રમત મક્કમ ગતી એ આગળ વધી રહી હતી..
ફરી એક વાર પત્તું માંગવાનો વારો નિમ્મી પાસે આવ્યો... એણે તમારી સામે જોતા કહ્યું
"નીલ ,હવે મને તું કાળી નો નવ્વો આપી દે"
પણ આ વખતે તમે નિમ્મી ને કાળી નો નવ્વો આપવાની જગ્યાએ,
સિફત પૂર્વક,જાણે તમારા પ્રેમ નો ઈઝહાર કરતા હોત એ રીતે લાલ ની રાણી નું પત્તું કોઈ નું ધ્યાન ન પડે એ રીતે એના હાથમાં આપી દીધું...
લાલ ની રાણી નું પત્તું હાથમાં લેતાં જ નિમ્મી એ તમારી સામે જોયું...
એના મોઢા પર નું અકળ મૌન તમે વાંચી શકવા ને સમર્થ નહોતા.. નીલ
એટલે જ, નિમ્મી ની સામે જોતા જ તમારા હદય ના ધબકારા તેજ થઇ ગયા...
હવે નિમ્મી શું પ્રતિભાવ આપે છે તે જોવાનું હતું.....જો કઈ ગડબડ થઈ તો તમારી આબરૂ ના ધજાગરા થવાના હતા એ વાત પાક્કી હતી.......નીલ
પણ,
નિમ્મી એ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ લાલ ની રાણી નું પત્તું પોતાની પાસે રાખી લીધું....
અને એક હળવું સ્માઇલ તમને આપ્યું...
બસ, નિમ્મી ના એ એક સ્માઇલ તો તમારા દિલ ને ઘાયલ જ કરી નાખ્યું..
તમે અડધો જંગ જીતી ગયા હોય એવું તમને લાગ્યું....નીલ
પણ આ કંઈ પરિણામ નહોતું, કારણ કે, તમે તમારા તરફથી ભલે પ્રપોઝ કરી નાખ્યું,પણ વાત અહી પૂરી થઈ એમ કેવી રીતે કહી શકાય..
કારણ, એ લાલ ની રાણી નું પત્તું સ્વીકારવાથી, કંઈ નિમ્મી એ તમારો પ્રેમ સ્વીકાર કર્યો એમ તો ન જ કહી શકાય....
બસ હવે તો નિમ્મી તરફ થી હા માં કેવી રીતે પ્રતિસાદ આવે એની તમે રાહ જોતા હતા....
રમત માં હવે ખરેખરો રંગ જામતો જતો હતો..
ભાવિક પણ, પોતાની જોડ બનાવવા માટે યોગ્ય પત્તા મળતા નહિ હોવાથી થોડો અકળાયેલો લાગતો હતો.
ફરી એક વાર શિવાની દીદી પાસેથી ફરતા ફરતા પત્તું માંગવાનો દાવ ભાવિક પાસે આવ્યો....
હવે તેણે નિમ્મી તરફ જોતા કહ્યું,
"નિમ્મી ,ચાલ મને લાલ નો બાદશાહ આપી દે..
નિમ્મી એ તરત જ નકારતા એને કહ્યું .. "સોરી ભાવિક, આઈ હેવ નોટ, "
"નાવ ઇટ સ માય ટર્ન".....
એટલું સાંભળતા તો ભાવિક રીતસર નો બરાડી ઉઠ્યો.
"યાર, હાવ ઇટસ પોસીબલ,.
"લાલ નો બાદશાહ દીદી પાસે નથી,
નીલ, પાસેથી માગ્યો તો, તેણે ના કહી,
"અને હવે, આ નિમ્મી કહે છે લાલ નો બાદશાહ એની પાસે પણ નથી",
"તો પછી,
એ પત્તું છે કોની પાસે"...?????
"મને લાગે છે ગેમ માં ચિટીગ થઈ રહ્યું છે"..
નિલ્યા,તું તો નથી ને આ બધા માં ???
ભાવિક ની આ અકળામણ પર બધા હસી પડ્યા....
રમત હવે એની અંતિમ ગતી તરફ આગળ વધતી જતી હતી..
બધા ને લગભગ બધી જ જોડ પૂરી થવા આવી હતી..એકાદી જોડ બાકી રહી હતી....
નીલ, ભલે આખી ય રમત દરમિયાન તમારું ધ્યાન નિમ્મી તરફ હતું,પરંતુ રમત પર તમારી પકડ હજીય મજબૂત જ હતી.
છતાં પણ તમે વિચાર માં પડી ગયા હતા કે, બે બાદશાહ (કાળી અને ફુલ્લી) તમારી પાસે છે,
અને જો, ભાવિક પાસે એક જ ચરકટ નો બાદશાહ હોય તો પછી એ લાલ નો બાદશાહ કોની પાસે હોવો જોઈએ..?
કારણકે,
હવે તમારે ફક્ત બાદશાહ ની જોડ કરવાની બાકી હતી....નીલ
એક ક્ષણ તમે વિચાર કર્યો. તમને તરત જ ઝબકારો થયો...
અને હવે તમારો ટર્ન આવતા જ ભાવિક તરફ ઈશારો કરતા બોલ્યા,
"ભાવિક, લાવ ફટાફટ, તારો એ ચરકટ નો બાદશાહ મને આપી દે"....
ભાવિક પાસેથી એ પત્તું લીધા પછી તરત જ નિમ્મી તરફ આંખો નચાવતા કહ્યું....
"લાવો હવે નિમ્મી મેડમ,એ લાલ નો બાદશાહ મને આપો,એટલે મારી જોડ પૂરી થાય"....
તરત જ,
સામે નિમ્મી એ પણ તમારી સામે આંખ લડાવતા લડાવતા જ તમે કરેલા પ્રેમ ના પ્રસ્તાવ ને સ્વીકારતી હોય તે અદાથી તમને સ્પર્શે તે રીતે તરત જ તમારા હાથમાં લાલ ના બાદશાહ નું એ પત્તું પકડાવી દીધુ ..".લે આ મારો લાલ નો બાદશાહ"....નીલ....
તમારી એ બાદશાહની છેલ્લી જોડ પુરી થઈ.અને હજુ તો ભાવિક અને શિવાની દીદી કંઈ સમજે તે પહેલા તો નીલ,
તમે બધાને હુકમ કરતા હોય તેવી અદાથી કહ્યું....
"ચાલો લાવો, હવે સૌ સૌ ની જોડ આપી દો.....મને ખબર છે કોની પાસે કઈ કઈ જોડ છે.".....
બધા પાસે રહેલી તૈયાર થયેલ પત્તા ની જોડ ને ભેગી કરતાં ની સાથે જ તમે ખુશી ના માર્યા ઉછળી પડ્યાં ... ..નીલ
"હિપ હિપ હુર રે.....હિપ હિપ હુર રે".....
"Now,.... I am the Nepoliyan'.
અને આમ, જ
ચિચિયારીઓ સાથે આખીય રમત પૂરી થઈ...
નીલ...
નિમ્મી ના આ સ્વીકાર સાથે જ જાણે તમારી નિમ્મી ના હદયના પણ નેપોલિયન બની ગયા હોય એવું તમને લાગ્યું......
છેલ્લે,રમત ને અંતે,
ભાવિક તમારા ખભા ઉપર હાથ રાખી ને બોલ્યો...
"નીલ્યા,યાર,
"એમ ન સમજતો કે મને કશી ખબર નથી ...
" નિમ્મી એ માંગેલા કાળી ના નવ્વા ની સામે તે એને લાલ ની રાણી નું પત્તું આપ્યું હતું તે,દીદી એ ના જોયું હોય,પણ તારા મોઢા ના હાવભાવ પરથી સ્પસ્ટ દેખાતું હતું"...
"અને એ નિમ્મી એ પણ ચિટીગ કરીને લાલ નો બાદશાહ તને આપવા માટે જ પોતાની પાસે રાખી મૂક્યો હતો....
But, everything is fair in war and love....
ભાવિક હસતા હસતા બોલ્યો,
દોસ્ત, ભલે બી.એસ.સી અને એન્જિનિયરિંગ ના સીલેબસ અલગ અલગ હોય પરંતુ ...
પ્રેમ નામનો એક વિષય બધા જ સ્ટુડન્ટ માટે કોમન હોય છે.
Congratulations You are so lucky, YAAR....
ત્યાં તો શિવાની દીદી એ નિમ્મી ને કાન માં કશુંક કહ્યું. અને નિમ્મી પણ તમારી સામે જોઇને શરમાઈ જતા રૂમ માંથી નીકળી ને બહાર તરફ દોડી ગઈ....
નરેશ ગજ્જર