ચિંતનની પળે - સીઝન - 3 - 44 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 44

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 44 - એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી
  • આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,

    એમ કહીએ કે હશે, આપણે ભીના ના થયા

    રમેશ પારેખ

    દરેક માણસને પોતાની રીતે જીવવું હોય છે. કેવી રીતે જિવાય એ વિશે દરેકની પોતાની ફિલોસોફી
    હોય છે. દરેકના ગમા, અણગમા, પ્રકૃતિ, સ્વભાવ, માનસિકતા, આદતો, ઇચ્છાઓ અને દાનતો અલગ અલગ હોય છે. બે વ્યક્તિ સો એ સો ટકા એકસરખી ન હોઈ શકે. હા, થોડીક આદત અને થોડીક વિચારસરણી ચોક્કસ મળતી હોય પણ સંપૂર્ણ સરખાપણું શક્ય નથી.

    માણસના જીવનની એક અને સતત યાત્રા પોતાનાલાઈક માઈન્ડેડ’લોકોને શોધવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાને ગમતાં અને પોતાના વિચારોને મળતા આવતા વિચારોવાળી વ્યક્તિને શોધતી રહે છે. દુનિયામાં લોકોની કમી નથી પણ આપણને ફાવે એવા લોકોની કાયમ કમી જ હોય છે. નાના હોઈએ ત્યારે આપણા ઘણા મિત્રો હોય છે, મોટા થતાં જઈએ એમ મિત્રો ઘટતાં જાય છે. તેનું કારણ
    એ હોય છે કે આપણે ‘ચૂઝી’ થતા જઈએ છીએ. આપણે લોકોને ટેસ્ટ કરીએ છીએ કે આપણને એની સાથે ફાવશે?

    માણસ પોતાનો મહોલ્લો કે પોતાનું શહેર છોડી શકતો નથી, તેનું એક અને સૌથી મોટું
    કારણ એ જ હોય છે કે ત્યાં પોતાનું સર્કલ,પોતાની કંપની અને પરિચિત લોકો હોય છે. એક માણસ
    પરિવાર સાથે બીજા શહેરમાં રહેવા ગયો. ત્યાં તેને ફાવતું ન હતું. વાત નીકળે ત્યારે
    એમ જ કહે કે મજા નથી આવતી. હજુ સારી કંપની નથી મળી. મોટા શહેરમાં લોકો પાસે સમય
    નથી. આપણો પડોશી જ ઘણી વખત આપણને જુદા ગ્રહનો માણસ લાગે છે.

    આપણે પરિવાર અને લોકો વચ્ચે રહીએ છીએ. આપણે સંબંધો વચ્ચે જીવીએ છીએ. ક્યારેક હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ, ક્યારેક ઝઘડીએ છીએ, ક્યારેક એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ક્યારેક નફરત
    કરીએ છીએ. બધા સાથે કાયમ માટે એકસરખું ફાવતું નથી. પતિ કે પત્ની સાથે પણ નહીં. ગમે
    એટલી નજીકની વ્યક્તિ હોય આપણને ક્યારેક તો તેની સામે ફરિયાદ હોય જ છે. તું કંઈ
    સમજતી જ નથી કે તું કંઈ સમજતો જ નથી. તું માને એ જ સાચું? બાકી બધા શું મૂરખ છે? તારે તારું જ ધાર્યું કરવું છે? ઝઘડા કે વિવાદ થાય ત્યારે આવા પ્રશ્નો અને સંવાદો થતાં રહે છે.

    દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાના લોકોથી કંટાળે જ છે. દરેક વ્યક્તિને ક્યારેક બધા જ
    સંબંધો જંજાળ જેવા લાગે છે. દરેક વ્યક્તિને જિંદગીમાં એક વખત તો એવો વિચાર આવ્યો જ
    હોય છે કે બધું જ છોડીને એકલા રહેવું છે. જો કે માણસ એકલો રહી શકતો નથી,કારણ કે
    એકલા રહેવું એ માણસની પ્રકૃતિમાં જ નથી. આપણને કોઈ ને કોઈ વ્યક્તિની જરૂર રહે છે.

    માણસ સજોડે રહેવા ટેવાયેલો છે. દરેક માણસને એક ઓળખ જોઈતી હોય છે. દરેકને આધિપત્ય અને એપ્રિસિએશન જોઈતું હોય છે. દરેકને વ્યક્ત થવું હોય છે. દરેકને સલાહ આપવી હોય છે
    અને સલાહ લેવી હોય છે. કોઈ આપણને પૂછે, કોઈ આપણને સાંભળે, કોઈ આપણને સ્વીકારે, કોઈ
    આપણું માને એવી ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. આપણે કોઈ ને કોઈ રીતે લોકોથી
    જોડાયેલા જ હોઈએ છીએ. કંઈ નહી તો છેલ્લે માણસ નફરતથી જોડાયેલો હોય છે. નારાજગી અને
    દુશ્મની પણ આપણને કોઈની સાથે જોડેલા રાખે છે. નફરત કરવા માટે પણ
    કોઈ માણસ તો જોઈએને ?

    ખાલીપો’ માણસથી સહન નથી થતો. એકાંત અને એકલતા જુદી વસ્તુ છે. સૌથી શ્રેષ્ઠ એકાંત માણસને પોતાના લોકોની વચ્ચે જ મળે છે. એકાંતમાં આનંદ છે અને એકલતામાં પીડા છે. એકલતામાં માણસ
    વેદના સિવાય કંઈ જ ન જીવી શકે. એકલતા થોડો જ સમય સારી લાગે છે. એકલા પડીએ એટલે તરત જ આપણને કોઈ યાદ આવવા માંડે છે.

    માણસ પોતાના માટે જીવે છે કે કોઈના માટે? આમ જુઓ તો દરેક માણસ પોતાના માટે જ જીવતો હોય છે.
    અને તેને કોઈના માટે પણ જીવવું હોય છે. કોઈના માટે એને એ રીતે જીવવું હોય છે કે
    તેને પોતાના માટે જીવતો હોય એવું લાગે. તમે વિચાર કરો કે તમે જેની સાથે જીવો છો એ
    કોઈ જ લોકો ન હોય તો તમારી જિંદગીનો મતલબ શું રહે? આપણે સૌથી વધુ ગુસ્સો એના
    ઉપર જ કરતા હોઈએ છીએ જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ છીએ.

    એક પતિ-પત્ની હતાં. દરરોજ ઝઘડે. એક દિવસ પતિએ કહ્યું કે આપણે રોજ ઝઘડીએ છીએ તેના
    કરતાં ચાલ છૂટા પડી જઈએ. પત્નીએ કહ્યું ના. હું એટલા માટે ના કહું છું કે હું ચાલી
    જઈશ તો પછી તારું શું થશે? તું કોની સાથે ઝઘડીશ? કોના પર
    ગુસ્સો ઠાલવીશ? કોની ઉપર રાડો પાડીશ? કમસે કમ
    એટલા પૂરતો પણ હું તારો આધાર છું. પહેલાં તું ઝઘડવા માટે કોઈ વ્યક્તિ શોધી લે પછી
    હું તારાથી દૂર થઈ જઈશ. મને નથી લાગતું કે તું કોઈના વગર રહી શકે. પતિએ કહ્યું કે
    તારાથી છૂટા પડીને હું કોઈ એવી વ્યક્તિ સાથે રહીશ જેને હું પ્રેમ કરી શકું? પત્નીએ
    કહ્યું કે તો પછી મને જ પ્રેમ કરને? પતિએ કહ્યું કે તું પ્રેમ કરવાને લાયક જ નથી.
    પત્નીએ કહ્યું કે નફરત કરવાને તો લાયક છું ને? જ્યાં સુધી તું પ્રેમ ન કરી
    શકે ત્યાં સુધી નફરત કર. પણ એક વખત પ્રેમ કરવાની શરૂઆત તો કરી જો. અને હા, થોડુંક એ
    પણ વિચાર કે નફરત છે એટલે જુદા પડવું છે કે પ્રેમ નથી એટલે જુદા પડવું છે? પતિએ
    કહ્યું કે પ્રેમ છે કે નહીં એ ખબર નથી, નફરત છે એટલી મને ખબર છે. પત્નીએ કહ્યું કે હું એ
    જ કહું છું, નફરત કાઢી નાખ પછી પ્રેમ તો છે જ.

    માણસને દરેક પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવો હોય છે. પણ એ છૂટી શકતો નથી. એક
    પરિસ્થિતિમાંથી છૂટીને બીજી પરિસ્થિતિમાં સંડોવાય છે. પરિસ્થિતિ અનુકૂળ હોય તો
    માણસને ઘણી વખત વાંધો નથી આવતો. છતાં માણસ વધુ સારી પરિસ્થિતિ માટે તો પ્રયત્નશીલ
    રહે છે અને મોટાભાગે એ વધુ સારી પરિસ્થિતિમાં ગયા પછી તેને સમજાય છે કે આના કરતાં
    જૂની પરિસ્થિતિ સારી હતી. અગાઉ જે હતું એ શું ખોટું હતું, એવો સવાલ
    માણસને થાય છે. સંબંધમાં પણ આવું થતું રહે છે.

    ઘણા લોકો પોતાના લોકોથી થાકીને એકલા રહેવાનું પસંદ કરી લે છે. આવા લોકોને પણ સરવાળે એકલા રહેવું તો ગમતું જ હોતું નથી. આપણને સતત કોઈની જરૂર રહે છે. આપણે
    કોઇની સાથે વાત કરવી હોય છે. ખુશી વહેંચવી હોય છે. અને વ્યથા વ્યક્ત કરવી હોય છે.
    સોશ્યલ નેટર્વિંકગ સાઈટ્સની સફળતાનું એક કારણ એ પણ છે કે માણસ એકલો રહી શકતો નથી.
    આપણે સતત કોઈના સંપર્કમાં રહેવું છે. મેં આમ કર્યું કે મારી સાથે આમ થયું એવું
    આપણે કહેવું હોય છે અને આપણે સતત એવું પણ ઇચ્છતા રહીએ છીએ કે આપણા સ્ટેટસને કોઈ
    લાઈક કરતું રહે.

    એક સોશ્યલ નેટર્વિંકગ સાઈટ્સ પર બે મિત્રો હતા. એક મિત્ર બીજા મિત્રના સ્ટેટસને ઓલવેઝ
    લાઈક કરે. બીજો મિત્ર ક્યારેય એવું ન કરે. આખરે પેલા મિત્રએ લાઈક કરવાનું બંધ કરી
    દીધું. એ મારા સ્ટેટસને લાઈક ન કરે તો મારે એના સ્ટેટસને શા માટે લાઈક કરવું જોઈએ?

    સંબંધોનું પણ આવું જ છે. તમારે તમારી વ્યક્તિને સ્વીકારવાની હોય છે. બે પ્રેમીઓ હતાં. બંનેને
    બહુ સારું બનતું. એક વ્યક્તિએ પૂછયું કે તમે બંને એકબીજાને એટલા માટે વધુ પ્રેમ
    કરો છો, કારણ કે તમારા બંનેનાગમા’ સરખા છે? બંનેએ કહ્યું કે ના એવું નથી, અમારા
    બંનેના ‘ગમા’ નહી પણ ‘અણગમા’ સરખા છે. એને જે નથી ગમતું એ મને નથી ગમતું. અને
    મને જે નથી ગમતું એ એને નથી ગમતું.

    આપણે એકલા નથી રહી શકતા એટલે જ આપણે સાથે રહેવાની કળા કેળવવી પડે છે. આપણા લોકો સાથે ફરિયાદ તો રહેવાની જ પણ એ ફરિયાદનું નિરાકરણ પણ તેની સાથે જ રહીને લાવવાનું હોય
    છે. તેનાથી ભાગીને નહી. કોઈ વ્યક્તિને એકલું રહેવું હોતું નથી. કોઇ વ્યક્તિને
    પોતાની વ્યક્તિને એકલી રાખવી પણ હોતી નથી. એકલો રહેતો માણસ ઘણી વખત પોતાનાથી
    ભાગીને જ એકલો પડી ગયો હોય છે. માણસ કોઈને નફરત કર્યા વગર રહી શકે પણ કોઈને પ્રેમ
    કર્યા વગર તો ક્યારેય રહી જ શકતો નથી. તમને ક્યારેય તમારી વ્યક્તિથી ભાગી જવાનું
    મન થયું છે? જો એવું મન થયું હોય તો ભાગવાનો નહીં પણ તેને સમજવાનો પ્રયત્ન કરી
    જુઓ અને તેને સમજવાના પ્રયત્ન પહેલાં થોડોક પોતાને સમજવાનો પણ પ્રયત્ન કરી જો જો.

    છેલ્લો સીન :

    મને શી ખબર કે પ્રેમ એટલે આંખોથી એકમેકને પુછાયેલા ખારા પ્રશ્નો…

    –પન્ના નાયક

    ***