ચિંતનની પળે - સીઝન - 3 - 5

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

 • 5 - હસતાં રહેવા જેવું કોઈ સૌંદર્ય નથી
 • ઉનકે આને સે જો આ ગઈ ચહેરે પે હંસી,

  વો સમઝે કે બીમાર કા હાલ અરછા હૈ !

  – મિર્ઝા ગાલિબ

  જિંદગીમાં બે પ્રકારના લોકોનો કોઈ દિવસ ભરોસો ન કરવો. એક તો એનો જે કોઈ દિવસ હસતા નથી અને બીજા જે આખો દિવસ કારણ વગર હસ હસ કરે છે. માણસ અને પશુમાં મુખ્ય તફાવત જ એ છે કે પશુ હસી શકતાં નથી. હસવાનું સૌભાગ્ય કુદરતે માત્ર માણસને આપ્યું છે. અલબત્ત, મોટાભાગના લોકો કુદરતે આપેલી આ અનમોલ ભેટનો ઉપયોગ બહુ ઓછો કરે છે. કેટલાક લોકો તો એવા હોય છે જેનું મોઢું કાયમ ફૂલેલું જ હોય છે. સોગિયું મોઢું તેની આઈડેન્ટિટી બની ગયું હોય છે.

  માણસનો ચહેરો તેના આસપાસના વાતાવરણને જબરદસ્ત અસર કરે છે. કેટલાક લોકોનું આગમન થાય એટલે વાતાવરણમાં રોનક પ્રસરી જાય છે. તમે કયારેય તમારા વર્તનનો અભ્યાસ કરો છો? તમે ઘરે કે ઓફિસે જાવ છો ત્યારે તમારી સાથે રહેતા અને કામ કરતાં લોકોના વર્તનમાં કેવો ફેર આવે છે? કેટલાક લોકો એવા હોય છે જે ઘરમાં ઘૂસે કે તરત જ આખા ઘરમાં સન્નાટો છવાઈ જાય છે. જાણે કોઈ જીવતો જાગતો માણસ નહીં પણ કર્ફયૂનો આદેશ ઘરમાં ઘૂસી ગયો હોય. બાળકો ચૂપ થઈ જાય છે અને સંતાનો સાથે ધીંગામસ્તી કરતી પત્ની રસોડામાં કામ કરવા ચાલી જાય છે. કેટલાક લોકોને ઘરમાં ધાક જમાવવાની ગંદી આદત પડી ગઈ હોય છે. તમારી ધાક તમારા ઘરના લોકોનું હાસ્ય તો રૂંધી નથી નાખતી ને?

  તમારો મૂડ કેવો છે તેના પરથી લોકો તમારી સાથે વ્યવહાર કરે છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે હમણાં તેને વતાવવા જેવો નથી. મોટા ભાગના કર્મચારીઓ પોતાના સિનિયર કે બોસ પાસે જતાં પહેલાં એ તપાસ કરી લેતા હોય છે કે સાહેબનો મૂડ કેવો છે? ઓફિસ આર્કિટેકચરનો લેટેસ્ટ કન્સેપ્ટ એવો છે કે ઓફિસની ડિઝાઇન એવી બનાવવી કે વાતાવરણ હળવું રહે. કામ કરનારા લોકોને વાતાવરણનો ભાર ન લાગે. પ્રોફેશનલ મેનેજમેન્ટના અભ્યાસમાં એવું શીખવવામાં આવે છે કે જો તમે તમારી ટીમના લીડર હોવ તો તમારી ટીમને હળવી રહેવા દો. જેટલી હળવાશ હશે એટલાં સારાં રિઝલ્ટ્સ મળશે. આપણે ત્યાં હજુ પણ એવો જ ખ્યાલ પ્રવર્તે છે કે ડરાવી ધમકાવી અને રાડો પાડીને જ સારું કામ લઈ શકાય. આ માન્યતા સાવ ખોટી અને છેતરામણી છે.

  ફોટામાં હસતો દેખાવા માણસ જેટલી મહેનત કરે છે એટલા પ્રયત્ન પણ લોકો સામે હસતા રહેવા નથી કરતો. માણસને જેવી ખબર પડે કે કેમેરાનો લેન્સ તેની તરફ ફરે છે એટલે તરત જ એ મોઢાના હાવભાવ ફેરવી નાખશે. માણસ આવું શા માટે કરે છે? કારણ કે તેને ખબર હોય છે કે આ ફોટો કે ફિલ્મ લોકો જોશે! કેવું છે? માણસ એટલું નથી વિચારતો કે ફોટો કે ફિલ્મ તો જયારે લોકો જોશે ત્યારે પણ મને તો લોકો સતત જુઐ છે! સામો માણસ નજર સામે કેવું જુએ છે તેની માણસ પરવા કરતો નથી અને ફોટાના ચહેરાની ચિંતા કરે છે.

  એક ફોટોગ્રાફર મિત્રે તેના અનુભવની વાત કરી કે માણસ હસવામાં પણ ખૂબ કંજૂસ થઈ ગયો છે. અમે કોઈનો ફોટો પાડીએ ત્યારે કહીએ છીએ કે સ્માઇલ પ્લીઝ. અમારો એક શબ્દ સાંભળી બધા પોતાનાં મોઢાં હસતાં કરી દે છે. જેવો ફોટો પડી જાય કે તરત જ બધાના ચહેરા ઉપરથી હાસ્ય ગાયબ થઈ જાય છે. ઉમદા માણસ હોય એનો ચહેરો રાતે ઊઘમાં પણ પ્રફુલ્લિત હોય છે અને દિવસે જે લોકો હસી નથી શકતા એ લોકો રાતે ઊઘમાં પણ દાંત કચકચાવતા હોય છે. તમારી મનોદશા ઊંઘમાં પણ તમારા મગજ, સ્વભાવ અને વર્તનની ચાડી ખાય જાય છે. જો ઊઘમાં ચહેરો ચાડી ખાતો હોય તો પછી જાગૃત અવસ્થામાં તો ચહેરાના ભાવ કેવી રીતે છુપા રહી શકે?

  તમારો ચહેરો તમારા દિલનું પ્રતિબિંબ છે. તમારે કેવા દેખાવું છે એ તમારા હાથમાં છે. માણસની લાફટર કલબ એ કોઈ બગીચામાં નહીં પણ માણસના દિલમાં છે. જે માણસ હસતો રહે છે તેને આજુબાજુની નેગેટિવિટી પણ અસર કરતી નથી. તમારું હાસ્ય એ તમારા ફરતે એવું સુદૃઢ કવચ રચી દે જે બીજા લોકોના ખરાબ મનોભાવ તમારા સુધી પહોંચતા અટકાવે છે. હાસ્ય માત્ર પોતાના જ નહીં પણ સામી વ્યકિતના મનોભાવને પણ સુધારી દે છે. જે કામ હસવાથી થઈ જતું હોય તેના માટે ભસવું નહીં. તમે હસશો તો બધા તમારી સાથે હસશે. હસતો માણસ કયારેય એકલો પડતો નથી. સેન્સ ઓફ હ્યુમર એ માણસનો સૌથી મોટો ગુણ છે. આ સેન્સ જેનામાં નથી એ નોનસેન્સ છે. તમારી સેન્સ તમારી સેન્સિટિવિટીને સીધી અસર કરે છે. નાનું બાળક સદાયે હસતું રહે છે પણ માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ હસવાનું ભૂલતો જાય છે. તમારે તમારી નિર્દોષતાને જીવતી રાખવી હોય તો તમારા હાસ્યને મૂરઝાવા ન દો.

  છેલ્લો સીન – 

  એ વાત સાચી છે કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે. 
  – નોર્મલ કઝિન્સ

 • ***
 • ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  djogarajiya v 2 દિવસ પહેલા

  DMM 3 દિવસ પહેલા

  Vipul 1 માસ પહેલા

  Umesh Patel 1 માસ પહેલા

  Vikram Mithapara 1 માસ પહેલા