ચિંતનની પળે - સીઝન - 3 - 8 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 8

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 8 - અત્યારે જ રાઇટ ટાઇમ છે !
  • દુ:ખમાં છું, કિંતુ સુખ તને આપી શકું છું દોસ્ત!

    જે ઝાડ છાયા આપે છે, ખુદ તડકામાં હોય છે.

    -નૂર પોરબંદરી

    તમારે કંઇ નવું, જુદું અને અનોખું કામ કરવું છે? આ સવાલને શાંતિથી વિચારશો તો તેનો જવાબ ‘હા’ જ હશે. દરેક માણસને હંમેશાં કંઈક કરવું હોય છે, કંઈને કંઈ ઇચ્છા અને પ્લાનિંગ દરેક માણસના મનમાં રમતાં હોય છે. જ્યારે પણ પોતાની ઇચ્છા સાકાર કરવાનો વિચાર આવે ત્યારે માણસને તરત જ એવું થાય છે કે હમણાં નહીં, આ કામ માટે અત્યારે રાઈટ ટાઈમ નથી.

    ‘રાઈટ ટાઈમ’ની રાહ જોવામાં માણસ પોતાને ગમતાં અનેક કામો પેન્ડિંગ રાખતો ફરે છે. જિંદગીના વર્ષોવીતતા જાય છે અને એ રાઈટ ટાઈમ આવતો જ નથી. બીજી એક સાચી વાત એ પણ છે કે તમે રાહ જ જોતાં રહેશો તો એ ‘રાઈટ ટાઈમ’ ક્યારેય આવશે જ નહીં! આ વાતને બીજી રીતે પણ વિચારી જોઈએ. તમે તમારી ઇચ્છાનું કામ કેટલાં વર્ષોથી પેન્ડિંગ રાખ્યું છે? તમે યાદ કરો, તમારે શું કરવું હતું? અને એ કામ માટે તમને અત્યાર સુધી સમય ન મળ્યો તો પછી હવે સમય મળશે એવી આશા તમે શા માટે રાખો છો?

    નિષ્ફળતા એટલે શું? તેની સાવ સરળ અને સીધી વ્યાખ્યા એ જ છે કે, નિષ્ફળતા એટલે મુલત્વી રાખવામાં આવેલા સફળતાના પ્રયાસો. અત્યારે જ રાઈટ ટાઈમ છે, આનાથી વધુ સારો સમય આવવાનો નથી એવું વિચારીને જે પોતાની યોજના અમલમાં મૂકે છે એ જ વ્યક્તિ પોતાનું ધાર્યું કરી શકે છે.

    તમારી આજુબાજુમાં નજર ફેરવો તો એવા કેટલાંય લોકો તમને મળી આવશે જેને વર્ષોથી કંઈક કરવું છે. એક મિત્ર છે, તેને સિગરેટ પીવાની આદત છે. સિગરેટથી થતાં નુકસાનની વાત નીકળે ત્યારે એ હંમેશાં એવી વાત કરે છે કે હું એક દિવસ સિગરેટ છોડી દેવાનો છું!

    હજારો દિવસો વીતી ગયા પણ આ દિવસ આવતો જ નથી. તમે એમ માનો છો કે માણસને પોતાના માટે અયોગ્ય શું છે એ ખબર નથી હોતી? ના, એવું નથી. બધાં જ માણસોને ખબર હોય છે કે, તેની જિંદગીમાં શું ખોટું છે! તકલીફ માત્ર એટલી જ હોય છે કે માણસ પોતાની જિંદગીમાં જે અયોગ્ય છે એને દૂર કરતો નથી. એવું પણ નથી કે તેને એ દૂર કરવું હોતું નથી પણ એ ‘રાઈટ ટાઈમ’ ની રાહ જોતો રહે છે જે ક્યારેય આવવાનો નથી.

    વ્યસન જેવી જ વાત વજન અને શરીર ઘટાડવાની છે. કયા મેદસ્વી માણસને દુબળું થવું હોતું નથી? જ્યારે જ્યારે પોતે અરીસા સામે જુએ છે ત્યારે એને થાય છે કે મારે શરીર ઘટાડવું છે પણ શરીર ઘટાડવા માટે જે કરવું જોઈએ એ કરી જ નથી શકતો. રોજ ચાલવા જવાનું નક્કી કરે છે પણ પગલું ભરવાનું એ મૂહુર્ત જ નથી આવતું!

    આપણને ઘણાં લોકોના જીવનમાંથી પ્રેરણા મળે છે. કોઈની સફળતાની વાતો અને પ્રયાસો વિશે સાંભળીને આપણને થાય છે કે આ માણસે ખરેખર મહેનત કરી છે. તેના જેવું કરવાનું મન પણ થાય છે પણ માણસ કરતો નથી. યાદ રાખો, પ્રેરણા માત્ર કોઈની વાત કે સફળતાની ગાથા વાંચવા કે સાંભળવાથી સિદ્ધ થતી નથી, પ્રેરણાને આપણે આપણાં પ્રયાસોથી જ સિદ્ધ કરવી પડે છે.

    પ્રયાસો વગર કોઈ પણ પ્રેરણા પણ સાર્થક થતી નથી. સફળતા માટે પ્રયત્નો અને સંબંધો માટે પ્રેમ ક્યારેય ટાળવો નહીં, જિંદગીમાં કંઈ પણ ટાળવા જેવું હોય તો એ માત્ર અને માત્ર ટાળવાની વૃત્તિ છે!

    કામને ટાળવાની વૃત્તિને ટાળી દો પછી કંઈ જ ટાળવા જેવું નથી. જે છોડવા જેવું છે એને છોડો એટલે પછી જે બચશે એ સારું જ હશે. માણસનો પ્રોબ્લેમ એ છે કે એ તો આનંદ અને સુખને પણ ટાળતો રહે છે. આમ કરીશ એટલે મજા આવશે, આટલું થઈ જશે એટલે હું મારી જાતને સુખી ફીલ કરીશ. તમે વિચારજો, અત્યારે અને આ સમયે શું પ્રોબ્લેમ છે?

    મોટાભાગે કંઈ પ્રોબ્લેમ હોતા નથી આપણે પ્રોબ્લેમને માથે લઈને ફરતાં હોઈએ છીએ અને હંમેશાં એવું વિચારતા રહીએ છીએ કે આ પોટલું ઊતરી જશે એટલે મને હળવાશ લાગશે.

    હું સુખી છું અને હું મજામાં છું એવો વિચાર અને એ સ્વીકારવાની તૈયારી જ સુખ છે. તમે જેને ચિંતા કે દુ:ખ માનો છો એ માત્ર એક પરિસ્થિતિ કે સંજોગ હોય છે. તમે ધારો ત્યારે આ સ્થિતિને બદલી શકતા નથી, સમય આને ત્યારે એ સંજોગો આપોઆપ બદલાતા હોય છે. આ સ્થિતિ પણ બદલાવવાની છે, હું શા માટે દુ:ખી થાઉ છું એવું જે વિચારી શકે છે એ કાયમ માટે સુખી રહી શકે છે.

    સુખ એ એક માનસિકતા છે અને દુ:ખ એ એક પરિસ્થિતિ છે. પરિસ્થિતિનો સ્વભાવ જ બદલવું છે પણ એ માનસિકતા નહીં બદલે તો સુખ આવશે કે સુખ હશે તેનો પણ અહેસાસ નહીં થાય.

    આપણે દરેક વાતમાં રાહ જોતાં રહીએ છીએ. ત્યાં સુધી કે પ્રેમની કબૂલાત કરવામાં અને માફી માંગવામાં પણ આપણે મુદ્દત નાખતા રહીએ છીએ. પ્રેમ કરવા, વખાણ કરવા, કોઈને શાબાશી આપવા કે કોઈની માફી માંગવા માટે પણ સમયની રાહ ન જુઓ. અત્યારે જ રાઈટ ટાઈમ છે. સારા કામની શરૂઆત અને સારા વર્તનના પ્રારંભ માટે દરેક ટાઈમ શ્રેષ્ઠ જ હોય છે.

    સફળ લોકોની સફળતા માત્ર એક જ વાકયમાં બયાન કરવી હોય તો કહેવું જોઈએ કે એ લોકો તેના નિશ્ચયમાં અડગ અને ત્વરિત હતા. આપણે લોકો નિશ્ચય તો કરીએ છીએ પણ પછી તેના અમલને પેન્ડિંગ રાખી દઈએ છીએ.

    આજનો દિવસ શુભ છે અને અત્યારનો સમય જ બેસ્ટ છે, કોઈ સિદ્ધિ કે સફળતા પ્રયત્નો વગર નથી મળતી. હાથની રેખાઓમાં રસ્તા નથી હોતા, રસ્તા માણસે પોતે બનાવવા પડે છે. નસીબને પણ જો આપણે આપણાં પ્રામાણિક પ્રયાસોથી ચમકાવતા ન રહીએ તો નસીબ પણ કટાઈ જાય.

    તમારે જે કરવું છે એ અત્યારે જ કરો, સફળતા આપોઆપ તમારી નજીક સરકી આવશે. અત્યારે જ રાઈટ ટાઈમ છે અને આટલો સારો સમય પછી ક્યારેય આવવાનો નથી!

    છેલ્લો સીન:

    ઘંટીનો પથ્થર અને માણસનું નસીબ હંમેશાં ગોળગોળ ફર્યા જ કરે છે, જો માણસ પાસે દળવાનું કંઈ ન હોય તો એ પોતાને જ દળી નાખે છે. – વોન લોન્ગો

    ***