ચિંતનની પળે - સીઝન - 3 - 43 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 43

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

43 - સમજ વગરનો પ્રેમ પણ લાંબો ન ટકે

હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારોબાર રાખ્યો તેં,

કોણ છું કોઈ’દી કળી ન શકું, ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

મનોજ ખંડેરિયા

હું તને પ્રેમ કરું છું, એ વાક્ય દુનિયાના દરેક પ્રેમી માટે સૌથી સુંદર અને શ્રેષ્ઠ વાક્ય છે. આઈ લવ યુની સાથે બીજું એક વાક્ય એ પણ બોલાતું હોય છે કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ. પ્રેમની શરૂઆત કમિટમેન્ટથી થાય છે પણ ધીમે ધીમે આ કમિટમેન્ટ કમજોર થતું જાય છે. આખી દુનિયાએ પ્રેમનો મહિમા ગાયો છે. જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે. પ્રેમ વગર જિંદગીનું સૌંદર્ય હણાઈ જાય છે. પ્રેમ જ એક એવી તાકાત છે જે માણસને દરેક સ્થિતિમાં ટકાવી રાખે છે. તું છે તો બધું જ છે, તારા વગરનો કશાનો કોઈ અર્થ નથી. પ્રેમ એ સપનાં જોવાનો સમય છે અને આ સપનાં પ્રેમ પ્રાપ્ત થઈ જાય પછી સાકાર કરવાનાં હોય છે.

પ્રેમમાં શરત ન હોય પણ પ્રેમમાં સમજ તો હોવી જ જોઈએ. સમજ વગરનો પ્રેમ સાર્થક થતો નથી. પ્રેમ મોટી જવાબદારી છે અને જવાબદારી બે વ્યક્તિએ સાથે નિભાવવાની હોય છે. જિંદગી અનેક પ્રશ્નો લઈને આવે છે. પ્રેમમાં વફાદારીની સાથે સમજદારી પણ જોઈએ. સમય એકસરખો ચાલતો નથી. પણ આપણે ધારીએ તો પ્રેમ એકસરખો ચાલી શકે. સમય બગડે ત્યારે પ્રેમ બદલવો ન જોઈએ. આપણો પ્રેમ કેટલો દૃઢ છે એ સારા કરતાં ખરાબ સમયમાં વધુ સાબિત થતો હોય છે.

ડિવોર્સ માટે મોટાભાગે પ્રેમ નહીં પણ સમજદારીનો અભાવ કારણભૂત હોય છે. એક પતિ-પત્ની છૂટાં પડયાં. તેને પૂછવામાં આવ્યું કે તમારા વચ્ચે પ્રેમ ન હતો? બંનેએ કહ્યું કે પ્રેમ તો હતો જ પણ બીજું કંઈક મિસિંગ હતું. જે મિસિંગ હતું એ શું હતું ? સમજ! એ મને સમજી ન શક્યો કે એ મને સમજી ન શકી એવી વાતો થતી હોય છે, કોઈ એમ નથી કહેતું કે હું એને સમજાવી ન શક્યો કે હું એને સમજી ન શક્યો. દોષ અને રોષને સીધો સંબંધ છે. દોષ દેવાનું શરૂ થાય તે સાથે રોષ આવવા લાગે છે. આક્ષેપોની સાથે ગુસ્સો વધતો જાય છે. એક તબક્કે એક ઘા અને બે કટકાની વાત આવે છે. બે કટકા તો થઈ જાય છે, પણ પછી એ કટકા તરફડિયાં મારતાં રહે છે.

પ્રેમ શારીરિક કરતાં માનસિક વધુ છે. દૂર હોય છતાં એવું લાગ્યા રાખે કે મારો પ્રેમ જીવંત છે. પ્રેમ માત્ર જરૂરિયાતો પૂરી કરી દેવા જેટલો મર્યાદિત સંબંધ નથી. હું એ જે માગતી હતી એ બધું જ લાવી આપતો હતો. એ બોલે તે વસ્તુ હાજર કરી દેતો. કંઈ જ કમી ન હતી છતાં આવું કેમ થયું? એવી ઘણી વાતો આપણે સાંભળીએ છીએ. દરેક વસ્તુ માગી શકાતી નથી. સાડી કે ગાડી જોતી હોય તો માંગી શકાય, સાંત્વના કે હૂંફ માંગી શકાતી નથી. એ તો આપવાની હોય છે. માણસને ખબર હોવી જોઈએ કે અત્યારે તેને મારી હાજરીની જરૂર છે. મારા શબ્દોની જરૂર છે. સાનિધ્ય એટલે માત્ર હાજરી નહીં પણ સાનિધ્ય એટલે આપણા સમગ્ર અસ્તિત્વ સાથેનું સહજીવન. મોટાભાગે માણસ પાસે હોય છે પણ નજીક નથી હોતો. નજીક હોવું એટલે અનુભૂતિ થવી. મારું કોઈ છે, એવી એક વ્યક્તિ છે જેને મારી ચિંતા છે. એવો અહેસાસ જ પૂરતો હોય છે. સંગાથ એટલે સંગ અને ઓથ.

પ્રેમ હોય ત્યારે અપેક્ષાઓ તો હોવાની જ. એની સાથે એ પણ હકીકત છે કે કોઈ માણસ બધી અપેક્ષાઓ પૂર્ણ ન કરી શકે. આપણી વ્યક્તિ જ્યારે આપણી અપેક્ષા પૂરી ન કરી શકે ત્યારે આપણે વિચારીએ છીએ કે એ મારી અપેક્ષા શા માટે પૂરી કરી શકતો નથી?આપણે મોટાભાગે એવું જ વિચારીએ છીએ કે તેણે મારી અપેક્ષા પૂરી ન કરી. દરેક વ્યક્તિને અપેક્ષાઓ પૂરી કરવી હોય છે, પણ કોઈ ને કોઈ કારણસર એ પૂરી થતી નથી. આ કારણોને સમજવાં, ઓળખવાં અને સ્વીકારવાં એ જ પ્રેમની સમજદારી છે.

ઘણી વખત તો આપણને એ જ ખબર હોતી નથી કે આપણે શું જોઈએ છે? આપણને એ પણ ખબર નથી હોતી કે આપણી વ્યક્તિને શું જોઈએ છે? ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે મારે તો એને ખુશ જ રાખવી છે પણ મને એ સમજાતું જ નથી કે એને શું જોઈએ છે? ઘણી વખત માણસને કશું જ નથી જોતું હોતું, માત્ર પ્રેમ હોવાનો અહેસાસ જોતો હોય છે. દરેક અપેક્ષાઓ રૂપિયા ખર્ચીને પૂરી નથી થતી. જો આવું હોત તો દરેક અમીર વ્યક્તિ પ્રેમ ખરીદી લેત. પ્રેમમાં એવી જ વસ્તુની જરૂર હોય છે જે ખરીદી નથી શકાતી. હૂંફ ખરીદી નથી શકાતી, સાંત્વના બજારમાં નથી મળતી અને અનુભૂતિ વેચાતી નથી. જે બજારમાં નથી મળતું એ દિલમાંથી ઊઠે છે. દિલમાં કંઇક ઊગવાનું બંધ થાય ત્યારે સાવધાન થઈ જવાનું હોય છે. વફાદારી એ દેખાડવાની ચીજ નથી,મહેસૂસ કરવાની ચીજ છે. આપણે પ્રેમનું પ્રદર્શન તો કરી લઈએ છીએ પણ પ્રેમ મહેસૂસ કરાવી નથી શકતા. રોજ ફૂલ આપવા સહેલાં છે પણ રોજ અહેસાસ આપવો અઘરો છે.

એક પતિ-પત્ની હતાં. બંને એકબીજાથી ખુશ હતાં, એક બીજાને પ્રેમ કરતાં હતાં. પતિ ખૂબ મહેનત કરતો. કંઈક સારું થાય એટલે પત્ની તેના માટે બુકે લાવતી. પતિને સારું લાગતું પણ તેને હંમેશાં કંઈક ખૂટતું હોય એવું લાગતું. કંઇક સારું થાય એટલે પતિને ખબર પડી જતી કે આજે મારી પત્નીએ મારા માટે બુકે લીધો હશે. હું ઘરે જઈશ એટલે એ મને આપશે. હું એને થેન્ક યુ કહીશ. અનેક વખતની જેમ પતિએ વધુ એક વખત ફોન પર ખુશખબર આપ્યા. એ ઘરે જતો હતો ત્યારે એ જ દર વખતનું બુકે આપવાનું દૃશ્ય તેની નજર સામે ખડું થતું હતું. એ ઘરે પહોંચ્યો ત્યારે બુકે ન હતો. પતિને આશ્ચર્ય થયું પણ એ કંઈ જ ન બોલ્યો. થોડી જ વારમાં પત્નીએ નજીક આવી પતિના બંને હાથ નજાકતથી પોતાના હાથમાં લીધા. આંખમાં આંખ પરોવીને કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારું ગૌરવ છે. હું ખૂબ ખુશ છું. પતિની આંખો ભીની થઈ ગઈ. મને બુકે નહીં, આ જ જોઈતું હતું. આવો અહેસાસ આપણે આપીએ છીએ?

આપણે ક્યારેય આપણી વ્યક્તિને એવું કહીએ છીએ કે હું તારાથી ખુશ છું. તું બહુ સારી છે કે તું બહુ સારો છે. મને તારો ગર્વ છે. આપણી વ્યક્તિ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે આપણે કહીએ છીએ કે કંઇ ચિંતા ન કર, હું દરેક સંજોગોમાં તારી સાથે છું. જરાય નબળો ન પડ. કંઈ જ ખરાબ નથી થવાનું. મને ખબર છે કે તારામાં તાકાત છે. આપણે જો આપણી વ્યક્તિને જ નબળી સમજીએ તો એ વધુ નબળી પડી જવાની છે.

પતિ પત્નીએ ઘણી વખત એકબીજાના કાઉન્સેલર બનવું પડતું હોય છે. ઘણી વખત આપણે જેટલું સમજતાં હોઈએ છીએ એટલા વ્યક્ત નથી થતા.

કોઈ વ્યક્તિ જ્યારે કોઈને ગાંડો પ્રેમ કરતી હોય ત્યારે આપણે કહીએ છીએ કે એ તો એની પાછળ પાગલ છે, જોકે કાયમ માટે આ પાગલપન ચાલતું નથી. પ્રેમ માટે પાગલપનની સાથે ડહાપણ પણ જરૂરી છે. પ્રેમ ગાંડો જ નહીં, ડાહ્યો પણ હોવો જોઈએ. ડહાપણ સાથેનું પાગલપન એ પ્રેમની પરાકાષ્ઠા છે.

માણસને સફળતામાં પોતાની વ્યક્તિની વધુ જરૂર હોય છે કે નિષ્ફળતામાં? બંનેમાં. સફળતા વખતે પણ જો સાથ ન હોય તો એવું લાગે કે એને મારી કોઈ કદર જ નથી. મારી સફળતાથી તેને કંઈ ખુશી જ નથી થતી. આવી ઘટનાઓ વધે પછી એક તબક્કે એવું લાગવા માંડે છે કે એ મારી સફળતા સહન જ નથી કરી શકતો. આપણે મોટાભાગે નિષ્ફળતા વખતે તો આપણી વ્યક્તિની સાથે રહીએ છીએ પણ સફળતા વખતે પૂરેપૂરા સાથે નથી હોતા. સફળતાને ઘણી વખત સહજતાથી લઈએ છીએ.

નિષ્ફળતા વખતે અપેક્ષા થોડીક વધી જાય છે. જ્યારે કોઈ સાથે ન હોય ત્યારે માત્ર પોતાની એક વ્યક્તિ એમ કહી દે કે હું તારી સાથે છું તો માણસ આખી દુનિયા સામે લડી લે છે. તમારી વ્યક્તિ માટે તમે કેટલા મહત્ત્વના છો એ તમને ખબર છે? તમારું ઇમ્પોર્ટન્સ તમને પોતાને છે? યાદ રાખો કે તમારી વ્યક્તિ માટે તમે સૌથી વધુ મહત્ત્વના છો. તમારી એક વાત, તમારા થોડાક શબ્દો, તમારો મધુરો સ્પર્શ અને તમારો સાથે હોવાનો અહેસાસ બધો જ ખાલીપો પૂરી દેતો હોય છે.

છેલ્લો સીન :

પડછાયો પકડવા જતાં તમે મૂળ વસ્તુ ગુમાવી ના દો એનું ધ્યાન રાખજો. ઇસપ

***