ચિંતનની પળે - સીઝન - 3 - 10 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 10

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 10 - પ્રેમ, મુક્તિ અને બંધન
  • ખુશી તો યે હૈ કિ ચલના સીખા રહા હું ઉસે,
  • જો શખ્સ મુજસે ભી આગે નિકલના ચાહતા હૈ.

    -શફીક મુન્નવર

    એનિથીંગ ઇન એક્સેસ ઇઝ પોઇઝન. અતિરેક હંમેશાં આફત નોતરે છે. પ્રેમને પણ આ વાત સો એ સો ટકા લાગુ પડે છે. પ્રેમને જો એક સિક્કો માનીએ તો તેની એક બાજુએ પ્રેમ અને બીજી બાજુએ પઝેશન છે. આધિપત્ય પ્રેમની સાથોસાથ ચાલે છે. જો આધિપત્ય તેની સીમા ઓળંગે તો એ પ્રેમને ઓગાળી નાખે છે.

    માણસની જિંદગીમાં પ્રેમનો પ્રવેશ થાય ત્યારે તે પેકેજમાં આવે છે. પ્રેમની સાથે જ ભય પણ છૂપી રીતે ઘૂસી આવે છે. આ ભય એટલે પ્રેમ ગુમાવવાનો ભય. પ્રેમ ગુમાવવાના ભયને જો પંપાળતા રહીએ તો આ ભય જ પ્રેમને ભરખી જાય છે. પ્રેમ કયારેય બંધનમાં ટકતો નથી. પ્રેમની પૂર્વશરત છે, મુકિત. હમણાં જ એક યુવાન સાથે વાતો થઈ. આ યુવાને કહ્યું કે તેને એક છોકરી સાથે પ્રેમ છે. પહેલાં જે પ્રેમ હળવાશ આપતો હતો એ જ પ્રેમ હવે ગૂંગળામણ આપે છે.

    પહેલાં અમે મળતાં ત્યારે એકબીજાની વાતો કરતા. અમને એવું લાગ્યું કે, અમે બંને બહુ સરખા છીએ. એકબીજાને સારી રીતે સમજીએ છીએ. મને ખબર છે કે એ મને અઢળક પ્રેમ કરે છે. મને તેની લાગણીની કદર છે પણ છેલ્લા કેટલાંક સમયથી એનું વર્તન વિચિત્ર થઈ ગયું છે. તેને મળવા જાઉ એ પહેલાં કંઈ જ ન વિચારતો. પણ હવે તેને મળવા જાઉ છું ત્યારે મારી માનસિક હાલત જુદી હોય છે. એ કયા પ્રશ્નો પૂછશે એ વિચારીને હું મારા મનમાં જ જવાબો તૈયાર કરતો રહું છું.

    યુવાને વાત આગળ વધારી. હમણાં તેણે મારા ફેસબુક એકાઉન્ટમાં મેં એડ કરેલી એક છોકરી ફ્રેન્ડ વિશે મારી સાથે માથાકૂટ કરી. તેણે પૂછ્યું કે એ છોકરી કોણ છે? શા માટે એને ફેસબુકમાં એડ કરી? તમે મળ્યા છો? તારે અને એને શું સંબંધ છે? મેં એને કહ્યું કે, અરે મારે અને એને કંઈ જ નથી.

    એ મારી સાથે સ્કૂલમાં ભણતી હતી. એક ડ્રામામાં અમે સાથે કામ કરતાં હતાં. કોલેજમાં આવ્યા પછી બંનેની કોલેજ અલગ અલગ હતી. અમને તો ખબર જ ન હતી કે અમે કયાં છીએ. અચાનક જ એણે ફેસબુક પર મારું નામ વાંરયુ અને મને એડ કર્યો. તેમાં એવું કંઈ જ નથી કે જે તને ન ગમે!

    પહેલા તો મને લાગતું હતું કે, એ જેલસ થાય છે પણ ધીમે ધીમે મને સમજાયું કે એ તો તેનો ભય છે. મારા મોબાઈલ ફોનની ફોનબુકથી માંડીને એસએમએસ અને ગેલેરી પણ તે ચેક કરી લ્યે છે. હમણાં તો હદ થઈ ગઈ. મારા મોબાઈલની ગેલેરીમાં એક છોકરીનો ફોટો હતો.

    તેણે પૂછ્યું કે, આ કોણ છે? મને મજાક સૂઝી, મેં કહ્યું કે એ તો મારી નવી ગર્લફ્રેન્ડ છે. બસ પત્યું. તેણે એ છોકરી વિશે એટલા બધા સવાલ કર્યા કે અમારું ડેટિંગ ડીબેટીંગમાં બદલાઈ ગયું. મેં કહ્યું કે હું તો મજાક કરતો હતો, એ મારી કઝીન છે, ગઈકાલે ઘરે આવી હતી ત્યારે મેં તેનો ફોટો પાડયો હતો. હવે એ માનવા જ તૈયાર નથી. તેણે કહ્યું કે, મારે તારી કઝીનને મળવું છે!

    યુવાને કહ્યું કે, આખો દિવસ જાણે વા”ચ રાખતી હોય તેમ ફોન અને એસએમએસ કર્યા રાખે છે. કયાં છે? શું કરે છે? નાહી લીધું? જમી લીધું? હું તેને સમજાવું કે, તું આવું ના કર. તો તેનો જવાબ હોય છે કે, ડેમ ઈટ, આઈ લવ યુ! મને તારી ચિંતા થાય છે! મને ખબર નથી પડતી કે આ છોકરીને કેમ સમજાવું કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું, પણ તું જે કંઈ કરે છે એ પ્રેમ નથી!

    આ જ રીતે શંકાશીલ છોકરાઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી. પ્રેમની સાથે પ્રેમ ગુમાવવાનો ભય આવે એ સ્વાભાવિક છે પણ ભયને તમારા પર એટલો બધો હાવી ન થવા દો કે પછી સંબંધમાં માત્ર ભય જ રહે અને પ્રેમ અલોપ થઈ જાય. માત્ર પ્રેમીઓને જ નહીં, આ વાત દરેક પતિ-પત્ની અને દરેક સંબંધમાં લાગુ પડે છે. શંકા અને આધિપત્ય હંમેશા પ્રેમને પાતળો બનાવે છે. એ વાત પણ એટલી જ સાચી છે કે પ્રેમ અને લાગણી માત્ર પ્રેમથી જ વ્યકત નથી થતાં. પ્રેમ કયારેક ગુસ્સો બની જાય છે, કયારેક ચિંતા અને કયારેક નારાજગી.

    આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે મને તેના પર એટલા માટે ગુસ્સો આવે છે કે મને તેના પર પ્રેમ છે. આપણે કયારેય વિચારીએ છીએ કે આપણે આપણો પ્રેમ કેવી રીતે વ્યકત કરીએ છીએ?

    પ્રેમને જેટલો મુકત રાખશો એટલો એ બંધનમાં રહેશે. પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. સંબંધોમાં જુઠ, અસત્ય અને ખોટું બોલવાની શરૂઆત શંકાથી થાય છે. પોતાની વ્યકિતને ખરાબ ન લાગે એ માટે માણસ ખોટું બોલવાનું શરૂ કરે છે અને પછી આ જુઠ એક આદત બની જાય છે. યાદ રાખો, જુઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત બહુ ઝડપથી કડડડભૂસ થઈ જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ પ્રેમને પવિત્ર રાખે છે. દરેક સંબંધમાં વિશ્વાસ એ પાયાની શરત છે.

    તમારું હશે તો એ તમારું જ રહેશે પણ એ કોઈનું ન થઈ જાય એવા જ ભયમાં રહેશો તો એ તો કદાચ તમારું જ રહેશે પણ તમે કયારેય તેના નહીં થઈ શકો. સંબંધોમાં સતત એ ચેક કરતું રહેવું પડે છે કે આપણો પ્રેમ ધીમે ધીમે ભય, ગુસ્સો, નારાજગી, ઉશ્કેરાટ કે શંકામાં તો પરિવર્તિત નથી થઈ રાો ને? આવું ફીલ થાય તો તરત જ બ્રેક મારજો, સંબંધોના અકસ્માત સહન ન થાય એવા જીવલેણ હોય છે!‘

    છેલ્લો સીન:

    ભૂલ કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે. – લોંગફેલો

    ***