ચિંતનની પળે
કૃષ્ણકાંત ઉનડકટ
1 - જીવવાનું માણસે પોતે જ શીખવું પડે છે
જીરવી લઇએ ઝેર જીવનનાં,
ચાલો રમીએ શંકર શંકર
-દિલહર સંઘવી
જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? માણસ જન્મે પછી ચાલતાં શીખે છે, બોલતાં શીખે છે પણ જીવતાં શીખે છે? જિંદગીની કોઇ કિતાબ હોતી નથી. દરેક માણસે પોતાની જિંદગીની કિતાબ પોતે જ લખવી પડે છે અને પોતે જ જિંદગી જીવતાં શીખવું પડે છે. તમને જિંદગી જીવતાં કોણે શીખવ્યું ? હા, જીવનની વાતો ઘણાં લોકોએ કરી હશે, પણ અંતે તો માણસ જિંદગી જીવવાનું પોતાની રીતે જ શીખે છે.આપણે બધાની વાતો સાંભળીએ છીએ પણ અંતે તો આપણને જે સાચું અને સારું લાગે એ જ કરીએ છીએ. મતલબ કે આપણી જિંદગીની દરેક વ્યાખ્યા આપણે જ ઘડીએ છીએ. સવાલ છે કે આપણે જે સાચું અને સારું માનીએ છીએ એ ખરેખર સાચું અને સારું છે ખરું ? જો આ પ્રશ્નનો જવાબ મળી જાય તો પછી જીવન અઘરું લાગતું નથી. માણસ પોતે જ પોતાના જીવનને અઘરું કે સહેલું બનાવે છે. માણસ પોતે ભારે થઇ જાય છે અને પછી કહે છે કે, હળવાશ લાગતી નથી. એક માણસ સાધુ પાસે ગયો. સાધુને કહ્યું કે, મારે જીવતાં શીખવું છે, મારે પોતાની જાતને ઓળખતાં શીખવું છે. સાધુએ કહ્યું કે, સમય આવ્યે હું તને જીવતાં શીખવીશ. અત્યારે તું જા. થોડા દિવસો પસાર થયા. એક દિવસ એ માણસને પત્ની સાથે ઝઘડો થયો. પોતાના રૂમમાં પતિ-પત્ની ખૂબ ઝઘડયાં. બંને એકદમ ગુસ્સામાં હતાં. એકબીજાનો વાંક કાઢતાં હતાં. ઝઘડો ઉગ્ર બનતો ગયો. બંને રૂમમાંથી ઝઘડતાં ઝઘડતાં બેઠક ખંડ સુધી આવી ગયાં. બેઠક ખંડમાં જોયું તો પેલા સાધુ સોફા ઉપર બેઠા હતા. ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. સાધુ ઘરે આવ્યા ત્યારે પતિ-પત્ની બાજુના રૂમમાં ઝઘડતાં હતાં. સાધુ શાંતિથી બેસી રહ્યાં. સાધુને જોઇને પતિ-પત્ની અચંબામાં મુકાઇ ગયાં. અરે મહારાજ તમે ! અમારે ઘરે પધાર્યા ! પતિ-પત્ની બંને સાધુને પગે લાગ્યાં. સાધુએ હસીને કહ્યું કે, અરે હમણાં તો તમે બંને ઝઘડતાં હતાં. અચાનક કેમ બંધ થઇ ગયાં ? ઝઘડો ચાલુ રાખો. હું તો હજુ બેઠો છું. મારે કંઇ કામ નથી. પતિ-પત્ની છોભીલાં પડી ગયાં. સાધુએ કહ્યું કે, કેવું છે ? પારકાને પ્રણામ અને પોતાના સાથે ઝઘડો ! સાધુએ યુવાનને કહ્યું કે, તારે તો જીવતાં શીખવું હતું ને ? તારે તો પોતાની જાતને ઓળખતાં શીખવું હતું ને ? તું તો તારી પત્નીને પણ પૂરી ઓળખતો નથી તો પછી તારી જાતને તો કયાંથી ઓળખી શકે ? સાધુએ કહ્યું કે, મારે અને તમારે આમ તો કંઇ સંબંધ નથી. હું તો પારકો છું. પોતાના સાથે તમે ઝઘડો છો અને પારકાંને પગે લાગો છો ! તમે એકબીજાની સાથોસાથ તમારી પોતાની જાત સાથે પણ ઝઘડો છો. હું માનું છું એ જ સાચું છે એવું મનાવવા માણસ મારામારી સુધી પહોંચી જાય છે. હું સાચો છું એ સાબિત કરવામાં માણસ શું સાચું છે એ જાણવાનું ભૂલી જાય છે. સાધુએ કહ્યું કે, જિંદગી બહુ જ સહેલી છે. આપણે જ તેને અઘરી બનાવી દઇએ છીએ. મને જોઇને ઘડીકમાં તમારા બંનેમાં કેવું પરિવર્તન આવી ગયું ? જીવતાં શીખવાની શરૂઆત બીજી વ્યકિતને સમજવાથી જ થાય છે. માણસ પોતાને હંમેશાં ડાહ્યો જ માને છે. માણસ પોતાની જાતનો ડાહ્યો માને તેમાં પણ કંઇ વાંધો નથી, પણ ડાહ્યા માણસને એ પણ સમજ હોવી જોઇએ કે દરેક માણસ ડાહ્યો ન હોઇ શકે. તમે જેની સાથે જીવો છો, જેની સાથે કામ કરો છો, એ માણસ કદાચ તમારા જેટલો ડાહ્યો ન પણ હોય. ડહાપણ ત્યાં જ છતું થાય છે કે તમે એ માણસ સાથે કેવી રીતે વર્તો છો ? ડાહ્યાની જેમ કે પછી એ માણસ જેવો છે તેની જેમ ? સામાન્ય માણસ સંબંધોની વાત કરે ત્યારે એવું કહે છે કે, આપણે તો જેવા સાથે તેવા. બહુ ઓછા માણસો એવું વિચારે છે કે હું તો દરેક સાથે હું છું એવો જ છું. જેવા સાથે તેવા થવામાં હોશિયારી નથી, તને જેવા છો એવા જ રહો એ જરૂરી છે. તમે સારા છો તો સારા જ રહો. ખરાબની સાથે ખરાબ થઇને તો તમે સૌથી પહેલાં તમારી જાત સાથે જ ખરાબ થાવ છો. જે માણસ બધાને સારો લાગતો હોય છે એ માણસ સૌથી પહેલાં તો પોતાની જાત સાથે સારો હોય છે. તમે તમારી જાત સાથે સારા નહીં હોવ તો બીજાને કયારેય સારા નહીં લાગો. માણસને સારા લાગવું હોય છે પણ સારા બનવું હોતું નથી. જે સારો બને તેને કયારેય સારા લાગવા માટે પ્રયત્નો કરવા પડતા નથી. હું સારો છું એ સાબિત કરવાના પ્રમાણ કે પરિમાણો આપવાં પડતાં નથી. આપણે ત્યારે એવો પ્રશ્ન નથી કરતા કે એ વાતની શું ખાતરી છે કે આ એકડો જ છે ! જે સાચું હોય છે તેની ખાતરીની કોઇ જરૂર જ હોતી નથી. આપણે માનીએ છીએ એ સાચું જ હોય એ જરૂરી નથી, જરૂરી એ છે કે જે સાચું છે તે આપણે માનીએ.
છેલ્લો સીન : ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો, કારણ કે નીચે આવતી વખતે એ જ લોકો તમને પાછા મળશે.- વિલ્સન મિજરન.
***