64 સમરહિલ - 43 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 43

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 43

રાત્રે સવા બાર વાગ્યે:

'વોટ નોનસેન્સ... તમને ઈન્સ્ટ્રક્શન ન મળી હોય એટલે મારે પેશન્ટને જોખમમાં મૂકવાનો?' લોબીના સામેના છેડે કોઈક ઊંચા અવાજે બોલતું હતું એ સાંભળીને બીએસએફના એક ચોકિયાતે અવાજની દિશામાં ગરદન લંબાવી.

ગળામાં બેપરવાઈથી સ્ટેથોસ્કોપ લટકાવીને એક ગોરી, જાજરમાન યુવતી દમામદાર અવાજે ફ્લોર સ્ટાફને ધમકાવતી હતી. કાંસાની ઘંટડી જેવો તેનો અવાજ ઉશ્કેરાટમાં ઊંચો થઈને છેક અહીં સુધી સંભળાતો હતો.

વ્હાઈટ એપ્રન, માંડ નિતંબ સુધી પહોંચતું ડાર્ક બ્રાઉન ચુસ્ત ટોપ, લાઈટ પીચ શેડના તંગ લેગ-ઈન્સમાંથી છલકાતો સાથળનો માંસલ હિલોળો, પગમાં પેન્સિલ હીલના વ્હાઈટ સેન્ડલ...

બેય ચોકિયાતે એકબીજાની સામે જોયું. એ બંને કંઈ નક્કી કરે એ પહેલાં તો એ તેમની જ દિશામાં આગળ વધી અને ફ્લોર સ્ટાફનો નાઈટશિફ્ટ મેલ નર્સ, એક બીજી છોકરી, એક કમ્પાઉન્ડર એમ આખો જમેલો તેની પાછળ દોરવાયો.

'બટ મેડમ, વી આર ઈન્સ્ટ્રક્ટેડ નોટ ટુ ડિસ્ટર્બ પેશન્ટ ટીલ ધ મોર્નિંગ રાઉન્ડ' ઝડપથી રૃઆબભેર ચાલતી એ યુવતીની લગોલગ થવા મથતો મેલ નર્સ તેને કહી રહ્યો હતો.

'તો?' અચાનક તે ઝાટકા સાથે થંભી ગઈ અને તેની સામે પેડ ધર્યું, 'આ રિપોર્ટ ખોટા છે? આમાં લખ્યું છે કે પેશન્ટને છાતી પર સિવિયર બર્ન ઈન્જરી છે.. એન્ડ હી ઈઝ ગિવન એસિક્લોફિનાક એનાલ્જેસિક.. ઝોલ્પિડેમ ટાર્ટાર એઝ સિડેટિવ... હાઉ સ્ટુપિડ ધ ડોક્ટર ઈઝ..'

'પણ મેડમ, ડોક્ટર પઠાણે જ એ દવા આપી છે.. એન્ડ એકોર્ડિંગ ટૂ હાયર ઓથોરિટી, અમારે કોઈને પણ સવાર સુધી તેની રૃમમાં એલાઉ કરવાના નથી' બંને નર્સને હજુ ય સમજાતું ન હતું કે પેશન્ટ જે રૃમમાં હોય એ ફ્લોર પર જ રહેતા તેના કેસ પેપર્સ આ લેડી ડોક્ટર નીચેથી કઈ રીતે લઈ આવી હશે? પણ તેઓ આ સવાલ કરે એ પહેલાં જ તેણે ઉપર આવીને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટનો ઓથોરિટી લેટર ધર્યો હતો અને ધમાલ મચાવી દીધી હતી.

'નોનસેન્સ...' તેણે તુચ્છકારથી હોઠ મરડયા, 'ડુ યુ નો, તેને છાતીમાં, બાવડા પર સ્ટિચિઝ લીધા છે. કાલે બપોરે સ્કિન ગ્રાફ્ટિંગ કરવાનું છે. એસિક્લોફિનાકથી તેને હેડકી ઉપડી શકે છે. સિડેટિવ્ઝથી વોમિટિંગ પણ થાય. એવું થાય તો બર્ન ઈન્જરી વધુ વકરે. કોણ લેશે તેની જવાબદારી? તમે? અ સ્ટુપિડ કેરિંગ સ્ટાફ?'

તેણે બંને નર્સની આંખમાં આંખ પરોવીને ધારદાર નજરે કહી દીધું, 'આઈ નો, ઈટ્સ અ પોલિસ કેસ એન્ડ નોબડી ઈઝ એલાઉ ટુ મીટ હીમ. બટ માઈન્ડ વેલ, ઈટ્સ ફોર સ્ટ્રેન્જર્સ, નોટ ફોર મી... અ ડોક્ટર'
'કા હુઆ?' સટાસટ ફેંકાતા અંગ્રેજીમાં ગોથા ખાતા બેય ચોકિયાતોને એટલું તો સમજાયું કે પોતે જેની ચોકી કરી રહ્યા છે એ જ પેશન્ટની વાત છે પણ એમાં સ્ટાફ અંદરઅંદર કેમ બાખડે છે એ તેમને સમજાતું ન હતું, 'કા મામલા હૈ?'

બંને જવાનો ચુસ્ત એપ્રન તળે ભીંસાતા તેના માંસલ, પુષ્ટ ઊભારનું હલનચલન અને ગોરી, લિસ્સી, મરોડદાર ગરદનની સ્નિગ્ધતાને હવસભરી નજરે જોઈ રહ્યા.

'ટેલ ધ ગાય્ઝ...' એ યુવતીએ બંનેની સામે જોવામાં ય જાણે નાનપ લાગતી હોય તેમ તિરસ્કારભેર નજર ફેરવીને સાથેની નર્સને રીતસર ઠોંસો મારી દીધો, 'આઈ એમ અ ડોક્ટર એન્ડ નીડ ટૂ ચેક ધ પેશન્ટ...'

કોઈની જાણે પરવા જ ન હોય તેમ તે દરવાજા ભણી આગળ વધી. નર્સ પેલાને ભાષાંતર કરીને સમજાવે એ પહેલાં તો તેનાં ઠસ્સાથી અંજાયેલા ચોકિયાતે પોતે જ દરવાજો ખોલી આપ્યો.

અંદર પ્રવેશીને ઘડીક તે ત્વરિતની સામે જોઈ રહી, પછી નજીક સરકીને તેના જડબાનો ઘાવ તપાસ્યો. ચાદર હટાવીને છાતી પર મૂર્તિ બાંધવાને લીધે પડેલા લંબચોરસ આકારના ડામને જોયો. ક્ષણાર્ધ માટે તેની આંખમાં ચમકારો આવ્યો અને ઓલવાઈ ગયો. પછી તેણે મોનિટર જોયું.

'આઈ ડોન્ટ બિલિવ... ડિજિટલનો આ જ વાંધો છે, ખોટકાય તોય ખબર ન પડે' મોનિટરના લાલ-લીલા ગ્રાફની ચડ-ઉતર જોતા રહીને તેણે ડોકું ધુણાવ્યું, 'સ્ફિગ્મોમેનોમીટર લાવ..'

'જી..' તેણે કહ્યું કે તરત મેલ નર્સ બહાર કાઉન્ટર પર પડેલું બીપી ઈન્સ્ટ્રુમેન્ટ લેવા દોડયો.

'મેડિસિન ચાર્ટ પ્લિઝ' ત્વરિત પરથી નજર હટાવ્યા વગર બીજી નર્સ સમક્ષ તેણે રૃઆબભેર હાથ ધર્યો. નર્સે ટેબલ પરથી પેડ લઈને તેને આપ્યું એટલે ઝીણવટપૂર્વક તેણે વિગતો વાંચી.

'વોટ રબ્બીશ...' નર્સની સામે સવાલિયા નજરે જોઈને તે તાડુકી, 'પેશન્ટને સ્પોન્જ નથી આપ્યું?'

'નો મે'મ, ઘા સાફ કરીને દવા લગાવી છે. એ પછી સ્પોન્જની કોઈ ઈન્સ્ટ્રક્શન નથી'

'માય ડિઅર, કેટલાં વરસથી પ્રોફેશનમાં છે તું? સ્કિન ગ્રાફ્ટિંગ કરતા પહેલાં દર ત્રણ-ચાર કલાકે એન્ટિસેપ્ટિક સ્પોન્જિંગ કરવું જ પડે' કંઈક હેબતાઈને, થોડાક અહોભાવથી જોઈ રહેલી નર્સને તેણે બાથરૃમ ભણી આંગળી ચિંધીને કહ્યું, 'પાણી લાવ અને દરવાજો બંધ કર...'

બેય ચોકિયાતોને બહાર ધકેલીને નર્સે રૃમનો દરવાજો બંધ કર્યો અને એ બાથરૃમમાં ગઈ એટલે ફટાફટ એ યુવતીએ એપ્રનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ત્વરિતના ત્રણ-ચાર એન્ગલથી ફોટા લઈ લીધા. મેડિસિન ચાર્ટ અને મોનિટરના ય બે ફોટા લઈને મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. નર્સ બહાર આવી ત્યાં સુધીમાં વીજળીની ત્વરાથી તે ફરી વળી અને પલંગની નીચે, સામેના ખાનામાં બધે જ નજર, હાથ ફંફોસી લીધા.

'ઓકે...' તેણે નર્સની સામે જોઈને પહેલીવાર હળવું સ્મિત વેર્યું, 'બીપી માપવાની જરૃર નથી લાગતી. ગ્રાફ સિમ્સ ઓકે. સવારે સ્પોન્જ કરીશ તોય ચાલશે' હાથમાં ડોલ પકડીને બહાર નીકળતી નર્સ અચરજભર્યા ડઘાયેલા ભાવે તેને જોઈ રહી અને તે દરવાજો ખોલીને ઠસ્સાદાર ચાલે બહાર નીકળી ગઈ.

બરાબર એક મિનિટ પછી :

સામેની ટેરેસ પર અડિંગો જમાવીને બેઠેલા ઝુઝારે બાથરૃમની લાઈટ થતી જોઈ એ સાથે તે ચોંક્યો હતો. પેશન્ટ જાતે તો ઊભા થવાની ત્રેવડમાં ન હતો અને સવારે ડોક્ટર રાઉન્ડ પર આવે ત્યાં સુધી બીજા કોઈને રૃમમાં જવાની પરમિશન ન હતી. તો બાથરૃમમાં કોણ ગયું હશે? સિક્યોરિટીવાળા જ સાલા બહારના કોમન ટોઈલેટને બદલે અંદર ગયા હોવા જોઈએ.

ગુસ્સાથી ધમધમતા દિમાગે તેણે ફોન જોડયો, 'પેશન્ટના રૃમમાં બાથરૃમની લાઈટ કેમ ચાલુ છે?'
'કહાં? અરે વો તો કોઈ મેમસા'બ ચેક અપ કરને આઈથી' સિક્યોરિટીવાળો જવાને તબિયતથી ખુરશીમાં રાંટા થઈને બેઠેલી હાલતમાં જવાબ વાળ્યો.

'અરે, કૌન મેમસા'બ? કિસ કો ચેક કરને આઈ થી?'

'જી તો કરતા હૈ કિ હમેં ભી ચેક કર લે...' લિફ્ટ ભણી જઈ રહેલી એ યુવતીના નિતંબના માદક હિંચકા સાથે આંખો ઝુલાવતા તેણે લોલુપ અવાજે કહ્યું, 'પર ઉસને તો સિર્ફ પેશન્ટ કો દેખા ઔર અબ જા રહી હૈ..'

'પેશન્ટ કી હાલત કુછ ખરાબ થી ક્યા?' ઝુઝારને હજુ ય તાયફો સમજાતો ન હતો.

'અરે વો તો ઘોડે બેચકર સો રહા હૈ'

'તો ફિર? ડોક્ટરે તો એવું ન્હોતું કહ્યું કે એ રાતે રાઉન્ડમાં આવશે...'

'હા, અહીંનો સ્ટાફ પણ ના જ પાડતો હતો પણ...' ઝુઝારના સવાલથી એ જવાન પણ થોડો એલર્ટ થયો. એટલી વારમાં એ યુવતી લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી, 'આ કોઈક બહારની ડોક્ટર હોય તેમ લાગ્યું..'
'એ ક્યાં છે?'

'વો જા રહી હૈ... લિફ્ટ તક પહોં...'

'રોક ઉસે...' ઝુઝારના દિમાગમાં શંકાની કડેડાટી બોલવા માંડી હતી, 'દુસરે આદમી કો રૃમ મેં ભેજ, મૈં આ રહા હું...'

'ઓય...' ઝુઝારનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ તેની શંકા પામી ગયેલા જવાને પેલી યુવતીને હાક મારી લીધી, 'ઓ મેડમજી...'

એ યુવતીએ એવા જ તુચ્છકારથી તેની સામે જોયું. તેની ઘેરી, કથ્થાઈ આંખોમાં તોફાન નાચતું હતું. તે કશું જ બોલ્યા વગર તેની સામે જોઈ રહી એટલે એ આદમીએ ફરીથી હાક મારી, 'રૃકિયે મેડમજી..' તે દોડતો તેની પાસે પહોંચ્યો.

એ છોકરીએ સ્વસ્થતાપૂર્વક લિફ્ટની જાળી ખોલી, ગળા ફરતું વિંટાળેલું સ્ટેથોસ્કોપ હાથમાં લીધું, 'ક્યા હૈ?' પૂછીને બે ડગલાં તેની તરફ આગળ વધી અને પેલો જવાન સાવ લગોલગ આવ્યો એટલે અચાનક વીજળીની ત્વરાથી ગોફણની માફક સ્ટેથોસ્કોપ વિંઝ્યું. જવાન કશું સમજે એ પહેલાં તેના જડબા પર બળકટ હાથના તમાચાની જેમ સ્ટેથોસ્કોપનો ડાયાફ્રામ ઠોકાયો.

ઘડી પહેલાં માદક વળાંકોના હિલોળાથી આંખોને હિંચકાવતી એ છોકરી અચાનક રણચંડી બની ગઈ હતી.

અણધારી વ્યક્તિ, અણધાર્યો સમય અને અણધાર્યા પ્રહારથી હેબતાયેલા જવાનના મોંમાંથી ઉંહકારો નીકળે એ પહેલાં તેની ગરદન પર બરાબર મર્મસ્થાને એ છોકરીએ અંગૂઠા અને તર્જની વડે એવી ભીંસ દીધી કે જવાનની આંખો ફાટી ગઈ અને સુમસામ લોબીના સન્નાટામાં તેની ચીસ ફરી વળી.
જવાને તેને પહેલી હાક મારી ત્યારે તેના કાન પર મોબાઈલ ચિપકેલો છોકરીએ જોયો હતો. મતલબ કે, કોઈકે ફોન કર્યો એટલે જ તેને લોલુપ નજરે તાકી રહેલો આ આદમી વહેમાયો હતો. હવે શક્ય છે કે ભોંયતળિયે અને લિફ્ટના દરેક ફ્લોરના પેસેજમાં ઘેરાવ થઈ ગયો હોય.

તેણે ત્વરાથી નિર્ણય લીધો. લિફ્ટની જાળી ખુલ્લી જ રાખીને કાઉન્ટર પાછળની બારીમાંથી બહાર ડોકિયું કર્યું. બીજા બ્લોકની પાળી લગભગ ચારેક ફૂટ છેટી હતી. એપ્રન ફગાવીને બારીના એલ્યુમિનિયમ સેક્શનમાં તેણે પગ ભરાવ્યો, ઊંડો શ્વાસ લીધો અને છલાંગ લગાવી દીધી.

પંદર મિનિટ પછી :

આખી હોસ્પિટલ ઉપરતળે થઈ રહી હતી. આર્મી હોસ્પિટલ હોવા છતાં અહીં સિવિલયન્સને ય એક અલાયદા ફ્લોર પર સારવાર મળતી હતી. એ ફ્લોરના તમામ લોકોની જડતી લેવાવા માંડી હતી. ઝુઝાર નીચે ભોંયતળિયે લિફ્ટની સામે ગન તાકીને ક્યાંય સુધી ઊભો રહ્યો પણ લિફ્ટનું ઈન્ડિકેટર ચસકતું ન હતું. પેલો આદમી ફોન રિસિવ કરતો ન હતો. છેવટે એ દાદર વાટે ઉપર ધસ્યો હતો અને લિફ્ટ સામે પટકાયેલા જવાનની કેફિયત સાંભળીને તેને પારાવાર અચંબો થતો હતો.

એક છોકરી... માંડ બાવીશ-ચોવીશની લાગતી એક છોકરી…

કેકવાના ધાબા પર પેકેટ આપીને સિફતપૂર્વક એ છટકી ગઈ. ખુબરાના જંગમાં લટકતી હાલતમાં બે થાંભલી વચ્ચેથી આબાદ નિશાન તાકીને તેણે પરિહારને વિંધી નાંખ્યો અને હવે અહીં હટ્ટાકટ્ટા, લશ્કરી તાલીમથી કેળવાયેલા જવાનને આમ આટલી આસાનીથી બઠ્ઠો પાડી દીધો..

એ છોકરી ઊંચાઈની પરવા કર્યા વગર, આટલા અંધારામાં બે બ્લોક વચ્ચેનો ચાર ફૂટનો ફાસલો કૂદી ગઈ હતી એ જાણ્યા પછી ઝુઝારનું શરીર તંગ થઈ ગયું હતું. ભલભલાં ખેપાનીઓ સાથે તેનો પનારો પડી ચૂક્યો હતો પણ હન્ટરના સટાકા જેવી આવી છોકરી કદી જોઈ ન હતી.

ત્વરિત સલામત હતો એટલા પૂરતો હાશકારો લઈને તેણે રાઘવને ફોન જોડયો.

એ વખતે હોસ્પિટલની બહાર રાતનું અંધારું ઓઢીને સુસ્તાયેલી સડક પર એનફિલ્ડ બુલેટનો આછકલો અવાજ પડઘાતો હતો…

ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..

(ક્રમશઃ)