64 સમરહિલ - 42

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 42

હોસ્પિટલમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે: ઝુઝારે કઢંગી રીતે આળસ મરડી અને પછી ઘડિયાળમાં જોયું.

દિવસ આખો તેના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું ન હતું. ત્વરિતનો કબજો મેળવ્યા પછી રાઘવ સતત પરિહાર સાથે ગુફતગુમાં વ્યસ્ત રહ્યો હતો પણ એ બધો વખત ઝુઝારે બીએસએફના આદમીઓ પાસે કરામત વાપરીને ખુબરાના જંગની વિગતો મેળવી લીધી હતી.

બર્બરતાની હદ પૂરી થાય અને સભ્યતાની હદ હજુ શરૃ થઈ ન હોય એવા ચંબલના સંધિસ્થાને જન્મેલા, ઉછરેલા અને પલોટાયેલા ઝુઝારને મન કેટલીક પૂર્વધારણાઓ બહુ જ સ્પષ્ટ હતી. તે  બહુ જ દૃઢતાપૂર્વક માનતો કે દુનિયામાં કોઈ માણસ સીધોસાદો ન હોઈ શકે. તેનો અનુભવ કહેતો હતો કે, દરેક માણસને બદમાશ બનવા માટે ફક્ત એક મોકો જ જોઈતો હોય છે.

રેગિસ્તાનમાંથી પકડાયેલો આ આદમી મૂર્તિશાસ્ત્રનો હોંશિયાર પ્રોફેસર હોવાનું રાઘવે તેને કહ્યું હતું અને તે આવા કબાડામાં કેમ પડયો તેનું તેને આશ્ચર્ય થતું હતું પરંતુ એવા કોઈ આશ્ચર્યનું ઝુઝારના માનસમાં સ્થાન ન હતું. માણસ માત્ર કબાડાને પાત્ર એવી સરળ ફિલસૂફીમાં માનતો ઝુઝાર રાઠોડી પંજાની બે ધોલ ઠોકીને તમામ આશ્ચર્યો ઓકાવી દેવાના મતનો હતો.

ખુબરાના જંગમાં આ માણસે કેવી રીતે ગન ચલાવી એ સમજ્યા પછી ઝુઝારે પોતાની રીતે તૈયાર કરેલા ખાનામાં તેને મૂકી દીધો હતો. રાઘવનું બધું સાયન્ટિફિક ઈન્વેસ્ટિગેશન થાકી જાય પછી હાથ અજમાવવા ઝુઝાર તત્પર હતો. તકલાદી, જર્જરિત અને બેહુદી મૂર્તિ ચોરવા માટે આટલું જોખમ ઊઠાવનારાઓમાં હવે તેને ય રસ પડયો હતો.

સાડા અગિયાર થવા આવ્યા હતા.

તેણે ગંદા અવાજ સાથે મોટેથી બગાસું ખાધું, ત્વરિતના રૃમની બહાર બેન્ચ પર બેઠેલા બીએસએફના ચોકિયાતો તરફ અકારણ સ્મિત વેર્યું અને ખાખી વેસ્ટકોટના અંદરના ખિસ્સામાંથી રમનું મિનિએચર કાઢીને એક શ્વાસે ગટગટાવી ગયો.

તેને કંટાળો આવતો હતો પણ આખી રાત જાગવાનું હતું. પરિહારના સેકન્ડ કમાન્ડે ત્વરિતના રૃમ બહાર બે ગનધારી આદમીઓ ગોઠવ્યા હતા પણ ઝુઝારને આવા કામ વખતે આખી દુનિયામાં એક જ માણસ પર સૌથી વધુ ભરોસો પડતો... ઝુઝારસિંઘ મલ્હાન પોતે.

ત્વરિતને રૃમ એલોટ થયો એ સાથે જ તેણે કમરાની ભૂગોળ ચેક કરી લીધી હતી. ત્રીજા માળે વચ્ચેની હરોળમાં આવેલો રૃમ બધી રીતે સેઈફ હતો પણ ટોઈલેટનું વેન્ટિલેશન પાછળની અગાસીમાં ખૂલતું હતું અને અગાસીનો દાદર વળી બીજા બ્લોકમાં નીકળતો હતો. ઝુઝારને એ પસંદ આવ્યું ન હતું. પોતે જો આ રીતે નજરકેદ હોય તો એ વેન્ટિલેશનવાળી જગાનો જ ફાયદો ઊઠાવે.

જોકે ત્વરિતની હાલત તેણે જોઈ હતી અને ડોક્ટરે પણ કહ્યું હતું કે તેને એટલી બધી નબળાઈ છે કે પોતાના પગ પર ઊભા થતા જ તેને ત્રણ-ચાર દિવસ લાગી જશે. ઝુઝારને જોકે માણસની શારીરિક નબળાઈ કરતાં દિમાગની બદમાશી પર પાક્કો ભરોસો રહેતો. પોતે જો આ હાલતમાં હોય તો હોશ આવે કે તરત ભાગવાનો જ વિચાર કરે અને એમાં ય જો તેના સાથીદારો તૈયાર હોય તો…

અચાનક જાણે દાંત વચ્ચે કાંકરી ચવાઈ ગઈ હોય તેવું લખલખું આવી ગયું અને તે સફાળો ઊભો થઈ ગયો. ત્વરિત બેહોશ છે, તેને નબળાઈ વર્તાય છે પરંતુ તેના સાથીદારો તો આવી શકે ને..? મનમાં વિચાર ઉદ્ભવ્યો તેની દસમી સેકન્ડે તો ત્રણ લાંઘમાં આખી લોબી વટાવીને તે દરવાજા પાસે પહોંચી ગયો હતો.

તેને લગભગ દોડતો આવેલો જોઈને ચોકિયાત પણ ખચકાયા હતા પણ એ બેયને બળપૂર્વક બાજુમાં હડસેલીને તેણે ધડામ કરતું બારણું ખોલ્યું અને ઊંડો શ્વાસ છોડી ત્યાં જ ખોડાઈ ગયો…

રૃમમાં મધ્યમ રોશની, એસીની આછી ઘરઘરાટી વચ્ચે લહેરાતી શીતળ હવા, સ્ટેન્ડ પર લટકતા બાટલામાંથી ટીપે-ટીપે સરકતું ઘેરા ગુલાબી રંગનું પ્રવાહી અને પાતળી ટયુબ વાટે બટરફ્લાય સાથે જોડાયેલો ત્વરિતનો હાથ…

તે ગાઢ નિદ્રામાં હતો કે પછી દવાના ઘેન તળે હતો. તેની આંખો અધખુલ્લી હતી. કપાળ પર તેના વાંકડિયા ઝુલ્ફા છેક નેણ સુધી વેરવિખેર પથરાયેલા હતા. જડબાની સૂજનને લીધે તેનો ગોરો ચહેરો થોડો માંસલ અને મોટો લાગતો હતો.

ઝુઝાર એકીટશે તેને જોઈ રહ્યો. ના, આ આદમી કમ સે કમ આજની રાત તો આંખ સુધ્ધાં ખોલી શકે તેમ નથી. ઘડીક હાશકારો અનુભવીને તેણે બાથરૃમનો દરવાજો ખોલ્યો. વેન્ટિલેશનના કાચ ખેંચી જોયા. આ રીતે તો નાજૂક બાંધાનો કોઈ માણસ આસાનીથી અંદર પ્રવેશી શકે. ઘડીક તે વેન્ટિલેશન સામે જોતો રહ્યો, ઘડીક કાચની ત્રાંસી ફાંટમાંથી દેખાતી સામેની ટેરેસને જોતો રહ્યો તો ઘડીક ત્વરિતને…

અચાનક તેના ચહેરા પર નિર્ણયાત્મકતા તરી આવી.

'તુમ દોનો યહીં પર બૈઠો...' બહાર આવીને તેણે બંને ચોકિયાતોને કહ્યું, 'મૈં સામને વાલી ટેરેસ પર બૈઠતા હું...' વેન્ટિલેટર મારફતે ત્વરિતનો કોઈક સાથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા ધારે તો તેણે ટેરેસ પર તો આવવું જ પડે એમ વિચારીને તેણે ટેરેસ પર જ બેઠક જમાવવાનું નક્કી કર્યું. મોબાઈલ નંબરની આપ-લે કરીને તેણે બંને ચોકિયાતોને સતર્ક રહેવા જણાવ્યું અને એક ગાર્ડન ચેર ઊઠાવીને દાદર ઉતરી ગયો.

એ તેની ભૂલ હતી.

ખરેખર તો તેણે ત્યાં જ, રૂમની બહાર જ બેસવા જેવું હતું.

(ક્રમશઃ)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sanjay Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

yogesh jivrani 4 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 4 અઠવાડિયા પહેલા

Verified icon

Kaushik Kahar 1 માસ પહેલા

Verified icon

nimesh dhruve 2 માસ પહેલા