પ્રેમની પેલે પાર... - સફર... Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પેલે પાર... - સફર...

અત્યાર સુધીનો પ્રેમની પેલે પારનો સફર અમારા શબ્દોમાં અહીં મૂકીએ છીએ.

ना उम्र की सीमा हो, न जन्मो का हो बंधन,
रिश्ता जुड़े कोई तो देखे केवल मन ।।

ખરેખર ચરિતાર્થ થતી પંક્તિઓ બનાવી છે અમારા માટે,
હું, જીગરી(શેફાલી શાહ) ને સખી(રવિના વાઘેલા) ત્રણેય એક જ. ત્રિપુટી, ત્રિદેવી, જે કહો એ. ઓનલાઈન સંબંધો આમ બહુ તકલાદી હોય છે. હું પણ એવું જ માનતી હતી. પણ આ વિચિત્ર માયાઓએ મને ખોટી સાબિત કરી નાખી. એક મજબૂત મિત્રતાનો ગઢ ચણીને.

ઓનલાઈન અમે મળ્યા. શબ્દો કાવ્યોની આપ લે થઈ, લખવાના શોખે એકબીજાની નજીક લાવ્યા. પછી તો રોજ ગ્રુપમાં વાતો ને એમાંથી વિચાર આવ્યો "પ્રેમની પેલે પાર" લખવાનો... આમ તો મારી ઈચ્છા હતી કે હું કોઈ જોડે મળીને કઈ લખું ને જીગરી, સખીએ સમર્થન આપ્યું. ને ચાલુ થયું એક વાર્તાનું નિર્માણ.

પ્લોટ થોડો વિચારેલો હતો, ને આ બંનેની લેખનકળાએ ચાર ચાંદ લગાવી દીધા. ને વાર્તા લખતા લખતા અમે એને જીવી છે. પાત્રો સાથે અમે પણ હસ્યાં છીએ, ઉદાસ થયા છીએ, અસમંજસમાં પણ પડ્યા છીએ, ને રડમસ પણ બન્યા છીએ. અંત લખવા સમયે તો ખરેખર કોઈના મૃત્યુ જેવો જ ભાવ અનુભવ્યો.

લોહીના સંબંધોમાં પણ મતભેદો હોય છે, દલીલો હોય છે, ને સ્ત્રીઓ માટે કહેવાય છે કે ઈર્ષા એની પ્રકૃતિમાં છે, જો કે ખાલી કહેવાય છે હકીકતમાં એવું છે નહીં. ને એનું ઉદાહરણ અમારી મિત્રતા છે. અમને ક્યારેય કોઈના શબ્દો માટે ઈર્ષા નથી આવી. ઉલટાનું કોઈએ લખ્યું હોય તો એના શબ્દોમાં પોતાપણું લાગ્યું છે. કે એણે લખ્યું એના પર વગર કહ્યે મારો અધિકાર.

સાચું કહું તો બહુ જ આહલાદક અનુભવ રહ્યો. મારાથી બિલકુલ ભિન્ન વ્યક્તિત્વ ધરાવતી જીગરી ને સખી સાથે આવો સમન્વય ફરી થાય એવું હું ઇચ્છીશ. બંને મારા કાળજાના ટુકડા છે. ખૂબ ખૂબ આભાર બંને નો કે તમે પ્રેમને પેલે પાર મતલબ મને સમજાવ્યો......

- હિના દાસા

વાર્તા .. નવલકથા.. આ વિષય પર સાચું કહું તો મને વધુ અનુભવ પણ નહીં. સહિયારું લેખન.. આવા શબ્દો પર બહુ જલ્દી વિશ્વાસ પણ નહીં. પણ મિત્રોની બાબત માં પહેલેથી નસીબદાર.. એટલે વિચાર્યું કે ચલો કઈક કરીએ. બે અનુભવીઓ જોડે કામ કરીશ તો કદાચ બીજું કંઈ નહીં તો લખાણ સુધરશે. જાણવા ને શીખવા મળશે.

બસ આ રીતે વાર્તાના લખાણ માં હામી ભરી.. લખવાની શરૂઆત કરી. ધીરે ધીરે મારા માટે પણ બહુ સરળ થઈ ગયું. ગમવા લાગ્યું. બસ પછી તો રસ વધવા લાગ્યો. મગજ માં રોજ નવા નવા વિચારો આવવા લાગ્યા. થોડા ટ્વિસ્ટ ઉમેરતા. થોડા પાત્રો. તમારા બધાના પ્રતિભાવ વાંચવા મળતા. લાગ્યું કે વાંચકો પણ ખુશ છે વાર્તા થી એટલે વધુ સારું લખવાની ઈચ્છા થતી.

સારી સારી વાર્તાઓ મેં વાંચી છે. અનુભવી લેખકો એમના પાત્રો.. વાંચી ને એમ થાય જાણે આ વ્યક્તિ આપણી નજર સામે છે. એની લાગણીઓ મહેસુસ થવા લાગે. વાંચક તરીકે ઘણીવાર પાત્રો માં ડૂબી ગઈ છું.આવું મારી સાથે અહીં લેખક તરીકે થયું. આ વાર્તા લખતા લખતા પણ હું પાત્રો માં ઘણી વાર ડૂબી. સૌમ્યાની વ્યથા આંખમાં આંસુનું કારણ બની, ક્યારેક આકાંક્ષાનું દુઃખ ફિલ થયું ક્યારેક પ્રથમનો ત્યાગ તો ક્યારેક અભીની લાગણી.

ઘણા ને એમ પણ થયું કે ત્રણ જણ મળીને કઈ રીતે લખતા હશે? એક એક ભાગ અલગ અલગ વ્યક્તિ લખતી હશે કે કઈ રીતે! તો અમે ત્રેનેય રૂબરૂ કદી મળ્યા નથી એટલે અમે મેસેજ વડે જ આખી સ્ટોરી લખી છે. ને કોઈ પણ ભાગ હોય એમાં અમે 3 મળીને જ લખતા. ભાગ માં શુ ઉમેરવું એ નક્કી કરી કોણ શુ લખશે એ નક્કી થતું. કોઈ પણ ભાગ હોય એમાં અમારા ત્રણેયનું લખાણ રહેતું.

એ વાત પણ અહીં અગત્યની હું ઉમેરીશ કે અમારા ત્રનેયની લખવાની રીત સાવ અલગ છે. એટલે અમારા માટે એકબીજા ના લખાણ ને મેળ પાડી ને લખવુ ને સાથે સાથે પોતાના લખવાની રીત પણ ન બદલવી પડે એ બધું ધ્યાન માં રાખી ને લખવું એ કદાચ અમારું main કામ હતું.

બસ, આ વાર્તા સાથે અમે અમારી દોસ્તી માણી. ઉંમર ના આટલા તફાવત વચ્ચે અમે એક અત્યારની વ્યક્તિને પ્રેમ સમજાવી શકે એવી પ્રેમ કહાની લખી એજ અમારા માટે સંતોષની વાત છે. કેટલાય વાદ વિવાદ, સમયની મારામારી, શબ્દોની રમત, અલગ અલગ સ્વભાવ, અલગ અલગ લખાણ તેમ છતાં આ બધું ઢંકાઈ જાય એવી લાગણીઓ થી છલોછલ ભાગ.. દર અઠવાડિએ ઝાઝો નહિ પણ 15 મિનિટ જેવો તમારો સમય લઈ એને ખરેખર ન્યાય આપવાનો અમે પ્રયત્ન કર્યો એ વાતની અમને ખુશી છે. ને એથીય વધુ એ વાત ની ખુશી થઈ કે તમે નવા લેખકો પણ વિશ્વાસ રાખ્યો ને આટલો પ્રેમ આપ્યો.

- રવિના વાઘેલા

રવિના, હિના અને હું ત્રણ અલગ અલગ ઉંમર અને વ્યક્તિત્વના ધારક... માતૃભારતી એપ ના માધ્યમથી અમે એકબીજાને મળ્યા અને નંબર શેર થયા. અને અમારું એક ગ્રુપ બન્યું જેની ઉપર અલક મલકની વાતો થતી અને હા આખા ગામની પંચાત પણ... એક દિવસ આમજ વાત વાતમાં ભેગા મળીને વાર્તા લખવાનો વિચાર વહેતો મુકાયો અને પરિણામ સ્વરૂપ 'પ્રેમની પેલે પાર ' ના મંડાણ થયા. લખવાનું નક્કી કર્યું ને અઠવાડિયામાં જ પહેલો ભાગ લઈને તમારી સમક્ષ હાજર.

પોસ્ટરથી માંડીને સ્ટોરી બધું જ અમે વોટ્સઅપના અમારા ગ્રુપમાં ડિસ્કસ કરતા અને હા જોડે જોડે વાતો તો ચાલતી જ રહેતી. એક વાર ડિસ્કસ થઈ જાય પછી ક્રમ પ્રમાણે ને સમય પ્રમાણે બધા એના ભાગનું લખી ને મૂકી દે. પણ એવામાં એક તકલીફ પડી... ગ્રુપમાં એટલે બધા મેસેજ હોય ને કે સ્ટોરી નો ભાગ શોધતા શોધતા આંખે રીતસરના અંધારા આવી જાય ને પછી એક બીજા ગ્રુપની જરૂરિયાત લાગી જેમાં ખાલી સ્ટોરીના ફાઇનલ પાર્ટ હોય. આમ જ્યારે આખો પાર્ટ લખાઈ જાય ત્યારે અમારા એડિટર એટલેકે જીગરી બેન(રવિના) એમની કાતર ફેરવે ને એક ભાગ તૈયાર થાય.

વાર્તા ખાસો લાંબો સમય ચાલી પણ અમારા ત્રણેનો પ્રયત્ન રહ્યો છે કે એને પૂરતો સમય આપવો અને બેસ્ટ આપવું. અને જેમાં અમે પૂર્ણ રીતે સફળ રહ્યા છીએ. ત્રણ જણ હોવાનો એક સૌથી મોટો ફાયદો એ રહેતો કે અલગ અલગ આઈડિયા મળતા જેના લીધે લેખન શૈલીમાં પણ ખૂબ જ ફરક પડતો. હા એ વાત જુદી છે કે ક્રિએટિવ મતભેદ થતાં પણ મનભેદ તો ક્યારેય નહીં અને એના લીધે જ વાર્તાની પકડ વધારે મજબૂત બની. ઘણા બધા અમને પ્રશ્નો કરતા કે કઈ રીતે તમે બધું મેનેજ કર્યું તો આમાંથી એના જવાબ મળી રહેશે. આ હતી પ્રેમની પેલે પાર વાર્તાની વાત હવે હું મારા થોડા અંગત અનુભવ..

ખૂબ જ સરસ સમય ગાળ્યો અમે.. અમે એટલેકે હું, હિના, રવિના ને પ્રેમની પેલે પાર.. વાર્તા લખતા લખતા જાણે અમે પણ એને જીવી ગયા. દરેક પાત્રને અમે અમારી અંદર ઉતાર્યું, એની જોડે હસ્યા ને જોડે એના દર્દને પણ અનુભવ્યું. છેલ્લા છેલ્લા ભાગ લખતા તો જાણે રીતસરનો ભાર ઉતરી આવતો હૃદય પર..!

દરેક સર્જક પોતાની વાર્તાના પાત્રના પ્રેમમાં પડતો હશે. કોઈ પાત્ર એવું હશે જે એના દિલમાં રાજ કરતું હશે અને મારા માટે એ પાત્ર હતું, આકાંક્ષા... એક દમ જીવંત અને અલગ વ્યક્તિત્વ.

છેલ્લે ' પ્રેમની પેલે પાર ' ના ખરા શુભેચ્છક એટલે વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર કે જેમણે અમને લખવા માટે સતત ઉત્સાહિત કર્યા.

Without you we r nothing... Thank you so much ?

આ સાથેજ આ અધ્યાય અહીંયા પૂરો થાય છે.

જય જિનેન્દ્ર
શેફાલી શાહ