Premni pele paar - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... - ભાગ - ૪

ભાગ ૪

આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક એક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરીના હાસ્ય તરફ ખેંચાય છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ એનું નામ આકાંક્ષા છે એવું એને સંભળાય છે.હવે આગળ...

**********

ખંખેરી સૌ વિચાર હાલ મન હળવા થઈએ,
કુદરતને ખોળે બેસી મોજ મસ્તી કરી લઈએ,
જેટની સ્પીડથી ચાલે છે આ જિંદગી,
હાલ એને થોડી બ્રેક મારી ફરવા નીકળી જઈએ.. 

"એક વાત બોલ તો તારું ધ્યાન કોના તરફ હતું! પેલી છોકરીને જોતો હતો ને?", વેદ હસતા હસતા અભીના કાનમાં જઈ બોલ્યો.

"ના યાર.. કઈ પણ! હવેનો પ્રોગ્રામ શુ છે એ કહો. મને ભૂખ લાગી છે, આ લોકો ની શોપિંગ પતી કે નહીં!" , અભી જાણે કઈ થયું જ નથી એમ વાતને બીજે પાટે ચડાવતા બોલ્યો. 

બધા કારમાં ગોઠવાયા. ઠંડો વાયરો વાતો હતો ને અભિનું મન પણ ચકડોળે ચડ્યું હતું. એક તરફ અજાણ્યો ચહેરો ને એક તરફ એની ભોળી સોમી. કઈ કેટલુંય એણે વિચારી લીધું. 

"આ બધા મિત્રો મારા માટે કેટલા મહત્વના છે! ને આજે પહેલી વખત સોમીને બરાબર જોઈ, બાકી તો અલપઝલપ જ જોઈ હશે, ખરેખર સુંદર છે એતો માનવું પડે.બાકી મારા માટે તો મારી ખાસ મિત્ર.", જાણે મિત્રતા પર મહોર લગાડતો હોય એમ હલકું સ્મિત એના ચહેરા પર આવી ગયું. એણે બધા વિચારોને જાકારો આપી દીધો, ને ફરી કુદરતને માણવા લાગ્યો. ત્યાં બંગલો આવી ગયો.

બંગલા પર જઈને બધાએ લંચ કર્યું. ને સાંજે સનસેટ પોઇન્ટ જવાનું વિચાર્યું. ત્યાં જઈ સારો એવો સમય ફોટો સેશન પણ કરી શકાય એટલે ગર્લ્સ બહુ ઉત્સુક હતી. 

વહેલી સાંજે બધા રેડી થઈ કારમાં બેસી સનસેટ પોઇન્ટ પહોંચે છે.આમતો ઉગતો સૂર્ય ચઢતી બતાવે છે પણ ક્યારેક આથમતા સૂર્યના સૌંદર્યને જોઈએ તો સમજાય કે દરેક સ્થિતિની પોતાની સુંદરતા છે. જેની સરખામણી કદી શક્ય જ નથી. સનસેટ પોઈન્ટ પર સૂર્ય અસ્તનો નજારો બધા માણી રહ્યા હતા, સાથે સાથે ફોટો સેશન પણ ચાલી રહ્યું હતું. બધા બહુ ખુશ હતા. 

"ફ્રેન્ડ્સ! આઈ થિંક હવે આપણે પાછા જવું જોઈએ.", સ્વપ્નિલએ થોડું અંધારું થતા જોઈ કહ્યું.

"યાર સ્વપ્નિલ! આપણે ફરવા આવ્યા છીએ. થોડું લેટ તો ચાલે ... આમ પણ બંગલે પાછા જઈ ને સુઈ જ જવાનું ને!" , વેદે અહીં વધુ રોકાવાની ઈચ્છા બતાવી.

"મને પણ લાગે હવે આપણે રીટર્ન થવું જોઈએ ને હા વેદ, ત્યાં જઈને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે..", અભી બોલ્યો.

આ સાંભળી બધાએ બંગલા પર પાછા જવાની તૈયારી બતાવી. સાથે સાથે બધા આખા રસ્તામાં વિચારવા લાગ્યા કે સરપ્રાઈઝ શુ હશે?

બંગલે જઈ બધાએ ડિનર પતાવ્યું ને અભિએ સર્વન્ટને કહીને કેમ્પ ફાયરની વ્યવસ્થા કરાવી એટલે બધા એની આજુબાજુ ગોઠવાઈ ગયા.

મહેક સૌમ્યાની બાજુમાં બેસતા બોલી, "ઓહો અભી..! આ બધું તેં ક્યારે પ્લાન કર્યું..?
"તમે લોકો જ્યારે તૈયાર થવામાં હદથી વધારે ટાઈમ લેતા હતા ને ત્યારેજ.." અભી બોલ્યો.
સૌમ્યાને એક દમ જાડા જેકેટમા જોઈ વેદ તરતજ મજાકના સુરમાં બોલ્યો, "સોમી તને એટલી બધી ઠંડી લાગે છે કે તું આમ રજાઈ પહેરીને આવી ગઈ..!?
અને બધામાં હસાહસ થઈ ગઈ. પછી તો જાણે અવિરત વાતોનો દોર ચાલ્યો. જાન્યુઆરી મહિનાની ઠંડીની સાથે પાંચેય મિત્રોની દોસ્તી પણ જામતી જતી હતી. એટલામાં અભીએ મનગમતા ગીત ગાવાનો વિચાર રજૂ કર્યો જે બધાએ સહર્ષ વધાવી લીધો.

અતિઉત્સાહી વેદે પહેલા ગાવાનું બીડું ઝડપ્યું અને 'રોક ઓન'નું ટાઇટલ સોંગ ગાઈને વાતાવરણમાં જોશ ભરી દિધો. પછી ધાર્યા મુજબ મહેકે કરીના કપૂરનું હિટ અને ટોપ ટેન માં જ રહેતું સોંગ 'છલિયા છલીયા' ગાયું  અને પછી એણે સૌમ્યાને ગાવાનું કીધું પણ સૌમ્યા એ હું છેલ્લે ગાઈશ એમ કહીને વાત ટાળી દીધી. એટલે અભીએ બરકત વિરાણી ' બેફામ ' સાહેબનું 'નયનને બંધ રાખીને' એના ઘૂંટાયેલા આવાજમાં ગાઈને એક અલગ જ સમા બાંધી દીધો. 

ગીત ચાલતું હતુંને મહેક અને વેદ એકબીજાને કંઇક ઈશારા કરી રહ્યા હતા જે સ્વપ્નિલના ધ્યાનમાં હતું એટલે જેવું ગીત પત્યું એવું એણે પૂછ્યું, " શેના ઈશારા ચાલતા હતા તમારે બે ને..??" 
વેદ કહે, " એ તો કંઈ નઈ, આ ગીત અભીએ કોના માટે ગાયું એ..."
સૌમ્યા તરતજ બોલી ઉઠી, " કોના માટે..? મને પણ કહો..." આ સાંભળીને મહેક જોર જોર થી હસવા લાગી અને બોલી, " ઓહો...જો ને કેવી ભોળી બને છે..! જાણે કંઈ ખબર જ ના હોય..!?" અભીના ખ્યાલમાં તરતજ વાત આવી ગઈ એટલે એ બોલ્યો, "એવું કંઈ જ નથી હો. હું અને સૌમ્યા બેસ્ટ ફ્રેન્ડ જ છીએ." સૌમ્યાનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું અને એ કઈ બોલવા જાય એ પહેલાં અત્યાર સુધી ચૂપચાપ બેઠેલો સ્વપ્નિલ વાત વધતી અટકાવવાના ઇરાદાથી બોલ્યો હવે મારો વારો. 

સ્વપ્નિલે ધીમા પણ મધુર અવાજે 'યારાના ' મૂવીનું 'તેરે જેસા યાર કહાઁ' ચાલુ કર્યું અને એ સાથે જ બધા ગીતના શબ્દોમાં ખોવાઈ ગયા. જેવું ગીત પત્યું બધાનો એક જ સૂર નીકળ્યો કે કઈ પણ થાય આપણી આ મિત્રતામાં કોઈ જ ફેર નહીં આવે. વાતાવરણમાં થોડો ભાર વર્તાઈ રહ્યો હતો અને એને હળવું કરવા વેદે યાદ કરાવ્યું કે સૌમ્યાનું ગીત હજી બાકી છે. સૌમ્યાને શરમ આવતી હતી ગાવાની એટલે એ ના પાડતી હતી પણ મહેક થોડી એમ કઈ જવા દેવાની હતી. એણે સૌમ્યાને ખાલી બે લાઈન ગાવા માટે રાજી કરી દીધી અને સૌમ્યાએ એના સુરીલા અવાજમાં 'રબ ને બના દી જોડી'નું 'તુજ મેં રબ દિખતા હૈ' ગાઈને બધાને સંમોહિત કરી દીધા.

વાતાવરણમાં ઠાર ખૂબ જ વધી ગયો હતો અને મોડું પણ ઘણું થઈ ગયું હતું એટલે હવે મહેફિલ પતાવીને બધા પોતપોતાના રૂમમાં આરામ કરવા ગયા.

ખુશનુમા ને આહલાદક સવાર જાણે વહેલી થઈ ગઈ. ઉતાવળા સ્વપ્નિલે બધાને ઉઠાડ્યા. ને આમ પણ આજનો દિવસ તો ખરા અર્થમાં ફરવાનો દિવસ હતો. તૈયાર થઈ, સવારનો નાસ્તો કરી સર્વન્ટને જણાવી દીધું કે આજે જમવાનું ના બનાવે અને પછી બધા કાર માં ગોઠવાયા. 

આજે પહેલા ગુરુશીખર જવાનું હતું. કાર જાણે હવામાં ઊડતી હોય એમ આડાઅવળા રસ્તા પર સરકવા લાગી. ગુલાબી ઠંડીમાં બધા ગુરુશીખરની ટોચ પર પહોંચ્યા. ટોચ ઉપર પહોંચીને બધા નીચેનું સૌંદર્યને મૌન થઈને પી રહયા હતા.ત્યારબાદ ફોટો સેશન પણ જોર માં ચાલ્યું. હવે સ્વપ્નિલને ચટપટી થવા લાગી એટલે એણે યાદ દેવડાવ્યું કે હજુ ઘણું જોવાનું બાકી છે. અભીએ ઘંટ વગાડી વાતાવરણ હળવું કર્યું. 

હવે છેક બધાને અહેસાસ થયો કે ભૂખ કકડીને લાગી છે. એક સરસ હોટલમા બધાએ લંચ પૂરું કર્યું. લંચ પતાવી ફરી દેલવાડાના દેરા તરફ ડ્રાઈવરે ગાડી હંકારી. મજાક મસ્તી તો આખા રસ્તે ચાલુ જ હતા. 

દેલવાડાની અદ્ભૂત કારીગરી જોઈને બધાની આંખો પહોળી થઇ ગઇ. ઝીણી ઝીણી કારીગરી જોઈ જૂની સંસ્કૃતિ પર માન થઈ આવ્યું. ત્યાંથી હવે બધા નખી લેક પર બોટિંગ કરવા નીકળી પડ્યા. બોટિંગ પૂર્ણ કરી બધા ડિનર લઈ બંગલો પર જવાનું વિચાર્યું, ત્યાં અભિને યાદ આવ્યું કે અહીંની ફેમસ રબડી તો ટેસ્ટ કરવી પડે ને યારો, એટલે બધા સહમત થયા, ડિનર પતાવી રબડી ખાઈ બંગલો પર પાછા ફર્યા. બધા પોતાના રૂમ માં જઈ સુઈ ગયા.

રવિવારે કયાંક ફરવા જવાને બદલે બધાનો આરામ કરવાનો પ્લાન હતો. બધા શાંતિ થી ઉઠી, બપોરે આબુ થી અમદાવાદ જવા નીકળે છે.

કારમાં બેસતા જ ફરી એક વખત અભીનું મન વિચારોની સફરે ચડ્યું. એના જીવનના ખાસ દિવસોમાં આ આબુનો પ્રવાસ પણ ઉમેરાઈ ગયો હતો. કોણ જાણે કેમ હજુ પણ પેલું નામ એના વિચારોમાં ફરી રહ્યું હતું. એ ચહેરો ભલે જેમતેમ જ જોયો હતો પણ ભૂલી જ નહતો શકતો..!! એ અવાજની ખનક હજુ કાન માં રણકતી હતી. અભી આબુમાં મન ભરીને જીવી તો આવ્યો પણ કંઈક બાકી રહ્યું હોય એમ લાગતું હતું..!! આ બધા વિચારોમાં એને ક્યાં ઝોકું આવી ગયું ખબર જ ના રહી ને જેવી નજર ઉઘડી ને તેઓ અમદાવાદમાં હતા.

અમદાવાદ આવીને બધા પાછા એ જ પોતપોતાની જિંદગીમાં ગોઠવાઈ ગયા. વાઇવા, એક્ઝામ, પ્રેકટીકલ, સબમિશન અને હા વચ્ચે વચ્ચે હોટેલ, મૂવી અને કેન્ટીન લાઇફ તો ખરીજ..!! આમ ને આમ છ મહિના ક્યાં પસાર થઈ ગયા કઈ ખબર જ ના પડી.

એવામાં એક દિવસ જ્યારે અભી ડિપાર્ટમેન્ટમાં એન્ટર થયો ત્યારે કોરીડોરમાંથી એને કોઈ છોકરીના હસવાનો અવાજ સંભળાયો. એ તરત જ અવાજની દિશામાં દોડ્યો પણ એ અવાજ H.O.Dની ઑફિસમાં દાખલ થઈ ગયો હતો એટલે અભી એનો ચહેરો ના જોઈ શક્યો.એના મનમાં આબુની યાદ તાજા થઈ ગઈ. જાણે ફરી આબુની એજ ક્ષણ જીવતો હોય એમ .. એજ હાસ્ય ને એજ ના જોયાનો અફસોસ...!

હું જીવીને આવ્યો કે કંઈક મૂકીને આવ્યો!
લાગે છે એ છબી આંખોમાં લઈને આવ્યો!
કેમ આવું થતું હશે મને શી ખબર?
લાગે જુવાનીમાં એક કદમ મૂકીને આવ્યો!

©હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED