આગળના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા અભીના ક્લાસમાં ન્યુ સ્ટુડન્ટ તરીકે આવે છે. આ તરફ ગેમમાં સ્વપ્નિલનું એક્સિડન્ટ થતા એ આવી શકે એમ ન હતો. અભી આકાંક્ષાને એની ગેમ પાર્ટનર બનવા પૂછે છે.હવે આગળ..
*****
અટકળોને મળે વિરામ જો એ હા કહે,
વિચારોને મળે આરામ જો એ હા કહે,
નિયતિ કેવી ગોઠવણ કરતી હશે શી ખબર,
મહેનતને મળે પરિણામ જો એ હા કહે...!
"ગેમ પાર્ટનર !? કઈ ગેમમાં !?, આકાંક્ષાએ પૂછ્યું.
અભીએ આખી વાત આકાંક્ષાને કહી કે ગેમ શું છે અને કેવી કેવી તૈયારી એણે અને સ્વપ્નિલે કરી હતી અને એ પણ જણાવ્યું કે સમય બહુ ઓછો છે બે વાગે ગેમ શરૂ થઈ જશે.
"ઓહ.. "ઇલેક્ટ્રો હન્ટ"..!? વૉવ..", આકાંક્ષાએ ઉત્સાહિત સ્વરે કહ્યુ. ત્યારે એની આંખોમાં બે પળ માટે એક ચમક આવીને ગાયબ થઈ ગઈ હતી જે અભી એ તરતજ માર્ક કર્યું.
"હા, અલગ અલગ સર્કિટ સોલ્વ કરવા આપશે જે ટીમ સૌથી વધારે ને ઓછા સમયમાં સોલ્વ કરી દેશે તે વિનર. મેં અને સ્વપ્નિલે પુરી તૈયારી કરી હતી પણ આ બનાવ બન્યો એટલે હવે એક પાર્ટનરની જરૂર છે." અભીએ એની એજ વાત રીપિટ કરી.
"ઓહ...ઓકે... પણ મને તૈયારી વિના થોડું અઘરું પડે." આકાંક્ષાએ એના મનની વાત રજૂ કરતાં કહ્યું.
"હમમ...", અભી સ્વગત બોલ્યો અને પછી ઉમેર્યું કે, "તમને આટલો બધો રસ છે અને તમે એને લગતી બૂક પણ વાંચો છો તો બહુ વાંધો નહીં આવે. આપણે મળીને કરી લઈશું."
"ઓકે, લેટ્સ ડુ... હું તૈયાર છું." આકાંક્ષાએ થોડું વિચારીને અભીની વાત પર મંજૂરીની મહોર મારી દીધી.
"ઓહ...થેન્ક્સ..!", અભીના જીવમાં હવે જીવ આવ્યો.
બન્ને તરત જ જે લેબમાં આ ગેમ શરૂ થવાની હતી ત્યાં પહોંચે છે. અભી સ્વપ્નિલના નામને બદલે આકાંક્ષાનું નામ લખાવે છે. ત્યાં થોડી જ વાર માં ગેમ શરૂ થવાનું એનાઉન્સમેન્ટ થાય છે. બધા પોતપોતાની જગ્યા લઈ લે છે. આ ગેમમાં એકાગ્રતાની જરૂર પડતી હોવાને કારણે રૂમમાં પાર્ટીસીપન્ટ, જજીસ ને વોલન્ટીયર સિવાય કોઈ ન હતું.
એક સિનિયર હાથમાં એક બોક્સ લઈને બધાની પાસે જાય છે. દરેક ટીમ એક ચિટ ઉઠાવશે ને જે સર્કિટનું નામ આવે તે એમને આપેલા સમયમાં સોલ્વ કરવાની રહેશે એવો નિયમ જણાવે છે. આ રીતે થોડા થોડા સમયે નવી ચિટને નવો સમય મળતો રહેશે.
ચિટ મળતા જ અભી અને આકાંક્ષા સર્કિટ સોલ્વ કરવા લાગે છે. ને થોડા જ સમયમાં બન્ને સોલ્વ કરી દે ને એકબીજાને હાયફાય આપે છે. બન્નેના ચહેરા પર કઈક કરી બતાવાની ખુશી ચોખ્ખી દેખાતી હતી.
આવી જ રીતે બીજી ચિટ, ત્રીજી ચિટ એમ એક પછી એક સર્કિટ સોલ્વ કરતા જ જતા હતા. ત્યાં ચોથી ચિટ જોઈ અભી થોડો મુંઝાયો. આકાંક્ષાએ એને આશ્વાસન આપતા કહ્યું કે એ કરી લેશે. અભી આ સાંભળી ખુશ થઈ ગયો. આકાંક્ષા એ ફટાફટ કામ શરૂ કર્યું. અભી એને મદદ કરવા લાગ્યો. અચાનક એનું ધ્યાન આકાંક્ષા તરફ ગયું. એ થોડી થોડી વારે પોતાની આંગળીઓથી વાળની લટ પાછળ કરી રહી હતી. અભીને જાણે આકાંક્ષાની આ અદા ગમી ગઈ હોય એમ હળવું સ્મિત એના ચહેરા પર આવી ગયું.ને થોડી જ વાર માં આ સર્કિટ પણ આકાંક્ષાએ પુરી કરી દીધી.
હવે લાસ્ટ ચિટ, આકાંક્ષા ને અભી બન્ને એક સાથે બોલી ઉઠ્યા.. ઓહ ગોડ! બન્ને સમજી ગયા કે બન્ને માંથી એકને પણ આ આવડતી નથી. આકાંક્ષાના ચહેરા પર હવે ચિંતાની રેખા દેખાવા લાગી. અભીએ એને કહ્યું "ડોન્ટ પેનિક, આપણે કઈક કરીશું." બન્ને પોતપોતાને આવડે એવું બધું જ કરી સોલ્વ કરવા મથવા લાગ્યા. અભીએ એનું બધું જ ધ્યાન સર્કિટ પર લગાડ્યું. આ તરફ અભીને આટલો મગ્ન જોઈ આકાંક્ષા એતો સમજી જ ગઈ કે અભી માટે આ માત્ર એક ગેમ નથી. એ અભીની ધગશ જોઈ એનાથી ઘણી પ્રભાવિત થઈ. આ તરફ અભીએ આ સર્કિટ પણ પુરી કરી દીધી. બન્ને હવે ખુશખુશાલ હતા.
આ તરફ જજીસ એ પણ થોડી જ વારમાં વિજેતાની જાહેરાત કરી. ને વિજેતા હતા "અભ્યુદય અને આકાંક્ષા"
"યસ, વી ડીડ ઇટ...", અભી ઉત્સાહમાં આવીને આકાંક્ષાને ખભાથી જોરથી હલાવીને બુમ પાડે છે. પણ પછી પોતાની ભૂલનો એહસાસ થતાં બે ડગલાં પાછળ ખસી જાય છે.
"રિલેક્સ...રિલેક્સ..." આકાંક્ષા પરિસ્થિતિ સંભાળતા બોલે છે.
"હા, થેંક્સ આ બધું તમારા સાથથી જ શક્ય બન્યું બાકી થોડી વાર માટે તો મને સખત ટેન્શન થઈ ગયું હતું કે નવો પાર્ટનર ક્યાંથી શોધુ..? પણ મારા સદનસીબે મને તમે મળી ગયા. રિયલી... યુ આર અમેઝિંગ..." અભી બધું એકીશ્વાસે બોલી ગયો.
આકાંક્ષા અભીના આવેશને જોઈને સ્માઇલ કરતા બોલી, "યસ... ફાઇનલી... તમારું નોલેજ સરસ છે સર્કિટ ઉપર, અને વધારે તો આવી પરિસ્થિતિમાં પણ તમે શાંત રહી શકો છો...ગ્રેટ..!!"
"આપણે એક બીજાના આમ વખાણ કરવાનું બંધ કરીને હવે ફ્રેન્ડસને મળવા જવું જોઈએ. સોમી અને મહેકની ગેમ પણ પતી ગઈ હશે.", એમ બોલીને અભી ચાલવા લાગ્યો અને આકાંક્ષા પણ એને અનુસરવા લાગી.
અભી સોમીને મળવા લેબની બહાર નીકળે છે, આકાંક્ષાને પ્રીતિ રોકીને કહે છે, "ઓહ ! તમે ન્યુ એડમિશન છો ને?" આકાંક્ષા જવાબ આપવા રોકાય છે ત્યાં અભી સોમીને પોતાની જીત વિશે કહેવા દોડી જાય છે.
સોમી ને મહેક અભીની રાહ જોઇને લેબની સામે ઊભા હોય છે.
"સોમી....સોમી.... અમે ગેમ જીતી ગયા." અભી ઉત્તેજિત થઈ બોલ્યો..
"વાહ! Congratulations, સ્વપ્નિલ ક્યાં છે? એની પાસેથી પાર્ટી લઈએ ચલો.", સૌમ્યા બોલી.
"અરે, જો તને એક વાત કરવાની હતી. સ્વપ્નિલ સિનિયર સાથે ગેમનો સામાન લેવા ગયો હતો ત્યારે એને એક્સિડન્ટ થયો. ચિંતાની કોઈ વાત નથી બસ એને થોડો મૂઢમાર વાગ્યો છે બાકી ઓકે છે. એણે કહ્યું કે કોઈ ચિંતા ન કરતા હું ઠીક છું." અભીએ સ્વપ્નિલની આખી વાત કરી.
"ઓહ! તો તારું પાર્ટનર કોણ હતું અભી?" મહેકે કુતૂહલવશ પૂછ્યું.
"મને એ સમયે કઈ સૂઝતું ન હતું. મેં પેલી નવી સ્ટુડન્ટ આવી છે ને આકાંક્ષા એના હાથમાં સર્કિટની બુક જોઈ તો લાગ્યું કે આ મને મદદ કરી શકશે તો મેં એને પૂછ્યું અને એણે હા પાડી દીધી. તો એ મારી ગેમ પાર્ટનર હતી અને અમે ગેમ જીતી પણ ગયા." અભી એકશ્વાસે બધું બોલી ગયો.
"અરે આ બધું મુક તમારી ગેમ પતી ગઈને?" અભીએ ઉમેર્યું.
"હા.. આ સોમી મેડમનો ત્રીજો નંબર આવ્યો ને હું હારી ગઈ.", મહેકે દુઃખી અવાજમાં કહ્યું.
"શુ વાત છે સોમી! તને પણ અભિનંદન..", અભી ખુશ થઈને બોલ્યો. ત્યાં પાછળ આકાંક્ષા પણ આવી ગઈ.
સૌમ્યા, મહેક અને આકાંક્ષા એકબીજાને મળે છે. સૌમ્યા ને આકાંક્ષા એકબીજાને અભિનંદન આપે છે. પછી બધા છુટા પડે છે.
તે દિવસ પછી આકાંક્ષા ધીરે ધીરે આ ગ્રૂપનો ભાગ જ બની ગઈ હતી. કેન્ટીન હોય કે કલાસરૂમ બધા જોડે જ જોવા મળતા. એક્ઝામના દિવસોમાં બધા જોડે જ ગ્રૂપ સ્ટડી કરતા. આકાંક્ષા પણ એને જે કઈ આવડતું હોય એ કાયમ બધા જોડે શેર કરતી.
આમને આમ આ સેમ પણ પતવા આવે છે. અભીને આકાંક્ષાની દોસ્તી પણ વધુ ગાઢ થઈ રહી હતી. અભી તો આકાંક્ષાને પહેલેથી જ ઓળખી ગયો હતો કે આ આબુ વાળી જ છોકરી છે પણ એણે એ વાત નો ક્યારેય કોઈની આગળ ઉલ્લેખ નહતો કર્યો. હા, એનો ઝુકાવ આકાંક્ષા તરફ રહેતો.. થોડાઘણા અંશે બન્નેના શોખ પણ મળતા એટલે બન્નેને વાતો કરવાનો વિષય મળી રહેતો. ક્યારેક તો ઘરે ગયા પછી પણ ફોન અને એસએમએસ પર બન્નેની વાતો ચાલુ જ રહેતી. બન્ને એકબીજાથી ઘણા પ્રભાવિત હતા પણ વાત હજુ દોસ્તીથી આગળ કદી વધી ના હતી.
એક દિવસ બધા કેન્ટીનમાં બેઠા હતા. એવામાં વેદ ચા ના કપ ટેબલ પર મુકતા બોલ્યો, "ક્યાં લેંગે આપ? ચાય કે સાથ વેફર કી વેફર કે સાથ ચાય!! વાહ વાહ.. હું તો શાયર બની ગયો... વાહ વાહ તો કરો યાર..."
બધા ખડખડાટ હસી પડ્યા.
"ચા ની ચૂસકી લાગે છે આજે વ્હાલી,
મિત્રોના સાથની જ છે આ બલિહારી.!",
આકાંક્ષા એક કપ ઉપાડતા બોલી.
"ઓહો.. આકાંક્ષા તને પણ આ બધું ફાવે? મને તો એમ કે આ અભીને જ આ બધું ફાવે.", સૌમ્યા આકાંક્ષાના વખાણ કરતા બોલી.
"હાહાહા.. આતો ક્યારેક એમ જ... બાકી અભીને પણ આ બધું ફાવે? હું નથી માનતી. મેં તો કદી આવું કઈ સાંભળ્યું નહિ.", આકાંક્ષા બોલી.
"અરે, અમારા અભીના ટેલેન્ટ વિશે તને ક્યાં કઈ ખબર જ છે!", મહેક બોલી.
"અચ્છા.. તો ચાલ અભી એકાદ જુગલબંધી થઈ જાય! શુ કેહવું?", આકાંક્ષા અભીને ચેલેન્જ આપતા બોલી.
"અરે... મને આ બધું બહુ ફાવતું નથી. પણ... મિસ. આકાંક્ષા અભીને કોઈ ચેલન્જ કરી જાય ને અભી જવા દે એવું શક્ય પણ નથી. ચલો તો થઈ જાય.", અભી ચેલેન્જ સ્વીકારતા બોલ્યો.
જાણે કોઈ મોટાપાયે જુગલબંધી થવાની હોય એમ બધા ફરતા ગોઠવાઇ ગયા. બધાનું ધ્યાન અભી ને આકાંક્ષા તરફ હતું.
"કઈક છુપાવીને રાઝ આ આંખો બેઠી છે,
તારી વાતો પણ કહે છે કોઈ વાત અધૂરી છે!"
આકાંક્ષા એના મધુર અવાજમાં અભીની સામે જોઈ બોલી. બધા વાહ વાહ બોલી ઉઠ્યા. અભી તો જાણે આકાંક્ષાના શબ્દો પર ફિદા થઈ ગયો હોય એમ એકીટશે બસ એને જોઈ જ રહ્યો.
હવે અભીનો વારો હતો. અભી પણ આ રીતે વાક્યો ગોઠવવામાં પાછળ પડે એમ તો ન હતો. પણ એને કદી એના જેવું કોઈ મળ્યું પણ ન હતું.
"વાતો મારી હવે એક જ વાત કરે છે,
આ હાસ્ય પાછળ કેટલા દીવાના ફરે છે?"
અભી જવાબ આપતા બોલ્યો કે પછી એના દિલનો હાલ બોલ્યો. આકાંક્ષા જાણે સાંભળી શરમાઈ ગઈ હોય એમ સ્મિત સાથે એની નજર ઝૂકી ગઈ.
સૌમ્યા પાછી વર્તમાનમાં ફરે છે. આંસુથી ખરડાયેલો પોતાનો ચહેરો સાફ કરે છે અને ઉભી થઈને અભીના કપાળે હાથ મૂકી તપાસે છે. દવાનું ઘેન કહો કે વિચારોનો થાક, પણ અભી હજી નિંદ્રામાં હોય છે. બપોરના જમવાનો સમય થઈ ગયો હતો એટલે અભીને ઉઠાડવો જરૂરી હતો. પણ અભીને જગાડવાની સૌમ્યાને બિલકુલ ઈચ્છા નથી થતી. બહુ દિવસે એણે અભીને આમ ઊંઘતા જોયો હતો, બાકી તો થોડી થોડી વારે એ ઝબકીને જાગી જતો હતો. સૌમ્યા ઘડિયાળ તરફ નજર કરે છે એક વાગ્યો હતો અભીને ઉઠાડવો કે નહીં એમ વિચારતા વિચારતા અભી પાસે બેડ પર બેસે છે.
હોત જો પાંખો તો ભૂતકાળમાં
જવું છે ફરી,
સ્મરણમાં જે છે હવે એને બેઘડી
મળવું છે ફરી..!!
©️હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા