Premni pele paar - 27 - Last Part books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૭ (અંતિમ)

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાના કહેવા પર અભી ને સૌમ્યાના લગ્નની તારીખ કઢાવે છે. પ્રથમ વહેલા આવી સૌમ્યા ને સરપ્રાઈઝ આપે છે. આકાંક્ષાની તબિયત અતિશય ખરાબ છે. આ તરફ બન્ને ના લગ્ન પતે છે ને એ જમીન પર પટકાય છે. હવે આગળ...

*****

દસ્તક મૃત્યુ કરે છે હવે નજીકથી,
સમણાઓ બધું સમેટે છે અહીંતહીથી,
હિંચે છે જીવન મૃત્યુ વચ્ચે અપેક્ષાઓ,
રાખ મૃત્યુ બધું કરે છે કેવી બેદર્દીથી.

અભ્યુંદય ને સૌમ્યા બંને આકાંક્ષા તરફ દોડ્યા. એ જમીન પર પડી ગઈ હતી. અભીએ એને પોતાના ખોળામાં લઈ લીધી, હાજર હતા એ બધા પણ દોડી ગયા.

અભી બરાડી ઉઠ્યો ને રડમસ થઈ બોલ્યો, " અક્ષી.. શું થયું તને? આંખ ખોલ, કઈક તો બોલ... જો આ બધું તું ઇચ્છતી હતી એવું જ મેં કર્યું. હવે બોલ તો ખરી."

જલ્દીથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ને આકાંક્ષાને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી. અભી ને સૌમ્યા એમ્બ્યુલન્સમાં બેઠા ને પાછળ બે ગાડીમાં પ્રથમ, વેદ, મહેક, અભી ને આકાંક્ષા ના મમ્મી પપ્પા. સૌમ્યાના ફોઈ ને બીજા થોડા મહેમાન ઘરે જ રહ્યા. ડોકટર આકાંક્ષાને તાત્કાલિક icu માં લઈ ગયા. ઑક્સિજન આપવામાં આવ્યો. આકાંક્ષાની હાલત બહુ ગંભીર હતી, બધી ટ્રીટમેન્ટ કર્યા પછી ડૉકટરે અભીને એની કેબિનમાં બોલાવ્યો. સૌમ્યા પણ એની સાથે ગઈ, હજુ એ દુલહનના કપડામાં જ હતી.

ડોકટર બોલ્યા, " જો અભી હું તને ખોટો દિલાસો નહિ આપું, પણ હવે આકાંક્ષા પાસે ગણતરીના કલાકો રહ્યા છે. એના પેટની ગાંઠ ફૂટી ગઈ છે, ને બધે ફેલાઈ ગઈ છે. એને અસહ્ય દુખાવો પણ થતો હશે પણ કેમ જાણે આકાંક્ષાએ એ કઈ રીતે સહન કર્યો, બાકી કાચાપોચા માણસથી એ સહન ન થઈ શકે. હવે એને અહીં જ રહેવા દો, ને શાંતિથી એને ......"

આગળનું વાક્ય ડોકટર બોલી ન શક્યા પણ અભીને સૌમ્યા સમજી ગયા. અભી કેબિનમાં જ રડી પડ્યો. ચોધાર આંસુએ કઈ કેટલોય બફાટ પણ સાથે કરતો ગયો, ભગવાનને દોષ આપતો રહ્યો. ડોકટર એની પરિસ્થિતિ જોઈ સૌમ્યાને ઈશારો કરી બહાર નીકળી ગયા. સૌમ્યા પણ અભી પાસે બેસી રડવા લાગી.

"સોમી, મારી અક્ષીને કઈ નહિ થાય ને!? તું કઈક કર ને, તું તો રોજ ભગવાનની પૂજા કરે તારા ભગવાનને કહે ને મારી અક્ષીને સાજી કરી દે, હું એના વગર નહિ જીવી શકું, પ્લીઝ ગોડ પ્લીઝ....", સુધબુધ ખોયેલો અભી લગભગ ગાંડાની જેમ બોલે જતો હતો.

સૌમ્યા પાસે કોઈ શબ્દો જ ન હતા અભીને સાંત્વના આપવાના. એ બસ મૌન ધરી બેઠી રહી.

મૃત્યુ... એક સનાતન સત્ય, તો પણ એને સ્વીકારવું બધા માટે અઘરું જ બનતું હોય છે. અને એમાં પણ જ્યારે એ પ્રિય પાત્રનું હોય ત્યારે તો ખાસ... ને અહીંયા તો એ પાત્ર ઉંમરમાં પણ ઘણું નાનું હતું. એક બાજુ આકાંક્ષાની અસાધ્ય બીમારી અને અસહ્ય પીડા બધાને એના માટે શાંતિથી જીવ છોડવાની પ્રાર્થના કરવા મજબૂર કરતા તો બીજી બાજુ એમના મન વારંવાર આરાધ્યને પ્રશ્ન કરતા... "કેમ પ્રભુ?"

આકાંક્ષાની મમ્મીની તબિયત ખરાબ થઈ રહી હતી. મહેક સતત એમનો હાથ પકડીને એમને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતી. તો પ્રથમ અને વેદ પણ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા. સવારથી લગનની દોડાદોડીને આકાંક્ષાની બગડતી તબિયતના લીધે બધા લગભગ ભૂખ્યા તરસ્યા જ હતા. એમને બળજબરી પૂર્વક પાણી ને ચા પીવડાવવાનું કામ આ બંને એ સંભાળી લીધું હતું. કોઈનામાં જાણે નિર્ણય લેવાની કોઈ શક્તિ જ નહતી બચી.

એટલામાં જ અચાનક આઇસીયુની બહાર નર્સ ને ડોક્ટરની દોડાદોડી વધી જાય છે. એક જુનિયર ડોક્ટર આવીને બધાને કહે છે કે આકાંક્ષાની તબિયત એકદમ ખરાબ છે. જેને મળવું હોય એ થોડી મિનિટો માટે એને મળી શકે છે. આ સાંભળીને અભી આઈસીયુમાં રીતસરની દોટ મૂકે છે ને સૌમ્યા પણ એને અનુસરે છે.

આઈસીયુમાં બધા મશીનોથી ઘેરાયેલી આકાંક્ષા બેડમાં પડી હોય છે. સદા ચમકતો એનો ચહેરો આજે એકદમ નિસ્તેજ થઈ ગયો હોય છે. અભી એનો હાથ પકડે છે અને એને બોલાવવાનો પ્રયત્ન કરે છે. પણ જાણે અવાજ આકાંક્ષાના કાને અથડતો જ ના હોય એમ એ કોઈજ પ્રતિક્રિયા નથી આપતી. બે થી ત્રણ વાર બોલાવવા છતાં પણ જ્યારે આકાંક્ષાની પ્રતિક્રિયા નથી આવતી ત્યારે અભી હેબતાઈ જાય છે ને એના સંયમની પાળ આંસુ સાથે આકાંક્ષાના હાથ પર વહેવા લાગે છે. અને જાણે ચમત્કાર થયો હોય એમ આકાંક્ષા આંખો ખોલે છે, એ જોઈ સૌમ્યા, અભીના નામની તીણી ચીસ પાડી ઊઠે છે ને અભીનું ધ્યાન આકાંક્ષા તરફ જાય છે.

આકાંક્ષાની જે મોટી, કાજળઘેરી ને ચમકતી આંખોનો અભી કાયલ હતો એ આજે પ્રયત્ન પૂર્વક માંડ ખુલી રહી હતી. આટલી તકલીફ વચ્ચે પણ એમાં એ જ પ્રેમ ને લાગણી દેખાઈ રહ્યા હતા. થોડી પળો બંનેની આંખો મળે છે આકાંક્ષા કંઇ કહેવા માટે એના હોઠ ફફડાવે છે પણ એમાંથી કંઇ જ અવાજ નથી નીકળતો. અભી એને ફરી પૂછે છે પણ આકાંક્ષામાં હવે બોલવાની કોઈજ તાકાત નહતી બચી. એની આંખોમાં નીસહાયતા ઉભરી આવે છે અને અચાનક સૌમ્યાને યાદ આવે છે કે આકાંક્ષાએ વાતવાતમાં એક વાર કહ્યું હતું કે એ એના ઘરમાંથી જ અંતિમ વિદાય લેવાનું પસંદ કરશે. એ તરત જ આકાંક્ષાની નજીક જઈને એને પૂછે છે, " ઘરે જવું છે ને..??" ને આકાંક્ષા આંખોથી જ હા પાડે છે ને તરત ફરી આંખ બંધ કરી દે છે.

સૌમ્યા તરત આઈસીયુમાંથી બહાર નીકળીને વેદ અને પ્રથમને હોસ્પિટલની બધી ફોર્માલીટી પતાવવાનું કહે છે. પછી અભી ને આકાંક્ષાના મમ્મી પપ્પાને વારાફરથી આઈસીયુમાં આકાંક્ષાને મળવા મોકલે છે. આ દરમિયાન સૌમ્યા એના ફોઈ જે ઘરે રોકાયા હોય છે એમને જરૂરી તૈયારી કરવાનું કહી દે છે. કલાકની અંદર બધી ફોર્માલીટી પતી જાય છે અને આકાંક્ષાને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવે છે.

એમ્બ્યુલન્સમાં આખા રસ્તે અભી, આકાંક્ષાનો હાથ પકડીને એજ આશામાં બેઠો હોય છે કે એ ફરી આંખ ખોલે. ઘરે પહોંચીને એને અભી ને આકાંક્ષાના રૂમમાં લઈ જવામાં આવે છે અને બેડ પર સુવડવામાં આવે છે.

આખો પરિવાર આકાંક્ષાની આસપાસ જ ઉભો હતો. હવે આકાંક્ષા ભાનમાં ન હતી, બસ ધીમા શ્વાસ ચાલી રહ્યા હતા. અંતિમ સમયે જેમ દીવો ફફળે એમ જાણે કે આકાંક્ષાએ છેલ્લી વખત આંખો ખોલી, એક નજર અભી પર નાખી, પછી સૌમ્યાને શોધતી હોય એવું લાગ્યું. જેવી સૌમ્યા એની નજીક આવી, આકાંક્ષાની આંખમાં જાણે સંતોષના આંસુ આવ્યા, ને મુખ પર હાસ્ય સાથે એની આંખ મીંચાઈ ગઈ.....

મૃત્યુની આગોશમાં એક જીવ પોઢી ગયો હતો, આમ તો મૃત્યુને આપણે દુઃખદ બનાવી દીધું છે કારણ કે મરનાર સાથે આપણી અપેક્ષાઓ બંધાયેલી હોય છે, જે એક ઝાટકે જ તૂટી જાય છે, બાકી બધા સમજે જ છે કે,

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः |
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ||

મૃત્યુ તો સંબંધો નું, અપેક્ષાઓનું, વ્યક્તિ સાથે જોડાયેલી જરૂરિયાતોનું થાય છે..

પણ અહીં હવે કોઈ અપેક્ષા ન હતી બંને પક્ષે હવે સંપૂર્ણ સંતુષ્ટિ હતી. મરનાર પણ પરિતોષ સાથે જતું હતું, ને પાછળ પણ બધા એના જીવની શાંતિ ઇચ્છતા હતા.
આકાંક્ષાના દેહ છોડતા જ આકાંક્ષાની મમ્મીએ પોક મૂકી, હાજર રહેનાર બધાનું હૃદય દ્રવી ઉઠ્યું.

સૌમ્યાને ઈશ્વરે ક્યાંથી હિંમત આપી દીધી કે એ બોલી,"આપણે આમ દુઃખી થઈશું તો શું આકાંક્ષાના આત્માને શાંતિ મળશે!? શુ આકાંક્ષા આ બધું ઇચ્છતી હતી કે એના ગયા પછી તમે આમ દુઃખી થાઓ!? એ બહુ જાજરમાન જીવી ને મૃત્યુ પણ એમ જ પામી... તો એના મૃત્યુને આમ દુઃખદ ન બનાવો, બસ એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરો..!!"

બધાએ મુક સહમતી આપી, આકાંક્ષાના પવિત્ર દેહને નીચે જમીન પર સુવડાવવામાં આવ્યો, આકાંક્ષાએ લીધેલુ ઘરચોળું એને પહેરાવવામાં આવ્યું, જાણે હમણાં બોલી ઉઠશે એવું એનું મુખ દેદીપ્યમાન લાગતું હતું, અંતિમ સંસ્કારની બધી વિધિ અભીએ જ પતાવી. અગ્નિદાહ અભીએ જ આપ્યો, સજળ નેત્રે આકાંક્ષાને લૌકિક રીતે આ સંસારમાંથી વિદાય આપી. બાકી એ હમેશા બધાની યાદોમાં જીવવાની જ હતી.

અત્યાર સુધી મૌન થઈ ગયેલો અભી સાવ જ ભાંગી ગયો હતો, એ યંત્રવત બધું કરતો જતો હતો જાણે જીવ વિનાનું ખોળિયું. ઘરે આવી અભ્યુંદય એની મમ્મીના ખોળામાં જઈ ફસડાઈ પડ્યો. અત્યાર સુધી બાંધી રાખેલા બંધ છોડી મુક્યા. કઠણ કાળજાનો માણસ પણ ઢીલો પડી જાય અભીની હાલત જોઈ... બધાએ એને બસ રડવા દીધો, હળવો થવા દીધો. પછી બધાએ મળી અભીને સંભાળ્યો. પરિવાર હોય જ છે એના માટે સુખમાં ન હોય તો ચાલે પણ દુઃખમાં જે સંભાળે એ જ સાચો પરિવાર ને સ્નેહીઓ. અભીને પણ બધાએ મળીને ફરી હિંમત આપી. ને એને ફરી જીવવાની હામ આપી.

"ચાય ચાય.." એક દમ મોટા અવાજે ચા વાળો બૂમ પાડતો અભીની નજીકથી ગયો ને અભી સફાળો જાગી ગયો. એણે બારીની બહાર જોયું તો હવે અમદાવાદ એક દમ નજીકમાં હતું. ગંગાજીમાં આકાંક્ષાના અસ્થિ વિસર્જન કરતા જ આકાંક્ષાના મૃત્યુની બધી વિધિ પતિ ગઈ હતી. એને હવે આકાંક્ષા વગર એક નવું શરૂ કરવાનું હતું. રડી રડીને એ હવે ખાલી થઈ ગયો હતો. એની આંખમાં આમ તો એક સૂનકાર દેખાતો હતો, તો પણ એમાં આકાંક્ષાની આખરી ઈચ્છા પૂરી કરવાનું દ્રઢ મનોબળ પણ દેખાઈ આવતું હતું.

આંખોમાં આંસુ ને ગળામાં ડૂમો સાથે સૌમ્યા હજી બારીની બહાર જોઈ રહી હતી. ભૂતકાળ આખો જાણે ફરી એની આંખો સામે ભજવાઈ ગયો. આકાંક્ષા તો હવે એમની સાથે ન હતી. પણ એની યાદો કે જે જવાનું નામ જ ન લેતી હતી. અને અચાનક એને ખ્યાલ આવે છે કે અમદાવાદ આવી ગયું હતું. કાલુપુર સ્ટેશન આવવાની તૈયારી હતી. એ સફાળી ઉભી થાય છે. જુએ છે તો અભી બધો સામાન ભેગો કરતો હોય છે. અભીનું ધ્યાન સૌમ્યાની ભીની આંખો તરફ જાય છે.

"સોમી, અક્ષી તો જતી રહી પણ આપણને જવાબદારીમાં બાંધીને ગઈ છે. અક્ષીના ગયા પછી મને ફરી નોર્મલ થવામાં ઘણો સમય લાગી ગયો. પણ હવે હું ઠીક છું સોમી ને તું ચિંતા ના કર.. તારો બેસ્ટ ફ્રેન્ડ તારી જોડે છે. ચાલ આંસુ લૂછ, સ્ટેશન આવતું જ હશે.", અભી બોલ્યો. અભીએ આકાંક્ષાને પ્રોમીસ કર્યું હતું કે એ સૌમ્યાનું પૂરું ધ્યાન રાખશે. ને બસ અભી એજ કરી રહ્યો હતો.

ટ્રેન સ્ટેશન પર ઉભી રહી. બન્ને ઘરે ગયા. ઘરે અભીના મમ્મી પપ્પા બેવની રાહ જોતા હતા. આકાંક્ષાની મમ્મીની તબિયત ઠીક થતા એ લોકો એમના ઘરે જતા રહ્યા હતા. ઘરમાં દાખલ થતાં જ સૌમ્યા સાસુ સસરાને પગે લાગે છે. આ બાજુ અભી બેગ મુકતો હોય છે ત્યાં એનું ધ્યાન આકાંક્ષાના ફોટા તરફ જાય છે. મંગળસૂત્ર, સિંદૂર ને બનારસી સાડી વાળો આકાંક્ષાનો એ ફોટો.. જાણે હમણાં બોલી પડશે એવો લાગી રહ્યો હતો. અભીના કાનમાં ફરી આકાંક્ષાનું એ હાસ્ય ગુંજી રહ્યું હતું જેને એ સૌથી વધુ મોહયો હતો.

"બેટા, ચાલ થાળી પીરસુ જમી લે." , અભીના મમ્મી બોલ્યા. "હા, મમ્મી..", અભી જમવા બેસે છે.

વ્યક્તિ તો જતું રહે છે. પણ જીવન અટકતું નથી. હા અમુક ખાલીપો ચોક્કસ વર્તાય છે. પણ ક્યારેક એ ખાલીપો એ વ્યક્તિની યાદો જ ભરી દેતી હોય છે. અહીં પણ અભી સૌમ્યા, ને એમનો પરિવાર ધીરે ધીરે પોતાની જિંદગીમાં ફરી આગળ વધી રહયો હતો. હા, એટલું સરળ નથી હોતું કોઈને ભૂલીને આગળ વધી જવું. પણ મને કમને જીવવું તો પડે જ છે. ને આમપણ, સમય તો ભલભલા દર્દનો મલમ છે.

આમને આમ દિવસો, મહિનાઓ ને વરસો વીતી ગયા. હવે આકાંક્ષાને ગુજરી ગયાને પુરા પાંચ વરસ થઈ ગયા છે. આ તરફ અભ્યુદય ને સૌમ્યા સુખી દાંપત્યજીવન જીવી રહ્યા છે.

"સોમી, ઉતાવળ રાખ.. મોડું થાય છે." , અભી બુટ પહેરતા પહેરતા સૌમ્યાને કહી રહ્યો હતો.

"હા, બસ રેડી જ છું. અભી જરા જોતો આ ડ્રેસ સારો લાગે છે કે બદલી નાખું?", સૌમ્યા બેડરૂમની બહાર ઉભી રહી અભીને પૂછે છે.

"એટલે હજુ વાર છે તારે? બધું સરસ જ લાગે છે. સોમી અત્યારે તારા કપડાં કરતા ત્યાં આપેલો સમય વધુ અગત્યનો છે. ને આજના આવા ખાસ દિવસે મારે મોડું નથી પડવું.", અભી બોલ્યો.

"ના ના.. હું રેડી જ છું. ખાલી તું કે ને તો મને ખબર પડે. ને આજના દિવસે મારે પણ એકદમ ખાસ રેડી થવું છે.", સૌમ્યા સ્મિત આપતા બોલી.

અભી એની સામે જોઈ સહેજ હસ્યો ઉભો થયો ને સોમીનો હાથ પકડી બોલ્યો, "સોમી, તું કાયમની જેમ પરફેકટ લાગે છે." સૌમ્યાના ચહેરા પર એક ચમક આવી ગઈ.

બન્ને રેડી થઈ કારમાં બેસી નીકળી ગયા. એકસમય હતો જયારે મિત્રતાથી શરૂઆત કરી હતી ને આજે આ બન્ને છ મહિનાની નાની બાળકીના માતાપિતા બનવાના છે. હા, આજનો ખાસ દિવસ એટલે અભી ને સૌમ્યા પોતાનો સંસાર પૂરો કરવા, અમદાવાદના જ એક અનાથાલયમાંથી એક દીકરી દત્તક લીધી હતી જેને આજે જ ઘર લાવાના હતા. ને આ બેવ એને લેવા જ જઇ રહ્યા હતા. બહુ જ સુંદર એવી આ છ મહિનાની દીકરી જે અભી ને સૌમ્યાને બહુ જ વ્હાલી લાગતી. જેનું સૌમ્યાએ બહુ પ્રેમથી "અક્ષી" નામ રાખ્યું છે.

અવઢવની થઈ જાય જ્યારે ભરમાર,
મિત્રતા લઈ જાય પ્રેમની પેલે પાર...

પ્રેમની સૌ સોગાતો બને જ્યારે શણગાર,
પ્રિયજન લઈ જાય પ્રેમની પેલે પાર..

એકમેકની ખુશીઓને જ આપે જ્યારે આવકાર,
સમર્પણ લઈ જાય પ્રેમની પેલે પાર...

મૃત્યુનો ઘંટ પણ ન કરી શકે જ્યારે આરપાર,
સહકાર જ લઈ જાય પ્રેમની પેલે પાર..

આપવું જ આપવાના જ હોય સૌ જ્યારે તલબગાર,
સંબંધો લઈ જાય પ્રેમની પેલે પાર...

©રવિના વાઘેલા, હિના દાસા, શેફાલી શાહ


*****

આ ભાગ સાથે જ "પ્રેમની પેલે પાર..." નો સફર પૂર્ણ થાય છે. અમને આ સફરમાં સાથ આપવા બદલ પ્રેમની પેલે પાર ટીમ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર.

અમારા ત્રણ એટલે કે હું, રવિના ને હિનાની પ્રેમની પેલે પારની આ સફર કેવી રીતે ચાલુ થઈ અને આગળ ધપી જેવા કેટલાય પ્રશ્નો બધાના મનમાં ઉઠતા હતા. આ પ્રશ્નોના શક્ય હોય એવા સંતોષકારક જવાબ માટે આવતા મંગળવારે એક વિશેષ ભાગ મૂકી રહ્યા છીએ. એમાં પણ તમારા આવાજ સહકારની અપેક્ષા સહ શેફાલીના જય જિનેન્દ્ર ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED