Premni pele paar - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૨

આગળના ભાગમાં આપણે જોયું કે અભ્યુદય એટલે કે અભી અને સૌમ્યા કોઈની અંતિમ વિધિ માટે ગંગાના ઘાટ પર ગયા હોય છે. સ્વજન ગુમાવ્યાનો શોક અને થાકના લીધે અભીને તાવ આવી જાય છે. એના માટે પર્સમાંથી દવા કાઢતી વખતે સૌમ્યાના હાથમાં એક ફોટો આવે છે અને એ વિચારમાં ખોવાઈ જાય છે. હવે આગળ...

**********

સમય નામનું પરબીડિયું ઉડી જાય છે,
પકડો હાથમાં તો અક્ષરો મૂકી જાય છે,
નથી બદલાતી નિયતિ કે લકીરો કદી,
તોય લાગણીઓ છે કે રહી જ જાય છે....

કોઈક ચીટીયો ભરેને લોહીની ટસર ફૂટી નીકળે, એવો અનુભવ સૌમ્યાને થયો. અભિને તપાસી જોયો તો સહેજ તાવ હતો. મીઠાના પાણીની વ્યવસ્થા કરી તે અભિને કપાળ પર પોતા મુકવા લાગી. સદેહે અહીં હાજર હતી પણ મન પર તો ટાઈમ મશીન ફરી વળ્યું હોય એમ એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ. તો ચલો જરા આપણે ભૂતકાળ તરફ નજર કરીએ..

અમદાવાદની એ કોલેજ... ના..!! પહેલા તો અમદાવાદ શહેર જ યાદ આવે..!! કહેવાય છે કે ઊંટ મરે તો મેવાડ બાજુ મોં હોય, એમ જ ગુજરાતમાં કોઈ પણ છોકરા છોકરી ભણે ત્યારે અમદાવાદ તરફ જ મીટ હોય. આ શહેર જ આવું અલબેલું છે. ત્યાં વસનારના દિલમાં સતત ધબકતું જ રહે. અને જે છોડીને જાય એના દિલમાં ડૂમો ભરી દેતું. અને તક મળે તો ફરી આ શહેરમાં વસવાની એક ઈચ્છા મૂકી દેતું..!! આજ અલબેલા અમદાવાદની ખ્યાતનામ કોલેજ "અમદાવાદ એન્જિનિયરિંગ કોલેજ - AEC" માં પાયો નખાય છે આપણી વાર્તાનો. 

"કોલેજ"... શાળા માં હોઈએ ત્યારથી સૌથી વધુ આકર્ષિત કરતો શબ્દ એટલે કોલેજ.  એમાંય કોલેજના એ વર્ષો એટલે  મિત્રો જ સર્વસ્વ હોય. સવારની ચા થી માંડી સાંજની ચા એમને સંગ જ હોય. કલાસરૂમ ઓછા ને કેન્ટીન હાઉસફુલ હોય. એમાંય મિત્રો સાથેતો એક ખાસ "અડ્ડો" હોય. લાયબ્રેરીના ક્લાર્ક કરતા કીટલીવાળા કાકા જોડે ઓળખાણ વધુ હોય. નોટ્સની કોપી કરવા મિત્ર હોય. રાતે ઉજાગરા કરી આખો સિલેબસ પૂરો કરવા મિત્ર જ હોય. ને આવા જ બે મિત્રો એટલે આપણા અભી ને સૌમ્યા.

સૌમ્યા - સૌમ્યા મહેતા એ અરુણ મહેતા અને ગૌરી મહેતાની બે દિકરીમાંથી નાની દીકરી. માતા ગૌરીના અવસાન બાદ પિતા અરુણે જ બંને દીકરીઓને એકલા હાથે મોટી કરી. સૌમ્યા - જેવું નામ એવા જ ગુણ. મા વગર મોટી થયેલી દીકરી સૌમ્યા સ્વભાવે એકદમ સહજ અને સરળ. દેખાવે મધ્યમ બાંધો, ગોરો વાન અને લગભગ કમરથી સહેજ નીચે સુધીનાં લાંબા કાળા વાળ. વાળ ખુલ્લા રાખી, જિન્સ અને ટીશર્ટ પહેરી જ્યારે કોલેજના ગેટથી એ એન્ટર થાય ત્યારે જાણે ફૂલોનું વાવાઝોડું બધા છોકરાઓ ઉપર ફરી વળે અને બધાનાં દિલ બાગ બાગ થઈ જાય. ભલે કુદરતે અદભૂત સૌન્દર્ય વેર્યું હોય પણ સૌમ્યાને આ વાતનું જરા પણ અભિમાન નહીં..!!

"આવ સોમી..વેલકમ વેલકમ...",અભી એના નટખટ અંદાજ માં બોલ્યો.

"હા જો આવી ગઈ ને થાકી પણ ગઈ.. આ અમદાવાદનો ટ્રાફીક એટલે તોબા તોબા..!!", સૌમ્યા activa ની ચાવી બેગ માં મુકતા બોલી.

"એમ! એટલે જ અમારી જેમ પાછળ બેસીને જ અવાય..બાય ધ વે..  આટલી ઉતાવળ માં કેમ આવે છે! જો આજે માથું ઓળવાનું પણ ભૂલી ગઈ" , અભી એ સોમી ની મજાક ઉડાવતા કહ્યું.

"સાચે! એવુ લાગે છે! બહુ ખરાબ લાગે છે કે શું! તું ઉભો રે હું આવું... " , સૌમ્યા સાચું માની વાળ સરખા કરવા ગર્લ્સ રૂમ તરફ જવા લાગી.

"ઓ ભોળી ... આ મજાક હતો... તને ક્યારે સમજાશે આ બધુ! અને કોઈ કઈ કે તો આમ દોડવા લાગવાનું! ખરી છે હો તું! ",  અભી સોમીને સમજાવતા કહેવા લાગ્યો. 

અભી ને કાયમ સોમી ના આ વર્તન થી નવાઈ લાગતી, તો ક્યારેક એમ થતું કે આ સમય માં પણ આવા ભોળા લોકો હોય ખરા! પણ સોમી બસ આમ જ હતી. ફેશનેબલ પણ સરળ.. સાવ સરળ..

"અરે!! એ બધું મને ના ખબર પડે. અને હા, કોઈ કે તો ના માનુ.. પણ તું તો મારો best friend છે ને..!", સૌમ્યા એ એક સ્માઈલ સાથે એના અલગ જ અંદાજ માં જવાબ આપ્યો.

આ તરફ અભી પણ આનું કઈ નહિ થાય એ વાળા ભાવ સાથે હસતા હસતા એની સામે જોવા લાગ્યો.આ અભી એટલે...

અભ્યુદય દેસાઈ.. અમદાવાદના ગર્વન્મેન્ટ સેક્ટરમાં એકાઉન્ટંટ તરીકે નોકરી કરનાર શિશિર દેસાઈનો એક નો એક વ્હાલસોયો પુત્ર. માતા-પિતાના અતિશય લાડકોડ સાથે ઉછરેલ અભી જુઓ તો જાણે આજ નો જુવાનીયો પણ સહેજ પણ ઉછાંછળો નહીં. માતા પ્રીતિબેન દેસાઈ એક ગુજરાતી શિક્ષિકા. અભી માતા પાસેથી લાગણીની ભાષા અને પ્રેમનું કાવ્ય શીખ્યો અને પિતા પાસેથી  સબંધોનું ગણિત. પહેલેથી જ અભીને ભણવામાં લગાવ. એમાંય સર્કિટ તો જાણે એનો આગલા જન્મનો સાથી..!! એનો લૂક કહો કે એની અલકમલકની વાતો, કે પછી રેન્કરની એની છાપ પણ કોલેજના એક જ સેમેસ્ટરમાં અભી કોલેજનો પોપ્યુલર વિદ્યાર્થી તો બની જ ગયો હતો.

અભ્યુદય ને સૌમ્યા.. એટલે કે અભી ને સોમી.. અભી ને સોમી 11-12 science માં જોડે જ હતા.. સાથે જ સ્કૂલ ને સાથે જ ટ્યુશન માં પણ. અભી જેટલી સોમી ભણવામાં હોશિયાર તો નહીં પણ અભીનો એને કાયમ સપોર્ટ રહેતો.. સોમીની સરળતા અને નિર્દોષતાને અભી ક્યારેક "ભોળી" ઉપનામ આપતો તો ક્યારેક "સાવ ગાંડી"...

ક્યારેક એના ભોળપણ પર હસી દેતો તો ક્યારેક ગુસ્સે થતો..પણ સોમી નેતો કપટ હોશિયારી આવા બધા શબ્દો કદી પલ્લે જ ના પડે..ને એને બહુ કોઈ કઈ કહે એટલે એનો એક ખાસ ડાયલોગ બોલી દે... "એ બધુ મને ના ખબર પડે!" બસ આજ દોસ્તી હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજ માં પણ યથાવત રહી..

કોઈ નવો પ્રોજેકટ આવે એટલે સોમીને અભી યાદ આવે, ને અભી પણ એની મદદ કરવા હમેશા તત્પર જ હોય. એની દોસ્ત માટે તો એ રાતે જાગીને પણ પ્રોજેકટ પૂરો કરે. એક વખત તો એવું થયું કે સૌમ્યાના પ્રોજેકટ પાછળ અભી પોતાનો પ્રોજેકટ ભૂલી ગયો ને એને પ્રિન્સિપાલ પાસે જવાનો વારો આવ્યો. તોય અભી ખુશી ખુશી પોતાની દોસ્ત માટે પ્રિન્સિપાલનો ગુસ્સો સહન કરી ગયો. ભલે એને "ગાંડી" કહે પણ બીજા કોઈને કહેવા ન દે. ને સોમીના માન સન્માનની પણ એટલી જ દરકાર રાખે. એટલે જ સોમી એની બધી વાતો અભિને આવીને કહે.

અભી અને સૌમ્યાની આ દોસ્તી ખાલી એ બે પૂરતી જ સીમિતના રહેતા એમના ઘરના સભ્યો સુધી પહોંચી ગઈ હતી. થોડા થોડા અંતરાલે કે વારે તહેવારે બંનેના કુટુંબ ભેગા થતા. અભી અને સૌમ્યા એકબીજાનાં ઘરનો હિસ્સો જ બની ગયા હતા. સૌમ્યાના પિતાને હવે એક વાતની ખાત્રી હતી કે કોલેજમાં પણ એમની દીકરીની સંભાળ લેવા વાળું કોઈ છે !

સ્વર્ગની ગલીઓ કલ્પના લાગે,
મિત્રના હાથ જ્યારે હાથમાં આવે,

સો દુઃખો પણ હળવા લાગે,
મિત્રો મળી જ્યારે હસાવવા ચાહે,

જીવનનો અર્થ સાર્થક લાગે,
મિત્ર જ્યારે ખભેખભો મેળવી ચાલે,

સૌ સંબંધો પણ હોડમાં લાગે,
મિત્રો જ્યારે જીવનમાં આવે...            

શુ આવનાર દિવસો માં પણ આ દોસ્તી આવી જ રહેશે? સૌમ્યા જેના ફોટો ને જોઈ આંસુ સારતી હતી, એ આકાંક્ષા સાથે સૌમ્યા ને અભીનો શુ સબંધ છે? આવા દરેક સવાલ ના જવાબ માટે આવનાર ભાગ વાંચવાનું ચૂકશો નહિ.. તમારા પ્રતિભાવો ખૂબ કિંમતી છે.. ચોક્કસ થી આપશો..

©હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED