કવિતા સંગ્રહ Purvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિતા સંગ્રહ

જીવન

જીવનની કોઈ એક વિશેષ વ્યાખ્યા નથી. દરેક વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સમય, સંજોગ અને પરિસ્થિતિ સાથે બદલાતો રહે છે.

સમજીને તને જીવું કે મનથી તને માણું?
યાદોમાં તને સાચવું કે ખ્વાબોથી તને સજાવું?
સંબંધોમાં તને ગૂંથું કે એકલતામાં હું રાંચું?
ક્ષણોમાં તને શોધું કે એક ક્ષણમાં તને પામું?
હાર-જીતથી તને આંકું કે એનાથી પર રાખું ?
તું જ કહે તને ચાહું, નિભાવું કે વીતાવું?
જીંદગી, તું ચાહે એ રીતે તને જીવી જાણું!
બસ, તું ચાહે એ રીતે તને જીવી જાણું!

-------××××------××××------××××-------××××------

ધબકારા

હૃદયના ધબકારા સાથે તાલ મિલાવું છું,
ને જીંદગીના સૂર સાથે સૂર મિલાવું છું.
આંખોના પલકારા વચ્ચે સ્વપ્ન સજાવું છું ,
ને જીવતરમાં હું થોડો રંગ ભરી દઉ છું.
દરિયાના મોજાં વચ્ચે ઘર બનાવું છું,
ને ઘર મળ્યું માની, હું મારું મન મનાવું છું.
મળ્યું એને ભાગ્ય સમજી શીશ ચઢાવું છું,
ને બાકીનું હું પુરુષાર્થથી મેળવી જાણું છું.
સંબંધોની આંટીઘૂંટીને હું સમજું છું,
બસ, અનુભવનું ભાથું લઇને હું ઘડાઉં છું.

-----×××××-------×××××--------××××××---------

જીવંત રાખું

આભ, તારા વ્યાપ ને હું ધરાથી નિહાળું,
ને ઉમંગોને મારા હું પંખ આપું!
ઇન્દ્રધનુષી રંગોને નયનમાં સજાવું,
ને બેરંગી દુનિયાને રંગીન બનાવું!
વાદળોની પાર તારી દુનિયામાં ઝાંખું,
ને હોંસલાને મારા ગગનચુંબી રાખું!
ક્ષિતિજ પર મિલન તારું ધરા સાથે જોઉં,
ને નિરાશાને આશાનું કિરણ બતાવું!
ચાંદનીની ચાદર ઓઢી નીંદરમાં પોઢું,
ને સ્વપ્નની અનોખી નગરી સજાવું!
તારાને ધરા પર ઉતરતાં હું ભાંસું,
ને ઈચ્છાઓ ને મારી હું જીવંત રાખું !


×××××------×××××--------×××××---------×××××

જીંદગી

તું મારી સાથે તારું ધાર્યું જેમ કરી લે છે,
હું કરી શકીશ ક્યારેય એવું એ કહી દે જે?
જીંદગી! તું મારી જ છે છતાં મને સાવકી લાગે,
મારા સિવાય બધાં કાજે તું જીવતી લાગે.
એવું નથી કે તું મને સાચવતી નથી,
ઠોકર ખાધે મારો હાથ ઝાલતી નથી,
છતાં આપણી વચ્ચે કંઈક ખૂટતું લાગે,
જીંદગી! તું મારી જ છે છતાં મને અળગી લાગે,
મારા સિવાય બધાં કાજે તું જીવતી લાગે.
મથું હું મળવા તને ને તું દૂર દૂર જતી લાગે,
શોધું તને ક્ષણોમાં ને તું વર્ષોમાં રાંચે,
અંતર વધી ગયું ઘણું આપણી વચ્ચે,
જીંદગી! તું મારી જ છે છતાં મને પારકી લાગે,
મારા સિવાય બધાં કાજે તું જીવતી લાગે.

×××××------×××××--------×××××---------×××××

બે બુંદ પાણીના શું વરસ્યાં,
ને બાવળિયા કેવાં હસ્યાં!
રેતીએ સમાવી લીધાં બુંદોને એવાં
જાણે હૈયા સરસા કર્યાં વસુંધરાએ!
અહીં મુશળધાર મેહુલો હતો વરસ્યો,
છતાં આપણે રહ્યાં તરસ્યાં ના તરસ્યાં.
અળગા રહ્યાં આપણે અહીં એવાં,
ન તન ભીંજાયું ન મન!
રહ્યાં આપણે કોરા ના કોરા.
કોરો કાગળ પણ નાવ બની
ફાવી ગયો અહીં, હાલકડોલક વહેતો રહ્યો,
મસ્તીમાં ભીંજાતો ગયો,
પણ મનના દળદળમાં જકડાઈને
રહી ગયાં આપણે એવાં કે
ન વહી શક્યાં, ન હૈયું સાફ કરી શકયાં,
રહ્યાં આપણે તરસ્યાં ના તરસ્યાં.

-----××××-----××××----××××----××××----××××----

આ જીંદગી કેટલી મજાની છે,
જો,જીવું હું જે મારા ગજાની છે.
ન કોઈનું સુખ મારા ખાતે લઉં,
ન મારું દુખ કોઈને માથે ધરું.
હસવાની ક્ષણોમાં હું હસી લઉં,
રડવાની પળોમાં પણ થોડું વસી લઉં.
લાગણીથી સંબંધોને વણી લઉં,
સાથે સ્વાર્થનાં સગાને પણ જાણી લઉં.
પછી જીંદગી કેટલી મજાની છે,
જો,જીવું હું જે મારા ગજાની છે.
બંધ આંખે સ્વપ્નાં થોડાં જોઈ લઉં,
ને આંખ ખોલી બે-ચાર જીવી લઉં.
મિત્રો સાથે થોડું હું મળી લઉં,
ને વાત વાતમાં ક્યારેક લડી લઉં.
જરૂર પડે થોડો ગમ ખાય લઉં,
ને કહેવાનું હોય ત્યાં થોડું કહી લઉં.
સૂરજ ચઢતા જ મુસાફર હું બની જઉં,
ને દિવસ ઢળતાં મુકામે હું પહોંચી જઉં.
આ જીંદગી કેટલી મજાની છે,
જો,જીવું હું જે મારા ગજાની છે.

-----××××-----××××----××××----××××----××××----

એકલતા

એકલતા સંગ મુલાકાતે,
ખૂદથી પરિચયનો અવસર આપ્યો,
'સ્વ' ને સર્વસ્વ રીતે જાણવાનો
અનેરો મોકો આપ્યો..

અંતરમાં કર્યું ડોકિયું,
પરિચિત કોઈ સાદ સંભળાયો,
ને પછી યાદોની મહેફિલનો
કેવો મોઘમ લહાવો આપ્યો !

દર્દ ને હાસ્યની જામી રંગત,
અંગત નામોનો જ્યાં ચિતાર કીધો,
મળ્યું બહાનું દિલને હળવા થવા,
અશ્રુઓ થકી ભાર ધોઈ લીધો !

ખૂણે બેસી ખાલિપો,
માણી રહ્યો કેવી હળવાશ,
ઝંખના જે હતી સ્મરણોની,
એ બની છે આજ મહેમાન !

---------××××-----------××××---------××××-------

બધું છે તારી ભીતર....

છે સમંદર તારી જ ભીતર,
ખાબોચિયામાં ગહેરાઈ શોધે છે?
ખજાનો પણ મબલખ છે ભીતર,
ઝાંઝવાંમાં તું છીપલા શોધે છે?
બ્રહ્માંડનો વ્યાપ તારી ભીતર,
હથેળીમાં તું ભાગ્ય શોધે છે?
બધું તો છે તારી ભીતર,
છતાં તું કંઈક બહાર શોધે છે;
જાણે જીવવા ખાતર તું ,
નીત-નવું કોઈ બહાનું શોધે છે.
શોધવું હોય જો તારે કઈક,
કરી લે ડોકિયું ભીતર,
મળી જાશે 'સ્વયં' તુજને
તારો સંગાથ જીવતર ભર !

---------××××-----------××××---------××××-------


શું શોધે છે?

આ virtual દુનિયામાં ...
માણસ, લાગણી ને સંબંધ, તું real શોધે છે?
ખારાશ વગરનો તું દરિયો શોધે છે?

Google પર જઈ લોકો કેવાં spiritual થાય છે?
અહીં આંગળીની clickથી,
status બદલાય છે, profile like થાય છે,
ગુણોની ક્યાં કોઈ કદર થાય છે?
આ virtual દુનિયામાં ...
સ્નેહ, સન્માન ને આદર, તું mutual શોધે છે?
પાનખરમાં તું કૂપણ શોધે છે?

Likes અને commentsથી અહીં ઓળખ અંકાય છે,
કાળોતરીના picની પણ like નોંધાય છે.
Games નો આદી દરેક જીવ થાય છે,
ને એની આ આદત સંબંધોમાં વર્તાય છે.
આ virtual દુનિયામાં ...
હાસ્ય, હળવાશ ને રમૂજ, તું factual શોધે છે?
મૃગજળમાં તું મીન શોધે છે?

આ virtual દુનિયામાં ...
તું શું real શોધે છે?


×××××------×××××--------×××××---------×××××


સ્વપ્ન

નિશા ઢળી, હું નીંદર પોઢી;
પોપચે આવી બેઠું સ્વપ્ન,
ધીરેથી એ સરકી ગયું,
આંખલડીના નૈપથ્યમાં,
નાનકડું આ સ્વપ્ન મારું,
દોરી ગયું ત્યાં હૈયું મારું,

કળીઓ જ્યાં મસ્તીમાં ઝુમતી,
ભમરા સંગ નિર્ભય થઈ રમતી,
રંગોથી નીતરતાં ફૂલો,
ઉપવનમાં પમરાટ ફેલાવતાં,
કુદરતના ખોળામાં જાણે ,
યૌવન મદમસ્ત થઈ થનકતું.

તરુની લચકતી ડાળે,
હૈયું મારું કેવું ઝુમ્યું,
પવનના એ નાજુક સ્પર્શથી,
આંખ ખૂલીને સ્વપ્ન તૂટ્યું.

કળીઓ અહીં કરમાતી જોઈ,
ફૂલોને વિખરાતાં જોયાં ..
બસ, ભમરાં મંડરાતાં જોયાં,
બસ, ભમરાં મંડરાતાં જોયાં.


×××××------×××××--------×××××---------×××××

કેમ રહેવાય?

પૂછ્યું મેં પારેવડાને ગેરહાજરી કેમ વર્તાય?
જવાબ સાંભળી એનો, મુજ માનવતા શરમાઈ.
કહ્યું એણે-
"બે જણની પણ હાજરી ભીડમાં ખપી જાય,
કાંકરી ચાળો કરી અહીં પત્થર દિલ હરખાય.
કોંક્રીટના આ જંગલમાં કેમ મારાથી રહેવાય?

અર્થહીન રવનો આદી તું , તને કલરવ ન સમજાય,
શોખ તારા પૂરાં કરવા અહીં મારા પંખ કપાય.
કોંક્રીટના આ જંગલમાં કેમ મારાથી રહેવાય?

ઘરમાં તારા એકેય ડોકિયું મારું ના ખમાય,
ઈંડાં મારા રમકડાં જેમ જ્યાં ક્ષણમાં ફૂટી જાય.
કોંક્રીટના આ જંગલમાં કેમ મારાથી રહેવાય?"

×××××------×××××--------×××××---------×××××

અધૂરી ઈચ્છા

અધૂરી છે એક ઈચ્છા, પૂરી થઈ જાય તો કેવું?
બારી એક શોધાય જે બાળપણમાં લઈ જાય તો કેવું?
'ટાઇમ પ્લીઝ' નો ગાળો ઘણો લંબાઈ ગયો લાગે
ફરી અધૂરાં દાવ ચાલુ કરી દેવાય તો કેવું?
દાવ તો ઘણાં રમી લઈએ છીએ આજકાલ,
એ છલ-કપટ વગરનાં દાવ પાછા રમી લેવાય તો કવું?
હાથમાં હાથ પકડી બનેલી સાંકળ એ ભલે છૂટી જતી,
ધક્કા ધક્કીમાં ઠોકર ભલે લાગી જતી,
હતો વિશ્વાસ એ કે છે હાથ ઝાલનાર પડખે,
એ વિશ્વાસ હવે પાછો મળી જાય તો કેવું?
રીસામણાં-મનામણાં હતાં ફક્ત ક્ષણોનો ખેલ,
હવે વર્ષો વીતી જાય છે મિત્રોને મનાવવામાં,
બસ, એ નિખાલસતા પાછી આવી જાય તો કેવું?
રેતીનો મહેલ સાથે મળી બનાવતાં જ્યારે,
ન દિવાલ કોઈ ચણતાં ન ભાગલા કોઈ પડતાં,
એ સંપ હવે પાછો કેળવાઈ જાય તો કેવું?
અધૂરી છે એક ઈચ્છા, પૂરી થઈ જાય તો કેવું?
બારી એક શોધાય જે બાળપણમાં લઈ જાય તો કેવું?


-------××××------××××------××××-------××××------

ઉંમર

દઇ બારણે ટકોરા,
ઊંબરે આવી ઊભી ઉંમર,
ધર્યું એણે મુજને ઘડપણ,
મે પાછી ધરી જુવાની,
અચરજથી એ નીરખી રહી,
એક જ સવાલ પૂછી રહી-
નથી લેશ તુજને શું રંજ?
હળવેથી મેં આપ્યો ઉત્તર-
તું તો એક એહસાસ છે,
તું તો એક આભાસ છે,
કેમ કરવો મારે કોઇ રંજ?
પાછું ધર્યું હતું મેં બાળપણ,
જુવાની પણ લેતી જા.
બસ, અચરજથી એ નીરખી રહી,
મુજ જુવાની લઈ એ નીકળી ગઇ!!

-----××××-----××××----××××----××××----××××----

સંબંધ

સૂર્ય ને ચંદ્ર નો સંબંધ ,
કેવો અદ્ભુત ને અલૌકિક!
સાથે ન હોવા છતાં. .
સાથ નિભાવી જાણે..
આ આત્મીયતા કેવી!
એક પ્રકાશ પાથરી જાણે,
ને બીજો એને ઓઢી જાણે...
એકની ગેરહાજરીમાં, બીજું સાચવી જાણે...
સૃષ્ટિનું ચક્ર નિરંતર રાખે,
ને પ્રકૃતિને કેવી આહ્લાદક રાખે!

-----××××-----××××----××××----××××----××××----


બનવા કાજે બને છે.

બનવા કાજે બને છે....
હૈયું વલખે હરખવા
ને સમજણ આપે લગામ!

ઊર્મિ ઝંખે છલકવા
ને શબ્દો બાંધે પાળ!

અરમાન ઈચ્છે ઉડવા
ને ફરજ કાંપે પાંખ!

અશ્રુ મથે વહેવા
ને હાસ્ય બને ઢાલ!

મન ચાહે સૂલઝવા
ને લાગણી દે ઉલઝાવી !

સુખ માંગે નોંતરુ
ને દુ:ખ બારણે ડોકાય!

કલમ તરસે લખવા
ને વિચાર અળગાં થાય !
બનવા કાજે બને છે....

-----××××------××××-------××××------××××-------

ભારે પડે

તારી કંકર ને ઠોકરે ચઢાવવાની આદત,
લાગણીઓ ને મારી હવે ભારે પડે છે.

નથી હું અજાણ કોઈ તારા ઇરાદાથી ,
આ જાણવાની આદત મને ભારે પડે છે.

બોલ મારા સીવું છું ચૂપકીની આડમાં,
અર્થ ના અનર્થ હવે ભારે પડે છે.

અશ્રુને હસવામાં વાળી લીધાં મારા,
આ હાસ્યનો ડોળ હવે ભારે પડે છે.

તારા શબ્દોનાં ઘાની આદત પડી છે,
તારા મૌનના પડઘા હવે ભારે પડે છે.

×××××------×××××--------×××××---------×××××


સ્પર્શ

લાગણીથી મન કોઈ છલકાયું લાગે છે,
શબ્દોથી કાગળ થોડો અમસ્તો ભરાયો છે?
વેદનાને કોઈ એ અહીં દર્શાવી છે એવી,
કે શાહી છે પ્રસરી ને કાગળ ભીંજાયો છે!
કાગળ પર શરમાતો એક ચહેરો અંકાયો છે,
લાગે છે કોઈ જીવ પ્રેમમાં રંગાયો છે!
કોરો આ કાગળ પણ કેવો જીવંત થયો છે,
કમાલ એવો કલમના સ્પર્શનો વર્તાયો છે!


-------××××------××××------××××-------××××------


જીવન કેરી સફર કેવી ઝટથી પૂરી થઈ,
માર્યું હજી મટકું ત્યાં સવાર પડી ગઈ!

માનવી ને રમકડા વચ્ચે ઝાંઝો નથી ફરક,
ચાવી ચઢાવે બન્ને ને ચાલવાની આદત છે!

સમય ને ક્યાંથી કહેવાય તું રોકાઈ જા જરા,
માટે તારીખો ભૂલવાનો ડોળ કરી લઉં છું!

કોને ખબર, શું છે વેર મારાથી દર્પણને?
સામે ઊભી રહું છું ને ચાડી ખાઈ જાય છે!

મૃત્યુથી ડરવાની એને જરૂર શી?
આત્મા જ્યાં પહેલેથી નિરાંતમાં પોઢે છે!

-----××××------××××-------××××------××××-------

સૂરજનું આથમવું ને ધરાએ ઓઢ્યો રંગ રાતો,
ક્ષિતિજ પર ચોક્કસ મિલનની થતી હશે વાતો !

પડછાયો છોડે હાથ ત્યાં આગિયાં દેતાં સાથ,
જીંદગી જીવતાં ગયાં જેમ મળતો રહ્યો સંગાથ!

માનવમેદની વચ્ચે એ એકલતામાં ઝૂરતાં હતાં,
મળ્યાં જ્યાં રસ્તા બે, એકમેક ને ભેટી પડ્યાં!


×××××------×××××--------×××××---------×××××


ઝાકળ

શીતળતા સ્પર્શી વાયરાને, બન્યો એ પેલું ઝાકળ,
ફૂલો બધાં પોઢી ગયાં અહીં ઓઢીને જે ઓઢણ !

સમજદારી લાગે છે ઝાકળને માનવીની ફિતરતની
એનાં સિવાય ભીંજવ્યું બધું પોતાના એક સ્પર્શથી !

સોનેરી કિરણો રેલાયા ધરા પર કાંઈક એવાં
ગગનથી ઊતરી પેલું મેઘધનુષ ઝાકળમાં વહેંચાયું!

હતી ઈચ્છા કંઈક હજી અધૂરી ફૂલોની ભીંજાવાની,
ત્યાં તો તડકાએ લીધી સમેટી ઝાકળની આ ચાદર!


×××××------×××××--------×××××---------×××××

હું માંગું

એકાંતને મળી, હું શૂન્યમાં વિસ્તરવા માંગું છું,
અસ્તિત્વને મારા મોકળાશ આપવા માંગું છું.

ઊંડાણથી ક્યાં લાગ્યો છે મને ભય ક્યારેય?
ગાઢ ભીતરમાં હું ઝંપલાવવા માંગું છું.

શબ્દો મને ભીંજવવા રહ્યાં છે અસમર્થ,
મૌનને ઓગાળી હું પલળવા માંગું છું.